દ્રષ્ટિકોણ 31: ડાર્વિન થીઅરી ઓફ ઈવોલ્યુશન – દર્શના  

આ અઠવાડિયે ડાર્વિન દિવસ છે, તો શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આપણે ડાર્વિન વિષે અને મનુષ્ય જાતિ વિષે વાત કરીએ.  મનુષ્ય જાતિને ઓળખવા માટે ડાર્વિને આપણને એક નવી જ દ્રષ્ટિ આપી.  આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ મળી તે આપણા ઇતિહાસ ની એક મહત્વની પળ હતી.
ડાર્વિન ની વૈજ્ઞાનિક શોધને કારણે આપણે આપણને પોતાને કઈ દ્રષ્ટિ થી સમજીએ માત્ર તેજ બદલાયું નથી પણ આપણે પ્રથવીના અન્ય જીવો જોડે કઈ રીતે સંકળાયેલા છીએ તે પણ ડાર્વિન ની શોધ થી બદલી ગયું છે.  આપણે ડાર્વિન થીઅરી ઉપર વધુ ચર્ચા કરીએ તે પહેલા ડાર્વિન વિષે થોડી જાણકારી મેળવીએ.  ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન નો જન્મ 1809 માં ઇંગ્લેન્ડ માં થયેલ. 1831 માં તે 5 વર્ષ ની રિસર્ચ મુસાફરી માં નીકળ્યા અને તેમણે જે નિરીક્ષણ કર્યું તેના આધારે તેમની ઈવોલ્યુશન થીઅરી પાંગરી. 1859 માં તેમણે “ઓરિજીન ઓફ સ્પીશિસ” નામનું પુસ્તક બહાર પાડ્યું। તે સમયે ઇંગ્લેન્ડ માં બધાજ લોકો માનતા હતા કે એડમ અને ઇવ માંથી માનવજાત આગળ વધી. તે ઉપરાંત લોકો એમ પણ માનતા હતા કે માનવ જાત સૌથી ઉપર છે અને તે કોઈ જ રીતે બીજા કોઈ જીવો સાથે જોડાયેલ નથી. તેથી ડાર્વિન ની થીઅરી એ ઉહાપોહ મચાવી દીધો. 
Theory of evolution
Image result for darwin theory giraffeથીઅરી ઓફ ઈવોલ્યુશન ના મંતવ્ય પ્રમાણે species survives through a process called “natural selection,” એટલે કે દરેક જીવિત પ્રજાતિઓ “પ્રાકૃતિક પસંદગી” તરીકે ઓળખાતી પ્રક્રિયા ને આધારે જીવિત રહે છે. સામાન્ય શબ્દોમાં સમજવા માટે જિરાફ નું ઉદાહરણ લઈએ. જિરાફ જે પ્રદેશ માં હોય છે ત્યાં ઘણીવાર દુકાળ જેવી દશા હોય છે અને ત્યાંના ઊંચા ઊંચા ઝાડ ઉપર ક્યારેક પાંદડા, ફળ, ફૂલ અને શાક પાન હોય છે. ડાર્વિન ના મત અનુસાર તેવી જગાઓમાં લાંબા ગળાવાળા જિરાફ જીવિત રહી શકે છે તેથી ત્યાં જિરાફ વધુ છે. જે જીવિત પ્રાણી પ્રાકૃતિક દશા ને અનુકૂળ થઇ ને રહી શકે તેની જીવિત રહેવાની સંભાવના વધી જાય. અને જે પ્રજા તેવું ન કરી શકે તેનો નાશ થાય જેમ કે ડાયનોસોર। ડાર્વિન ની થીઅરી પ્રમાણે દરેક આવતી પેઢી માં વધુ જીવિત રહી શકે તેવી પ્રજા ઉત્પન્ન થાય છે.  અને તે પ્રજા જીવિત રહેવા માટે વધુ ને વધુ સબળ બને છે, જેમ કે પહેલા ના જિરાફ ના ગળા કદાચ એટલા લાંબા ન હોય પણ સમય જતા દરેક આવતી પેઢી માં તેમના ગળા વધુ લાંબા થઇ ગયા કે તે આસાનીથી લાંબા ઝાડના પાન ને પહોંચી શકે.
ડાર્વિન ની ગણતરી જીનિયસ લોકોમાં થાય છે. ડોબઝન્સકી કરીને એક મોટા વૈજ્ઞાનિકે ડાર્વિન માટે કહેલું કે “બાયોલોજી ના વિષય માં કઈ અર્થ જલ્દી સમજ આવતો નથી જ્યાં સુધી તમે ડાર્વિન ની ઈવોલ્યૂશન થીઅરી ના પ્રકાશ માં ન જુવો ત્યાં સુધી”.
ડાર્વિન ની સરળ થીઅરી ના પ્રકાશ માં ઘણી વૈજ્ઞાનિક ઘટનાઓ આપણે સમજી શકીએ છીએ. આપણે દાખલો લઈએ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ નો.  પહેલા તો આ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ શું છે અને પછી જોઈએ કે તે કેવી રીતે ઉત્પન્ન થાય છે.  જયારે કોઈ રોગ ના બેક્ટિરિયા એટલા પાવરધા બની ચુક્યા હોય છે કે કોઈ પણ દવા તેની ઉપર કામ નથી કરી સકતી તેને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય છે. અને તે આજે દુનિયા માં એકદમ મોટી સમસ્યા બની ચુકી છે. તે વિષે ક્યારેક વિસ્તારથી વાતો કરીશું. પણ આજ માટે એ મહત્વનું છે કે આપણે જે દવા આ બેકટીરિયા ઉપર વાપરીએ છીએ તે અધવચ્ચે થી બંધ કરી દઈએ કે કોઈ બીજા કારણસર આ બેકટીરિયા નો પુરી રીતે નાશ ન થાય તો જે બેક્ટિરિયા જીવિત રહે છે તે વધુ પાવરધા બની જાય છે અને તેની દરેક આવતી પેઢી વધુ ને વધુ પાવરધી થતી જાય છે.  અમુક ટીબી જેવા રોગો ઉપર કોઈપણ દવા ક્યારેક કામ જ નથી કરતી તેને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી અથવા MDR-TB તરીકે ઓળખાય છે. આવા તો ઘણા વૈજ્ઞાનિક બનાવો ને ડાર્વિન ની થીઅરી ના પ્રકાશમાં સમજવા સરળ બને છે.
અંત માં, ડાર્વિન ની થીઅરી પ્રમાણે દરેક જીવિત પ્રજા બીજી પ્રજા સાથે જોડાયેલ છે. આપણે જાણીએ જ છીએ કે મનુષ્ય વાનરો માંથી વિકસ્યા. એટલુંજ નહિ પણ તાજેતરના સંશોધન માં વધુ પુરાવો મળ્યો કે પૃથ્વી ના તમામ જીવો એક કોશવાળા જીવતંત્ર અમીબા જે આશરે 3.5 અબજ વર્ષ પહેલાં જીવ્યું હતું, તેમાંથી વિકસ્યા છે.  150 વર્ષ પહેલાં ચાર્લ્સ ડાર્વિને તેમની થીઅરી માં સૌપ્રથમ “universal common ancestor”  “સાર્વત્રિક સામાન્ય પૂર્વજો” વિશેનું વર્ણન કરેલું. આજે ડાર્વિન દિવસ મનાવતા આપણે એ મર્મ કાઢીએ કે તમામ જીવ પ્રત્યે સંવેદના અને કરુણાનો ભાવ રાખી જિંદગી જીવી જઈએ અને જેમ બને તેમ ઓછા પૂર્વગ્રહ બાંધીએ. આખરે આપણે બધા એકમેકથી જોડાયેલ જીવો છીએ.

૧૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પ્રેમ દેવો ભવ

પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. રામચરિતમાનસમાં પ્રેમ અને પ્રેમના પર્યાયવાચક શબ્દનો ઉપયોગ તુલસીદાસજીએ લગભગ 300થી વધારે વાર કર્યો છે. તેનો આરંભ, મધ્ય અને સમાપન પણ પ્રેમ છે. તુલસીદાસજી કહે છે, શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં પ્રેમદેવતાની સ્થાપના થઈ છે. જેમ નારદજીએ પ્રેમસૂત્રો આપ્યાં તેમ શાડિલ્ય મહર્ષિ, અંગિરા ઋષિ તેમજ ઘણાં મહાનુભાવોએ પ્રેમ ઉપર પ્રકાશ પાડ્યો છે.

વિશ્વનો સૌથી પ્રથમ પ્રેમપત્ર રૂકમણિએ શ્રીકૃષ્ણને લખ્યો હતો. આદિ કવિ નરસિંહ મહેતાએ ૬૦૦વર્ષ પૂર્વે પ્રેમનો મહિમા ગાયેલો. ભગવાન કૃષ્ણએ નરસિંહનો વેલેન્ટાઇન તરીકે સ્વીકાર કરેલો. ગોપીઓ, રાધા અને મીરા માટે શ્રીકૃષ્ણ વેલેન્ટાઇન હતાં. સંત વેલેન્ટાઇને પ્રેમનું મહિમાગાન કર્યું હતું. પ્રકૃતિનાં પ્રેમની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ અંગ્રેજ કવિ શેલીએ લખી છે. પર્વત આકાશને, સાગરનાં મોજાં એકબીજાને, સૂર્યપ્રકાશ ધરતીને અને ચંદ્રકિરણ દરિયાને ચૂમે છે, આલિંગે છે. પ્રકૃતિમાં મૂંગા પ્રેમની પરાકાષ્ટા જોવા મળે છે. વૃક્ષને પૂછી જુઓ વેલી વિષે. પ્રેમનું ઉપનિષદ પ્રકૃતિથી વિશેષ ભલાં કોણ સમજાવે? જે ઈશ્વરનો અંશ છે.

તમામ દુઃખોની એક જ દવા તે પ્રેમ. જેમાં તરી જવાય, ઉપર ઉઠી જવાય. તેમાં ડૂબવાનો કોઈ અવકાશ જ હોતો નથી. પ્રેમ કેટલાં પ્રકારનાં હોય છે? માતૃપ્રેમ, પિતૃપ્રેમ, બંધુપ્રેમ, સખાપ્રેમ, દેશપ્રેમ, ગુરુપ્રેમ, પ્રકૃતિપ્રેમ, પશુ-પંખી સાથેનો પ્રેમ, જાત સાથેનો પ્રેમ, વગેરે.

વેલેન્ટાઈનનો અર્થ માત્ર પ્રેમી કે લાઈફ પાર્ટનર જ નથી. વેલેન્ટાઇન ડે એ પ્રેમનો દિવસ છે. તમે કોઈપણ તમારા હ્રદયની નજીક હોય તેવી વ્યક્તિ સાથે આ દિવસ ઉજવી શકો. અનાથઆશ્રમ કે વૃધ્ધાશ્રમ જઈને કે તમારાં પાળેલાં પ્રાણી સાથે પણ આનંદથી સમય પસાર કરી શકો. તેમને ગિફ્ટ કે સમય આપીને, તેમની આંખોમાં દેખાતી ખુશીની ઝલક, એ સાચા અર્થમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી ગણાશે.

પતિ-પત્નીમાં માલિકીપણાનો ભાવ, આસક્તિ અને વાસનાને, બંધનને પ્રાધાન્ય હોય છે. સંબંધોથી બંધન ઊભું થાય છે. અધિકાર હોય ત્યાં પ્રીતિ ના હોય. ઉષ્મા સૂકાય છે. અપેક્ષા અને ઉપેક્ષા, સંવાદ ના બદલે વિવાદ, ગેરસમજણ, અહંકાર, આ બધાથી પ્રેમ દૂષિત બને છે. મુન્શી પ્રેમચંદે સુંદર વાત કરી છે, “પ્રેમ એ આગિયાનો ઝબકારો નથી પણ દિપકનો સ્થાયી પ્રકાશ છે”. મરનારની ચિતા પર ચાહનાર કોઇ ચડતું નથી, કહે છે હું મરી જઈશ પણ સળગતી લાશને કોઈ અડતું નથી”. એકને વાગે અને બીજાને દર્દ થાય. તેનું નામ પ્રેમ. લાગણીઓ કે પ્રેમને પુરાવાની ક્યાં જરૂર હોય છે? આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા સમજવી રહી. “ઢાઈ અક્ષર પ્રેમકે પઢે સો પંડિત હોય”.

