વાત્સલ્યની વેલી ૨૫) સીધાં ચઢાણ : પોલીસની મદદ !

સીધાં ચઢાણ :
આપણાં આ સમગ્ર વિશ્વની સૌથી મહત્વની મૂડી શું છે ? આપણાં બાળકો ! ગમે તેટલી સુખ સમૃદ્ધિ ,અદયતન ટેક્નોલોજી ,વિજ્ઞાન કે પોતાના જીવથીયે જો કાંઈ પણ – કે કોઈ પણ- મહત્વનું હોય તો તે પોતાનું બાળક છે! અને એ બાળકને અમારે ત્યાં મુકવા માટે જયારે કોઈ પણ માં બાપ આવે ત્યારે તેમનો સંપૂર્ણ વિશ્વાસ અમારી સંસ્થા માટે પ્રાપ્ત કરવાનું કામ ડાયરેક્ટર તરીકે મારું હોય એ સ્વાભાવિક છે! એ વિશ્વાસ સદંતર જળવાઈ રહે તે માટે સ્ટાફ પણ એવો જ પ્રતિબદ્ધ હોય! તેથી ક્યારેક જો કોઈ મા બાપે અમને કસોટીની એરણ પર ચકાસ્યાં હોય તો અમે એમાં કોઈ દોષ જોવાને બદલે બાળકોના ભલા માટે કરેલી કસોટીમાં અમે અમને સુધરવાની તક જોઈ છે ,સારું, સૌનું હિત અને હકારાત્મક અભિગમ જ જોયાં છે!
ત્રણ ચાર વર્ષના ગ્રેગરીને અમારે ત્યાં સ્કૂલિંગ શરૂ કર્યે થોડો જ સમય થયો હતો; ત્યાં એક નમતી બપોરે એના કાકા એને લેવા આવ્યા . એમણે પોતાનું ડ્રાયવર લાયસન્સ બતાવી પોતાની ઓળખાણ આપી . જો કે રજીસ્ટરમાં એમનું નામ ન હોવાથી એમને ગ્રેગરી સોંપવાનો અમે ઇન્કાર કર્યો . “ આ મારા કાકા છે!” ગ્રેગરીએ દૂરથી પોતાના અંકલને જોયા એટલે એ દોડીને આવ્યો અને કાકા સાથે ઘેર જવા રડવા માંડ્યો! અમે એના પેરેન્ટ્સનો કોન્ટેક કરવા વ્યર્થ પ્રયત્ન કર્યા . કોઈંએ સાથે ફોનથી વાત થઇ ના શકી !હવે પચ્ચીસેક વર્ષના એ અંકલની ધીરજ નો અંત આવી ગયો એટલે એમણે અવાજ જરા મોટો કર્યો. હવે મારે એમને ધમકી આપવી જ રહી!
“ જુઓ ભાઈ , તમે આ રીતે બોલશો તો હું પોલીસ બોલાવીશ” મેં જ્યાં એ શબ્દો ઉચ્ચાર્યા ત્યાં તો પાછળ ક્યાંક છુપાઈને ઉભેલા ગ્રેગરીના પપ્પા દોડીને આવ્યા!
એમણે કહ્યું કે એમણે માત્ર ખાતરી કરવા જ આવું કર્યું હતું , કારણ કે આગલી સ્કૂલમાં એ દૂધથી દાઝ્યાં હતા એટલે છાશ પણ ફૂંકીને પીતાં હતાં! એ વાત ત્યાં જ પુરી થઇ.
વર્ષો પછી એક બેંકમાં કોઈ કારણસર જવાનું થયું ત્યારે મારું બિઝનેસ કાર્ડ જોઈને એ ઓફિસર બેને મને સરપ્રાઈઝ આપતાં કહ્યું કેતમારી પાછળ, બહાર લોબીમાં જે જુવાન પોલીસ ઓફિસર ઉભો છે તે બીજો કોઈ નહીં પણ તમારી પ્રિસ્કૂલમાં ફલાણા વર્ષોમાં ભણી ગયેલો ગ્રેગરી છે! એ ઓફિસર બેને મને કહ્યું કે પોતે એની મમ્મી છે કે જેને મારે મળવાનું ભાગ્યે જ બન્યું હતું કારણકે ગ્રેગરીને ડે કેરમાં લાવવા લઇ જવાનું કામ ગ્રેગરીના પપ્પા કરતા હતા.
“ ગ્રેગરી, તને તારા એ બાલમંદિરના દિવસોમાં શું યાદ છે?” મેં પૂછ્યું . એણે કહ્યું એક તો ઇન્ડિયન ટીચર ,જે તમે હતાં અને પેલાં બારણાં વિનાનાં મેજીક લોકર! ( એની વાત આ કોલમના પાછળના ચેપટર માં કરીશું )

જો કે વર્ષો પહેલાં, ગ્રેગરી જયારે નાનો હતો ત્યારે તે દિવસે મેં ગ્રેગરીના અંકલને માત્ર પોલીસની ધમકી જ આપી હતી, પણ બાળકોની સંભાળ લેતાં ક્યારેક ક્રિટિકલ પરિસ્થિતિ ઉભી થતાં પોલીસની મદદ લેવી પડી છે! નાનાં બાળકોની સંભાળ લેવી, તેમને સાચવવાં, તેમને ઉછેરવાં એ સર્કસમાં દોરડા ઉપર ચાલતા નટ જેવું પૂરાં ધ્યાનથી એકાગ્રતાથી કરવા જેવું કામ છે! મેં એ ક્ષેત્ર પસંદ કર્યું હતું, મને એ વિષયમાં સમજ અને સૂઝ હતાં પણ તેમ છતાંયે એકાગ્રતાતો રાખવી જ પડે ને ? આ બીજો પ્રસંગ જુઓ!
લુઈસ અને ક્રિસ બે બાળકો ફોસ્ટર કેરમાંથી આવતા હતાં.
ફોસ્ટર કેર એટલે જયારે બાળકો માતા પિતા સાથે રહેતાં ના હોય અને અન્ય કુટુંબના લોકો એમને ઉછેરતાં હોય ! આપણે ત્યાં દેશમાં ગવર્મેન્ટ આવું બધું કરતી નથી ; માત્ર સમાજમાંથી માણસાઈની દ્રષ્ટિએ કોઈ દાદા કે નાના કે આડોશી પડોશી આવાં બાળકોનો ચાર્જ સંભાળે છે!
બે વર્ષ અને ત્રણ વર્ષની ઉંમરના ક્રિસ અને લુઈસ અમારે ત્યાં નાનીમા સાથે આવેલ . નાનીમાએ બધાં કાયદેસર કાગળો બતાવીને મને કહ્યું; “ મારી દીકરી ગેરકાયદેસર દવાઓની બંધાણી હોવાથી એ (જેલમાં) સુધરવાની ઇન્સ્ટિટ્યૂટમાં છે; અને આ છોકરાઓનો બાપ મેક્સિકોમાં જતો રહ્યો છે. કોઈ પણ સંજોગોમાં આ બાળકો ઉપર એમનો અધિકાર નથી! જો કે આ બાળકો આ સ્કૂલમાં છે તેની કોઈને ખબર નથી એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” વગેરે વગેરે.
બધું બરાબર પેપર પર લખાઈ ગયું અને બધાં ડોક્યુમેન્ટ્સ પુરાવાઓની કોપીઓ પણ કોન્ફીડેન્સીઅલ ( ખાનગી) ફાઈલમાં મુકાઈ ગઈ ! પછી દોઢેક વર્ષ બાદ અચાનક એક સવારે એક મજુર જેવા લાગતા હિસ્પાનીક ( મેક્સિકન ) જેવા ભાઈ અમારા સેન્ટર પર આવ્યા! હું ઓફિસમાં જ હતી એ ભાઈએ મને ક્રિસ અને લુઈસ વિશે પૂછ્યું કે ‘એ બાળકો સ્કૂલે આવી ગયા છે કે નહીં?’
મેં થોડા પ્રશ્નો પૂછ્યા :ક્યા બાળકો વિશે , શા માટે પૂછો છો ? તમે કોણ છો? વગેરે.
“ હું એમનો બાપ છું;” એમણે રડતાં રડતાં કહ્યું; “ મારે મારાં બાળકોને જોવા છે, પ્લીઝ !”
આ એ જ બાપ( અને મા પણ) હતાં જેઓએ એ કુમળા બાળકોને સિગારેટના ડામ ચાંપ્યાં હતાં! (ડી સી એફ એસે આ બધાં એબ્યુઝ નોંધ્યા હતાં )એ બાળકો દોઢ વર્ષ પહેલાં જયારે અમારે ત્યાં આવવાનું શરૂ કર્યું ત્યારે ટેબલ નીચે સંતાઈ રહેતાં! એ બાળકો વાત વાત માં ચમકી જતાં અને નાની નાની બાબતથી ડરી જતાં! એમને હાથે પગે જે પંદર વીસ સિગારેટનાં ડામ હતાં તેને સંપૂર્ણ રૂઝ આવતાં મહિનાઓ થયેલ ! કેટલી થેરાપીઓ અને અમારી સતત હૂંફ પછી હવે એ બાળકો ફૂલની જેમ ખીલી રહ્યા હતાં! ગોરા ગોરા ચહેરા અને બ્લાન્ડ સોનેરી વાળ ! ખરેખર એ દુશમનનેય વ્હાલાં લાગે તેવાં બાળકો હતાં! તો બાપને તો મળવાની તાલાવેલી થાય જ ને ? પણ આ તો ચાઈલ્ડ એબ્યુઝ અને ચાઈલ્ડ નીગ્લેક્ટનો કોર્ટનો કેસ હતો ! એમાં લાગણી ના ચાલે ! અહીં બાળકની સલામતીની વાત હતી!
મારે તો મારી ફરજ બજાવવાની હતી! Zero tolerance !
થોડી જ વારમાં પોલીસ અને નાની આવી ગયાં!
ત્યારે તો બાપને કસ્ટડીમાં લઇ ગયાં, જો કે બીજે દિવસે બાળકોને બાપને મળવા દીધેલા એમ ગ્રાન્ડ્માએ કહેલું!
સમયસચુક્તા ના વાપરી હોત તો પરિણામ કાંઈ જુદું જ આવ્યું હોત!
જો કે કસ્ટડી પ્રશ્ને ઘણી વાર ગંભીર બનાવો બનતા જોયા છે! મા બાપની ઉંમર નાની હોય, બાળકો પણ નાના હોય એટલે નોકરી ધંધો કરતાં મા બાપને સ્ટ્રેસ – માનસિક અને શારીરિક હોય તેથી વિસંવાદ વધી જાય અને જો જુદાં થાય તો બાળકની કસ્ટડી કોઈ એક પેરેન્ટને જ મળે !
ક્યારેક એ સમ્બન્ધો ખુબ ખરાબ હોય તો , બીજા પેરેન્ટને બાળકને મળવાનો હક્ક પણ ના મળ્યો હોય તો , એવા સંજોગોમાં ,બીજા પેરેન્ટને બાળક માટે કોઈ માહિતી જોઈતી હોય, અથવા તો કોઈ એ બાબતનો ફોન પણ ડે કેરમાં આવ્યો હોય તો બીજા કે ત્રીજા જ દિવસે કસ્ટડી મળેલ પેરન્ટ- મા પોતાના બાળક સાથે અમારું ડે કેર છોડીને બીજે જતી રહી હોય તેવું બન્યું છે! હા એવું જ બન્યું છે: હમેંશા! એક પણ અપવાદ વિના !
વાત્સલ્યની વેલ જેટલી સુંદર અને સુગંધિત લાગે છે તેના મૂળમાં ખાતર પાણી સાથે ઘણી મહેનત પણ ખરી જ! ઢાળ ઉપરનાં સીધાં ચઢાણ જેવું એ કામ હતું! જો કે ઢાળ ચઢનારને તો એમ જ હોયને કે ઉપર મહાદેવનું મંદિર છે , હમણાં ભલે શ્રમ પડે, પછી નિરાંતે વિશ્રામ કરીશું! ઉપર ભગવાનના દર્શનનો લાભ તો છે જ ને?એટલે મહેનત કરવામાટે ઉત્સાહ જ રહે ને? પણ કોઈ દિવસ આપણે વિચાર્યું છે કે ચઢવું જેટલું અઘરું છે તેનાથી અનેક ઘણું અઘરું ઢાળ ઉતરવાનું હોય છે! બાળ સંભાળ અને બાળ શિક્ષણના ક્ષેત્રમાં સીધાં ચઢાણ પછી, અનેક પડકારો અને પ્રશ્નોને સફળતાથી સુલઝાવ્યા બાદ એક સારી ગુણવત્તાની સ્કૂલ તરીકે અમે એસ્ટાબ્લિશ થઇ રહ્યાં હતાં. અમારી આજુ બાજુ હવે નવા નવા ડોલર સ્ટોર અને વિડિઓ સ્ટોર, બ્યુટી પાર્લર ખૂલ્યાં હતાં! ગ્રાન્ડ એવન્યુ બિઝનેસ ઝોન બની ગયો હતો! વાત્સલ્યની વેલ તો વિકસી રહી હતી, શું અમે એને સાંભળી શકીશું ? એ સ્ટ્રગલની ,એ ઝંઝાવાત અને મુશ્કેલીઓની વણઝારની વાત હવે પછી ! આવતે અંકે !

