સંવેદનાના પડઘા- ૨૧ દાજીના આશીર્વાદ

વિષ્ણુપ્રસાદના હસતા ચહેરા સાથેના અચેતન દેહની આસપાસ તેમના પ્રાણથીએ પ્યારા તાના-રીરી અને સારંગ રોકકળ કરતા બેઠા હતા.વિષ્ણુપ્રસાદના અચાનક નિધનના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. આટલા મોટા કેમિકલ ફેક્ટરીના માલિકના નિધનના સમાચાર જાણતા જ લોકોની ભીડથી ઘર ઊભરાઈ રહ્યું હતું.એટલામાં જ તેમનો દીકરો અમર ખૂબ દુ:ખી ચહેરે ઘરમાં દાખલ થયો અને પિતાના દેહ ના પગમાં પડી રડતાં  રડતાં  માફી માંગવા લાગ્યો.

“પપ્પા મને માફ કરી દો ,હું જીવનમાં ક્યારેય તમને સુખ ન આપી શક્યો.પણ  હું તમને વચન આપું છું કે હવે હું પૂજા,છોકરાઓ અને મમ્મીનું  ધ્યાન રાખીશ.”

પણ આ જોઈને તો પૂજા ચોંકી જ ગઈ. વીણાબહેન અમરને જોતા જ તેની નજીક આવીને લોકોની ચિંતા કર્યા વગર બોલ્યા,

“અમર તું જેવી રીતે આવ્યો છે તેવી રીતે પાછો ચાલ્યો જા,તું ખરેખર ઇચ્છતો હોય કે તારા પિતાના જીવને શાંતિ મળે તો ,એ મરતા પણ તારી ખાંધ ઇચ્છતા નહતા.એમની ખાંધ માટે તેમના દિલના ચાર ટુકડા હાજર છે.મારી પૂજા ,તાના,રીરી અને સારંગ અને હા વાત રહી તેમનું ધ્યાન રાખવાની તો તેની પણ જરુર નથી કારણ કે તારા પિતાએ તેમની અંદર ઠાંસી ઠાંસીને જે આત્મવિશ્વાસનું સિંચન કર્યું છે ને કે હવે તેમને જીવવા માટે બિચારા બાપડા થઈ કોઈનો હાથ પકડવાની જરુર નથી.”

લોકોની નજરથી શરમિંદગી અનુભવતો  અમર ભીની આંખે એક છેલ્લી નજર પિતાના મૃતદેહ પર નાંખી સડસડાટ ત્યાંથી ચાલ્યો ગયો.પૂજા તો જોતીજ રહી ગઈ.કારણકે પાછલા વીસ વર્ષમાં તેણે વિષ્ણુપ્રસાદથી છુપાઈને ક્યારેક ક્યારેક વીણાબહેનને અમર સાથે વાતચીત કરતા સાંભળેલા.અમરને  તાના-રીરી,સારંગ અને પપ્પા અંગે સારા ખોટા સમાચાર વીણાબહેન જ આપતા અને આમ પપ્પાના ગયા પછી તેમની જગ્યા વીણા બહેને લઈ લીધી.

