સંવેદનાના પડઘા- ૨૧ શીલા રોજ જાય છે કયાં?

શીલા  રોજના પોતાના નિયમ પ્રમાણે સવારે નવ વાગે ફ્લેટનાં ઝાંપા પાસે રિક્ષાની રાહ જોતી ઊભી રહેતી.તેના  ઘરમાંથી નિકળવાના સમયે  ફ્લેટની બધી બાલ્કનીમાંથી વારા ફરતી  લોકો શીલાને જોવા બાલ્કનીમાં આંટા મારતા.પુરુષોને શીલાના મદઝરતાં યૌવનને નિહાળવામાં રસ હતો અને સ્ત્રીઓને એનીવાત કરવામાં કે તૈયાર થઈને રોજ આ શીલા  જાય છે કયાં? શીલાને ભગવાને રુપ જ એટલું આપ્યું હતું કે એકવાર તેના પર કોઈની નજર પડે તો તેને નજર ફેરવવી અઘરી પડે.જો  બહેનો તેને જોઈને બોલી જતી હોય કે ભગવાન  તેં શું સુંદર રુપ આપ્યું છે શીલાને? તો બિચારા પુરુષોનું તો શું ગજું કે તેને જતી  જોઈને બેચાર વાર નજર તેના તરફ ના નાંખે!!!! ઊંચું કદ, સુડોળ શરીર , ગોરોવાન,અણિયાળી પાણીદાર આંખો  અને દાડમની કળી જેવા દાંત.હસમુખો ચહેરો પણ  વ્યક્તિત્વ એવું કે કોઈની હિંમત નહી કે તેને પૂછી શકે કે શીલા તું રોજ સવારે જાય છે કયાં???

હવે નવરા બહેનોને તો કોઈ વાત જ જોઈતી હોય પંચાત કરવા.કોઈ કહે નોકરી શોધી કાઢી લાગે છેઆમ સવારના પહોરમાં નીકળી પડે છે તે ,તો બીજુ કહે એને કયા છોકરાં  છૈયા છેતે કોઈ ચિંતા હોય પાછળની આપણી જેમ ,તો ત્રીજુ કહે મનેતો કંઈ દાળમાં કાળું લાગે છે.તો ચોથા બહેન કહે જૂઓનેઆ આપણા બધાના પતિદેવો તેના નિકળવાના ટાઈમે કંઈ ને કંઈ બહાને બાલ્કનીમાંથી ઝાંખતા હોય છે. આમતો મને ખબર ના પડે પણ મારો  બાલ્કનીમાં કપડાં સૂકવવાનો ટાઈમ અને એનો  નીકળવાનો ટાઈમ એકજ  નટુભાઈ,છોટુભાઈ,   રમણભાઈ,દિપકભાઈ, કનુભાઈ બધાનેા એક આંટો તે સમયે બાલ્કનીમાં ખરોજ.અરે રોજ  શીલા ના પાડે તો પણ બે ત્રણ સ્કુટર અને એક બે ગાડી તેને લીફ્ટ આપવા પણ ઊભી જ રહે.એટલે પાંચમા બહેન કહે તારેતો આ જોવામાંજ કપડાં સૂકવવાનું મોડું થઈ જતું હશે નઈ? અને બધા ખડખડાટ હસી  પડતા……

બધાંને શીલાની વાતો કરવામાં રસ હતો તેની તકલીફ તેના હ્રદયના મુંઝારાને જાણવાની કોઈને ફુરસદ નહોતી.

તે માના પેટમાં હતીને જ તેના પિતાનું અકસ્માતમાં મોત થયું હતું.તેની  વિધવા મા પાર્વતી  શીલાને લઈને બેચાર ઘરનાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી.શીલા પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ  સ્કુલનાં સમયની પહેલા અને પછી માને મદદ કરવા  માની સાથે જતી.જેમ જેમ યુવાન થતી ગઈ તેમ તેમ શીલાનું  રુપ અને જવાની નિખરતા  જતા હતા. પાર્વતીની ઉંમર વધવા લાગી પછી તો શીલા જ  બધા ઘેર કામ કરવા જતી.મેટ્રીક પાસ કરીને ભણવાનું પણ છોડી દેવું પડ્યું .ઘર ચલાવવાનું ,માંદી માની દવા અને સેવા સાથે ચાર ઘરના કામ તે  જરાપણ નવરી પડતી નહી.તે કામ કરતી હતી એમાં એક ઘરના કમળાબા સ્વભાવે ખૂબ ભલા અને શીલા અને તેની માને પૈસે ટકે વાર તહેવારે મીઠાઈ અને કપડાં-લત્તાની મદદ કરતા.શીલા પણ કમળાબાનાં વધારાના કામ દોડીને કરતી.

