૨૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ધરતીનો છેડો ઘર

જીવનની શરૂઆત એટલે બાળપણ અને અંત એટલે ઘડપણ. આ સફરમાં ચાલો, ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કયા બાળકે નહીં કરી હોય? પત્તાનો મહેલ કે દરિયાની ભીની રેતીથી બનાવેલો મહેલ કે પછી તું મમ્મી અને હું પપ્પા કહીને સંબંધોનો માળો ગૂંથીને ઘર બનાવ્યા વગરનું બાળપણ હોઈ જ ના શકે. યુવાનીમાં ઘર માટેનાં સપના અને ઘડપણમાં ઘરની વ્યાખ્યા, જીવનના અંતિમ પડાવ પર દેહરૂપી ઘર છોડીને, નામ-સરનામું બદલીને ચાલ્યા જવાનું. આમ જીવનયાત્રા ઘર સાથે સંકળાયેલી છે.

એક બહેને મને પૂછ્યું, તમારું ઘર મોટું છે? મારું તો નાનું છે.” જવાબ આપતાં પહેલાં વિચાર આવ્યો, શું ઘર મોટું કે નાનું હોઈ શકે? ગટરનાં પાઇપ કે ઝૂંપડાને ઘર બનાવીને રહેનારા લોકો પણ છે. શ્રીમંત વિસ્તારમાં મોટું કે ઈંટિરીયર ડેકોરેશન, ભૌતિક સાધનો અને આધુનિક સુવિધાથી સજ્જ ઘરને તો મકાન કહેવાય. જ્યાં પરિવારમાં પ્રેમ અને ઉષ્મા હોય, એકબીજા માટે ત્યાગ અને બલિદાનની, એકબીજાની લાગણીઓને સમજવાની ભાવના દરેકના દિલમાં રહેતી હોય, જ્યાં સૌ પોતાના માટે નહીં, એકબીજા માટે જીવતા હોય તેને ઘર કહેવાય. જ્યાં બાળકો કિલ્લોલ કરતાં હોય, વડીલોનું માનસન્માન સચવાતું હોય, અતિથિઓનો આદર-સત્કાર થતો હોય, ચહલ-પહલ હોય, અવનવા ઉત્સવોની ઉજવણી થતી હોય તે ઘર સ્વર્ગ સમાન છે.

સાંજ પડે પક્ષીઓ પણ તેમના માળામાં પાછા ફરે છે. દુનિયામાં ક્યાંય પણ જાઓ, જે આવાસ તમને આકર્ષતું હોય, કામ પતે અને ઘરે પાછા ફરો ત્યારે મન હાશકારો અનુભવે ત્યારે લાગે કે ધરતીનો છેડો ઘર છે. હા, ભમતા જોગીઓ માટે ઉપર આકાશ અને નીચે ધરતી એ જ એમનું ઘર હોય છે. બાકી માનવ માટે હરી-ફરીને છેલ્લો વિસામો એટલે ઘર.

માણસ એકલો આવે છે અને એકલો જાય છે પરંતુ ખુદના ખીલવા અને ખરવાની વચ્ચે તેને મહેકવું હોય છે. તેના માટે તેને કોઈ જગ્યા જોઈએ છે જ્યાં તે ખીલીને પાંગરી શકે અને એ છે તેનું ઘર. પ્રેમ અને લાગણીઓ ભેળવીને ગૃહસ્થ અને ગૃહસ્થીના સંયોજનથી ઇંટ, રેતી, સિમેન્ટનાં મિશ્રણથી જે માળખું ઉભું થાય એ ઘર છે. એવા ઘરની દિવાલો મજબૂત હોય છે. જ્યાં દિવાલો મજબૂત હોય અને કુટુંબ ભાવનાથી રંગાયેલી હોય ત્યાં બહારનાં ઝંઝાવાતો વચ્ચે પણ ઘરનાં સભ્યો સુરક્ષીતતા અનુભવે છે. પોતાનું ગાદલું, ઓશીકુ, ઓઢવાનું હોય, આસપાસ પોતીકાપણાની સુવાસ હોય, જ્યાં સૂકો રોટલો કે ખીચડી ખાઈને પણ ઓડકાર આવે, એ ઘર જીવંત હોય છે જે તમને તમે દુનિયાના ગમે તે છેડે હો, તે આવકારો અને હાકારો આપવા સદાય તૈયાર હોય છે. આપણું ઘર એટલે જીવનમાં સેવેલા સપનાઓનું મેટરનીટી હોમ. જે આપણી પળેપળનું સાક્ષી હોય છે. જ્યાં બોલાયેલાં શબ્દોનાં પડઘા સંભળાતા હોય છે. જ્યાં વિતેલાં વર્ષો, પુરાણી યાદોનો ખડકલો અને વૈભવ ભરેલો ઇતિહાસ હોય, જ્યાં જીવનનાં અગત્યનાં નિર્ણયો લેવાયાં હોય, જ્યાં તમારું બીજ રોપાઈને વૃક્ષ બન્યું હોય ત્યાં તમારા ઉછેર સાથે ભલા કેટકેટલી કડવી-મીઠી યાદો, ગમા-અણગમા, ફરિયાદો અને સ્મૃતિઓ સચવાયેલી હોય છે! વળી હરતા, ફરતા, રતા માણસનો ખીલો તો એ ઘર સાથે જ જોડાયેલો હોય છે કારણકે અંતિમ વિસામો પણ ત્યાં જ મળે છે.

