સંવેદનાના પડઘા-૨૭સ્ત્રીની મર્યાદાનો સ્વીકાર

યૌવનના ઉંબરે પહોંચેલી અનુપમાના પાંચફૂટ સાત ઈંચનાં સુંદર મૃતદેહને સોળે શણગાર સજાવી તેના વિશાળ ડ્રોઈંગ રુમમાં કુટુંબીઓને મિત્રોના છેલ્લા દર્શન માટે ખુલ્લો મૂક્યો હતો……
અનુપમાના અનુપમ સૌંદર્યને છેલ્લી વખત જોઈને તેનો પતિ અજય એક પુરુષ હોવા છતાં છાતી ધ્રુજાવી દે તેવું આક્રંદ કરી રહ્યો હતો.તેનું મન હજુ માનતું નહતું કે ખરેખર તેની અનુપમા તેને આમ અડધે રસ્તે મૂકીને અચાનક ચાલી ગઈ…….હેકડેઠઠ બેઠેલા બધાજ લોકોની આંખો આંસુથી ઊભરાતી હતી.બધાંને એકજ વાતનું આશ્ચર્ય હતું કે આટલી બહાદુર અને હિંમતવાળી સ્ત્રીની આ દશા!!!!!! અને આવું મોત!!!!!

હમેશાં પોતાની દીકરીની વાત કરતા જેની છાતી ગજ ગજ ફૂલતી હતી તે મનુભાઈ ચા વાળા આજે ભગવાનને ફરિયાદ કરતા હતા કે “તને જરાય શરમ ન આવી મારી વાઘ જેવી અનુની આ દશા કરતા?તેં આજે મને અનાથ બનાવી દીધો”વજ્ર જેવી છાતીવાળો બાપ આમ દીકરીની અચાનક,અકાળે થયેલ ક્રૂર હત્યાથી નાસીપાસ થઈ તેની છાતી પર માથું મૂકી પોંકે પોંકે રડીરહ્યા હતા.

અનુપમા આજથી પચાસ વર્ષ પહેલાં એક આગવી પ્રતિભા ધરાવતી ,આગવી વિચારધારા ધરાવતી,સી.એ થયેલી સૌંદર્યવાન સ્ત્રી હતી.તેનો પતિ અજય અને તે કોલેજથી જ સાથે ભણતાં.ભણવામાં હમેશાં અવ્વલ અનુપમા અને અજયે સાથેજ સી.એ પાસ કર્યું હતું.

અજયને અનુપમા પહેલેથી જ ખૂબ ગમતી.લગ્નનો પ્રસ્તાવ લઈને તે જ્યારે અનુપમા પાસે ગયો ત્યારે જ અનુપમાએ અજયને જીવન અંગે ,દુનિયાદારી વિશે,સમાજમાં સ્ત્રી તરીકે અને સ્ત્રીના અસ્તીત્વ અંગે પોતે શું વિચારે છે તે સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું.સાથેસાથે તેમ પણ કીધુંકે “હું આજ વિચારધારા સાથે જીવન વ્યતીત કરવા માંગું છું તમે અને તમારો પરિવાર સાથે બેસીને વિચારી લો પછી જ આપણે લગ્ન કરીએ.”

તે માનતી હતી કે સ્ત્રી અને પુરુષનું વજૂદ સમાજમાં એક સમાન હોવું જોઈએ.હું ભણેલી ગણેલી હોવાથી વ્યવસાયીક કામકાજ કરીશ.જીવનમાં ઘરનાં અને બહારનાં બધાજ નિર્ણયોમાં હું તમારી સમકક્ષ રહીશ. સ્ત્રી તરીકે અબળાનારી તરીકે મને ક્યારેય ગણવી નહી.આમ નારીશક્તિ જિંદાબાદનાં બધાજ નારાઓ તેણે અજય સામે ઉચાર્યા.નામ પ્રમાણે ગુણ ધરાવતી ,અનઉપમેય અનુપમાના સૌંદર્ય ,વાક્છટા અને આગવી પ્રતિભાથી અંજાઈ ગયેલ અજય તો તેના પ્રેમમાં પાગલ હતો.તેમનાં ખૂબ ધામધૂમથી લગ્ન થયા.

