વાત્સલ્યની વેલી ૧૫) ખોટી જગ્યાએ: ખોટા સમયે !

આજે આપણે કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો ઘેર બેઠાં ઇન્ટરનેટ દ્વારા બધી માહિતી મળી જાય છે ; પણ ત્રણેક દાયકા પૂર્વે આવી માહિતી છાપાં અને ટેલિફોન ડિરેક્ટરી દ્વારા લેવી પડતી !શિકાગોના પશ્ચિમ પરાની સુંદર કોલેજમાં – બાળઉછેર અને બાળશિક્ષણના ક્લાસીસ પતાવ્યાં બાદ હવે મારે માત્ર એક જ મહત્વનો વિષય ભણવાનો બાકી હતો જે સ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો હતો.
એ ક્લાસ ફોલ સેમેસ્ટરમાં વેસ્ટર્ન સબર્બની ટ્રાઈટન કોલેજમાં શનિવારમાં નહોતો એટલે મેં ફરી પાછું શિકાગોની સીટી કોલેજમાં તપાસ કરી.
મેં મારા અભ્યાસની શરૂઆત શિકાગો શહેરનીગવર્મેન્ટ કોલેજોમાંની એક રાઈટ કોલેજથી કરેલી ; ત્યાંથી ટી વી ક્લાસ લીધેલા. એ વિષે મેં આગળ જણાવ્યું છે. રાઈટ કોલેજ Wright College ઘરથી દોઢેક માઈલ જ દૂર હતી પણ ત્યાં મારે જરૂરીસ્કૂલ એડ્મીનીસ્ટ્રેશનનો વિષય એ સેમેસ્ટરમાં શનિવારના દિવસમાં શીખવાડવામાં આવતો નહોતો. હા , બીજી એક કોલેજ હતી જેનું નામ હતું ડોવસન ઇન્સ્ટિટયૂડ તેમાં ઓક્ટોબર પાનખર સેમેસ્ટરમાં એ વિષય શનિવારે શીખવાડવાના લિસ્ટમાં હતો. રાઈટ કોલેજની એડમિશન ઓફિસમાં કાઉન્ટર પર ઉભેલી બેને મને પૂછ્યું : ડોવસન કોલેજ કેમ્પસ માટે પણ તમારી ફી અહીં ભરી શકાય. કહો તો હમણાં જ એડમિશન સિક્યોર કરી લઉં!”
“શું કરીએ ? “મેં અને સુભાષે સહેજ વિચાર્યું.
અમારાં છોકરાંઓ ત્યાં લોબીમાં કાંઈક રમતાં ,દોડાદોડી કરતાં હતાં. અમારે ઝડપથી એડમિશન લઈને એ કામ પૂરું કરી બહાર જવું હતું ! વળી રાહ જોવા રહીએ તો રખે ને શનિવારનો એ ક્લાસ ફૂલ થઇ જાય તો? અમે વિચાર્યું!
અમે તરત જ એડમિશન લઇ લીધું ને સેમેસ્ટર શરૂ થવાની રાહ જોવા માંડી.
એ મારો છેલ્લો ક્લાસ હતો; એ પતે કે તરત જ અમે અમારાં ટેમ્પરરી કાયદેસરના સ્ટેટ્સ પર ચાર અઠવાડિયા વતન જવાનાં હતાં !ઉતાવળ અને ઉત્સાહમાં બીજા કોઈ વિચાર કરવાનું : કોલેજ કેવી હશે ,કેટલે દૂર હશે કેવાં લોકો હશે એવું તેવું અમારાં મનમાં જ ના આવ્યું !