૨૮ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

શનિવારની બપોરના સરસ મઝાના હુંફાળા તડકામાં ઘણા-બધાને બહાર ટહેલતા તો જોયા હતા એટલે મને પણ જરા બહાર નિકળવાનું મન તો થયું હતું. વિચાર અમલમાં આવે એ પહેલાં તો ટીન,,,,,ટીન…..ડૉરબેલ વાગ્યો. બારણું ખોલ્યું તો સામે સાવ દસ વર્ષની સરસ મઝાની મીઠડી છોકરીને હાથમાં નાનકડો, એનાથી ખભે લટકાવી શકાય એવો થેલો લઈને એના જેવા જ મીઠ્ઠા સ્મિત મઢેલા ચહેરે ઊભેલી જોઈ. કૉમ્યુનિટી રૉડ પર પાર્ક થયેલી કારમાં એની મમ્મીને પણ જોઈ. સાવ પહેલી વાર જ જોયેલી આ છોકરીએ એના થેલામાંથી એક બોક્સ કાઢ્યું…. અરે ! આ તો કેરેમલ ડિલાઈટ સમોઆસ કૂકી…

હવે ? આમ તો બે દિવસ પહેલાં વૉલમાર્ટની બહાર પણ સ્કાઉટ ગર્લ્સ આવી જ કૂકી લઈને ઊભેલી હતી. એમની પાસેથી પણ એ ચોકલૅટ-કોકોનટ ફ્લેવર કૂકી લીધી હતી પણ ઘર આંગણે આવેલી આ છોકરીની પાસેથી પણ કૂકી લેવાનું ગમ્યું. આ કૂકીનો સ્વાદ આમે ય દાઢે તો વળગ્યો છે એટલે આપણે તો દલા તરવાડીની જેમ લઉં બે -ચારના બદલે લે ને દસ-બાર જેવી નીતિ અપનાવી. આમે વર્ષમાં એક જ વાર તો આ લહાવો મળવાનો ને? ( સુગર કાઉન્ટ સામે આંખ મીચાંમણા કરી જ લીધા).

સ્પ્રિંગ આવે અને આવી રીતે સ્કાઉટ ગર્લ્સ જોવા મળે. એવું નથી કે આવા બે -ચાર કૂકીના બોક્સ આપણે લઈ લીધા અને એ લોકો ન્યાલ થઈ જશે પણ હા! એમના સપનાના વાવેતરમાં આપણે કશુંક ખાતર કે પાણી ઉમેરવામાં સહભાગી તો જરૂર બનીશું કારણકે એ છોકરીની આંખમાં, એની વાતોમાં મેં કશુંક તો એવું અનુભવ્યું કે જે મને સ્પર્શી ગયું. એની વાતોમાં સ્વબળે આગળ આવવાના પાયામાં એક ઈંટ મુકાતી જોઈ. એ ઘેરી કથ્થાઈ આંખોના ઊંડાણમાં ભાવિના સપના સાર્થક કરવાના મબલખ મનોરથ જોયા. એની સાથે વાતો કરવાનું ગમ્યું.

“ I am Anjelina, everyone calls me Anjoo” આંખો પટપટાવતા એણે મારા સવાલનો જવાબ આપ્યો.

એક હદથી તો વધારે વાતો થઈ નહોતી એની સાથે પણ એટલા સમયમાં પણ આપમેળે ઊભા થવાનો અનહદ આત્મવિશ્વાસ એનામાં જોયો. એની સાથેની પાંચેક મિનિટમાં થયેલા અલપઝલપ સંવાદોમાં પણ પણ ભાવિ માટે સોનેરી સપનાની લકીર જોઈ. કૂકી લઈને આવેલી કન્યા એ કોઈ મોટી ઘટના નહોતી પણ એને મળવાની, એની સાથે વાત કરવાની ઘટના મને કદાચ કાયમ યાદ રહી જશે.

થોડા સમય પછી સમર શરૂ થશે અને આવા ટાબરીયા એમના ઘર પાસે નાનકડા ખુરશી ટેબલ લઈને લેમૉનેડ કે એવા જ કોઈ પીણાં લઈને બેસશે અને આપણે આ સ્વાશ્રયી બનવાની વૃત્તિને બિરદાવવા કહો કે હોંશને ટેકો આપવા કહો પણ એમની પાસેથી હોંશે હોંશે એ પીણાં લઈશું પણ ખરા. વાત માત્ર કશુંક લઈને એમને ખુશ કરવાની નથી પણ એમાંથી આ નવી પેઢીને ભવિષ્યમાં કશુંક નક્કર આયોજન કરવાની ધગશને ટેકો આપવાની છે.

એ છોકરીને જોઈને એવું લાગ્યું કે એમની પાસે કોઈ એવી વાત છે જે એમને વિશેષ બનાવે છે. એના મનના તળમાં નક્કર સપનાની ભૂમિકા બંધાતી જોઈ. આવી કૂકી લઈને કોઈ મોટા સ્ટોરના ગેટ પાસે ઊભા રહેવામાં કે કોઈપણ અજાણ્યા ઘરના દરવાજે જઈને ઊભા રહેવામાં જરાય સંકોચ ન અનુભવતી આ છોકરીઓમાં સ્વબળે આગળ આવવાનો નિશ્ચય જોયો. એંજલિનાની વાતોમાં એટલો તો છલોછલ આત્મવિશ્વાસ ભરેલો હતો! અને પાછું એવું જરાય નહોતું કે પોપટીયું રટણ એ રટી જતી હતી કે મમ્મીએ અથવા સ્કૂલમાં શીખવાડેલી શાણપણની વાતો એ અહીં વ્યકત કરી રહી હતી કે પછી પુસ્તકીયું પઠન કરી જતી હતી. ઉંમરને અનુરૂપ પુરેપુરી સમજદારીપૂર્વક એ વાત કરતી હતી. નાનકડી ઉંમરમાં પણ ઘણી બધી નિર્ણયબુદ્ધિનો અણસાર એનામાં જોયો જે ખુબ ગમી ગયો. અને આ બધા સમય દરમ્યાન ન તો એણે એની મમ્મી તરફ નજર કરી કે ન તો એની મમ્મીએ ગાડીમાંથી ઉતરીને દિકરીના કામને ટેકો આપવાનો પ્રયાસ કર્યો.

અને મને ક્યારેક વાંચેલી એ પંક્તિઓ યાદ આવી ગઈ.

ઊંડું જોયું, અઢળક જોયું;મનમાં જોયું, મબલખ જોયું

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;ઊંડે જોયું, અઢળક જોયું.

જળમાં જોયું, ઝગમગ જોયું; ઊંડે જોયું, અઢળક જોયું.

પલમાં જોયું, અપલક જોયું; હદમાં જોયું, અનહદ જોયું;

અપલક રીતે જોઈ રહેલી અને નિર્ધારથી ચમકતી એની આંખોમાં એક એવી જ્યોતિ જોઈ જેના ઉજાસમાં એંજલિનાનું ઝળહળ ભાવિ દેખાયું. કોઈ ગેબી તળની છીપમાં પાકતા ઝલમલ મોતી જેવા એના મનના તળમાં ઉછરી રહેલા અઢળક સપનાઓનો ચળકાટ જોયો.  

અને થયું કે જરૂર આ એક એવું બાળક છે જે આવતી પેઢીની જવાબદાર અને સફળ વ્યક્તિઓ બની ઉભરશે.

કાવ્ય પંક્તિ – ચંદ્રકાંત શેઠ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ: 24 ઘડપણનો પ્રેમ- સપના વિજાપુરા

આ ઘડપણ કોને મોક્લ્યુંં? ઘડપણ માં જવાનીનું શારિરીક આકર્ષણ ખતમ થઈ જાય છે તો એનું સ્થાન પ્રેમ લઈ લે છે. પ્રેમ પરિપક્વ થઈ ને એક વૃક્ષ બની જાય છે.બાળકોની જવાબદારી નથી, હવે સમાજની પણ ચિંતા નથી.હવે ફકત એકબીજાની ચિંતા કરવાની છે. એકબીજાના આરોગ્યની, ખાવા પીવાની અને એકબીજાની ખુશીની. હવે તમે ફકત પથારીના સાથી નથી પણ એકબીજાની જરૂરિયાત બની ગયા છો.

પ્રેમ હવે પરવાન ચડી ગયો છે. પરિપક્વ થયો છે.જવાનીનો ગુસ્સો, જુસ્સો શાંત થઈ ગયાં છે. હવે એકબીજાની લાગણી અને પ્રેમની કદર થઈ છે.પ્રેમ એટલે શું? પ્રેમનો કોઈ પર્યાય છે? પ્રેમ એટલે કાળજી!! પ્રેમ એટલે એકબીજાની લાગણીની, એકબીજાના સ્વાસ્થ્ય ની, પ્રેમ એટલે એકબીજાની નાની નાની ખુશીનું ધ્યાન રાખવું.એના ચશ્મા ખોવાઈ જાય તો શોધી આપવા, એના નખ કાપી આપવા, એના કપડા ધોઈ આપવા, સોઈનો દોરો પરોવી આપવો.આવી નાની નાની કાળજી પ્રેમને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે.

