વાત્સલ્યની વેલી ૨૦) પીટર પાન અને ટીટોડી!

પીટર પાન અને ટીટોડી!
એ વર્ષોમાં બાળકોનું એક પ્રિય કાલ્પનિક પાત્ર હતું પીટર પાન (Peter Pan )! પીટર પાનને ફરવાનો અને અવનવાં પરાક્રમો કરવાનો બહુ શોખ ! એ કહે ;”Come with me where dreams are born and time is never planned ! “ એ અરસામાં અમારી દશા પીટર પાન જેવી જ હતી !એની જેમ અમે પણ આ દેશમાં આવી કોઈ સાહસિક વૃત્તિથી દોરવાઈને કોઈ મુશ્કેલ સ્વપ્નું સાકાર કરવા અહીંયા તહીંયાં જ્યાં ત્યાં ટીચતાં હતાં! એ સાહસિક છોકરાને માર્ગમાં ચાંચિયાઓ અને મગરમચ્છ મળતાં અને છેવટે ક્યારેક કોઈ પરી કે એવી કોઈ અદ્રશ્ય શક્તિ એની મદદે આવતાં ! એમ અમને શિકાગો બિલ્ડિગ વિભાગના જુદા જુદા ડિપાર્ટમેન્ટના ઈન્સ્પેકટરો રૂપી ચાંચિયાઓ અને મગરમચ્છો હેરાન કરતાં હતાં! જો કે અંદરથી તો અમે સાવ ગભરાઈ ગયાં હતાં! હવે તો કોઈ દૈવી શક્તિની મદદ મળે તો જ આ કોકડું ઉકલે એમ હતું!
ફેબ્રુઆરી મહિનો તો જીવનની આ વાસ્તવિકતા સમજવામાં ગયો ! માર્ચ – એપ્રિલ પણ આર્કિટેક્ટના ડ્રોઈંગ અને પછી બધાં ડિપાર્ટમેન્ટોના વાંધાવચકામાં સરી ગયાં! મે મહિનામાં મધર્સ ડે ના દિવસે અમે બાળકોનું પ્લે ગ્રાઉન્ડ બનાવ્યું , એમાં હીંચકા લપસણી મૂક્યાં: મનમાં થયું, થોડી ઠંડી ઓછી થશે તો આપણાં બાળકો તો ત્યાં રમશે !અને એ સાથે એક નબળો વિચાર પણ આવ્યો કે ડે કેર સેન્ટરને બદલે ગ્રુપ ચાઈલ્ડ કેર -જેના નિયમો થોડા હળવા છે -એ શરૂ કર્યું હોય તો કેવું ?
પણ અંદરનો માંહ્યલો કહેતો હતો હતો: નિશાન ચૂક માફ , માફ ના નીચું નિશાન!
આપણે ત્યાં મહાભારત – રામાયણ ને ભાગવતમાં આવી અનેક કથાઓ છે કે જયારે ચારે તરફ અંધકાર હોય અને દિશા સૂઝતી ના હોય: તેમાં કર્ણ જેવા યોદ્ધાની પણ વાર્તા છે જ્યાં એનાં રથનું પૈડું ખુંપી ગયું હોય ને જે બહાર નીકળી શકે નહીં ! તો અજામિલ જેવો બ્રાહ્મણ શરૂઆતમાં સારો ને પાછળથી ભૂલો કરે છેઅને જે અંત સમયે પુત્ર નારાયણને બોલાવે છે પણ ભગવાન નારાયણ દોડીને આવે છે ને એનો ઉદ્ધાર કરે છે! એવી સારા અંતની વાર્તાઓ પણ છે !
હું આમ પીટર પાનની પરીઓ અને અજામિલના નારાયણની વચ્ચે સારું હેપ્પી એન્ડિગ શોધવા ગોથા ખાતી હતી , ત્યાં એક રવિવારે સ્વાધ્યાયમાં અમે ભગવાન વિષ્ણુ અને ટીટોડી (Red Wattled Lapwing) નામના પંખીના ઈંડાની વાર્તા સાંભળી. ઘેર પાછાં ફરતાં એ વાર્તા મેઁ અમારાં સંતાનોને કહી : નાનકડું અમથું પંખી ટીટોડી! દરિયાએ એનાં ઈંડા લઇ લીધાં ! ટીટોડીએ વિનંતી કરી કે દરિયાભાઈ ! મેઁ કાંઈ ભૂલ કરી હોય તો માફ કરો , પણ મને મારાં ઈંડા પાછાં આપો ! પણ એટલો મોટો , બળવાન દરિયો નાનકડી અમથી તુચ્છ ટીટોડીની વાત શા માટે સાંભળે ?
