૩0 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

પુસ્તક મિત્ર છે આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

કેવી અને કેટલી સરસ વાત નહીં!

યાદ છે? સિત્તેરના દાયકામાં હજુ તો રેડીયોનું અસ્તિત્વ અને વર્ચસ્વ હતું જ તો વળી. એ સમયે ટેપરેકોર્ડર પણ હતા એટલે આપણે જે સાંભળવા હોય એ ગીતો મનમરજી મુજબ સાંભળી શકતા પણ ખરા પણ અચાનક જ જો આપણું મનગમતું ગીત વિવિધભારતી કે ઑલ ઈંડિયા રેડીયો પર આવે તો કેટલો રોમાંચ અને આનંદ થતો? મને તો થતો જ, તમને ય થતો હશે ને? જાણે મનગમતા અતિથિએ આંગણમાં પગ મુક્યો. બરાબર મનગમતા પુસ્તકનું પણ એવું સ્તો…કદાચ એથી ય વધારે. કારણકે એ મનગમતું ગીત એટલે મનની પ્રફુલ્લિતા પણ મનગમતું પુસ્તક એટલે મનની ચેતના.

આજે નેટ માધ્યમ દ્વારા અઢળક વાંચનસામગ્રી ઉપલબ્ધ છે જ તો. વળી ઑન લાઇન ઇ-બુક, કિંડલ, સોશિઅલ મીડિયા, અલગ અલગ સાહિત્યિક ગૃપ પર પણ હવે તો વાંચન સમૃદ્ધિ વધતી જાય છે એટલે No worries, right?

સવાલ ચિંતાનો તો નથી પણ અઢળક/ દોમદોમ સાહ્યબી વચ્ચે પણ જો ક્યાંક, ક્યારેક આપણી મનગમતી-અંગત વ્યક્તિ મળી જાય તો કેટલો આનંદ થાય? આજે ચારેકોરથી નેટ માધ્યમ દ્વારા એટલી તો વાંચનસામગ્રી ઉપલબ્ધ છે કે કદાચ એના માટે ઝાઝુ વિચારવું જ નથી પડતું. હા! એમાંથી શું વાંચવું છે એ ચોક્કસ વિચારવું અને નક્કી કરવું પડે.

એ સમય હતો જ્યારે નજીકની લાઇબ્રેરિમાં લાઇફ ટાઇમ મેમ્બરશિપ હતી. લાઇબ્રેરિ તો હજુ પણ ત્યાં જ છે પણ લાઇફ બદલાઇ ગઇ. લાઇબ્રેરિમાંથી દર સપ્તાહે એક, બે ,ચાર કે રોજનું એક પુસ્તક લાવીને વાંચવાની વાત ભૂતકાળ બની ગઈ. સમયનું ચક્ર ફરતું જ રહ્યું અને જે વાત સાવ રોજીંદા ક્રમની લાગતી હતી એ આજે  અમેરિકા આવ્યા પછી વિચારું તો હવે  લક્ઝરી લાગે છે.

વિચારી જુવો, એક સરસ મઝાની સવાર હોય, માત્ર આપણે અને આપણી ચા સાથે વાંચવા માટે એક સરસ મઝાનું પુસ્તક હોય, આનાથી વધીને દિવસની બીજી કઈ ઉત્તમ શરૂઆત હોઈ શકે? અથવા એક મનભાવન એકાંત, મસ્ત મઝાની મોસમ હોય, બહાર વાદળ ગોરંભાયા હોય, ભીની માટીની સુગંધ શ્વાસમાં ભળતી હોય અને એ સમયે એક મનગમતું પુસ્તક મળી જાય.. જરાક વિચારું છું તો ય મન મહોરી ઊઠે છે. કોઈપણ પ્રિય વ્યક્તિની સાથે હોવા જેટલો અથવા એના કરતાં ય વધારે આનંદ થાય ને?

છે, અત્યારે ગૂગલ પર તમામ જાણકારી મળી જ રહે છે પણ આજથી હજારો વર્ષ પહેલા લખાયેલી ગીતાનું મહત્વ ક્યાં જરાય ઓછું થયું છે? આજે વર્તમાન સમયમાં પણ એ એક વડીલની જેમ જ આપણા વિચાર-વર્તન, આપણા સંસ્કારોનું ઘડતર કરે જ છે ને? ગીતા જ નહીં કોઈપણ ધર્મનું પુસ્તક જે તે વ્યક્તિના તમસાવરણ પર ઉજાસ પાથરે જ છે ને?