ઘડપણ આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્ગશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, પહેલાં ..નાની..નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે.. દલીલોને હસવામાં કાઢી નાખી એ છીએ..કારણકે સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે. એક કારણ ઉંમરનું પણ છે. સતત એક બીજાને બીક લાગે છે.કે, કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી.*બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ( અજ્ઞાત)

આ પરિપક્વ પ્રેમની એક નિશાની મૌન રહેવું પણ છે. બની શકે ત્યાં સુધી દલીલમાં ના પડવું. હાર સ્વીકારતાં શીખવું. ઘણાં સંબંધમાં જીતવા કરતા હારવામાં મજા છે, બાળકો સાથે ખપ પૂરતું બોલવું. કોઈ પણ જાતની સલાહ આપવી નહીં. મોટે ભાગે મૌન ધરવું.ફોન પર લાંબી વાત કરવી નહીં.જે સામે ધરવામાં આવે તે ખાઈ લેવું. કદી એમના પગાર વિષે વાત કરવી નહી. આખરે તો સ્ત્રી અને પુરુષ જ એકબીજાને સહારો આપવા માટે એકલા જ હોય છે. બાળકો તો પાંખો મળશે એટલે ઊડી જવાના છે.
પોતાના આર્થિક વ્યવસ્થા કરી રાખવી જેથી બાળકો ઉપર બોજ ના આવે.મૃત્યુ પહેલા બાળકોના હાથમાં સંપત્તિ મૂકી ના દેવી. કારણકે તમને ખબર નથી કે તમારો બુઢાપો કેવો અને કેટલો લાંબો છે.

પત્નીથી કામ થતું નથી તો એને મદદ કરવી, મેણાટોણા મારી એને અપમાનિત ના કરવી. ભૂતકાળ ભૂલી જે જીવનના થોડાં દિવસો રહ્યા છે એને પ્રેમથી પસાર કરવા.કારણકે ખબર નથી ક્યુ પંખી પહેલું ઊડી જશે. ભૂતકાળ જો કડવો હોય તો એને સંભારીને આજ ને ના બગાડવી, નહીંતર દુનિયામાં તમે સાવ એકલા થઈ જશો.સુરેશ દલાલના આ ગીતમાં એક ડોસાનો એક ડોસી પ્રત્યેનો પ્રેમ ખૂબ સરસ રીતે વર્ણવવામાં આવ્યો છે. ડોસો જીદ કરી ડોસીને મેંદી મૂકવાનું કહે છે અને એમાં પોતાનું નામ લખવાનું પણ કહે છે. કોઈના લગનમાં જઈએ તો લોકોને પણ લાગવું જોઈએ કે આપણે વચ્ચે કેટલો પ્રેમ છે. અને વળી સુહાગ રાતની જેમ એમાં મારું નામ પણ ટપકાવજે!! આપણને જોઈને કોઇને લાગે કે પરણી જઈએ, કેવું મધુર જીવન છે.યુવાની માં પહેરતી હતી એવા કપડા પહેરવાનો આગ્રહ રાખે છે.સોનલ કમળ અને રૂપેરી વાળવાળો ભમરો!! કમળનું આકર્ષણ ભ્રમર ને સદા રહ્યું છે. આવો પ્રેમ આકર્ષણ બતાવે છે. જગજીત સિંહની ગાયેલી એક ગઝલની એક પંકતિ યાદ આવી !

માશુક કા બુઢાપા લજ્જત દિલા રહા હૈ,

અંગુરકા મજા અબ કિશ્મિશમે આ રહા હૈ.

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો
લાગેકે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે
કેજીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.
તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએને
ફરી લઈએ ફેરો;જીવતરનો

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ

શરીરની સુંદરતા ઓગળતાં પ્રેમ ઓસરી જાય તે પ્રેમ હતો જ નહીં એક આકર્ષણ હતું અને જે પ્રેમ ફકત આકર્ષણ થી થયો એ લાંબો ટકતો નથી.બુઢાપામાં એક બીજાને સહારો આપી જીવન હસી ખુશી થી ગુજારી દે એજ પ્રેમની સત્યતા બતાવે છે. આગળ કહ્યું એમ ક્યું પંખી પહેલું ઊડવાનું છે તે ખબર નથી, તેથી ઝાંખી પડેલી આંખો તમારા સાથીને શોધે એ પહેલા વહાલ વરસાવી લો. જો આઈ લવ યુ કહ્યું ના હોય તો કહી દો, અને મને તારી જરૂરત છે ના કહ્યું હોય તો કહી દો,અને એનો કરચલી વાળો હાથ પકડી કહી દો કે તું ખૂબ સુંદર દેખાય છે. અથવા તમારા પતિને કહી દો કે મને તારા વગર ના ચાલે કારણકે તું મારા શ્વાસોશ્વાસમા વસે છે.તારા વગર મારું જીવન સંભવ નથી.તારા વગરના જીવનની કલ્પના કરી શકતી નથી. ફરી કદાચ તમને આ કહેવાનો મોકો મળે કે ના મળે.મેં ઘણાં લોકોને પાછળથી પસ્તાતા જોયા છે. હર ઘડી બદલ રહી હૈ રુપ જિંદગી, છાવ હૈ કભી, કભી હૈ ધૂપ જિંદગી હર પલ યહાં જી ભર જીઓ, જો હૈ સમા કલ હો ના હો!! આજ પ્રેમ પરમ તત્વ છે!
સપના વિજાપુરા

૨૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

કર ભલા, હોગા ભલા

આ કહેવત ભલું કરવાનું કહે છે. “કર ભલા તો હોગા ભલા, જીવનકે જીનેકી યે હૈ કલા.” આ ભજન અમદાવાદના સત્સંગ પરિવારનાં નમ્રતા શોધનના મોંઢે એક વિડીયોમાં સાંભળ્યું. તેઓ નડિયાદમાં ડાયાલીસીસના પેશન્ટને આ સંભળાવતાં હતાં. તેઓ ભજન સંભળાવીને પેશન્ટની સારવાર કરે છે. કેટલું સુંદર તેમનું વિઝન છે? ભજનના શબ્દો સાથે પેશન્ટની જીવવાની ઉમ્મીદનો તાર જોડાયેલો રહે છે અને એ પેશન્ટ જેટલું પણ જીવે, તેને જીવતો રાખવામાં આ મદદ કરે છે. મનુષ્યની ભીતર પહેલેથી જ રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એટલે ધર્મ. દરેક જીવમાં પરમાત્માનો વાસ છે. બીજાનું ભલું કરીને મનુષ્ય તેની ભીતર રહેલ પરમાત્માને ભલાઈ દ્વારા પ્રગટ કરે છે. દરિદ્ર, મંદબુદ્ધિવાળા, દિવ્યાંગ, અભણ, અજ્ઞાની, દુઃખી અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ જ સાચો ધર્મ છે.

ગર્ભવતી સ્ત્રી ધાર્મિક પુસ્તકોનું વાંચન ગર્ભકાળમાં કરતી હોય છે માટે બાળક માના પેટમાંથી ભલું કરવાના સંસ્કાર લઈને આવે છે. ભલું કરવું એ માત્ર અમીરોનો ઈજારો નથી. એક ગરીબ, ફૂટપાથ પર રહેતી વ્યક્તિ પણ ભીખમાં લાવેલી વસ્તુ વહેંચીને ખાતો હોય છે. આ માનવધર્મ સાથે સંકળાયેલ વાત છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ભલું કરતી હોય છે. તેને નાત, જાત, ધર્મ કે દેશની સીમા સાથે કોઈ સંબંધ નથી. અરે! એક બાળક તેની પિગી બેંકમાંથી પૈસા કાઢીને અન્યને મદદ કરવા તૈયાર થઈ જાય છે. કોઇનું પણ ભલું કરવા માટે પ્રેમથી છલોછલ અંતઃકરણ જરૂરી છે. જો આપણે પ્રભુને સમર્પિત થઈશું તો જ પ્રેમ જાગૃત થશે. એક માનવ બીજા પાસે પ્રેમની ડૉરથી જ ખેંચાઈને આવે છે. રાગ-દ્વેષથી પર જઈને શ્રદ્ધા, સેવા, સમર્પણ અને સકારાત્મકતા પર જીવનની ઈમારત ટકેલી હશે તો ભલું કરતા કોણ રોકશે?

આ કહેવત કર્મનો સિદ્ધાંત સૂચવે છે. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, માનવ જેવું કર્મ કરશે તેવું ફળ પામશે. દરેક ધર્મનો કથાસાર આ જ કહે છે. ભલું કરે તેનું ભલું જ થાય છે. “સારા કર્મો કરો.” આ ત્રણ શબ્દોમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. બાજરી વાવ્યા પછી ઘઉં ઉગ્યા હોય એવું સાંભળ્યું નથી.

સાધુશ્રી બ્રહ્મવિહારીદાસજીએ સરસ વાર્તા કહી છે. ૩૫ વર્ષ સુધી એક કારીગરે શેઠનાં અનેક મકાનો બાંધ્યા. શેઠ ખૂશ હતાં. કારીગર ખૂબ જ હોંશિયાર હતો. એક દિવસ તેણે નોકરી છોડવાની વાત કરી. શેઠે કહ્યું, તું નોકરી છોડે તે પહેલાં મને, તારા હાથે છેલ્લું કામ કરી આપ. જતાં પહેલાં એક મકાન બનાવી આપ. કારીગરે આનાકાની કરી. મને જવા દો. શેઠે કહ્યું, તું તારા વતનમાં ખુશીથી જા પણ મારું આ વચન રાખ. કારીગરને મનમાં થયું, શેઠ જતાં જતાં પણ હેરાન કરે છે. તેની નકારાત્મકતા તેના કામમાં આવી. ભલીવાર વગરનું મકાન નિર્માણ કરી તે શેઠ પાસે ગયો અને કડવાશથી કહ્યું કે, શેઠ, તમે મારી પાસે જતાં જતાં વૈતરુ કરાવ્યું છે. શેઠને ખબર ન હતી કે તેણે મકાનમાં વેઠ ઉતારી છે. શેઠે ખૂશ થઈને કારીગરને મકાનની ચાવી સોંપતા કહ્યું, તેં અત્યાર સુધી સુંદર મજબૂત મકાનો મારા માટે બાંધ્યા છે. માટે કાયમી ભેટ તરીકે આ મકાન હું તને આપું છું. શેઠની આ આકસ્મિક ભેટની વાતથી કારીગરને થયું, મેં આ શું કર્યું? જેવું આપશો તેવું પામશો. ૧૪ વર્ષના નચિકેતાને, તેના પિતા, યમરાજને આપી દે છે ત્યારે તે પોતાના સકારાત્મક વિચારોથી યમરાજને પણ ખૂશ કરી દે છે. દિલ દઈને કરેલા કર્મનું ફળ હંમેશા શ્રેષ્ઠ જ હોય છે.

