૨૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

માની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ

“મા”નું વર્ણન કરી શકે તેવો વિરલો હજુ પાક્યો નથી. તેના માટે મા બનવું પડે. મા શબ્દ જ પૂર્ણ છે જે જન્મ પછી બોલાતો પહેલો એકાક્ષરી શબ્દ છે. પ્રકૃતિનાં પાંચ તત્વોથી બનેલ માને શત્ શત્ વંદન. પૃથ્વીની ક્ષમા, જળની શીતળતા, અગ્નિની હૂંફ, વાયુનો આશ્લેષ અને આકાશની ઉદારતા, આ તમામ ગુણો એક “મા”માં જોવાં મળે છે. માટે જ મા આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધ તાપની મુક્તિદાત્રી છે.

કુંતીના ખોળામાં માથું મૂકીને યુધિષ્ઠિર જ્યારે સૂતાં હતાં ત્યારે તેમના મુખમાંથી અનાયાસે આ શબ્દો સરી પડ્યાં. “સ્વર્ગ બીજે ક્યાંય નથી, એ અહીં જ છે.” આ અનુભવ આ કળિયુગમાં પણ આપણને બધાંને થાય છે. માના ખોળામાં માથું મૂકો અને દરેક દુઃખ ગાયબ! માની ઝપ્પીમાં એક નવી ચેતના નવા જીવનનો અનુભવ થાય. હું તો કહીશ, દુનિયાનો સર્વશ્રેષ્ઠ “જાદુગર” એટલે મા. ગુણવંત શાહ કહે છે, જગતનાં બધાં તીર્થો માતાનાં ખોળામાં વિરામ પામે છે. માતા શબ્દ નથી, શબ્દતીર્થ છે, તીર્થોત્તમા છે. માણસાઇનાં મેઘધનુષને માતા કહેવામાં આવે છે. મા ગમે તેવી ગાંડી-ઘેલી, અપંગ હોય, મૃત્યુના બિછાનેથી પણ તેની આંખો હંમેશા સંતાનને આશીર્વાદ જ વરસાવતી હોય છે. માની મમતાને મમળાવ્યા જ કરીએ અને તેની મધુરપના વારિ બસ પીધાં જ કરીએ. મા તેના સંતાન માટે ઈશ્વરથી પણ શ્રેષ્ઠ હોય છે. ઈશ્વરને પણ માના દૂધનું અમૃત પીવા માનવ જન્મ લેવો પડ્યો હતો.

બાળકનાં જન્મતાની સાથે નર્સ અંબેલીકલ કૉર્ડ કાપે છે પરંતુ સ્પિરિચ્યુઅલ કૉર્ડથી બાળક મા સાથે હંમેશા જોડાયેલું રહે છે અને એ સંધાન માનાં મૃત્યુ પછી પણ સતત આશીર્વાદ વરસાવીને ચાલુ રહે છે. માટે તો માને અમૃતમયી, કરુણામૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ કહીને નવાજવામાં આવે છે. સંતાનની દુનિયામાં નિત-નવી વ્યક્તિઓની આવનજાવન ચાલુ હોય છે પરંતુ માની દુનિયા, તેનો સંસાર તેના સંતાનની આસપાસ જ હોય છે. આપણા જીવનની ઇમારતનાં પાયામાં મા નામની મજબૂત શીલા આપણા જીવનને ટકાવવા માટે હોય છે. જીવનમાંથી જ્યારે તે ખસી જાય છે ત્યારે પંડની જે દશા થાય છે તેનો વલોપાત અનુભવે જ સમજાય છે. તેવા સમયે માની યાદ અને તેણે આપેલી શીખ આપણા માટે ઓક્સીજન બની રહે છે.

