૨૮ -સંવેદનાના પડઘા – બાપુ મારી બા પણ-જિગિષા પટેલ

અમર અને આનંદ સાતમા ધોરણમાં ભણતા બે જોડીયાભાઈઓ સ્કુલેથી પાછા આવ્યા તો તેમના ઘરને બારણે તાળું લટકતું હતું. પપ્પાએ બારણા પર ચિઠ્ઠી લગાડેલી તે બંને ભાઈઓ વાંચતા હતા અને ત્યાં જ બાજુમાં રહેતા દેવીબેન ચાવી લઈને દોડતા આવ્યા અને ઘર ખોલી આપ્યું . સાથે સાથે કીધુ “બેટા જમીને રમજો હું બાજુમાં જ છું કંઈ કામ હોય તો કહેજો.”

દરરોજ ઘરમાં રહેતા સવિતાબેનને તાવ આવ્યો હોવાથી આવ્યા નહોતા. પપ્પાએ બનાવેલ ભાખરી શાક બંને જણાએ ખાઈ લીધા. અમર જે આનંદથી પાંચ મિનિટ મોટો હતો તે એકદમ ડાહ્યો અને ગંભીર  હતો. આનંદ મસ્તીખોર,મજાકિયો પણ ખૂબ લાગણીશીલ હતો. તેમના પપ્પા કોલેજમાં પ્રોફેસર હતા. સવિતાબેનના કરવાના બધા કામ પડ્યા હતા. અમરે જમીને વાસણ કરવા માંડ્યા. તેને જોઈને આનંદ રસોડું સાફ કરી પોતું મારવા લાગ્યો.અમરે આનંદને કીધું “પપ્પા પાંચ વાગે આવીને ક્યારે કપડાં ધોશે? ભાઈ ,ચાલ આપણે કપડાં ધોઈ નાંખીએ.”અમર કપડાં ધોઈને આપતો હતો અને આનંદ તે તાર પર ટેબલ પર ચડી સૂકવતો હતો. ત્યાંજ દેવીબેનનો દીકરો રોજની જેમ તેમને ક્રિકેટ રમવા બોલાવવા આવ્યો.આ લોકોને આમ કામ કરતા જોઈને પૂછવા લાગ્યો”

તમારી મમ્મી કેમ આ બધું નથી કરતી? એ કેમ તમને મૂકીને તમારા મામાને ઘેર રહે છે? એને બોલાવી લો તો તમે સ્કુલેથી પાછા આવે તો તમને જમાડે ,ભણાવે અને ખૂબ વ્હાલ પણ કરે? અમરે તો કંઈ જવાબ ન આપ્યો પણ આનંદે કીધુ “તું જા અમારે રમવા નથી આવવું અને પછી ખૂબ ઉદાસ થઈ રડવા લાગ્યેા.

તેને આમ રડતો જોઈ અમરની આંખોમાં પણ ઝળઝળિયા આવી ગયાં. તેની ઈચ્છાતો આનંદને શાંત રાખવાની હતી .પણ અમરને બધા પાસે મમ્મી છે ને ભાઈ આપણી પાસે જ કેમ નહી કરીને ધ્રુસકે ધ્રુસકે રડતો જોઈ ,તેની પાસે તેનો કોઈ જવાબ ન હોઈ તે પણ તેને વળગીને જોર જોરથી રડવા લાગ્યો.

એટલામાં જ તેમના પપ્પા હરીશભાઈ કોલેજમાંથી અડધી રજા લઈને ઘેર આવી ગયા. દીકરાઓ શું કરે છે એકલા ઘરમાં તે જોવા તે પોતાની ચાવીથી ઘર ખોલી અંદર આવ્યા , તો બંનેને આમ એકબીજાને વળગીને રડતાં જોઈ ગભરાઈ ગયા.ઘરમાં આમ બધું સાફસુથરું અને કપડાં-વાસણ થએલા જોઈ તે વધુ નવાઈ પામ્યા. બંને ભાઈઓ જોરથી પપ્પાને વળગીને રડવા લાગ્યા.અમર તો કંઈ બોલ્યો નહી પણ આનંદે રડતા રડતા પપ્પા ,મમ્મી કેમ અહીં આપણી સાથે રહેતી નથી ? બધાંના મમ્મી-પપ્પા તો સાથે જ રહે છે કહી દેવીબહેનના દીકરાએ કહેલી વાત કહી પોતાના રડવાનું કારણ વિગતથી સમજાવ્યું.

