૨૯ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

માર્ચ પુરો થયો અને એપ્રિલ પણ અડધે પહોંચવા આવ્યો. વેકેશનની હવા બંધાવા માડી હોય એટલે સ્વભાવિક છે ભારતથી આવતા કે આવવા માંગતા આપણા સગા- સંબંધીઓ કે મિત્રોના અમેરિકા વિઝિટના વાવડ આવવા માંડે. થોડા ઊડતી મુલાકાતે આવે તો કેટલાક અહીં સ્થાયી થયેલા પરિવારના માતા- પિતા થોડા લાંબા સમયના વેકેશન પર આવે…..

આવા જ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા આવવાનો વાયદો કરતા એક યુગલની વાત છે. આ વર્ષે તો આવશે જ એવી ચોક્કસ ખાતરી હતી. એનું એક કારણ એ કે એમના દિકરાની ૧૨ બોર્ડની પરીક્ષા પતી ગઈ હતી અને હવે જરા લાંબુ વેકેશન મળ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ભણવાનો ભાર લઈને ફરતા દિકરાની સાથે એમના પણ કેટલાય દિવસો ભારભર્યા પસાર થયા હતા અને  રાતોની ઊંઘ વેચીને ઊજાગરા વહોર્યા હતા એની જાણ હતી. આ સમય હતો લાંબા સમયથી વેઠેલા ટેન્શનને થોડો સમય હળવો કરવાનો. ફરી એકવાર બીબાઢાળ જીંદગી શરૂ થાય એ પહેલાં તાજગીની હવા ભરી લેવાનો. ફરી એક હોડમાં દોડવા સજ્જ થવાનો….વગેરે વગેરે……

પણ ના, એવું કશું જ ના બન્યું. અમેરિકા આવવાના વાયદાને ફરી પાછો બે વર્ષ માટે આઘો ઠેલી દીધો. કારણ?

એમના દિકરા પાસેથી જ જાણીએ..

“હું નાનો હતો ત્યારે મમ્મી મને એવું કહેતી કે તું સરસ ભણીશ, સારા માર્ક્સ લાવીશ, સ્કૂલમાં સારો સ્કોર કરીશ તો ૧૦માં બોર્ડમાં તને તારી ગમતી લાઈનમાં જવાનો દરવાજો ખુલ્લો થશે….Ok, ચાલો કમર કસીને, ચોટલી બાંધીને ભણી લીધું. કોઈપણ જાતનો સમય વેડફ્યા વગર અને દરેક જાતના શોખ ભૂલીને પણ ભણી લીધું. કારણ હું પણ ભણતરની વૅલ્યૂ સમજતો જ હતો ને પણ પછી? ૧૦ બોર્ડની પરીક્ષા પતી ગઈ એટલે ૧૨ બોર્ડ માટેના ક્લાસિસ, ટ્યુશન અને ટેન્શન ચાલુ થઈ ગયા. સાચું કહું છું ત્યારે પણ મન દઈને ભણ્યો. આમથી તેમ, એક દિશાએથી બીજી દિશાએ દોડી દોડીને પ્રાઈવેટ ટ્યુશનમાં જોડાયો. એની પણ પરીક્ષાઓ સતત આપી અને એ બધી પરીક્ષાઓ સાથે ૧૨ બોર્ડની પણ પરીક્ષા પતી હવે? તો હવે આગળ ક્યાં એનો ય આરો છે? આમ તો એક પછી એક પરીક્ષાઓ ચાલુ જ રહેવાની અને એકપણ પરીક્ષા આપ્યા વગર તો ક્યાં ચાલવાનું છે? ”

કેટલી સાચી વાત?

આપણે સમજીએ જ છીએ કે વાત તો એની ય સાચી જ છે.  આપણે પણ આ આખા ક્રમમાંથી પસાર થઈ જ ચૂક્યા છીએ ને?. અભિમન્યુના સાત કોઠા કરતાં વધારે કોઠા છે અત્યારના એજ્યુકેશનના.. એકવાર એના ચક્રવ્યૂહમાં પેઠા કે બહાર નિકળવાનો આરો ક્યાં અને ક્યારે આવશે એ તો જાનકીનાથ જ જાણે અને આ તો કદાચ નર્સરી- કિન્ડરગાર્ટન, જેને પહેલા બાળમંદિર કહેતા હતા એમાં એડમિશન લેવાથી માંડીને સરસ મઝાની અને સિક્યોર જોબ મળે ત્યાં સુધી આપ્યા કરવાની પરીક્ષાઓ છે. સ્કૂલ પછી કૉલેજ, માસ્ટર્સ ડીગ્રી પછી સુપર સ્પેશલાઈઝેશન.

“ભણશો તો આગળ વધશો અથવા ભણશો તો તરશો, ભણશો તો જીવનમાં કંઇક પામશો.” માતા-પિતાએ કહેલી આ વાત તો હવે સંતાનો માટે તકિયા-કલામ બની રહી છે. એ પછી કદાચ સારી જોબ મળી જશે તો પણ પાછા પ્રમોશન માટેની પરીક્ષા. વળી પાછા સારી છોકરી કે છોકરો મેળવવાની પરીક્ષા તો ઊભી જ રહેશે એ પછી પણ ક્યારે કઈ પરીક્ષા આપવી પડશે એની ક્યાં ખબર છે?

