૧૮-કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આજે એક સરસ મઝાનું વાક્ય વાંચ્યું. ખુબ ગમ્યું.-

”મનનું મૌન એ સૌથી મોટા આશીર્વાદ છે કારણકે શાંતિ

અને ડહાપણ આવા જ મૌનના બીજમાંથી સ્ફૂરતા હોય છે.”

આજે આ કોલાહલથી ખદબદતા વિશ્વમાં મૌનનો મહિમા કદાચ વિપશ્યનામાં ભળેલા કે મેડિટેશનને સમજેલા લોકો સિવાય ભાગ્યેજ કોઈ સમજી શકતા હશે. મૌન એટલે શું કે એ કેવી રીતે અનુભવાય એ કદાચ આજની જટીલ સમસ્યા હોઈ શકે. સતત ટેક્નોલૉજી વચ્ચે ઘેરાયેલો માણસ યંત્રવત બનતો જાય છે. એનું પોતાપણું એ ગુમાવતો જાય છે. જાત સાથે સંવાદ કરવાનું ભૂલતો જાય છે. એ તો સતત નજર સામે ઠલવાતી રહેતી, આભાસી કહો કે પ્રત્યેક્ષ પણ હકિકતમાં ન હોય એવી વર્ચ્યૂઅલ દુનિયામાં ખુંપતો જાય છે. એક ક્ષણ મળે તો એમાં પણ એ હાથમાં રહેલા પેલા નાનકડા સ્ક્રીનમાં દેખાતી દુનિયામાં ખોવાતો જાય છે. એ તો પોતાની જાત સાથે પણ રહેવા નથી માંગતો. એ સામે કે સાથે રહેલી વ્યક્તિ સાથેની સંવાદિતા પણ ગુમાવતો જાય છે. કદાચ કોઈની સાથે એને વાત નથી કરવી પણ શાંતિની એક ક્ષણ પણ એને ખપતી નથી.

એને કોણ કહે કે થોડી ક્ષણો માટે પણ તું આમાંથી બહાર આવ. આ વર્ચ્યૂઅલ દુનિયા સિવાય પણ એક એક્ચ્યૂલ દુનિયા છે ખરી..

એક યુવકની વાત છે. એનું માનવું છે કે એ એકલો રહી શકે એમ છે. એને એની આસપાસ, એની જોડે, એની સાથે કોઈ ન હોય તો પણ કશો જ ફરક નથી પડતો. એની વાત સાંભળી રહેલા વડીલે હળવેથી પૂછ્યું.. “ તું સાચે જ એકલો રહી શકે છે ખરો? વિચારી જો…”

“હાસ્તો વળી” એણે જવાબ આપ્યો.

“એકલા હોવું એટલે શું એની તને ખબર છે ખરી? તું એકલો ક્યાં અને ક્યારે હોય છે? તારા હાથમાં સતત ટી.વી.નું રિમોટ કે તારો મોબાઈલ તો હોય છે જ..જેમાંથી તું સતત કંઇકને કંઇક જોયા કે સાંભળ્યા તો કરતો જ હોય છે ને? તારી આસપાસ તારા પોતાના નહીં પણ નજર સામે ટોળાબંધ લોકો તો હોય છે ને? હા ! એટલો ફરક કે તું ધારે ત્યારે એમને બોલતા બંધ કરી શકે અથવા એવા જ કોઈ બીજા ટોળાને તું તારી આસપાસ એકઠા કરી શકે. બાકી તું એકલો તો હોઈશ જ નહીં.” 

વાત તો સાવ સાચી છે. માણસને માણસનું બોલવું ગમતું નથી પણ એકાંતમાં એ એકલતા તો અનુભવે જ છે. એકાંતનું મૌન, ખામોશી, ચુપકીદી એને અકળાવતી હોય છે એટલે એ એની આજુબાજુ વર્ચ્યૂઅલ કોલાહલને વિંટાળે રાખે છે.

આ એક વાતને કવિએ થોડાક શબ્દોમાં સરસ રીતે કહી છે..

ઘોંઘાટ કેટલો બધે દુનિયામાં થઈ ગયો

સુણવાની મૌન ટેવ સૌને કાશ! હોય તો.

મૌન, ખામોશી, ચુપકીદી- આ ત્રણે એક સરખા લાગતા શબ્દોમાં પણ એક ઝીણી ભેદરેખા તો છે જ. મૌન એટલે મૂંગાપણું. ખામોશી એટલે સબૂરી કે ધીરજ અને ચુપકીદી એટલે શાંતિ-ભીતરની શાંતિ પણ આ સાચે જ કોઈને ખપે છે ખરી? જો મૌન માણવું હોય તો એ પણ ઘણું બધું કહે જશે. તમને એકલા તો નહીં જ રહેવા દે.