હરીશભાઈએ એક વરસના હતા ત્યારથી બંને દીકરાઓને મા અને બાપ બંને થઈને ઉછેર્યાં હતા . દીકરાઓના અચાનક પૂછાએલ સવાલનો શું જવાબ આપવો તે તેમને સમજાયું નહી અને હજુ તેમના અને તેમની પત્ની ઉમાનો ઝઘડો સમજી શકે તેટલા બાળકો મોટા પણ ન હતા. તે ઉમા માટે કોઈ ખરાબ વાત પણ કરવા માંગતા ન હતા એટલે તેમણે તે વાત ઉડાડી દીધી અને ચાલો બેટા જલ્દી તૈયાર થઈ જાઓ આપણે તો કે.લાલ જાદુગરનો શો જોવા જવાનું છે એટલે હું જલ્દી ઘેર આવ્યો છું કહી છોકરાઓને તૈયાર કરી બહાર લઈ ગયા.નાના બાળકો તો આઇસક્રીમ ખાતા ખાતા જાદુના ખેલમાં ખોવાઈ ગયા …… પણ હરીશનું મન જ્યારથી દીકરાઓને મા માટે રડતાં જોયા હતા ત્યારથી ખૂબ ઉદાસ અને બેચેન થઈ ગયું હતું. તેના મગજમાંથી વિચાર ખસતા નહોતા કે તે પોતાના દીકરાઓને કેવી રીતે સમજાવે કે તેમની મા તેમની સાથે રહેવા તૈયાર નથી! માતૃત્વના બધા બંધન તે પાર કરી ચૂકી છે .નહીં તો ફૂલ જેવા બે સાવ એક વર્ષના બાળકો વગર મા કેવી રીતે રહી શકે?? એ તો ખરેખર કોઈ અપવાદ જ હોય.!

હરીશને તે રાત હજુ એવીને એવી યાદ હતી જ્યારે અડધી રાત્રે તે પોતાના બંને એક વર્ષના બાળકોને લઈને ઉમાના ઘરમાંથી નીકળી ગયો હતો.

ઉમા અને હરીશના બંનેના બીજા લગ્ન હતા. હરીશ જ્યારે માત્ર અઢાર વર્ષનો હતો ત્યારે તેના લગ્ન ,પરાણે વિધવા માએ તે લગ્ન નહી કરે તો પોતે ઝેર ખાશે તેમ કહી કરાવ્યા હતા.તે તેની વિધવા માને ના પાડતો જ રહ્યો કે મારે હજુ બહુ ભણવાનું બાકી છે અત્યારથી લગ્ન નથી કરવા પણ વડીલોએ બાળપણમાં કરેલ સગાઈને તોડાય નહી તેમ કહી માએ તેને પરણાવી જ દીધો.પરંતુ લગ્નની રાતે જ  છોકરીને મળ્યા વગર જ તે ઘરમાંથી ભાગીને નવાગામથી અમદાવાદ આવી ગયો અને પાછો ફરીને પોતાને ગામ ગયો નહી. ભણીગણીને અમદાવાદ જ સ્થાયી થયો.

ઉમા ખૂબ શ્રીમંત પિતાની દીકરી હતી .તેના પહેલા લગ્ન પણ ખૂબ શ્રીમંત પરિવારમાં મુંબઈમાં થયા હતા. તેને પહેલા લગ્નથી દીકરી પણ હતી.તેનો પતિ કાર અકસ્માતમાં ગુજરી ગયો હતો.

ઉમા પાસે તેના પહેલા ધનવાન પતિના પુષ્કળ પૈસા અને બંગલા-ગાડી હતા.તેના બંગલાના આઉટહાઉસમાં રહેતા સ્વામીજી થકી ઉમા અને હરીશની ઓળખાણ થયેલ.પહેલા લગ્નમાં બંને નિર્દોષ રીતે એકલા થયા  હતા.ભણેલાે ગણેલો હરીશ ,ઉમાની દીકરીને પણ સ્વીકારવા તૈયાર હતો. તેથી સ્વામીજીએ જ બંનેના લગ્ન કરાવ્યા અને હરીશ ઉમાના બંગલામાં રહેવા આવી ગયો. પાંત્રીસ વર્ષે લગ્ન કર્યા હોવાથી હરીશ તો શરુઆતમાં વહુઘેલો થઈ ઉમાની આગળ પાછળ ફરતો.તે કહે તે બધી વાતમાં હાજી હા કરતો.લગ્નને વર્ષ થયું ત્યાં તો બે સરસ જોડીયા દીકરા અવતર્યા.

આટલાં વર્ષો પછી દીકરાને ત્યાં બે દીકરા જનમ્યા તેને જોવા અને રમાડવા ગામડેથી હરીશના બા આવ્યા જે ઉમાને જરાપણ ગમ્યું નહીં. “આવા ગામડિયા બા મારા ઘરમાં નહી. “હરીશ સમસમીને રહી ગયો.
બાળકોને રમાડવા ઉમાના મિત્રો ને પિયરનાં લોકો આવે ત્યારે પણ ગામઠી ભાષા બોલતા હરીશના બાને રુમની બહાર ન આવવા ઉમા કહેતી. ઘર અને પોતાના બંગલા ગાડી હોવાની વાત કરી તે દરેક વાતે હરીશને દબાવવા કોશિશ કરતી. હરીશને પણ ઉમા ,ગામડિયા – તારા નસીબ સારા કે તને પૈસા ,બંગલાે,ગાડી અને શહેરની મારા જેવી છોકરી પણ મળી ગઈ તેમ કહી વાતે વાતે સંભળાવતી.રોજની રોજ આવી ઉમાની વાતો સાંભળી હરીશ હવે તંગ આવી ગયો હતો.