છેલ્લા કેટલાય સમયથી સાંભળીએ છીએ, જાણીએ છીએ પરીક્ષાની ટકાવારી કેટલી મહત્વની બની ગઈ છે. એક સમય હતો જ્યારે પંચોત્તેર ટકા આવે એટલે સારામાં સારી મેડિકલ સ્કૂલમાં એડમિશન લેવા માટેના વિકલ્પ પણ ખુલ્લા રહેતા જ્યારે આજે? વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ટકા પરિણામ લાવવા સુધીની હોડ શરૂ થઈ ગઈ છે.

અને આ માત્ર બાળકો મોટા થાય ત્યારે શરૂ થતી યાત્રા નથી એ તો કદાચ એ.બી.સી.ડી બોલતા શીખે ત્યારથી જ ભવિષ્યમાં આગળ વધવા માટે મુકાતી એક સીડી છે જેના એક પછી એક સોપાન ચઢતા જ જવાનું છે. ભણતર મહત્વનું છે એની ના જ નથી પણ અત્યારે સાવ પાંચમાં સાતમા ધોરણમાં ભણતા છોકરાઓને પણ મજૂર બોરી ઉપાડે એમ બેવડ વળી જવાય એટલા ભારવાળી સ્કૂલબેગ લઈને જતા જોઈએ ત્યારે મન ચકડોળે ચઢે ખરું. સમય બદલાતો જાય છે એમ ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ બાળક આગળ વધે, પ્રથમ આવે એવી સૌની માનસિકતા ક્યાં અજાણી છે.

હવે જે વાત કરવી છે એ તો સાવ અકલ્પ્ય ઘટના છે. તાજેતરમાં એક વિડીયો જોઈ. સાવ નાના કુમળા, ભાખોડીયા ભરતા બાળકોની સ્પર્ધા. સ્પર્ધા જીતવા માટે જ્યાં પહોંચવાનું હતું ત્યાં માતા કે પિતા એમના બાળકને આકર્ષે એવું કોઈ રમકડું લઈને બેઠા હતા. રેસ શરૂ થઈ. કેટલાક બાળકો આગળ વધીને એમની જ મસ્તીમાં ત્યાં અટકી ગયા. કેટલાક આગળ વધીને પાછા વળી ગયા. બે બાળકો આગળ વધ્યા અને અંતે એક બાળક ભાંખોડીયા ભરતું ભરતું છેવટની રેખાને આંબી ગયું. જોઈને થયુ. Really ??? આવી પણ સ્પર્ધા હોઈ શકે ? સ્વભાવિક છે જીતેલા બાળકના માતા-પિતા તો રાજીના રેડ. હવે મઝાની વાત તો એ કે બાળકને તો ખબર પણ નહીં હોય કે આ શું અને કેમ બની રહ્યું છે પણ આ જોઈને વિચાર તો આવ્યો જ કે સાવ આટલી ઉંમરથી પણ બાળકને એના જીવનમાં આવતી અનેક સ્પર્ધાઓ અને અગણિત પરીક્ષાઓ માટે સજ્જ થવું જ પડશે ને?

આવી જ જીવનની દડમજલમાં પણ સતત માથે ભાર બનીને ઝળૂંબતી આ પરીક્ષાઓ માટે કવિ શ્રી કૃષ્ણ દવેએ શબ્દોમાં ઢાળેલી વાત કેટલી સાચી અને સચોટ છે?

રોજ પરીક્ષા રોજ પરીક્ષા, રોજ પરીક્ષા દઈએ, ક્યાંતો સ્કૂલમાં, કાં ટ્યુશનમાં, કાં ટેન્શનમાં રહીએ.

નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ મોટા, નાની નાની મુઠ્ઠી પાસે પકડાવે પરપોટા.

એચ ટુ ઓને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ? રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.

પ્રવાસ ચાલુ થાય નહીં એ પહેલા હાંફી જઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.

થાકું, ઊંઘું, જાગું ત્યાં તો સામે આવે બોર્ડ, હોઉં રેસનો ઘોડો જાણે એમ લગાવું દોડ.

કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છઈએ, રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ.

કાવ્ય પંક્તિ – કૃષ્ણ દવે

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 
 

4 thoughts on “૨૯ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

 1. રાજુ,એકદમ સાચીવાત પણ મને તો આ જીવન પણ પરીક્ષા જ લાગે છે નહી?હા,જેને સો ટકા આપીને સાચીરીતે ગીતાના સંદેશ પ્રમાણે જીવવું હોય તેને માટે……ખરુંને?

  Liked by 1 person

  • યસ, જિગિષા
   જીવન જ આખુ લર્નિંગ પ્રોસેસ છે અને જ્યાં શીખવાનું હોય ત્યાં શીખેલુ સાબિત કરતી પરીક્ષા પણ હોવાની જ.
   પાસ કે નાપાસ થવાના ભય વગર પ્રમાણિકપણે પરીક્ષા આપતા જરાય ખચકાટ ન થાય તો જ એ સાચું શિક્ષણ અને એ શિક્ષણ પામ્યા પછી કોઈપણ પરીક્ષાનો ભય જ નહીં રહે.

   Like

 2. You pointed out right , Rajulben !આ બધી ગળા કાપ હરીફાઈઓ માટે વધુ પડતી વસ્તીએ જવાબદાર છે ! આજે એક મિત્રે કહ્યું કે ઉનાળાના વેકેશનમાં સ્વિમિંગ પુલો બધા ભરચક થઇ ગયા છે! પૈસા આપવા છતાં બાળકોને એમાં એડમિશન નથી મળતું !! બિચારાં બાળકો! એમને નસીબે મહેનત મહેનત અને મહેનત જ લખાઈ છે! એટલે તો આપણે તક મળતાં અહીં આવ્યાં છીએ ! ! But both nations have their own problems!Hopefully things will change!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.