નિશ્ચિત દિવસે સવારે સીટી મેપ લઈને અમે ચારેય જણ ગાડીમાં ગોઠવાયાં. આ રસ્તો , પેલો રસ્તો; રાઈટ ટર્ન, લેફ્ટ ટર્ન એમ ડાબે જમણે આગળ ને આગળ વધ્યાં ; પણ પછી વાસ્તવિકતા સમજાઈ કે આ સીટી કોલેજ આમ તો ભલે શિકાગોમાં હતી ,પણ છેક ઇન્ડિયાના સ્ટેટ નજીક! અમે થોડાં આગળ વધ્યાં ત્યાં નેબરહૂડ પણ બદલાઈ ગયું !
અમેરિકાના અમારાં ત્યારનાં સાતેક વર્ષના વસવાટ દરમ્યાન જોયું નહોતું તેવું ઉકરડા જેવું ચારે કોર ! રસ્તા ઉપરની દુકાનો ને મકાનોના બારીના કાચ તૂટેલ ફૂટેલ અને ગ્રિફિટી! પાનખર ઋતુ બેસી ગઈ હતી એટલે અને શનિવારની વહેલી સવાર હતી એટલે રસ્તાઓ ઉજ્જડ અને ભયાનક લાગતાં હતાં! દૂર ક્યાંક પોલીસની સાયરનો સંભળાતી હતી .. હા, અમે પૂરાં આફ્રિકન અમેરિકન કમ્યુનિટીના વિસ્તારમાં હતાં! શિકાગોમાં આ અશ્વેત પ્રજા આવીને વસી તેનું પણ એક કારણ છે .
આપણને જાણી ને આશ્ચર્ય થાય કે આટલાં પ્રગતિમય દેશમાં હજુ સો વર્ષ પહેલાં જ્યોર્જિયા- અલાબામા ,ટેક્ષાસ જેવા દક્ષિણી રાજ્યોમાં કાળી ચામડીનાં લોકો તરફ સરકારના કાયદાને અવગણીને પણ વિરુધ્ધ , ઓરમાયું વર્તન દાખવવામાં આવતું (એ લોકોને ઝાડ પર લટકાવીને મારી નાંખે વગેરે) ! ધોળી પ્રજા હજુ પણ તેમને ગુલામ તરીકે જ રાખવા માંગતી હતી; ત્યારે ૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન આ બધાં સાઉથનાં રાજ્યોમાંથી હજ્જારોની સંખ્યામાં કાળી પ્રજાએ ઉત્તરનાં રાજ્યો તરફ સ્થળાંતર કરવા માંડ્યું હતું .મિડવેસ્ટમાં શિકાગો જેવા મોટા શહેરોના વિકાસ માટે મજૂરોની જરૂરિયાતને પહોંચી વળવા મોટી ક્મ્પ્નીઓએ આ લોકોને સ્થળાંતર કરવા અને નવેસરથી વસવાટ કરવા બધી સગવડો આપી ને બોલાવ્યાં હતાં. શહેરના રસ્તાઓ,રેલવે લાઈનો ,કારખાના બધી જગ્યાએ હજ્જારોની સંખ્યામાં આ લોકોને કામ મળ્યું . અને એ બધાં જ અહીં સાઉથમાં સેટ થયેલાં!