અંતિમ સમયે હોસ્પિટલમાં દાખલ કરેલી, મૃત્યુના બીછાને સૂતેલી વ્યક્તિનો જીવ નીકળતો ના હોય ત્યારે એનો જીવ પોતાના ઘરમાં હોય છે અને જેવી વ્યક્તિને ઘેર લઇ જવામાં આવે છે પછી ભલે તે કોમામાં હોય પણ પોતીકુ ઘર તેને હા આપે છે, અને તેનો જીવ નિરાંતે શરીર છોડીને જાય છે.

સાચું પૂછો તો ધરતીનો છેડો એક માત્ર વૃદ્ધ વ્યક્તિ જ બતાવી શકે જે તેના જીવનનો અંતિમ પડાવ હોય છે. પોતાનું ઘર છોડીને ઘરડા ઘરમાં અંતિમ શ્વાસ લેતા વૃદ્ધોની વ્યથાનું તો પૂછવું જ શું? ક્યારેક માતા-પિતાએ વૃદ્ધાવસ્થામાં બે બાળકો વચ્ચે વહેંચાવું પડે છે. શું એ ઘર છે?

એક જાણીતા ગીતના શબ્દો યાદ આવે છે. “સાંવરીયો રે મારો કોઈ પૂછે કે, ઘર તારું કેવડું? મારા વાલમજી, બાથ ભરે એવડું …” જ્યાં પ્રેમ છે ત્યાં બાથમાં સમાએવડું ઘર પણ પૂરતું છે. ઘર માટે વિશાળતાની જરૂર નથી. વિશાળ હૃદય પૂરતું છે પરંતુ કળિયુગની આ કઠિણાઈ છે. લાગણી વિસરાઈ છે, ઔપચારિક્તા રહી ગઈ છે. ઘર મોટાં થયા છે, દિલ નાનાં થયા છે. પ્રશ્ન ઉદ્ભવે છે, રહેવું ક્યાં …? પરંતુ એક વાત નક્કી છે કે ધરતીનો છેડો ઘર. ભલે પછી આજે જીવનના અંતિમ પડાવ પર સફર કરતાં કેટલાંક વૃદ્ધો માટે ધરતીનો છેડો ઘરડાંઘર હોય!!!

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.
This entry was posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક and tagged , , , , , , . Bookmark the permalink.

8 Responses to ૨૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

 1. ઘર એટલે “હાશ”.ઘર એટલે આપણા માટે ધરતી પરનું સ્વર્ગ,આશિયાનો ,જલસો બધું પણ જો એ ઘર તમે કહ્યું તેમ ઘર હોય તો જ ,ક્યાંયથી પણ પાછા આપણે ઘેર આવીએ તો શાંતિ મળે અને હાશકારો અનુભવીએ.

  Liked by 1 person

  • Kalpana Raghu says:

   સાચી વાત છે.આજના જમાનામાં નાસીબવાલાને જ મળે છે.આભાર.

   Like

 2. P. K. Davda says:

  “માણસ એકલો આવે છે અને એકલો જાય છે પરંતુ ખુદના ખીલવા અને ખરવાની વચ્ચે તેને મહેકવું હોય છે. ”
  સરસ વાત.

  Liked by 1 person

 3. જ્યાં પ્રેમ છે ત્યાં બાથમાં સમાય એવડું ઘર પણ પૂરતું છે. ઘર માટે વિશાળતાની જરૂર નથી. વિશાળ હૃદય પૂરતું છે,
  કેટલી સાચી વાત !
  ધરતીનો છેડો ઘર એટલે કહ્યું હશે ને કે એ માત્ર ઈંટ, સિમેંટ, ચૂના કે ગારાનું જ ક્યાં બનેલું છે એ તો લાગણીઓનો માળો છે. પ્રેમ, વાત્સલ્ય, સન્માન, હૂંફની મજબૂતાઈથી બનેલો આપણો પોતાનો આવાસ છે. ત્યાં પહોંચીને મનને શાતા ન મળે તો જ નવાઈ.

  Liked by 1 person

 4. sapana53 says:

  ઘર નાનું કે મોટું ધરતીનો છેડો ઘર એ વાત સાવ સાચી મહેલમાં ગયા પછી પણ આપણા પોતાના ઘરમાં જે નિરાંત થાય તે ક્યાંય ના થાય

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s