સમાજની અંધારી બાજુ પણ છે. કર્મયોગી રવિ કાલરા કહે છે કે આપણા સમાજમાં શ્રવણની સાથે એવા સંતાનો પણ છે કે જે વૃધ્ધ મા-બાપની પીટાઈ કરે છે, ઓરડામાં પૂરી દે છે, દવા ના કરાવે, ખાવા ના આપે. તેમની સંસ્થા આવા અનાથ અને બેસહારા માબાપોની સેવા કરે છે. જેમના શરીરમાં કીડા પડ્યા હોય, કપડા વગર ફૂટપાથ પર પડ્યા હોય તેમને રાત્રે લઈ આવે છે. એવા સંતાનો પણ છે જે માબાપના અસ્થિ લેવા આવતા નથી. તેવા લાવારીસ શબના અંતિમ સંસ્કાર તેઓ કરાવે છે. કાળઝાળ ગરમીમાં વિનામૂલ્યે પાણીની પરબ ઉભી કરવી, મૂંગા પશુ-પક્ષી માટે પાણી, ચણ કે ઘાસચારો પૂરો પાડવો, આમ ભલું કરનારની ભલાઈ ઈશ્વર જુએ છે. વળી, “કર ભલા, હોગા ભલા”ના મંત્રબળથી અનેક ગામોમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર કેળવણીના શિલ્પીઓને વંદન. અનેક દાતાશ્રીઓ આ ક્ષેત્રે ભલાઈનું કામ કરે છે જેનાથી કેળવણીનો મહાયજ્ઞ ચાલુ રહે છે. આમ લોકકલ્યાણના ભેખધારી સમાજમાં ઘણાં છે.

ક્યારેક લાગે છે કે આપણે જેનું ભલું કર્યું હોય તે જ આપણું બુરુ કરતો હોય છે. આપણે ક્યારેય કોઈના માટે ખાડો ખોદ્યો ન હોય, પણ આપણને ખાડામાં ધકેલી દેતાં અચકાય નહીં તેવી વ્યક્તિ પણ જીવનમાં મળે છે. કર્મની થીયરીની વાત ખૂબ ગહન છે. પરંતુ આ અનંત બ્રહ્માંડમાં તમારાં કર્મના પડઘા પડે જ છે. હા, તેનો સમય, સ્થળ, સંજોગો અને પ્રમાણ ઈશ્વર નક્કી કરે છે. આ માનવું જ પડે છે. ઉપનિષદ વગેરે શાસ્ત્રો પણ આ જ કહે છે. જ્યારે તમે જે ભાવથી ભક્તિ, દાન, સેવા કરો છો એ અનંતગણું બનીને તમારી પાસે પરત આવે છે. પોતાની આવકનો અમુક ભાગ જરૂરિયાતમંદો માટે વાપરવો એ દરેક ધર્મ કહે છે. ખાસ તો તમારા પરસેવાના પૈસાથી તમે જ્યારે કોઈને મદદ કરો છો ત્યારે તમારી મદદની સુગંધ ચોમેર ફેલાતી હોય છે. આત્માને ભલાઇ કર્યાની એક અજબ આનંદની અનુભૂતિ થતી હોય છે.

સંવેદનાના પડઘા-૨૭સ્ત્રીની મર્યાદાનો સ્વીકાર

યૌવનના ઉંબરે પહોંચેલી અનુપમાના પાંચફૂટ સાત ઈંચનાં સુંદર મૃતદેહને સોળે શણગાર સજાવી તેના વિશાળ ડ્રોઈંગ રુમમાં કુટુંબીઓને મિત્રોના છેલ્લા દર્શન માટે ખુલ્લો મૂક્યો હતો……
અનુપમાના અનુપમ સૌંદર્યને છેલ્લી વખત જોઈને તેનો પતિ અજય એક પુરુષ હોવા છતાં છાતી ધ્રુજાવી દે તેવું આક્રંદ કરી રહ્યો હતો.તેનું મન હજુ માનતું નહતું કે ખરેખર તેની અનુપમા તેને આમ અડધે રસ્તે મૂકીને અચાનક ચાલી ગઈ…….હેકડેઠઠ બેઠેલા બધાજ લોકોની આંખો આંસુથી ઊભરાતી હતી.બધાંને એકજ વાતનું આશ્ચર્ય હતું કે આટલી બહાદુર અને હિંમતવાળી સ્ત્રીની આ દશા!!!!!! અને આવું મોત!!!!!

હમેશાં પોતાની દીકરીની વાત કરતા જેની છાતી ગજ ગજ ફૂલતી હતી તે મનુભાઈ ચા વાળા આજે ભગવાનને ફરિયાદ કરતા હતા કે “તને જરાય શરમ ન આવી મારી વાઘ જેવી અનુની આ દશા કરતા?તેં આજે મને અનાથ બનાવી દીધો”વજ્ર જેવી છાતીવાળો બાપ આમ દીકરીની અચાનક,અકાળે થયેલ ક્રૂર હત્યાથી નાસીપાસ થઈ તેની છાતી પર માથું મૂકી પોંકે પોંકે રડીરહ્યા હતા.

અનુપમા આજથી પચાસ વર્ષ પહેલાં એક આગવી પ્રતિભા ધરાવતી ,આગવી વિચારધારા ધરાવતી,સી.એ થયેલી સૌંદર્યવાન સ્ત્રી હતી.તેનો પતિ અજય અને તે કોલેજથી જ સાથે ભણતાં.ભણવામાં હમેશાં અવ્વલ અનુપમા અને અજયે સાથેજ સી.એ પાસ કર્યું હતું.

અજયને અનુપમા પહેલેથી જ ખૂબ ગમતી.લગ્નનો પ્રસ્તાવ લઈને તે જ્યારે અનુપમા પાસે ગયો ત્યારે જ અનુપમાએ અજયને જીવન અંગે ,દુનિયાદારી વિશે,સમાજમાં સ્ત્રી તરીકે અને સ્ત્રીના અસ્તીત્વ અંગે પોતે શું વિચારે છે તે સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું.સાથેસાથે તેમ પણ કીધુંકે “હું આજ વિચારધારા સાથે જીવન વ્યતીત કરવા માંગું છું તમે અને તમારો પરિવાર સાથે બેસીને વિચારી લો પછી જ આપણે લગ્ન કરીએ.”

તે માનતી હતી કે સ્ત્રી અને પુરુષનું વજૂદ સમાજમાં એક સમાન હોવું જોઈએ.હું ભણેલી ગણેલી હોવાથી વ્યવસાયીક કામકાજ કરીશ.જીવનમાં ઘરનાં અને બહારનાં બધાજ નિર્ણયોમાં હું તમારી સમકક્ષ રહીશ. સ્ત્રી તરીકે અબળાનારી તરીકે મને ક્યારેય ગણવી નહી.આમ નારીશક્તિ જિંદાબાદનાં બધાજ નારાઓ તેણે અજય સામે ઉચાર્યા.નામ પ્રમાણે ગુણ ધરાવતી ,અનઉપમેય અનુપમાના સૌંદર્ય ,વાક્છટા અને આગવી પ્રતિભાથી અંજાઈ ગયેલ અજય તો તેના પ્રેમમાં પાગલ હતો.તેમનાં ખૂબ ધામધૂમથી લગ્ન થયા.

બધીજ રીતે તૈયાર અનુપમાએ તેની હોશિયારીથી ઘર,વર અને કુટુંબીજનોના હ્રદયને જીતી લીધું હતું. ચોખ્ખું ચણાક ઘર,સ્વાદિષ્ટ રસોઈ અને વટ વ્યવહારમાં પણ કાબેલ દીકરાની વહુના વખાણ કરતા સાસુ પણ થાકતા નહી.આખા કુટુંબમાં તેનું એક ચક્રી શાસન ચાલતું.કોઈ સ્ત્રી  વાત કરે કે “બાપ આપણેતો બૈરાની જાત આપણાથી આ ના થાય “ તો તે સ્ત્રીને તે ત્યાંને ત્યાં ખખડાવી નાખતી.પોતે ઓડીટ કરવા બહારગામ જતી તો પોતે કરતી તે ઘરના કામ પતિ કરે તેવો આગ્રહ રાખતી.પરતું અજયને અનુપમા ખૂબ વહાલી હતી તેને અનુપમાની કોઈ વાત સામે વાંધો નહોતો.કોઈ પંચાતિયાતો એવું પણ કહેતા કે “સો ભાયડા મારીને એક સ્ત્રી બનાવી છે ભગવાને અનુપમાને”.

એ દિવસે અનુપમા ડાકોર ઓડીટનાં કામે ગઈ હતી.રાત્રે આઠ વાગે ઘેર પહોંચી જતી અનુપમા રાત્રે દસ વાગેપણ ઘેર ન આવી.અજયે મનુભાઈને ત્યાં પૂછવા ફોન કર્યોકે અનુ ત્યાં કામ પરથી સીધી આવીછે? અનુ ત્યાં હતી નહી પણ મનુભાઈએ કીધુ “મારા દીકરા જેવી દીકરી ઘેર આવી જ જશે અને
અમદાવાદથી ડાકોર દૂર પણ કયાં છે કે તમે ચિંતા કરો છો! સૂઈ જાઓ નિરાંતથી તમે ત્યારે”

એટલામાં તો અનુપમાનો ફોન આવ્યો કે “હોળી ની પૂનમ અને ધુળેટીના  ઉત્સવને લીધે ડાકોરમાં એટલી ભીડ છે અને બધીજ બસો ભરેલી છે .મને બસ મળતી નથી પણ હું કંઈ પણ કરીને ઘેર પહોંચી જઈશ.”હવે અજયને શાંતિ થઈ.પરતું રાતના બે વાગ્યા પણ અનુ આવી નહી .અજયને ઊંઘ ન આવી પણ તે ફોન પણ કયાં કરે? ત્યારે સેલ ફોન પણ કયાં હતા!!!

સવારનાં પાંચ વાગતા જ તેણે મનુભાઈને ફોન કર્યો કે “અનુ હજી આવી નથી હું ડાકોર તપાસ કરવા જાઉંછું આપ કે અનુનો ભાઈસાથે આવો તો સારું.” બંને જણાને લઈને તેઓ તરતજ ડાકોર જવા નીકળ્યા.આખું ગામ કેટલીય વાર ફરી વળ્યા પણ અનુનો ક્યાંય પત્તો ન લાગ્યો.તેના પરિવારજનો અને સગાંવહાલાને મિત્રોના ઘેર બધે તેની માતા અને ભાભીએ તપાસ કરી પણ અનુનો ક્યાંય પત્તો ન જડ્યો.છેવટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.તેના ફોટા આપ્યા.