ખરેખર તો મૌન એટલું તો સશક્ત છે કે કહેવાયું છે

“આપણા સામટા શબ્દો ઓછા પડે, 

મૌનના એટલા રંગ છે.”

કદાચ એવું બને કે મૌન રહે તો માણસ પોતાની જાત માટે વિચારી શકે, પોતાને ઓળખી શકે. માટે જ કવિ કહે છે ને કે.

લાગણીને મૌનની ભાષા મળે છે

બસ વિચારો એ પછી તાજા મળે છે.

 અને  આજની એક મઝાની વાત કહું?

આજે મૌની અમાસનો મહિમા જાણીને આજના દિવસે એક વડીલે એવું નક્કી કર્યું કે આજે મારે મૌન છે. પણ આ મૌન કેવું ખબર છે? સવારે ચા માટે પુત્રવધુને કાગળ પર લખીને કહ્યું, “ આજે ચા જોડે મારા માટે નાસ્તામાં ભાખરી મુકજે અને જમવામાં સહેજ શીરો શેકી લેજે.”

બોલો આવું પણ મૌન હોઈ શકે ! આ તો થઈ હળવી વાત બાકી મૌનમાં કેટલી તાકાત છે એ કોણ નથી જાણતું? ક્યારેક અનેક શબ્દો જે વ્યકત ન કરી શકે એ મૌનથી પણ વ્યકત થઈ શકે. આપણે ખોટા છીએ એટલે મૌન રહીએ છીએ ? ના દરેક સમયે એવું નથી હોતું. ક્યારેક દલીલોની સામે કે કોઈના ગુસ્સા સામે મૌન સ્મિતનો પણ પડઘો આપી શકીએ છીએ અને ખરેખર જે ઘણું કહીને સમજાવી નથી શકાતું એ ખામોશ રહીને કહી શકાય છે. દલીલોથી કોર્ટમાં કેસ જીતાય છે સંબંધો નહીં. કદાચ મૌનની ભાષા દરેકને નહીં સમજાતી હોય પણ ક્યારેક હર્ષના- લાગણીના પૂર ઉમટ્યા હોય ત્યારે કશું ન બોલીને પણ ઘણું બધું કહી શકાય છે ને? મૌનથી પણ સંવાદ સાધી શકાય છે. જાત સાથે, ઈશ્વર સાથે……….. 

મૌન ત્યારે જ ધારણ કરી શકાય છે જ્યારે આપણાં ચિત્તમાં શાંતિના સ્પંદનો હોય. આજે સૌને ચિત્તમાં આવા શાંતિના સ્પંદનોભરી મૌની અમાસ મુબારક.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કાવ્ય પંક્તિ

રાજેન્દ્ર શુકલ , ડૉ. વિવેક મનહર ટેલર , પારસ હેમાણી

6 thoughts on “૧૮-કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. સરસ રજૂઆત એક મજાના વાક્યે કેટલું બધું બોલી લીધું…મૌન એટલે ભીતરનો અવાજ,મૌન એટલે ગાળવાની ક્રિયા ,મૌન એટલે ઓગળવાની પ્રક્રિયા એને કળવું સહેલું નથી માત્ર હોઠોના કંપન બંધ કરવાથી મૌન સર્જાતું નથી ઘણીવાર તો બોલાયેલા શબ્દો વચ્ચે પણ મૌન છુપાયેલું હોય છે.
    .”મૌની અમાસ”
    રાજુલબેન મૌનનો તહેવાર હોય છે એ આજે ખબર પડી.

    Liked by 1 person

  2. મૌનનો મહિમા,મૌનનો સંવાદ અને મૌન દ્વારા આપણે શું પામી શકીએ તેની સુંદર સમજ આ લેખમાં રાજુ તે આવરી લીધી છે.મૌની અમાસ ચાલો આપણે પણ ઊજવીએ …..

    Liked by 1 person

  3. મૌનનો મહિમા તો ઘણો ગવાયો છે, પણ એ એટલી સહેલી વાત નથી હોતી. કદાચ….
    આચાર માટેના મૌનથી શરૂ કરીને આર્ય મૌન સુધીના બધા સપ્તરંગો કરતાં પણ વધારે જરૂર દૃષ્ટા ભાવ કેળવવાની છે. તો ઘોંઘાટ વચ્ચે પણ શાંતિ અનુભવી શકાય.

    Liked by 1 person

  4. રાજુલબેન, મૌનની વાત ગમી.વાચા અને શબ્દ વગરનો સંવાદ એટલે મૌન.આ સંવાદ પોતાની જાત સાથેનો હોય.આ મૌનની ખેતી અને તેની ઉપજનું તો કહેવુજ શું? ‘માહી પડેલા મહાસુખ માણે…’મૌનથી સામેની વ્યક્તિને કેટલો ફાયદો થાય તે તો તે વ્યક્તિ જાણે પણ મૌન રહેનાર વ્યક્તિ ચોક્કસ વિકસે છે.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.