પ્રેમમાં બલિદાનની જરૂર પડે છે. પ્રેમમાં ઐક્ય અનુભવાય છે. હીર-રાંઝા, લૈલા-મજનુ, રોમિયો-જુલીયેટ કે પછી વિજાણંદની કહાણી મશહૂર છે. અહીં વાસના-રહિત કે વિકૃત પ્રેમની વાત નથી. ભક્ત કવિ પ્રીતમદાસે કહ્યું છે, પ્રેમનો પંથ પાવકની જ્વાળા છે. પવિત્ર અગ્નિની જ્વાળાથી લપેટાયેલો છે. પ્રેમ તો આગ છે. પ્રેમ એક એવું તત્વ છે કે આગમાં ઉતરવાની જેમની તૈયારી હોય એવી વ્યક્તિઓ જ પ્રેમની રાહ ઉપર જાય છે. આવો પ્રેમ માત્ર ઇશ્વર સાથેનો જ હોઈ શકે.

સૂફી કવિ રૂમીની એક રૂબાઇ છે, “પ્રેમ એક એવી જ્વાળા છે કે જ્યારે એ પ્રગટે છે ત્યારે બધુંજ બાળી નાંખે છે. કેવળ રહે છે ઇશ્વર. સુરેશ દલાલે, “હું તો તમને પ્રેમ કરું છું” નામના પુસ્તકમાં એમની રૂબાઇઓનો અનુવાદ કરેલો છે. જેમાં પ્રેમ, પ્રિયતમ, પ્રણય તેમજ ઇશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમાનું વર્ણન કર્યું છે. ઈશ્વરીય પ્રેમનો અખૂટ ખજાનો એમાં ભાસે છે.

સાચું પૂછો તો પ્રેમની કોઇ વ્યાખ્યા નથી. ઇશ્વરની જેમ પ્રેમ પણ એક અનુભૂતિનો વિષય છે. શ્રી શ્રી રવિશંકર કહે છે, પ્રેમ અસીમ હોય છે. પ્રેમ નાશવંત નથી. આ શાશ્વત પ્રેમ શાશ્વત સાથે જ થઈ શકે. જેનો જન્મોજનમનો સાથ છે તે ઇશ્વર શાશ્વત છે. આપણાં આતમને જગાડીને અહમ્‍ બ્રહ્માસ્મિ અને શિવોહમ્‍નો અનુભવ કરીને ઇશ્વર સાથે તાદાત્મ્ય સાધીને એકરૂપ થવાથી રોમેરોમ બોલી ઉઠશે, “હું જ મારો વેલેન્ટાઇન”!

સંવેદનાના પડઘા -૧૯ કુછ ખોકર પાના હૈ

ઈશાની એરપોર્ટથી પિતાને ઘેર જઈ રહી હતી.ફ્લાઈટ ચાર કલાક મોડી હતી એટલે  એરપોર્ટ પરથી જ ફોન કરીને ભાઈ ને કહી દીધું હતું કે ડ્રાઈવર જોડે ગાડી મોકલી દે અને તે ફેક્ટરી પર જાય. એરપોર્ટથી જતા રસ્તામાં યુનિવર્સિટી  કેમ્પસ આવતાં વેલેન્ટાઈન ડે નો નવો રંગ જોવા મળ્યો.કેટલાય લબરમૂછીયા યુવાનો તેમની પ્રિયેને પોતાની આગોશમાં લઈને બેઠેલા જોઈને તેને પણ તેનો એ વીસ વર્ષ પહેલાનો વેલેન્ટાઈન ડેયાદ આવી ગયો.બધાં માટે આ દિવસ પોતાના પ્રેમનો એકરાર કરવાનો પહેલો દિવસ હતો.જ્યારે તેના માટે તે દિવસ તેના પહેલા પ્રેમને મળવાનો છેલ્લો દિવસ હતો.તે તેના પ્રેમને વિદાય આપવાનો દિવસ હતો.

 તેના આનંદ સાથે  લગ્ન થયા પછી  પહેલી વાર તે મુંબઈથી અમદાવાદ આવી હતી. આનંદ તેના  કામથી  જર્મની  ગયો હતો.તેથી પપ્પા-મમ્મીને મળવા તે પણ અમદાવાદ આવી હતી.વેલેનટાઈન ડે  હતો એ દિવસે .બહેનપણીને મળવા જાઉં છું કહીને તે અર્જુનને છેલ્લીવાર મળવા આવી હતી. આજ પછી હવે ક્યારેય મળવાનું નહી,ફોન પર પણ ક્યારેય વાત કરવાની નથી એવું નક્કી થયું તે પણ વેલેનટાઈન ડે ના દિવસે.ખૂબ રડયા  હતા બંને જણ જાણે કહી રહ્યા હતા કે

             

“ખોબો  ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં,

               ખટમીઠાં સપનાએ ભૂરાં ભૂરાં,કુંવારા સોળ વરસ તૂરાંતૂરાં,

                         અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યાં કે હોડી-ખડક થઈને અમને નડ્યાં…….

કેવીરીતે શક્ય બનશે આ વાત?કાયમ માટે છૂટા પડવાની વાત ,મન કોઈરીતે માનતું જ નહતું.!!!જેના સહારે ને વિચારે જીવનની એકએક પળ વીતતી હતી એનેા સાથ આમ.. કાયમ માટે છોડી દેવાનો………છૂટા જ પડવાનું હતું ખબર જ હતી તો પ્રેમ કર્યો જ શું કામ?????

અરે ભાઈ ! પૂછીને કંઈ પ્રેમ થાયછે? પ્રેમ તો તમને પણ ખબર ના પડે ને થઈ જાય છે!!!બહુ ખોટું થયું નહી? ના ના જરાય ખોટું ન થયું.જેણે સોળ વરસની એ બાલી ઉંમરમાં પ્રેમ નથી કર્યો તેને પ્રેમ શું છે તે સંવેદનાની અનુભૂતિ જ નથી થઈ.!!! અને પ્રેમ ના એ  ધડકાટના અહેસાસ ને તો જેણે અનુભવ્યો હોય તે જ સમજી શકે!

પ્રેમના રંગમાં પાંગરેલી એ વસંત ,પૃથ્વી પર સ્વર્ગ નો અનુભવ!!!!!જેણે પ્રેમ ન કર્યો હોય તે શું જાણી શકે?

આવા પ્રેમ ને છેલ્લી વાર મળવાનું હતું.છૂટાં પડતા પડતાં,શિયાળા ના દિવસમાં અંધારું થઈ ગયું. અર્જુન અને ઈશાની બાઈક પર એકબીજાને આશ્વાસન આપતા બેઠાં હતા ત્યાં એક પોલીસ આવ્યો .”ચલો કયું ઈધર અંધેરેમેં બેઠે હો? ચલો થાને લે ચલતે હૈ તુમ લોગોંકો”. પૈસા પડાવવા હતાં એને.અર્જુન  જરા ગભરાયો.ઈશુના લગ્ન થઈ ગયા છે ને આ કંઈ બબાલ ન કરે.પણ ઈશાની તો વધુ ચબરાક ને હિંમતવાન હતી.તેણે તો પોલીસને કીધું” ચાલ લઈ જા થાને પર અમે તો પતિપત્ની જ છીએ.કેમ ઘરમાં બહુ લોકો સાથે રહેતા હોય તો શાંતિથી થોડીવાર અહીં બેસી ન શકીએ ખુલ્લી હવામાં બગીચા પાસે?ઈશાનીનો આત્મવિશ્વાસ જોઈ પોલીસ લાકડી પછાડતો બીજા કપલ પાસે ઉઘરાણું કરવા ઊપડ્યો.અર્જુન ઈશાની પર છેલ્લે દિવસે પણ આફરીન થઈ ગયો અને સાથે એક ઊંડો નિસાસો નાંખી ,બે હાથ વડે તેના ગાલને પકડી તેની આંખોમાં આંખો પરોવી બોલ્યો”તું જ મારી જિંદગી છે, કેમ કરીને ભૂલીશ શાનુ તને ??????મને ખબર નથી!”અર્જુન તેને નીત નવા નામથી બોલાવતો ઈશુ,શાનુ,રાની,ઈનુ જે ઈશાનીને ખૂબ ગમતું …….ઈશાનીના હ્રદયના એક ખૂણામાં અર્જુનનું સ્થાન હંમેશ માટે રહી ગયું હતું.આમ પણ ગમે તેવો હોય પોતાનો પહેલો પ્રેમ અનોખો જ લાગે બધાંને અને ન  ભૂલાય ક્યારેય!!!

ઈશાનીને  આખેઆખી આ ઘટના જાણે હમણાં જ તેની નજર સમક્ષ ઘટી હોય તેમ  દિલમાં એક ચૂભન સાથે દુ:ખ આપનાર અને પોલીસ સાથેના પોતાના વર્તન માટે જરાક હોઠો પર હાસ્ય  આપનાર હતી.

ઈશાનીના પપ્પા ને આનંદના પપ્પા મનુભાઈ ખાસ મિત્રો.મનુભાઈ જેટલી વાર અમદાવાદ આવે એટલીવાર તેમને ચિબાવલી અને દેખાવડી ઈશાની ખૂબ ગમે.ઈશાનીના પપ્પા ને પણ મુંબઈ જાય ત્યારે ભણવામાં હોશિયાર સ્વભાવે શાંત અને કહ્યાગરો આનંદ ખૂબ ગમે.મનુભાઈ નો ધમધોકાર ચાલતો કારોબાર,ભણેલો ,દેખાવડો અને એકનો એક આવો સરસ દીકરો અને પોતાના ખાસ મિત્ર નું જાણીતું કુંટુંબ .બંને મિત્રોએ કુટુંબીઓ અને છોકરાઓની સંમતિથી  ઈશાની હજુ કોલેજમાં  પ્રવેશી હતી ને જ,એકબીજા ને ગમતી વાતના સોગંદ દઈ દીધા.ઈશાનીને પણ આનંદ સાથે કોઈ નાપાડવાનું કારણ નહોતુ  અને તેને કોઈ વાંધો પણ નહોતો.પણ હા એ તબક્કે એને આનંદ માટે પ્રેમ પણ નહોતો.અરેન્જમેરેજમાં તો લગ્ન પછી જ પ્રેમ થાય ને?

માતા-પિતા પોતાની દીકરી માટે નિર્ણય લે તે વિચારીને જ લે ને!અને તે જમાનામાં દીકરીઓ બોલતી પણ કયાં હતી માતા-પિતાના નિર્ણય સામે?

ઈશાની કોલેજમાં ગઈ .ગ્રુપમાં બધા જાણતા જ હતા કે ઈશાનીનું  તેના પપ્પાના મિત્રના દીકરા સાથે મુંબઈ નક્કી કરેલું છે.પણ છતાં ગ્રુપમાં સાથે ફરતાં ફરતાં અને ફોન પર વાતો કરતા ક્યારે તેને અર્જુન સાથે પ્રેમ થઈ ગયો  તે સમજ જ ન પડી.આનંદ ખડગપુરમાં એન્જિનયરીંગ કરતો અને પછી અનુભવ માટે જોબ બેંગ્લોર કરતો.ઓફીશીઅલ  એગેંન્જમેન્ટ તો બંનેના ભણી રહ્યા પછી જ કરવાના હતા.એટલે આનંદ અને ઈશાનીને પણ ભાગ્યેજ વાત થતી.એ દિવસોમાં સેલફોન પણ કયાં હતા.આજે પણ ઈશાનીને આનંદથી કોઈ ફરિયાદ નથી.તે  આનંદને  પતિ તરીકે ખૂબ પ્રેમ કરેછે.આનંદ પણ એનું એટલું જ દયાન  રાખેછે કે એને ફરિયાદનો કોઈ અવકાશ જ નથી.તેની ઘણી બહેનપણીઓએ પ્રેમ લગ્ન કર્યા છે ઘણા પોતાના એ યુવાનીના ઉન્માદમાં લીધેલ નિર્ણયથી પસ્તાય છે અને કોઈ કહે છે કે લગ્ન પછી પ્રેમલગ્ન હોય કે અરેન્જલગ્ન કશુંય ફરક નથી પડતો.બધુ સરખું જ છે.