વાત અત્યંત શ્રદ્ધાની છે ( અંધશ્રદ્ધાની નહીં હોં……) કે ક્યારેક મન મૂંઝવણમાં હોય, હ્રદય ડામાડોળ હોય, ચિત્ત ચકડોળે ચઢ્યું હોય અને આવું જ કોઈ પથદર્શક પુસ્તક પાસે હોય, એમાંની વાતો એક ચોક્કસ દિશા દર્શાવે, આત્માને ચેતનવંતો બનાવે તો નવાઈ નહીં અને એટલે જ તો એને દિવાદાંડી કહેતા હશે.

પુસ્તક વિશે પણ પુસ્તકો ભરાય એટલું લખાયું છે. કેટલાક અવતરણો અહીં ટાંકવાનું મન થાય છે.

‘શબ્દોમાં “ધનબળ,શક્તિબળ,આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક્બળ છે.’- રવીન્દ્રનાથ ટાગોર

-‘સારા પુસ્તક જેવો કોઈ કાયમી મિત્ર નથી કારણકે કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તક સૌથી મોખરે છે.’સ્વામી રામતીર્થ.

“સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.’ સ્વામી વિવેકાનંદ.

‘વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.-સિસેરો

‘જે ઘરમાં બે સારા પુસ્તક ન હોય એ ઘરમાં દિકરી ન આપવી.’ગુણવંત શાહ

આ સારું પુસ્તક એટલે શું? સારું પુસ્તક એટલે સાચું પુસ્તક જે વ્યક્તિનું સાચું ઘડતર કરે. એક સારું પુસ્તક આમ-તેમ રખડતા વિચારોને સાચા સૂરમાં બાંધે છે.  એક સારું પુસ્તક આપણી ચેતનાને સચેત રાખતી ઉર્જા છે.  

હમણાં આ ૨૩મી એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિન’ ગયો. આ દિવસ એટલે જેમનાં પુસ્તકોનો વિશ્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે એવા લેખક શેક્સપિયર સહિત છ જેટલા વિશ્વ વિખ્યાત સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ. વધુને વધુ લોકો પુસ્તક વાંચતા થાય, વાંચન પરત્વે અભિરુચી કેળવતા થાય એવા આશયથી યુનેસ્કોએ આ દિવસે ‘વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

વર્તમાન સ્થિતિમાં નવી પેઢી જે રીતે પુસ્તકોથી વિમુખ થતી જાય છે, એક વર્ચ્યૂઅલ વિશ્વમાં પ્રવેશતી જાય છે, જે સત્ય અને સાત્વિકતાથી પર થતી જાય છે ત્યારે કવિની વાતનો મર્મ સમજાય છે. આરંભકાળના આદિવાસીથી અદ્યતન/ આધુનિક સમયખંડ સુધી પહોંચેલા આપણે પુસ્તકરૂપી દિવાદાંડીના ઉજાસથી ઊજળા રહીએ.

કાવ્ય પંક્તિ-રાજેશ વ્યાસ’મિસ્કીન

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

4 thoughts on “૩0 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

    સારું પુસ્તક એટલે સાચું પુસ્તક જે વ્યક્તિનું સાચું ઘડતર કરે. એક સારું પુસ્તક આમ-તેમ રખડતા વિચારોને સાચા સૂરમાં બાંધે છે. એક સારું પુસ્તક આપણી ચેતનાને સચેત રાખતી ઉર્જા છે.

    હમણાં આ ૨૩મી એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિન’ ગયો. આ દિવસ એટલે જેમનાં પુસ્તકોનો વિશ્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે એવા લેખક શેક્સપિયર સહિત છ જેટલા વિશ્વ વિખ્યાત સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ. વધુને વધુ લોકો પુસ્તક વાંચતા થાય, વાંચન પરત્વે અભિરુચી કેળવતા થાય એવા આશયથી યુનેસ્કોએ આ દિવસે ‘વિશ્વ પુસ્તક દિન” તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

    Like

  2. સાચેજ ,જે પુસ્તકને મિત્ર બનાવી દે તેના વ્યક્તિત્વનો વિકાસ કંઈ નોખો જ થાય છે.વાંચનની અગત્યતા આજની નવી જનરેશન માટે બહુજ જરુરી છે.પણ હવે તો ગુલઝારજી કહે છે તેમ,
    કિતાબેં-
    મહીનો અબ મુલાકાતે નહી હોતી……
    જો શામેં ઉનકી સોહબતમેં કટા કરતી થી
    અબ અકસર ગુજર જાતી હૈ
    કમ્પ્યુટર કે પરદે પર……

    Liked by 1 person

  3. પુસ્તકોની મૈત્રી વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે. કારણ કે, એ આત્માનું રક્ત છે,વિચારોનો, ચિંતનનો અર્ક છે. અરબી ભાષાની પેલી કહેવત યાદ છે ને કે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે”.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.