૧૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

દેવે સો દેવતા

કહેવત છે દેવે સો દેવતા”. જે દે તે દેવતા છે. માટે જે દે છે, આપે છે તે પૂજાય છે. આ કહેવતમાં દાન, દાતા અને દેવતાની વાત કરવામાં આવી છે. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે સર્જનહાર એટલે ઇશ્વર. ગણેશજીથી માંડીને તમામ દેવીદેવતાઓનું આવશ્યકતા પ્રમાણે પૂજન થતું આવ્યું છે કારણકે ઈશ્વરીય શક્તિ દેનાર છે.

દેવતા બનવું સહેલું નથી. મારી પાસે લાડુ છે. હું એકલી જ આરોગી જાઉં એવી વૃત્તિ થાય એ મારી પ્રકૃતિ ગણાય. મારી પાસે લાડુ નથી,પણ બીજા પાસે છે. હું એ લાડુ ઝૂંટવીને ખાઈ જાઉં એ મારી વિકૃતિ ગણાય. પણ મારી પાસે લાડુ છે તે બીજા સાથે વહેંચીને ખાઉં એ મારી સંસ્કૃતિ ગણાય. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિથી પર એવી માણસાઈનું મેઘધનુષ માત્ર માતામાં રચાય છે એવું શ્રી ગુણવંત શાહનું કહેવું છે. ત્યાગીને ભોગવવાની વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કહી છે માટે “મા” દેવી છે, પૂજનીય છે. તેવી જ રીતે જન્મદાતા પિતા દેવતા છે.

સંત પુરુષો કે ગુરુની કૃપા વરસે તો તમામ પાપકર્મો કે મલિન સંસ્કાર બળીને ભસ્મ થઈ જાય છે. પ્રારબ્ધ બદલાઈ જાય છે. વિઘ્નો ટળી જાય છે. શિક્ષક જ્ઞાનરૂપી વિદ્યાનું સિંચન કરીને વિદ્યાર્થીને સફળતાનાં શિખર સર કરાવે છે. અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ શ્રેષ્ઠ છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે. ગુરુ આપ્યા જ કરે છે માટે ગુરુ દેવો ભવઃ. દીપ સૂર્યનું પ્રતીક છે. અંધારું દૂર કરી પ્રકાશ ફેલાવે છે માટે તેનું પૂજન થાય છે. હિન્દુ સમાજમાં ગાય પૂજનીય છે. તે દૂધ, છાણાં, ગૌમૂત્ર આપીને ખેતીમાં તેમજ અન્ય રીતે ઉપયોગી છે માટે તેને માતાનું સ્થાન આપ્યું છે. આપણી સંસ્કૃતિમાં નદીને પણ લોકમાતા કહેવામાં આવે છે. તે આપે જ રાખે છે. જળ એ જીવન છે માટે પૂજનીય છે. સૂર્યની પૂજા કરવામાં આવે છે. તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઘણાં વૃક્ષ અને વનસ્પતિ સંજીવનીનું કામ કરે છે. શાસ્ત્રોમાં તેનું પૂજન જરૂરી ગણ્યું છે. ધરતી જે સઘળું ધારણ કરે છે તે દેવી સ્વરૂપ છે. ફૂલ સુગંધ પ્રસરાવે છે માટે પ્રભુ-ચરણોમાં સ્થાન મેળવે છે.

