૨૮ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

શનિવારની બપોરના સરસ મઝાના હુંફાળા તડકામાં ઘણા-બધાને બહાર ટહેલતા તો જોયા હતા એટલે મને પણ જરા બહાર નિકળવાનું મન તો થયું હતું. વિચાર અમલમાં આવે એ પહેલાં તો ટીન,,,,,ટીન…..ડૉરબેલ વાગ્યો. બારણું ખોલ્યું તો સામે સાવ દસ વર્ષની સરસ મઝાની મીઠડી છોકરીને હાથમાં નાનકડો, એનાથી ખભે લટકાવી શકાય એવો થેલો લઈને એના જેવા જ મીઠ્ઠા સ્મિત મઢેલા ચહેરે ઊભેલી જોઈ. કૉમ્યુનિટી રૉડ પર પાર્ક થયેલી કારમાં એની મમ્મીને પણ જોઈ. સાવ પહેલી વાર જ જોયેલી આ છોકરીએ એના થેલામાંથી એક બોક્સ કાઢ્યું…. અરે ! આ તો કેરેમલ ડિલાઈટ સમોઆસ કૂકી…

હવે ? આમ તો બે દિવસ પહેલાં વૉલમાર્ટની બહાર પણ સ્કાઉટ ગર્લ્સ આવી જ કૂકી લઈને ઊભેલી હતી. એમની પાસેથી પણ એ ચોકલૅટ-કોકોનટ ફ્લેવર કૂકી લીધી હતી પણ ઘર આંગણે આવેલી આ છોકરીની પાસેથી પણ કૂકી લેવાનું ગમ્યું. આ કૂકીનો સ્વાદ આમે ય દાઢે તો વળગ્યો છે એટલે આપણે તો દલા તરવાડીની જેમ લઉં બે -ચારના બદલે લે ને દસ-બાર જેવી નીતિ અપનાવી. આમે વર્ષમાં એક જ વાર તો આ લહાવો મળવાનો ને? ( સુગર કાઉન્ટ સામે આંખ મીચાંમણા કરી જ લીધા).

સ્પ્રિંગ આવે અને આવી રીતે સ્કાઉટ ગર્લ્સ જોવા મળે. એવું નથી કે આવા બે -ચાર કૂકીના બોક્સ આપણે લઈ લીધા અને એ લોકો ન્યાલ થઈ જશે પણ હા! એમના સપનાના વાવેતરમાં આપણે કશુંક ખાતર કે પાણી ઉમેરવામાં સહભાગી તો જરૂર બનીશું કારણકે એ છોકરીની આંખમાં, એની વાતોમાં મેં કશુંક તો એવું અનુભવ્યું કે જે મને સ્પર્શી ગયું. એની વાતોમાં સ્વબળે આગળ આવવાના પાયામાં એક ઈંટ મુકાતી જોઈ. એ ઘેરી કથ્થાઈ આંખોના ઊંડાણમાં ભાવિના સપના સાર્થક કરવાના મબલખ મનોરથ જોયા. એની સાથે વાતો કરવાનું ગમ્યું.

“ I am Anjelina, everyone calls me Anjoo” આંખો પટપટાવતા એણે મારા સવાલનો જવાબ આપ્યો.

એક હદથી તો વધારે વાતો થઈ નહોતી એની સાથે પણ એટલા સમયમાં પણ આપમેળે ઊભા થવાનો અનહદ આત્મવિશ્વાસ એનામાં જોયો. એની સાથેની પાંચેક મિનિટમાં થયેલા અલપઝલપ સંવાદોમાં પણ પણ ભાવિ માટે સોનેરી સપનાની લકીર જોઈ. કૂકી લઈને આવેલી કન્યા એ કોઈ મોટી ઘટના નહોતી પણ એને મળવાની, એની સાથે વાત કરવાની ઘટના મને કદાચ કાયમ યાદ રહી જશે.