હવે પાર્વતીની બીમારી ખૂબ વધી ગઈ હતી  .અને એ દિવસ આવી ગયો .તેના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતાં.શીલા હૈયાફાટ રુદન કરી રહી હતી.કમળાબા સહીતનાં પોળના બધા લોકો ત્યાં હાજર હતા.પાર્વતીનો જીવ શીલામાં ભરાએલ હતો. બધા કહેતા હતા તું ચિંતા ના કર અમે તેનું ધ્યાન રાખીશું પણ પાર્વતી સાઈન કરી બે હાથ સામસામે ભેગા કરી બતાવતી હતી કે તેના લગ્નની ચિંતા છે મને!!!ત્યાં જ કમળાબાનાં મગજમાં ભરાઈ રહેલો વિચાર ઝબક્યો.

તેમણે પૂછ્યું 

“જો તને મંજૂર હોય તો મારા પંકજ સાથે હું તેના લગ્ન કરાવી મારી દીકરી બનાવી દઉં !પછી તારે કોઈ ચિંતા નહી.આખી જિંદગી તેને દીકરી બનાવી રાખીશ.શીલા પણ મારા પંકજનું ધ્યાન રાખશે તેનો મને પૂરો વિશ્વાસ છે.તું હા કહેતી હોય તો હાલ જ તારા જતા પહેલા તને ગોળ ખવડાવી દઉં.”

પાર્વતીના મનમાં તો પંકજ જેને એક જ પગ હતો.એક પગ અકસ્માતમાં કપાઈ ગયો હતો તેની સાથે પરી જેવી પોતાની દીકરી પધરાવવાની ઈચ્છા નહોતી પરતું એકલી દીકરી ,કોઈ દયાન રાખવાવાળું નહીં અને કમળાબાનું ભર્યું ઘર.સ્વભાવે પણ કમળાબા ભલા અને શાંત અને પંકજ તેમનો એકનો એક દીકરો.આજુબાજુ ઊભા રહેલ પોળના લોકોએ પણ આ વાત સ્વીકારી લેવા પાર્વતીને કહ્યું અને પાર્વતીએ ગોળ ખાઈ અને વિવશ ગરીબ નજરે શીલા સામે જોયું.માની અને આજુબાજુનાં વડીલોની વાત માની શીલાએ પણ કમળાબાનાં હાથનો ગોળ ખાઈ લીધો.હા પણ જ્યારે તે કમળાબાને ગોળ ખાઈને પગે લાગી ત્યારે એક ગરમ આંસુંનાં ટીપાંએ પણ કમળાબાનાં ચરણ સ્પર્શ  કર્યા.ગરીબાઈને પસંદ નાપસંદ કયાં હોય છે?

પાર્વતીના મરણની વિધિ  કમળાબાએ શીલાને સાથે રહીને કરાવીને  ત્રણ મહિના પછી સારો દિવસ જોવડાવી શીલા અને પંકજના લગ્ન કુંટુંબીજનોની હાજરીમાં કરી કમળાબાએ પણ હાશકારો અનુભવ્યો.તે પણ હવે પાર્વતીની જેમ પંકજની ચિંતા વગર શાંતિથી  મોત ને ભેટશે તેવું વિચારવા લાગ્યા.દિવસો  વિતતા ગયાં અને એક દિવસ કમળાબા પણ અચાનક આવેલ હાર્ટએટેકમાં ગુજરી ગયા.કમળાબા શીલાને દીકરીથી પણ અધિક રાખતા એટલે શીલાને તેમના મરણનો આઘાત જીરવવો પણ અઘરો પડ્યો.

એવામાં પંકજના બધા મિત્રો હવે પોળ છોડીને ફ્લેટમાં નવરંગપુરા રહેવા  ગયા.પંકજે પણ એક ફ્લેટ તેમની સાથે લીધો.લગ્નને પંદર વર્ષ થઈ ચુક્યા હતા પણ શીલાને ગોદ હજુ સુની જ હતી. પંકજ શરીરે પહેલેથી જ નબળો,માંદલો અને તેના લીધે સ્વભાવે ચીડિયો હતો.એમાં તેને મિત્રોની સંગતે બીડીની આદત. તેથી શીલાને પંકજની નજીક જવાનું ગમતું નહી.સ્વભાવ ભંગી  જેવો,દેખાવ કદરુપો,અને બીડીની વાસ શીલાને જરાપણ ગમતી નહીં,એમાંય કંઈ વસ્તુ લાવતા વાર થાય તો તે શીલાને પોતાની લાકડી છૂટી મારતો.કમળાબા હતા ત્યારે આવું થતું નહીં કારણકે પંકજને તેમની સખત્ત બીક હતી. પરંતુ તેમના મૃત્યુ પછી તેને છૂટો દોર મળી ગયો હતો.આવું થાય ત્યારે શીલા કેટલાય દિવસો સુધી પોતાની માને અને કમળાબાને પોતાની જિંદગી નરક  બનાવવા કોસતી અને રડતી રહેતી.

