૨૬ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ

માણસ થવાનો આપ અભિનય કરી જુઓ..

કહે છે કે માણસ જન્મજાત કલાકાર છે. એને કદાચ અભિનય શીખવાની એટલી જરૂર નથી હોતી. એ દર સમયે અલગ અલગ મહોરાં પહેરીને વિવિધ લોકો સામે પેશ આવી શકે છે. એનામાં જન્મજાત નવરસનું મિશ્રણ ઘોળાયેલું હોય છે જ. આપણે આપણી જાતની પ્રસ્તુતિ માટે લખેલા સંવાદો, નિર્દેશન, મંચસજ્જા, મેકઅપ, વેશભૂષા, લાઈટ સાઉન્ડની આવશ્યકતા હોતી જ નથી. હા! એટલું ખરું કે સામે કોઈક તો આપણને સાંભળનાર જોઈએ અને જો સાંભળનાર ન હોય તો અરીસા સામે જોઈને પણ આપણે વ્યક્ત થઈ શકીએ એટલા માહેર છીએ.

તેમ છતાં સ્ટેજ પર ભજવાતા નાટકો, સ્ટેજ પરના પાત્રો આપણને આકર્ષે છે. કદાચ એમાં પણ ક્યાંક આપણી છાયા દેખાતી હશે? જેમ જીવનભર આપણે અલગ અલગ ભૂમિકા ભજવતા રહીએ એમ કલાકારોનું પણ એવું જ ને? એમની અભિનય કારકિર્દી દરમ્યાન કેવી અને કેટલીય ભૂમિકાઓ બદલાઈ હશે. એ તમામને એક સરખા પૅશનથી એ નિભાવી શકતા હશે? ઉત્કટ ભાવનાત્મક પાત્ર ભજવ્યા પછી સહેલાઈથી એ ભાવજગતમાંથી બહાર આવી શકતા હશે? એ રંગમંચ પર હોય કે ન હોય એ એક સરખા ભાવનાત્મક વિશ્વમાં જ રહેતા હશે કે પછી એ પોતાનો મુડ રિવોલ્વિંગ સ્ટેજની જેમ આસાનીથી બદલી શકતા હશે? એ સામાન્ય વાત કરે ત્યારે પણ નાટકના સંવાદોની જેમ જ બોલતા હશે? નાટકની જેમ જ એમની સામાન્ય વાતોમાં પણ એવા જ આરોહ -અવરોહ કે પૉઝ આવતા હશે?

એક વાર પાત્ર ભજવ્યા પછી એ પાછુ વળીને જોતા હશે? તટસ્થભાવે વિચારી શકતા હશે કે જે ભજવાઈ ગયું એ ખરેખર એ જ રીતે ભજવાવું જોઈતું હતું કે એનાથી વધારે ઉત્તમ રીતે ભજવી શકાયું હોત? જે પાત્રવરણી થઈ એમાં પોતે જ યોગ્ય ન્યાય આપી શકશે કે અન્ય વ્યક્તિ પોતાનાથી વધુ યોગ્ય પુરવાર થઈ શકી હોત? આના જવાબો કોઈ પાઠ્યપુસ્તક કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના કોર્સમાં મળી શકે ખરો? સ્પેનિશ નાટક ‘યેરમા’ના પંજાબી રૂપાંતર વિશે વાંચતા એ વંધ્ય સ્ત્રીની વેદના મન પર છવાઈ ગઈ અને આવા તો કેવાય અને કેટલાય વિચારો મનમાં ઉમટ્યા. મોટાભાગે એવું બને છે કે  રોજીંદી ઘટમાળ તો ચરખાની જેમ ફર્યા કરે અને આપણે પણ એ ચક્કરમાં ફર્યા કરીએ પણ જો એમાં કોઈ તહેવાર કે ઉજવણીનો પ્રસંગ હોય તો પાછું મન એ ચક્કરમાંથી બહાર આવીને જુદા જ ચગડોળમાં ચઢે ખરું.