ડાકોરમાં તેનાે ફોટો લઈને ફરતા અજયને કોઈ પાનના ગલ્લાવાળાએ કીધુ કે”આ બહેનને
મારા પાનના ગલ્લાને બંધ કરતો હતો ત્યારે એક ટ્રકવાળા સાથે મગજમારી કરતા સાંભળ્યા હતા કે
“મને બસ મળતી નથી રહેવાની જગ્યા પણ મળતી નથી હું તને પૈસા આપીશ ,તું મને અમદાવાદ
ઉતારી દે.”

પોલીસને તપાસ કરતા જ ડાકોર નજીકના એક ગામના ખેતરમાંથી અનુપમાની જોવાય નહી તેવી
તૂટેલા ફાટેલ વસ્ત્રોવાળી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી.પોલીસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત તો તેની ગળચી દાબીને કરવામાં આવ્યું હતું અને તેના મૃત્યુ પહેલા તેની પર કેટલીએ વાર બળાત્કાર થયો હતો.તપાસના અંતે જાણવા મળ્યું કે તે ટ્રકમાં ડ્રાઇવર સાથે છ જણા હતા .બધાંએ ભેગા મળી અનુને પીંખીં નાંખી હતી.અને પછી ગળું દબાવી મારી નાંખી હતી.

ભડવીર જેવી અનુપમાની આવી દુર્દશા કરીને અમાનવીય હત્યાની વાત સાંભળી એકેએક વ્યક્તિનું હ્રદય કંપી જતુ હતું.અનુપમાના પિતા આજે પહેલીવાર પોતાની દીકરીને બેબસ નજરે જોઈને તેના
સ્ત્રીહોવા પણાને ધિક્કારી રહ્યા હતા.

વુમન એમ્પાવરમેન્ટ ,નારી શક્તિ અને નારી સ્વતંત્રતાની વાતો ગમે તેટલી કરો પણ ભગવાને
સર્જેલી નારીની શારીરિક રચના અને શારીરિક શક્તિની જે મર્યાદા છે તેને તો સ્વીકારવી જ રહી.
સ્ત્રી એ સ્ત્રી છે તેની કોઈક મર્યાદા તો છે જ તેનો સ્વીકારતો કરવો જ રહ્યો.

Sent from my iPad

વાત્સલ્યની વેલી૨૪) સમાન્થાનો દુધિયો દાંત !

અંગ્રેજીમાં એક પ્રચલિત ઉક્તિ છે : તમારે ઉડતાં શીખવું હોય તો સૌથી પહેલાં ઊભાં રહેતાં શીખો ! પછી ચાલતાં , પછી દોડતાં ,પછી નાચતાં – ડાન્સ કરતાં શીખો ; તો ઉડતાં શીખવું સહેલું પડશે ! જો કે કોઈને પ્રશ્ન થાય કે ઉડવાને અને ચાલવાને શો સબંધ ? અને પાછું દોડતાંયે શીખવાનું ને ડાન્સકરતાંયે? હા, એ બધાં જ પગથિયાં જરૂરી છે ! અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું અને મુક્ત આકાશમાં અમે તો વિહરવા લાગ્યાં : હજુ પૂરું ચાલતાંયે શીખ્યા નહોતાં ત્યાં ! અમેરિકામાં આવ્યે હજુ ઝાઝો સમય નહોતો થયો આ દેશની સંસ્કૃતિને પુરી રીતે પચાવવાનો ! વળી પહેલી જ જનરેશન ( પેઢી ) હોવાથી કોઈ નજીકના કુટુંબ કે વડીલોની પણ ગેરહાજરી હતી ! એટલે કે વડીલની કોઠા સૂઝ અમારી પાસે નહોતી ; અને કુટુંબનું કોઈ આપ્તજન નજીક ન હોવાથી ડે કેર સેન્ટર જેવા મોટા પ્રોગ્રામને ચલાવવા કોઈનું પીઠબળ પણ અમારી પાસે નહોતું! અમે અમારું કાર્યક્ષેત્ર અઘરું પસંદ કર્યું હતું : બાલ સંભાળ કેન્દ્ર ! ઘણું બધું જાણવાનું , સમજવાનું , અનુભવવાનું હજુ અમારે માટે બાકી હતું!
કોઈએ યોગ્ય જ કહ્યું છે કે સાચું શિક્ષણ પુસ્તકિયા જ્ઞાનથી , ચોપડાં વાંચવાથી કે કોઈના ઉપદેશથી નહીં પણ પોતાના અનુભવથી જ મળે છે! બાળ સંભાળ કેન્દ્ર અને બાળમંદિરનું સંચાલન કેવી રીતે કરવું તે બાબતનો ‘સ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો’ વિષય મારે ડે કેર સેન્ટર ડાયરેક્ટરના ક્વોલિફિકેશન માટે ભણવામાં આવ્યો હતો જેમાં બાળકોનાં માં બાપ સાથેની ડાયરેક્ટરની જવાબદારી અને વ્યવહાર વર્તન વગેરે વિષયની ચર્ચા કરી હતી.
જો કે મને તો એમ જ હતું કે આ ક્ષેત્રમાં મને સારી ફાવટ છે! ઘેર ચાર વર્ષ બેબીસિટીંગ કર્યું હતું અને ક્યારેય એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થયો નહોતો: જો પેરેન્ટ્સને કાંઈ ના ગમે અથવા મારાંથી કોઈ ખામી રહી ગઈ હોય અથવા તો શરત ચુકથી કોઈ વાત ધ્યાન બહાર રહી ગઈ હોય તો બીજે જ દિવસે એ લોકો મને તરત જ જણાવે કે અમુક ચીજ ખવડાવવાથી એના બાળકને બંધકોશ થઇ ગયો છે તો હું એવી ચીજ એને ખવડાવવાનું બંધ કરું, એ લોકો કહે એમનું છોકરું રાતે મોડે સુધી ઉંઘતુ નહોતું એટલે બીજે દિવસે હું એને બપોરે વધારે સુવા દઉં નહીં, વગેરે. વળી મારે ત્રણ ચાર કુટુંબને જ તો સાંભળવાનાં હતાં !
પણ ડે કેર સેન્ટરની વાત જુદી હતી ! તેમાં બાળકો પણ વધારે, વાલી પણ વધારે અને સંભાળ રાખનાર પણ જુદાં જુદાં!
કોઈ પણ વ્યક્તિ બાર બાર કલાક તો કામ કરી જ ના શકે !સવારની ટીચર સાંજે ના હોય! જો કે સવાર સાંજ બાળકોને આવકારવા અને વિદાય આપવા મુખ્ય બારણે ઉભા રહેવાનું કામ મારું! બાળકો આનંદથી દોડતાં આવે એટલે એમને આવકારું, સાથે રજીસ્ટરમાં સહી કરીરહેલ પેરન્ટ સાથે ઔપચારિક વાત કરું. ( પણ મહત્વની સૂચના તો એ લોકો અમને ચિઠ્ઠીમાં લખીને આપે )
કોઈ બાળકને સવારના પહોરમાં જો મમ્મીથી જુદાં પડવામાં મુશ્કેલી પડતી હોય તો, એનું ધ્યાન બીજી તરફ દોરીને એને પટાવું! ક્યારેક સવારના પહોરમાં બાળકનો મૂડ બગડી ગયો હોય: એને બ્લ્યુ શર્ટ પહેરવું હોય અને મમ્મીએ પરાણે જબરજસ્તીથી બ્રાઉન શર્ટ પહેરાવ્યું હોય; અથવા તો એને દાદીબાએ લઇ આપેલ ફાયર ટ્રક સ્કૂલમાં ભાઈબંધો સાથે રમવા રાખવો હોય ને મમ્મીની ઈચ્છા એને પાછો ગાડીમાં મૂકી દેવાની હોય! પ્રશ્ન ગમે તે હોય, પણ આ બધાં જ પ્રશ્નો – સમસ્યાઓનાં મારી પાસે ઉકેલ હોય જ!
ક્યારેક પપ્પા મમ્મીનાં પણ કોઈ સૂચન હોય: ટેમી રાતે જમ્યો નથી, એને ધ્યાનથી બ્રેકફાસ્ટ કરાવજો . સેમીએ સ્વેટર પહેર્યું નથી તો પ્લીઝ એ પહેરાવી દેશો ? વગેરે.
એક દિવસ પાંચેક વર્ષની સમન્થાના (Samantha) પપ્પાએ મને કહ્યું; “ જુઓ ! સમાન્થાનો દાંત હાલે છે! લાગે છે કે એ પડી જશે ! તમે એને સાચવીને મૂકી રાખજો , ટુથ ફેરીને આપવા માટે!”
પણ એ દિવસે બાળકો પાછળ હીંચકા લપસણીમાં રમતાં હતાં ત્યારે ક્યાંક સેમન્થાનો દાંત પડી ગયો અને ગ્રાઉન્ડ ઉપર પાથરેલી લાકડાની કપચીમાં ક્યાંય જતો રહ્યો ! ક્લાસરૂમમાં જો દાંત પડ્યો હોત તો શોધી કાઢત ! પણ બહાર બેકયાર્ડમાં ?
એ પ્લે ગ્રાઉન્ડમાં દાંત જેવું તે વળી શું શોધવાનું હોય?
આપણે ત્યાં -આપણી સંસ્કૃતિ ,સમાજમાં -આવું કાંઈ જોયેલું નહીં તેથી કે પછી આટલાં બધાં બાળકોમાં અમારે એવો ખોટો સમય બગાડવો નહોતો તેથી, મેં એ વાત પર બહુ ધ્યાન આપ્યું નહીં.
આ મારી ભૂલ હતી : દાંત ખોવાઈ ગયો અને શોધવાની મહેનત ના કરી એ હજુ સમજી શકાય ; પણ એક પિતાને : જેને એ દાંતનું મહત્વ હતું તેને કોઈ જાતની હમદર્દી બતાવ્યા વિના સીધે સીધું કહી દેવું; “ Don’t worry , it’s just a baby tooth !”એ એક સ્કૂલના પ્રિન્સિપાલ કક્ષાના ડાયરેક્ટરને માટે યોગ્ય નહોતું જ; એમ મને આજે અનુભવની એરણે ઘડાયાં પછી લાગે છે.ખરેખર તો એ બાપને પેલા દુધિયા દાંત કરતાં પોતાની દીકરીને એના જીવનનો મહત્વનો પડાવ : એ ઉજવવો હતો ! એમને ટુથફેરી- દાંતની પરીને -બોલાવવી હશે , ઓશિકા નીચે પેલો પડી ગયેલો દાંત મૂકીને બદલામાં દીકરીને ઓશીકે કોઈ ગિફ્ટ સંતાડવી હશે! હું કોણ હતી એમની ભાવનાઓને નજર અંદાજ કરનારી? ચોક્કસ મેં એક ભાવના સભર બાપની લાગણીને ઠોકર પહોંચાડી હતી! અને તેમાંયે કોઈ દિલગીરી કે અફસોસ નહોતાં !! હા, ભૂલ તો કરી જ હતી!!
સાંજે સમાન્થાના પપ્પાને અમે જણાવ્યું ;દાંત ખોઈ નાંખ્યો એટલે એમને ગુસ્સો ચઢ્યો. મેં જો સમજીને કોઈ જવાબ આપ્યો હોત તો સારું થાત , પણ હું પોતે જ એ વાતને મહત્વની ગણતી નહોતી એટલે કદાચ મેં ઉડાઉ જવાબ આપ્યો હશે જેને લીધે એમની લાગણી દુભાઈ હશે.
પણ એ ત્રીસેક વર્ષનો ઘવાયેલો બાપ મને શું કરી શકે ? અમારા ડે કેરમાં સમાન્થાને આવવું ગમતું હતું અને ડે કેરનું વાતાવરણ પણ એવું સરસ હતું કે બીજી કોઈ ફરિયાદ નહોતી કે એ ડી સી એફ એસ ને કમ્પ્લેઇન કરે !
એમણે અમને હેરાન કરવા એક યુક્તિ કરી!
બીજે દિવસે અમારા ડે કેરમાં એક જણનો ફોન આવ્યો; “ હું એન બી સી ટેલિવિઝન ન્યુઝ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું ; અમે શિકાગોના ચાઈલ્ડ કેર સેન્ટર ઉપર એક ન્યુઝ બનાવીએ છીએ અને આ સોમવારે સવારે નવ વાગે તમારે ત્યાં અમે કેમેરા મેન વગેરે સાથે આવીશું !
ટી વી માં આપણી સ્કૂલ વિશે આવશે ?
અરે વાહ !!
અમે બધાં તો ઉત્સાહમાં આવી ગયાં! શનિ રવિ અમે બધાંએ ખુબ મહેનત કરી ડે કેર ખુબ સરસ રીતે સજાવ્યું ! મેં બે હેન્ડીમેનને બોલાવી ડે કેરમાં ખૂટતું જે કંઈ હતું તે કામ પૂરું કરાવ્યું ! અમે ટીચર્સે ભેગાં થઇ સરસ રીતે બંને કલાસરૂમ સજાવ્યા !
અમે બધાં ટીચર્સ સરસ ડ્રેસ અપ થઈને સોમવારે સવારથી રાહ જોવા માંડી. જયારે દશ વાગ્યા સુધી કોઈ આવ્યું નહીં ત્યારે છેવટે NBC ટેલિવિઝન ઓફિસમાં ફોન કર્યા ને ખબર પડી કે કોઈએ અમને બનાવ્યા હતાં! સવારે બધાં પેરેન્ટ્સને મેં એ સમાચાર ઉમળકાથી આપ્યા; ત્યારે સમાન્થાના પપ્પાના મુખ પરના લુચ્ચા હાસ્યનું રહસ્ય અમને હવે સમજાયું !
પણ સૌથી મહત્વનું તો એ બન્યું કે ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ સાથે ઉડાઉ જવાબ આપવાને બદલે એને એની દ્રષ્ટિએ જોવાની સમજ મને પ્રાપ્ત થઇ !વાત્સલ્યની વેલડીના લતા મંડપને સુંદર આકાર આ રીતે મળી રહ્યો હતો! ધીમે ધીમે એમાં સમજણની સુગંધ પણ કેળવાઈ રહી હતી! પ્રત્યેક બાળક તેની સાથે ગર્ભના સંસ્કાર લઈને આવે છે સાથે સાથે વાતાવરણ જન્ય પરિસ્થિતિથી અને મા બાપ , કુટુંબ સાથે એ ઘડાય છે.. એવો કુમળો છોડ -બાળક -અમારે ત્યાં આવે ત્યારે એ સાચી દિશામાં ફૂલેફાલે એ માટે અમારો પ્રયત્ન સદાય રહેતો! સમાન્થા પણ અમારે ત્યાં આનંદથી ઉછરી. એનાં મમ્મી પપ્પા , અન્ય પેટન્ટ્સની જેમ જ હતાં : મમ્મીએ મારો પક્ષ લીધો હતો; અને મારા માટે હમદર્દી બતાવેલી! અને સમાન્થાના પપ્પાએ પણ દિલગીરી વ્યક્ત કરેલી .પણ હવે હું સાચા અર્થમાં ડિરેક્ટર બની હતી: મારે માટે બધાં જ સરખાં ! હું આ બધાં ગમાં અણગમા, મારી માન્યતાઓ વગેરેથી પર ,બધાથી ઉપર , રહેવાનું શીખી રહી હતી! પણ એ કહીએ છીએ એટલું સરળ નહોતું જ !માનવતાથી લીધેલા એક નિર્ણયને લીધે અમે મુશ્કેલીમાં મુકાઈ ગયાં …એ વાત આવતે અંકે !

