વાત્સલ્યની વેલી૨૪) સમાન્થાનો દુધિયો દાંત !

અંગ્રેજીમાં એક પ્રચલિત ઉક્તિ છે : તમારે ઉડતાં શીખવું હોય તો સૌથી પહેલાં ઊભાં રહેતાં શીખો ! પછી ચાલતાં , પછી દોડતાં ,પછી નાચતાં – ડાન્સ કરતાં શીખો ; તો ઉડતાં શીખવું સહેલું પડશે ! જો કે કોઈને પ્રશ્ન થાય કે ઉડવાને અને ચાલવાને શો સબંધ ? અને પાછું દોડતાંયે શીખવાનું ને ડાન્સકરતાંયે? હા, એ બધાં જ પગથિયાં જરૂરી છે ! અમે ડે કેર સેન્ટર શરૂ કર્યું અને મુક્ત આકાશમાં અમે તો વિહરવા લાગ્યાં : હજુ પૂરું ચાલતાંયે શીખ્યા નહોતાં ત્યાં ! અમેરિકામાં આવ્યે હજુ ઝાઝો સમય નહોતો થયો આ દેશની સંસ્કૃતિને પુરી રીતે પચાવવાનો ! વળી પહેલી જ જનરેશન ( પેઢી ) હોવાથી કોઈ નજીકના કુટુંબ કે વડીલોની પણ ગેરહાજરી હતી ! એટલે કે વડીલની કોઠા સૂઝ અમારી પાસે નહોતી ; અને કુટુંબનું કોઈ આપ્તજન નજીક ન હોવાથી ડે કેર સેન્ટર જેવા મોટા પ્રોગ્રામને ચલાવવા કોઈનું પીઠબળ પણ અમારી પાસે નહોતું! અમે અમારું કાર્યક્ષેત્ર અઘરું પસંદ કર્યું હતું : બાલ સંભાળ કેન્દ્ર ! ઘણું બધું જાણવાનું , સમજવાનું , અનુભવવાનું હજુ અમારે માટે બાકી હતું!
કોઈએ યોગ્ય જ કહ્યું છે કે સાચું શિક્ષણ પુસ્તકિયા જ્ઞાનથી , ચોપડાં વાંચવાથી કે કોઈના ઉપદેશથી નહીં પણ પોતાના અનુભવથી જ મળે છે! બાળ સંભાળ કેન્દ્ર અને બાળમંદિરનું સંચાલન કેવી રીતે કરવું તે બાબતનો ‘સ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો’ વિષય મારે ડે કેર સેન્ટર ડાયરેક્ટરના ક્વોલિફિકેશન માટે ભણવામાં આવ્યો હતો જેમાં બાળકોનાં માં બાપ સાથેની ડાયરેક્ટરની જવાબદારી અને વ્યવહાર વર્તન વગેરે વિષયની ચર્ચા કરી હતી.
જો કે મને તો એમ જ હતું કે આ ક્ષેત્રમાં મને સારી ફાવટ છે! ઘેર ચાર વર્ષ બેબીસિટીંગ કર્યું હતું અને ક્યારેય એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થયો નહોતો: જો પેરેન્ટ્સને કાંઈ ના ગમે અથવા મારાંથી કોઈ ખામી રહી ગઈ હોય અથવા તો શરત ચુકથી કોઈ વાત ધ્યાન બહાર રહી ગઈ હોય તો બીજે જ દિવસે એ લોકો મને તરત જ જણાવે કે અમુક ચીજ ખવડાવવાથી એના બાળકને બંધકોશ થઇ ગયો છે તો હું એવી ચીજ એને ખવડાવવાનું બંધ કરું, એ લોકો કહે એમનું છોકરું રાતે મોડે સુધી ઉંઘતુ નહોતું એટલે બીજે દિવસે હું એને બપોરે વધારે સુવા દઉં નહીં, વગેરે. વળી મારે ત્રણ ચાર કુટુંબને જ તો સાંભળવાનાં હતાં !
પણ ડે કેર સેન્ટરની વાત જુદી હતી ! તેમાં બાળકો પણ વધારે, વાલી પણ વધારે અને સંભાળ રાખનાર પણ જુદાં જુદાં!