પૂજા વિચારવમળમાં ખોવાઈ ગઈ………

પૂજા સારંગને ત્રણ મહિનાનો લઈને ડીલીવરી પછી પિતાને ત્યાંથી પાછી ફરી હતી.તાના-રીરી તેની ટ્વિંસ  દીકરીઓ ત્યારે સાત  વર્ષની હતી. તેની ગેરહાજરીમાં અમરે તેની  સગી મોટીબહેન આરતી સાથે લફરું કર્યું હતું. પૂજાએ આરતીને પગે પડીને ,રડીને,ગીડગીડાઈને કેટલા વાના કર્યા હતા કે “બહેન તું  અમરને છોડી દે.તારા દીકરાની ,મારા છોકરાઓની અને મારી જિંદગી તું ના બગાડ.”પણ  આરતી એક ની બે  ન થઈ.તે તો કહે “હું કોઈ હિસાબે તેને છોડી શંકુ તેમ નથી.”આરતીએ તેના  પતિ સાથે ઘરમાંથી  ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. તેને એક દીકરો પણ હતો. પરંતુ તે બંનેને ખૂબ ઝઘડા ચાલતા હતા. તેમના ઝઘડા સુલટાવવા અમર વચ્ચે પડતો તેમાં  વળી આરતીનો બંગલો તોડી અમરે ફ્લેટની સ્કીમ કરી. એટલે બે ત્રણ વર્ષ મળવાનું   અને અવરજવર વધી ગઈ.બસ વધારે પડતો સહવાસ અને ઝઘડામાં બતાવેલ સહાનુભૂતિ તેમાં પૂજાનું પ્રેગ્નન્સી દરમ્યાન પિતાને ત્યાં રહેવાનું  થયું તે જાણે અગ્નિમાં ઘી હોમાયું …..અને ………આરતી અને અમરને પ્રેમ થઈ ગયો.

વિષ્ણુપ્રસાદને ખબર પડતાં જ તેમણે અમરને એક દિવસ કહી દીધું કે”આવા ધંધા કરવા હોય તો નીકળ મારા ઘરની બહાર”અને બેશરમ અમર ત્રણ નાના છોકરાં અને પૂજાને રડતી છોડીને બેગ ભરી ચાલ્યો ગયો. પૂજાના આંસુ આંખમાં જ થીજી ગયા.

ખબર પડતાં જ પૂજાના પપ્પા-મમ્મી દોડતા આવ્યા .પૂજાને અને તેના ત્રણે છોકરાંઓને લેવા પણ વિષ્ણુપ્રસાદે કહી  દીધું.

“ પૂજા તો જે દિવસે તમે વળાવી ત્યારથી તમારી મટી મારી દીકરી થઈ ગઈ છે.અને આ મારા તાના-રીરીઅને સારંગ તો મારા હ્રદયના ટુકડા છે.મારી હાજરીમાં તે મારાથી અળગા થઈ પોતાનું ઘર છોડી મામા-મામી સાથે ઓશીયાળા થઈ જીવશે એમ? હજુ વિષ્ણુપ્રસાદ વાઘ જેવો બેઠો  છે.તેમની આંસુથી ભીંજાએલ તગતગતી લાલ આંખો જોઈ  દાદાનું દુ:ખ જાણે સમજી ન ગયા હોય તેમ તાના-રીરી તેમને વળગીને રડવા લાગ્યા. આમેય દીકરીઓ જલ્દી સમજણી થઈ જતી હોય છે નહીં???પૂજા પણ સારંગને  દાદાના હાથમાં આપી  ડેડીજીને ભેટી પડી. પૂજાએ આંખના ઈશારાથી પોતાના પિતાને  પાછા જવાનું સૂચન કર્યું અને કાયમ માટે ડેડીજી સાથે રહેવાનું વિશ્વાસ સાથેનું વચન પણ તેમની આંખોમાં એક પ્રેમભરી નજર નાંખી આપી દીધું. વીણાબહેને પણ પતિ અને પૂજાની વાત “આપણે સૌ સાથે  રહી જગ જીતી લઈશું “ કરી ખુશીથી વધાવી લીધી. પૂજાના માતા-પિતા પણ વિષ્ણુપ્રસાદ અને વીણાબહેનની વાત સાંભળી મનોમન સંતોષ સાથે તેમનેા આભાર માનતા ચાલ્યા ગયા.

