૨૧ -કવિતા શબ્દોની સરિતા

તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ
સબસે હિલમિલ ચાલિયો નદી-નાવ-સંજોગ….

વાત બહુ સીધી અને સરળ છે પણ સમજીએ તો ગહન પણ એટલી જ છે અને સ્વીકારી લઈએ તો સુખ જ સુખ પણ આ ભાતભાતકે લોગમાં ય આપણે કેટલા લોકો સાથે હળી-મળીને રહીએ છીએ? અરે! સાવ આપણાં જ પોતાના સાથે સંપૂર્ણ સંમત નથી થઈ શકતા તો સ્વીકારી લેવાની વાત જ ક્યાં?

આપણે હંમેશા નહીં તો મોટાભાગે પણ સામેની વ્યક્તિમાં ક્યાંક કશુંક બદલવાની કોશિશમાં જ હોઈએ છીએ . કાયમ આપણે સામેની વ્યક્તિને આપણા ઢાંચામાં ઢાળવા માંગીએ છીએ. આપણા ગમા-અણગમા મુજબ એ વર્તે એવું ઈચ્છીએ છીએ અને આપણા પગ નીચે રેલો આવે તો કહી દઈએ કે ભઈ, હવે આ મોડલમાં કોઈ ચેઈન્જ નહી થાય. હું જેમ છું એમ જ રહીશ. જેમ છું એમ જ મને સ્વીકારો.. આ સત્ય સૌથી વધુ તો પતિ-પત્નિને લાગુ પડે છે.

અને તેમ છતાં આ એક સત્ય પણ એટલું જ લાગુ પડે છે કે પતિ-પત્નિનો સંબંધ જ સૌથી છેવટ સુધીનો. આ વાત લગભગ મોટાભાગના લોકો માટે હકિકત છે. આપણા જીવનમાં આવતી પ્રત્યેક વ્યક્તિઓમાં જો પસંદગીની અગ્રતા આપવાનું કહેવામાં આવે તો આપણે કોને આપીશુ?

આ અંગે અહીં એક વાત કહેવાનું મન થાય છે.એક પતિ-પત્નિને ઘણાં સમય પછી અનેક બાધા આખડીઓ અને તબીબી સારવાર ફળી અને સંતાનયોગ પ્રાપ્ત થયો.પુત્ર  જન્મ પછી પત્નિ તો માત્ર મા બની ગઈ. પુત્ર પર જ ઓળઘોળ..એટલી હદે પુત્રમય થતી ગઈ અને પતિ હાંસિયામાં ધકેલાતો ગયો. એની એક એક ક્ષણ માત્ર અને માત્ર પુત્ર માટે જ. દિકરો મોટો થતો ગયો એમ એમ એની પાછળ એ વધુ ને વધુ રોકાતી ચાલી. ક્યારેક તો આ મન્નતથી  માંગેલા માટે મનના માણીગર સાથે વાક્-યુધ્ધ કે અબોલા સુધી વાત પહોંચી જતી. સાવ ખુલ્લી આંખે એનો પુત્ર પ્રત્યેનો સ્નેહ સૌને દેખાઈ આવતો.

એક દિવસ કોઈએ એને પૂછ્યું…“ભવિષ્યમાં કોઈ એકની જ સાથે રહેવાનો નિર્ણય લેવો પડશે તો તું કોની સાથે રહીશ? તું કોની સાથે હોઈશ?

ક્ષણનાય વિલંબ વગર પત્નિએ કહી દીધું “ સાથ તો જીવનના અંત સુધી તો પતિનો જ હોય ને. કેમ કોઈ શંકા છે?”“અરે?” ..પ્રશ્ન પૂછનારને તો  કંઇક જુદા અને એણે ધારેલા જવાબની અપેક્ષા હતી પણ એને બદલે અનપેક્ષિત જવાબ સાંભળીને આશ્ચર્ય વધુ થયું. પૂછનારનું આશ્ચર્ય જોઈને પત્નિએ ખુબ સરસ જવાબ આપ્યો..“મને ખબર છે આજે મારા માટે મારો દિકરો કેન્દ્ર સ્થાને છે કારણક આજે એ મારા પર નિર્ભર છે. કાલે એ સ્વનિર્ભર થશે. આજે એ મારી દુનિયા છે. કાલે એની દુનિયામાં અન્ય કોઈનો પ્રવેશ થશે.એની પ્રાયોરિટી બદલાઈ જશે. એની ક્ષિતિજો વિસ્તરશે ત્યારે એના કેન્દ્ર સ્થાને અન્ય કોઈ હશે. એ અમારી સાથે હશે, અમે એની સાથે રહી શકીશું તો એને અમારા ભાગનું સુખ માનીને સ્વીકારી લઈશું. સાથે નહીં હોય તો એ વાસ્તવિકતાને પણ સ્વીકારવાની તૈયારી છે જ પણ જેની સાથે છેડાછેડી બંધાઈ છે એ તો જીવનના અંત સુધી બંધાયેલી રહેશે જ. એ જ મારું સત્ય છે.”