કોઈ પણ વ્યક્તિ બાર બાર કલાક તો કામ કરી જ ના શકે !સવારની ટીચર સાંજે ના હોય! જો કે સવાર સાંજ બાળકોને આવકારવા અને વિદાય આપવા મુખ્ય બારણે ઉભા રહેવાનું કામ મારું! બાળકો આનંદથી દોડતાં આવે એટલે એમને આવકારું, સાથે રજીસ્ટરમાં સહી કરીરહેલ પેરન્ટ સાથે ઔપચારિક વાત કરું. ( પણ મહત્વની સૂચના તો એ લોકો અમને ચિઠ્ઠીમાં લખીને આપે )
કોઈ બાળકને સવારના પહોરમાં જો મમ્મીથી જુદાં પડવામાં મુશ્કેલી પડતી હોય તો, એનું ધ્યાન બીજી તરફ દોરીને એને પટાવું! ક્યારેક સવારના પહોરમાં બાળકનો મૂડ બગડી ગયો હોય: એને બ્લ્યુ શર્ટ પહેરવું હોય અને મમ્મીએ પરાણે જબરજસ્તીથી બ્રાઉન શર્ટ પહેરાવ્યું હોય; અથવા તો એને દાદીબાએ લઇ આપેલ ફાયર ટ્રક સ્કૂલમાં ભાઈબંધો સાથે રમવા રાખવો હોય ને મમ્મીની ઈચ્છા એને પાછો ગાડીમાં મૂકી દેવાની હોય! પ્રશ્ન ગમે તે હોય, પણ આ બધાં જ પ્રશ્નો – સમસ્યાઓનાં મારી પાસે ઉકેલ હોય જ!
ક્યારેક પપ્પા મમ્મીનાં પણ કોઈ સૂચન હોય: ટેમી રાતે જમ્યો નથી, એને ધ્યાનથી બ્રેકફાસ્ટ કરાવજો . સેમીએ સ્વેટર પહેર્યું નથી તો પ્લીઝ એ પહેરાવી દેશો ? વગેરે.
એક દિવસ પાંચેક વર્ષની સમન્થાના (Samantha) પપ્પાએ મને કહ્યું; “ જુઓ ! સમાન્થાનો દાંત હાલે છે! લાગે છે કે એ પડી જશે ! તમે એને સાચવીને મૂકી રાખજો , ટુથ ફેરીને આપવા માટે!”
પણ એ દિવસે બાળકો પાછળ હીંચકા લપસણીમાં રમતાં હતાં ત્યારે ક્યાંક સેમન્થાનો દાંત પડી ગયો અને ગ્રાઉન્ડ ઉપર પાથરેલી લાકડાની કપચીમાં ક્યાંય જતો રહ્યો ! ક્લાસરૂમમાં જો દાંત પડ્યો હોત તો શોધી કાઢત ! પણ બહાર બેકયાર્ડમાં ?
એ પ્લે ગ્રાઉન્ડમાં દાંત જેવું તે વળી શું શોધવાનું હોય?
આપણે ત્યાં -આપણી સંસ્કૃતિ ,સમાજમાં -આવું કાંઈ જોયેલું નહીં તેથી કે પછી આટલાં બધાં બાળકોમાં અમારે એવો ખોટો સમય બગાડવો નહોતો તેથી, મેં એ વાત પર બહુ ધ્યાન આપ્યું નહીં.
આ મારી ભૂલ હતી : દાંત ખોવાઈ ગયો અને શોધવાની મહેનત ના કરી એ હજુ સમજી શકાય ; પણ એક પિતાને : જેને એ દાંતનું મહત્વ હતું તેને કોઈ જાતની હમદર્દી બતાવ્યા વિના સીધે સીધું કહી દેવું; “ Don’t worry , it’s just a baby tooth !”એ એક સ્કૂલના પ્રિન્સિપાલ કક્ષાના ડાયરેક્ટરને માટે યોગ્ય નહોતું જ; એમ મને આજે અનુભવની એરણે ઘડાયાં પછી લાગે છે.ખરેખર તો એ બાપને પેલા દુધિયા દાંત કરતાં પોતાની દીકરીને એના જીવનનો મહત્વનો પડાવ : એ ઉજવવો હતો ! એમને ટુથફેરી- દાંતની પરીને -બોલાવવી હશે , ઓશિકા નીચે પેલો પડી ગયેલો દાંત મૂકીને બદલામાં દીકરીને ઓશીકે કોઈ ગિફ્ટ સંતાડવી હશે! હું કોણ હતી એમની ભાવનાઓને નજર અંદાજ કરનારી? ચોક્કસ મેં એક ભાવના સભર બાપની લાગણીને ઠોકર પહોંચાડી હતી! અને તેમાંયે કોઈ દિલગીરી કે અફસોસ નહોતાં !! હા, ભૂલ તો કરી જ હતી!!
