૧૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં

આપ એટલે શું? આપ એટલે પોતે, પોતાની અંદર રહેલો આત્મા, રામ, ઇશ્વર. બળ માટે સ્વાધ્યાય જરૂરી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એટલે કે જે કંઇ ક્ષણભંગૂર, મિથ્યા કે અસત્ છે તેમાંથી આપણને મુક્તિ અપાવે, આપણી ગાંઠો છોડાવે, તોડાવે તેવાં જ્ઞાનથી માણસ વધુ બળવાન બને છે. આપ મેળે અધ્યયન કરી શ્રધ્ધા, એકાગ્રતા, સમર્પણ ભાવ, શ્રમપરાયણતા અને સત્યાગ્રહવૃત્તિ કેળવવી જરૂરી છે. નેપોલિયન આલ્પ્સ પર્વત ઓળંગી શક્યો એમાં સંકલ્પશક્તિનું બળ હતું. સંકલ્પ સાથે “કાર્ય સાધયામિ દેહમ્ પાતયામિ વા”, એવો જુસ્સો રહેવો જોઈએ. બીજા દ્વારા સ્વાધ્યાયનું કામ કરાવવુ એ જાતે ભક્તિ કરવાને બદલે કોઈને પગારે રાખીને ભક્તિ કરાવવા જેવી વાત છે. હા, અન્ય પ્રેરકબળ માણસને ઘડવામાં મદદ કરે છે પરંતુ પોતાની જાત જેવું પ્રેરકબળ એકેય નથી. પરિસ્થિતિ બદલાતી નથી પરંતુ મનઃસ્થિતિ બદલવાની શક્તિ માણસમાં હોય છે. તે જ તેનું બળ બને છે. જેને કારણે ગમે તેવા સંજોગો સામે વ્યક્તિ અડીખમ રહી શકે છે.

જેને કંઈક કરવું છે તે પોતાનાં સ્વાધ્યાય યજ્ઞમાં અનિષ્ટોને દૂર કરવા પુરુષાર્થ કરીને ઝઝૂમે છે. ગોખલે, સરદારપટેલ, અબ્રાહમ લિંકન, એ. પી. જે. કલામ જેવી વ્યક્તિઓ તેમના જીવનમાં આવતાં ભૌતિક અવરોધોને ગાંઠતાં નહીં, પરિસ્થિતિ સામે હાથ જોડીને બેસી રહેતાં નહીં. તેઓ જીવન સામે ઝઝૂમીને પોતાનાં જીવનનાં પોતે જ ઘડવૈયા બન્યાં. “આપણે જ આપણાં ઘડવૈયા”. ઈતિહાસમાં આવાં અનેક ઉદાહરણ છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નબળો સુથાર જ તેનાં વાંસલા વિંધલાનો વાંક કાઢે છે તેમ પોતાની કાયરવૃત્તિ કે દૈત્યવૃત્તિને, વાંધાવિઘ્નોને છતી આંખે આંધળા અને છતે પગે પાંગળા જેવો ઘાટ ઘડનારનું આમાં કામ નહીં. અર્જુનના મુકાબલે “સિદ્ધિ એકલવ્યને જઈને વરી હતી. તેના માટે આપમાં રહેલાં આપને જગાડવો જ રહ્યો. કહેવાય છે, સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય”. મનુષ્ય અને પ્રાણીઓમાં એક તફાવત સાહસનો છે. હજારો વર્ષોથી પ્રાણી જે જાતનું જીવન જીવતું હોય છે એ જ જાતનું જીવન તે આજે પણ જીવ્યા કરે છે. કાગડો ઊંચે માળો બાંધે અને તેતર જમીન પર, ખિસકોલી ઝાડ ઉપર રહે અને ઉંદર જમીનમાં દર બનાવે છે. કુદરત ફરજ ના પાડે ત્યાં સુધી પ્રાણી કોઇ ફેરફાર પોતાની ઇચ્છાથી કરતું નથી. જ્યારે માણસમાં સાહસ છે, નવું કરવાની વૃત્તિ છે, કુતૂહલ છે. “આપો દીપો ભવઃએટલે કે અંતરનું અજવાળુ આપણું પથદર્શક બને તે જરૂરી છે. ચિનગારી આપણી ભીતરમાં ભારેલી હોય છે. માત્ર જાગૃતિની એક ફૂંકની જરૂર હોય છે.