છેવટે દરિયાના દેવ ભગવાન વિષ્ણુને અરજ કરી, અને ભગવાને એક જ હુકમ કર્યો અને ટીટોડીને એનાં ઇંડાં પાછાં મળ્યાં!
મેઁ આખી વાત પુરા રસથી કહી.
“બસ એવું જ આપણે પણ કરીએ તો? “ સુભાષે ઉત્સાહથી કહ્યું !
શું ?શું ?શું કરવાનું છે આપણે? મેં નિરાશા ખંખેરી ઉત્સાહથી પૂછ્યું ! ઘણાં વખતે કોઈ નવો માર્ગ -નવો વિચાર -નવું આશાનું કિરણ – ક્યાંક દેખાતું હતું!
“આ બધાં ડિપાર્મેન્ટ અને એમનાં ઇન્સ્પેક્સશન અને લાંબા લાંબા કાયદા કાનૂનની કલમો અને એને અનુસરવાનું ને વળી પાછું બીજું કરેક્શન કરાવવાનું ને ફરી રિપોર્ટ કઢાવવાના ..એનાં એવા મોટા મોટા રિપોર્ટથી કાંઈક જુદું , કોઈ નવો જ રસ્તો અપનાવ્યો હોય તો કેવું?”
હં! કાંઈક નવી દિશામાં કાંઈક નવું વિચારવાનું કારણ મળ્યું ! ખુંપી ગયેલા રથના પૈડાંને બહાર કાઢવાનો ઉપાય મળ્યો !
“શું કરી શકીએ આપણે? આપણે આ બધાયે ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેકટરોને મળી મળીને થાકી ગયાં છીએ ! એ લોકોના કડક નિયમોને પહોંચી શકવું પણ મુશ્કેલ છે! પૈસા નથી , તાકાત નથી અને કોઈ સામાજિક સંપર્કો પણ નથી કે જે સસ્તામાં સારું કામ ટૂંક સમયમાં કરાવડાવી શકે !પણ
જો આપણે આ બધાંયે ડિપાર્ટમેન્ટના ઉપરી અધિકારીને મળીયે જે આ બધાં લાયસન્સ ઇન્સ્પેક્શન બધાં ડિપાર્ટમેન્ટનો સાહેબ હોય અને એને આપણી વાત સમજાવીએ તો?”
હા! વાતમાં તથ્ય હતું. અને એમાં કાંઈ જ ગુમાવવાનું નહોતું !
એ બધાંયનાં ઉપરી એટલે શિકાગો બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના સુપ્રિટેન્ડન્ટ !
એમનાં હાથ નીચે બધાં ઝોનિંગથી માંડીનેપ્લમિંગ, વેન્ટિલેશન , હેલ્થ સેનીટેશન , ફાયર , નર્સ , ઇલેક્ટ્રિક બધાંય ડિપાર્ટમેન્ટ કામ કરે!
અમે એમને એક પત્ર લખ્યો અને અજાણતાં કરેલી ભૂલો , બે સંસ્કૃતિ વચ્ચે ગોથાં ખાતાં થયેલ ખોટા તર્ક ,પડતી મુશ્કેલીઓ અને બની શક્યાં એટલાં લીધેલ પગલાં વિષે પણ લખ્યું !
થોડા સમયમાં અમને મુલાકાતનો સમય આપ્યો .
હું એમને મળવા ગઈ – દર વખતની જેમ ,આ પચ્ચીસમી વાર , સુભાષે નીચે ગાડીમાં મારી રાહ જોઈ –
જુલાઈ મહિનાના આખરી દિવસો હતા. સમર વેકેશન પૂરું થાય એટલે હવે કાં તો કોઈ સ્કૂલમાં મારે ટીચરની નોકરી લઇ લેવી અને આ સ્કૂલનો પ્રોજેક્ટ માંડી વાળવો વગેરે જે તે વિચારોમાં અમે અટવાતાં હતાં: કે પછી- એ વિષે હું આગળ કાંઈ જ વિચારી શક્તિ નહોતી ! એ મનઃ સ્થિતિ બહુ યાદ નથી અને અત્યારે એ ઘા અને એ દર્દને ફરી યાદ કરીને ખાટાં ઓડકારો ખાવાનું મન પણ નથી! હા યાદ તો રહી ગઈ છે ત્યાર પછીની અમૂલ્ય ક્ષણોની !