બીજા જ દિવસથી વિષ્ણુપ્રસાદ પૂજાને રોજ પોતાની સાથે ઓફીસ અને ફેક્ટરી લઈ જવા માંડ્યા.શરુઆતમાં છોકરાઓ નાના હતા ત્યારે પાર્ટ  ટાઈમ અને ત્રણે બાળકો ફૂલ ટાઈમ સ્કૂલે જતા થયા પછી તેા પૂજા  નવથી પાંચ ઓફીસ જતી. કાબેલ પૂજાએ તો થોડા સમયમાં જ ધંધાની નાડ પારખી  વિષ્ણુપ્રસાદનો ઘણો ખરો ભાર ઉઠાવી લીધો હતો.તાના-રીરીના અને સારંગના ભણવાનાં અને  નૃત્ય અને  ટેનિસના કલાસ,જમાડવામાં બધામાં વીણાબહેન ઊંડો રસ લઈ ધ્યાન રાખતા. દાદા આવી જાય એટલે ત્રણે છોકરાઓ દાદાને વીંટળાઈ વળતા .તેમને જોઈને દાદાની ઉંમર અડધી ઓછી થઈ જતી.

સમયને વહેતા કયાં વાર લાગે છે. હવે તાના અને રીરી કોલેજમાં આવી ગયા હતા .એક મેડિસિનમાં અને બીજી કોમ્પયુટર એન્જિનયરીંગમાં. બંને દાદાજી આવે એટલે તેની આસપાસ આવી જ  જાય. ડોકટર તાના દાદુનું પ્રેશર માપે અને રીરી દાજી માટે મસાલા+આદુ+ઈલાયચીની ચા પીવડાવતાં દાજીના ઈમેઈલ વાંચી તેના જવાબ લખી આપે. સાથેસાથે બંનેના વહેંચેલ પગમાં અને માથામાં ચંપી તો ખરી જ. એકના દાદુ અને બીજીના દાજી.

અને આજે ઓફીસેથી પાંચ વાગે ઘેર આવી જતા વિષ્ણુપ્રસાદ સાત વાગ્યા તોય આવ્યા નહી.રીરીએ બનાવેલ ચા તો ક્યારનીએ ઠંડી થઈ ગઈ હતી.રીરીને ધરપત ન રહેતાં તેણે તો બે ત્રણ ફોન પણ કરી દીધા પણ દાદા ફોન જ ન ઉઠાવે. આવું તો ક્યારેય ન બને! રીરીનો ફોન દાજી ન ઉઠાવે ? પણ દાજી હોય તો ફોન ઊઠાવેને! ઓફીસનાં કોઈ મહેમાનને લેવા પૂજા એરપોર્ટ  જવા ઓફીસથી વહેલી જુદી ગાડી લઈને નીકળી હતી.અને પાંચ વાગે વિષ્ણુપ્રસાદને  મેસિવ એટેક આવ્યો અને ત્યાં જ પ્રભુને શરણ થઈ ગયા.ઓફીસનાં માણસો તેમનાં મૃતદેહને લઈને આવ્યા ત્યારે ત્રણે બાળકોને પૂજા બધા આજે અનાથ થઈ ગયા હોય તેમ દાદુના  મૃતશરીરને વળગીને રડી રહ્યા હતા.પણ દાદુતો મરતા મરતાંએ હસતા ચહેરે બધાંને અઢળક આશીર્વાદ આપી રહ્યા હતાં

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to સંવેદનાના પડઘા- ૨૧ દાજીના આશીર્વાદ

 1. પુત્રથી વધે એ પુત્રવધુ.
  વિષ્ણુપ્રસાદ અને વિણાબેને આ વાતને સાર્થક કરી બતાવી.
  પુત્ર ખોટો હોય તો પણ એને જ સાચો કે સારો બતાવવાની માતા-પિતાની જીદ કરતાં જુદા જ અભિગમ સાથે બંનેએ વડીલપણું દિપાવ્યું.

  Liked by 1 person

 2. Kalpana Raghu says:

  ખૂબ સરસ વાર્તા.પુત્રવધુને પુત્ર કરતા વધુ સન્માન મળે ત્યારે સાચા અર્થમાં નારીને પિયર યાદ ના આવે…વિચાર કરતા મૂકે તેવી સરસ વાર્તા,જીગીષાબેન!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s