૧૯ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી, ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વૃક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યૌવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલછલ છલકતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ. વસંત એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલી ઉઠેલું, મઘમઘતી સુવાસથી મહેંકી ઉઠેલું, ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકતું વાતાવરણ.

વસંતના આગમનની છડી પોકારતી હોય એવી પીળી સરસવ અને પીળો ધમરક ગરમાળો, કેસરિયો કેસૂડો,  લાલચટક ગુલમહોર લહેરાવા માંડે જાણે ઈશ્વરે રંગછાંટણાથી-રંગોના લસરકાથી પૃથ્વીને, પૃથ્વીના તત્વોને સજાવવાનું શરૂ કર્યું. આ રંગછટાને લીધે જ વસંતપંચમીને રંગપંચમી પણ કહી હશે ને? જાણે ચારેકોરથી એકધારા સૂક્કા ભઠ્ઠ ઝાડમાં જીવ આવ્યો અને રંગીની છવાઈ. પિયુને જોઈને આળસ મરડીને બેઠી થયેલી નવયૌવનાની જેમ એનામાં પણ જાણે સંચાર થયો.

હવે કોઈને પણ એમ થાય કે હજુ તો આ કડકડતી ઠંડીમાં ઝાડ પર પણ જ્યાં ને ત્યાં સ્નોના તોરણો લટકતા હોય ત્યાં કેવી વસંત અને કઈ વસંત? પણ ના સાવ એવું ય નથી હોં કે…..

આજે સવારે ઉગમણી દિશાએથી રેલાતા સૂરજના સોનેરી કિરણોમાં મારા ઘરના કૂંડાંમાં રોપેલા તુલસીના રોપા પર માંજર લહેરાતી જોઈ અને સાથે જાંબુડિયા રંગના ઝીણા ઝીણા ફૂલો જોયા. અહો આશ્ચર્યમ….. વાસંતી વાયરાની શાહેદી આપતા આ નાજુક પુરાવાએ મન પ્રફુલ્લિત કરી દીધું અને ખબર પડી કે વસંત આવી રહી છે બાકી તો અહીં    

રેડિયો પર ફાગણના ગીત વાગે ને

શહેરના મકાનોને ખબર પડે કે

આજે વસંતપંચમી છે.

એવા હાલ હોય … 

પણ ના, આ નાનકડા રોપા પર ડોકાતી માંજર અને પેલા જાંબુડી રંગના ઝીણા અમસ્તા-ટબુકડા ફૂલોને જોઈને લાગ્યું કે અહીંની સ્પ્રિંગને ભલે કદાચ થોડી વાર હશે પણ આપણી વસંત તો નજર સામે લહેરાઈ રહી છે. સવારે આવીને જાંબલી રંગે મઢેલા પરબીડિયામાં કોઈ મારા ઘરમાં વસંત સરકાવી ગયુ અને ઘરમાં સરકેલી વસંત જોઈને વિશ્વાસ બેઠો કે હવે ઘરની બહાર પણ એને આવકારવાની ઘડી ઝાઝી દૂર નથી અને સાચે જ મનમાં રાજીપો છવાઈ ગયો..

કહે છે કે વસંત પંચમી એટલે પ્રકૃતિનો ઉત્સવ અને ત્યારે વિચાર આવ્યો કે આજનો માનવ એટલો સંવેદનશીલ રહ્યો છે ખરો? પ્રકૃતિમાં રેલાતી ચેતનાને માણવા જેટલી ફુરસદ એને છે ખરી? પ્રકૃતિને માણવાની સંવેદનશીલતાની વાત છોડો એની ફિતરતને સમજવા જેટલી સહિષ્ણુતા ય રહી છે ખરી?

હમણાં જ અતિશય ઠંડીમાં ઠરી ગયેલા લોકો માટે એક હળવો મજાકભર્યો મેસેજ જોયો…

“ઠંડીને અત્યારે આનંદથી માણી લ્યો સાહેબ, અત્યારે મફત મળે છે,

બે-ત્રણ મહિના પછી એના માટે પૈસા ચૂકવવાના જ છે…..”

