વાત્સલ્યની વેલી ૨૧) તોફાની બાળક (હાઇપર એક્ટિવ) ડેની!

તોફાની બાળક (હાઇપર એક્ટિવ) ડેની!
કોઈ શાણા માણસે કહ્યું છે કે નિષ્ફ્ળતાને ક્યારેય દિલમાં ના રાખો ; અને સફળતાને ક્યારેય મનમાં ઘર ના કરવાદો!
સાચ્ચે જ ; જયારે અમે એક પછી એક નિષ્ફ્ળતાથી હતાશ થઇ દિલથી હારવાની તૈયારીમાં હતાં ત્યાં જ સૌથી મોટા અધિકારીની એક સહીથી અમને સીટીનું સ્કૂલનું લાયસન્સ મળી ગયું !!
શું થઇ રહ્યું છે એ હજુ સમજીએ તે પહેલાં , એ જ દિવસે ,કોઈ એક બાળકને એની જૂની સ્કૂલમાં પ્રોબ્લેમ થયો હશે એટલે એની મમ્મીએ હેલ્પ લાઈનમાં ફોન કર્યો અને એ લોકોએ અમારાં ડે કેર સેન્ટરનું નામ અને અન્ય માહિતી આપ્યાં એટલે એ લોકો અમારી સ્કૂલમાં આવ્યાં !! ને સોમવારથી એ બાળકનું અમારી સ્કૂલમાં આવવાનું નક્કી થઇ ગયું!
હવે આટલી મોટી સફળતા મળી હતી એ વિષે હજુ કાંઈ વિચારીએ તે પહેલાં અને આટલા મહિનાઓની દોડાદોડી અને ચિંતા વગેરેનો થાક ઉતારીએ તે પહેલાં, અરે હજુ તો આ સ્કૂલનું લાયસન્સ મળ્યું એ સમાચારને પચાવીએ તે પહેલાં જ અમારી સ્કૂલ તો શરૂ થઇ ગઈ ! નવા બાળમંદિરનું ઉદઘાટન શનિ રવિ રાખીને અમે આજુબાજુમાંથી થોડાં કુટુંબોને અને અમારાં જુના- અમારે ત્યાં ભૂતકાળમાં બાળકોને મોકલતાં હતાં -એ સૌ કુટુંબોને અમે બીજા દિવસે સ્કૂલના Open House ઓપન હાઉસમાં નિમંત્ર્યાં.
બે ચાર બાળકો સાથે સોમવારથી અમારી પ્રિસ્કૂલ શરૂ થઇ ગઈ!! અમારાં જીવનનું નવું ચેપટર શરૂ થયું ! અમારી પોતાની સ્કૂલ હોય -અમારું પોતાનું ડે કેર સેન્ટર હોય -એ અમારું સપનું હતું અને આખરે એ સાકાર થઇ રહ્યું હતું!
એ દિવસો વિષે ઘણું લખી શકાય …પણ આ કોલમનું ધ્યેય બાળકો અને બાળકોને લગતાં ,બાળઉછેરનાં પ્રશ્નો અને પ્રસંગો ઉપર કેન્દ્રિત કરીએ છીએ તેથી અમારા ડે કેરના પ્રથમ સ્ટુડન્ટ ડેનીની વાત પર જ આવું.
ડેની આમ અચાનક જ સ્કૂલ બદલીને અમારે ત્યાં અમસ્તો જ નહોતો આવ્યો . શુક્રવારે જૂની પ્રિસ્કૂલમાં એણે એક એની જ ઉંમરના છોકરાને કાંઈક વધારે પ્રમાણમાં શારીરિક ઇજા પહોંચાડી હતી એટલે ડિરેક્ટરે એની મમ્મીને સ્કૂલમાં બોલાવીને ડેનીને કાયમ માટે રજા આપી દીધી હતી!
પહેલે જ દિવસે મારી અનુભવી આંખોએ જોયું હતું કે ડેની એક પડકાર રૂપ સ્ટુડન્ટ હતો . એ પ્રકારનાં બાળકો વિષે મેં અભ્યાસ પણ કર્યો હતો, જો કે ત્યાં સુધી મેં એવાં બાળકને અમારાં ઘેર બેબીસિટીંગમાં રાખ્યાં નહોતાં . પ્રત્યેક માતા પિતા પોતાના સંતાનને એક નોર્મલ જીવન મળે , એ બીજાં બાળકોની જેમ સૌ સાથે હળીમળીને રમે એવું ઇચ્છતાં હોય છે. પણ કોઈ બાળક જરા શરમાળ હોય તો કોઈ વાચાળ ! કોઈ શાંત હોય તો કોઈ તોફાની ! પણ એમ છતાંયે આ બાળકો સહજ સ્વાભાવિક રીતે નોર્મલ જ ગણાય . તે સિવાય કેટલાંક બાળકોમાં જન્મ જાત કોઈ માનસિક અસમતુલન હોય; પણ
કેટલાંક બાળકો જન્મથી નહીં પણ જે વાતાવરણ કે જે સંજોગોમાં તેમનો ઉછેર થાય તેને લીધે હાઇપર એક્ટિવ થઇ જતાં હોય છે! (ADHD ) એટેનશન ડેફિસિઅન્સી અને હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર ! એ બાળકો પોતાની દુનિયામાં જ મસ્ત હોય! ના કોઈ નિયમને અનુસરે ના કોઈ સૂચન ઉપર ધ્યાન આપે ! જો કે કોઈ પણ મા બાપ પોતાના સંતાનની આવી મુશ્કેલી વિષે ક્યારેય પહેલી મુલાકાતમાં તો એ વાત ના જ કરે એ સ્વાભાવિક છે. બાળકને મંદ બુદ્ધિનું કે વલોપતીયો કે તોફાની -હાઇપર સ્વભાવનું છે એવું લેબલ લગાડવું કયાં મા બાપને ગમે ? ડેનીનું વર્તન એવું જ હતું! જે મનમાં આવે તે કરે! આગળ પાછળનો વિચાર ના કરે! દા ત . પહેલે જ દિવસે એ મંકી બાર ઉપરથી ભુસ્કો મારવા જતો હતો ને મેં એને પડતાં રોક્યો ! એટલે કે આવાં બાળકો અવિચારી કામ કરતાં અચકાય નહીં! ખુબ સાંભળવું પડે !