બધીજ રીતે તૈયાર અનુપમાએ તેની હોશિયારીથી ઘર,વર અને કુટુંબીજનોના હ્રદયને જીતી લીધું હતું. ચોખ્ખું ચણાક ઘર,સ્વાદિષ્ટ રસોઈ અને વટ વ્યવહારમાં પણ કાબેલ દીકરાની વહુના વખાણ કરતા સાસુ પણ થાકતા નહી.આખા કુટુંબમાં તેનું એક ચક્રી શાસન ચાલતું.કોઈ સ્ત્રી  વાત કરે કે “બાપ આપણેતો બૈરાની જાત આપણાથી આ ના થાય “ તો તે સ્ત્રીને તે ત્યાંને ત્યાં ખખડાવી નાખતી.પોતે ઓડીટ કરવા બહારગામ જતી તો પોતે કરતી તે ઘરના કામ પતિ કરે તેવો આગ્રહ રાખતી.પરતું અજયને અનુપમા ખૂબ વહાલી હતી તેને અનુપમાની કોઈ વાત સામે વાંધો નહોતો.કોઈ પંચાતિયાતો એવું પણ કહેતા કે “સો ભાયડા મારીને એક સ્ત્રી બનાવી છે ભગવાને અનુપમાને”.

એ દિવસે અનુપમા ડાકોર ઓડીટનાં કામે ગઈ હતી.રાત્રે આઠ વાગે ઘેર પહોંચી જતી અનુપમા રાત્રે દસ વાગેપણ ઘેર ન આવી.અજયે મનુભાઈને ત્યાં પૂછવા ફોન કર્યોકે અનુ ત્યાં કામ પરથી સીધી આવીછે? અનુ ત્યાં હતી નહી પણ મનુભાઈએ કીધુ “મારા દીકરા જેવી દીકરી ઘેર આવી જ જશે અને
અમદાવાદથી ડાકોર દૂર પણ કયાં છે કે તમે ચિંતા કરો છો! સૂઈ જાઓ નિરાંતથી તમે ત્યારે”

એટલામાં તો અનુપમાનો ફોન આવ્યો કે “હોળી ની પૂનમ અને ધુળેટીના  ઉત્સવને લીધે ડાકોરમાં એટલી ભીડ છે અને બધીજ બસો ભરેલી છે .મને બસ મળતી નથી પણ હું કંઈ પણ કરીને ઘેર પહોંચી જઈશ.”હવે અજયને શાંતિ થઈ.પરતું રાતના બે વાગ્યા પણ અનુ આવી નહી .અજયને ઊંઘ ન આવી પણ તે ફોન પણ કયાં કરે? ત્યારે સેલ ફોન પણ કયાં હતા!!!

સવારનાં પાંચ વાગતા જ તેણે મનુભાઈને ફોન કર્યો કે “અનુ હજી આવી નથી હું ડાકોર તપાસ કરવા જાઉંછું આપ કે અનુનો ભાઈસાથે આવો તો સારું.” બંને જણાને લઈને તેઓ તરતજ ડાકોર જવા નીકળ્યા.આખું ગામ કેટલીય વાર ફરી વળ્યા પણ અનુનો ક્યાંય પત્તો ન લાગ્યો.તેના પરિવારજનો અને સગાંવહાલાને મિત્રોના ઘેર બધે તેની માતા અને ભાભીએ તપાસ કરી પણ અનુનો ક્યાંય પત્તો ન જડ્યો.છેવટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.તેના ફોટા આપ્યા.

ડાકોરમાં તેનાે ફોટો લઈને ફરતા અજયને કોઈ પાનના ગલ્લાવાળાએ કીધુ કે”આ બહેનને
મારા પાનના ગલ્લાને બંધ કરતો હતો ત્યારે એક ટ્રકવાળા સાથે મગજમારી કરતા સાંભળ્યા હતા કે
“મને બસ મળતી નથી રહેવાની જગ્યા પણ મળતી નથી હું તને પૈસા આપીશ ,તું મને અમદાવાદ
ઉતારી દે.”