 એવામાં પંકજને ફેફસાનું કેન્સર નિદાન થયું.ડોક્ટરનાં મોટા બિલો અને ઘર ચલાવવાનાં પૈસા ખૂટવા લાગ્યા.શીલા પાસે કોઈ બીજી ડિગ્રી કે આવડત હતી નહી.શીલા ખૂબ સ્વમાની હતી એટલે તેને કોઈની પાસે હાથ લાંબો કરવો નહોતો.એ ડોકટરનાં ત્યાં પંકજના રિપોર્ટ લેવા ગઈ હતી અને તેની જૂની બહેનપણીનો પતિ સમીર ત્યાં મળ્યો.તેની ખૂબ મોટી પાવરલૂમ્સની ફેક્ટરી હતી.તેની પત્ની શીલાની બહેનપણીને પણ નાની ઉંમરમાં કેન્સર થયું હતું તેને હવે ડોક્ટરોએ હાથ હેઠા મૂકી દીધા હતા.સમીર પણ ખૂબ દુ:ખ સાથે આ વાત શીલાને કહી રહ્યો હતો.શીલાએ સમીરને તે તેની બહેનપણીને મળવા એકાદ બે દિવસમાં જ આવશે તેમ કહી બંને છૂટા પડ્યા.

હવે થોડા દિવસથી શીલા ખૂબ ખુશ રહેતી હતી.સરસ હાલરડાં ગુનગુનાવતી ઘરના કામકાજ કરતી.પંકજ માટે સરસ નવા કપડાં લઈ  આવી હતી.તેને રોજ અવનવા મોંઘા ફળો કીવી અને પાઈનેપલનો જ્યુસ કાઢી ને પીવડાવતી.જે માણસ પોતે અંદરથી ખુશ હોય તે બીજાને પણ ખુશ રાખે.હવે તેના બહાર જવાના કલાકો પણ લાંબા થયા હતાં પણ તે પંકજને પોતે કોઈ કામ શોધી કાઢ્યું છે તેમ કહી સમજાવતી.પંકજ પણ સારી સારવાર મળતી હતી એટલે ખુશ હતો.શીલા રોજ હવે તેના કામ પર જવા નવ વાગે નીકળી જતી.સવારે ચાર વાગે ઊઠી પોતાના ઘરના કામકાજ,રસોઈ અને પંકજના બધા જ કામ પતાવી દેતી.બપોરે પણ પંકજને જમાડવા તે બે વાગે રોજ આવી ચાર વાગે પાછી જતી.ફ્લેટનાં લોકોને શીલા દિવસમાં બેવાર ઘરની બહાર રીક્ષામાં જતી જોઈ એક જ સવાલ ઊઠતો શીલા જાય છે કયાં????? અને આ વાત પર નવી કહાની બનાવી દીધી કે શીલાએ પોતાનું શરીર વેચવાનું ચાલુ કર્યું છે.

એવામાં શીલાને  એક દિવસ  કામ પર ખૂબ મોડું થઈ ગયું.જેસનને ચાર તાવ થઈ ગયો હતો તે તાવ ન ઉતારે ત્યાં સુધી તેનો જીવ ઘેર જવા માનતો નહોતો.આઠ વાગે પાછી આવતી શીલાને આજે રાત્રે દસ વાગી ગયા અને સમીર તેને ગાડીમાં મૂકવા આવ્યો અને બસ….. ફ્લેટના લોકોને તો જાણે તેમની વાતનો  પુરાવો મળી ગયો.

ફ્લેટના પંકજનાં બીડી પીવાને બહાને બેસવા આવતા મિત્રો પંકજને ખોટી કાનભંભેરણી કરતા.પંકજની પોતાની કોઈ વિચારશક્તિ કે લાંબી બુધ્ધિ હતી નહી.તેમાં આખો દિવસ ઘરમાં રહી  અને ખરાબ તબિયતથી તે ડીપ્રેશનનો શિકાર બની ગયો હતો.શીલાને ઘેર આવતા મોડું થયું અને એમાં તેને ગાડીમાં ઘેર સમીર સાથે આવી તે ખબર પડતા જ તેનો વહેમનો કીડો સળવળ્યો.

