૨૪ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

હા,

એને પણ પોતાનો સાથ છોડી

ઊડી જતાં પક્ષીને નિહાળીને દુઃખ થયું હશે!

કિંતુ પક્ષીના માળાને વેરવિખેર કરી નાખવાનો વિચાર

વૃક્ષને ક્યારેય આવ્યો નથી, કદાચ તેથી જ

સૂર્યાસ્ત પહેલાં કિલ્લોલ કરતાં વૃક્ષ ભણી પાછાં ફરે છે

પંખીઓ…

અનાયાસે આ કવિતા વાંચી. હંમેશા એવું જ બને કે વાંચીને આપણે વિચારતા તો થઈ જઈએ અને એ વિચારો આપણને આખેઆખા ભૂતકાળ સુધી તાણી જાય. આજે આ કવિતા વાંચીને એ મને કેટલાક વર્ષો પહેલાની એક સવાર સુધી લઈ ગઈ અને યાદ આવ્યા અવંતિકાબેન.

એ દિવસે એમની આંખોના બંધ તમામ પાળો તોડીને વહી રહયા હતા. એકધારા, સતત. કોણ જાણે કેટલાય વર્ષોથી રોકી રાખેલી વ્યથા વાદળ બનીને વરસી રહી હતી. કદીક અમસ્તી અમસ્તી છલકાઈ જતી આંખોની પાછળ બંધાઈ રહેલું સરોવર કદાચ ફરી ક્યારેય ન છલકાવાની નેમ સાથે આજે ઉલેચાઈ રહ્યું હતું.

કોણ હતા એ? ઝાઝી ઓળખ તો નહોતી. જે થોડી ઘણી ઓળખ હતી એ હતી એમના ચહેરા પર દેખાતી ઉદાસી. આ જ જાણે એમની ઓળખ બની ગઈ હતી. જાણે આ જ એમનો સાચો ચહેરો હતો. એ ઉદાસી વગરનો ચહેરો જો સામે આવે તો કદાચ એમને ઓળખવામાં થાપ ખાઈ જવાય એટલી હદે એ એમ જ યથાવત યાદ રહી ગયેલો ચહેરો હતો. જો કે એ ઉદાસીમાં ક્યાંય નિરાશાની ઝીણી અમસ્તી ય રેખા નહોતી જ વળી..

ક્યારેક અલપ-ઝલપ મળવાનું બન્યું છે એમને પણ ક્યારેય એમણે કોઈનાય માટે પોતાની દુનિયામાં પ્રવેશવાની ડોકાબારી જરા અમસ્તી પણ ખોલી નહોતી કે જેનાથી એમની એ ઉદાસ દુનિયામાં ઝાંખી શકે. એ એક દિવસે પાર્કમાં ચાલતા ચાલતા એ વૉકિંગ ટ્રેકની બહારના બાંકડે અડોઅડ આવીને બેઠા. બે-પાંચ પળની ચૂપકી પછી સામસામેના સ્મિતવિનિમય પછી મેં જ મારી ઓળખ આપીને વાતની શરૂઆત કરી. રોજ જ એકનો એક ચહેરો એક જ સમયે જોવાથી અજાણપણાનો ભાવ પણ સાવ નહોતો રહ્યો અને એટલે જ કદાચ એમણે એમના વિશે બે શબ્દ કહ્યા.

“ હું અવંતિકા.”

બસ આથી વધુ કશું જ નહીં પણ ત્યારપછી મળવાનું થાય તો કેમ છો થી માંડીને એકબીજાના ખબર પૂછવા સુધી વાતનો દોર લંબાતો.

બે દિવસના ઘેરાયેલા વાદળો પછીની એ સવાર જરા વધારે ઉજાસમય હતી.

“મને ઊગતા સૂર્યનો ઉજાસ અને આથમતા સૂર્યની લાલિમા જોવી બહુ ગમે.” મારાથી સ્વભાવિક જ બોલાયું.

“ગમે તો મને પણ છે પણ આથમતા સૂર્યની પાછળ ઉતરી આવતી રાતનો અંધકાર મને અકળાવી દે છે.”

“ અરે ! પણ એ અંધકારના લીધે જ તો આ ઉજાસ વધુ સુંદર નથી લાગતો?” વાતનો દોર જરા આગળ વધ્યો.”

“હા! ખરેખર જો અંધકાર પછી અજવાસ છે એની ખબર હોય તો ચોક્કસ ગમે પણ જેના જીવનમાં અંધકાર પછી પણ ઉજાસ હશે જ એની ખાતરી ન હોય એને અંધકારનો બહુ ડર લાગે.”

“હવે? આગળ શું બોલવું?

હજુ એટલી આત્મિયતા નહોતી કેળવાઈ કે આમ સીધા જ કોઈની અંગત વાતમાં આગળ વધી શકાય. અવતિંકાબેન પણ ખામોશ.. આમ પણ જાણે ઉદાસી અને ખામોશી જોડકીબેનો જ ને!

કશું જ બોલ્યા વગર હળવેથી એમનો હાથ મારા હાથમાં લીધો. હાથની હૂંફથી લાગણીઓ ઓગળી. મારા હાથ પર બે ટીપા પસર્યા અને ધીમે ધીમે એ રેલાયા અને પછી તો છલકાયા…ક્યાંય સુધી એ રેલાતા રહ્યા, વહેતા રહ્યા.

અંતે એક જે વાત સમજમાં આવી એ હતી એમની કારમી એકલતા.

દિકરો સમજણની સીમાએ હતો ને પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું. જીવન સાવ અટકી ના પડ્યું. ખોડંગાતુ ખોડંગાતુ પણ આગળ તો વધતું જ રહ્યું. દિકરાની તમામ ઈચ્છા પુરી કરવી એ જ એમનું કર્મ અને ધર્મ બની રહ્યા.

અહીંથી આગળની વાત મોટાભાગના પરદેશમાં સ્થાયી થયેલા સંતાનોના મા-બાપ સાથે બનતી હોય એવી જ છે.

“આજે દિકરો પરદેશમાં સ્થાયી થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષથી આજે આવીશ કાલે આવીશના એના વાયદા ય હવે તો બોદા લાગે છે. એવા ય સમચાર સાંભળ્યા છે કે કોઈની સાથે લિવ-ઈન્ રિલેશનશીપથી જોડાયો છે. કદાચ એના આવા પગલાથી હું નારાજ થઈશ એવું માનીને મારી સાથે વાત નથી કરતો. બધા સલાહ આપે છે કે હવે તો નિવૃત્ત લોકો માટે ખુબ સગવડભર્યા અને આરામદાયી ઘર બન્યા છે એમાં જઈને રહું.” અવંતિકાબેન જરા ખુલ્યા.

એક રીતે જોવા જઈએ તો લોકોની સલાહ પણ સાચી જ છે. એકલવાયાપણું જ એમને કોરી ખાતું હશે એ સીધી વાત હતી. ઉંમરની સાથે આવતી માંદગી કે શારીરિક તકલીફોમાં પણ સાથે કોણ ? આ શહેરમાં નથી કોઈ સગા-વહાલા કે જે આવી કોઈ તકલીફોમાં એમને સાચવે.

“ તો શું વિચારો છો?” મારાથી પૂછાઈ ગયું. સલાહ આપવા જેવો સંબંધ કે એટલો સેતુ ય નહોતો બંધાયો પણ સહાનુભૂતિ તો ઊભી થઈ જ હતી.

“કાશ એવું હું કરી શકું.”

“કેમ એ પગલું લેવામાં પાછા પડો છો?”

“ દિકરો છે મારો. એણે જે કર્યું એ એની નાદાની ય ન કહેવાય કારણકે એને જે યોગ્ય લાગ્યું એમ એણે કર્યું પણ હું તો મા છું ને?હું મારું વિચારું તો એ માત્ર મારો સ્વાર્થ જ જોયો કહેવાય ને? ક્યારેક મા યાદ આવે અને મળવા આવે તો? સાવ એમ ઘર બંધ કરીને જતી રહું તો કેવાય નિસાસા ના પડે એને? સંતાનોને સમજાવી શકાય, ખોટું કરતાં હોય તો વાળી પણ શકાય અને તેમ છતાં ન માને અને એમની મરજી મુજબ કરે તો એમનું નસીબ. મારા તો આશીર્વાદ છે કે એ સુખી જ થાય પણ ન કરે નારાયણ અને એને કોઈ તકલીફ પડી તો? સુખમાં તો મા નહીં સાંભરે પણ દુઃખમાં તો આપણે અત્યારે ય ઓ મા..જ બોલી દઈએ છીએ ને? મારા અંતઃકરણથી હું ઈચ્છું કે એ એના વરસો-વરસ સુખમાં જ જાય. મારા નસીબે કદાચ એને ક્યારેક એની મા યાદ આવે તો? એ નિવૃત્તધામમાં કંઈ થોડો આવીને રહી શકે?”

અવંતિકાબેનની નજરમાં ઉલેચાઈ ગયેલા આંસુ પછી કોરું રણ દેખાતું હતું. મારી નજર સામે દેખાતા ઝાડ પરથી ઊડવાની તૈયારી કરતાં પંખીઓ દેખાતા હતા. અવંતિકાબેન પણ આવા જ ઊડી ગયેલા પંખીનો માળો સાચવીને બેઠા હતા ને? રોજ સવાર પડે અને માળામાંથી ઊડી જતાં પંખીને જોઈને ઝાડને પણ ખાતરી હશે કે એ સાંજ પડે પાછા આવશે? અને તેમ છતાં ય એ પંખીઓનો માળો ક્યાં વિખેરી નાખે છે? અને ઘણે દૂર ઊડી ગયેલાં પંખીઓને પણ ખાતરી હશે જ ને કે સાંજ પડે પાછા આવશે તો એમનો માળો તો જેમ મુકીને ગયા છે એમ સચવાયો જ હશે અને એટલે જ એટલા જ કલરવ કરતાં પાછા ફરતાં હશે ને? તો પછી આ તો એક મા… એ કેવી રીતે પોતાનો માળો વિખેરી શકે?

કાવ્ય પંક્તિ-પ્રભુ પહાડપુરી

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૨૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ધરતીનો છેડો ઘર

જીવનની શરૂઆત એટલે બાળપણ અને અંત એટલે ઘડપણ. આ સફરમાં ચાલો, ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કયા બાળકે નહીં કરી હોય? પત્તાનો મહેલ કે દરિયાની ભીની રેતીથી બનાવેલો મહેલ કે પછી તું મમ્મી અને હું પપ્પા કહીને સંબંધોનો માળો ગૂંથીને ઘર બનાવ્યા વગરનું બાળપણ હોઈ જ ના શકે. યુવાનીમાં ઘર માટેનાં સપના અને ઘડપણમાં ઘરની વ્યાખ્યા, જીવનના અંતિમ પડાવ પર દેહરૂપી ઘર છોડીને, નામ-સરનામું બદલીને ચાલ્યા જવાનું. આમ જીવનયાત્રા ઘર સાથે સંકળાયેલી છે.