પરંતુ અમર અને આનંદને જોઈને ખુશ થઈને દિવસો કાઢતો હતો.હવે તો ઉમા બાઈઓ પાસે છોકરાઓને મૂકીને કીટીપાર્ટી અને પોતાના પિયરમાં જતી રહેતી.એક દિવસ હરીશ કોલેજથી પાછો આવ્યો અને બંને દીકરાને તાવ હતો.રાતનાં અગીયાર વાગ્યા સુધી હરીશે પોતા મૂક્યા અને જ્યારે તેણે ઉમાને કીધું “તું સગી મા થઈને બાળકો માંદા હોવા છતાં બહાર જતી રહી?”

તો કહે”મારા ઘરમાં રહી તમારે મને કેવી રીતે રહેવું અને ક્યારે બહાર જવું તે સમજાવાની જરુર નથી.
બે જોડીયા બાળકોને તમારા પોતાના ઘરમાં તમારા પૈસે ઉછેરો તો હું જાણું. બે દીકરા તમારા છે અને તાગડધિન્ના તમે મારા પહેલા પતિને પૈસે કરો છો.”

હવે હરીશની પૌરુષત્વની બધી હદ પાર થઈ ગઈ …..તે તેના બંને દીકરાને એક વરસના લઈને તે રાતે જ ઉમાના ઘેર ક્યારેય પાછું નહી ફરવાનું કહી નીકળી ગયો.ત્યારપછી પોતાને મળતા પ્રોફેસર ક્વાટર્સમાં રહી ગામડેથી પોતાની બાને બોલાવી એકલા હાથે દીકરાઓની મા અને પિતા બની તેમને ઉછેરવા લાગ્યો.અમર-આનંદ સાત વર્ષના હતા અને હરીશના બા પણ ગુજરી ગયા.

સવિતાબેન રસોઈ અને ઘરકામ કરવા આવતા પણ ન આવે તો બાળકોને જાતે રસોઈ કરી હરીશ જમાડતા.ઉમા બે ત્રણ મહિને એકાદવાર બાળકોને મળવા આવતી. એને છોકરાઓની જવાબદારી મા તરીકે લઈને પોતાના હરવા ફરવા પર પ્રતિબંધ જોઈતો જ નહતો .હરીશે બંને દીકરાઓને જાતે નવડાવી,ખવડાવી,સુવડાવી ,  મા અને બાપનો પ્રેમ આપ્યો.કયારેય ઉમા વિશે કંઈ જ ખરાબ છોકરાઓને કીધુ નહી.

છોકરાઓ સરસ ભણી ગણીને મોટો ધંધો કરવા માંડ્યા. તે બંને જણે તેમની પત્નીને ,લગ્ન કર્યા ત્યારે
કીધું કે મારા મા અને બાપુ બંને મારા પિતા જ છે તમે અમને નહી સાચવો તો ચાલશે પણ મારા પિતાને કોઇ તકલીફ પડવી ન જોઈએ.રોજ બંને દીકરા કામ પરથી આવી પપ્પાની પથારી પાસે  બેસતા ત્યારે હરીશ પોતાના જીવનના સરવૈયાના આનંદનો અનુભવ કરતા….

એકલે હાથે પેટે પાટા બાંધી છોકરા ઉછેરતી માને સાંભળી છે પણ આવા પણ પિતા હોય છે કે જે માને
બાપ બંનેનો પ્રેમ આપી બાળકોનો તંદુરસ્ત ઉછેર કરે.

પોતાના અહમને પોષવા અને મતભેદો થકી આજકાલ ડિવોર્સનું પ્રમાણ ખૂબ વધી ગયું છે પણ તેમના નિર્દોષ બાળકો તેનો ભાર લઈ ખૂબ મુંઝાતા અને મનમાં જ રિબાતા જીવે છે તેનો શો ઉપાય?

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા. Bookmark the permalink.

1 Response to ૨૮ -સંવેદનાના પડઘા – બાપુ મારી બા પણ-જિગિષા પટેલ

  1. સાચી વાત જિગિષા,
    સિંગલ મૉમની વાત ઘણીવાર સાંભળી છે પણ આવી રીતે એકલા હાથે પિતાએ બાળકોને ઉછેર્યા હોય એવું ભાગ્યેજ બને.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s