મેઘ સમાન જળ નહીં“, મેઘમાં એ શક્તિ છે કે જ્યારે તે ખાંડાની ધારે વરસે ત્યારે સ્થળને જળમાં ફેરવતાં વાર નથી લાગતી. ખાંડાનાં ખેલ ખેલવા એ માર્ગ કાયરનો નથી. આપને જગાડવાની વાત છે. આ વાત માતૃભૂમિ માટે શહીદ થનારને લાગુ પડે છે. “પરથમ પહેલું મસ્તક મૂકી૪૪ ભારતીય જવાનો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ બન્યાં છે. આજે ભારત દેશમાં આતંકની હોળી પ્રગટી છે. આતંકની ઉધઈ સમગ્ર વિશ્વમાં ના પ્રસરે તે જોવાનું કામ દરેક વ્યક્તિનું છે. રાવણવૃત્તિ ધરાવનાર આતંકવાદીઓનાં આતંકનાં રાક્ષસને બાળવા માટે આપમાં રહેલાં રામને જગાડવો જ રહ્યો. વાત આંતરજાગૃતિની છે. “આતંકવાદીઓકો માફ કરના કે નહીં, ઈશ્વરકા કામ હૈ, લેકિન ઉનકો ઇશ્વરસે મીલાના હમારા કામ હૈ.” આ તમામ ભારતીયોના અંતરાત્માનો ચિત્કાર છે. આપમાં રહેલો આપ જાગે છે ત્યારે તેનો જુવાળ રાવણ જેવા રાક્ષસોનું નિકંદન કાઢવા માટે તૈયાર હોય છે. આતંકવાદીઓની લોહીયાળ ચાલ સામે ભારતીય સૈનિકોનો આત્મા ખલબલી ગયો છે. હાથ બાંધીને દોડાવો તો દોડી ન શકાય. ગન આપી હોય પણ બુલેટ વગર શું થાય? પરિણામે હાલમાં ભારતનાં પી. એમ.એ સૈનિકોને છૂટો દોર આપ્યો છે. શ્રી કૃષ્ણે પણ શિશુપાલની સો ગાળ જ સહન કરી હતી. એકસોએકમી ગાળે શિશુપાલે વધેરાવું પડ્યું હતું. લોકો કહે છે હવે તો “એક ઘા ને બે નહીં, અનેક કટકા અને રાષ્ટ્રાર્પણ.

શહીદ પિતાની અંતિમવિધિમાં પાંચ વર્ષના માસૂમે આતંકવાદીઓને ધમકી આપી, “મને બંદૂક આપો, હું આતંકીઓને નહીં છોડું”. હમણાં, અમદાવાદમાં એક કાર્યક્રમમાં બાળકો સ્ટેજ પર તીરંગામાં લપેટેલું શહીદનું કોફીન લઈને આવે છે અને બોલે છે, “અગર તીરંગા નહીં લહેરા સકે તો તીરંગામે લપટ કર આયેંગે હમ”. આવાં જોશીલા દેશભક્તિ માટેનાં પ્રેરક વાક્યો બાળકોને બોલતાં જોયાં ત્યારે લાગે છે કે આતંકવાદીઓને જડબાતોડ જવાબ ભારતીય સૈનિકનું બળ જરૂરથી આપશે. આતંકવાદીઓને ખબર નથી કે એક ચિનગારી જંગલોનાં જંગલ બાળી શકે છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, “તમારી પાસે જે છે તેમાંથી આપો એ ખરું દાન નથી, તમે ખુદને અર્પણ કરો એ ખરું દાન છે”. આજે ભારતનાં સૈનિકોએ એ કરી બતાવ્યું છે. હવે “આપ સમાન બળ નહીં” એ ચાણક્યનીતિ અપનાવવી રહી. હાલની ભારેલા અગ્નિ જેવી ભારત દેશની સ્થિતિ આ કહેવત સાચી પાડશે. શહીદો અને તેમનાં પરિવારજનોની કુરબાની એળે નહીં જાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.