પણ હા ,ઈશાની ને લાગે છે  જો યુવાનીમાં પ્રેમ ન કર્યો હોય તો પહેલા પ્રેમના એ ઉન્માદના અનુભવ વગરની યુવાનીને -કલાપી ના કાવ્યોનો તલસાટ,મરીઝની ગઝલનો પ્રેમાલાપ,સાહીર અને અમૃતાના પ્રેમની ગહનતા,વરસતા વરસાદમાં એક છત્રી ની નીચે અડીઅડીને ચાલતાં  થએલા સ્પર્શ ના ઉન્માદ થકી ગાલ પર થએલ હળવાચુંબનથી  અનુભવેલ ઝનઝનાટ,સિનેમાનાં પ્રેમભર્યાં ગીતો ના હ્રદયસ્પર્શી શબ્દો થકી થતો સંવેદનાનો ખળભળાટનો અહેસાસ કેવીરીતે થાત? એક એક પળમાં જીવેલ પૂરી સદીનો એ અનુભવ  પ્રેમ કર્યા વગર કેવીરીતે થાત????????એટલે જ કોઈએ સાચું કહ્યું છે

                 

              “It is batter to love & lost then not to love at all.”

  કુછ ખોકર પાના હૈ,કુછ પાકર ખોના હૈ ,જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ,

 દો પલ કે જીવનસે એક ઉમ્ર ચુરાની હૈ,જિંદગી ઓર કુછ ભી નહી તેરી મેરી કહાની હૈ

જીવનના ઉષાકાળે માણેલ બિલોરીકાચ જેવી સ્વચ્છ પ્રેમની પળો ક્યારેય આથમતી નથી.આમ તેના પ્રેમની પળોને વાગોળતી ઈશાની ઘેર પહોંચી.

વાત્સલ્યની વેલી ૧૭) કડવો ઘૂંટડો ; મીઠો ઓડકાર !

કડવો ઘૂંટડો ; મીઠો ઓડકાર !
કોઈ શાણા માણસે કહ્યું છે કે સુખ કે દુઃખ આપણાં મનમાં વસતાં ભાડુઆત છે ; એને બહુ માથે ના ચઢાવાય !
જો કે એ બધું ક્યાં આપણા હાથમાં છે? કેટલી મુશ્કેલી અને તેમાંથી ઉપજતું દુઃખ આપણે મનમાં રાખવું.. એવું બધું આપણને કોણ સમજાવે ? પણ એટલે જ તો શાણા માણસે એને ભાડુઆત કહ્યા!! થોડો સમય મનમાં ભલે રહે , પણ ઘરધણી બનીને કાયમ નહીં ! બહુ આશ્ચર્ય રીતે આ સત્ય મેં અમારી ભારતની પ્રથમ ટ્રીપમાં ઠેર ઠેર અનુભવ્યું ! ગમે તેટલી વસ્તુની અછત હોય પણ બધાં એય નિરાંતે આનંદ કરતાં હોય! ના કોઈ સરકારની મદદ હોય કે ના કોઈ સામાજિક સંસ્થાની સહાય હોય! પણ દુઃખને ખાંખેરી ઉભા થઇ જવાનું !
“ દુઃખ આપણું મગજ રૂપી ઘર પચાવી પાડે નહી!” એવું જે માનતી હતી તેવી બે માતાઓ જેમને અમારી ભારતની પ્રથમ ટ્રીપમાં મળવાનું થયું તે વિષે કહેવું છે .
માતૃ પ્રેમ વિષે ઘણું લખાયું છે; અને છતાંયે જાણેકે મા વિષે પૂરું લખાયું જ નથી ! ક્યારેક કોઈ મા ને જોઈને આશ્ચર્ય થાય કે અભણ , અણઘડ મા કે જે હજુ નાનકડાં ગામડાની બહાર પણ નીકળી નથી , એનામાં પોતાનાં સંતાનને ઉછેરવાની સૂઝ ક્યાંથી આવતી હશે ?
અમે અમારી માતૃભૂમિની પ્રથમ ટ્રીપ માટે તૈયારી કરવા માંડી. મારુ બેબીસિટીંગ કાર્ય ઠપ થઇ ગયેલ , ને તેનો થોડો ઘણો રંજ પણ અનુભવેલ. પણ, પાછલાં ચારેક વર્ષમાં જે રાત દિવસ મહેનત કરેલ તેનો સંતોષ અને જીવનમાં એક પ્રકરણ પૂરું કર્યાનો આનંદ પણ હતો .અમે આનંદ સાથે દેશ આવ્યાં. મેં મારાં સ્કૂલ શરૂ કરવાના પ્રોજેક્ટ વિષે લગભગ બધાંને ઢોલ પીટલ એટલે એ વિષે સલાહ સૂચન પણ મળતાં.
અમારાં દૂરના સગાંના કુટુંબમાં અતિશય ગરીબાઈ અને કંકાસને લીધે એક ભાઈએ ભગવાં ધારણ કરેલાં !
ભગવાં પહેરેલાં !!
પતિ પત્ની વચ્ચેના ઝગડાને લીધે નાનાં નાનાં ત્રણ બાળકોને અને પત્નીને અસહાય દશામાં મૂકીને ગામને પાદર કોઈ મંદિરમાં એ સન્યાસી બનીને રહેતા હતા !વિધિની વિચિત્રતાય જુઓ ! એ સન્યાસી બન્યા એટલે એ સંત બની ગયા ! બધાં મા’રાજ મા’રાજ કે સન્યાસી બાબા કહીને એમના આશીર્વાદ લેવા આવતા ! આપણામાં કહ્યું છે કે નદીનું મૂળ ને સાધુનું કુળ ના પુછાય . પણ આ તો બ્રાહ્મણ ખોળિયું! એટલે જાણેકે એ જન્મથી જ પવિત્ર ! એટલે એ બધી જગ્યાએ આવકાર પામવા લાગ્યા !
જયારે અમારાં દૂરનાં સગાંની દીકરી ગુણવંતી, એને કપરા દિવસો આવ્યા ! મહા મુશ્કેલીએ ગુજરાન ચલાવતી ! એ બ્રાહ્મણ કુળની એટલે એને માટે જીવન નિર્વાહ કરવો વધારે મુશ્કેલ !! એનાથી વાસણ માંજવાનાં કે એવાં તેવાં કામ ના થાય !નાનકડા ગામમાં રસોઈ પાણી કે એવું તેવું કાંઈ કામ કરીને એ ત્રણેય છોકરાંને નિશાળે મોકલતી !
ગુણવંતીએ જે રીતે એનાં સંતાનોમાં રસ લીધો હતો તે જોઈને અમેરિકામાં અમારે ઘેર આવતાં બાળકો યાદ આવ્યાં!હા , અમેરિકામાં એ મમ્મીઓને ગવર્મેન્ટની મદદ મળતી , સમાજ કાંઈ એની પર્સનલ લાઈફમાં દખલ ના કરે અને એનાં બાળકોને ખાવા , પીવા , રહેવા , ઉછેરવા ચર્ચ અને બીજી સામાજિક સંસ્થાઓ મદદ પણ કરે! જયારે ગુણવંતીને આ બધાં મોરચા એકલે હાથે સંભાળવા પડે ! આબધું વિચારતાં વળી પછી હું બે સંસ્કૃતિ અને સમાજની તુલના , સારું ખોટું વિચારવા લાગી !
પેલા સન્યાસી બાબા જે ખુદ ભણ્યા નહોતા , જેણે પોતે જ જવાબદારીમાંથી છટકીને પલાયન નીતિ અપનાવી હતી ,તે હવે લોકોને ,’આ સંસાર અસાર છે, મોહ માયા છોડી દે અને ભગવાનને શરણે આવ ; ભગવાન તારું ભલું કરશે ‘એમ ઉપદેશ આપતા હતા! જેને ખુદને શાસ્ત્ર – વેદ ઉપનિષદનું જ્ઞાન નહોતું – કદાચ એમણે એ વિષય પર એક પુસ્તક વાંચ્યું કે કદાચ જોયુંય નહીં હોય , એ સાધુ બાબા પૂજનીય બની લોકોને અષ્ટમ પષ્ટમ સમજાવતા હતા!!
આ હળહળતી મુર્ખામી હતી! અને હળહળતો અન્યાય પણ. પણ શિકાગોની પેલી ડેવસન કોલેજની જેમ અહીંયા પણ મારે ચૂપ જ રહેવું પડ્યું ! ત્યાં રંગ ભેદના ભેદભાવ હતા ; અહીં જાતિભેદ અને જ્ઞાતિ ભેદ !
ગુણવંતીને વર્ષો સુધી અમારાં કુટુંબમાંથી પીઠ બળ મળતું રહ્યું ; જોકે સમાજ એવાં લોકોને જ તો અગ્નિની કસોટીએ ચઢાવે છે!
એક માતા , જનેતા હોવાને નાતે એ ગમાર સ્ત્રીએ બધાં જ મહેણાં ટોણાં સહીને પણ પોતાના સંતાનોને સારું ભવિષ્ય આપવા પ્રયાસ કર્યો અને મોસાળની હૂંફથી બાળકોને સ્વસ્થ સહજ બાળપણ આપ્યું !મને ભુલાઈ ગયેલ આપણા સમાજની વિચિત્રતાઓ યાદ આવી !
મેં મારા ભવિષ્યમાં શરૂ કરવાના ડેકેર સેન્ટર માટેની પેરેન્ટ્સ હેન્ડબુકમાં લખવા માટેનું એક કાવ્ય ત્યારે જ બનાવવાની શરૂઆત કરી .
One wise parent and an adult who cares;
Add a little luck and a happy child you’ll get!

મેં જોયું કે ગુણવંતી ખરેખર ગુણવાન અને સમજુ હતી . એને એનાં ગરીબ પણ સંસ્કારી કુટુંબનું પીઠબળ મળ્યું હતું . એણે મનથી જ નક્કી કર્યું હતું કે એ એનાં બાળકોને રેઢાં નહીં જ મૂકે .
અમે ત્યાર પછી જોયું કે એ બાળકોને એવા કોઈ મોંઘા રમકડાં કે કપડાંની જરૂર નહોતી ; માત્ર માનો પ્રેમ , દાદા દાદીનો પ્રેમ, હૂંફ ને માર્ગદર્શન પૂરતાં હતાં !આજે એ ત્રણેય બાળકો સ્કૂલમાં શિક્ષક કે ગવર્મેન્ટમાં નોકરી કરીને સફળ જીવન જીવે છે !
ગુણવંતી જેવી અનેક સ્ત્રીઓને સ્ટ્રગલ કરતાં જોઈ છે, પણ જેના સંતાનો એવી કપરી પરિસ્થિતિમાં ઊછર્યાં છતાં દારૂ કે ડ્રગની લતે ના ચઢ્યા હોય અને સરખી રીતે સદગૃહસ્થનું જીવન જીવતાં હોય તેવાં બહુ ઓછાં જોયાં છે!
જો કે દેશમાં આવા કડવા ઘૂંટડા પી રહેલી અનેક માતાઓને મેં અમૃત કટોરા સંતાનોને પીવડાવતી જોઈ હતી!
એ જ પ્રથમ ટ્રીપમાં , જામનગરમાં મેં અમારાં પરિચિત કુટુંબમાં બાળકોને અને શ્વસુર પક્ષમાં સૌને પ્રેમથી સાંભળતી બહેન જે છતે પતિએ ઉપેક્ષિતા હતી, એ કડવો ઝેરનો ઘૂંટડો ગળી જઈને , સાસુ સસરા સાથે પોતાનાં સંતાનોને પ્રેમના પ્યાલા પીવડાવતી હતી !એને વાત્સલ્ય વેલડીમાં અમૃત સિંચતાં જોઈને પરાણે અશ્રું ખાળ્યાં હતાં! પ્રેમ વાત્સલ્યથી તૃપ્ત એ બાળકો આજે સફળ જીવન જીવે છે. આ અને બીજા સેંકડો પ્રસંગોએ મને સમજાવ્યું છે કે ભવિષ્યના સારા નાગરિક બનવાની જડી બુટ્ટી શું છે!
બસ એજ !
એક સમજુ પેરેન્ટ અને બીજા સમજુ કોઈ વડીલ ! અને તેમાં ભળે થોડી મહેનત થોડી ભગવાનની કૃપા !
બસ સિંગલ પેરન્ટનું બાળક પણ એટલું જ આનંદી અને તંદુરસ્ત બને જેટલું બે પેરેન્ટ્સ સાથે ઉછરતું બાળક હોય !
કારણ ? કારણકે :
Happiness is feelings;
Happiness means care!
She/ he feels much secure ; when she know that you care!!
ભવિષ્યમાં જે બાળઉછેરની ફિલોસોફી હું લખવાની હતી, ઘડવાની હતી તેના પાયા આ ટ્રીપમાં દ્રઠ થયા એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય!બાળકોને સુંદર રીતે , સફળ સંસ્કારી નાગરિક બનાવવા શી રીતે ઉછેરવા જોઈએ ?
મારો એ પ્રશ્ન હતો !
મારે કોઈ એક વિચાર જ અપનાવવાનો હોય તો તે કયો હોય ? તમે શું માનો છો ? તમે શું શીખવાડો ? બાલ ઉછેર અને બાલ શિક્ષણમાં આકાર લઇ રહેલી મારી ફિલોસોફીની વાત
આવતા અંકે!