૨૭ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી

એક પછી એક ઈંન્દ્રિય કહે; હમણાં હું તો ચાલી

શ્વાસના થાક્યા વણઝારનો નાકથી છૂટે નાતો

ચીમળાયેલી ચામડીને સ્પર્શ નથી વર્તાતો

સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી

એક પછી એક ઈંન્દ્રિય કહે; અબઘડી હું તો ચાલી

નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય

સ્મરણમાં તો કશું નહીં, વહી ગયેલી વય…

જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. એ ક્યારેક આંધીની માફક આવીને ઝપાટામાં લઈ લે તો ક્યારેક ચૂપચાપ બિલ્લીપગે આવીને ઊભુ રહે. મૃત્યુને શાંતિપૂર્વક આવકારે એવા વિરલા ભાગ્યેજ જોવા મળશે પણ જ્યારે જીવન આકરુ અને અકારું થઈ જાય ત્યારે?

જીવતા જીવત શરીર જ નહીં મન અને તમામ ઈંન્દ્રિય પણ મૃતપ્રાય થવા માંડે ત્યારે? ત્યારે આ કાવ્ય એક માત્ર કવિની કલ્પનાનું શાબ્દિક સ્વરૂપ બનીને નથી રહી જતી. એ પેલા મૃતપ્રાય મનમાંથી ઊઠતા વિલાપ સમી બની જાય. એ જેના માટે જીવન જીવવા જેવું જ નથી રહ્યું એવા મૃત્યુ ઇચ્છતા, એની રાહ જોતા લાચાર માનવીના મનનું શબ્દચિત્ર બની જાય.

એકદમ વેદનાવિહીન, સમાધિવસ્થામાં હોય એવું શાંત માંગ્યું મોત તો કોઈક ભાગ્યશાળીને મળે. ઈચ્છામૃત્યુ તો બાણશૈયા પર સમય વિતાવી રહેલા ભિષ્મ પિતામહ જેવાને જ નસીબ હોય પણ બાણશૈયા પર સુવાની વેદના કેવી હોય એની ય તો એમને જ ખબર ને? એ કોઈ સાત મણની રેશમી પથારી નહોતી કે જેની પર આરામ હોય.

સૌ જાણે છે….

“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.”

જીવનના કયા તબક્કે આ પૂર્ણવિરામ મુકવું છે એ તો ઈશ્વર જ નક્કી કરે ને? પણ એ સર્વોચ્ચ ઈશ્વરીય અદાલતના હુકમની રાહ જોવા જેટલી ધીરજ ન હોય અથવા શારીરિક પરિસ્થિતિ એક હદથી વણસી જાય ત્યારે માનવ સર્જિત અદાલતમાં ધા નાખવી પડે.

આવી અપીલ કરતી વ્યક્તિ વિશે દૂરથી એક ત્રાહિત વ્યક્તિ તરીકે વિચારીએ તો પણ જેમ શરીરના અંગમાં ખાલી ચઢે એવી રીતે આપણી સંવેદનાઓને પણ ખાલી ચઢી જાય.

પતિના અવસાન બાદ એક મા અને દિકરી બંને એવી બિમારીથી પીડાય છે કે એમણે કોર્ટમાં ઈચ્છામૃત્યુ માટે અપીલ કરી / એક પિતાએ પોતાના પુત્ર માટે મોત માંગ્યુ /એક વૃદ્ધ દંપતિએ એકટિવ યુથનેશિયાની પરવાનગી માંગી/

આવા તો એક નહીં અનેક લોકો છે જેમના માટે જીવવું અશક્ય છે અને તેમ છતાં મરી પણ નથી શકતા.  કે.ઈ એમ હોસ્પિટલની અરુણા શાનબાગની વાત ક્યાં અજાણી છે? ૧૯૭૩થી કોમામાં જ જીવન પસાર કરી રહેલી એ પરિચારીકા એના કોઈ વાંક વગરની સજા ભોગવીને લાશ જેવી નિર્જીવ દશામાં વર્ષોથી  જીવી. એના માટે તો એ જીવી રહી હતી એમ પણ કેવી રીતે કહી શકાય? અંતે યુથનેસીયાની અપીલ દ્વારા એને છૂટકારો મળ્યો.

યાદ આવે છે ‘ગુઝારિશ’ ફિલ્મ.. ? જેમાં ઇથાન માસ્કરન્સ ક્વાડ્રિયાપ્લેજિક જેવી અસાધ્ય બીમારીથી પીડાય છે અને એક એવી જીંદગી જીવી રહ્યો છે જેના માટે જીંદગી કહેવાના બદલે જીવતી લાશ શબ્દ વધુ યોગ્ય લાગે. આવા લોકોનું જીવન વિષમ હોવા છતાં એની વિષમતા પણ ન અનુભવી શકે એટલી એમની ચેતાઓ બધિર બની ગઈ હોય ત્યારે એમને ઈચ્છામૃત્યુ માંગવા સિવાય બીજો શું આરો હોય?

પરણાવાની ઉંમરે પહોંચેલી દિકરીનું તો કન્યાદાન જ હોય ને? એ કેવી મજબૂરી હશે કે કન્યાદાનના બદલે માતા-પિતાને દિકરી માટે કોર્ટમાં મૃત્યુની અપીલ કરવી પડે? પોતાના અંગનું દાન કરીને પણ સંતાનોને જીવાડવા ઝઝૂમતા માતા-પિતા વિશે સાંભળ્યુ હશે પણ મોત માંગે એવું સાંભળ્યું? કોઈને કહેશે આ કળયુગ છે ભાઈ, એમાં તો બધુ જ શક્ય છે પણ ના, અહીં આ કળયુગની અસર નથી.

દિકરીને દૂધ પીતી કરતાં કે ઓનર કિલિંગના ઓઠા નીચે દિકરીને મારી નાખતા સમાજ કે માતા-પિતા માટે આપણા મનમાં ધૃણા જ ઉપજે પણ જીવનભર પથારીમાં પોતની મેળે હલન-ચલન પણ ન કરી શકે એવી દિકરીના માતા-પિતા જ્યારે એના માટે મોતની અપીલ કરે ત્યારે એમના માટે કરૂણા જ ઉપજે . ના, આમાં કોઈ આર્થિક વિટંબણા જ કારણ માત્ર નથી હોતું કારણકે એના માટે તો માતા-પિતા જાત વેચીને પણ ઈલાજ કરાવવા તૈયાર હોય પણ જ્યારે એમની જ માનસિક-શારીરિક અવસ્થા સાથે ન દે ત્યારે જ આ હદ સુધી જવાનું વિચારે એટલે સમજી શકાય છે કે કેવી કારમી અને કરૂણ શારીરિક દશા હશે એ દિકરીની અને કેવી કારમી અને કરૂણ માનસિક દશા હશે એ મા-બાપની કે જેમને ના છૂટકે દિકરી માટે મોત માંગવું પડે?  