એક બહેને મને પૂછ્યું, તમારું ઘર મોટું છે? મારું તો નાનું છે.” જવાબ આપતાં પહેલાં વિચાર આવ્યો, શું ઘર મોટું કે નાનું હોઈ શકે? ગટરનાં પાઇપ કે ઝૂંપડાને ઘર બનાવીને રહેનારા લોકો પણ છે. શ્રીમંત વિસ્તારમાં મોટું કે ઈંટિરીયર ડેકોરેશન, ભૌતિક સાધનો અને આધુનિક સુવિધાથી સજ્જ ઘરને તો મકાન કહેવાય. જ્યાં પરિવારમાં પ્રેમ અને ઉષ્મા હોય, એકબીજા માટે ત્યાગ અને બલિદાનની, એકબીજાની લાગણીઓને સમજવાની ભાવના દરેકના દિલમાં રહેતી હોય, જ્યાં સૌ પોતાના માટે નહીં, એકબીજા માટે જીવતા હોય તેને ઘર કહેવાય. જ્યાં બાળકો કિલ્લોલ કરતાં હોય, વડીલોનું માનસન્માન સચવાતું હોય, અતિથિઓનો આદર-સત્કાર થતો હોય, ચહલ-પહલ હોય, અવનવા ઉત્સવોની ઉજવણી થતી હોય તે ઘર સ્વર્ગ સમાન છે.

સાંજ પડે પક્ષીઓ પણ તેમના માળામાં પાછા ફરે છે. દુનિયામાં ક્યાંય પણ જાઓ, જે આવાસ તમને આકર્ષતું હોય, કામ પતે અને ઘરે પાછા ફરો ત્યારે મન હાશકારો અનુભવે ત્યારે લાગે કે ધરતીનો છેડો ઘર છે. હા, ભમતા જોગીઓ માટે ઉપર આકાશ અને નીચે ધરતી એ જ એમનું ઘર હોય છે. બાકી માનવ માટે હરી-ફરીને છેલ્લો વિસામો એટલે ઘર.

માણસ એકલો આવે છે અને એકલો જાય છે પરંતુ ખુદના ખીલવા અને ખરવાની વચ્ચે તેને મહેકવું હોય છે. તેના માટે તેને કોઈ જગ્યા જોઈએ છે જ્યાં તે ખીલીને પાંગરી શકે અને એ છે તેનું ઘર. પ્રેમ અને લાગણીઓ ભેળવીને ગૃહસ્થ અને ગૃહસ્થીના સંયોજનથી ઇંટ, રેતી, સિમેન્ટનાં મિશ્રણથી જે માળખું ઉભું થાય એ ઘર છે. એવા ઘરની દિવાલો મજબૂત હોય છે. જ્યાં દિવાલો મજબૂત હોય અને કુટુંબ ભાવનાથી રંગાયેલી હોય ત્યાં બહારનાં ઝંઝાવાતો વચ્ચે પણ ઘરનાં સભ્યો સુરક્ષીતતા અનુભવે છે. પોતાનું ગાદલું, ઓશીકુ, ઓઢવાનું હોય, આસપાસ પોતીકાપણાની સુવાસ હોય, જ્યાં સૂકો રોટલો કે ખીચડી ખાઈને પણ ઓડકાર આવે, એ ઘર જીવંત હોય છે જે તમને તમે દુનિયાના ગમે તે છેડે હો, તે આવકારો અને હાકારો આપવા સદાય તૈયાર હોય છે. આપણું ઘર એટલે જીવનમાં સેવેલા સપનાઓનું મેટરનીટી હોમ. જે આપણી પળેપળનું સાક્ષી હોય છે. જ્યાં બોલાયેલાં શબ્દોનાં પડઘા સંભળાતા હોય છે. જ્યાં વિતેલાં વર્ષો, પુરાણી યાદોનો ખડકલો અને વૈભવ ભરેલો ઇતિહાસ હોય, જ્યાં જીવનનાં અગત્યનાં નિર્ણયો લેવાયાં હોય, જ્યાં તમારું બીજ રોપાઈને વૃક્ષ બન્યું હોય ત્યાં તમારા ઉછેર સાથે ભલા કેટકેટલી કડવી-મીઠી યાદો, ગમા-અણગમા, ફરિયાદો અને સ્મૃતિઓ સચવાયેલી હોય છે! વળી હરતા, ફરતા, રતા માણસનો ખીલો તો એ ઘર સાથે જ જોડાયેલો હોય છે કારણકે અંતિમ વિસામો પણ ત્યાં જ મળે છે.

અંતિમ સમયે હોસ્પિટલમાં દાખલ કરેલી, મૃત્યુના બીછાને સૂતેલી વ્યક્તિનો જીવ નીકળતો ના હોય ત્યારે એનો જીવ પોતાના ઘરમાં હોય છે અને જેવી વ્યક્તિને ઘેર લઇ જવામાં આવે છે પછી ભલે તે કોમામાં હોય પણ પોતીકુ ઘર તેને હા આપે છે, અને તેનો જીવ નિરાંતે શરીર છોડીને જાય છે.

સાચું પૂછો તો ધરતીનો છેડો એક માત્ર વૃદ્ધ વ્યક્તિ જ બતાવી શકે જે તેના જીવનનો અંતિમ પડાવ હોય છે. પોતાનું ઘર છોડીને ઘરડા ઘરમાં અંતિમ શ્વાસ લેતા વૃદ્ધોની વ્યથાનું તો પૂછવું જ શું? ક્યારેક માતા-પિતાએ વૃદ્ધાવસ્થામાં બે બાળકો વચ્ચે વહેંચાવું પડે છે. શું એ ઘર છે?

એક જાણીતા ગીતના શબ્દો યાદ આવે છે. “સાંવરીયો રે મારો કોઈ પૂછે કે, ઘર તારું કેવડું? મારા વાલમજી, બાથ ભરે એવડું …” જ્યાં પ્રેમ છે ત્યાં બાથમાં સમાએવડું ઘર પણ પૂરતું છે. ઘર માટે વિશાળતાની જરૂર નથી. વિશાળ હૃદય પૂરતું છે પરંતુ કળિયુગની આ કઠિણાઈ છે. લાગણી વિસરાઈ છે, ઔપચારિક્તા રહી ગઈ છે. ઘર મોટાં થયા છે, દિલ નાનાં થયા છે. પ્રશ્ન ઉદ્ભવે છે, રહેવું ક્યાં …? પરંતુ એક વાત નક્કી છે કે ધરતીનો છેડો ઘર. ભલે પછી આજે જીવનના અંતિમ પડાવ પર સફર કરતાં કેટલાંક વૃદ્ધો માટે ધરતીનો છેડો ઘરડાંઘર હોય!!!

સંવેદનાના પડઘા -૨૩ વિજયા નો વિજય

ધર્મજ ગામમાં હાહાકાર મચી ગયો હતો.પેલા સાકરચંદઅમીનની વિજયાવહુ ત્રણ દીકરીઓને લઈને ઘર છોડી રાતોરાત નાસી ગઈ!!!!!!!!! સાકરચંદ અને તેની પત્ની તો  સવારમાં ઊઠીને ત્રણે દીકરીઓ અને વિજયાને નહી જોઈને  ગભરાઈ જ ગયા ! પહેલાતો તેમના સ્વભાવ મુજબ સાકરચંદ ગુસ્સામાં  ખૂબ બરાડ્યા.પછી દીકરો તો બહારગામ હોઈ ઘરની વાત  બહાર જવા દેવા માંગતા    હોવાથી પોતેજ માસ્તરના ગામ વિજયાને ઘેર ઊપડ્યા.બહાર જ જીપ ઊભી રાખી ગાળો દઈ ઘાંટા પાડવા લાગ્યા.પણ તેમને ખબર પડી કે વિજયાને છોકરીઓ અહીં નથી તો જરા ખસિયાણા પડી ગયા.હવે ઉપરથી હેડમાસ્તર વિજયાના પિતા તેમને પૂછવા લાગ્યા કે” તમે એવું તો શું મારી દીકરી સાથે વર્તન કર્યું કે મારી સોના જેવી દીકરીને ઘર છોડવા મજબૂર થવું પડ્યું.?”ત્રણ દીકરીઓને લઈને દીકરી કયાં ગઈ હશે તેના વિચારમાત્રથી હલી ગએલા માસ્તરે સાકરચંદના ખભા હચમચાવી પૂછ્યું “કયાં શોધું મારા આંખના રતનને મને જવાબ આપો???”કહી ધ્રુસકે  ધ્રુસકે રડી પડ્યા.સાકરચંદ “હું બધે તપાસ કરાવું છું કહી” જીપમાં બેસી  ચાલ્યા ગયા.પોતાના દીકરાને તાબડતોબ પાછો બોલાવી લીધો.વિકાસ ઘેર આવ્યો તો કબાટમાંથી વિજયાનો લખેલ કાગળ મળ્યો .

તેમાં જાણે પન્ના નાયકના શબ્દો લખેલા હતા

  કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ

  ટહુકા કરવાનું મને મંજૂર નથી.

સાકરચંદે વિકાસને વિજયાને લેવા મોકલ્યો પણ હવે બહુ મોડું થઈ ગયું હતું.વિજયા પાછી ફરવા કોઈપણ ભોગે તૈયાર નહતી .ન એ વાતાવરણમાં એની દીકરીઓને ઉછેરવા મોકલવા એ તૈયાર હતી.વિકાસના ગયા બાદ જે પરિસ્થિતિમાં તેણે ઘર છોડ્યું હતું તે એક પછી એક તેના માનસપટ પર છવાતું જતુ હતું

વિજયાનું માથું આખી રાતના ચાલી રહેલ વિચારોથી અને ડહોળાએલ  ઉદાસીન મનને લીધે ફાટફાટ થઈ રહ્યું હતું.ગર્ભાવસ્થાને લીધે આમ પણ તેની તબિયત થોડી નરમ ગરમ રહેતી હતી.ખાવાનું કંઈ ભાવતું નહીં અને  થોડું ખાય તે પેટમાં ટકતું નહી.સાથે સાથે ત્રણ દીકરીઓનું ધ્યાન રાખવાનું તેમને સ્કૂલે મોકલવા વિગેરે તો ખરું જ.ભણેલી ગણેલી વિજયાને તો બે દીકરીઓ અંબા અને અંબિકા આવ્યા પછી બાળક જોઈતું જ નહતું પરંતુ  તેના સરમુખત્યારશાહી ચલાવતા સસરા અને સંકુચિત માનસ ધરાવતા સાસુની આગળ તેના પતિનું  કંઈ ઉપજતું નહી.તેમની વાતોમાં આવીને જ ત્રીજી દીકરી અંબાલિકા આવી હતી.દીકરો તો જોઈએ જ.તેના વગર આપણો  વંશ આગળ ન વધે.આપણો આટલો મોટો ભર્યો ભાદર્યો કારોબાર કોણ ચલાવે? પોતાના માતા-પિતાના રોજના દબાવથી તેના પતિ વિકાસે પણ વિજયા પર દબાણ કર્યું અને  અંબાલિકા આવી.

અંબાલિકાના જન્મ સમયના તેના સાસુના શબ્દો હજુ તેને યાદ છે. આ ત્રીજો પાણો જણ્યો  વિજીએ.ત્રીજી દીકરી આવી જાણ્યા પછીતો એ તેને જોવા દવાખાને પણ આવ્યા નહોતા.અને ઘેર આવી ત્યારેતેના ઘરમાં પગ મૂકતા જ કહે “કોણ જાણે દીકરાનું મોં જોવાનું મારા નસીબમાં ભગવાને ક્યારે લખ્યું હશે? “આવી સાસુની વાહિયાત વાતો સાંભળીને વિજયા સમસમીને રહેતી. એને માટે તો એની દીકરીઓ દીકરા જેવીજ હતી.તેને તો દીકરા દીકરીમાં કંઈ જ ભેદ નહોતો અને એની દીકરીઓ તો નામ પ્રમાણે ગુણ ધરાવતી સાક્ષાત્ દુર્ગાના અવતાર સમી  તેજસ્વી અને શાણી.વાકચાતુર્યમાં તો એક થી એક ચડે.અંબાલિકાના જન્મસમયે તેની સાસુએ ઘરફેરો કરીએ તો દીકરો આવે એમ કહી વિજયાને પિયર ન મોકલી.તેમનાં ઘેર કામ કરતા શારદાબેન જ તેની પાસે રહેતા.એણે કેટલા વાના કર્યા છતાં બાળક બંધ થવાનું ઓપરેશન પણ ન કરાવવા દીધું.અને  વિજયાને ઓપરેશન કરાવવું છે તેવી ખબર પડતાં જ વિકાસને અગત્યનું કામ છે કહી બહારગામ મોકલી દીધો હતો.