સોમવારે સાંજે ડેનીની મમ્મીએ પેટ છૂટી વાત કરી ! એણે બધો દોષનો ટોપલો એના એક્સ હસબન્ડ પર ઢોળ્યો હતો . ઘરમાં ઝગડાં કંકાસથી પણ બાળકોના મન પર માઠી અસર થતી હોય છે. જો કે, અમારાં સેન્ટરમાં હજુ બે ચાર બાળકો જ આવતાં હતાં અને મારી સાથે એક મદદનીશ ટીચર બગુસ્લાવા હતી જે ધીરજથી કામ કરે એવી હોવાથી એ ડેનીને સાંભળતી.
ડેની અમારાં ડે કેરમાં પૂરાં બે વર્ષ રહેલો અને ખુબ તોફાની અને કદાચ અળવીતરો કહીએ તો પણ એણે ક્યારેય એવું પરાક્રમ કર્યાનું યાદ નથી જેવું એની મમ્મી અને નાનીએ અમને કહ્યું હતું! એટલું જ નહીં એવો કોઈ અકસ્માત પણ થયો નહોતો . હા,આવાં હાયપર એક્ટિવ બાળકોમાં ધીરજનો અભાવ હોય એ સ્વાભાવિક છે. પણ મારો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે એ બાળકોને પણ જો એમના રસની પ્રવૃત્તિમાં જકડી રાખીએ તો એટલો સમય એ બીજાં હોંશિયાર બાળકોની જેમ સમાર્ટનેસ બતાવે છે. મેં જોયું કે ડેનીને મ્યુઝિકમાં રસ પડતો , અને બાળગીતો સાથે ડાન્સ પણ કરે! ઘરે રહીને બેબીસિટીંગ કરતી ત્યારે મ્યુઝિકની ઘણી પ્રવૃત્તિઓ મેં ભેગી કરી હતી .ધીમે ધીમે અમારાં ડેકેરના સમય પત્રકમાં મ્યુઝિક કે જે બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે તેનું સ્થાન મહત્વનું થઇ ગયું.
સીટીનું લાયસન્સ આવ્યું એટલે હવે સ્ટેટ ડિપાર્ટમેન્ટનું DCFS નું ઇન્સ્પેક્શન શરૂ થયું. ડી સી એફ એસ નું કામ બિલ્ડીંગ કેવું છે એ જોવાનું નહોતું ; હું સ્કૂલમાં બાળકોને શું શીખવાડું છું ,કેમ અને શા માટે શીખવાડું છું એ જોવાનું હતું. જે વિષે હું આટલું ભણી હતી તે ડે કેર માટેના હેતુ ,ઉદ્દેશ અને એનીપાછળની મારી ફિલોસોફી વગેરે જોવાનો અને તપાસવાનો અને સતત ગુણવત્તા જળવાઈ રહે તેની દેખરેખનું કામ ડી સી એફ એસનું હતું.
ડે કેરમાં ત્રણ ચાર વર્ષના બીજાં ચારએક બાળકો હતાં જેમાંથી બે બાળકો મારે ત્યાં અમે જયારે હાઉસમાં રહેતાં હતાં ત્યારે ત્યાં પણ આવતાં હતાં. . એટલું જ નહીં પણ ક્યારેક ડે કેરમાં રમવા (ડે કેર સેન્ટર આખું સેટ અપ થઇ ગયેલું) પણ આવતાં હતાં . સ્વાભાવિક રીતે જ આ ડે કેર એમને મન જાણે કે એમનું પોતાનું જ હોય તેમ લાગતું હતું કારણ કે એમણે અમને મુશ્કેલીના બધાં પગથિયેથી પસાર થતાં જોયેલાં . એ બે ભાઈ બહેન કેરન અને માઈકલે મને એક કાગળ પર લખીને આપેલું કે ડે કેરનું નામ ‘કેરન અને માઇકલનું ડે કેર’ એમ રાખજો ! એટલે કે પુરા આત્મવિશ્વાશથી ઉછરતાં પાંચ છ વર્ષનાં કેરન અને માઈકલને આ હાઇપર એક્ટિવ ડેની પહેલે દિવસથી જ ના ગમ્યો !
પણ આ વાત મેં તમને શા માટે કહી ?
કારણ કે -બેબીસિટીંગ કરતાં આ ક્લાસરૂમના અનુભવો તદ્દન જુદા હતાં ,એની વાત મારે કરવી છે!
હા, બીજે અઠવાડીએ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું ઇન્સ્પેક્શન શરૂ થયું ત્યારે આ બધાં બાળકોએ જે રીતે મારી પરીક્ષા લીધી એ વાત્સલ્યની વેલીના લાડ પ્રેમની વાત ,જે હૂંફથી બાળક ખીલે છે એ વ્હાલપની મધુર વાત ,જાણે કે હજુ ગઈ કાલે જ બન્યું છે એમ રોમાન્ચ અનુભવતી ત્રણ દાયકા પૂર્વેની વાત, આવતે અંકે !

