વાત્સલ્યની વેલી ૧૮) આત્મવિશ્વાસ અને બાળક!

વાત્સલ્યની વેલી ૧૮) આત્મવિશ્વાસ અને બાળક!

તમે ક્યારેય કોઈ નવજાત શિશુનાં માતા પિતાને શાંતિથી નિહાળ્યાં છે ? બાળક જન્મે અને પછી પેલાં નવાં નવાં બનેલ માં બાપ નો ઉત્સાહ જરા સમે એટલે હવે એ લોકો મોટી ચિંતામાં ડૂબી જાય ! આટલું નાનકડું બાળક! અને પૂરેપૂરું મા ઉપર જ આધાર રાખે !! આ તો મોટી જવાબદારીનું કામ આવી પડ્યું !હવે એ બાળકને કેવી રીતે ઉછેરવું ? એનાં જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે ભરી દેવી ?

મા બાપ વિચારશે; “એને ભવિષ્યમાં શું બનાવીશું ? શું શીખવાડશું? ક્યાં ગુણો એનામાં ખીલવશું ? “ દેશમાં વળી એક વધારાનો પ્રશ્ન : એને ગુજરાતી મીડિયમમાં ભણાવશું કે અંગ્રેજી? અને આ બધા પ્રશ્નો તેમની ઉંઘ ઉડાવી દે !અને તેમની એ ચિંતા ખોટીયે નથી જ ! આપણે ગાડી લેવા જઈએ તો તેની સાથે ગાડી કેવી રીતે વધુ સમય સુધી સારી હાલતમાં રહે તે માટે ગાડીનું મેન્યુઅલ પણ આપે ! કોઈ સાધન કે મશીન લેવા જઈએ તો તેની રચના અને સંભાળ બાબતની પુસ્તિકા પણ તેની સાથે આપે! પણ બાળક આવી કોઈ પુસ્તિકાઓ લઈને જન્મતું નથી ! પણ હું તો જાણે કોઈ વેદ વ્યાસ કે મન્વન્તર મનુ ની જેમ બાળ ઉછેરની ફોર્મ્યુલા શોધતી હતી !

નવેમ્બર ૧૯૮૮ માં અમે દેશમાં આવ્યાં ,પણ પાછાં ફરીને જાણે કે તરત જ સ્કૂલ શરૂ કરવાનાં હોઈએ તેમ ઉત્સાહમાં ઘૂમતાં હતાં! ડે કેર માટે પેરેન્ટ્સ હેન્ડબુક પણ છપાવવી હતી ! આપણાં સંતાનોને જો માત્ર એક જ કલા શીખવાડવી હોય તો તે કઈ હોય? મારો આ સતત મન સાથેના વાર્તાલાપનો પ્રશ્ન હતો ! અમેરિકામાં કે ભારતમાં : બધી જગ્યાએ જે જડી બુટ્ટીની જેમ કામમાં આવે તેવો કયો ગુણ હતો જે વિષે મારે મારા ડેકેર સેન્ટરની ફિલોસોફી બુકમાં લખવું હતું ! ભગવાન બુદ્ધનાં માતા પિતાની જેમ મારે પણ મારી બાલવાડીનાં બાળકોને ટાઢ તાપ ; દુઃખ દર્દથી મુક્ત રાખવાં હતાં! એ અરસામાં બે ત્રણ વર્ષનાં બાળકને નાનપણથી જ પોપટીયું જ્ઞાન આપવાની પ્રથા હતી! તો નાનકડાં બે અઢી વર્ષનાં બાળકને મોટા ભાગે ટોયલેટ ટ્રેઈન કરવા માં બાપ ઉત્સુક હોય ! કોઈની ઈચ્છા હોય કે બે ત્રણ વર્ષનું બાળક અન્ય બાળકો સાથે હળી મળીને રમતાં શીખે ! તો કોઈ મા પોતાનાં બાળકને જાતે જમતાં , જાતે પોતાનાં કામ કરતાં શીખે એમ ઈચ્છે ! હું અમારી સ્કૂલનો હેતુ અને ધ્યેય વિષે સ્પષ્ટતા કરવા ઇચ્છતી હતી ! મેં દેશમાં જોયું કે ત્યાં તો વધુ પડતી વસ્તીને લીધે બધાં જ ક્ષેત્રે તીવ્ર હરીફાઈ હતી! જાણે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડે !

