૨૨ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક


આજે એક એકદમ સત્યને સ્પર્શતી વાત વાંચી.

आज तक  बहोत भरोंसे  टुटे

मगर भरोंसे कि आदत नहीं छूटी

“આજ સુધી ભરોસા તો ઘણા તુટ્યા

પણ ભરોસો કરવાની આદત ના છુટી.”

વાત તો સાચી જ છે ને? સાવ નાનપણથી જ કદાચ આપણે પુરેપુરી સમજણની કક્ષાએ પહોંચીએ એ પહેલાંથી જ આપણે ક્યાંકને ક્યાંક, કોઈ પર ભરોસો મુકતા થઈ જ જઈએ છીએ.

એક સાવ નાનકડું બાળક જેને હજુ સુધી વિશ્વાસ શું છે, ભરોસો કોને કહેવાય એની તો ખબર નથી એ બાળક પણ એના માતા-પિતાના ભરોસે સાવ નિશ્ચિંત થઈ જ જતું હોય છે. એક વ્યક્તિ જેને એ પિતા તરીકે પણ સંપૂર્ણપણે ઓળખી શકે એ પહેલાં જ એના હાથમાં પોતે સુરક્ષિત જ છે એટલો વિશ્વાસ તો એનામાં આવી જ જતો હોય છે. જે વ્યક્તિ એને હવામાં ઉછાળે છે એ એને નીચે નહીં જ પડવા દે એવા ભરોસે એ હવામાં ક્યાંય કોઈ પણ આધાર વગર પણ નિશ્ચિંત થઈને આનંદિત રહે છે.

એક માતા-પિતા બાળકને શાળાએ મુકે ત્યારે એ બાળક ભણતરના જ નહીં ગણતરના પણ જીવનોપયોગી પાઠ શીખીને આવશે એવા એક વિશ્વાસ સાથે જ એને પોતાનાથી અળગું કરીને શાળાએ મોકલે છે ને?

એવી જ રીતે મા-બાપ લાડેકોડે ઉછેરેલી પોતાની દિકરીને એવા જ વિશ્વાસ સાથે અન્યના હાથમાં એનો હાથ સોંપતા હશે ને કે એ વ્યક્તિ દિકરીને પોતે કરેલા જતનથી પણ વધુ અદકેરા જતનથી જાળવશે. 

શું છે આ વિશ્વાસ-આ ભરોસો?

મ્યુઅલ બટલર નામના ફિલસૂફે લખ્યું છે કે, “You can do very little with faith. But you can do nothing without faith.” સાચી જ વાત છે ને કે શ્રદ્ધા હશે તો કંઈક તો કરી શકીશું પણ જો કશા પર, કોઈના પર કે ખુદ પર વિશ્વાસ જ ન રાખીએ તો કશું જ ન કરી શકીએ. ગુજરાતીમાં કહ્યું છે ને કે વિશ્વાસે વહાણ ચાલે.

આ વિશ્વાસ શબ્દ જ કેટલો વિશાળ અર્થ ધરાવે છે. માનવનો માનવજાત પરનો વિશ્વાસ અને એનાથી આગળ વધીએ તો આ વિશ્વાસ જ શ્રદ્ધામાં પરિણમે ને? અને એ શ્રદ્ધા એટલે ઈશ્વર. ક્યાંય કોઈએ જોયા નથી તેમ છતાં એ છે એવું આપણે માની જ લઈએ છીએ ને?

આ દુનિયામાં એક પ્રત્યેક્ષ દેખાય એવો હાથ છે જેનો અનુભવ આપણે આપણી આસપાસના કોઈપણ સંબંધમાં અનુભવી શકીએ છીએ. પેલા નાનકડા બાળકની જેમ. જ્યારે એક છે પરોક્ષ હાથ-ઈન્વિઝિબલ હાથ અને એ છે સર્વશક્તિમાન, સર્વસત્તાધારી પરમાત્માનો. જે આપણને પેલા બાળકની જેમ જ સાચવી લેશે એવી અંતરથી-અંદરથી શ્રદ્ધા આપમેળે જ આપણામાં સ્થિત હોય છે.