સદીઓ સુધી ગુલામીમાં સબડતાં , ત્રાસ સહન કરતાં, અને શિક્ષણના અભાવે કાંઈક અંશે ઉગ્ર સ્વભાવનાં , બંડખોર ,આ અશ્વેત પ્રજામાં અસહિષ્ણુંતા , મારામારી વગેરે કુટેવો વધારે હોય તે સ્વાભાવિક છે. વળી અમેરિકામાં પોતાની જાતનો બચાવ કરવા બંદૂક રાખવાનો હક આપવામાં આવેલ હોવાથી છાસ વારે હિંસાનું પણ અમે સાંભળીએ ; તેથી સમજીને જ એનાથી દૂર રહેવાનું વલણ અમે કેળવેલું ! નાહકનું આવ પાણા પગ પર : એમ ઉપાધિને નોંતરવી શાને ? તેથી અમને એ લોકોનો ઝાઝો પરિચય નહોતો !
હું અંદરથી ડરી ગઈ હતી, કારણકે આવું અમે જોયું નહોતું. હા ,ફલાણી જગ્યાએ કે ફલાણા વિસ્તારમાં ધોળે દિવસે પણ ના જવાય એવું સાંભળ્યું હતું ખરું ! તેથી કોઈ દિવસ એવા વિસ્તારમાં જવાનું થયું જ નહોતું ! મોટા ભાગે શિકાગો ડાઉનટાઉનથી એક્ષપ્રેસવે ઉપર જ આગળ નીકળી જઈએ . પણ આજની વાત સાવ જુદી જ હતી ! છેવટે અમે એ એડ્રેસ પર પહોંચ્યાં!
મુખ્ય રસ્તા પર એક વિશાળ બિલ્ડિગમાં વચ્ચે લોંખડી ગેટ હતો .આજુબાજુ કોઈદેખાતું નહોતું. “ હું અંદર તપાસ કરીને પાછી આવું છું !” મેં કહ્યું . નવેક વર્ષના અમારા ખેલનને પણ મારો ક્લાસ રૂમ જોવા મારી સાથે આવવું હતું તો એને પણ સાથે લીધો .
બિલ્ડિગમાં અંદર પ્રવેશતાં પરસાળ – હોલવેમાં – એક સાડા છ ફૂટ ઉંચો પડઘમ સિક્યોરિટીનો માણસ બેઠો હતો.એણે પહેલા જ ધડાકે મારો ઉધડો લેતો હોય તેમ ઘૂરકયું કર્યું ; “ આ છોકરો કેમ આવ્યો છે?”
“ એને મારો ક્લાસ જોવો છે; લઇ જાઉં ?” મેં એમને વિવેકપૂર્વક પૂછ્યું. પણ એમને એ જરાયે ના ગમ્યું ! કચવાતે મને એણે મને રજા આપી.
આખ્ખા વિશાળ બિલ્ડિગમાં માત્ર એક જ ઓરડો ખુલ્લો હતો. હું અંદર ગઈ. દશેક કાળી સ્ત્રીઓ વાતો કરતી હતી પણ કોઈએ મારી સામે નજર સુધ્ધાં ના કરી! ક્લાસમાં પાછળ ત્રણ ચાર છોકરાઓ ખેલનની ઉંમરના જ – નવ દશ વર્ષના રમતા હતા. શનિવારના વર્ગોમાં આવું બનતું હોય છે. ક્યારેક ભણવા આવનાર મમ્મી બેબીસિટરના અભાવે પોતાના છોકરાને સાથે લઇ આવતી હોય છે . ખેલન પણ એમની સાથે જરા રમવામાં ભળ્યો . વધુ બે ચાર બહેનો આવી. હવે ક્લાસ શરૂ થવાનો હતો એટલે ખેલનને હું ગાડી સુધી મુકવા ગઈ. કાળીયાએ મને બરાબર ધ્યાનમાં રાખી હોય તેમ લાગ્યું . ખબર નહીં કેમ પણ મને લાગ્યું કે હું ઇન્ડિયન એ કોલેજમાં , એ જગ્યાએ હતી એ એને જરાયે ગમ્યું નહોતું! ત્રણ વાગે ક્લાસ પૂરાં થાય ,પણ મેં સુભાષને વહેલાં આવવા કહ્યું.