૧૯ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી, ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વૃક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલછલ છલકતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ. વસંત એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલી ઉઠેલું, મઘમઘતી સુવાસથી મહેંકી ઉઠેલું, ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકતું વાતાવરણ.

વસંતના આગમનની છડી પોકારતી હોય એવી પીળી સરસવ અને પીળો ધમરક ગરમાળો, કેસરિયો કેસૂડો,  લાલચટક ગુલમહોર લહેરાવા માંડે જાણે ઈશ્વરે રંગછાંટણાથી-રંગોના લસરકાથી પૃથ્વીને, પૃથ્વીના તત્વોને સજાવવાનું શરૂ કર્યું. આ રંગછટાને લીધે જ વસંતપંચમીને રંગપંચમી પણ કહી હશે ને? જાણે ચારેકોરથી એકધારા સૂક્કા ભઠ્ઠ ઝાડમાં જીવ આવ્યો અને રંગીની છવાઈ. પિયુને જોઈને આળસ મરડીને બેઠી થયેલી નવયૌવનાની જેમ એનામાં પણ જાણે સંચાર થયો.

હવે કોઈને પણ એમ થાય કે હજુ તો આ કડકડતી ઠંડીમાં ઝાડ પર પણ જ્યાં ને ત્યાં સ્નોના તોરણો લટકતા હોય ત્યાં કેવી વસંત અને કઈ વસંત? પણ ના સાવ એવું ય નથી હોં કે…..

આજે સવારે ઉગમણી દિશાએથી રેલાતા સૂરજના સોનેરી કિરણોમાં મારા ઘરના કૂંડાંમાં રોપેલા તુલસીના રોપા પર માંજર લહેરાતી જોઈ અને સાથે જાંબુડિયા રંગના ઝીણા ઝીણા ફૂલો જોયા. અહો આશ્ચર્યમ….. વાસંતી વાયરાની શાહેદી આપતા આ નાજુક પુરાવાએ મન પ્રફુલ્લિત કરી દીધું અને ખબર પડી કે વસંત આવી રહી છે બાકી તો અહીં    

રેડિયો પર ફાગણના ગીત વાગે ને

શહેરના મકાનોને ખબર પડે કે

આજે વસંતપંચમી છે.

એવા હાલ હોય … 

પણ ના, આ નાનકડા રોપા પર ડોકાતી માંજર અને પેલા જાંબુડી રંગના ઝીણા અમસ્તા-ટબુકડા ફૂલોને જોઈને લાગ્યું કે અહીંની સ્પ્રિંગને ભલે કદાચ થોડી વાર હશે પણ આપણી વસંત તો નજર સામે લહેરાઈ રહી છે. સવારે આવીને જાંબલી રંગે મઢેલા પરબીડિયામાં કોઈ મારા ઘરમાં વસંત સરકાવી ગયુ અને ઘરમાં સરકેલી વસંત જોઈને વિશ્વાસ બેઠો કે હવે ઘરની બહાર પણ એને આવકારવાની ઘડી ઝાઝી દૂર નથી અને સાચે જ મનમાં રાજીપો છવાઈ ગયો..

કહે છે કે વસંત પંચમી એટલે પ્રકૃતિનો ઉત્સવ અને ત્યારે વિચાર આવ્યો કે આજનો માનવ એટલો સંવેદનશીલ રહ્યો છે ખરો? પ્રકૃતિમાં રેલાતી ચેતનાને માણવા જેટલી ફુરસદ એને છે ખરી? પ્રકૃતિને માણવાની સંવેદનશીલતાની વાત છોડો એની ફિતરતને સમજવા જેટલી સહિષ્ણુતા ય રહી છે ખરી?

હમણાં જ અતિશય ઠંડીમાં ઠરી ગયેલા લોકો માટે એક હળવો મજાકભર્યો મેસેજ જોયો…

“ઠંડીને અત્યારે આનંદથી માણી લ્યો સાહેબ, અત્યારે મફત મળે છે,

બે-ત્રણ મહિના પછી એના માટે પૈસા ચૂકવવાના જ છે…..”

વાતમાં મજાકનો સૂર છે પણ વાત વાસ્તવિક જ છે. આપણે  તો ભઈ એટલા તો અસહિષ્ણુ થઈ ગયા છીએ કે બધુ જ માફકસરનું જ ખપે, ન જરાય ઓછું, કે ન જરાય  વધારે. ઠંડી હોય કે ગરમી સહન થાય એટલી માફકસરની જ ખપે છે. વરસાદ ન આવે તો આપણે એટલા તો અધીરા… અને આવે તો કહીશું, “ખમૈયા કર બાપલા…હવે તો અટકવાનું નામ લે ભઈસાબ” આપણે તો કુદરતને પણ આપણે આપણી મરજી મુજબ જ આવકારવી હોય છે. આપણી સગવડે જ સાચવવી હોય છે.

અને પછી પાછી પ્રકૃતિ પર મહેરબાની જોઈને ઈશ્વરને આપણે ફરીયાદ પણ કરવી હોય છે કે 

“માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વંસત આપી હોત તો?” 

કદાચ મનુષ્ય માટે

ખુદાને પહેલેથી જ નફરત હશે

નહી તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે

એ રીતની મનુષ્યને પણ આપી હોત….

પ્રકૃતિને ઈશ્વરે જે રીતે પોતાની કૃપાથી નવાજી છે…દર વર્ષે જૂના પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી માંજર, નવી કૂંપળો, નવા ફૂલો આવે છે. વસંત આવે ને આખું ઉપવન મહેંક મહેંક. પક્ષીઓ ચહેક ચહેક… ત્યારે લાગી તો આવે જ ને કે અરે આપણે ઈશ્વરની આ કૃપાથી વંચિત કેમ?

કારણ માત્ર એટલું જ કે આપણે માત્ર આપણાં માટે જ જીવીએ છીએ, પ્રકૃતિની માફક બીજા માટે નહીં. જે ક્ષણથી આપણે અન્ય માટે જીવતા કે વિચારતાં પણ શીખીશું એ ક્ષણ જ આપણી વસંતપંચમી, એ ક્ષણથી જ આપણા જીવનની ક્ષણે ક્ષણે વસંતોત્સવ.

કાવ્ય પંક્તિ

શ્રી સુરેશ દલાલ / શ્રી ચંદ્રકાંત બક્ષી

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

દ્રષ્ટિકોણ 30: LGBTQ તરફ સમાજ નો પૂર્વગ્રહ – દર્શના

શનિવારે પ્રકાશિત થતી દર્ષ્ટિકોણ કોલમ ઉપર આપનું સ્વાગત। ગયા અઠવાડિયાની દ્રષ્ટિકોણ કોલમ ઉપર આપણે સસલા ના લગ્ન કરીને એક બાળવાર્તા જેમાં કાળું અને ધોળું સસલું લગ્ન કરે છે તે બાળવાર્તાએ કેવો ઉહાપોહ મચાવેલો તે વાત કરેલી http://bit.ly/2DPveFg . પણ સમાજ સ્વીકારે કે નહિ પ્રેમ ની ઉપર કોઈપણ બંધન ચાલતું નથી. બે દિવસ પહેલા જિગીષાબેને એક સરસ વાર્તા રજુ કરેલી અને તેમનો સારાંશ તેમણે આ પ્રમાણે વ્યક્ત કર્યો હતો – “વ્યક્તિનું ગે કે લેસ્બીયન હોવું તેને જન્મ સાથે કુદરતે આપેલ વૃત્તિ છે તેમાં તેનો કોઈ વાંક નથી.જેમ એક પુરુષનું સ્ત્રી સાથે આકર્ષણ સહજ છે તેવું જ ગે લોકો માટે પુરુષ નું પુરુષ સાથે આકર્ષણ  સહજ છે” આ કુદરતી વૃત્તિ હોય તો પણ સમાજ ને તે ઘણી વાર મંજુર નથી હોતી. આજે તેના વિષે થોડી વાત કરીએ। આવતે અઠવાડિયે વેલેન્ટાઈન્સ દિવસ છે જયારે લોકો પ્રેમ ની નાજુક લાગણીઓને વધાવે છે અને છૂટ થી પોતાના પ્રેમી તરફ પ્રેમ વ્યક્ત કરવામાં આનંદ લ્યે છે. આશા રાખીએ કે LGBTQ લોકો પણ પોતાના પ્રેમીઓ તરફ કોઈના પૂર્વગ્રહ વગર પોતાની લાગણીઓ દર્શાવી શકે.
એક સત્ય ઘટના છે. એલિસન બેચડેલ નામની ચાલાક છોકરી એક સરસ કુટુંબ માં તેની મમ્મી પપ્પા અને બે ભાઈઓ જોડે ઉછરી રહી હતી. તેના ભાઈઓ સાથે છૂપાછૂપી, પકડા પકડી અને એવી જાત જાત ની રમતો રમતા તેનું બાળપણ વીતી રહ્યું હતું. તેના પપ્પા સાથે તેને ખુબ નિકટતા હતી. પરંતુ ક્યારેક તેના પપ્પા નું વર્તન વિચિત્ર બની જતું. ક્યારેક તે અચાનક ગાયબ થઇ જતા, ક્યારેક તેના વિદ્યાર્થોને ઘરે લઇ આવતા અને તેમની સાથે ખુબ સમય વિતાવતા. ક્યારેક તેની મમ્મી અને પપ્પા વચ્ચે નું અંતર અને તાણ વર્તાઈ આવતા. તેના પપ્પા ઘર ની બાબત માં એકદમ ઓબ્સેસ્સિવ કમ્પલ્સિવ પણ હતા કે ઘર ને એકદમ સાફ સુથરું રાખવાનું. ક્યારેક માતા પિતા વચ્ચે શું ગોપનીય ભેદ હોય તે વાત થી બાળકો અણજાણ હોય પણ ટેન્શન તો જણાય જ ને? એલિસન અને તેના પપ્પા વચ્ચે બીજું પણ એક ટેન્શન હતું કે એલિસન ને પેન્ટ ને શર્ટ પેરીને તેના ભાઈઓ જોડે છોકરાઓ સાથે જ રમવાની આદત હતી.  એલીસોન ને ડ્રેસીસ પેરવા ગમતા નહિ અને તેના પપ્પા તેની ઉપર ડ્રેસીસ પેરવા માટે ખુબ દબાણ કરતા અને તેને છોકરીઓ જેમ વાળ ઓળીને વાળ માં ફેન્સી ક્લિપ વગેરે નાખવા માટે દબાણ કરતા.
Image result for alison bechdel, cartoonએલિસન ના પપ્પા એક મોટો ભેદ છુપાવીને જીવી રહ્યા હતા. ઢાંકપિછોડો કરીને જિંદગી જીવવામાં માણસ ઘણું ગુમાવે છે અને સતત માનસિક દબાવ નો અનુભવ કરે છે તેની આ વાત છે. આપણને એલિસન ની જિંદગી વિષે કેમ ખબર છે? એલિસને ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાં એક પુસ્તક તેની પોતાની આત્મકથા વિશેનું ચિત્ર પુસ્તક છે. તે પુસ્તક ને ઘણા પારિતોષક ઇનામો મળ્યા છે અને બ્રોડવે માં અને અહીં તે ઉપર નાટકો ભજવાઈ ચુક્યા છે.  
એલિસન મોટી થઇ અને દૂર કોલેજ માં ભણવા ગઈ. એલિસન ને ચિત્ર અને કાર્ટૂન દોરવાનો ખુબજ શોખ હતો. નવરાશના સમયે તે દોર્યા જ કરતી. એક વખત કોલેજ ની ક્લબ ની યુવતી ક્લબ ના સુચનાપત્ર માટે કોઈ ચિત્ર દોરાવવા એલિસન પાસે આવી. જોતજોતામાં બંને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ ગઈ. ધીમે ધીમે મૈત્રીનો સબંધ પ્રેમ માં પરિણમ્યો. એલિસને દિલ માં નવા જાગતા ઉમળકાને ધરબાવી દેવાની કોશિશ કરી. પણ શરીર અને દિલ માં પ્રેમ ના પડઘા પડે તેને તેમ શમાવી શકાતા નથી. આખરે એલિસને સત્ય ને અપનાવી લીધું કે તે લેસ્બિયન હતી.
લગભગ તેજ સમયે તેના પપ્પા ના મ્રત્યુ ના સમાચાર એલિસન ને મળ્યા. એલિસન ના પપ્પા ગાડી દ્વારા એકસીડન્ટ માં મ્ર્ત્યુ પામ્યા। જયારે એલિસન ને તેમની જિંદગીની પુરી માહિતી મળી ત્યારે તેનું માનવું રહ્યું કે તેમણૅ આખરે જીવેનથી કંટાળીને આત્મહત્યા કરી. તેના પપ્પા ની જિંદગીનો એવો શું ભેદ હતો જે છુપાડીને તેઓ જીવન જીવી ગયા? એલસન ને તેના પપ્પા ગુજરી ગયા પછી ફોડ પાડતા તેની મમ્મીએ વાત કરી કે તેના પપ્પા હોમોસેક્સ્યુઅલ હતા. તેમના જમાનામાં આવી વાત બિલકુલ અપનાવવામાં આવતી નહિ. તેથી તેમણે સમાજ ના નિયમોને અનુસરીને લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો પણ થયા. પણ તેમની શારીરિક સચ્ચાઈ બહાર નીકળવા હંમેશા મથતી રહી અને ક્યારેક કોઈ તેવા માણસો મળે તેમને જોડે તેઓ સબંધ બાંધી લેતા.
એલિસન નું માનવું છે કે  ઢાંકી ઢાંકી ને જિંદગી જીવવાથી વ્યક્તિ જીવન માં થી હર્ષ અને ઉત્સાહ ગુમાવી બેસે છે. અને હવે તો ઘણા તેવું માને છે. દાખલ તરીકે તમે ઓફિસ માં સહ કાર્યકરો જોડે કામ કરતા હો અને સોમવારે કામ ઉપર વાત નીકળે કે વિકેન્ડ દરમ્યાન શું કર્યું. કોઈ એમ ક્યે કે હું મારા હસબન્ડ જોડે ફરવા ગયેલ અને કોઈ એમ ક્યે કે આ વિકેન્ડ માં તો મારી પત્ની એ મારી પાસે બહુ કામ કરાવ્યું વગેરે. પણ હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ ને ડર હોય કે લોકો તેમની જીવન પદ્ધતિ અપનાવશે નહિ તો તેમને ડરીને, તેમની વાત છુપાવીને, ખુબ સાવચેતીથી પોતાની જિંદગીની વાત કરવી પડે. બધા તેમની ડેસ્ક ઉપર કુટુંબના ફોટા રાખે પણ તે રાખી ન શકે. આમ વાતે વાતે તે વ્યક્તિને ગુપ્તતા થી જિંદગી જીવવી પડે તો ટીપે ટીપે તેની જિંદગીનો ઉત્સાહ ઘટતો જાય.
એલિસન તો નવા યુગ માં જન્મેલ છોકરી છે અને તે છૂટ થી પોતાની જિંદગી જીવી રહી છે. પણ બધીજ જગ્યાએ આજે પણ લોકો LGBTQ લાઈફ સ્ટાઇલ ને પૂર્વગ્રહ થી જોવે છે. તમારો શું ખ્યાલ છે? તમને નથી લાગતું કે જો બે વ્યક્તિ પ્રેમ થી જીવતા હોય અને કોઈને હેરાન ન કરે તો શા માટે આપણે કે સમાજે તેમના જીવનમાં દખલ કરવી? દુનિયા માં ઘણું દુષ્ટ કાર્ય લોકો કરી રહ્યા છે તેમની તરફ નજર અને ધ્યાન દોરવાની બદલે પ્રેમ કરતા માણસો સામે પૂર્વગ્રહ બાંધવાની શી જરૂર? તમારો શું મત છે?