પણ  હવે તો પાણી હદ વટાવી ચુક્યુ હતું.આગલી રાત્રે તેણે તેની સાસુને રુમમાં રાત્રે દૂધ આપવા જતા જે વાત સાંભળી તેનાથી તો તે સાવ ડઘાઈ જ ગઈ અને આખી રાત સૂઈ ન શકી.હવે તેણે શું કરવું તે માટે પોતાનું મન મજબૂત કરી લીધું હતું. તેના સારા નસીબે તે બીજે દિવસે દીકરીઓને  સ્કુલે મૂકવા ગઈ ત્યાં તેને રસ્તામાં તેના મામાની દીકરીનો  ડોકટર પતિ સ્કુલના બાળકોના હેલ્થ ચેકઅપના કેમ્પ માટે આવેલ તે મળ્યો.તેને જોતાંજ તેનું ભરાએલ મન વરસી પડ્યું.વિજયાએ પોતાનું મન ખાલી કરતા બઘી વાત કરી અને એ પણ કે હવે તો આ લોકોએ હદ વટાવી દીધી છે જૂઓને કાલે મારા સાસુ મારા નણંદને કહેતા હતા કે 

“લે ડોકટર ને આટલા પૈસા પહેલા આપી આવજે.સોનોગ્રાફીમાં ખબર પડે કે દીકરી છે તો તેને  એવું ઈજેક્શન અને દવા બંને આપી દેકે વિજ્યાને ખબર નપડે અને ગર્ભપાત થઈ જાય.”

વિજયાના બનેવી ગવર્મેન્ટ હોસ્પિટલ ના  ડિરેક્ટર બોર્ડમાં હતા.તે રહેતા પણ અમદાવાદ હતા.વિજયાના  સાસરિયાઓની વાતેા તેણે ઘણીવાર પોતાની પત્ની પાસેથી સાંભળી હતી પણ આજે વિજયાના મોં એ થી સાંભળ્યા પછી તેમણે વિજ્યાને પોતે બધીજ પ્રકારની મદદ કરશે તેવી ટાઢક બંધાવી.

વિજયાદશમીને  દિવસે જન્મી હોવાથી ગામના હેડમાસ્તર પિતાએ તેનું નામ વિજયા રાખ્યું હતું.એમ.એસ.સી થએલ વિજ્યાને તેના સસરાએ તેના પિતા પાસે સામેથી માંગીને પુત્રવધુ બનાવી હતી. કેટલાય વીઘા જમીનના માલિક સસરા ધર્મજ ગામમાં તમાકુની ખેતી ખેડુતો પાસે કરાવી અઢળક કમાતા.તેની સાસુ પણ ગરીબ ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા આપી તેમના દરદાગીના પૈસાપેટે રાખતા,એવો ધીરધારનો ધંધો કરતા. મદયમવર્ગી હેડમાસ્તર પિતા આવા સુખી ઘરના લોકો પોતાની દીકરીને સામેથી માંગીને લઈ જાયછે તો મારી દીકરીના સદ્દભાગ્ય  એમ તે વખતે સમજતા.ઘરમાં પૈસાની તો કોઈ કમી જ ન હતી તેથી વિજયા  આટલું ભણેલી હોય તો પણ તેને નોકરી કરવા તો જવા જ ન દે!!પણ માત્ર પૈસાથી જ સુખ ઓછું મળે છે? 

વિજ્યાનો તેના સાસરાના કુટુંબના વિચાર સાથે કોઈ તાલમેલ નહતો. કયાં  વિજયા અને તેના શિક્ષક પિતાની ઉચ્ચ  ,માનવતાવાદી સુશિક્ષિત વિચારસરણી અને કયાં તેના તાનાશાહી સાસુ-સસરાની જુનવાણી,સંકુચિત અભણ  વિચારસરણી .વિજ્યા હમેશાં અકળાતી પણ તેના પિતા હમેશાં  તેને ધીરજ ધરવાનું કહેતા.એમાં વિજયા એકદમ કુશાગ્રબુદ્ધિવાળી અને ભણવામાં પણ અવ્વલ અને વિકાસ સરળ સામાન્ય અને પિતાની તાનાશાહીથી દબાએલો.

પણ હવે વિજયાની ધીરજનો અંત આવી ગયો હતો.પહેલાંતો એક સણસણતો કાગળ લખી તેના પતિના કબાટમાં મૂક્યો. તેની ત્રણે દેવી લક્ષ્મી,સરસ્વતી અને દુર્ગા જેવી દીકરીઓને પોતાની સાથે  લઈને અડધી રાત્રે ,પોતાની જાત પર સંપૂર્ણ વિશ્વાસ સાથે  ,પતિનું ઘર અને ધર્મજ ગામ સદાય માટે છોડી અમદાવાદ જવા નીકળી પડી.

પોતાની મામાની દીકરી બહેન પણ ડોકટર હતી.તેણે વિજયાને ખૂબ સહારો આપ્યો .તેની ત્રણે દીકરીઓને અમદાવાદની શાળામાં ભણવા મૂકી દીધી.વિજ્યાને પણ તેના બનેવીની હોસ્પિટલમાં લેબમાં જોબ મળી ગઈ.થોડો દિવસ બહેન સાથે રહી ત્યાંતો તેના માતા-પિતા આવી ગયા અને કહે “બેટા ચાલ આપણા ઘેર પણ હવે વિજયા ક્યાંય જવા માંગતી નહતી.તેની માતા તેની સાથે થોડો સમય રહી .તેને ચોથી પણ દીકરી જ અવતરી અને તેનું નામ તેણે ચામુંડેશ્વરી પાડ્યું જેને ઘરમાં બધા ઈશ્વરી કહી બોલાંવતા. પછી તો તેણે ટ્યુશન પણ કરવા માંડ્યા. તેની એકલીની આવક પર ચાર દીકરીઓને ઉછેરવામાં તેને તકલીફ તો ખૂબ પડી પણ કઠણાઈના તાપમાં તપીને નીકળેલ તેની ચાર દીકરીઓ એક ડોકટર,એક એન્જિનયર,એક પાયલોટ અને સોથા નાની IAS ઓફીસર બની.

સાકરચંદ અમીનના છેલ્લા દિવસોમાં તેમણે જ્યારે કહેણ મોકલ્યું કે “મારા દીકરાસમ  ચાર દેવીઓના 

દર્શન તો મને જતા જતા કરાવ.”ત્યારે વિજયા અંબા,અંબિકા,અંબાલિકા અને ચામુડેશ્વરીને લઈને તેમની પાસે ગઈ.પોતાના કાન પકડી ,હાથ જોડી આંખમાં આંસુ સાથે સાકરચંદે કહ્યું,

“હું આજે ગૌરવ સાથે દુનિયાને કહેવા માંગું છું કે આજે મારો વંશ એક નહી પણ મારી આ ચાર દેવી

જેવી દીકરીઓ વધારશે”

સ્ત્રીની બુદ્ધિનો સ્વીકાર ,તેની લાગણીનું જતન અને તેના શરીરનું ગૌરવ તો કરવું જ રહ્યું.

તેને માત્ર ગૃહલક્ષ્મી જ ન બનાવી રાખી તેની આંતરિકશક્તિને પણ વિકસવા જ દેવી જોઈએ.

વાત્સલ્યની વેલી ૨૦) પીટર પાન અને ટીટોડી!