થોડા સમય પછી સમર શરૂ થશે અને આવા ટાબરીયા એમના ઘર પાસે નાનકડા ખુરશી ટેબલ લઈને લેમૉનેડ કે એવા જ કોઈ પીણાં લઈને બેસશે અને આપણે આ સ્વાશ્રયી બનવાની વૃત્તિને બિરદાવવા કહો કે હોંશને ટેકો આપવા કહો પણ એમની પાસેથી હોંશે હોંશે એ પીણાં લઈશું પણ ખરા. વાત માત્ર કશુંક લઈને એમને ખુશ કરવાની નથી પણ એમાંથી આ નવી પેઢીને ભવિષ્યમાં કશુંક નક્કર આયોજન કરવાની ધગશને ટેકો આપવાની છે.

એ છોકરીને જોઈને એવું લાગ્યું કે એમની પાસે કોઈ એવી વાત છે જે એમને વિશેષ બનાવે છે. એના મનના તળમાં નક્કર સપનાની ભૂમિકા બંધાતી જોઈ. આવી કૂકી લઈને કોઈ મોટા સ્ટોરના ગેટ પાસે ઊભા રહેવામાં કે કોઈપણ અજાણ્યા ઘરના દરવાજે જઈને ઊભા રહેવામાં જરાય સંકોચ ન અનુભવતી આ છોકરીઓમાં સ્વબળે આગળ આવવાનો નિશ્ચય જોયો. એંજલિનાની વાતોમાં એટલો તો છલોછલ આત્મવિશ્વાસ ભરેલો હતો! અને પાછું એવું જરાય નહોતું કે પોપટીયું રટણ એ રટી જતી હતી કે મમ્મીએ અથવા સ્કૂલમાં શીખવાડેલી શાણપણની વાતો એ અહીં વ્યકત કરી રહી હતી કે પછી પુસ્તકીયું પઠન કરી જતી હતી. ઉંમરને અનુરૂપ પુરેપુરી સમજદારીપૂર્વક એ વાત કરતી હતી. નાનકડી ઉંમરમાં પણ ઘણી બધી નિર્ણયબુદ્ધિનો અણસાર એનામાં જોયો જે ખુબ ગમી ગયો. અને આ બધા સમય દરમ્યાન ન તો એણે એની મમ્મી તરફ નજર કરી કે ન તો એની મમ્મીએ ગાડીમાંથી ઉતરીને દિકરીના કામને ટેકો આપવાનો પ્રયાસ કર્યો.

અને મને ક્યારેક વાંચેલી એ પંક્તિઓ યાદ આવી ગઈ.

ઊંડું જોયું, અઢળક જોયું;મનમાં જોયું, મબલખ જોયું

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,

કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;ઊંડે જોયું, અઢળક જોયું.

જળમાં જોયું, ઝગમગ જોયું; ઊંડે જોયું, અઢળક જોયું.

પલમાં જોયું, અપલક જોયું; હદમાં જોયું, અનહદ જોયું;

અપલક રીતે જોઈ રહેલી અને નિર્ધારથી ચમકતી એની આંખોમાં એક એવી જ્યોતિ જોઈ જેના ઉજાસમાં એંજલિનાનું ઝળહળ ભાવિ દેખાયું. કોઈ ગેબી તળની છીપમાં પાકતા ઝલમલ મોતી જેવા એના મનના તળમાં ઉછરી રહેલા અઢળક સપનાઓનો ચળકાટ જોયો.  

અને થયું કે જરૂર આ એક એવું બાળક છે જે આવતી પેઢીની જવાબદાર અને સફળ વ્યક્તિઓ બની ઉભરશે.

કાવ્ય પંક્તિ – ચંદ્રકાંત શેઠ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

4 thoughts on “૨૮ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. સરસ …સ્વચ્છ નિર્મલ વાતો જાણે…… અને કવિની રચના પણ સુંદર ….

    Liked by 1 person

  2. કાવ્યપંક્તિનું ગઠબંધન આત્મવિશ્વાસ સભર બાળકી સાથે ખૂબ સરસ રીતે કર્યું છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.