ચોપાસ-7-પ્રજ્ઞા દાદભાવાળા

પ્રવાસ કેમ કરવાનો ?પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા દરેક પ્રવાસ કંઇક અલગ જ છાપ મુકતો ગયો છે  અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું. ઘણી વાર વિચાર આવે પ્રવાસ કેમ કરવો જોઈએ ? રોજ ની આ જિંદગી માંથી એટલકે રૂટિન માંથી ભાગવાનો આ પ્રયત્ન છે કે જિજ્ઞાસા ? હા કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર હોય છે.ઘણી ફિલ્મોમાં ઘણા દર્શ્યો મને આકર્ષતા પણ એ જગ્યાને પ્રત્યક્ષ જોવાનો માણવાનો  આંનદ જ કંઈક અનોખો હોય છે.કોઇ પણ પ્રવાસના  સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે જ્યાં પહેલા પણ લોકો જઇ ચૂક્યા છે, અથવા તો એવું સ્થળ જ્યાં વધુ લોકો નથી ગયા. બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા મળે છે.
ગેંગટોકના ની સવાર  સાચે જ નોખી ઉગી મારી રૂમની બારી માંથી દેખાતો સૂર્યોદય અને કાંચનજંગા ઉપર પડતા એ સૂર્યના કિરણો એક અનોખું જ દૃશ્ય ,થોડી વાર માટે હું કેમેરો પણ  ભૂલી ગઈ ત્યાં તો શરદે  કહ્યું હું નીચે નાસ્તાના ટેબલ પર  રાહ જોઉં છું  ત્યાં આવ હમણાં ગાડી આવશે આપણે હા આપણી કમનસીબી તો જુઓ આપણે જે શેડ્યૂલમાંથી ભાગીને આવ્યા તેને જ ફોલો કરતા હતા સમયપત્રક માંથી ભાગવાનો અમારો પ્રયત્ન પણ નિષ્ફ્ળ દેખાયો। . હું ઝટ તૈયાર થઇ નીચે નાસ્તો કરવા પોહચી ગઈ અનેક વાનગીઓ સાથે અમારો નાસ્તો તૈયાર હતો હું મદ્રાસમાં હતી કે સિક્કિમ એજ ખબર ન પડી ગરમ ઈડલી ડોસા ઝાપટી લીધા।.આમ જોવા જઈએ તો સિમ્મીમ માણવું હોય તો અલગારી રખડપટ્ટી માં જ માણી શકાય ત્યાંના લોકલના ઘરમાં માણવું જોઈએ ખુલ્લા આકાશમાં નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવા નીકળી પડવાની ફિતરત હોય તો એ હકીકત છે કે ​તેમ  એક અલગ જ રોમાંચનો અનુભવ​ કરશો ..​ આમ ફાઇવ સ્ટાર હોટલમાં ન મણાય  પણ જવા દયો એ વાત ભાઈ આપણે ગુજરાતી ઘરમાં બધું ચાલે નહિ અને બહાર બધું ફાવે નહિ સમજી ગયા ને ! …
હા તો આજે અમે ટૉસમોન્ગો લેક  અને બાબા મંદિર જવાના હતા… સિક્કિમ બાબા હરભજન સિંઘને પૂજે છે.માત્ર સિક્કિમ નહિ સમગ્ર ભારત કહી શકાય।  બાબા હરભજન સિંહ નાથુલાની આસપાસ આજે પણ સરહદ પર તહેનાત છે.અમે ઉત્સુકતા સાથે વાતો કરતા હતા ત્યાં હોટેલનો માણસ આવી ને કહી ગયો આપકી ગાડી આ ગઈ હે અને ત્યાં જઈને જોયું તો જેમ્સ આવ્યો હતો અમે થોડા ખુશ થયા અને બોલ્યા અરે તુમ આ ગયે ,તો બોલ્યો અબ મે હી આપકે સાથ રહૂંગા। …મનમાં થયું જાણીતું ભૂત સારું।..
અને એ બોલ્યો …ચલો જલ્દી આજ બાબા કે મંદિર જાના  હે  અમે કહ્યું નાથુલા નહિ ? તો કહે આપકા પરમિશન નહિ મિલા વો મિલિટરી એરિયા હે !વિદેશી ટુરિસ્ટ​કો મંજૂરી જરૂરી છે. 14,200 ફૂટની ઊંચાઇએ, નાથુલા પાસ ભારત-ચીન સરહદ પર આવેલું છે. તે સિક્કિમને ચીનના તિબેટ પ્રદેશ સાથે જોડે છે,વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે .. અહીં પહોંચીને તમારે  24 કલાકમાં ફોરેન રજિસ્ટ્રેશન ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ​સિક્કિમની કેટલીક જગ્યાઓ જેવી કે સોંગોમો લેક, નાથુલા, કુપુપ .અને મેનચેચો લેક તેમજ ઉત્તર સિક્કિમના ચુંગથાંગ, લાચુંગ, યમથાં .. ​વગેરે ​વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે. અમે પૂછ્યું એમ કેમ ?​આ પાછળનું કારણ છે અહીં રહેતી આદિવાસી જનજાતિઓ સાથે જ ભૂતાન, ચીન અને મ્યાનમાર ​દેશોની સીમા જોડાયેલી છે. વેસે તો પરમીટ મિલતી હે મગર આપકે ટ્રાવેલ એજેન્ટ ટાઈમ પર  કામ નહિ કિયા વો મેરા પ્રોબ્લેમ નહિ હે! ..પત્યું। ..અમે ચૂપ થઇ ગયા.   અમારા ઉત્સાહનું  જાણે  મૃત્યુ થયું। …અમારા મિત્રએ ધીરેથી સવાલ પૂછતાં કહ્યું કુછ પૈસા દે કર નહિ હો શકતા ? તો કહે આપ તો ચલે જાઓગે મેંરા પરમીટ  જાયેગા મેં ક્યાં કરુંગા ? અમે ગાડીમાં ગોઠવાઈ ગયા। ..મંદિર સે જ્યાદા હમકો નાથુલા જાનેકા મન થા અમે કહ્યું ,.મેં કહ્યું જેમ્સભાઈ .રૂટિન ટુરિસ્ટ પ્લેસિસ કરતા કંઇક હટકે જગ્યાઓ જોવા મળે.​ મજા  આવતા હે ના ? તો બોલ્યો બાબા મંદિર અહીં ખુબ પ્રચલિત છે સાથે આજે ગાઈડ પણ હતો એણે  અમને જણાવ્યું, ​જો ટુર પે આતે હે વો બાબા મંદિર જરૂર જાતે હે…
વાત જયારે સરહદની  આવી ત્યારે મન વિચારે ચડી ગયું કુદરતની કેટલીક લીલાઓ એવી બોલકી છે જે આપણને  માનવા મજબુર કરે છે ​કુદરતે ​ખામોશપણે માણસને કેટકેટલું આપ્‍યું છે?આ પહાડો કેટલાય વખતથી અંખડ ઉભા છે આ વૃક્ષો સીમા વગર ઊગ્યે રાખે છે આ નદીઓ જાણે કેટલાય કાળથી વ્હેયે જાય છે આ નદી ઝરણાં  કોઈ સીમા ને યાદ રાખ્યા વગર અનેક જીવનને તૃપ્ત કરતા વહે છે કુદરત એટલે બારી બારણાં વગર નું અસીમ જગત​,​ કુદરતે માણસને જીવાડવા સૃષ્‍ટીમાં અનેક વ્‍યવસ્‍થાઓ કરી છે.જીવસૃષ્ટીએ ધરતી પર કેવી રીતે જીવવું તેબાબતમાં તેનો કોઈ હસ્‍તક્ષેપ નથી. અને આપણે બાંધી  સીમા​…​ હા માણસે બનાવી ​.​ ​માણસે  ધરતી પર પ્રેમથી ​રહેવાને બદલે નફરતને ઉગાડી અને સરહદો  બાંધી  આ તારું, આ મારુ,..આ  અમારું।.  માણસ, પૃથ્‍વીલોકની અતી મહત્‍વની હસ્‍તી છે​ એ જાણે ભૂલી ગયો અને ઘુસણખોરી થઈ શકે છે.​એ ડરથી સતત જીવે છે.​આ ઉડતા પંખીને બારી બહાર જોયા ત્યારે મન ચોપાસ વિચારોથી ઘેરાઈ ગયું શું પંખીને કોઈ સરહદ નડે છે ?.ત્યારે શૈલા મુનશાની એ પંક્તિઓ યાદ આવી ગઈ..
ઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે
વહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે.
મુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા,
કરી યુધ્ધ ને હિંસા, બસ! કેમ બાંધવા સીમાડા ને સરહદ.  
જન્મ્યા ત્યારે નહોતી કોઈ માલિકી, મરશું ત્યારે રહેશે બધું અહીં
સાવ સાદી ને સરળ વાત, તો શીદ બાંધવી સીમા ને કોઈ સરહદ.
 