પીટર પાન અને ટીટોડી!
એ વર્ષોમાં બાળકોનું એક પ્રિય કાલ્પનિક પાત્ર હતું પીટર પાન (Peter Pan )! પીટર પાનને ફરવાનો અને અવનવાં પરાક્રમો કરવાનો બહુ શોખ ! એ કહે ;”Come with me where dreams are born and time is never planned ! “ એ અરસામાં અમારી દશા પીટર પાન જેવી જ હતી !એની જેમ અમે પણ આ દેશમાં આવી કોઈ સાહસિક વૃત્તિથી દોરવાઈને કોઈ મુશ્કેલ સ્વપ્નું સાકાર કરવા અહીંયા તહીંયાં જ્યાં ત્યાં ટીચતાં હતાં! એ સાહસિક છોકરાને માર્ગમાં ચાંચિયાઓ અને મગરમચ્છ મળતાં અને છેવટે ક્યારેક કોઈ પરી કે એવી કોઈ અદ્રશ્ય શક્તિ એની મદદે આવતાં ! એમ અમને શિકાગો બિલ્ડિગ વિભાગના જુદા જુદા ડિપાર્ટમેન્ટના ઈન્સ્પેકટરો રૂપી ચાંચિયાઓ અને મગરમચ્છો હેરાન કરતાં હતાં! જો કે અંદરથી તો અમે સાવ ગભરાઈ ગયાં હતાં! હવે તો કોઈ દૈવી શક્તિની મદદ મળે તો જ આ કોકડું ઉકલે એમ હતું!
ફેબ્રુઆરી મહિનો તો જીવનની આ વાસ્તવિકતા સમજવામાં ગયો ! માર્ચ – એપ્રિલ પણ આર્કિટેક્ટના ડ્રોઈંગ અને પછી બધાં ડિપાર્ટમેન્ટોના વાંધાવચકામાં સરી ગયાં! મે મહિનામાં મધર્સ ડે ના દિવસે અમે બાળકોનું પ્લે ગ્રાઉન્ડ બનાવ્યું , એમાં હીંચકા લપસણી મૂક્યાં: મનમાં થયું, થોડી ઠંડી ઓછી થશે તો આપણાં બાળકો તો ત્યાં રમશે !અને એ સાથે એક નબળો વિચાર પણ આવ્યો કે ડે કેર સેન્ટરને બદલે ગ્રુપ ચાઈલ્ડ કેર -જેના નિયમો થોડા હળવા છે -એ શરૂ કર્યું હોય તો કેવું ?
પણ અંદરનો માંહ્યલો કહેતો હતો હતો: નિશાન ચૂક માફ , માફ ના નીચું નિશાન!
આપણે ત્યાં મહાભારત – રામાયણ ને ભાગવતમાં આવી અનેક કથાઓ છે કે જયારે ચારે તરફ અંધકાર હોય અને દિશા સૂઝતી ના હોય: તેમાં કર્ણ જેવા યોદ્ધાની પણ વાર્તા છે જ્યાં એનાં રથનું પૈડું ખુંપી ગયું હોય ને જે બહાર નીકળી શકે નહીં ! તો અજામિલ જેવો બ્રાહ્મણ શરૂઆતમાં સારો ને પાછળથી ભૂલો કરે છેઅને જે અંત સમયે પુત્ર નારાયણને બોલાવે છે પણ ભગવાન નારાયણ દોડીને આવે છે ને એનો ઉદ્ધાર કરે છે! એવી સારા અંતની વાર્તાઓ પણ છે !
હું આમ પીટર પાનની પરીઓ અને અજામિલના નારાયણની વચ્ચે સારું હેપ્પી એન્ડિગ શોધવા ગોથા ખાતી હતી , ત્યાં એક રવિવારે સ્વાધ્યાયમાં અમે ભગવાન વિષ્ણુ અને ટીટોડી (Red Wattled Lapwing) નામના પંખીના ઈંડાની વાર્તા સાંભળી. ઘેર પાછાં ફરતાં એ વાર્તા મેઁ અમારાં સંતાનોને કહી : નાનકડું અમથું પંખી ટીટોડી! દરિયાએ એનાં ઈંડા લઇ લીધાં ! ટીટોડીએ વિનંતી કરી કે દરિયાભાઈ ! મેઁ કાંઈ ભૂલ કરી હોય તો માફ કરો , પણ મને મારાં ઈંડા પાછાં આપો ! પણ એટલો મોટો , બળવાન દરિયો નાનકડી અમથી તુચ્છ ટીટોડીની વાત શા માટે સાંભળે ?
છેવટે દરિયાના દેવ ભગવાન વિષ્ણુને અરજ કરી, અને ભગવાને એક જ હુકમ કર્યો અને ટીટોડીને એનાં ઇંડાં પાછાં મળ્યાં!
મેઁ આખી વાત પુરા રસથી કહી.
“બસ એવું જ આપણે પણ કરીએ તો? “ સુભાષે ઉત્સાહથી કહ્યું !
શું ?શું ?શું કરવાનું છે આપણે? મેં નિરાશા ખંખેરી ઉત્સાહથી પૂછ્યું ! ઘણાં વખતે કોઈ નવો માર્ગ -નવો વિચાર -નવું આશાનું કિરણ – ક્યાંક દેખાતું હતું!
“આ બધાં ડિપાર્મેન્ટ અને એમનાં ઇન્સ્પેક્સશન અને લાંબા લાંબા કાયદા કાનૂનની કલમો અને એને અનુસરવાનું ને વળી પાછું બીજું કરેક્શન કરાવવાનું ને ફરી રિપોર્ટ કઢાવવાના ..એનાં એવા મોટા મોટા રિપોર્ટથી કાંઈક જુદું , કોઈ નવો જ રસ્તો અપનાવ્યો હોય તો કેવું?”
હં! કાંઈક નવી દિશામાં કાંઈક નવું વિચારવાનું કારણ મળ્યું ! ખુંપી ગયેલા રથના પૈડાંને બહાર કાઢવાનો ઉપાય મળ્યો !
“શું કરી શકીએ આપણે? આપણે આ બધાયે ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેકટરોને મળી મળીને થાકી ગયાં છીએ ! એ લોકોના કડક નિયમોને પહોંચી શકવું પણ મુશ્કેલ છે! પૈસા નથી , તાકાત નથી અને કોઈ સામાજિક સંપર્કો પણ નથી કે જે સસ્તામાં સારું કામ ટૂંક સમયમાં કરાવડાવી શકે !પણ
જો આપણે આ બધાંયે ડિપાર્ટમેન્ટના ઉપરી અધિકારીને મળીયે જે આ બધાં લાયસન્સ ઇન્સ્પેક્શન બધાં ડિપાર્ટમેન્ટનો સાહેબ હોય અને એને આપણી વાત સમજાવીએ તો?”
હા! વાતમાં તથ્ય હતું. અને એમાં કાંઈ જ ગુમાવવાનું નહોતું !
એ બધાંયનાં ઉપરી એટલે શિકાગો બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના સુપ્રિટેન્ડન્ટ !
એમનાં હાથ નીચે બધાં ઝોનિંગથી માંડીનેપ્લમિંગ, વેન્ટિલેશન , હેલ્થ સેનીટેશન , ફાયર , નર્સ , ઇલેક્ટ્રિક બધાંય ડિપાર્ટમેન્ટ કામ કરે!
અમે એમને એક પત્ર લખ્યો અને અજાણતાં કરેલી ભૂલો , બે સંસ્કૃતિ વચ્ચે ગોથાં ખાતાં થયેલ ખોટા તર્ક ,પડતી મુશ્કેલીઓ અને બની શક્યાં એટલાં લીધેલ પગલાં વિષે પણ લખ્યું !
થોડા સમયમાં અમને મુલાકાતનો સમય આપ્યો .
હું એમને મળવા ગઈ – દર વખતની જેમ ,આ પચ્ચીસમી વાર , સુભાષે નીચે ગાડીમાં મારી રાહ જોઈ –
જુલાઈ મહિનાના આખરી દિવસો હતા. સમર વેકેશન પૂરું થાય એટલે હવે કાં તો કોઈ સ્કૂલમાં મારે ટીચરની નોકરી લઇ લેવી અને આ સ્કૂલનો પ્રોજેક્ટ માંડી વાળવો વગેરે જે તે વિચારોમાં અમે અટવાતાં હતાં: કે પછી- એ વિષે હું આગળ કાંઈ જ વિચારી શક્તિ નહોતી ! એ મનઃ સ્થિતિ બહુ યાદ નથી અને અત્યારે એ ઘા અને એ દર્દને ફરી યાદ કરીને ખાટાં ઓડકારો ખાવાનું મન પણ નથી! હા યાદ તો રહી ગઈ છે ત્યાર પછીની અમૂલ્ય ક્ષણોની !

“ હા , ભૂલ તો કરી છે!” મેં એમને કહ્યું .
“ બીજું બધું તો હજુ સમજી શકાય , પણ તમને એ જગ્યાની આસપાસનું દારૂનું પીઠું ,પંદર વીસ ફૂટનું મોટું બીભત્સ પોસ્ટર અને ઉજ્જડ જગ્યા પણ ના દેખાયાં?”
હું મૌન રહી . સાચ્ચે જ , અર્જુનને પંખીની આંખ સિવાય બીજું શું દેખાયું હતું ? અમને એ પડોશના નકારાત્મક કોઈ જ અંશ દેખાયાં નહોતાં !
“ બિલ્ડીંગ કોડ પ્રમાણે પણ ઘણું બધું કરાવવું પડે તેમ છે!” એમણે કહ્યું.
“જો કે એ તમે ધીમે ધીમે કરાવી શકશો – જેને Grand father’s clause બાપ દાદાના સમયથી ચાલી આવતી રીત ગણી શકાય. પણ હા, જયારે ડે કેર વેચવા જશો ત્યારે એ બધું અતઃ થી ઈતિ સુધી કરાવવું પડશે હોં!”
એમણે મને શું કહ્યું તે મને સમજાતું નહોતું .
“ હવે તમે જઈ શકો છો !” એમણે કહ્યું.
મારી પાસે કોઈ કાગળ કે ફોર્મ કે એવું કાંઈ નહોતું. એ ગુસ્સામાં બોલતા હોય તેમ મને લાગ્યું .
હતાશ થઈને હું નીચે ,ગાડીમાં આવી.
શું થયું , શું કરીશું વગેરે વિચારવાનો ઝાઝો સમય નહોતો કારણકે ઘડિયાળમાં અઢી વાગ્યાં હતાં અને અમારાં બાળકોને સ્કૂલમાંથી લેવાનો સમય થઇ ગયો હતો .
બસ ! સાંજે ચારેક વાગે એક મમ્મીનો ફોન આવ્યો: મારો દીકરો ફલાણા ડે કેરમાં જાય છે, પણ એ સ્કૂલમાંથી ઉઠાડીને મારે એને તમારી સ્કૂલમાંદાખલ કરવો છે !
એનો અર્થ એ થયો કે અમને ડે કેર સેન્ટરનું લાયસન્સ મળી ગયું હતું અને અમારી સ્કૂલનો એ પહેલો વિદ્યાર્થી હતો ડૅની!!
થોડી જ વારમાં ડૅનીની મમ્મી અને નાની સાથે ચાર વર્ષનો ડૅની અમારાં ડે કેરમાં રજીસ્ટ્રેશન માટે આવ્યાં ; મેં ઉત્સાહથી એને પૂછ્યું; “ડૅની, Are you Peter Pan?” ડેની દેખાવમાં પીટર પાન જેવો જ હતો ! અમારું સ્વપ્નું સાકાર થઇ રહ્યું હતું!!
વાત્સલ્યની વેલી પર હવે અનેક પીટર પાન પતંગિયા અને પરીઓ ડાન્સ કરવાનાં હતાં એની અમને ખાતરી થઇ ગઈ હતી !

૨3 -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

ઓ.હો.હો.હો..

કેટલો બધો તો વટ પડી ગયો આપણા બધાનો નહીં? ( આપણા બધાનો એટલે આપણો- આપણી સ્ત્રી શક્તિનો) અચાનક જાણે સૌમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવનામાં ભરતી આવી ગઈ.

નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ સુધીનો પૂજ્યભાવ દર્શાવવામાં આવ્યો. તો કોઈએ વળી વેદમંત્રને ટાંકતા કહ્યું કે, “ હે સ્ત્રી તું અજેય છે, તું વિજેતા છે, તું શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર છે, તું હજારો પ્રકારનાં પરાક્ર્મ દાખવી શકે છે એટલે તું સહસ્ત્રવીર્યા છે. તું મને શક્તિ પ્રદાન કર.”

અરે વાહ! કેટલી બધી સોજ્જી સોજ્જી વાતો અને સુંવાળી ભાવનાઓનો ખડકલો ચારેબાજુથી થવા માંડ્યો. શું હતું આ બધુ? કેમ ભૂલી ગયા? ૮ માર્ચ અને ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. અચાનક આગલી રાત સુધી સ્ત્રી/ પત્નિ વિશે જાતજાતના જોક્સ કહીને તાલી આપનારા લોકોએ પણ એ દિવસે મા-બહેન, ભાભીથી માંડીને તમામ સગાઈઓ ધરાવતી સ્ત્રીઓને ઉચ્ચ આસને બેસાડી દીધી. ટન ટન ટન કરતી ઘંટડીઓ વગાડીને પૂજા પણ કરી લીધી.

ખબર છે ભાઈઓ આજે આ જ લક્ષ્મીપૂજન કરતાં પેજ પર કાલે સસ્તા જોક્સ મુકાવાના જ છે. ટેવાઈ ગયા હવે તો.. દુનિયાભરના કૉમેડીયન પણ એમની પત્નીઓને ટાર્ગેટ બનાવીને સસ્તું મનોરંજન પીરસતા હોય જ છે અને આ જ નારી તું નારાયણી કહેનારા એમાં ખડખડાટ હાસ્યની છોળથી એ માણત ય રહેવાના.

આમ કરી શકવાનું કારણ એ લોકોએ ક્યારેય વિચાર્યું ? એ લોકો આવી રીતે જોક્સ કરી શકે છે એનું કારણ એ નથી કે પત્નિઓ ભોટ છે. એનું કારણ એ છે પત્નિઓને આવી અર્થહીન, આવી ક્ષુલ્લક વાતોને ધ્યાનમાં લેવાની ટેવ જ નથી. પણ આવી જ રીતે આવા જ જોક્સ જો પત્નિઓ એમના પતિ પર કરશે તો એમનો શો પ્રતિભાવ હશે  એ વિચારવાની જ જરૂર નથી. સાક્ષાત રૌદ્ર સ્વરૂપ કોને કહેવાય એની તાત્કાલિક જાણ થઈ જશે.

એવું ય નથી કે નારી વિશે ક્યાંય ક્યારેય કશું સારું લખાયું જ નથી. લખાયું છે. અનેકવાર લખાયું છે, અઢળક લખાયું છે. એમાંથી આ નારી શું છે એના માટેની  શૂન્યપાલનપુરી સાહેબની એક રચના જોઈએ. 