4 thoughts on “વાત્સલ્યની વેલી ૨૧) તોફાની બાળક (હાઇપર એક્ટિવ) ડેની!

 1. શાંત અને ડાહ્યા બાળકને તો બધા હોંશથી સાચવે પણ તોફાની બાળકને સાચવીને તમે તમારી ધીરજ અને કુશળતા તેમજ બાળકો પ્રત્યેના સહજ પ્રેમનો પરિચય કરાવ્યો છે.આગળની વાત જાણવા ઉત્સુક છીએ જેથી અમે પણ અમારા પૌત્ર-પૌત્રીને સાચવવા માટે કંઈ શીખી શકીએ

  Liked by 2 people

 2. ThanksbJigishaben !
  બાળકો જેટલાં સ્વીટ અને ક્યૂટ લાગે છે એટલાં જ ચેલેન્જિંગ પણ હોય છે! આપણે ઓટોમેટિક ગાડીઓ શોધી છે કે જે રોડ ઉપર ડ્રાયવર વિના પણ ચલાવી શકાય ! પણ દુનિયાના કોઈ પણ નોર્મલ ચાર વર્ષના બે બાળકને દશ મિનિટ માટે જાતે જાતે રમવા કહી ના શકાય: એમનું સુપરવિઝન કરવું જ પડે ! કારણકે એ મનુષ્ય છે! મશીન નથી !
  ડે કેરમાં મારી પરીક્ષા તો રોજ થતી ! May be because I didn’t know much about this country ! May be it’s a different society ! એ અંદરની વાતો સાથે બાળકોની સંભાળની વાતો ખરે જ દિલચશ્પ છે..

  Like

 3. ડેની ના પ્રોબલેમ સમજી એને વાત્સલ્ય સાથે સંભાળ રાખવી એ ખરેખર કપરું કામ હતું ગીતાબેન જીવનમાં આવા ઘણા અનુભવ થાય છે જે જીવનભર યાદ રહે છે સુંદર લેખ

  Like

 4. તમારી પાસે બાળકો સાથેનાં અનુભવોનો ખજાનો છે.સરસ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.