૨૭ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી

એક પછી એક ઈંન્દ્રિય કહે; હમણાં હું તો ચાલી

શ્વાસના થાક્યા વણઝારનો નાકથી છૂટે નાતો

ચીમળાયેલી ચામડીને સ્પર્શ નથી વર્તાતો

સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી

એક પછી એક ઈંન્દ્રિય કહે; અબઘડી હું તો ચાલી

નસના ધોરી રસ્તા તૂટ્યા, લોહીનો ડૂબે લય

સ્મરણમાં તો કશું નહીં, વહી ગયેલી વય…

જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. એ ક્યારેક આંધીની માફક આવીને ઝપાટામાં લઈ લે તો ક્યારેક ચૂપચાપ બિલ્લીપગે આવીને ઊભુ રહે. મૃત્યુને શાંતિપૂર્વક આવકારે એવા વિરલા ભાગ્યેજ જોવા મળશે પણ જ્યારે જીવન આકરુ અને અકારું થઈ જાય ત્યારે?

જીવતા જીવત શરીર જ નહીં મન અને તમામ ઈંન્દ્રિય પણ મૃતપ્રાય થવા માંડે ત્યારે? ત્યારે આ કાવ્ય એક માત્ર કવિની કલ્પનાનું શાબ્દિક સ્વરૂપ બનીને નથી રહી જતી. એ પેલા મૃતપ્રાય મનમાંથી ઊઠતા વિલાપ સમી બની જાય. એ જેના માટે જીવન જીવવા જેવું જ નથી રહ્યું એવા મૃત્યુ ઇચ્છતા, એની રાહ જોતા લાચાર માનવીના મનનું શબ્દચિત્ર બની જાય.

એકદમ વેદનાવિહીન, સમાધિવસ્થામાં હોય એવું શાંત માંગ્યું મોત તો કોઈક ભાગ્યશાળીને મળે. ઈચ્છામૃત્યુ તો બાણશૈયા પર સમય વિતાવી રહેલા ભિષ્મ પિતામહ જેવાને જ નસીબ હોય પણ બાણશૈયા પર સુવાની વેદના કેવી હોય એની ય તો એમને જ ખબર ને? એ કોઈ સાત મણની રેશમી પથારી નહોતી કે જેની પર આરામ હોય.

સૌ જાણે છે….

“મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.”

જીવનના કયા તબક્કે આ પૂર્ણવિરામ મુકવું છે એ તો ઈશ્વર જ નક્કી કરે ને? પણ એ સર્વોચ્ચ ઈશ્વરીય અદાલતના હુકમની રાહ જોવા જેટલી ધીરજ ન હોય અથવા શારીરિક પરિસ્થિતિ એક હદથી વણસી જાય ત્યારે માનવ સર્જિત અદાલતમાં ધા નાખવી પડે.

આવી અપીલ કરતી વ્યક્તિ વિશે દૂરથી એક ત્રાહિત વ્યક્તિ તરીકે વિચારીએ તો પણ જેમ શરીરના અંગમાં ખાલી ચઢે એવી રીતે આપણી સંવેદનાઓને પણ ખાલી ચઢી જાય.

પતિના અવસાન બાદ એક મા અને દિકરી બંને એવી બિમારીથી પીડાય છે કે એમણે કોર્ટમાં ઈચ્છામૃત્યુ માટે અપીલ કરી / એક પિતાએ પોતાના પુત્ર માટે મોત માંગ્યુ /એક વૃદ્ધ દંપતિએ એકટિવ યુથનેશિયાની પરવાનગી માંગી/

આવા તો એક નહીં અનેક લોકો છે જેમના માટે જીવવું અશક્ય છે અને તેમ છતાં મરી પણ નથી શકતા.  કે.ઈ એમ હોસ્પિટલની અરુણા શાનબાગની વાત ક્યાં અજાણી છે? ૧૯૭૩થી કોમામાં જ જીવન પસાર કરી રહેલી એ પરિચારીકા એના કોઈ વાંક વગરની સજા ભોગવીને લાશ જેવી નિર્જીવ દશામાં વર્ષોથી  જીવી. એના માટે તો એ જીવી રહી હતી એમ પણ કેવી રીતે કહી શકાય? અંતે યુથનેસીયાની અપીલ દ્વારા એને છૂટકારો મળ્યો.

યાદ આવે છે ‘ગુઝારિશ’ ફિલ્મ.. ? જેમાં ઇથાન માસ્કરન્સ ક્વાડ્રિયાપ્લેજિક જેવી અસાધ્ય બીમારીથી પીડાય છે અને એક એવી જીંદગી જીવી રહ્યો છે જેના માટે જીંદગી કહેવાના બદલે જીવતી લાશ શબ્દ વધુ યોગ્ય લાગે. આવા લોકોનું જીવન વિષમ હોવા છતાં એની વિષમતા પણ ન અનુભવી શકે એટલી એમની ચેતાઓ બધિર બની ગઈ હોય ત્યારે એમને ઈચ્છામૃત્યુ માંગવા સિવાય બીજો શું આરો હોય?