સાંજે સમાન્થાના પપ્પાને અમે જણાવ્યું ;દાંત ખોઈ નાંખ્યો એટલે એમને ગુસ્સો ચઢ્યો. મેં જો સમજીને કોઈ જવાબ આપ્યો હોત તો સારું થાત , પણ હું પોતે જ એ વાતને મહત્વની ગણતી નહોતી એટલે કદાચ મેં ઉડાઉ જવાબ આપ્યો હશે જેને લીધે એમની લાગણી દુભાઈ હશે.
પણ એ ત્રીસેક વર્ષનો ઘવાયેલો બાપ મને શું કરી શકે ? અમારા ડે કેરમાં સમાન્થાને આવવું ગમતું હતું અને ડે કેરનું વાતાવરણ પણ એવું સરસ હતું કે બીજી કોઈ ફરિયાદ નહોતી કે એ ડી સી એફ એસ ને કમ્પ્લેઇન કરે !
એમણે અમને હેરાન કરવા એક યુક્તિ કરી!
બીજે દિવસે અમારા ડે કેરમાં એક જણનો ફોન આવ્યો; “ હું એન બી સી ટેલિવિઝન ન્યુઝ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું ; અમે શિકાગોના ચાઈલ્ડ કેર સેન્ટર ઉપર એક ન્યુઝ બનાવીએ છીએ અને આ સોમવારે સવારે નવ વાગે તમારે ત્યાં અમે કેમેરા મેન વગેરે સાથે આવીશું !
ટી વી માં આપણી સ્કૂલ વિશે આવશે ?
અરે વાહ !!
અમે બધાં તો ઉત્સાહમાં આવી ગયાં! શનિ રવિ અમે બધાંએ ખુબ મહેનત કરી ડે કેર ખુબ સરસ રીતે સજાવ્યું ! મેં બે હેન્ડીમેનને બોલાવી ડે કેરમાં ખૂટતું જે કંઈ હતું તે કામ પૂરું કરાવ્યું ! અમે ટીચર્સે ભેગાં થઇ સરસ રીતે બંને કલાસરૂમ સજાવ્યા !
અમે બધાં ટીચર્સ સરસ ડ્રેસ અપ થઈને સોમવારે સવારથી રાહ જોવા માંડી. જયારે દશ વાગ્યા સુધી કોઈ આવ્યું નહીં ત્યારે છેવટે NBC ટેલિવિઝન ઓફિસમાં ફોન કર્યા ને ખબર પડી કે કોઈએ અમને બનાવ્યા હતાં! સવારે બધાં પેરેન્ટ્સને મેં એ સમાચાર ઉમળકાથી આપ્યા; ત્યારે સમાન્થાના પપ્પાના મુખ પરના લુચ્ચા હાસ્યનું રહસ્ય અમને હવે સમજાયું !
પણ સૌથી મહત્વનું તો એ બન્યું કે ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ સાથે ઉડાઉ જવાબ આપવાને બદલે એને એની દ્રષ્ટિએ જોવાની સમજ મને પ્રાપ્ત થઇ !વાત્સલ્યની વેલડીના લતા મંડપને સુંદર આકાર આ રીતે મળી રહ્યો હતો! ધીમે ધીમે એમાં સમજણની સુગંધ પણ કેળવાઈ રહી હતી! પ્રત્યેક બાળક તેની સાથે ગર્ભના સંસ્કાર લઈને આવે છે સાથે સાથે વાતાવરણ જન્ય પરિસ્થિતિથી અને મા બાપ , કુટુંબ સાથે એ ઘડાય છે.. એવો કુમળો છોડ -બાળક -અમારે ત્યાં આવે ત્યારે એ સાચી દિશામાં ફૂલેફાલે એ માટે અમારો પ્રયત્ન સદાય રહેતો! સમાન્થા પણ અમારે ત્યાં આનંદથી ઉછરી. એનાં મમ્મી પપ્પા , અન્ય પેટન્ટ્સની જેમ જ હતાં : મમ્મીએ મારો પક્ષ લીધો હતો; અને મારા માટે હમદર્દી બતાવેલી! અને સમાન્થાના પપ્પાએ પણ દિલગીરી વ્યક્ત કરેલી .પણ હવે હું સાચા અર્થમાં ડિરેક્ટર બની હતી: મારે માટે બધાં જ સરખાં ! હું આ બધાં ગમાં અણગમા, મારી માન્યતાઓ વગેરેથી પર ,બધાથી ઉપર , રહેવાનું શીખી રહી હતી! પણ એ કહીએ છીએ એટલું સરળ નહોતું જ !માનવતાથી લીધેલા એક નિર્ણયને લીધે અમે મુશ્કેલીમાં મુકાઈ ગયાં …એ વાત આવતે અંકે !