એક દી સર્જકને આવ્યો, કૈ અજબ જેવો વિચાર

મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી,દંગ થઈ જાયે જગત એવું કરૂં સર્જન ધરાર,

ફૂલની લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક,ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરૂએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી,

પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ,કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ

ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ,નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વેનું મંથન કર્યું, એક એક ‘દી સર્જકે નારીનું સર્જન કર્યું

દેવ દુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી..

કોઈએ વળી એવું પણ કહ્યું કે સ્ત્રીએ પુરુષ સમોવડી થવાની જરૂર જ નથી કારણકે પુરુષ જે કરે કે કરી શકશે તે તું નથી કરી શકવાની. હા! અહીં એમાં એને ઉતારી પાડવાની કોઈ વાત નથી. કેમ? કારણકે નારી એક હદથી ઓછી કે ઉણી ઉતરી જ ન શકે એવો એમાં ભાવ છે. એ કહે છે કે શું જ્ઞાનની શોધ માત્ર બુદ્ધને જ હતી? તને ય હશે પણ તું તારા પતિ કે નવજાત શિશુને છોડીને જઈ શકે એવી કઠોર કે જડ બની શકીશ? કે  પતિએ કરી જ નથી એવી ભૂલ માટે રામની જેમ તું એની અગ્નિ પરીક્ષા લઈ શકવાની નથી. નથી યુધિષ્ઠિરની જેમ તું તારી ઇચ્છાઓની પરિતૃપ્તિ કે જીતવાની જીદ માટે તારા પતિને દાવ પર મુકી શકવાની. તું તો એના સન્માન માટે થઈને તારી જાતને કુરબાન કરી દઈશ. સાવિત્રીની જેમ યમરાજના પાશમાંથી પણ પતિને મુક્ત કરાવી શકે એ તું છો. તું તો ઈશ્વરનું એક ઉત્તમ કૃતિ છો. તારે તો તારી જાતને સાબિત કરવાની લેશમાત્ર જરૂર નથી. આ સ્ત્રી છે. એનો અવતાર જ એક અવતારને જન્મ આપવા માટે થયો છે.

આવા દિવસે નારીની પોતાની ઓળખ આપતી એક રચના પણ જોઈ ( પ્લીઝ એના રચયિતાનું નામ ખબર હોય તો જણાવશો.)

હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું……

માં બાપના આંગણમાં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……

હું પત્ની છું,હું માતા છું, હું બહેન છું,હું બેટી છું,

કૈક રહસ્યો છુપાય એવી તાળાંવાળી પેટી છું.

જો ઝાંકવું હોય મનની  ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……

હું ચંચલ છું કો હરણી શી, ખળખળ વહેતી કો ઝરણી શી,

ગમે તેટલા પત્થર ફેંકો,ચૂપચાપ સહુ હું ધરણી શી.

સુર મેળવો તો મીઠા સૂરે, ઝંકૃત થતી સિતારી છું……

કોમળ છું મૃણાલ દંડ સમી,મેઘધનુના સાતે રંગ સમી,

રીઝું તો વરસું ઝરમર ને ખીજું તો બારે ય ખંગ સમી.

જો છંછેડે કોઈ મુજને તો, સો મરદોને ભારી છું…..

સમર્પણ છે મુજ રગરગમાં, વિશ્વાસ છલોછલ હર ડગમાં,

સદાય જલતો રહે તે કાજે, પ્રેમ પૂરું હું દીપ શગમાં

મળવા સાગરને તલતલ તલસે એ, નિર્મળ ગંગા વારિ છું…

હું નારી છું

એક સરસ મઝાની એડવર્ટાઈઝ છે. સવારમાં એક સાથે ઘરના તમામ સદસ્યોની માંગને પહોંચી વળવા બે નહીં બાર હાથે કામ કરતી ગૃહિણીને એમાં ફોકસ કરવામાં આવી છે અને એ પણ સાવ સરળતાથી હસતા- રમતાં સૌને તૃપ્ત કરતાં બતાવી છે. આ સ્ત્રી છે. સ્ત્રીને પોતાની જવાબદારીઓની બરાબર ખબર છે. એણે સમયના ટુકડાની વચ્ચે પોતાની જાતને ગોઠવીને એક જિગ્સૉ પઝલની જેમ આખી ગેમ પુરી કરવાની છે. ક્યાંય કોઈ સાંધો કે રેણ ન દેખાય એવી રીતે અને એ કરી શકે જ છે.

આવા આ ૮ માર્ચના દિવસે એક એકદમ યથાર્થ મેસેજ મળ્યો. 

૮ માર્ચે જ ૮ માર્ચ કેમ? 

રોજે રોજ ૮ માર્ચ કેમ નહી? 

 આ વાત જે સમજી લેશે એને ક્યારેય કોઈ ૮ માર્ચની રાહ જ નહીં જોવી પડે. 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

       

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

દ્રષ્ટિકોણ 34 – હેન્રીએટ્ટા લેવિટ ની દ્રષ્ટિએ બ્રહ્માંડ – દર્શના

નમસ્તે મિત્રો. મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી તમારું સ્વાગત. આ ચેનલ ઉપર આપણે જુદા વિષયોને અથવા જુદા દ્રષ્ટિકોણ થી વિષયોને સમજવાનો અને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે ખગોળ શાસ્ત્ર ઉપર થોડી વાત કરીએ. અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે એક એવી સ્ત્રી વિષે જાણીએ જેણે આપણા ભ્રહ્માંડ વિશેની નવી માહિતી શોધીને તેનું દ્રષ્ટિકોણ તો ફેરવી નાખ્યું પણ તે ઉપરાંત ભ્રહ્માંડ ને વિકસાવી પણ દીધું.
એક સમયે આ દેશમાં વિજ્ઞાન માત્ર પુરૂષોનું ક્ષેત્ર હતું. 1868 માં હેન્રીએટ્ટા સ્વાન લેવિટ નો જન્મ થયો. હેન્રીએટ્ટા ને જન્મથી જ વિજ્ઞાન નો શોખ હતો. માસાચુસેટ્સ માં જન્મેલી હેન્રીએટ્ટા એ શાળા પુરી કરીને ઓબેરલિન કોલેજ અને તે પછી રડકલીફ કોલેજ માં અભ્યાસ કર્યો. પછી દુનિયાની સફરે નીકળેલી હેન્રીએટ્ટા ના કાન માં કોઈ કારણસર બહેરાશ આવી. હાર્વર્ડની રડકલીફ કોલેજ માં ભણેલી હેન્રીએટ્ટા ને 1892 માં હાર્વર્ડ કોલેજ વેદશાળા માં ખગોળ વૈજ્ઞાનિક ની નોકરી મળી. તારાઓની દુનિયા સાથે હેન્રીએટ્ટા ની આત્મીયતા બંધાવા લાગી. એ જમાના માં કમ્પ્યુટર તો હતા નહિ. હેન્રીએટ્ટા ત્યાં માનવીય કમ્પ્યુટર નું કામ કરવા લાગી. તેને ગ્રહો અને તારાઓ નું અંતર માપવાનું ખુબ બારીકાઇવાળું ગણિત નું કામ આપવામાં આવ્યું. એ જમાના માં સ્ત્રીઓને કામ માટે કોઈ પ્રકારનું પ્રોત્સાહન તો મળતું જ નહિ બલ્કે અવરોધ જરૂર ઉભા કરવામાં આવતા. શરૂઆતમાં  હેન્રીએટ્ટા ને દિવસ ના 8 કલાક કામ કરવાના કોઈ પૈસા આપવામાં આવતા નહિ. પરંતુ થોડા મહિના કામ કર્યા બાદ તેને કલાક ના 30 પૈસા લેખે પગાર આપવામાં આવ્યો.
Image result for henrietta leavittહેન્રીએટ્ટા ને ટેલિસકોપ માંથી તારાઓને જોવાની તીવ્ર ઈચ્છા હતી પણ તે માટેની પરવાનગી હતી નહિ. ખંત અને મહેનત થી હેન્રીએટ્ટા પોતાનું કામ કરતી. તેને “variable stars” એટલે એવા તારા જેમની તેજસ્વીતા કાયમ બદલાતી રહે તેનો અભ્યાસ કરવાનું ખાસ કામ સોંપાયેલું। આ પ્રકારના “વેરિયેબલ સ્ટાર્સ” નો  વૈજ્ઞાનિકો ઘણા સમય થી અભ્યાસ કરી રહ્યા હતા. કોઈએ ક્યારેય એવી કલ્પના નહિ કરેલી કે એક સામાન્ય સ્ત્રી આવા તારાઓ વિષે ખુબ મહત્વની નવી શોધ કરશે. અને વળી હેન્રીએટ્ટા ને તો ટેલિસકોપ માં થી જોવાની પણ મનાઈ હતી. છબીઓ દ્વારા તારાનો અભ્યાસ કરતા કરતા હેન્રીએટ્ટા એ નિરીક્ષણ કર્યું કે આ તેજસ્વીતા બદલતા તારા નું અનોખું માળખું છે. બારીકાઈથી નિરીક્ષણ કરતી વખતે તેણે નોંધ્યું કે તેજસ્વી તારાઓ (સેફિડ્સ) લાંબા ગાળા માટે  જોવા મળે છે. હેન્રીએટ્ટા એ અનુમાન કર્યું કે બધા સેફિડ્સ દરેક છબીમાં પૃથ્વી થી લગભગ સમાન અંતરે હોવા જોઈએ એટલે તેમની આંતરિક તેજસ્વીતા નું અનુમાન કરી શકાય. તેણે તારાઓના mass, density, and surface brightness નો અભ્યાસ કરીને 1777  વેરિયેબલ સ્ટાર્સ ને ઓળખ્યા અને તેની શોધ કે વધુ તેજસ્વી તારા લાંબા ગાળા માટે હોય છે તેને વિજ્ઞાનિકોએ “period–luminosity relationship” or “Leavitt’s law” તરીકે નામ આપીને વધાવી. હેન્રીએટ્ટા એ નવી શોધ પછી તારાઓનો અભ્યાસ ચાલુ રાખ્યો. તે પછી તેને ટેલિસકોપ માં થી આકાશ નું નિરીક્ષણ કરવાની પરવાનગી મળી. હેન્રીએટ્ટા એ 299 પ્લેટ્સ નું 13 ટેલિસકોપ માં થી વિશ્લેષણ કર્યું અને તેના ઘણા પેપર્સ પ્રકાશિત થયા.
તે પછી એવા સેફિડ્સ બીજી આકાશગંગા (ગેલેક્સી), જેમ કે એન્ડ્રોમીડા, માં પણ જોવા મળ્યા અને તે બીજી આકાશગંગા ના પુરાવા તરીકે સાબિત થયા. તેથી એમ કહી શકાય કે હેન્રીએટ્ટા ની શૉધ ને કારણે બ્રહ્માંડ (universe) નું દ્રષ્ટિકોણ માત્ર બદલાયું જ નહિ પરંતુ વિસ્તરી ગયું. હેન્રીએટ્ટા ની શોધ ને લીધે એડવિન હબલે આપણી  આકાશગંગાને બ્રહ્માંડ ના મુખ્ય બિંદુ તરીકે સ્થાપિત કરેલું તેને હટાવી દીધું કેમકે હેન્રીએટ્ટા એ સાબિત કરી દીધું કે બ્રહ્માંડ ઘણું વધારે મોટું છે. તમે એડવિન હબલ નું જાણીતું નામ તો સાંભળ્યું જ હશે. 1990 માં તેમના નામનું હબલ ટેલિસકોપ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ભમતું રાખવામાં આવેલ છે અને તેમાંથી આવતી છબીઓ થી વિજ્ઞાનીકો ઘણી માહિતી મેળવે છે. એડવિન હબલે બીજી આકાશગંગા ની શૉધ કરી તે માટે ઘણા માને છે કે તેમને નોબેલ પ્રાઈઝ મળવું જોઈતું હતું. પરંતુ એડવિન હબલ પોતે ઘણી વાર કહેતા કે હેન્રીએટ્ટા સ્વાન લેવિટ ને નોબેલ પ્રાઈઝ મળવું જોઈતું હતું કેમકે તેની શોધ વગર આગળ શોધ શક્ય જ નતી.
હેન્રીએટ્ટા સ્વાન લેવિટ ને કાને બહેરાશ હતી, તેણે લગ્ન નતા કર્યા અને પગાર ન મળવાને લીધે, અને પછી બહુજ કમ પગાર મળવાને લીધે, તે અત્યંત કરકસર થી રહેતી હતી. ઉપરાંત ટેલિસકોપ માં થી જોવાની પરવાનગી ન હતી  છતાંયે તેણે તેનું લક્ષ્ય તેના કામ ઉપર રાખીને નવી શોધ કરી. તે સાંભળી સકતી નહિ હોવાથી, આંખ ની ઇન્દ્રિયો વાપરીને કલાકો સુધી તેને તારાઓ જોવા ગમતા. તેના ઉપર પુસ્તક લખવામાં આવ્યું છે તેનું નામ છે “શાંત આકાશ”.
તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હૅરિએટ્ટા જેવી સ્ત્રીઓને વધાવીએ કે જેમણે તેમની આવડત અને કુશળતા થી આપણા સર્વે નું દ્રષ્ટિકોણ વિસ્તાર્યું છે. વાચક મિત્રોને આજના દિવસ ની શુભેચ્છાઓ.