તદ્દન અવ્યવસ્થિત એ ક્લાસ હતો! શું ભણી તે સહેજ પણ યાદ નથી. હું જાણે કે કોઈ અજાણ જગ્યાએ સાવ અજાણ્યા લોકો દુશમ્નો વચ્ચે આવી પડી હોઉં તેમ લાગ્યું.
એ પહેલાનાં ( અને પછીનાં આજ દિન સુધીનાં ) કોઈ સ્થળે આટલી અવહેલના ઉપેક્ષા કે અપમાન મેં જોયાં કે અનુભવ્યા નથી ! ખબર નહીં કેમ પણ સિક્યોરિટી ગાર્ડને પહેલી નજરે જ મારી સાથે વાંકુ પડી ગયું !
જેન એલિયટે ક્લાસમાં પેલો પ્રયોગ કર્યો તે પૂર્વે એણે છોકરાઓને પૂછેલું કે તમે એ અશ્વેત લોકો માટે શું માનો છો ? આ છોકરાઓ જેમણે અશ્વેત લોકોને નજીકથી જોયાં પણ નહોતાં એમણે સ્ટીરીયો ટાઈપ જવાબો આપ્યાં; જવાબ લખેલ : તેઓ ગંદા ,ઝગડાળુ ,ચોરી કરે ,વગેરે અવગુણોથી નવાજેલ .
આજે એક ઇન્ડિયન હોવાને નાતે હું એક સ્ટીરીયો ટાઈપ ઇન્ડિયન હતી !
એ લોકો મારા વિષે શું વિચારતાં હતાં તેની ખબર મને વર્ષ પછી પડી!
આ કોલમની શરૂઆતમાં મેં લખ્યું છે કે કેટલીક ભૂલો અને ભ્રમણાઓમાંથી ભગવાને મને ઉગારી છે: આ એક એવું પગલું હતું જે ભરવા જેવું નહોતું, પણ ઉતાવળમાં લીધેલું !
બીજે અઠવાડિયે હું અધ્ધર દિલે ભણવા ગઈ. પણ આ વખતે બીજા ચાર પાંચ છોકરાઓ પણ તેમની મમ્મીઓ સાથે આવેલાં એટલે મેં પણ ખેલનને મારી સાથે ક્લાસમાં રહેવા દીધો : રિવર ફોરેસ્ટમાં શનિવારના વર્ગોમાં કેટલીક છોકરીઓ તેમની મમ્મી સાથે આવતી , ત્યારે મેં નૈયાને મારી સાથે ક્લાસમાં રહેવાની તક આપેલી ; આ વખતે ખેલનનો વારો હતો .
એકાદ કલાક બાદ પેલો કાળીયો ચાલુ ક્લાસે અંદર આવ્યો અને બધાંની હાજરીમાં મને વઢવા માંડ્યો : “છોકરાઓ ક્લાસમાં લાવવાની મનાઈ છે ! “ એણે કહ્યું .
“ પણ આ બીજા બધાં છોકરાઓ છે તેનું શું?” મેં એવું તેવું કૈંક ડરતાં કહ્યું .
એણે ગુસ્સાથી મારી સામે જોયું !
“પણ મેં તને ના પડેલી ને , ગયા અઠવાડીએ ?” એણે કહ્યું. જોકે એ મને ક્લાસની બહાર તો કાઢી શકે એમ નહોતો . અને બીલ્ડીગની બહાર જવું તો જરાયે સલામત નહોતું .
બીજો કોઈ ઉપાય નહોતો એટલે સમસમીને હું ડરની મારી ચૂપ બેસી રહી ! અને મારાં આશ્ચર્ય વચ્ચે ટીચર કે બીજી કોઈ બેન કાંઈ જ ના બોલી! હું તો ડઘાઈ જ ગઈ : ખરેખર આવું – આવું આ દેશમાં બની શકે ?? આટલો બધો વહેરો આંતરો?