“ હા , ભૂલ તો કરી છે!” મેં એમને કહ્યું .
“ બીજું બધું તો હજુ સમજી શકાય , પણ તમને એ જગ્યાની આસપાસનું દારૂનું પીઠું ,પંદર વીસ ફૂટનું મોટું બીભત્સ પોસ્ટર અને ઉજ્જડ જગ્યા પણ ના દેખાયાં?”
હું મૌન રહી . સાચ્ચે જ , અર્જુનને પંખીની આંખ સિવાય બીજું શું દેખાયું હતું ? અમને એ પડોશના નકારાત્મક કોઈ જ અંશ દેખાયાં નહોતાં !
“ બિલ્ડીંગ કોડ પ્રમાણે પણ ઘણું બધું કરાવવું પડે તેમ છે!” એમણે કહ્યું.
“જો કે એ તમે ધીમે ધીમે કરાવી શકશો – જેને Grand father’s clause બાપ દાદાના સમયથી ચાલી આવતી રીત ગણી શકાય. પણ હા, જયારે ડે કેર વેચવા જશો ત્યારે એ બધું અતઃ થી ઈતિ સુધી કરાવવું પડશે હોં!”
એમણે મને શું કહ્યું તે મને સમજાતું નહોતું .
“ હવે તમે જઈ શકો છો !” એમણે કહ્યું.
મારી પાસે કોઈ કાગળ કે ફોર્મ કે એવું કાંઈ નહોતું. એ ગુસ્સામાં બોલતા હોય તેમ મને લાગ્યું .
હતાશ થઈને હું નીચે ,ગાડીમાં આવી.
શું થયું , શું કરીશું વગેરે વિચારવાનો ઝાઝો સમય નહોતો કારણકે ઘડિયાળમાં અઢી વાગ્યાં હતાં અને અમારાં બાળકોને સ્કૂલમાંથી લેવાનો સમય થઇ ગયો હતો .
બસ ! સાંજે ચારેક વાગે એક મમ્મીનો ફોન આવ્યો: મારો દીકરો ફલાણા ડે કેરમાં જાય છે, પણ એ સ્કૂલમાંથી ઉઠાડીને મારે એને તમારી સ્કૂલમાંદાખલ કરવો છે !
એનો અર્થ એ થયો કે અમને ડે કેર સેન્ટરનું લાયસન્સ મળી ગયું હતું અને અમારી સ્કૂલનો એ પહેલો વિદ્યાર્થી હતો ડૅની!!
થોડી જ વારમાં ડૅનીની મમ્મી અને નાની સાથે ચાર વર્ષનો ડૅની અમારાં ડે કેરમાં રજીસ્ટ્રેશન માટે આવ્યાં ; મેં ઉત્સાહથી એને પૂછ્યું; “ડૅની, Are you Peter Pan?” ડેની દેખાવમાં પીટર પાન જેવો જ હતો ! અમારું સ્વપ્નું સાકાર થઇ રહ્યું હતું!!
વાત્સલ્યની વેલી પર હવે અનેક પીટર પાન પતંગિયા અને પરીઓ ડાન્સ કરવાનાં હતાં એની અમને ખાતરી થઇ ગઈ હતી !