તમારી પાસે જે કંઈ છે તે અર્પણ કરો. “લૉ ઓફ ગિવિંગ”. તન, મન કે ધનથી આપવું. સંપત્તિ, સમય કે સ્માઇલ આપો. ભૂખ્યાંને ભોજન, નિર્ધનને ધન, તરસ્યાને પાણી, વસ્ત્રહિનને વસ્ત્રો આપવા જોઈએ. કશું ના હોય તો હાથ તો છે ને! હાથોથી, વેદનાથી કણસતાં કોઈ માણસનાં આંસુ લુછી શકો છો. જેના દિલનો દીવો નિરાશાની આંધીથી બૂઝાઇ ગયો છે એને માટે પ્રેરણાદીપ બની શકો છો. મન દ્વારા એનાં પ્રતિ શુભકામના પાઠવી શકો છો. મીઠી વાણીથી એને સાંત્વના આપી શકો છો. જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી કરી શકો છો. ત્યારે સામેનાનાં દિલમાં તમારું સ્થાન દેવતાથી ઓછું નહીં હોય. ત્યારે એમ કહેવાય છે કે ઇશ્વર મદદ કરવા સદેહે આવતો નથી પરંતુ તમને નિમિત્ત બનાવી તમને દાતા બનાવે છે જે દેવતા સમાન કહેવાય છે. ઇશ્વર આપીને ક્યારેય કહી બતાવતો નથી. મનુષ્ય માટે નિસ્વાર્થ ભાવે કરેલાં ગુપ્તદાનનું મહત્વ રહ્યું છે. સંતોનું પણ કહેવું છે, “સૃષ્ટિકા નિયમ હૈં, જો બાંટોંગે વહી આપકે પાસ બેહિસાબ હોગા ફિર વહ ચાહે ધન હો, અન્ન હો, સમ્માન હો, અપમાન હો, નફરત હો યા મોહબ્બત”.

તે ફળ મધુર છે જેને વૃક્ષ પોતે આપે છે. તોડીને લીધેલું ફળ ખાટું હોય છે. તેવી રીતે તે દાન મધુર છે, જેને દાતા પોતાની ઇચ્છાથી આપે છે. આગ્રહપૂર્વક લીધેલા દાનમાં ખટાશ આવી જાય છે. આપ્યા પછી આવતો અહમ્‍ માણસના તમામ કર્મો ધોઈ નાંખે છે.

બિલ ગેટ્સ, વોરેન બફે અને તેમના જેવા બીજા કેટલાંક ધનવાનોએ તેમની ઘણી બધી જાગીર દુનિયામાં જરૂરિયાતમંદો માટે દાનમાં આપવાનું નક્કી કર્યું છે. ખરું દાન સરહદનાં સૈનિકો પોતાનાં દેશની સાથે વફાદારીપૂર્વક ફરજ નિભાવીને આપે છે. તમારી પાસે દેવા માટે કશું જ નથી તો તમારું મન એ એકજ એવી ચીજ છે જે ઈશ્વરને કહી શકે, “અનંત દોષોનો ગુલામ હું અનંત ગુણોનાં માલિક તને શું આપી શકું?” અને મન ઈશ્વરને સોંપીને ઇશ્વર સાથે તાદાત્મ્યતાં સાધીને એક બની જાઓ જે સૌથી ઉત્તમ છે. રસ્તે જતાં શબને લોકો વંદન કરે છે. શા માટે? તે ખૂબ સુંદર સંદેશો આપે છે, “એકલા જ આવ્યા મનવા, એકલા જવાના”. કહેનારે કહ્યું છે, “તું દેવાદાર છું અને જગત લેણદાર છે માટે આપે જ રાખ નહીં તો પુનરપિ જનમમ્ નક્કી જ છે.”

     

1 thought on “૧૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. કલ્પનાબેન સરસ વાત છે. પણ વૉરેન બુફે અને બિલ ગેટ્સ ની જેમ મોટા ભાગની સંપત્તિ દાન માં આપી દેવી સહેલી નથી અને ખાસ કરીને આપણા દેશીઓ માટે. દીકરો ધ્યાન ન રાખતો હોય કે એને કઈ પણ જરૂર ન હોય, તો પણ ઘણા દેશીઓ સંતોષ અનુભવે કે કાંઈ નહિ તો ગયું તો બધું દીકરાને ગયું ને એટલે લેખે લાગ્યું. પણ અજાણ્યાઓને દાન માં આપી દેવાનો સંકોચ અનુભવે. જો કે તે વૃત્તિ બદલાઈ રહી છે. નંદન અને રોહિણી નિલેકની, અઝીમ પ્રેમજી કિરણ મઝુમદાર શૉ, અને પી ન સી મેનન જેવા લોકોએ પણ બુફે અને ગેટ્સ જેવો ઈરાદો જાહેર કર્યો છે. આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.