૧૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

નારી તું તણાવને વરી

નારી સમાજની ધરી છે છતાંય તે તણાવને વરેલી છે. આદિકાળથી આદમ અને ઇવના સમયથી સૃષ્ટિનાં સર્જનની જવાબદારી ઈશ્વરે નારીને સોંપી છે. સીતા-રામ, રાધે-શ્યામ, લક્ષ્મી-નારાયણ બોલાય છે. પુરૂષપ્રધાન સમાજમાં નારી કેન્દ્રસ્થાને હતી અને છે. પરંતુ નારીનું ખરું સ્થાન ક્યાં હતું? ઇન્દ્રનું માનસ ઈન્દ્રાણીને છોડીને ભટકતું. દુષ્યંતે શકુન્તલાનો અને રામે સીતાનો ત્યાગ કર્યો હતો. દ્રૌપદીને પોતાના જ પતિએ દાવ પર લગાવી હતી. તેનું કાર્યક્ષેત્ર હતું માત્ર ઘરની ચાર દીવાલ. સ્ત્રી એક, રૂપ અનેક. બાળકી, યુવતી, પરિણીતા, વિધવા. એક દીકરી, બેન, પત્ની, વહુ, મા, દાદી. સુહાગણનાં શણગાર સમા ઘરેણાં તેના કાન, કેડ, હાથ, પગમાં બેડી બનીને નારીશક્તિને નાથવા માટે પહેરાતાં રૂઢીગત સમાજનો શિકાર બનતી સ્ત્રી દબાતી, ચગદાતી અને તેનાં અસ્તિત્વને ટકાવી રાખવા વલોપાત કરતી તણાવમાં જીવતી ગઈ. કોઈ તેની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું. કારણકે સમાજની આંખો પર આગળથી ચાલી આવતાં રિવાજો અને માન્યતાઓની પટ્ટી બાંધેલી હતી.

ધીમે ધીમે સમાજ-સુધારકો દ્વારા નારી તરફી કાયદાઓ ઘડાતાં ગયાં. સ્ત્રી કેળવણી અને સ્ત્રી સમાન અધિકાર પ્રત્યેની જાગરૂકતાને લીધે સ્ત્રીના અસ્તિત્વને સમાજ સ્વીકારતો થયો. આર્થિક રીતે નારી સ્વતંત્ર બનતી ગઈ. પિતાએ દીકરીને, ભાઈએ બહેનને, પતિએ પત્નીને અને સમાજે નારીને સ્થાન આપ્યું. ભૂતકાળની સ્ત્રીનાં અસ્તિત્વએ જાણે બળવો પોકાર્યો. ઘરની લક્ષ્મી હવે સાચા અર્થમાં મા અંબા બનીને સિંહ પર સવારી કરતી થઈ ગઈ. ઉંચી ઉડાન ભરવા સ્ત્રીએ ઉંબરો ઓળંગવાનું શરૂ કર્યું. સમયના બદલાતા પડાવે નારીના રૂપને બદલી નાખ્યું. તે હાઉસવાઇફમાંથી હોમમેકર બની ગઇ. પરિવર્તનના આ ગાળામાં નારીની સ્થિતિ તણાવ ભરેલી રહી. સદીઓ પહેલાં લખાયેલો પદ્મપુરાણનો આ શ્લોક આજની નારીએ યથાર્થ કર્યો,

કાર્યેષુ દાસી, કર્મેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા,

ઋપેષુ લક્ષ્મી, કર્મેષુ ધારિત્રી, શત ધર્મ યુક્તા, કુલ ધર્મ પત્ની.

પરિણામે આજની નારીએ તણાવને જાતે આમંત્રણ આપ્યું. તેને સુપર વુમન બનવું છે, પુરુષ સમોવડી બનવું છે. નારીની સફળતાના સિક્કાની બીજી બાજુ તણાવ રહેલો છે. હા, તણાવનો પ્રકાર બદલાયો છે. પરિણામે તેની અંદરની સ્ત્રી સહજ મૃદુતા, કોમળતા, સુંદરતા, મમતા હણાઈ ગઈ છે. જેટલી નારી તેટલી સમસ્યા જોવા મળે છે. આજની નારીનું જીવન એટલે પ્રશ્નોનો ખડકલો. નારી જીવનની શરૂઆત અને અંત સમસ્યા અને સમાધાન વચ્ચે ઝોલા ખાય છે. શિવ-શિવાથી બનેલું અર્ધનારેશ્વરનું રૂપ પામર માનવ બદલવા જાય ત્યારે ઊભા થતાં તણાવની હોળીમાં સમાજનું સર્જન કરનાર નારી હોમાશે ત્યારે સમાજનું ચિત્ર કેવું હશે તેની કલ્પના જ કરવી રહી. કુદરત સામે થનાર અને જનાર નારીની દશાનું ચિત્ર હાડ-માસથી ભરેલા અનેક હાથ વાળું પૂતળું બહારથી લાગશે પરંતુ માત્ર તે તણાવથી ભરેલું હશે. મોંઘવારી અને દેખાદેખીનો દાવાનળ સ્ત્રીને આર્થિક ક્ષેત્રે હરણફાળ ભરતી બનાવી દે છે અને તણાવનો રાક્ષસ કોમળ હરણીની પાછળ પડી જાય છે. ભલા કોણ તેને બચાવશે?

જેમ નારીનું જીવન મેઘધનુષી છે તેમ તેની સમસ્યાઓનું છે. તેનું સમાધાન પણ નારી જ કરી શકે. તેણે પોતે પોતાના વૈદ્ય બનવું પડે. સમાજને નારી પાસેથી કેટલી અપેક્ષાઓ હોય છે? સમાજ ઇચ્છે છે કે તેની મહત્વકાંક્ષા અને કુટુંબ વચ્ચેનું સંતુલન માત્ર સ્ત્રી કરે. રોજિંદા જીવનમાં સુખનું સંતુલન જાળવવા માટે એક નારીએ ક્યાં ક્યાં સંતુલન નથી કરવું પડતું? કુદરતે ગર્ભ ધારણ કરી બાળકને જન્મ આપવા માટે માત્ર નારીને પસંદ કરી છે. આટલી ક્ષમતા ધરાવી સફળ બનેલી મા જીવનમાં પ્રાધાન્ય સંતાનને આપશે કે કારકિર્દીને? કુટુંબ, કારકિર્દી અને સંબંધોનું સંતુલન કરતાં કરતાં તે ભૂલી જાય છે, તેના રોજીંદા જીવનમાં સુખનું સંતુલન જાળવવાનું. અમુક ચોક્કસ ઉંમરે નારીના હોર્મોન્સમાં થતું અસમતુલન તેને વિચલિત કરી દે છે. પરિણામે સરજાતાં તણાવનું ઝેર નારીના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. પરિણામે તે દવાઓનાં રવાડે ચઢી જાય છે. અને જ્યારે એક નારીનું પતન થાય છે ત્યારે તેની સાથે અનેક  જીંદગીઓ જોખમમાં મુકાય છે.

તણાવમુક્તિ માટે સૌ પ્રથમ નારીએ પોતાની જાતને પ્રેમ કરી તેનો સ્વીકાર કરતાં શીખવું પડે. પોતાની લાગણીઓને મેનેજ કરતાં આવડી જાય, પોતાના આતમ સાથે વાત કરતાં આવડી જાય, ખુદ માટે સમય ફાળવતા આવડી જાય એ ખૂબ જરૂરી છે. આ બધાં માટે હકારાત્મક અભિગમ, સારાં પુસ્તકોનો સંગ અને સત્સંગ ખૂબ જરૂરી છે. નારી એ યોગ-ધ્યાન કરીને તેનો અંતરનો અવાજ સાંભળવાની આદત કેળવવી પડશે. તેનો શોખ દવા અને હમદર્દ બનીને તેના અસ્તિત્વને ટકાવવામાં મદદ કરશે. ક્યારેક બીજાને સમય આપીને ક્ષણોને જીવંત કરવાથી તણાવ દૂર ભાગે છે.

નારી તો એવી તાકાત છે કે દાવાનળની વચ્ચે, ઝંઝાવાતની વચ્ચે પણ પોતાની જાતને બચાવે અને બીજાને પણ સાથે ઉગારે. નારી કામધેનુ છે જે અન્યને દૂધ આપી પોષણ કરે છે. એક એવું કલ્પવૃક્ષ છે જે તેના શરણે જનારને છાયો, શીતળતા, સાતા આપે છે, ફળ આપે છે, મીઠી નીંદર આપે છે. નારી એક એવો સ્ત્રોત છે જે યોગ્ય સમય સંજોગો આવે ત્યારે સુષુપ્ત શક્તિ સ્વરૂપે બહાર આવે છે. બદલાતા સંજોગોના પડાવ પર નવા રૂપે ઢાંચામાં ઢળતાં તેને વાર નથી લાગતી. હે નારી, તું તણાવને વરી નથી પણ સમાજને તણાવમાંથી બહાર લાવનાર નારાયણી છું.

સંવેદનાના પડઘા- ૨૧ દાજીના આશીર્વાદ

વિષ્ણુપ્રસાદના હસતા ચહેરા સાથેના અચેતન દેહની આસપાસ તેમના પ્રાણથીએ પ્યારા તાના-રીરી અને સારંગ રોકકળ કરતા બેઠા હતા.વિષ્ણુપ્રસાદના અચાનક નિધનના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. આટલા મોટા કેમિકલ ફેક્ટરીના માલિકના નિધનના સમાચાર જાણતા જ લોકોની ભીડથી ઘર ઊભરાઈ રહ્યું હતું.એટલામાં જ તેમનો દીકરો અમર ખૂબ દુ:ખી ચહેરે ઘરમાં દાખલ થયો અને પિતાના દેહ ના પગમાં પડી રડતાં  રડતાં  માફી માંગવા લાગ્યો.

