૧લી મે.. એટલે ગુજરાત દિવસ.. આ દિવસે અનેક જગ્યાએ અનેક રીતે ગુજરાતની યશોગાથા ગવાઈ. આનંદની અને ગૌરવની વાત. જે આપણું છે, જે વહાલું પણ છે એને યાદ કરવું એના વિશે અલગ અલગ વાત કરવી ગમે જ અને આ તો ગુજરાત મોરી મોરી રે એવા ગુજરાતની વાત…
આ દિવસે ઘણીબધી વાતોની સાથે આ એક કાવ્ય પણ વાંચવામાં આવ્યુ અને એ કાવ્ય મારી સ્મૃતિને સીધી જ નવ વર્ષ પહેલાના ભૂતકાળ તરફ દોરી ગયું.
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મારી ગુજરાત છે.
વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે.
પૂર્વ હો યા પશ્ચિમ, ઉત્તર હો યા દક્ષિણ,
ગિરા સૌની એક જેના રુદિયામાં ગુજરાત છે.
મુનશીની અસ્મિતા ને પાટણની પ્રભુતા છે,
સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.
થઈ ગયા છે ગાંધી અને થઈ ગયા લોખંડી વીર,
ઈતિહાસને પલટી રહ્યા,મોદી ખડા ગુજરાત છે.
શહેરે શે’રને દેશવિદેશે, ગૂંજે છે હર ઘર મહીં,
તે વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.
દિસે પાણી ચારેકોર ને શાન -માન લહેરાય છે.
આકાશે ઉતરી કદી ,તુ આવ આ ગુજરાત છે.
વાત છે ૨૦૧૦ની. અમેરિકા આવીને વસ્યા અને અમેરિકન વાતાવરણમાં થોડા ભળતા પણ થયા. અહીં ઉનાળો શરૂ થાય, માંડ ઠંડીથી છૂટકારો મળે. પેલા નાનકડા પંખીથી માંડીને બખોલમાંથી બહાર ડોકાતા પેલા સસલા કે ચિપમંકની જેમ આપણો ય હાઈબર્નેશનનો સમય પણ પૂરો થાય અને એ ય ને મઝાથી મોર્નિંગ કે ઇવનિંગ વૉક ચાલુ થઈ જાય. આપણા જેવા બીજા ય આ સમયનો સદઉપયોગ કરી જ લે ને? હા, તો આવી જ એક સાંજ અને ચાલતા ચાલતા ચાર સજ્જનોનું ગ્રૂપ સામે મળ્યું..
હેલ્લો, ગુડ ઇવનિંગથી શરૂ થયેલી વાત એકબીજાની ઓળખ સુધી પહોંચી. એમાંના કોઈક દક્ષિણ ભારત તો કોઈ મહારાષ્ટ્રથી હતા અને મોટાભાગના બધા જ ઊંચા હોદ્દા પર કામ કરતા હતા અથવા કરી ચૂક્યા હતા. જ્યાં હું એમ બોલી કે હું અમદાવાદ-ગુજરાતથી છું એ સાંભળીને એકદમ સન્માનથી ભાવનાથી એક ભાઈ બોલ્યા, “अरे! वो तो नरेन्द्र मोदी का शहर और वहा तो महात्मा गांधी का आश्रम है… है ना?”
એ સમયે એમના ચહેરા પર જે અહોભાવ જોયો…… આજે પણ યાદ છે. એ સૌ કોઈ ગુજરાત કે અમદાવાદ વિશે જાણતા જ હતા પણ એક ગુજરાતી પાસેથી ગુજરાતની વાતો સાંભળવાની ઉત્સુકતા એટલી હતી કે મારા મનમાં તો મારું ગુજરાતી હોવાનું ગૌરવ અનેકગણું વધી ગયું. અખબારમાં સતત ચાલતા રાજકારણના સમાચારથી સૌ કોઈ માહિત હતા પણ એમને ગુજરાત વિશે, ગુજરાતનો ઇતિહાસ, એના હેરિટેજ, ગુજરાતના કલાત્મક વારસા વિશે જાણવામાં ખુબ રસ હતો. અમદાવાદ સ્થિત આઇ, આઇ એમ. અને સેપ્ટ વિશે તો ખબર જ હતી પણ એમને રસ પડ્યો ગાંધી આશ્રમ વિશે જાણવામાં. અને પછી તો જેટલી વાર મળતા ગયા એમ ગુજરાત વિશેની વાતોનો ખજાનો ખુલતો ગયો.