કહે છે ને કે જાત અને જગદીશમાં રાખેલી શ્રદ્ધાથી જ જીતાય છે. શ્વાસ પર આપણું શરીર ચાલે છે અને વિશ્વાસ પર આપણી હામ જીવે છે. વિશ્વાસનું ચાર્જર આપણને ધબકતાં રાખે છે. વિશ્વાસ તો આપણા શ્વાસ લંબાવવાની જડીબુટ્ટી છે, સંજીવની છે. શ્વાસમાં વિશ્વાસ ભળે તો જીવન જીવવાની મઝા જ કંઈ ઓર છે. ક્યારેક આવી ગયેલી કોઈ વિટંબણામાં,આપત્તિમાં કે અનિશ્ચિતતામાં પણ જાત પરનો ભરોસો અને ઈશ્વર પરની શ્રદ્ધા જ આપણને જીતાડે છે ને? કોઈ એક મુકામે પહોંચતા પહેલા ક્યાંક અટવાયા તો? પાછા વળીશું? એવું પણ કરી જ શકાય પણ જો આગળ વધવું છે, નિર્ધારિત- નિશ્ચિત મુકામે પહોંચવાની નેમ છે તો ? સૌથી પહેલાં તો જાતને જ ટટ્ટાર કરવી પડવી પડશે ને? અને ત્યારે જ આપણી અંદરથી જીતવાની જીજીવિષા જાગે.એ જીજીવિષા જાતના ભરોસાના અવલંબન પર ટકી રહે. અહીં શ્રી ગની દહીંવાલાની રચના યાદ આવે છે.

“શ્રદ્ધા જ લઈ ગઈ મને મંઝિલ ઉપર મને,

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!”

એનો અર્થ એ તો ખરો જ કે આ વિશ્વાસ-ભરોસો કે પતીજ તો આપણી સિસ્ટમમાં ઈનબિલ્ટ જ હોય પણ ક્યારેક એવું ય બને કે આપણા વિશ્વાસને ક્યાંક ઠેસ પહોંચે. કોઈ એક અવલંબન, કોઈ એક આધાર પણ આપણે ટક્યા હોઈએ અને પગ નીચેથી એ જમીન જ ખસી જાય કે કોઈ ખેસવી લે.

અને જે આઘાત અનુભવીએ એની કળ વળતાં પણ સમય નિકળી જાય અને હવે આજથી હું કોઈના ય પર પૈસાભારનો વિશ્વાસ નહી મુકું એવું ઝનૂન પણ આવી જાય.કોઈપણ સંબંધ પરત્વે સ્મશાનવૈરાગ્ય પણ આવી જાય પણ અંતે આગળ કહ્યું એમ વિશ્વાસ-ભરોસો કે પતીજ તો આપણી સિસ્ટમમાં ઈન્બિલ્ટ જ હોય એટલે ફરી એકવાર નવેસરથી જાત પરથી માંડીને ઈશ્વર સુધી વિશ્વાસે વહાણ ચલાવવા આપણે તો તૈયાર…

અને કદાચ આવા અનુભવ જુદી જુદી જગ્યાએ, જુદી જુદી વ્યક્તિ અને સંજોગોમાં પણ થતા જ હશે. વ્યક્તિનો ભરોસો એકવાર નહીં અનેક વાર તુટે અને તેમ છતાં એની ભરોસો કરવાની ટેવ નથી છુટતી કારણ …..શ્વાસ અને વિશ્વાસ જ આપણું જીવનબળ. શ્વાસ અને વિશ્વાસ જ આપણા જીવ અને જીવન ટકાવી રાખશે અને એના સંદર્ભે જયશ્રીબેનની આ રચના મને ગમી, તમને ય ગમશે….કારણકે એમાં આત્મવિશ્વાસની ખુમારીનો પડઘો સંભળાય છે.

હું જ છું મારી શિલ્પી, બેનમૂન શિલ્પ બનાવીશ,
અડગ વિશ્વાસ છે મુજમાં મને, જાત ને કંડારીશ.

એવી દંતકથા છે કે ફિનિક્સ નામનું પક્ષી ડાળખીઓનો માળો બનાવે છે, તેમાં બેસે છે અગ્નિ પ્રગટી ઉઠે છે. ગુજરાતીમાં દેવહુમા તરીકે ઓળખાતું આ પક્ષી અગ્નિમાં રાખ થઇ જાય છે અને આ રાખમાંથી ફરી એક નવયુવાન ફિનિક્સ સજીવન થાય છે. જો જાત ભરોસો અને જગદીશ પર શ્રદ્ધા હશે તો આ ફિનિક્સ પક્ષીની જેમ જ રાખમાંથી ફરી સજીવન થવાની કળા આપોઆપ આપણામાં પણ આવશે જ. એના માટે બોલીવુડના અભિનયના શહેનશાહ અમિતાભ બચ્ચનથી વધીને આગળ બીજું કોઈ ઉદાહરણ હોઈ શકે ખરું?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

5 thoughts on “૨૨ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. શ્વાસમાં વિશ્વાસ ભળે તો જીવન જીવવાની મજા જ કંઈ ઓર છે ખૂબ સરસ વાત .પોતાની જાતમાં વિશ્વાસ અને પરમેશ્વરમાં અડગ શ્રદ્ધા હોય પછી જીવનનો બેડો પાર જ સમજો…..

    Liked by 1 person

  2. રાજુલબેન, ખૂબ સરસ વાત કહી..જીગીશાબેનની વાત સાથે હું સહમત છું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.