એક પછી એક અંગ ખોટકાતા, ખોડંગાતા ચાલે, તે પણ અન્યના ટેકે અને જ્યારે મન મરણ પહેલાં મરી જાય…. ત્યારે એવા તમામ માટે સાચા અર્થમાં મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

કાવ્ય પંક્તિ -સુરેશ દલાલ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ એક પરમ તત્વ 23 સપના વિજાપુરા

પ્રેમ એટલે એક એહસાસ! એક સુંદર ભાવના! પ્રેમનું નામ આવે એટલે સુગંધ સુગંધ પ્રસરે ચોતરફ! કોઈ તમારી આંખે કેસર ઘૂટે તો કેવું લાગે!!પ્રેમનો અનોખો એહસાસ તમને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. વ્હાલમના આવવાનો એહસાસ કેવો છે? વાસંતી વાયરાની વહાલ ભરી લહેરખી!! પંખીઓનો કલરવ સંભળાય, કોઈનું આંગણ પ્રેમના પાવાથી ગુંજી ઊઠે.કોઈ મનગમતી વ્યકિત નજરે ચડે તો ધડકન ચૂકી જવાય!! ભરી મહેફીલમાં બસ એક વ્યકિત પર નજર ઠરી જાય!! મન એના રાગે રંગાઈ જાય! અને એના આવવાથી આંખો લજાય લજાય જાય !!આસમાન એના રંગે રંગાઈ જાય!આસમાન મેઘધનુષી બની જાય અને એના રંગ તમારી છાતીમાં સમાય જાય!જગ આખું નવપલ્લવિત લાગે!! બધી દુનિયાનાં વહેવારની વાત ભૂલાઈ જાય! સમાજ, ધર્મ કુટુંબકબીલા બધા શું કહેશે એ વાત ભૂલાઈ જાય! આંખમાં કેસર ઘૂંટવાની વાત કેટલી મીઠી લાગે છે! પ્રેમનો નશો સીધો આંખોમાં ઊતરે છે.જે વ્યકિત પ્રેમ કરે છે એની આંખો ઉપરથી જાણી શકાય છે, કે આ વ્યકિત પ્રેમમાં છે!!પ્રેમનોએહસાસ થાય તો આ જગ ખૂબ સુંદર લાગે, કારણકે વહાલમના વહાલનો રંગ હર ફૂલમાં હર ઝરણમા, હર પંખીમાં દેખાય છે  એ વહાલમ શમણેઆવી હેત વરસાવે છે.પ્રિતનું આલેખન આનાથી વધારે ક્યું સુંદર હોય શકેપ્રેમના એહસાસને કલમથી વર્ણવવો ખૂબ મુશ્કેલ છે આ મુશ્કેલ કામ કવિ ખૂબ આસાનીથી કરી શકે છે. હિન્દી ગીતો અને ગઝલથી પ્રેમથી ભરપૂર જોવા મળે છે. પ્રેમનું આકર્ષણ એવું હોય છે કે જેને ખાળવું મુશ્કેલ હોય છે માણસ પરવશ બની  પ્રેમી તરફ ખેંચાતો જાય છે. ” દિલ ખો ગયા, હો ગયા કિસિકા અબ રાસ્તા મિલ ગયા ખુશીકા આંખોમે હૈ ખ્વાબ હૈકિસિકારિશ્તા નયા રબ્બા દિલ છુ રહા હૈ,ખીંચે મુજેહ કોઈ ડોર મુજેહ તેરી ઔર તેરી ઔર! પ્રેમમાં પવિત્રતા હોવી જરૂરી છે. જો ફકત શરીરનું આકર્ષણ હોય તો આ આકર્ષણ થોડા સમય પછી ઓસરતું જાય છે કારણકે  દેહ સદા સરખો રહેતો નથી. પણ મનનું ખેંચાણ હોય તો એને બુઢાપાની અસર આવતી નથી.કવિ શ્રી તુષાર શુકલનું આ ગીત વાંચતા આવી કૈંક ભાવના ઉત્પન્ન થઈ!! પ્યારકા  દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા!!

મારું મનડું રમે છે આજ ફાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી આંખો લજાય એના રાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
પંચમના સૂરે આજ ટહુકે કોકિલ
મારા મનના માન્યાનો ભણકારો,
વાસંતી વાયરાની વ્હાલ ભરી લ્હેરખીમાં
એના આવ્યાનો અણસારો,
મારે આંગણીએ પ્રીત પાવો વાગે

કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી છાતીમાં મેઘધનુ જાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
વહેવારુ વાત બધી વીસરી
વ્હાલમિયાએ તહેવારુ ગીત આજ ગાયું
જોતા જોતામાં તો આખું આકાશ
એની વ્હાલપના રંગે રંગાયું

કો’ક શમણે વરસ્યાનું મને લાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

કોઇ વાયરે ચડીને વ્હાલ માગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

સપના વિજાપુરા

 

૨૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

“પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં”, આ કહેવત કવિ શ્રી દલપતરામની જાણીતી  ઉક્તિ, “મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત., પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.” ઉપરથી બની છે. પટોળામાં જે ભાત હોય છે એ તાણાવાણાથી બને છે. એ ભાત ઉપરછલ્લી કે છાપેલી નથી હોતી. એટલે પોત ફાટ્યા વગર મીટે નહીં.

આ કહેવતને માણસના સ્વભાવ સાથે સંબંધ છે. માણસનો સ્વભાવ, તેનામાં રહેલાં ગુણો જન્મજાત હોય છે. તેના અસ્તિત્વનો ભાગ હોય છે. ખાનદાની ગુણો મર્યા પછી જ જાય બાકી પરાણે વિકસાવેલા અને કુદરતી ન હોય એવા ગુણો કસોટીના સમયે પરખાઈ જ જાય. વાલ્મિકી રામાયણના અયોધ્યાકાંડમાં કહ્યું છે, “લીમડામાંથી મધ ટપકતું નથી.આ સત્ય છે કારણકે લીમડાનો ગુણધર્મ કડવાશ છે. એમાંથી મધની આશા રાખવી વ્યર્થ છે. હરિવંશપુરાણમાં કહ્યું છે, “સ્વભાવથી જ બધાની ઉત્પત્તિ થાય છે, સ્વભાવથી જ પરમાત્મા પૂર્વોકતરૂપમાં પ્રગટ થયા છે. સ્વભાવથી જ અહંકાર તથા આખું જગત પ્રગટ થયું છે.

આ કહેવત માટે એક વાર્તા છે. એક રાજા ખૂબ જ ચિંતિત રહેતાં હતાં. રાણીની તબિયત દિન-પ્રતિદિન લથડતી જતી હતી. સારામાં સારો ખોરાક તેમને મળતો, તેમનો પડ્યો બોલ ઝીલવા દાસીઓ તૈયાર રહેતી. દેશ દેશાવરથી સારામાં સારા વૈદ્યો, નિષ્ણાતો બધાંજ પ્રયત્નો કરી ચૂક્યાં પણ સફળતા ન મળી. છેવટે એક સંતનો ભેટો થયો. તેમણે પ્રયત્ન કરવાની તૈયારી બતાવી પણ શરત મૂકી કે તેમનાં બધાંજ પ્રશ્નોનો રાજાએ સાચો ઉત્તર આપવો. રાજા સહમત થયાં. પ્રશ્નો પૂછતાં સંતને જાણવા મળ્યું કે રાણી લગ્ન પહેલાં એક ભિખારણ હતી પરંતુ તેના કામણગારા રૂપથી મોહિત થઇને રાજાએ લગ્ન કર્યાં હતાં. સંતને જવાબ મળી ગયો. તેમણે રાજાને યુક્તિ બતાવી. રાજમહેલની દીવાલોમાં ગોખલા બનાવડાવ્યાં. હવે ખાવાનું રાણીને પીરસવાને બદલે ગોખલામાં મૂકાતું. તેઓ “આપો બા” કહીને ભીખ માંગતા અને ખાતા. ધીરે-ધીરે તબિયત સુધરી અને તેઓ તંદુરસ્ત બની ગયા. કેટલી સૂચક વાર્તા?

૨૧મી સદીમાં દરેક બાબતનું નવું અર્થઘટન જરૂરી બને છે. જડ નિયમોને તોડવા સારા. કહેવાતી જૂની ભાતો બદલીને પોતાના પોતને નવી ભાતોથી શણગારવું જરૂરી છે. પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ. નાના સંતાનો ઉપર સંસ્કાર કે કુસંસ્કાર, સુટેવ કે કુટેવ, આપણા દ્વારા તેમને આપવામાં આવે છે તે મોટી ઉંમરે પણ તેવી જ રીતે અકબંધ જળવાઈ રહે છે. સંતાનોને લાડકોડ, સ્નેહ આપવો તે મા-બાપની પ્રથમ અને અનિવાર્ય ફરજ છે. પણ લાગણીના અતિરેકમાં તેમના ભાવિને નુકસાન થાય તેવા લાડ-પ્યાર પરિવાર માટે હાનિકારક બને છે. પાકટ ઉંમરે કોઈ જ સંસ્કાર, સુટેવ શીખવાડી શકાતા નથી. પાણી વહી ગયા પછી પાળ ના બંધાય, આગ લાગે પછી કૂવો ના ખોદાય. માટે સમયસરની સાવધાની સારી. બાળકો જે માંગે તે નહીં પણ જે આપવા યોગ્ય સંસ્કાર છે તે અચૂક આપવા.

આજે દંપતી વચ્ચે થતાં છૂટાછેડાના પ્રશ્નના મૂળમાં આ કહેવત રહેલી છે. છૂટાછેડા એટલે આર્થિક, માનસિક અને સામાજીક ઉપાધિ વ્હોરી લેવાનો રસ્તો. આજનો યુવાવર્ગ પોતાની ભાત બદલવા તૈયાર નથી માટે તેમના સંતાન માટે છૂટાછેડા સૌથી વધુ પીડાદાયક બને છે. માતા-પિતાનો વિખૂટા પડવાનો નિર્ણય સંતાન માટે ભારે માનસિક સંતાપ લઈને આવતો હોય છે. ઘણી વખત આ નિર્ણયની નકારાત્મક અસર એના તન-મનને કોરી ખાતી હોય છે.

વિચારો અને પસંદગીની બાબતમાં વૃદ્ધે વૃદ્ધે ભિન્નતા જોવા મળે છે. આ કહેવત સૂચવે છે, પ્રાણ અને પ્રકૃતિ એકસાથે જાય છે . વડીલોમાં સ્વભાવગત વળગેલા દુષણોને કારણે આજની પેઢી સાથે સતત ઘર્ષણ રહેતું હોય છે. તે સ્વભાવ છોડવો જ રહ્યો. વૃદ્ધ લોકો પોતાની માન્યતા અને સંસ્કારને, “પડી પટોળે ભાત”ની જેમ વળગી ને રાખે છે ત્યારે તેમના ગયા પછી પરિવારનો વડલો ગયો અને છાંયડો ગયોતેમ બોલવાને બદલે “ઝાડ ગયું અને જગ્યા થઇ” એવું કહેનાર લોકો વધુ હોય છે. માટે પોત ફાટે તે પહેલાં ભાત બદલવી હિતાવહ છે.