“પપ્પા મને માફ કરી દો ,હું જીવનમાં ક્યારેય તમને સુખ ન આપી શક્યો.પણ  હું તમને વચન આપું છું કે હવે હું પૂજા,છોકરાઓ અને મમ્મીનું  ધ્યાન રાખીશ.”

પણ આ જોઈને તો પૂજા ચોંકી જ ગઈ. વીણાબહેન અમરને જોતા જ તેની નજીક આવીને લોકોની ચિંતા કર્યા વગર બોલ્યા,

“અમર તું જેવી રીતે આવ્યો છે તેવી રીતે પાછો ચાલ્યો જા,તું ખરેખર ઇચ્છતો હોય કે તારા પિતાના જીવને શાંતિ મળે તો ,એ મરતા પણ તારી ખાંધ ઇચ્છતા નહતા.એમની ખાંધ માટે તેમના દિલના ચાર ટુકડા હાજર છે.મારી પૂજા ,તાના,રીરી અને સારંગ અને હા વાત રહી તેમનું ધ્યાન રાખવાની તો તેની પણ જરુર નથી કારણ કે તારા પિતાએ તેમની અંદર ઠાંસી ઠાંસીને જે આત્મવિશ્વાસનું સિંચન કર્યું છે ને કે હવે તેમને જીવવા માટે બિચારા બાપડા થઈ કોઈનો હાથ પકડવાની જરુર નથી.”

લોકોની નજરથી શરમિંદગી અનુભવતો  અમર ભીની આંખે એક છેલ્લી નજર પિતાના મૃતદેહ પર નાંખી સડસડાટ ત્યાંથી ચાલ્યો ગયો.પૂજા તો જોતીજ રહી ગઈ.કારણકે પાછલા વીસ વર્ષમાં તેણે વિષ્ણુપ્રસાદથી છુપાઈને ક્યારેક ક્યારેક વીણાબહેનને અમર સાથે વાતચીત કરતા સાંભળેલા.અમરને  તાના-રીરી,સારંગ અને પપ્પા અંગે સારા ખોટા સમાચાર વીણાબહેન જ આપતા અને આમ પપ્પાના ગયા પછી તેમની જગ્યા વીણા બહેને લઈ લીધી.

પૂજા વિચારવમળમાં ખોવાઈ ગઈ………

પૂજા સારંગને ત્રણ મહિનાનો લઈને ડીલીવરી પછી પિતાને ત્યાંથી પાછી ફરી હતી.તાના-રીરી તેની ટ્વિંસ  દીકરીઓ ત્યારે સાત  વર્ષની હતી. તેની ગેરહાજરીમાં અમરે તેની  સગી મોટીબહેન આરતી સાથે લફરું કર્યું હતું. પૂજાએ આરતીને પગે પડીને ,રડીને,ગીડગીડાઈને કેટલા વાના કર્યા હતા કે “બહેન તું  અમરને છોડી દે.તારા દીકરાની ,મારા છોકરાઓની અને મારી જિંદગી તું ના બગાડ.”પણ  આરતી એક ની બે  ન થઈ.તે તો કહે “હું કોઈ હિસાબે તેને છોડી શંકુ તેમ નથી.”આરતીએ તેના  પતિ સાથે ઘરમાંથી  ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. તેને એક દીકરો પણ હતો. પરંતુ તે બંનેને ખૂબ ઝઘડા ચાલતા હતા. તેમના ઝઘડા સુલટાવવા અમર વચ્ચે પડતો તેમાં  વળી આરતીનો બંગલો તોડી અમરે ફ્લેટની સ્કીમ કરી. એટલે બે ત્રણ વર્ષ મળવાનું   અને અવરજવર વધી ગઈ.બસ વધારે પડતો સહવાસ અને ઝઘડામાં બતાવેલ સહાનુભૂતિ તેમાં પૂજાનું પ્રેગ્નન્સી દરમ્યાન પિતાને ત્યાં રહેવાનું  થયું તે જાણે અગ્નિમાં ઘી હોમાયું …..અને ………આરતી અને અમરને પ્રેમ થઈ ગયો.

વિષ્ણુપ્રસાદને ખબર પડતાં જ તેમણે અમરને એક દિવસ કહી દીધું કે”આવા ધંધા કરવા હોય તો નીકળ મારા ઘરની બહાર”અને બેશરમ અમર ત્રણ નાના છોકરાં અને પૂજાને રડતી છોડીને બેગ ભરી ચાલ્યો ગયો. પૂજાના આંસુ આંખમાં જ થીજી ગયા.

ખબર પડતાં જ પૂજાના પપ્પા-મમ્મી દોડતા આવ્યા .પૂજાને અને તેના ત્રણે છોકરાંઓને લેવા પણ વિષ્ણુપ્રસાદે કહી  દીધું.

“ પૂજા તો જે દિવસે તમે વળાવી ત્યારથી તમારી મટી મારી દીકરી થઈ ગઈ છે.અને આ મારા તાના-રીરીઅને સારંગ તો મારા હ્રદયના ટુકડા છે.મારી હાજરીમાં તે મારાથી અળગા થઈ પોતાનું ઘર છોડી મામા-મામી સાથે ઓશીયાળા થઈ જીવશે એમ? હજુ વિષ્ણુપ્રસાદ વાઘ જેવો બેઠો  છે.તેમની આંસુથી ભીંજાએલ તગતગતી લાલ આંખો જોઈ  દાદાનું દુ:ખ જાણે સમજી ન ગયા હોય તેમ તાના-રીરી તેમને વળગીને રડવા લાગ્યા. આમેય દીકરીઓ જલ્દી સમજણી થઈ જતી હોય છે નહીં???પૂજા પણ સારંગને  દાદાના હાથમાં આપી  ડેડીજીને ભેટી પડી. પૂજાએ આંખના ઈશારાથી પોતાના પિતાને  પાછા જવાનું સૂચન કર્યું અને કાયમ માટે ડેડીજી સાથે રહેવાનું વિશ્વાસ સાથેનું વચન પણ તેમની આંખોમાં એક પ્રેમભરી નજર નાંખી આપી દીધું. વીણાબહેને પણ પતિ અને પૂજાની વાત “આપણે સૌ સાથે  રહી જગ જીતી લઈશું “ કરી ખુશીથી વધાવી લીધી. પૂજાના માતા-પિતા પણ વિષ્ણુપ્રસાદ અને વીણાબહેનની વાત સાંભળી મનોમન સંતોષ સાથે તેમનેા આભાર માનતા ચાલ્યા ગયા.

બીજા જ દિવસથી વિષ્ણુપ્રસાદ પૂજાને રોજ પોતાની સાથે ઓફીસ અને ફેક્ટરી લઈ જવા માંડ્યા.શરુઆતમાં છોકરાઓ નાના હતા ત્યારે પાર્ટ  ટાઈમ અને ત્રણે બાળકો ફૂલ ટાઈમ સ્કૂલે જતા થયા પછી તેા પૂજા  નવથી પાંચ ઓફીસ જતી. કાબેલ પૂજાએ તો થોડા સમયમાં જ ધંધાની નાડ પારખી  વિષ્ણુપ્રસાદનો ઘણો ખરો ભાર ઉઠાવી લીધો હતો.તાના-રીરીના અને સારંગના ભણવાનાં અને  નૃત્ય અને  ટેનિસના કલાસ,જમાડવામાં બધામાં વીણાબહેન ઊંડો રસ લઈ ધ્યાન રાખતા. દાદા આવી જાય એટલે ત્રણે છોકરાઓ દાદાને વીંટળાઈ વળતા .તેમને જોઈને દાદાની ઉંમર અડધી ઓછી થઈ જતી.

સમયને વહેતા કયાં વાર લાગે છે. હવે તાના અને રીરી કોલેજમાં આવી ગયા હતા .એક મેડિસિનમાં અને બીજી કોમ્પયુટર એન્જિનયરીંગમાં. બંને દાદાજી આવે એટલે તેની આસપાસ આવી જ  જાય. ડોકટર તાના દાદુનું પ્રેશર માપે અને રીરી દાજી માટે મસાલા+આદુ+ઈલાયચીની ચા પીવડાવતાં દાજીના ઈમેઈલ વાંચી તેના જવાબ લખી આપે. સાથેસાથે બંનેના વહેંચેલ પગમાં અને માથામાં ચંપી તો ખરી જ. એકના દાદુ અને બીજીના દાજી.

અને આજે ઓફીસેથી પાંચ વાગે ઘેર આવી જતા વિષ્ણુપ્રસાદ સાત વાગ્યા તોય આવ્યા નહી.રીરીએ બનાવેલ ચા તો ક્યારનીએ ઠંડી થઈ ગઈ હતી.રીરીને ધરપત ન રહેતાં તેણે તો બે ત્રણ ફોન પણ કરી દીધા પણ દાદા ફોન જ ન ઉઠાવે. આવું તો ક્યારેય ન બને! રીરીનો ફોન દાજી ન ઉઠાવે ? પણ દાજી હોય તો ફોન ઊઠાવેને! ઓફીસનાં કોઈ મહેમાનને લેવા પૂજા એરપોર્ટ  જવા ઓફીસથી વહેલી જુદી ગાડી લઈને નીકળી હતી.અને પાંચ વાગે વિષ્ણુપ્રસાદને  મેસિવ એટેક આવ્યો અને ત્યાં જ પ્રભુને શરણ થઈ ગયા.ઓફીસનાં માણસો તેમનાં મૃતદેહને લઈને આવ્યા ત્યારે ત્રણે બાળકોને પૂજા બધા આજે અનાથ થઈ ગયા હોય તેમ દાદુના  મૃતશરીરને વળગીને રડી રહ્યા હતા.પણ દાદુતો મરતા મરતાંએ હસતા ચહેરે બધાંને અઢળક આશીર્વાદ આપી રહ્યા હતાં

વાત્સલ્યની વેલી ૧૯) અંધકાર અને આશાનું કિરણ !