૧૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

દેવે સો દેવતા

કહેવત છે દેવે સો દેવતા”. જે દે તે દેવતા છે. માટે જે દે છે, આપે છે તે પૂજાય છે. આ કહેવતમાં દાન, દાતા અને દેવતાની વાત કરવામાં આવી છે. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે સર્જનહાર એટલે ઇશ્વર. ગણેશજીથી માંડીને તમામ દેવીદેવતાઓનું આવશ્યકતા પ્રમાણે પૂજન થતું આવ્યું છે કારણકે ઈશ્વરીય શક્તિ દેનાર છે.

દેવતા બનવું સહેલું નથી. મારી પાસે લાડુ છે. હું એકલી જ આરોગી જાઉં એવી વૃત્તિ થાય એ મારી પ્રકૃતિ ગણાય. મારી પાસે લાડુ નથી,પણ બીજા પાસે છે. હું એ લાડુ ઝૂંટવીને ખાઈ જાઉં એ મારી વિકૃતિ ગણાય. પણ મારી પાસે લાડુ છે તે બીજા સાથે વહેંચીને ખાઉં એ મારી સંસ્કૃતિ ગણાય. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિથી પર એવી માણસાઈનું મેઘધનુષ માત્ર માતામાં રચાય છે એવું શ્રી ગુણવંત શાહનું કહેવું છે. ત્યાગીને ભોગવવાની વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કહી છે માટે “મા” દેવી છે, પૂજનીય છે. તેવી જ રીતે જન્મદાતા પિતા દેવતા છે.

સંત પુરુષો કે ગુરુની કૃપા વરસે તો તમામ પાપકર્મો કે મલિન સંસ્કાર બળીને ભસ્મ થઈ જાય છે. પ્રારબ્ધ બદલાઈ જાય છે. વિઘ્નો ટળી જાય છે. શિક્ષક જ્ઞાનરૂપી વિદ્યાનું સિંચન કરીને વિદ્યાર્થીને સફળતાનાં શિખર સર કરાવે છે. અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ શ્રેષ્ઠ છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે. ગુરુ આપ્યા જ કરે છે માટે ગુરુ દેવો ભવઃ. દીપ સૂર્યનું પ્રતીક છે. અંધારું દૂર કરી પ્રકાશ ફેલાવે છે માટે તેનું પૂજન થાય છે. હિન્દુ સમાજમાં ગાય પૂજનીય છે. તે દૂધ, છાણાં, ગૌમૂત્ર આપીને ખેતીમાં તેમજ અન્ય રીતે ઉપયોગી છે માટે તેને માતાનું સ્થાન આપ્યું છે. આપણી સંસ્કૃતિમાં નદીને પણ લોકમાતા કહેવામાં આવે છે. તે આપે જ રાખે છે. જળ એ જીવન છે માટે પૂજનીય છે. સૂર્યની પૂજા કરવામાં આવે છે. તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણાં વૃક્ષ અને વનસ્પતિ સંજીવનીનું કામ કરે છે. શાસ્ત્રોમાં તેનું પૂજન જરૂરી ગણ્યું છે. ધરતી જે સઘળું ધારણ કરે છે તે દેવી સ્વરૂપ છે. ફૂલ સુગંધ પ્રસરાવે છે માટે પ્રભુ-ચરણોમાં સ્થાન મેળવે છે.

તમારી પાસે જે કંઈ છે તે અર્પણ કરો. “લૉ ઓફ ગિવિંગ”. તન, મન કે ધનથી આપવું. સંપત્તિ, સમય કે સ્માઇલ આપો. ભૂખ્યાંને ભોજન, નિર્ધનને ધન, તરસ્યાને પાણી, વસ્ત્રહિનને વસ્ત્રો આપવા જોઈએ. કશું ના હોય તો હાથ તો છે ને! હાથોથી, વેદનાથી કણસતાં કોઈ માણસનાં આંસુ લુછી શકો છો. જેના દિલનો દીવો નિરાશાની આંધીથી બૂઝાઇ ગયો છે એને માટે પ્રેરણાદીપ બની શકો છો. મન દ્વારા એનાં પ્રતિ શુભકામના પાઠવી શકો છો. મીઠી વાણીથી એને સાંત્વના આપી શકો છો. જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી કરી શકો છો. ત્યારે સામેનાનાં દિલમાં તમારું સ્થાન દેવતાથી ઓછું નહીં હોય. ત્યારે એમ કહેવાય છે કે ઇશ્વર મદદ કરવા સદેહે આવતો નથી પરંતુ તમને નિમિત્ત બનાવી તમને દાતા બનાવે છે જે દેવતા સમાન કહેવાય છે. ઇશ્વર આપીને ક્યારેય કહી બતાવતો નથી. મનુષ્ય માટે નિસ્વાર્થ ભાવે કરેલાં ગુપ્તદાનનું મહત્વ રહ્યું છે. સંતોનું પણ કહેવું છે, “સૃષ્ટિકા નિયમ હૈં, જો બાંટોંગે વહી આપકે પાસ બેહિસાબ હોગા ફિર વહ ચાહે ધન હો, અન્ન હો, સમ્માન હો, અપમાન હો, નફરત હો યા મોહબ્બત”.

તે ફળ મધુર છે જેને વૃક્ષ પોતે આપે છે. તોડીને લીધેલું ફળ ખાટું હોય છે. તેવી રીતે તે દાન મધુર છે, જેને દાતા પોતાની ઇચ્છાથી આપે છે. આગ્રહપૂર્વક લીધેલા દાનમાં ખટાશ આવી જાય છે. આપ્યા પછી આવતો અહમ્‍ માણસના તમામ કર્મો ધોઈ નાંખે છે.

બિલ ગેટ્સ, વોરેન બફે અને તેમના જેવા બીજા કેટલાંક ધનવાનોએ તેમની ઘણી બધી જાગીર દુનિયામાં જરૂરિયાતમંદો માટે દાનમાં આપવાનું નક્કી કર્યું છે. ખરું દાન સરહદનાં સૈનિકો પોતાનાં દેશની સાથે વફાદારીપૂર્વક ફરજ નિભાવીને આપે છે. તમારી પાસે દેવા માટે કશું જ નથી તો તમારું મન એ એકજ એવી ચીજ છે જે ઈશ્વરને કહી શકે, “અનંત દોષોનો ગુલામ હું અનંત ગુણોનાં માલિક તને શું આપી શકું?” અને મન ઈશ્વરને સોંપીને ઇશ્વર સાથે તાદાત્મ્યતાં સાધીને એક બની જાઓ જે સૌથી ઉત્તમ છે. રસ્તે જતાં શબને લોકો વંદન કરે છે. શા માટે? તે ખૂબ સુંદર સંદેશો આપે છે, “એકલા જ આવ્યા મનવા, એકલા જવાના”. કહેનારે કહ્યું છે, “તું દેવાદાર છું અને જગત લેણદાર છે માટે આપે જ રાખ નહીં તો પુનરપિ જનમમ્ નક્કી જ છે.”

     

સંવેદનાના પડઘા-૧૮ ગોપાલ લાપતા છે!

્Subject: ગોપાલ લાપતા છે!

આશ્રમરોડના યોગાશ્રમમાં આજે ભાગદોડ મચી ગઈ હતી.શહેરના શ્રીમંતો ,વેપારીઓ,રાજકારણીઓ અને જનસેવકોની અવરજવરથી આશ્રમમાં ટ્રાફીક જામ થઈ ગયો હતો.સ્વામી અભેદાનંદજીના  અનુયાયીઓની સંખ્યા ખૂબ મોટી હતી .વિદ્વાન સ્વામીજીના ગીતા,વેદઅને ઉપનિષદ ઉપરના પ્રવચનો સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઊમટતા.વહેલી સવારના તેમની યોગની શિબિરો અમદાવાદ ઉપરાંત ભારતના મોટા શહેરો અને દેશવિદેશમાં પણ થતી.સ્વામીજીનો ખાસ ચેલો જે તેમની સેવામાં ચોવીસ કલાક રહેતો તે લાપતા હતો.ગોપાલ સ્વામીજીના ગામનો જ હતો.તેના શરીરસૌષ્ઠવ અને ચતુરાઈથી આકર્ષાઈને જ સ્વામીજી તેને અમદાવાદ પોતાની સાથે લઈ આવ્યા હતા.છેલ્લા આઠ વર્ષથી તે તેમની સાથેજ હતો.બાર વર્ષની ઉંમરે તેને લાવેલ પણ બેત્રણ વર્ષમાં તો તે છ ફૂટ ઉંચો અને યોગા કરી શરીરે પણ કસાયેલ અને સોહામણો બની ગયો હતો.સ્વામીજી પાસે રહીને શાસ્ત્રોના જ્ઞાનની સાથે આશ્રમનો વહીવટ પણ તેજ કરતો .સ્વામીજી પછી આશ્રમનો વારસદાર તે જ હોય તેમ બધા લોકો સમજતાં .સ્વામીજીનું વર્તન પણ તેના પ્રત્યે ખાસ જ રહેતું.

આમ અચાનક તેના લાપતા થવાથી શહેરમાં જાતજાતની અફવાઓએ જોર પકડ્યું હતું.કોઈ કહે કોઈ છોકરીને લઈને ભાગી ગયો હશે ,છેજ એવો દેખાવડો અને ચાલાક!!કોઈ કહે આશ્રમના પૈસા તળિયા ઝાટક કરીને ગયો હશે!!કોઈ કહે સ્વામીજીએ પરાણે સંન્યાસી બનાવ્યો હશે અને એને સંસાર માંડવો હશે! આવી જાતજાતની અટકળો નું બજાર ગરમ હતું.પણ……પણ……સંસાર અસાર છે અને ઉચ્ચ તત્ત્વજ્ઞાનની વાતો લોકોને શીખવતા સ્વામીજીના મોં પરનું તો જાણે નૂર જ ઊડી ગયું હતું .બે દિવસથી એક અન્નનો દાણો પણ તેમણે મોમાં મૂક્યો ન હતો.શહેરનાં મોટા મોટા અમલદારો,વેપારીઓ,રાજકારણીઓને આશ્રમના ટ્રસ્ટીઓએ દોડતા કરી દીધા હતા.સ્વામીજીને શક હતો તેવી બધીજ જગ્યાઓએ પોલીસ ફરી વળી હતી પણ ગોપાલનો કોઈ પત્તો નહતો.સ્વામીજીતો તેને મહિના પછી દીક્ષાસમારોહ કરીને આનંદસ્વરુપાનંદજી નામ આપવાના હતા.તેની તૈયારી પણ તેમણે શરુ કરી દીધી હતી અને અચાનક આ શું થઈ ગયું?????

દિવસ ઉપર દિવસ જતા હતા.સ્વામીજીના બધા જ પ્રવચન અને યોગની શિબિરના સેશનો પણ બંધ હતા.સ્વામીજી શહેરની પોલીસ પર અકળાતા હતા.કોઈને કાંઈ સમજાતું નહોતુ.શું કોઈએ તેનું ખૂન કરી લાશ ઠેકાણે પાડી હશે? પણ એનો તો એવો સરળ અને સાલસ સ્વભાવ હતો!!આશ્રમમાં આવતા દરેકનો તે માનીતો હતો .તેને એકેય દુશ્મન નહોતો તો તેને કેમ કોઈ ઉપાડી જાય કે તેનું ખૂન કરે!!!!!! જેમ જેમ દિવસ ઉપર દિવસ જતા હતા તેમ તેમ સ્વામીજી વધુ ને વધુ ચિંતિત થતા જતા હતા. તેમની રાતની ઊંઘ અને ભૂખ-તરસ હરામ થઈ ગયા હતા.