વાતમાં મજાકનો સૂર છે પણ વાત વાસ્તવિક જ છે. આપણે  તો ભઈ એટલા તો અસહિષ્ણુ થઈ ગયા છીએ કે બધુ જ માફકસરનું જ ખપે, ન જરાય ઓછું, કે ન જરાય  વધારે. ઠંડી હોય કે ગરમી સહન થાય એટલી માફકસરની જ ખપે છે. વરસાદ ન આવે તો આપણે એટલા તો અધીરા… અને આવે તો કહીશું, “ખમૈયા કર બાપલા…હવે તો અટકવાનું નામ લે ભઈસાબ” આપણે તો કુદરતને પણ આપણે આપણી મરજી મુજબ જ આવકારવી હોય છે. આપણી સગવડે જ સાચવવી હોય છે.

અને પછી પાછી પ્રકૃતિ પર મહેરબાની જોઈને ઈશ્વરને આપણે ફરીયાદ પણ કરવી હોય છે કે 

“માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વંસત આપી હોત તો?” 

કદાચ મનુષ્ય માટે

ખુદાને પહેલેથી જ નફરત હશે

નહી તો એણે પ્રકૃતિને જે રીતની જવાની આપી છે

એ રીતની મનુષ્યને પણ આપી હોત….

પ્રકૃતિને ઈશ્વરે જે રીતે પોતાની કૃપાથી નવાજી છે…દર વર્ષે જૂના પત્તાં ખરીને નવાં ફૂટે છે, નવી માંજર, નવી કૂંપળો, નવા ફૂલો આવે છે. વસંત આવે ને આખું ઉપવન મહેંક મહેંક. પક્ષીઓ ચહેક ચહેક… ત્યારે લાગી તો આવે જ ને કે અરે આપણે ઈશ્વરની આ કૃપાથી વંચિત કેમ?

કારણ માત્ર એટલું જ કે આપણે માત્ર આપણાં માટે જ જીવીએ છીએ, પ્રકૃતિની માફક બીજા માટે નહીં. જે ક્ષણથી આપણે અન્ય માટે જીવતા કે વિચારતાં પણ શીખીશું એ ક્ષણ જ આપણી વસંતપંચમી, એ ક્ષણથી જ આપણા જીવનની ક્ષણે ક્ષણે વસંતોત્સવ.

કાવ્ય પંક્તિ

શ્રી સુરેશ દલાલ / શ્રી ચંદ્રકાંત બક્ષી

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

8 thoughts on “૧૯ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

 1. રાજુ,જે ક્ષણથી આપણે બીજા માટે જીવતા શીખીશું એ ક્ષણથી જ આપણી વસંતપંચમી,એ ક્ષણથી જ ક્ષણે ક્ષણે વસંતોત્સવ -આ એટલી મોટી વાત તે કરી નાંખી આજે કે જો આ વાત બધાને સમજાઈ જાય તો જગતમાં સર્વત્ર પ્રેમનું
  સામ્રાજ્ય સ્થપાઈ જાય.મને તો લાગે છે બીજાનો વિચાર કરવો એજ પ્રેમ છે.

  Liked by 1 person

  • પ્રેમ ક્યાં કોઈ એક જ સંબંધના વાડામાં બંધાયેલો છે? એ અનુભવી શકીએ તો તો અત્ર,તત્ર અને સવત્ર ……

   Like

 2. ખૂબ સરસ વાત કરી રાજુલબેન.અન્યના સુખે સુખી થવાનું જો માણસ શીખી જાય તો હર ક્ષણ જીવનમાં વસંત જ અનુભવાય! હકારાત્મકતા એ વસંતનું દ્વાર છે.શું કહેવું છે?..ખુલ્લા હાથે આવકાર ,દરેક પ્રાણ,પ્રકૃતિ અને પરિસ્થિતિનો …..એટલેજ વસંત.પ્રભુ આપણને સૌને આ બક્ષે એ જ વસંત પંચમીની પ્રાર્થના અને શુભેરછા.

  Liked by 1 person

 3. વૃક્ષોની જેમ આપણે બીજા માટે જીવતાં શીખશું ત્યારે ઈશ્વર આપણને પણ નવી કુંપળો ફૂટે તેવું શરીર આપશે !! ત્યાં સુધી ભરચક પ્રેમ આપો -સર્વત્ર – એટલે વસંત ઋતુ આવી કહેવાશે સરસ વાત કહી રાજુલબેન

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.