પોલીસને તપાસ કરતા જ ડાકોર નજીકના એક ગામના ખેતરમાંથી અનુપમાની જોવાય નહી તેવી
તૂટેલા ફાટેલ વસ્ત્રોવાળી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી.પોલીસના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત તો તેની ગળચી દાબીને કરવામાં આવ્યું હતું અને તેના મૃત્યુ પહેલા તેની પર કેટલીએ વાર બળાત્કાર થયો હતો.તપાસના અંતે જાણવા મળ્યું કે તે ટ્રકમાં ડ્રાઇવર સાથે છ જણા હતા .બધાંએ ભેગા મળી અનુને પીંખીં નાંખી હતી.અને પછી ગળું દબાવી મારી નાંખી હતી.

ભડવીર જેવી અનુપમાની આવી દુર્દશા કરીને અમાનવીય હત્યાની વાત સાંભળી એકેએક વ્યક્તિનું હ્રદય કંપી જતુ હતું.અનુપમાના પિતા આજે પહેલીવાર પોતાની દીકરીને બેબસ નજરે જોઈને તેના
સ્ત્રીહોવા પણાને ધિક્કારી રહ્યા હતા.

વુમન એમ્પાવરમેન્ટ ,નારી શક્તિ અને નારી સ્વતંત્રતાની વાતો ગમે તેટલી કરો પણ ભગવાને
સર્જેલી નારીની શારીરિક રચના અને શારીરિક શક્તિની જે મર્યાદા છે તેને તો સ્વીકારવી જ રહી.
સ્ત્રી એ સ્ત્રી છે તેની કોઈક મર્યાદા તો છે જ તેનો સ્વીકારતો કરવો જ રહ્યો.

Sent from my iPad

5 thoughts on “સંવેદનાના પડઘા-૨૭સ્ત્રીની મર્યાદાનો સ્વીકાર

  1. સાવ સાચી વાત છે. સ્ત્રી ને ભગવાને કોમળ બનાવી છે પુરુષને મજબૂત તો પુરુષ સાથે એકાંત માં કેરફૂલ રહેવું પડે કારણકે ક્યાં પુરુષ માં રાક્ષસ છે એ કોને ખબર?

    Like

  2. આજની વાતનો મુદ્દો ખરેખર વિચાર માંગી લે એવો છે જિગિષા.
    વુમન એમ્પાવરમેન્ટ ,નારી શક્તિ અને નારી સ્વતંત્રતાની વાતો ગમે તેટલી કરો પણ ભગવાને
    સર્જેલી નારીની શારીરિક રચના અને શારીરિક શક્તિની જે મર્યાદા છે તેને તો સ્વીકારવી જ રહી.
    સ્ત્રી એ સ્ત્રી છે તેની કોઈક મર્યાદા તો છે જ તેનો સ્વીકારતો કરવો જ રહ્યો એ તારી વાત સાથે તો સૌ કોઈ સંમત થશે જ જિગિષા અને કદાચ એટલે જ હવે પ્રતિકાર કરવાની તાકાત, સ્વ-રક્ષણ કરી શકાય એવી ક્ષમતા કેળવાય એવા જુડો, કરાટેમાં છોકરીઓ માહેર થવા માંડી છે, જે આજે ખુબ જરૂરી છે.
    બાકી હવસ એક એવું ઝનૂન છે કે એમાં માણસ રાક્ષસ બની જાય અને અહીં તો એક નહીં છ રાક્ષસ ભેગા થયા હોય ત્યારે તો અતુલ બળ ધરાવતી સ્ત્રી પણ શું કરી શકે?
    અને જ્યારે વિનાશ જ થવાનો જ હોય ત્યારે માણસની વિચારશક્તિ બહેર મારી જાય નહીં તો અનુપમા જેવી સી.એ થયેલી, જીવનમાં ઘરનાં અને બહારનાં બધાજ નિર્ણયોમ સમકક્ષ રહી શકે એવી વિચક્ષણ સ્ત્રી રાત્રે ટ્રકમાં ઘેર પહોંચવાનું દુઃસાહસ કરે ખરી?