એક રાત્રે મારી બાને મેં અમારાં સંતાનોને વાર્તા કહેતા સાંભળી ! સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા!! પંચ તંત્રની આ વાર્તામાં સંદેશો ભરપૂર ભર્યો હતો !ઉંદરને સાત પૂંછડી હતી એટલે બધાં એને ચીડવતાં હતાં! એણે એક પછી એક પૂંછડી કપાવી નાંખી ; તો પણ બધાનું ચીડવવાનું ચાલું જ રહ્યું!

“ લોકો તો બોલે ! ગામને મોઢે ગરણું ના બધાંય! બાએ સમજાવ્યું ; “ઉંદરે બધી પૂંછડીઓ કપાવી નાંખી! એને થયું કે હવે તો બધાં એની સાથે પ્રેમથી ભાઈબંધી કરશે ! પણ ના રે ! બધાંએ તો એને વધારે ખીજવ્યો ; ઉંદર બાંડો!” તો છોકરાંઓ , તમે જ કહો ઉંદર શું કરે?” બાએ સમજાવ્યું ;”આપણે જે કરવું હોય તે આત્મ વિશ્વાસથી કરવાનું !” મને ક્રિશ્ચમસ પરનું રુડોલ્ફ ધ રેડ નોઝ રૅડિટરનું ગીત યાદ આવી ગયું ! દરેક સંસ્કૃતિમાં આવાં આત્મ વિશ્વાસને વધારતાં બાળગીતો ને વાર્તાઓ છે! પાછળથી તો મેં આ વાર્તાની સર્કલ ટાઈમ રમત બનાવેલી અને ઘણાં વર્ષો અમારી સમર પાર્ટીમાં આનું નાટક પણ બાળકો કરતાં! આ જ વાર્તા બુક પ્રોજેક્ટમાં પણ ઘણી વાર વણી લીધી છે!

મેં બાળકનો આત્મવિશ્વાસ દ્રઢ થાય તે વિષયને પ્રાધાન્ય આપ્યું ! આત્મવિશ્વાસ પછી ઉદ્ધતાઈમાં પણ પરિણમે જો બાળકને યોગ્ય માર્ગદર્શન ના મળે તો! આત્મવિશ્વાસ તો જ વધે જો બાળકને એનાં કાર્ય બદલ પ્રોત્સાહન મળે તો! એનાં નાનકડાં પ્રયત્નને બિરદાવીને પરિણામનો સ્વીકાર કરતાં શીખવાડવું એટલે આત્મવિશ્વાસને નર્ચર કર્યું કહેવાય ! અને આપણે ત્યાં તો આત્મવિશ્વાસને દ્રઢ કરવા કહેવતો ય ઘણી છે! ઘોડે ચડે એ પડે! એટલે કે કાંઈ નવું કરીએ તો પછડાઈ પણ જવાય! પણ પ્રયત્ન જરૂર કરવો! જે ઘોડે ચઢે એ જ તો પડે !

વળી દરેક વ્યક્તિમાં કૈક તો સરસ છે જ!આપણે એને બહાર લાવીને બાળકને એ ગુણ માટે બિરદાવવાનું છે! ન્યુયોર્કનીFran Capo ફ્રેન કાપોને એક વાર રેડિયામાં સાંભળેલી ,તે વિષે આપણી વત્સલયની વેલીના વાચકોને જણાવું : એક વાર ફ્રેન ઘેર એમ જ બેઠેલી જયારે તેનો મિત્ર જે કોઈ રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર હતો એણે ફ્રેનને રેડિયા પર કાંઈક બોલવાનું કહ્યું! “ હું શું બોલું ? મને તો કાંઈ આવડતું નથી ! હું કશાયમાં એવી હોશિયાર નથી!” એણે વિચાર્યું . પણ એના મિત્રે કહ્યું કે ગમે તે શોધી કાઢ ! તને કાંઈક તો એવું આવડતું હશે, વિચાર કર અને એક કલાકમાં સ્ટુડીઓમાં આવી જા! ફ્રેને વિચાર્યું કે એની મમ્મી કાયમ એને ટકોરતી હોય છે, કે ફ્રેન તું બહુ ઝડપથી બોલે છે! સહેજ ધીમે બોલ !

“બસ ! મેં નક્કી કર્યું કે હું ખુબ ઝડપથી બોલી શકું છું ! આ મારી વિશેષતા છે!!” ફ્રેને એ રેડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું! ‘દરેક વ્યક્તિમાં કાંઈક તો વિશેષતા હોય છે જ’

મેં પણ બધાં બાળકોમાં કાંઈક વિશિષ્ટ છે એમ એવોર્ડ દિવસ ઉજવવાનું નક્કી કર્યું!