પરણાવાની ઉંમરે પહોંચેલી દિકરીનું તો કન્યાદાન જ હોય ને? એ કેવી મજબૂરી હશે કે કન્યાદાનના બદલે માતા-પિતાને દિકરી માટે કોર્ટમાં મૃત્યુની અપીલ કરવી પડે? પોતાના અંગનું દાન કરીને પણ સંતાનોને જીવાડવા ઝઝૂમતા માતા-પિતા વિશે સાંભળ્યુ હશે પણ મોત માંગે એવું સાંભળ્યું? કોઈને કહેશે આ કળયુગ છે ભાઈ, એમાં તો બધુ જ શક્ય છે પણ ના, અહીં આ કળયુગની અસર નથી.

દિકરીને દૂધ પીતી કરતાં કે ઓનર કિલિંગના ઓઠા નીચે દિકરીને મારી નાખતા સમાજ કે માતા-પિતા માટે આપણા મનમાં ધૃણા જ ઉપજે પણ જીવનભર પથારીમાં પોતની મેળે હલન-ચલન પણ ન કરી શકે એવી દિકરીના માતા-પિતા જ્યારે એના માટે મોતની અપીલ કરે ત્યારે એમના માટે કરૂણા જ ઉપજે . ના, આમાં કોઈ આર્થિક વિટંબણા જ કારણ માત્ર નથી હોતું કારણકે એના માટે તો માતા-પિતા જાત વેચીને પણ ઈલાજ કરાવવા તૈયાર હોય પણ જ્યારે એમની જ માનસિક-શારીરિક અવસ્થા સાથે ન દે ત્યારે જ આ હદ સુધી જવાનું વિચારે એટલે સમજી શકાય છે કે કેવી કારમી અને કરૂણ શારીરિક દશા હશે એ દિકરીની અને કેવી કારમી અને કરૂણ માનસિક દશા હશે એ મા-બાપની કે જેમને ના છૂટકે દિકરી માટે મોત માંગવું પડે?  

એક પછી એક અંગ ખોટકાતા, ખોડંગાતા ચાલે, તે પણ અન્યના ટેકે અને જ્યારે મન મરણ પહેલાં મરી જાય…. ત્યારે એવા તમામ માટે સાચા અર્થમાં મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

કાવ્ય પંક્તિ -સુરેશ દલાલ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in કવિતા શબ્દોની સરિતા, નિબંધ, રાજુલ કૌશિક. Bookmark the permalink.

9 Responses to ૨૭ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

 1. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

  “મૃત્યુ
  જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.”

  Like

 2. Kalpana Raghu says:

  ઇન્દ્રીયોનું મરવું અને શરીરનું જીવવું!..અસહનીય, કરુણાજનક કહી શકાય.ઘાયલની ગતિ ઘાયલ જાણે! પણ નજીકની વ્યક્તિ માટે પણ જોઈ જોઇને રોજ મરવાનું હોય છે.રાજુલબેન, આપે સરસ કાવ્ય અને તેની છણાવટ કરી છે.

  Liked by 1 person

 3. રાજુ,ખરેખર ‘મૃત્યુ જેટલું કોઈ પૂર્ણવિરામ નથી ‘પણ આપણા લોહીના સંબંધીઓને પણ મૃત્યુશય્યા પર રિબાતા જોઈ આપણો જીવ પણ કકળી ઊઠે છે અને પ્રભુ પાસે આપણે તેમના મોતની માંગણી કરીએ છીએ.હીન્દુ સંસ્કૃતિમાં આને માટે પણ એક વિશિષ્ટ સ્ત્રોત્ર “ગજેન્દ્ર મોક્ષ “ની પ્રાર્થના છે.

  Like

  • જ્યારે પોતાના આપ્તજન માટે મોતની માંગણી થાય ક્યારે?
   જ્યારે એ વેદના કેટલી હદથી આગળ વધી ગઈ હોય ત્યારે.
   ઈશ્વર આવા સંજોગ કોઈના ય જીવનમાં ન આપે….

   Like

 4. geetabhatt says:

  વિચાર કરતાં કરી દે તેવો વિષય લીધો ! અહીં એલ એ માં એક દંપતીને મળવાનું થયું : ૧૭ વર્ષથી દીકરો કોમામાં છે ! કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ જીવતો દીકરો વેજીટેબલ જેમ જીવે છે!! Sad, but true !

  Like

  • એટલે જ ઈશ્વરને પ્રાર્થીએ કે કોઈના જીવનમાં આવા કપરા સંજોગ ન આવે.

   Like

 5. sapana53 says:

  મૃત્યુ પૂર્ણ વિરામ છે. પણ જ્યારે પોતાના ને અર્ધ મરેલા જોઈએ ત્યારે પ્રાર્થના નીકળી જાય છે કે ભગવાન ઉઠાવી લે તો સારું। અને છેવટે બધા ને મરવાનું છે. કોઈ વહેલા તો કોઈ મોડા રાસ્તે જુદા જુદા હૈ મંઝિલ એક હૈ. પણ ઈચ્છા મૃત્યુ ની પરિસ્થિતિ ના આવે એવી દુઆ

  Like

  • સપનાબેન,
   આપણે તો સ્વજનને પીડાતા જોઈ પણ નથી શકતા ત્યારે જેમને એ પીડા સહન કરવી પડતી હોય એમની શું દશા હોય?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s