માનાં નસીબમાં તો સંતાનથી દૂરતા કે વિચ્છેદ જ લખાયો હોય છે. બીજ, જે માની કૂખમાંથી ફલિત થઈ, બાળક બની અવતરતું કાખમાં આવે છે. માનાં હાલરડા સાંભળતું, તેનાં પાલવ તળે પાંગરતું, આંગણે ઊછરતું, પાપા-પગલી ભરતું, આંગળી છોડી દોટ મૂકતું, આકાશે ઉડી પરદેશ વસતું સંતાન એક નવો માળો ઉભો કરે છે. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવવાનું આધ્યાત્મ જ્ઞાન સંતાન આસાનીથી શીખી જાય છે. સંતાનને કારકિર્દીના શિખરો સર કરવાં છે. ક્યાં સુધી તે માની ગોદમાં પડ્યો રહેશે? મા અને સંતાન વચ્ચેનું બંધાયેલું અતૂટ બંધન સમયની સાથે તૂટૂતૂટૂ થાય છે, એ મા ભૂલી નથી શકતી. એક એક દિવસ યાદ કરીને બાળકની યાદને પંપાળીને જીવવાની કોશિશ કરે છે. તેણે વિકસાવેલો, પાળીપોષીને મોટો કરેલો છોડ, વૃક્ષ બની ચૂક્યું છે. તેનો માળી બદલાઈ ગયો છે. આજની પેઢીએ સ્વીકારવું રહ્યું કે મા, સંતાનનું મૂળ છે. મૂળ છે તો વૃક્ષ છે. જો મૂળને કાપશો તો આજની ટેકનોલોજીને આધારે વૃક્ષ કદાચ જળવાઇ તો રહેશે પણ તેની મૂળ મીઠાશ ચાલી જશે માટે માત્ર “મધર્સ ડે” પર નહીં પણ જીવનપર્યંત જનેતાને સન્માન આપવું જ રહ્યું. જે ગોદમાં ઉછર્યાં હતાં, જે ધાવણનું અમૃત પીધું હતું તેનું ઋણ ચૂકવવા જેટલી કૃતજ્ઞતા દરેક સંતાને અદા કરવી જ રહી. માનું હૃદય રાગ અને ત્યાગ વચ્ચે હંમેશા ઝૂરતું રહે છે. પોતાનું હોવાપણું ઓગાળવું સહેલું નથી. ત્યાગીને ભોગવવાનું એક મા જ કરી શકે. મા એ સત્યમ્ શિવમ્ સુન્દરમ્ નો ત્રિવેણી સંગમ છે. માતૃત્વ એ માનું સત્ય છે, વાત્સલ્ય એ શિવત્વ છે અને મમત્વ સુંદરમ્ છે.

આજની માતા ટેકનોલોજી, શોધખોળ અને પુરાવાનાં યુગમાં બાળકને જન્મ આપી તેનો ઉછેર અને ઘડતર અનેક મર્યાદા સાથે કરી રહી છે. સમાજને તેની પાસે અપેક્ષાઓ પણ ઘણી છે. કુદરત અને સમાજે નિર્માણ કરેલાં બંધનમાં રહેવાં છતાં મુક્ત થઈને પડકારો ઝીલીને પ્રેરણામૂર્તિ બનીને, સમાજને પોતાનું યોગદાન આપે છે તેવી મા વિશે જેટલું પણ લખાય, કાગળ-કલમ ખૂટી પડે. માનો મહિમા ગાતું કવિ શ્રી બોટાદકરનું કાવ્ય યાદ આવે છે અને સંવેદનાથી છલકાતું હૈયું હાથ નથી રહેતું. અંતે ગાઈ ઊઠે છે, “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.”

2 thoughts on “૨૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. કોઈ કવીએ એ મતલબનું કાવ્યું છે કે માના ખોળામાં જેવી શીતળતા અને હુંફ હોય છે એવી શીતળતા હિમાલયમાં પણ જોવા મળતી નથી.

    Like

  2. એકદમ સાચી વાત,
    પૃથ્વીની ક્ષમા, જળની શીતળતા, અગ્નિની હૂંફ, વાયુનો આશ્લેષ અને આકાશની ઉદારતા
    આ પાંચે તત્વોનો એકમાં જ સમાવેશ એટલે મા અને એની મમતા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.