    Like

  3. સ્ત્રી લાગણીશીલ છે પણ ઘરની બહાર oh મૂકતાં જ લાગણી નહીં બુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ . અજાણી વ્યક્તિ સાથે મુસાફરી કરવા પાછળ ઘેર રાહ જોઈ રહેલ કુટુંબ માટેનો પ્રેમ આ વાર્તાની નાયિકાને ભારે પડ્યો ! Thought provoking story!

    Like

  4. આભાર,સપનાબેન,રાજુ અને ગીતાબેન

    રાજુ સાચેજ દીકરીઓને સ્વરક્ષણ માટે જૂડો ,કરાટે ચોક્કસ શિખવાડવા જોઈએ.પણ એક સ્ત્રી તરીકેની મર્યાદા સમજી ખોટા નિર્ણય લેતા પહેલાં પણ વિચારવું જોઈએ.હમણાં અમદાવાદમાં ખૂબ જાણીતા શ્રીમંત પરિવારની દીકરી લંડન છ વર્ષ
    ભણીને વેકેશનમાં ઘેર અમદાવાદ આવી હતી.રાત્રે ૧ વાગે પીક્ચર જોઈને ગાડીમાં એકલી દૂર ફાર્મહાઉસનાં ઘેર પાછા જતા
    પાંચ છોકરાઓએ રોડની આગળ બે ગાડી રાખી તેને ઊભી રાખી.પેલી છોકરી હિંમત કરીને ગાડીમાંથી ઉતરી.પેલા છોકરાઓએ તેને પકડીને તેનો સેલફોન જ તોડી નાંખ્યો.હાઈવે પર બૂમો પાડે તો પણ કોણ બચાવે? માટે રાત્રે સાવ એકલા
    અડધી રાત્રે જરુર વગર ન નીકળવું મનેતો વધુ સલાહભર્યું લાગે છે.

    Like

  5. સ્ત્રી સમોવડી બનવાની હોડમાં,શિક્ષણ,કારકિર્દી અને આર્થિક રીતે તેમજ હોદ્દા પર જરૂર પુરુષથી આગળ નીકળી ગઈ છે.તેમાં શંકા નથી.મા બાપ,પતિ અને સમાજને તેના માટે ગર્વ થાય છે.જરૂરી છે.પરંતુ ઈશ્વરે શરીર આપીને સ્ત્રીના કાર્યક્ષેત્રની મર્યાદા નક્કી કરી હતી,તે તો સ્વીકારે જ છુટકો છે.માટે જ ઉમરો હતો.એટલે મર્યાદા.પરંતુ સ્વરક્ષણ માટે સ્ત્રીને સક્ષમ બનાવવી જ રહી…પરંતુ જયારે એકાંતમાં વધારે નર પિશાચ સામે આવે છે ત્યારે સ્ત્રી હારી જાય છે.શરીર તેના માટે મજબૂરી બની જાય છે.જીગીશાબેને બીજી ઘટનાની વાત લખી છે જે સ્ત્રી માટે વિચારવા જેવું છે.માત્ર ચોપડીયું જ્ઞ્યાન કામમાં નથી આવતું. સ્વરક્ષણની સાથે કળથી રહેતા શીખવું જરૂરી બને છે.
    છોકરીઓને શિક્ષિત બનાવવાની સાથે મા બાપે છોકરાઓને છોકરીઓને સન્માન આપવાનું શીખવવાની એટલીજ જરૂર છે.સમાજમાં આ બદલાવ લાવવો જરૂરી છે.આના માટે ચળવળ થવી જોઈએ.અવનવા પ્રોગ્રામ થવા જરૂરી છે.સ્ત્રી જાત તરફ જે દિવસે પુરુષ માન થી જોશે તે દિવસે સ્ત્રીને તેની રક્ષાની જરૂર નહી રહે.આ એક જ ઉપાય દેખાય છે..

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.