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી. Bookmark the permalink.

7 Responses to વાત્સલ્યની વેલી ૨૦) પીટર પાન અને ટીટોડી!

 1. geetabhatt says:

  તા. ક. થોડા સમય બાદ એ બિલ્ડીંગ સુપ્રિન્ટેન્ડન્ટને મળવા ગઈ તો ખબર પડી કે એ એમનો જોબ પર છેલ્લો દિવસ હતો ; એ તે જ દિવસે રિટાયર્ડ થતા હતા! એમની એ છેલ્લી સહીએ એક અજાણ યંગ કુટુંબનું સપનું સાકાર કર્યું હતું .. એમને મેં ત્યારે જ શત શત વંદન કરેલાં!

  Like

  • જયારે ચારે તરફ અંધકાર હોય અને દિશા સૂઝતી ના હોય ત્યારે રામાયણ મહાભારત અને ભાગવદ ગીતા તો દિવાદાંડી બની જ રહે પણ ટીટોડી જેવો નાનકડો પણ મજબૂત મનોબળ ધરાવતો જીવ પણ પ્રેરણાદાયી બની રહે એ વાત સાચી…..
   અને પીટરપાનની વાત સાથે સાંકળેલા તમારા આયાસોની અને અંતે મળેલી સફળતાની વાતથી સાચે જ આનંદ થયો
   .

   Liked by 1 person

 2. geetabhatt says:

  Thanks Rajulben !ગુરુ દત્તાત્રયએ તો પશુ પઁખીનેય પોતાના ગુરુ કર્યા હતા ! આપણે આમ જોવા જઈએ તો આપણાં પુરાણો અને ધર્મ ગ્રન્થોમાં આવાં રૂપક અને રચનાઓ અસંખ્ય છે . કાળ ક્રમે ઘણું બધું વિસરાતું જાય છે કે બદલાતું જાય છે. ટીટોડીની વાર્તામાં એવું જ કોઈ રૂપક છુપાયેલું હતું! કોઈ સદ્દભાવથી કામ કરતું હોય તો ને સમર્થ વ્યક્તિ જો મદદ કરે તો એ ઘણું સારું કામ કરી શકે ! મને આવાં થોડા ઘણા અનુભવો થયા છે જ્યાં મારા જેવી ટીટોડીને ભગવાને મદદ કરી હોય! Please , continue to read my experiences with parents , children , staff and yes, inspectors who are parents too!

  Like

 3. Kalpana Raghu says:

  ગીતાબેન, તમારા અનુભવો અન્યના જીવનની કેડી કંડારે તેવા હોય છે.KEEP IT UP..!

  Liked by 1 person

  • geetabhatt says:

   Thanks Kalpnaben ! I had a little hard time , may be because I was new to this country and unknown to this society ! But because children speak the language of love, I was good with them because that’s in our culture ! Thanks .

   Like

 4. ગીતાબેન,તમારા સપના સાકાર કરવા તમે જે મુશ્કેલીઓ સામે લડત આપી છે તે ખરેખર ખૂબ પ્રશંસનીય છે. સાચા હ્રદયથી
  કરેલ પ્રારથના અને પ્રયત્ન સાથે કરેલ કાર્યને પ્રભુની મંજૂરી મળતી હોય છે.

  Liked by 1 person

  • geetabhatt says:

   Thanks ! You are right ! Hard work , support and God’s blessings helped me .. But it was not easy in the beginning !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s