6 thoughts on “વાત્સલ્યની વેલી૨૪) સમાન્થાનો દુધિયો દાંત !

 1. ગીતાબેન,ખૂબ સરસ ,માણસ જ્યારે પોતે કરેલ ભૂલનો સ્વીકાર કરી તેમાંથી કંઈક શીખીને આગળ વધવાનો નિર્ણય કરે છે
  તેજ જીવનમાં તમારા જેવા સફળતાનાં શિખરો સર કરેછે.ભૂલનો સ્વીકાર એ અહમને ઓગાળવાની વાત છે.તમારું જોઈ। અમે પણ અમારા અહમને ઓગાળતા શીખી આગળ વધીએ.

  Liked by 1 person

 2. ઘણી બધી એવી બાબતો છે જેનું ભારતમાં ખાસ કોઈ મહત્વ નથી હોતું જ્યારે અહીં એવી જ બધી નાની નાની બાબતોને વિશિષ્ટ માનવામાં આવે છે. આપણા ત્યાં ગ્રેજયુએશન સમારંભ તો સીધા સ્નાતક થાય ત્યારે જ યોજાય જ્યારે મઝાની વાત તો એ કે અહીં તો પ્રિ-સ્કૂલમા બાળક જાય તો પણ એની ગ્રેજયુએશન સેરેમની ગોઠવાઈ હોય અને મા-બાપ તો શું અમારા જેવા ગ્રાન્ડ પેરેન્ટસ પણ એ લહાવો લેવાનું ના ચૂકે. આવી ટુથફેરી જેવી નાની લાગતી બાબત પણ એમના માટે ખાસ બની જાય.
  અહીં શિષ્ટાચારનું મહત્વ એટલું છે કે ના પાડવામાં ય એ લોકો વિવેક ચૂકતા નથી.
  વાત્સ્લ્યની વેલી ઉછેરતા ઉછેરતા તમને તો આવા ઘણા અનુભવો થયા હશે જે હંમેશનું સંભારણું બનીને આજે આ પેજ પર ઉભરી આવે છે.

  Liked by 1 person

  • Thanks Rajulben, Jigishaben, Sapnaben , Minaben ,,Bhartiben and all! When we are new in a country , we are likely to make so many mistakes! It is now , that we look back and realize how naive we were! Thanks for yr kind support and feedback!

   Like

 3. Geetaben we understand starting a new business in new country is not easy but you did well with your percevience you did not give up and you were successful. In any business we all have rules to follow and have ups and down nice articles.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.