આ સત્યના સ્વીકાર સાથે જ જીવેલું જીવન એના અંત સુધી મઝાનું રહેશે.વધતી જતી ઉંમર સાથે એકબીજા પરત્વે- એકબીજા પ્રત્યે આપણે વધુ ને વધુ સજાગ બનતા જઈએ છીએ. આપણી જાત કરતાં ય વધુ જીવનસાથીની ચિંતા કરતાં થઈ જઈએ છીએ. પહેલાં બહાર ગયેલી વ્યક્તિ ઘરે પાછી આવે ત્યાં સુધી એની રાહ જોવામાં મીઠ્ઠી અધીરાઈ રહેતી એમાં હવે ઉચાટ ભળે છે. પહેલાં એને આવતા વાર લાગતી તો આપણો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. હવે જો આવતા મોડું થાય તો ચિંતાથી પ્રેશરનો પારો ઊંચે ચઢવા માંડે છે.બહુ જ હસવા જેવી વાત છે પણ હકિકત હસવામાં કાઢવા જેવી નથી. રાત્રે પતિના નસકોરાંથી ઊંઘ ઊડી જતી હોય એવી પત્નિને હવે પતિના નસકોરા ન સંભળાય તો ઊંઘ ઊડી જાય છે. ઉંમર જતાં જો પતિના જો નસકોરાં ધીમા પડે કે શાંત પડે તો ચિંતાના લીધે ઊંઘમાં ખલેલ પહોંચે છે. ચિંતાથી જાગીને એ પતિને હડબડાવીને પૂછી લેશે ..”બધુ બરોબર છે ને? કેમ ઊંઘ નથી આવતી? ના..આ તો જરા નસકોરા ના સાંભળ્યાને એટલે પૂછી લીધું”

શું છે આ બધું ?

વર્ષો પહેલાં એકબીજાને બદલવાની કોશિશ કરતાં કરતાં વર્ષોના સાથ પછી એકબીજાથી ટેવાતા જઈએ છીએ. પહેલાં સામેની વ્યક્તિને બદલવાના આયાસો નિષ્ફળ જાય તો અકળાઈ જતાં હવે એની આદત બદલાય તો અનુકૂલન સાધવાનું અઘરુ પડે છે. એને એની તમામ સારી-નરસી, સાચી-ખોટી આદતો સાથે સ્વીકારી લેવાની આપણને ટેવ પડતી જાય છે અને એનું કારણ પણ આપણે જાણીએ છીએ કે

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ,એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આ છેલ્લી ઘડીના સાથનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે સાચે જ એકલા પડવાનો એહસાસ મનમાં જાગે છે.

નસીબદાર છે એવા કેટલાય કે જેમની છેલ્લી ઘડીએ પણ એમનો પરિવાર સાથે હોય છે. બાકી તો ઘણાં ય એવા છે કે જેમણે સ્વીકારી લીધું છે કે હર્યો-ભર્યો માળો છોડીને પોતાનું આકાશ આંબવા ઉડી ગયેલા પક્ષીઓ પછી એ માળાના  તણખલા સાચવતા આપણે બે જ હોઈશું. વર્ષોથી ચાલતા આવતા રીસામણા-મનામણા અને લાડ માટે પણ છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખોની રોશની ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે ત્યારે એકમેકનો હાથ ઝાલવા પણ આપણે બે જ હોઈશું અને અંતે


     સાથ જ્યારે છૂટતો જશે,વિદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે પણ આપણે બે જ હોઈશું.

Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

4 thoughts on “૨૧ -કવિતા શબ્દોની સરિતા

  1. આ લેખથી ઘણાને સજાગ કરી દેશો. રાહ ભુલેલા પથિકોના રસ્તાપર પ્રકાશ પાથરી દેશો! ડુંગર તો દુરથી જ લાગે રળિયામણા એ યાદ કરાવી દેશો! વગેરે વગેરે…આમ અમને સજાગ કરતા રહેશોને? આભાર સાથે-‘ચમન’

    Like

  2. જીવનમાં બીજા નજીકના અનેક સંબંધ છે .પરતું પતિ-પત્નીનો સંબધ લોહીનો નથી છતાં કેવો અનોખો છે ! જીવનના અંત સુધી એજ આપણી સૌની નિકટ હોય છે.તે સંબધ જેટલો મધુર એટલું જીવન મધુર….

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.