આવું જ કંઈક મારી સાથે પણ બન્યું અને તમારી સાથે પણ બનતું જ હશે. હમણાં જ ગયો વિશ્વ રંગભૂમિ દિવસ. ૨૭ માર્ચ એટલે લગભગ સમગ્ર વિશ્વમાં ઉજવાતો રંગભૂમિ દિવસ. આપણા વાર -તહેવાર સિવાય પણ ઉજવાતા મધર્સ ડે, ફાધર્સ ડે, વેલૅંટાઇન્સ ડેની જેમ જ આ પશ્ચિમનો વાયરો હશે અને એની ઉજવણી શરૂ થઈ હશે એવું મોટાભાગના માનતા હશે પણ ના….. રે….. આ દિવસ તો આપણે વિશ્વને આપેલી ગૌરવવંતી ભેટ છે અને એનું ગૌરવ આપણે એટલા ગુજરાતીઓ એટલા માટે લઈ શકીએ છીએ કે આ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનો  પ્રસ્તાવ હતો ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક, નાટ્યકાર, નાટ્ય પ્રશિક્ષક, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા,નાટ્ય ગઠરિયાના લેખક ,નાટક માટે સૌ પ્રથમ યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્સ શરૂ કરાવનાર આપણા માનનીય ચંદ્રવદન ચી. મહેતાએ. બોલો છે ને મઝાની વાત!

૨૭ માર્ચના દિવસે પેરિસમાં થીયેટર ઓફ નેશન્સ નામનો કાર્યક્ર્મ યોજાયેલો એટલે એ દિવસને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવાનું નિશ્ચિત થયું અને આમ અસ્તિત્વમાં આવ્યો વિશ્વ રંગભૂમિ દિવસ.

અને વળી પાછા ચગડોળે ચઢેલા મનને આદિલ સાહેબની ગઝલના શબ્દોએ ટકોરો માર્યો અને મન ઉજવણી પરથી ખસીને જીવન રંગમંચ પર પાછું ફર્યું. કલાકારને ગણતરીના કલાકોમાં પાત્ર ભજવ્યા બાદ મુખવટો ઉતારી દેવાનો હોય છે. જ્યારે આ જીવન રંગમંચ પર તો જીવનની અંતિમ ક્ષણ સુધી અનેકવિધ પાત્રોના  મુખવટા ચઢાવીને જીવવાનું હોય છે. ત્યારે એક જ મુખવટો આપણું જીવન સાર્થક કરી દે અને એ છે માણસનો મુખવટો. જીવનભર ભલે કોઈપણ પાત્ર આપણે ભજવીએ પણ માણસ બની રહીએ તો જીવનના રંગમંચ પર અજવાળુ જ અજવાળુ. નાટકનો અંક પુરો થાય અને સ્ટેજ પર લાઈટ ડીમ થતી જાય, ફૅડ થતી જાય અને અંતે અંધકાર રેલાય પણ જો માણસનો મુખવટો સાચી રીતે જીવ્યા હોઈશું તો અંત પછી પણ અજવાસ જ અજવાસ.

માટે જ….

ચાલો માણસ બનીને જીવી લઈએ

અજવાસ બનીને પથરાઈ રહીએ…….

લેખ આરંભ કાવ્ય પંક્તિ -આદિલ મન્સૂરી

અંતિમ પંક્તિ – રાજુલ કૌશિક

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in કવિતા શબ્દોની સરિતા, નિબંધ, રાજુલ કૌશિક. Bookmark the permalink.

7 Responses to ૨૬ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

 1. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

  અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ

  માણસ થવાનો આપ અભિનય કરી જુઓ..

  Like

 2. તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
  સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.

  નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
  તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

  અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
  દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.

  વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
  ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

  હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
  પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.

  Liked by 2 people

 3. અને મને યાદ આવી ગઈ કવિશ્રી સુંદરમ્ ની પંક્તિ”હું માનવી માનવ થાઉં તો ઘણું” વિશ્વમંચ પર બીજુ કંઈ બનું ના બનું
  માનવ બનું તો ઘણું.

  Liked by 2 people

 4. ચાલો માણસ બનીને જીવી લઈએ

  અજવાસ બનીને પથરાઈ રહીએ……

  બહુ સરસ અભિવ્યક્તિ.

  માનવી માનવ બને તો ય ઘણું …

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s