અંદર અંદર એ લોકો વાતો કરતાં હતાં કે જેલમાં દશ વર્ષ ગાળીને એ અહીં સિક્યોરિટી ગાર્ડ તરીકે જોડાયો છે!!
આજે આટલાં બધાં વર્ષો પછી જે યાદ છે તે છે એ વખતે અનુભવેલો ડર!
ઘેર જતાં રસ્તામાં જ અમે નક્કી કર્યું કે આ જગ્યાએ આવવાનું સાહસ કરવા જેવું નથી.
“પણ મારાં આ એડ્મીનીસ્ટ્રેશનના ક્લાસનું શું થશે ?” મેં ચિંતા વ્યક્ત કરી .
“ આપણે કોઈને કોઈ બીજો રસ્તો શોધી કાઢશું !” સુભાષે એનું ધ્રુવ વાક્ય કહ્યું! “તું ચિંતા ના કરીશ !”
ભગવાનનો પાડ માની અમે વધુ મહત્વના કામે લાગી ગયાં : આ દેશમાં આવ્યે સાત આંઠ વર્ષનાં વહાણાં વહી ગયાં હતાં! દેશમાં બધાં અમારી આતુરતાથી કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં ..અમે વતનની મુલાકાતે જવાં તૈયારી શરૂ કરી!
દેશમાંથી પાછાં આવ્યા પછી હું એ ક્લાસમાં ભાગ્યે જ કદાચ એકાદ વાર ગઈ હોઈશ . પરીક્ષા આપવા અમારે કાયમ નજીકની લાયબ્રેરીમાં જ જવાનું હોવાથી મારે એ કેમ્પસમાં ફરીથી જવાની જરૂર ના રહી. બીજે વર્ષે જયારે મેં ડે કેર સેન્ટર શરૂ કર્યું ત્યારે એક ગવર્મેન્ટના મોટા ડે કેર સેન્ટરની ડિરેક્ટર સાથે ઓળખાણ થયેલી : એ કાળી બેન એના દીકરાને અમારા સેન્ટરમાં મુકવા આવતી! ત્યારે મેં વિગત વાર આ સમગ્ર બનાવની વાત કરેલી . એણે મને સહાનુભૂતિ દર્શાવતાં કહેલું; “ અદેખાઈ !લાગે છે કે એને તારા પ્રત્યે અદેખાઈ થઇ હશે! ગીતા, તમે પરદેશીઓ થોડા સમય પહેલાં આવીને અમારી આગળ નીકળી જાઓ તે એ ગાર્ડને ગમ્યું નહીં હોય !
એ કોલેજ નજીક કેનેડી કિંગ નામની મોટી હોસ્પિટલ હતી જ્યાં આપણાં ઇન્ડિયન ડોકટરો કામ કરતાં! આમ પણ મહેનત કરીને બુદ્ધિ બળે ઇન્ડિયન લોકો આર્થિક પ્રગતિ કરે તે સ્વાભાવિક રીતે જ સદીઓ સુધી દબાયેલ કચડાયેલા પ્રજાને ના ગમે ! બની શકે કે એને કોઈની સાથે કોઈ અણબનાવ થયો હશે !!
જે હોય તે! હું ભગવાનની કૃપાથી ઘણી જાણી અજાણી મુશ્કેલીઓમાંથી ઉગરી ગઈ હતી!
ઉછરી રહેલી વાત્સલ્યની વેલડી વળી એક મોટા ઝંઝાવાતમાં અટવાતાં બચી ગઈ…
ગીતા ભટ્ટ