સમય પ્રમાણે જીવનના દરેક પડાવ પર સમજમાં પરિવર્તન જરૂરી છે. બદલાતા સમય પ્રમાણે પોત ફાટે ત્યાં સુધી ભાતને અકબંધ રાખવાની જરૂર નથી. હા, બાકી નવી વહુનો પાટણના પટોળા માટે ગાયેલો ગરબો સહુને ગમશે, “છેલાજી રે! મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો!”

સંવેદનાના પડઘા-૨૬ જ્યારે ડાયરીનાં પાના ખુલે છે

મહેલ જેવો  બંગલો છોડી નિશા બીજા નાના પણ સરસ ઘરમાં રહેવા જવા માટે ઘરમાંથી સામાન ખાલી કરી રહી હતી.મોટો મોટો તો બધો સામાન બધા રુમમાંથી ખાલી થઈ ગયો હતો.બધાં રુમ સાફ કરી છેલ્લે પોતાની વહાલસોયી દીકરીના રુમમાં આવી.આટલા મોટા ઘરમાં  છેલ્લા પાંચ સાત વર્ષથી તે અને તેનો પતિ નિમેષ  જ રહેતા હતા.દીકરો દીકરી તો અમેરિકા હતા.દીકરીની એક એક વસ્તુને સામાનમાં ગોઠવતી વખતે તેને હૈયાસરસી ચાંપી વહાલથી દીકરીને ચુમતી હોય તેમ ચુમતી અને જૂની વીતી ગયેલ જિંદગીને વાગોળીને આખેઆખી તે જિંદગી જાણે ફરીથી જીવતી હોય તેમ તેમાં નિશા ખોવાઈ જતી હતી.

એટલામાં તેની નજર ખૂણામાં પડેલ એક સરસ ડાયરી પર પડી.સામાન પેક કરતી વખતે ટાઈમ નહી હોવાથી તેણે જ એક બાજુ બારીની સાખ પર મૂકી હતી.ડાયરી ખોલી ત્યારે તેમાં દીકરીના અક્ષરોમાં લખેલ લખાણ હતું.

તે વાંચવા લાગી અને અરે!આ વાંચીને તો તેની આંખમાંથી અસ્ખલિત આંસુઓની ધાર ટપકવા લાગી……….

આમ તો કોઈની ડાયરી વંચાય નહી,પણ આ તો દીકરી દસમા ધોરણમાં હતી ત્યારની ડાયરી હતી એટલે એમાં  તો શું ?કરી તે વાંચવા લાગી……

નિશા તોસમજતી હતી કે તેણે તો તેના છોકરાઓને ખૂબ સરસ રીતે ઉછેર્યા છે!પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી દિવસ રાત એક કરી ઘર અને ધંધો બંને  સંભાળ્યા.પોતે માંદી હોય કે સાજી હોય કશું જોયા વગર છોકરાઓ માટે જ આટલી મહેનત કરી.સરસ ભણાવ્યા. તેમને ટેનીસ ,સ્વિમિંગ,સીંગીંગ,બધું જ પોતાનાથી બનતું કરાવ્યુ.સારામાં સારી સ્કૂલ -કોલેજ અને સારામાં સારા ટયુશન.પોતાના બધા મોજશોખ છોડી ,પોતે કમાએલ એક પણ પૈસો પોતે નહી રાખી બધું ઘર માટે આપી દીધું.પોતાના જાનથીયે અધિક છોકરાઓને પ્રેમ કર્યો અને આ દીકરીની ડાયરીમાં તો તેના પ્રતિભાવ કંઈક અલગ જ છે!

અને નિશા જેમ જેમ ડાયરી વાંચતી ગઈ તેમ તેમ દીકરીના પ્રતિભાવ વખતના સમયને યાદ કરવા લાગી.

હા ..હા … ત્યારે નિમેષની ફેક્ટરી  ધીરે ધીરે બંધ થવાની તૈયારીમાં હતી.ઘરમાં આવક એકદમ ઓછી અને છેવટે બંધ થઈ ગઈ.નિશાએ ધંધો ચાલુ કર્યો ત્યારેતો  દીકરો બહાર ભણવા ગએલ એટલે એકલું ન લાગે અને પોતાને પણ પોતાની એક આગવી ઓળખ જોઈતી હતી એટલે કરેલો.પરતું તેને ત્યારે ક્યાં ખબર હતી કે નિમેષની ફેક્ટરી આમ સાવજ બંધ થઈ જશે અને ઘર ચલાવવાની અને બાળકોને ભણાવવાની અને બધીજ જવાબદારી તેના એકલીને માથે આવી જશે.હા ,પણ તેમાં તેણે તેના બાળકોને પ્રેમ કરવાનું તો જરાય ઓછું કર્યું નહોતું ,તો કેમ આમ!!!!!મારી દીકરી કેમ નારાજ હતી મારાથી?

તેણે લખેલ કે “ભાઈ તો ભણવા બહાર જતો રહ્યો…..તેનેતો સારું આંખો દિવસ મિત્રોની સાથે જ રહેવાનું,મમ્મી-પપ્પાનેા કોઈ કકળાટ કે ઘાંટાઘાંટ સાંભળવાના નહી.ભગવાન મારું આ દુનિયામાં કોઈ નથી.મારી બધી બહેનપણીઓ વેકેશન કરવા અમેરિકા,સિંગાપુર અને કાશ્મીર ગઈ છે.મમ્મી તો દિવસ રાત કામ કરે છે.ઘરમાં હોય ત્યારે પપ્પા-મમ્મી અંદરોઅંદર  આખો દિવસ ઝઘડ્યા કરે છે.મમ્મી કામ પરથી આવીને મારી પર પણ ઘાંટાઘાંટ કરે છે.મારી સાથે વાત કરવા માટે ભગવાન તમે જ છો”

અને આવું કંઈ કેટલુંય તેણે રડતાં રડતાં લખ્યું હતું.કાગળ પર તેનાં આંસુંઓના નિશાન પણ દેખાતા હતાં!!!!નિશા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ…….માનું હ્રદય  કોઈ અજાણી વેદનાથી દ્રવી ઊઠ્યું…….

પોતાની જુવાનીમાં કામના ભાર હેઠળ,પૈસા કમાવવાની લાયમાં અને પોતાની મેનોપોઝની પરિસ્થિતિમાં તેણે પોતાની દીકરીના મનને કેટલી ઠેસ પહોંચાડી હતી તેનો તો તેને ખ્યાલ જ નહોતો!!ભર ઊનાળામાં ૧૧૨ ડીગ્રી તાપમાં ધંધાના કામે રખડીને આવી ,કામનું બધું ફ્રસ્ટેશન ઘાંટાઘાંટ કરી તે કાઢતી હતી.ઊનાળાનાં લાંબા વેકેશનમાં આટલા મોટા ઘરમાં એકલી એકલી બોર થતી દીકરીને “બેટા તેં શું કર્યું આખો દિવસ પૂછવાને બદલે સીધું રુમમાં જઈ હું સૂઈ જાઉં છું તમે અને ચીકી જમી લેજો.”કહી તે  બેડરૂમમાં  જતી રહેતી.ઊનાળાનાં  લાંબા દિવસ દરમ્યાન આટલા મોટા ઘરમાં તેની કીશોરાવસ્થાની ઉંમરમાં તેને કેટકેટલા પ્રશ્નો હતા પણ તેની મૂંઝવણને સાંભળવાનો માતાપિતાને ટાઈમ નહોતો.

પૈસાની આવક ઘરમાં અચાનક બંધ થઈ ગઈ હતી.પિતા એકદમ ધંધો બંધ થઈ જવાથી હતાશ અને હવે શું કરવું તેની મુઝવણમાં હતા.નિશા પણ આટલો બધો ઘરખર્ચ,વટવ્યવહાર,છોકરાઓના કોલેજ,સ્કૂલ,ટ્યુશનની ફી,બધાંનાં જુદા જુદા બાઈક ને મોટરના પેટ્રોલ બીલ,ટેલિફોન બીલો બધું એક કમાણીમાંથી કેવીરીતે ભરવું તેની ખેંચાખેંચના સ્ટ્રેસમાંથી બહાર નહોતી આવતી.પતિની પૈસા કમાવાની અને ઘરની રસોઈની અને બાળકો સંભાળવાની બેવડી જવાબદારીથી ત્રસ્ત  નિશા અને નિમેષને રોજ ઝઘડા થતા.રોજ હાથમાં આવતું એક બિલ કેવીરીતે ભરવું તેની મુંઝવણ તેમને કોરી ખાતી ..

મદયમવર્ગના પરિવારોમાં જ્યારે નાણાકીય ભીડની પરિસ્થિતિ આવે છે ત્યારે તે કોઈને કહેવાય પણ નહી અને સહેવાય પણ નહી તેવી હોય છે.તેને શબ્દોમાં બયાન કરવી ખૂબ મુશ્કેલ હોય છે.સમાજમાં પોતાની નાણાકીય પરિસ્થિતિ કોઈ જાણી ના જાય તેવો દરેક કુંટુંબીજનનો દંભ અને લોકોને તે કુટુંબ મુશ્કેલીમાં છે તે જાણવા છતાં તેમની દાઝેલી લાગણી પર ડામ દેવાની વૃત્તિ. આ ભીંસામણી વચ્ચે જે કુટુંબ ફસાય છે તેનો સ્ટ્રેસ પૈસા વગર ઘર ચલાવવા કરતા અનેક ઘણો વધારે હોયછે.

અને આવા મુશ્કેલ સમયે કિશોરાવસ્થામાં પહોંચેલા બાળકના મગજ પર જે અસર થાય છે તે તેના 

માતપિતાને ત્યારે તો સમજાતું નથી પણ જ્યારે ક્યાંક આવા ડાયરીના પાના ખૂલે છે ત્યારે સમજાયછે

પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.તે કિશોર કે કિશોરીને ત્તેમની યુવાનોમાં મિત્રો સાથે પીક્ચર જોવા કે હોટલમાં જમવા જવા કે બહારગામ ફરવા જવા કે કોઈ પણ યુવાનીની મોજમસ્તી કરવાની વાત કરવી હોય કે બીજા મિત્રોની જેમ કોઈ વિજાતીય સંબંધની અંગત વાત કરવી હોય તો આ સ્ટ્રેસયુક્ત માતપિતાને તે સાંભળવાનો સમય નથી હોતો.અને તેમના કુમળા મગજ પર આની અસર હંમેશ માટે રહી જાય છે.યુવાનીનીએ મુગ્ધાવસ્થામાં ભોગવેલ પૈસાની ભીડ અને એકલતાને તે ક્યારેય ભૂલતા નથી…..