શીલા જેવી ઘરમાં આવી કે પંકજ પણ પરાણે ઊઠીને એણે શીલાને કંઈપણ પૂછ્યાવગર તેના પગમાં તેની બગલમાં રાખવાની લાકડી જોરથી ફટકારી. શીલા ત્યાં જ ચીસ પાડી ફસડાઈ પડી.પંકજ ગુસ્સા સાથે ગાળો બોલતો શીલાની ગળચી પોતાનામાં હતું તેટલા જોરથી દબાવવા લાગ્યો. શીલા તો બેબાકળી થઈ ગઈ. તેને આ પંકજને શું થઈ ગયું તે સમજ જ ન પડી. પણ અરે એટલામાં આ શું થઈ ગયું?એક પગે ઊભો થયેલ પંકજ નો શ્વાસ જ ધમણની જેમ ચાલુ થઈ ગયો.તે ચત્તાપાટ પથારીમાં પડ્યો.પરાણે સ્વસ્થ થઈને શીલા તેને માટે દવા અને ગરમ પાણી લેવા રસોડામાં ગઈ અને પાછી આવીને જોયું  તો પંકજના શ્વાસ બંધ થઈ ગયા હતા.શીલા જોર જોર થી ચીસો પાડી હૈયાફાટ રુદન કરવા લાગી. થોડીવારમાં તો ફ્લેટના લોકોથી તેનું ઘર ભરાઈ ગયું.

આરસપહાણના પૂતળા જેવી પથ્થર બની ગયેલ શીલા સુન્ન નજરે પંકજને જોઈ રહી હતી.પંકજના

મૃત્યુ અંગે પણ ફ્લેટના લોકો જેમ ફાવે તેમ મનઘડત વાતો કરતા લાગ્યા .લોકોની જીભને કયાં તાળા 

મરાય છે???

પણ વાતો કરનાર બધા પોતાની જાતને ધિક્કારવા લાગ્યા જ્યારે સમીરના નાના નાના ચાર બાળકો શીલાને રડતી જોઈને તેને વળગીને રડી રહ્યા હતા .નવ વર્ષ ,સાત વર્ષ,ત્રણ વર્ષ ની ત્રણ દીકરીઓ અને  આઠ મહિનાનો જેસન બધા ને મા જેવી માસી સાથે રડતા જોઈ લોકોએ સાચી વાત જાણી.સમીરની પત્ની શીલાની સખી  સ્નેહાના છેલ્લા સમયે જ્યારે શીલા મળવા ગઈ ત્યારે સ્નેહાની તબિયત બહુ જ ખરાબ હતી.શીલાએ પણ પોતાની વાત કરતા કહ્યું કે પોતે કોઈ કામની શોધમાં છે અને તે પંકજના  ઓપરેશન માટે પૈસા ભેગા કરવા માંગે છે ત્યારે સ્નેહાએ જ કીધું કે મારે ઘેર બાઈ અને મહારાજ છે પણ તું માસી થઈ મારા છોકરાંઓને મોટા કરી આપ.મારી પાસે ખૂબ પૈસા છે તું પંકજની દવા અને તારા ઘરખર્ચની ચિંતા ના કર.શીલાને બાળક હતા નહીં અને તેને બાળકો ખૂબ ગમતા. તે પોતાના બાળકોની જેમ આ ચારે બાળકોને રાખતી.તેનું પોતાના બાળકો પ્રત્યે આવું વ્હાલભર્યું વર્તન જોઈ સ્નેહા પણ શાંતિથી મૃત્યુ ને ભેટી.સમીર પણ આઠ વાગે નિશ્ચિંત થઈ ફેક્ટરી જઈ શકતો.તે શીલાને પણ પંકજની દવાદારૂ ને ઘર માટે છૂટથી પૈસા આપતો.

પણ લોકોની વાતો સાંભળી પંકજે પોતે જ પોતાનો જીવ ખોયો.સદાથી દુખિયારી  શીલા  પથ્થર બની ભગવાનને પૂછી રહી હતી પ્રભુ મારા કયા પાપની સજા તમે મને આપી રહ્યાં છો????ફ્લેટનાં બધા લોકો મનોમન શીલાની વાત કરવા બદલ પસ્તાઈ રહ્યા હતા …..પણ હવે શું??????

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to સંવેદનાના પડઘા- ૨૧ શીલા રોજ જાય છે કયાં?

 1. Vijaydshah says:

  navalkathaa lakhy tevo plot.

  Liked by 1 person

 2. આભાર વિજયભાઈ,ચાલો ત્યારે લખી નાખીએ નવલકથા😆

  Like

 3. જીગીષા,

  જીવનના ચઢાવ – ઉતાર રોલરકૉસ્ટર જેવા હોય છે. શીલા જેવા કેટલાય વ્યક્તિઓ માત્ર સંજોગોને આધિન હોય અને સંજોગો જેમ દોરવે એમ દોરાયા જવું એ જ એમની તકદીર હોય ત્યાં અને ત્યારે તાલમેલ જાળવીને જીવનારા લોકો માટે સમજ્યા વગર પણ અભિપ્રાય બાંધી લેનારા લોકોની કમી હોતી જ નથી.
  આ આખી વાતની વાર્તા રૂપે રજૂઆત સરસ કરી છે.

  Like

 4. સરસ વાર્તા જિગીષાબેન

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s