6 thoughts on “વાત્સલ્યની વેલી ૧૫) ખોટી જગ્યાએ: ખોટા સમયે !

  1. આબેહૂપ વર્ણન. જાણે તમારામાં અદ્રષ્ય રુપે વિલિન થયેલી હું જ બધું અનુભવી રહી.

    Sent from Mail for Windows 10

    Liked by 1 person

  2. Thanks Kutaben!
    આપણે આ દેશના ભૌતિક સુખ માટે આવીએ , પણ એમાંયે ભય સ્થાનો છે જેનો ભોગ બની જવાય . ક્યારેક કાંઈક અઘટિત પણ બની જાય ! તે દિવસે હું અજાણતાં જ કોઈ વિપરીત પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી! ત્યાર પછી સાવ આફ્રિકન અમેરિકન વસ્તીમાં જવાનું બન્યું નથી. આમ જુઓ તો વ્યક્તિગત રીતે માણસો ખરાબ નથી હોતાં ; પણ સમૂહમાં એ ગાડરિયા પ્રવાહમાં ખેંચાઈ જાય છે. બસ , મારે એજ જણાવવાનું હતું કે ભગવાની કૃપાથી હું સહીસલામત હતી.. જો કે ક્લાસમાં મેં ગાંધી અને માર્ટિન લ્યુથરની વાત કરી હતી સૌનો સહકાર મેળવવા .. એ બધી આડીઅવળી વાતો લેખની મર્યાદામાં રહેવા લખી નહીં .. We all go through this , right? પણ આપણા દેશમાં તો વર્ણવ્યવસ્થા એટલી વિચિત્ર છે કે બિચારાં શ્રમજીવી વર્ગને તો નીચાં થઈને જ રહેવું પડે છે!!

    Like

  3. ગીતાબેન વાંચવાની માજા આવી સાથે રસ પણ જળવાઈ રહ્યો એટલે પૂરો વાંચીને કરીને છૂટકો કર્યોં આવા અનુભવ ખુબ ઓછાને થતા હોય છે (સદીઓ સુધી દબાયેલ કચડાયેલા પ્રજાને ના ગમે ! )આ વાત ખુબ નોંધનીય છે.

    Liked by 1 person

  4. Thanks Prgnaben !તમારો આભાર બે રીતે માનવો પડે : એક તો દર અઠવાડિયે મને લખવા પ્રોત્સાહિત કરવા બદલ ; અને બીજું : તે છે ભૂતકાળમાં પ્રામાણિક રીતે ડોકિયું કરવા ફરજીયાત મજબુર કરવા બદલ! ઘણી બધી- ઘણી ઘણી બધી ઝીણી ઝીણી વાતો જે કાળના પ્રવાહમાં વિસરાઈ ગઈ હતી તે બધી માનસ પટ પર ચલચિત્રની જેમ આવી ગઈ! સાથે સાથે એક દ્રષ્ટા બનીને જોતાં મારી જ નાની મોટી ભૂલો અને માન્યતાઓ વગેરેની યાદ આવી ગઈ! જાણે કે યુવાન પેઢીને આપણી આ અનુભવી પેઢી જોતી હોય તેમ!!! સાચું કહું તો અપક્વ ઉંમર અને અજાણ ધરતીના સમીકરની આ વાતો સંસ્કાર અને બે સંસ્કૃતિના સમીકરણનું સુંદર ફળ છે! As it says : all well , that ends well! The end result is good but there were some hit and miss too, I must accept!

    Like

  5. અનુભવ વિશિષ્ઠ છે. આપણને આવું લાગે, તો એ કાળા લોકોએ ૨૦૦ થી વધારે વર્ષ શી રીતે વિતાવ્યા હશે?
    —-
    શિકાગોની કોલેજ ઇન્ડિયાનામાં શી રીતે?

    Like

  6. સુરેશભાઈ , એ લોકોએ જે સહન કર્યું છે તે આપણાંથી ન જોવાય એટલું ભયન્કર અને શરમજનક છે! એમને ગુલામ બનાવીને ઢોરની જેમ સાંકળ બાંધીને લઇ જતાં! એમની સ્ત્રીઓ સાથે સંબધો બાંધી જન્મેલાં બાળકોને એમના નસીબ પર છોડી દેવામાં આવતાં! તમે પ્રેસિડન્ટ જેફરસનના બાળકો વિષે ગુગલ કરજો !
    હવે ઇન્ડિયાનાની વાત : શિકાગોની સાઉથ બોર્ડર જ્યાંથી લેક મિશિગન વળાંક લેછે , ત્યાંથી ઇલિનોઇ સ્ટેટ પૂરું થઈને ઇન્ડિયાના સ્ટેટ શરૂ થાય છે!આપણાં ઘણાં મિત્રો શિકાગોમાં રહીને ડોકરની પ્રેક્ટિસ ઇન્ડિયાનામાં કરે ( ત્યાં થોડા હળવા કાયદા હોવાથી )

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.