મેં અમારી બાળ વાડીના બંધારણનું કામ પૂર જોશમાં શરૂ કર્યું હતું! સમયના પ્રવાહમાં ઘણું વિસરાઈ ગયું હશે , ઘણું આઉટ ડેટેડ પણ લાગે ; ઉંમર સાથે વિચારોની પકવતા આવતી હોય છે! એ વર્ષોમાં મારા વિચારોમાં એટલી પકવતા કે ઉંડાણ નહોતા ! સ્કૂલ શરૂ કર્યા બાદ પહેલે જ વર્ષે એક સમજુ અને સાલસ સ્વભાવનાં દંપતીએ મને કહ્યું હતું ;” અમારે અમારાં જોનાથાનને માનવતા અને પ્રેમના પાઠ શીખવાડવા છે ! એ કાંઈ પણ બને – કે ના બને, અમને તો જોનાથન દિલથી વ્હાલો છે અને રહેશે ! અમારે એના ઉપર કોઈ જ દબાણ નથી નાખવું !”

પણ આશ્ચર્યની વાત તો એ છે કે સાચું સમજીને જે કરતાં હોઈએ છીએ તે ઘણી વાર તદ્દન વિરુદ્ધ પણ હોય છે!

અને એક દિવસ આવ્યો જયારે દેશમાંથી આવીને , તહેવારો પૂરાં થયા પછી શુભ દિવસ જોઈને અમે શિકાગો ડાઉન ટાઉનમાં ડે કેર સેન્ટરની અરજી કરવાં ઊપડ્યાં! કદાચ અમારાં જીવનનો સૌથી વિચિત્ર દિવસ, સૌથી વધારે હતોત્સાહ કરે તેવો અંધાર સમય હવે શરૂ થવાનો હતો.. આજે વિધિ વશાત દેશમાંથી આ લખી રહી છું.. ત્રીસ વર્ષ પૂર્વે સમય પણ આવો જ હતો.. માત્ર ફર્ક એટલો જ કે ત્યારે વાત્સલ્ય વેલડીને ઉછેરી રહેલ હું આજે એ વેલડીનું સુંદર લતામંડપ જોઈને નિશ્ચિંન્ત છું, જયારે એ દિવસો જીવનના અતિ ચિંતિત દિવસો હતાં! આવતે અંકે એ અભિમન્યુના સાત કોઠાના પ્રવેશની વાત!!

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

2 thoughts on “વાત્સલ્યની વેલી ૧૮) આત્મવિશ્વાસ અને બાળક!

  1. આજના લેખમાં મનને સ્પર્શે એવી એક વાત ..
    બાળક કે કોઈપણ વ્યક્તિ જીવનમાં કાંઈ બને કે ના બને પણ માનવતા અને પ્રેમના પાઠ શીખી એને જીવનમાં ઉતારે એ સૌથી મહત્વનું છે.

    Liked by 1 person

    • You are right, Rajulben !આજે તો સમાજમાં જ્યાં નજર કરીએ ત્યાં બસ દોડાદોડી અને દેખાદેખી જ જોવા મળે છે ! બધાં મા બાપ બાળકોને કાંઈક બનાવવા માટે સવારથી સાંજ આ ક્લાસ – તે ક્લાસ; સંગીત લેસન કે સ્પોર્ટ ટીમ, પિયાનો કે ગિટાર ક્લાસ કે કરાટે કે જિમ્નાસ્ટિક ક્લાસ- એમ છોકરાંઓ ઉપર પ્રેસર લાવીને બાળકને પણ સ્ટ્રેસમાં મૂકી દે છે! સાચી વાત તો એ છે કે આ બધી દોડાદોડી અને હાયવોયમાં બાળક પ્રેમ અને હૂંફ , માનવતા અને વડીલોને માન આપવાની પાયાની વાતો ભૂલી જાય છે! જો કે મેં એવાં પણ થોડાં પેરેન્ટ્સ જોયાં છે આ ત્રણ દાયકામાં જેઓ મહત્વકાંક્ષા નહીં પણ માનવતાને પ્રાધાન્ય આપતાં હોય ! જેઓ પાસે પૈસા સાથે પ્રામાણિકતા અને પ્રેમ પણ હોય! ને એવાં વિરલાઓની વાત પણ આગળ ઉપર આવશે !Thanks !

      Liked by 1 person

Leave a Reply to Rajul Kaushik Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.