અને અરે!આ શું??? ગોપાલના લાપત્તાના દસમા દિવસે સવારે પોલીસ સ્વામીજીને વોરંટ લઈને
આવી પકડી ગઈ!!!!!ગોપાલનો પત્તો મળે તે માટે ચોવીસ કલાકની રામધૂન કરતી બહેનો અને આશ્રમનિવાસીઓના ધમપછાડા છતાં પોલીસ તો સ્વામીજીને લઈ જ ગઈ.શહેરમાં સોપો પડી ગયો હતો.બધાં સ્વામીજીના ચેલાઓ,ટ્રસ્ટીઓ,વેપારીઓ અને રાજકારણીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા.
પોલીસ કોઈને કંઈજ જવાબ આપતી નહોતી.

સ્વામીજીને તો ત્રણ દિવસની રીમાન્ડ મળેલી.બધા અવાચક હતા. કોઈ સ્ત્રીને સ્વામીજીને નજીકથી
પગે લાગવાની પણ મનાઈ હતી.તેમના નિવાસના આલીશાન આશ્રમમાં પણ કોઈ સ્ત્રી સેવકની કે કોઈપણ અનુયાયી સ્ત્રીને પણ જવાની મનાઈ હતી.આશ્રમનાં કેશ નો હિસાબ ગોપાલ પાસે અને મોટા ચેકોનો વહીવટ ટ્રસ્ટીઓ કરતા.ટ્રસ્ટીઓ ના પૈસા અકબંધ હતા તો સ્વામીજીની ધરપકડનું શું કારણ??????

અને ધરપકડના બીજા દિવસે શહેરના જાણીતા બધા જ છાપાના છેલ્લાપાને ફોટા સહિતનાં ગોપાલના ખુલાસાથી તો બધા શહેરીજનો હેબતાઈ ગયા!!!!! સૌ પ્રથમ તો પહેલે પાને આવેલ ગોપાલનો ફોટો જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ મોમાં આંગળા નાંખી ગયા.!!! સંન્યાસીના ભગવા કપડાં ઉતારી તે સુટબુટમાં સજ્જ હતો.તેણે તેની દાઢીમૂછ પણ મુંડાવી નાંખ્યા હતા.અરે! મુંબઈની તાજ હોટલમાંથીજ્યારે તે પકડાયો ત્યારે સુટબુટ સાથે તેનો ટકોમુંડો સંતાડવા તેણે સરસ યુરોપીઅન હેટ પહેરી હતી .ગોપાલનું ઊંચું કસાયેલ શરીર,ગોરો -તેજસ્વી ચહેરો અને હેટ સાથે સુટબુટમાં તે ફોરેનર જ લાગી રહ્યો હતો.સીબીઆઈના હોશિયાર અમલદારોએ કેવીરીતે તેને પકડી પાડ્યો તે જ સવાલ હતો!!

છેલ્લા ચાર વર્ષના અત્યાચારથી ત્રાસેલ ગોપાલે પોતાના બયાનમાં સ્વામીજીની સઘળી પોલ ખોલી
દીધી.તેણે સ્વામીજીને કેમ સંન્યાસ લેવો પડ્યો તેનું કારણ પણ જણાવ્યું.સ્વામીઅભેદાનંદજી ઉર્ફ સંસારીનામ અભિનવ ચોવીસ વર્ષે ભણીગણીને તૈયાર થયો ત્યારે તેના માતા-પિતા તેના લગ્ન એક સુંદર સુશીલ છોકરી સાથે કરવા તૈયાર થયા.અભિનવને તો સ્ત્રીઓ થકી આકર્ષણ થતું જ નહોતુ.તેને તો પુરુષ સાથે આકર્ષણ થતું હતું.તે ગે હતો.તે જાણતો હતો કે સમાજ કે માતા-પિતા કોઈ તેની આ વૃત્તિને સમજવા કે સ્વીકારવાના નહોતા.તે કોઈ સ્ત્રીની જિંદગી બગાડવા માંગતો નહતો.માતા-પિતાનું સન્માન જળવાય અને પોતાનું પણ ખરાબ ન દેખાય એટલે તેણે સંન્યાસ લઈ લીધો.પોતે હોશિયાર તો હતોજ અને ગુરુ સાથે રહી
શાસ્ત્રોના અભ્યાસ અને યોગાભ્યાસમાં નિપુણ થઈ વીસ વર્ષે સ્વામી અભેદાનંદજીએ આટલી બધી
પ્રતિષ્ઠા અને અમદાવાદ જેવા શહેરમાં યોગાશ્રમની સ્થાપના પણ કરી.હજારો અનુયાયીઓ પણ ખરા જ.

હવે કુદરતે આપેલી વૃતિને વ્યક્તિ કેટલીએ દબાવીને રાખે પણ એ પણ એક દિવસ સ્પ્રિંગ
બનીને ઉછળે જ છે.સ્વામીજી સાથે પણ એવું જ બન્યું.ગોપાલને બાર વર્ષનો તે લઈ આવ્યા પણ સોળ વર્ષે જે રીતે ગોપાલ નિખર્યો તે જોઈને ,તેમજ તેનું ચોવીસ કલાક તેમની સાથે રહેવું – તેનાથી
સ્વામીજી પોતાના પરનો કાબુ ગુમાવી ચૂક્યા.પછી શરુથયો ગોપાલ પર બળાત્કારનો સીલસીલો.
ગોપાલ તો ગે નહોતો.તેને ઘીન આવતી હતી સ્વામીજીના આવા અત્યાચારી,બેહૂદા વર્તનથી.પરતું
સ્વામીજીનો સમાજમાં મોભો મરતબો એવો હતો કે ગોપાલ તેમના વિરુદ્ધની વાત ઉચ્ચારી
શકે તેમ પણ નહોતો.

પરંતુ કેટલા દિવસ આ ત્રાસ સહન કરે!!!અને બસ હવે હદ થઈ ગઈ !!વિચારી એના પર ચડી બેઠેલા
સ્વામીને ધક્કો મારી એ દિવસે તે રુમમાંથી બહાર નીકળી ગયો.સ્વામીજીને એમ કે રિસાયો છે બપોર સુધીમાં તો પાછો આવી જશે.પણ દસ લાખની કેશ લઈને ભાગેલ ગોપાલ તેમને સીધો પોલીસ સ્ટેશને જ મળ્યો.સ્વામીજીની સાથે મોટા શહેરોમાં અને દેશ-વિદેશમાં ફરીને અને પંચતારક હોટલોમાં રહીને તે બધી રીતે તૈયાર થઈ ગયો હતો.એટલે કોઈને તે તાજ હોટલ મુંબઈમાં રહ્યો હશે તેની ભનક પણ કેવીરીતે આવે?

જયારે પોલીસ સ્ટેશન બંને જણ મળ્યા ત્યારે બંને જણની આંખો જુદાજુદા ભાવથી એકબીજા સાથે ટકરાઈ ને કતરાઈ.!!! સ્વામીજીને પોલીસ અંદર લઈ ગઈ.
સમાજ જયાં સુધી કુદરતે નિર્માણ કરેલ ગે લોકોને સ્વીકારશે નહી ત્યાં સુધી આવી પરિસ્થિતિઓ
સર્જાતી રહેશે. વ્યક્તિનું ગે કે લેસ્બીયન હોવું તેને જન્મ સાથે કુદરતે આપેલ વૃત્તિ છે તેમાં તેનો કોઈ
વાંક નથી.જેમ એક પુરુષનું સ્ત્રી સાથે આકર્ષણ સહજ છે તેવું જ ગે લોકો માટે પુરુષ નું પુરુષ સાથે આકર્ષણ  સહજ છે.તેનો સહજ સ્વીકાર સામાન્ય બનશે ત્યારે ગે લોકોને સમાજમાં સામાન્ય દરજ્જો મળશે.અમેરિકા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં તેમને હવે સ્વીકાર મળ્યો છે પણ સામાન્ય અને ભારતના નાના શહેરોમાં હજુ તેમનો સહજ સ્વીકાર નથી
બીજું,ધર્મની મોટી મોટી વાતો કરનાર સાધુ સંત પણ પોતાની કુદરતી વૃત્તિઓને દબાવી રાખી શકતા નથી ત્યારે ગોપાલ જેવા તેમના બળાત્કારનો ભોગ બને છે અને આવા કૌભાંડ બહાર આવે છે.તે સમાજ માટે સ્ત્રીના બળાત્કાર જેટલો જ ચિંતાનો વિષય શું નથી????????

વાત્સલ્યની વેલી ૧૬) અભિમન્યુના સાત કોઠામાં પ્રવેશ !

અભિમન્યુના સાત કોઠામાં પ્રવેશ !
દુનિયામાં જો મુશ્કેલીઓ આવતી જ ના હોત તો શું આપણને મહેનત કરીને સફળ થવાનો આનંદ અનુભવવા મળત ખરો ? ના! જીવનમાં કાંઈક કરવાની ધગસ રાખીએ અને સામે છેડે મુસીબતો આવીને હાથ તાળી આપે : લે , પહેલાં મને પકડ પછી તને તારા ધ્યેય તરફ જવા દઈશ ! એમ પડકાર ફેંકે , આપણે ફરજીયાત એનો સામનો કરવો જ પડે .. ક્યારેક હતાશ થઇ જવાય !
ક્યારેક નિરાશા ઘેરી વળે ! ક્યારેક ધુંધવાઇ જઈએ !
ક્યારેક રડી પડીયે !
પણ પછી જો સફળતા મળે તો જે આનંદ મળે છે એનું નામ જ સફળ જીવન !
શિકાગોના દક્ષિણ ભાગમાં આવેલ ડોવસન કોલેજના ખુલ્લેઆમ અપમાન અને ભેદભાવ અનુભવ્યા બાદ હું -અમે -થોડા સજાગ જરૂર બન્યાં , પણ અંદરથી મુંઝવાઇપણ ગયાં હતાં. હવે દોઢ વર્ષ સુધી ભણ્યા બાદ મારુ ભણવાનું લગભગ પૂરું થવા આવેલું.
એ દોઢ વર્ષ દરમ્યાન અમે કેટલીક સ્કૂલમાં જ ચાલતાં ડે કેર સેન્ટર , ચર્ચમાં ચાલતાં ડે કેર સેન્ટર , પ્રાઇવેટ અને ફ્રેન્ચાઈઝ પ્રિસ્કૂલ વગેરે પણ જોયેલ . પણ એના ભાવ સાંભળીને અધધધ એમ ઉદ્દગાર સરી પડે!
વળી આવાં સેન્ટર ખરીદવાનું એક મોટું ભયસ્થાન પણ હતું : રખે ને મને ઇન્ડિયન -પરદેશી સમજીને મા બાપ પોતાનાં બાળકોને સ્કૂલમાંથી ઉઠાવી લે તો? વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જાય અથવા તો જો સ્ટાફ સાથે મતભેદ થાય કે એ લોકો જોબ છોડી દે તો મારે નવા બિઝનેસમાં આવા અણધાર્યા સંજોગોનો સામનો કરવો પડે ! વળી એ બિલ્ડીંગોની લીઝ પણ દસ દસ વર્ષની હોય ; બિઝનેસ ના ઉપડે તોએ ભાડું ભરવું જ પડે !! ટૂંકમાં એ રસ્તે સફળતા કરતા નિષ્ફ્ળ થવાની શક્યતાઓ ઘણી હતી . બહુ વિચાર્યા બાદ અમને લાગ્યું કે એવું સાવ અજાણ્યું સાહસ કરવાને બદલે , મોટું પણ જાણીતું સાહસ કરવું . મોટું એટલા માટે કે એમાં શૂન્યમાંથી સર્જન કરવાનું હતું ! એકડે એકથી શરૂઆત કરવાની હતી!
એ જેટલું રિસ્કી – જોખમી સાહસનું પગલું હતું , એટલું જ એક્સાઇટમેન્ટ – રોમાંચક ઉત્સાહનું પગલું પણ હતું !
એક સરસ શ્લોક જે મને બાળપણમાં નાનાકાકા (મારા બાપુજી ) કહેતા , એ જ શ્લોક અમે અમારા રેફ્રિજરેટર પર લખી રાખ્યો હતો ; સુભાષનો એ પ્રિય શ્લોક હતો – જાણેકે અમારાં જીવનનો પથદર્શક!
ઉદયમ , સાહસમ, ધૈર્યમ, બુદ્ધિ , શક્તિ , પરાક્રમ: ;
ષડ એતે યત્ર વર્તન્તે , તત્ર દૈવ સહાય કૃતમ !
અર્થાત : મહેનત કરવી , પછી થોડું સાહસ પણ કરવું, ( પણ આંધળુકિયું નહીં ) બુદ્ધિપૂર્વકનું – વિચાર કરીને , સાહસ કરી, તેમાં બધી શક્તિ લગાડવી! અને પછી?
પછી મોટો કૂદકો મારવો એટલેકે પરાક્રમ કરવું!
શું આપણે આ મોટું સાહસ કરવા તૈયાર છીએ ?
મેં અને સુભાષે એનાં સરવાળા બાદબાકી માંડ્યા. બહુ ઝંઝટમાં ના પડવું હોય તો મારાં ક્વોલિફિકેશન ઉપર કોઈ સ્કૂલ- ડેકેરમાં નોકરી લઇ લેવી : એમ પણ વિચાર્યું . જો કે ઘરની બહાર નોકરી કરવી એટલે આ અજાણ્યા દેશમાં આવીને , બાળકોને દાદા દાદી અને બીજા સંબધીઓથી તો દૂર રાખ્યાં ; હવે હુંયે નોકરી કરવા બહાર જાઉં એટલે મા- બાપથીયે અલગ ઉછરવા દેવાનાં ? હજુ એ લોકો પ્રાથમિક સ્કૂલમાં બીજા અને ચોથા ધોરણમાં જ તો હતાં !! તો શું હજુ થોડો સમય ઘેર રહીને જ બેબીસિટીંગ ચાલુ રાખવું ? પણ સતત ધમધમતું અમારું ઘર હવે કાંઈક નવું માગતું હતું! મને લાગે છે કે પેલું પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે વાળું ગીત કવિએ કોઈ આવી જ પળોમાં લખ્યું હશે કે જે કહે છે; “ ઉમટ્યો અજંપો એને .. અણદીઠેલ દેશ જવા લગન એને લાગે..” એટલે અમારે કાંઈક નવું ચોક્કસ કરવું જ હતું!
આ જ અરસામાં થોડાં આપણી કમ્યુનિટીનાં મિત્રો પણ બનેલ . એમની વાસ્તવિક વ્યવહારુ સલાહ પણ ડે કેર સ્કૂલબિઝનેસથી દૂર રહેવાની હતી. “ શું જાણીએ છીએ આપણે અહીંની સંસ્કૃતિ અને સમાજ વિષે ? “ એમણે ચિંતાથી પૂછ્યું ; “ક્યાંક કાંઈક ભૂલ થઇ જાય તો ખોટા સલવાઇ જવાય !”
મોટી જવાબદારીનું કામ અને કોઈની મદદ પણ નહીં! એક બે બનાવ એવા બનેલા એ અરસામાં જે આપણને વિચારતાં કરી મૂકે!
મને એટલું યાદ છે કે બીજા દેશોની ગવર્મેન્ટ ઓફિસો એમનાં દેશવાસીઓને મદદ કરતી , કેટલીક ચેરીટેબલ સંસ્થાઓ પણ એમનાં દેશવાસીઓને મુશ્કેલીમાં સહાય કરતી; પણ આપણી કમ્યુનિટી હજુ પ્રમાણમાં નવી વિકસી રહી હતી; હજુ એવી સહાયક એજન્સીઓ શરૂ થઇ નહોતી . અમારાં એક પરમમિત્રને ઘેર બેબીસિટીંગ કાર્યમાં મુશ્કેલી ઉભી થયેલી; જો કે ત્યાર પછી એમણે એ ગૃહઉદ્યોગને તિલાંજલિ અર્પેલ ! બીજાં એક વડીલ બા પણ એવાં જ કેસમાંથી માંડ છુટેલાં!છાપામાં પણ એવાં તેવાં સમાચાર અમે વાંચતાં!
પણ અમારી પરીસ્થિતિ કાંઈક જુદી હતી! સુખદેવજીની જેમ સંસારની મુશ્કેલીઓ જાણીને માના પેટમાં કેટલા સમય પડ્યાં રહેવું ? અમારે તો પેલા શ્લોકની ગાઇડલાઇન્સ લઈને આગળ વધવું હતું.. આ એક એવું સ્વપ્નું હતું કે જે અમને સુવા દેતું નહોતું ! ખરેખર તો ત્યારની અમારી માનસિક સ્થિતિ માંના ઉદરમાં નવ માસ વિકસેલ ગર્ભને જાણે કે જન્મવાની તાલાવેલી લાગી રહી હોય તેવી હતી!