એક પછી એક નવા સ્થળ વિશે વાતો થતી ગઈ. ગુજરાતના સ્થાપત્ય જેમાં અડાલજની વાવ, રાણીની વાવ, સૂર્ય મંદિરની સાથે ગીરના જંગલની પણ વાતો થઈ. અરે એમને તો કચ્છના સફેદ રણમાં પણ એટલો જ રસ પડ્યો. સફેદ ખુલ્લા રણમાં ઊગતા કે અસ્ત થતા સૂર્યને જોવાનો, શિયાળાની ઠંડી મોસમમાં રાતની ચાંદનીમાં અત્યંત સુંદર લાગતા સફેદ રણનો નજારો અને ફેબ્રુઆરીમાં ત્યાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમ માણી લેવાનો નિર્ણય તો લેવાઈ પણ ગયો. દરિયા કિનારાનું સૌંદર્ય તો એમણે માણ્યું જ હતું પણ કચ્છમાં મીઠાના અગરો શિયાળામાં સૂકાઈને સફેદ રણમાં ફેરવાઈ જાય છે એ અદભૂત ઘટનાનો લહાવો ન જ ચૂકાય એવું એમણે નક્કી કરી લીધું.
દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રનો પણ પોતાનો ઇતિહાસ છે જ પણ એ સમયે લાગ્યું કે ગાંધીબાપુ કે નરેન્દ્ર મોદીજીના લીધે ગુજરાત મુઠ્ઠી ઉંચેરું છે. જેની ધરતી પર આવા વિરલા હોય, જેમણે વિશ્વના ફલક પર ગુજરાતનું નામ ગૌરવવંતુ કર્યું હોય એવું ગુજરાત મારી જન્મભૂમિ છે એ વાતે તો મને પણ વિશિષ્ઠ બનાવી દીધી.
આ ગ્રૂપમાં એક પી.એચ.ડી થયેલા અને મુંબઈની ભાભા ઍટૉમિક રિસર્ચ સેન્ટરમાં લગભગ ૩૫ વર્ષ સુધી જોડાયેલા એક વડીલ પણ હતા. એમને ડૉ.વિક્રમ સારાભાઈ વિશે વાત કરવામાં રસ હતો. હવે ડૉ. વિક્રમ સારાભાઈની કારકિર્દી વિશે તો મારા કરતાં એમની પાસે વધુ જ માહિતી હોય ને? પરંતુ એમને રસ હતો એ જાણવામાં કે ડૉ. વિક્રમ સારાભાઈએ સ્થાપેલી આઇ. આઇ. એમ.(ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) કે અટીરા ( અમદાવાદ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ અસોસિએશન) મેં જોઈ છે? એની મુલાકાત મેં લીધી છે? એમના માટે આ બંને માત્ર સ્થળ હોવા કરતાં કંઇક વિશિષ્ટ હતા.
આઇ. આઇ. એમ. અને અટીરા બંને મેં જોયા છે એવું સાંભળતા જ એ તો એકદમ ખુશ. આઇ. આઇ. એમ. કેમ્પસ અને અટીરાના નૈસર્ગિક વાતાવરણ વિશેની વાતોથી એ એકદમ પ્રભાવિત થઈ ગયા અને આવી તો કેટલીય વાતો અવારનવાર થતી રહી ત્યારે સાચે જ એવું ફરી એકવાર અનુભવ્યુ કે ભલે ને પરદેશમાં રહ્યા પણ
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મારી ગુજરાત છે.
વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે.
ગુજરાતના તહેવારો વિશે પણ અછડતી માહિતી હતી જ. દિવાળી તો બધે જ ઉજવાય છે પણ નવરાત્રી? એ નવલી નોરતાની રાત અને હિલોળે ચઢેલા ઉત્સાહ વિશેની વાતો સાંભળવાનો ઉત્સાહ મને સ્પર્શી ગયો.
અને ભાઈ! પરદેશમાં આવીને સ્વદેશ વિશે, જનની જન્મભૂમિ એવી ગુજરાત વિશે થયેલી વાતો તો આજે પણ મને આ વાતની યથાર્થતાનો અનુભવ કરાવે છે……શહેરે શે’રને દેશવિદેશે, ગૂંજે છે હર ઘર મહીં, ચારેકોર ને શાન -માન લહેરાય છે.
કાવ્ય પંક્તિ – દેવિકા ધ્રુવ
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
આનંદ સાથે આભાર, રાજુલબહેન.
ગુજરાતના મહિનામાં ગુજરાતનો મહિમા ગાઈએ તો ખરા ગુજરાતી કહેવાઈએ ને?!!
LikeLiked by 1 person
ગુજરાત ક્યાં નથી? એ તમારી કવિતાની જેમ આપણી આસપાસ જ છે.
LikeLike
Reblogged this on રાજુલનું મનોજગત and commented:
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મારી ગુજરાત છે.
વેશભૂષા વિદેશી છે પણ ગૌરવ આ ગુજરાત છે.
LikeLike