અંધકાર અને આશાનું કિરણ !
આપણે ત્યાં ઋગ્વેદમાં લખ્યું છે : સત્ય એક છે, સમજુ જન એને જુદી જુદી રીતે પામવા પ્રયત્ન કરે છે! એક્મ સત્ય ,વિપ્રા: બહુધા વદન્તિ !
બીજાં બધાં મા બાપની જેમ અમે પણ અમારાં સંતાનોને સારી રીતે, પેલાં સત્યના -સાચા માર્ગે ઉછેરવાં ઇચ્છતાં હતાં – પણ પ્રશ્ન એ હતો કે સાચું શું – એ અમારે અમારી સમજણ પ્રમાણે અને સંજોગો પ્રમાણે નક્કી કરવાનું હતું ! શિકાગોના ઉત્તર પશ્ચિમ નેબરહૂડમાં જ્યાં મીક્ષ કમ્યુનિટી હતી ત્યાં , અમે અમારાં ઘર નજીકની પ્રાઇવેટ , કેથલિક સ્કૂલમાં અમારાં સંતાનોને દાખલ કર્યાં હતાં. એમાં શરત હતી કે એ ધાર્મિક સ્કૂલમાં જવા માટે અમારે દર રવિવારે ચર્ચમાં જવું અને થોડી ભેટ મુકવી !
એકાદ બે વર્ષ ચર્ચમાં નિયમિત ગયાં બાદ ( અને સન્ડે સ્કૂલ ટીચર તરીકે બાળકોને ધર્મના ગીતો – ગાસ્પલ – શીખવાડ્યા બાદ) એ સંસ્કૃતિ અને સમાજમાં દૂધમાં સાંકરની જેમ ભળી ગયાં બાદ,ચાર એક વર્ષ અમેરિકન કુટુમ્બનાં બાળકોને પ્રેમથી બેબીસિટીંગમાં ઉછેર્યાં બાદ અને ગ્રીનકાર્ડ મળતાં ચાર અઠવાડિયાની માતૃભૂમિની મુલાકાત બાદ, અમને સમજાયું કે એ રસ્તે ભયસ્થાન વધારે છે!
ક્યાં ભયસ્થાનો અને શા માટે – વગેરે પ્રસંગો વિષે પેટ છૂટી વાત આગળના પ્રકરણોમાં , સ્કૂલ શરૂ કર્યાં બાદના વિદ્યાર્થીઓ સાથેના અનુભવ વેળાએ કરીશું !
અમારાં બાળકો જયારે બાલ મંદિરમાં આવ્યાં ત્યારથી મેં એમને અને અન્ય ગુજરાતી બાળકોને ગરબા રાસ શીખવાડવાનું શરું કરેલું. ગુજરાતી સમાજ કે લોકલ ટી વી ઉપર પણ બાળકોને લઇ જતાં. ત્યારે એક ડાન્સ પ્રેક્ટિસ દરમ્યાન એક મમ્મીએ મને જણાવ્યું કે દર રવિવારે ચર્ચમાં જવું ફરજીયાત નથી ! જે પૈસા દર અઠવાડિયે ચર્ચમાં આપીએ તે એક સામટા ભરી દેવાનાં! ચર્ચને તો પૈસા સાથે કામ છે ; આપણું ત્યાં જવું અને ધર્મનું શિક્ષણ મેળવવું જરૂરી નથી ! બસ ! પછી તો અમે પણ એવું જ કર્યું ! અને હવે દર રવિવારે સવારે પૂજ્ય પાંડુરંગ દાદા પ્રેરિત સ્વાધ્યાયમાં જવાનું શરું કરેલું!
દેશમાં બધાંનાં આશીર્વાદ લઈને અમે અમારાં જીવનનું નવું પ્રકરણ શરુંકરવા અધીરાં હતાં! મારાં છેલ્લાં ક્લાસીસ સ્કૂલ એડ્મિનિસ્ટ્રેશનના( જે પેલી શિકાગોની સાઉથ સાઈડની કોલેજમાં હતા , અને જ્યાં જતાં અમને ભયંકર ડર લાગતો હતો ; એની પરીક્ષા ઘર નજીકની લાયબ્રેરીમાં આપવાની હોય તે ) પાસ કરી ફેબ્રુઆરી મહિનાની સખ્ત ઠંડીને અવગણી એક શુભ દિવસે અમે શિકાગો ડાઉનટાઉન ,સીટી હોલમાં ગયાં!
ત્યાંથી એક બિઝનેસ લાયસન્સનું ફોર્મ જે માત્ર એક જ પાનાનું હતું તે ભર્યું અને કાઉન્ટર ઉપરની બેનને આપ્યું .
“ તમારે આ ફોર્મ ભરવાનું નથી; ‘ એ બેને મને કહ્યું ; “ તમે તો સ્કૂલ શરૂ કરવા માંગો છોને ? સ્કૂલ, હોસ્પિટલ અને નર્સીંગહોમ માટેનું આ ફોર્મ ભરવાનું છે!” એણે મને મોટું પેકેજ આપ્યું!
મેં ફોર્મ જોતાં જ મારાં હાંજા ગગડી ગયાં!
હજુ હું ત્યાં કાઉન્ટર ઉપર જ ઉભી હતી. પેલી બેને મને મારું જૂનું ફોર્મ પાછું આપતાં કહ્યું ; “આ ફોર્મ તો જેને બ્યુટી પાર્લર કે હેર કટિંગ સલૂન કે છાપાં – મેગેઝીનનો સ્ટોર શરૂકરવો હોય તેમને માટે છે!”
કદાચ હું વધારે નર્વસ થઇ ગઈ હોઈશ , એટલે એ કાઉન્ટર પાછળથી બહાર આવી અને મને સમજાવવા લાગી ; “સૌથી પહેલાં તમારે એ મકાનમાં સુધારા વધારા કરવા માટે બિલ્ડીંગ પરમીટ લેવી પડશે ; પણ એ પહેલાં કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટને હાયર કરી તેની પાસે બિલ્ડિગનાં ડ્રોઈંગ કરાવવા પડશે. ત્યાર બાદ બિલ્ડિંગની અંદર પાણી માટે પ્લમ્બર , લાઈટ માટે ઇલેકટ્રીશ્યન અને બાળકોને સ્વચ્છ હવા શિયાળા અને ઉનાળામાં નક્કી કરેલી ગુણવત્તા પ્રમાણે મળી રહે તે માટે વેન્ટિલેશન , અને બાળકોની સલામતી માટે ફાયર માર્શલ અને હેલ્થ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ , બાળકોના સમતોલ આહાર વગેરે માટે ફૂડ અને સેનીટેશન અને સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવા આખરે સ્ટેટનું લાયસન્સ લેવું પડશે!”
મારી મનની સ્થિતિ કેવી હશે તે પ્રિય વાચક ,તમે કલ્પી શકો છો ! કોઈ નિરાંતે ઊંઘતાને તમાચો મારો અને એ ગભરાઈ જાય તેમ હું બેબાકળી બની ગઈ ! મગજ બહેર મારી ગયું અને ધુમમ થઇ ગયું ! જાણેકે મારું હ્ર્દય એક ધડકારો ચૂક્યું ! મને અંધારાં આવતાં હોય તેમ લાગ્યું ! અને પછી વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવતાં મારાં ડૂબતાં એક માત્ર સ્વપ્નને વિચારે આંખમાંથી ધસી આવવા મથતાં આંસુને મેં ખુબ પરાણે રોક્યાં. ગળે ડૂમો ભરાઈ ગયો અને હું કાંઈ જ બોલી શકી નહીં ! પેલી બહેનને પણ કદાચ મારી દયા આવી ! આમ તો શિકાગોના સીટી હોલમાં રોજ સેંકડો લોકો લાયસન્સ લેવાં આવતાં હશે ; પણ મારાં જેવો પ્રતિસાદ કદાચ કોઈએ આપ્યો નહીં હોય! લાયસન્સની ના પાડે અથવા બીજું કાંઈ અણધાર્યું સૂચન આવે એટલે શું રડવાનું ? આજે આ લખતાં વિચિત્ર લાગે છે અને સંકોચ પણ થાય છે પણ ૧૯૮૯ના ફેબ્રુઆરી મહિનામાં એવું ( કદાચ વધારે વિચિત્ર) બનેલું !
“ મે’મ ! તમે કોઈ સંસ્થા કે કંપની તરફથી આ ડે કેર સેન્ટર શરૂ કરી રહ્યાં છો?” એણે સહાનુભૂતિથી પૂછ્યું ; “ કારણકે એ ઝોનમાં સ્કૂલની પરવાનગી વિષે પણ તમારે જાણવું પડશે!”
મને ખબર હતી કે એક વાર આંસુની ધાર શરૂ થયા પછી રોકવી કઠિન હશે; એટલે કાંઈ પણ બોલ્યા વિના ફોર્મનો થોકડો લઇ મેઁ એલીવેટર તરફ દોટ કાઢી ! અને લિફ્ટમાં અંદર પ્રવેશતાં જ આંસુએ હદ વટાવી ! આમ તો સીટી હોલમાં માણસોની અવર જવર સતત ચાલુ જ હોય, પણ બનતા સુધી ત્યારે લિફ્ટમાં બીજું કોઈ હતું નહીં ( અથવા તો મારો અહમ કદાચ મને એવું જ યાદ અપાવે છે!) સહેજ સ્વસ્થ થઇ હું બહાર આવી. બિલ્ડિંગની બહાર ગાડીમાં કોઈ શુભ સમાચારની પ્રતિક્ષા કરી રહેલ સુભાષને કાંઈક ઉંધુ વેતરાયું છે એવો ખ્યાલ તો દૂરથી મારું મોં જોતાં જ આવી ગયો ! ગાડીમાં બેસીને મેઁ બધી વાત સુભાષને કરી.
“ હં! ઘણું કામ કરવું પડશે!” એણે વિચારીને કહ્યું; “ આપણે ત્યાંય દેશમાં સ્કૂલ માટે બિલ્ડીંગનાં લાયસન્સ લેવાં પડતાં હશે, જો કે, સામાન્ય રીતે ત્યાં તો બધું ચલાવી લે ; પણ આ દેશની વાત જુદી ! “
અને જો કદાચ ડે કેર પ્રિસ્કૂલ માટે બિલ્ડીંગ પાસ ના થાય તો? કદાચ ઝોનિંગમાં વાંધો નીકળે તો? આમ તો અમારાં પેલાં ઘરથી અમે પૂરો એક બ્લોક પણ દૂર ગયાં નહોતાં . માત્ર એ હાઉસ ઓસ્ટીન સ્ટ્રીટની પશ્ચિમ બાજુએ પહેલી ગલીમાં હતું ; જયારે આ બિલ્ડીંગ ઓસ્ટીન સ્ટ્રીટની પૂર્વમાં મુખ્ય રસ્તા ગ્રાન્ડ એવન્યુ પર હતું. જો કે ઓસ્ટીન રોડની પૂર્વમાં નેબરહૂડ બદલાઈ જતું હતું..
અચાનક ઘરમાં ઉત્સાહ અને ઉમંગ ને સ્થાને ચિંતાનું વાદળું છવાઈ ગયું !
સામાન્ય સંજોગોમાં અમે અમારાં ચિંતા કે દુઃખ અમારાં સંતાનોથી છુપાવતાં; આપણી સંસ્કૃતિમાં એક સંપ્રદાય (પુષ્ટિ સંપ્રદાય) એવો છે જે ભગવાનને પણ બાળકના સ્વરૂપે ભજે! બાળક સ્વરૂપની સેવા થાય , એની પાસે આપણાં દુઃખ ના રડાય!!
પણ આ આઘાત ઘણો મોટો હતો એ કારણથી કે પછી અહીંની સંસ્કૃતિ જે બાળકને નાની નાની જરૂરી કે બિનજરૂરી બધી વાતો કરીને એનાં કુમળા માનસને નાનપણથી જ પક્વ બનાવી દે છે એમ બે સંસ્કૃતિમાં ઉછરી રહેલાં અમારાં પ્રાથમિક સ્કૂલમાં – બીજા અને ચોથા ધોરણમાં ભણતાં અમારાં સંતાનોને મેઁ સવારે જે બનેલું તે જણાવ્યું ! અને સ્વભાવગત ચિંતા પણ કરી.
ને અમારાં આશ્ચર્ય સાથે અમારાં બાળકોએ સ્વાધ્યાય બાલ સંસ્કાર કેન્દ્રમાં પોતે જે શીખેલાં તે વિચાર અમને સમજાવ્યા : નિરાશ થઈશ નહીં! કામ કરવાની શક્તિ તારામાં છે.. ભગવાન જે કરે છે તે સારા માટે !!!
વાત્સલ્યની અમારી વેલડી શું અમને જ એમની શિતળ છાંયમાં આસરો આપતી હતી? બંને બાળકો અંદરોઅંદર જે રીતે ચર્ચા કરતાં હતાં તે દ્રશ્ય અકલ્પ્ય મધુર હતું! આટલાં અગાધ દુઃખ, હતાશા અને ચિંતા વચ્ચે પણ અમે ઘડીભર ખડખડાટ હસી પડ્યાં! વાતાવરણ સહેજ હળવું થયું એટલે કાંઈક વિચારવાની શક્તિ પણ પછી આવી!
હવે સ્થિર મને કાંઈક ઉપાય શોધવા અમે કટિબદ્ધ થયાં !