અમે નાનાં મોટાં કોમર્શિયલ મકાનો જોયાં; પણ આખરે અમારાં ઘરથી એક જ બ્લોક દૂર મુખ્ય રસ્તા ગ્રાન્ડ એવન્યુ પર , સાઉથમાં ,મુખ્ય ક્રોસ રોડ ઓસ્ટીન રોડની જમણી બાજુએ પૂર્વમાં ,એક વેરહાઉસ જેવું બંધ પડેલું મકાન બહુ મોટું નહીં, બહુ નાનુંયે નહીં; જેને અમે અમારી રીતે સંભાળી શકીએ , એવું કોમર્શિઅલ બિલ્ડિગ અમને ગમ્યું ! એ સ્ટોર ફ્રન્ટની ઉપર એક બે બેડ રૂમ, વિશાળ ડાઇનિંગ રૂમ/ લીવીંગરૂમ સાથેનું એપાર્ટમેન્ટ પણ હતું.
એ બિલ્ડીંગ અમે ખરીદ્યું !!
એ સાથે બીજો મહત્વનો નિર્ણય પણ લીધો .અમારાં સંતાનોનું ધ્યાન રહે અને નવા બિઝનેસને પણ વિકસાવી શકાય એટલે અમારે શરૂઆતમાં થોડો સમય ત્યાં – ડે કેર સેન્ટર ઉપર રહેવું! ટૂંકમાં ચાર બેડ રૂમનું ઘર છોડી બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં કાફલો લઇ જવો !
સ્વાભાવિક રીતે જ આ વિચિત્ર વાત હતી!
પણ ગમે તેટલી વિચિત્ર અને અવ્યવહારુ વાત હતી પણ શાણપણ એમાં જ હતું! જો પરદેશમાં આપણી મર્યાદાઓ છતાં કોઈ મહત્વનું પગલું ભરવું જ હોય તો રહેઠાણની બાબતમાં સમજૂતી કરવી જ પડશે ! અમે વિચાર્યું!
કુટુંબમાં એક સ્વપ્નાને સાકાર કરવા માત્ર એક વ્યક્તિ નહીં, સમગ્ર કુટુંબના સહકારની જરૂર પડે છે! અને જયારે સૌના સાથ સાથે વિકાસ થાય છે ત્યારે તેમાં સુગંધ ઉમેરાય છે! હા, બધાંનો સાથ લઈને ચાલવામાં વિકસી રહેલ બાળકોને મા બાપનું માર્ગદર્શન મળે અને મા બાપને બાળકોના નિખાલસ અભિપ્રાય!
અમારાં આ બોલ્ડ અવ્યવહારુ પગલાંને પણ અમારી ઘેર આવતાં બાળકોના પેરેન્ટ્સે સ્વીકારી લીધું . એપાર્ટમેન્ટ સરસ રહેવાલાયક બન્યું એટલે બીજે અઠવાડિયે અમે ત્યાં રહેવાં જતાં રહ્યાં.
પણ વાસ્તવિકતા સ્વપ્ન જેટલી મધુર નથી હોતી!
બે બાળકોએ એમની મમ્મીને નોકરી જતાં આવવાનું બંધ કરેલ . હવે એમની ખાલી પડેલ જગ્યાએ નવાં બાળકો નહોતાં લેવાં કારણકે હવે સ્કૂલ બિઝનેસમાં ધ્યાન આપવું હતું. બીજાં બે ત્રણ અઠવાડિયામાં જ સમજાયું કે ઉપરનું એ એપાર્ટમેન્ટ નાનાંબાળકો માટે બિલકુલ અનુકૂળ નહોતું ! રખે ને ક્યાંક અકસ્માત થઇ જાય તો?
વળી નીચેનું અવાવરું વેરહાઉસનું રીમૉડલિંગ શરૂ કરવાનું હતું! એટલે બધાં બાળકોને ગુડબાય કહેવાનો સમય આવી ગયો !
આમ તો આ મોટો આર્થિક ફટકો હતો.
મને રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર યાદ આવી: અમારાં જીવનનો શું બીજો તબક્કો શરૂ થતો હતો? ( એ જ અરસામાં રાજ કપૂરનું અવસાન થયેલ ) બધાંને પ્રેમથી “ ફિર મિલેંગે” કહી અમે તો માતૃભૂમિ તરફ પ્રયાણ કરવાં થનગની રહ્યાં!
એ બાળકોના વિદાય પ્રસંગો વિષે આગળ ઘર અને સ્કૂલની સરખામણી કરીશું ત્યારે વિગતે વાત કરીશું .

ક્રિશ્ચમસ ઉપર જેમ બાળકો કાઉન્ટ ડાઉન કરે છે તેમ અમારાં સંતાનોએ પણ કાઉન્ટ ડાઉન શરૂ કર્યું : ને નવેમ્બર ૧૯૮૮ અમે ૪ અઠવાડિયા માટે માતૃભૂમિ આવ્યાં! દેશ છોડીને આવ્યાં ત્યારે તો અમે રીસાયેલાં બાળકો જેવાં હતાં; પણ હવે તો જાણે કે કોઈ સફળતાની રાહે જઈ રહ્યાં હોઈએ તેમ માનતાં હતાં!
અમને ક્યાં ખબર જ હતી કે જે બિલ્ડીંગ અમે ડે કેર માટે ખરીદ્યું હતું એ સ્કૂલ માટે અનુકૂળ નહોતું?
અમને ક્યાં ખબર જ હતી કે જે જગ્યા એ બિલ્ડીંગ હતું એનું ઝોનિંગ પણ સ્કૂલ માટે નહોતું? ભલે ને એ બિલ્ડીંગ અમારાં જુના ઘરથી માત્ર એક જ બ્લોક દૂર હોય, પણ ઓસ્ટીન એવન્યુની પૂર્વમાં એ સાઉથ ઇસ્ટ કોર્નરથી ,નેબરહૂડ બદલાઈ જતું હતું!! બિલ્ડિંગની સામે રોડ ક્રોસ કરતાં જ સામે સ્પોર્ટ્સ બાર ( દારૂનું પીઠું ) હતું; અને બિલ્ડિંગની પાછળની સ્ટ્રીટ પર ઝીનત નામના મશહૂર ટી વી બનાવતી કંમ્પનીની ફેક્ટરી હતી!! કોઈ પણ સંજોગોમાં ત્યાં સ્કૂલ અને તે પણ નાનાં બાળકો માટેની પ્રિસ્કૂલ , અને સંપૂર્ણ આખાં દિવસનાં ડે કેર સેન્ટર શરૂ કરવાની પરમિશન મેળવવી મુશ્કેલ હતી!!
આ બધું અમને ખબર હોત તો શું અમે એ બિલ્ડીંગ ખરીદ્યું હોત?
ના! ચોક્કસ એવું સળગતું લાકડું ઝાલ્યું ના હોત!! અને અમને તો લાગતું હતું કે અમે દરેકેદરેક પગલું ખુબ સમજી વિચારીને જ કરીએ છીએ પણ-
પણ?
પણ જિંદગી એનું જ તો નામ છે!
ત્યાં રિવર્સ જવાનું ગિયર નથી! આગળ જવાનું! પ્રશ્નો ઉકેલવાના ! પરિણામ સ્વીકારવાના ! અને વળી આગળ વધવાનું !!
અમે એક એવાં અભિમન્યુના કોઠામાં પ્રવેશી ચૂક્યાં હતાં જેમાંથી હવે
હેમખેમ બહાર આવવું અશક્ય નહીં તો મુશ્કેલ તો હતું જ! મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ! જાણે કે અંધારામાં ગોળીબાર કરવાનો હતો ! મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું : પૈસાનું અને સમયનું ! અને આશ્ચર્યની વાત તો એ હતી કે અમને ખબર સુધ્ધાં નહોતી કે આગળ રસ્તો આટલો કઠિન છે !
મિત્રો! વાત્સલ્યની વેલીને અમે પ્રામાણિક રીતે પ્રેમનું ખાતર તો સીંચતા હતાં પણ જ્યાં તીડનાં ટોળાં ઉમટે એને કેમ કરીને ખાળવાં ? પણ, એવું થયું હોત તો વાત્સલ્યની વેલીની વાર્તા ક્યાંથી લખાત?
વીંખાયા વિના ,માવજતથી વાત્સલ્ય વેલીને ઉછેરવાની વાત.. આવતે અઠવાડિયે!