૧૭- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

એ દિવસે સવારે ઊઠીને જોયું તો આગળ-પાછળ ચારેકોર સ્નોનું સામ્રાજ્ય. હજુ તો ગઈકાલ સાંજ સુધી ઠંડી આખા શહેરને ઘેરી વળી હતી અને આજે સ્નોએ જાણે ધવલ બિછાત પાથરી. ગઈકાલ સુધી સાવ સૂક્કા થઈ ગયેલા વૃક્ષો પર સ્નોએ એક મુલાયમ ચાદર ઓઢાડી દીધી. એ સૂક્કા થઈ ગયેલા કેટલાય દિવસોથી પર્ણો વગરના એ ઝાડને પોતાના આગોશમાં સમાવી લીધા.

અરે! ક્યાંક પોતાના અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા પેલા વૃક્ષો પર પણ પ્રકૃતિએ પ્રેમાળ હક જમાવી દીધો. પ્રકૃતિના એ પ્રેમાળ હકને એમણે સ્વીકારી જ લીધો હશે ને નહીંતર એ બર્ફીલી ચાદર વચ્ચેથી ક્યાંક ડોકાતી એની લીલી સળીઓ પર લચી રહેલી લાલ ચણોઠીઓ ય એટલી હસમુખી ના રહી હોત ને ? 

આગલી સાંજે પહેલાં એવું લાગતું હતું કે જાણે વાયરો પણ કોઈ વાવાઝોડાની આગાહી લઈને વિંઝાઈ રહ્યો હતો. ઝાડ પણ કશુંક અકલ્પિત બનવાનું છે એવી આશંકાથી  ઠુંઠવાઈને સૂનમૂન………

અને એ ખાબક્યો…….

સૂસવાટા મારતા પવન સાથે એણે પોતાની પાંખ વિંઝવા માંડી. સાંજ સુધી રાખોડી લાગતા વાતાવરણે ધીમે ધીમે સફેદીની ઝાંય ધારણ કરવા માંડી. દૂર નજર કરો ત્યાં જાણે એવું લાગતું હતું કે..

ઝીણી ઝરમર વરસી !
આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !
એવી ઝરમર વરસી…

અને થોડીવારે બારીની બહાર નજર કરી તો લાગ્યું કે જાણે પ્રકૃતિએ પોષી પૂનમને હીરા-મોતીની વર્ષાથી વધાવી. અને મારો ચોક તો પૂનમની ઉગતી રાત્રે  ઝળહળ ઝળહળ… જાણે

‘મોતી વેરાણા મારા ચોકમાં”

ચમકતા હીરા-મોતી જેવા બરફના કરા જોઈને એવુ લાગતુ કે પૂનમની ચાંદનીમાં ચમકવા ન મળ્યું એવા સૌ તારાએ આભ પરથી ઉતરીને અવનિને અજવાળી. શરૂઆતમાં આ તારાની બિછાત જોતો ચાંદ પણ મલકતો હશે. 

રાત આગળ વધતી જતી હતી અને એ ચાંદની રાતે ચમકતા હીરા-મોતી જેવા કરાના લીધે રૂપાળી લાગતી રાતની ચાંદને ચોક્કસ ઇર્ષ્યા આવી જ હશે. અવનિના પટ પર પથરાયેલી જાહોજલાલી જોઈને ચાંદને ચઢી રીસ અને બદલાયું એનું રૂપ.

ગૌર- ગૌરવવંતો ચાંદ જાણે ક્રોધે ભરાયો. કોપાયમાન ચાંદે પોતાની શુભ્રતા છોડીને રતાશ ધારણ કરવા માંડી. જાણે કોઈ રૂપગર્વિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થયો….હાસ્તો વળી ! નહીંતર ચંદ્ર અને રતાશને તો સો જોજનની દૂરી. પોષી પૂનમનો ચાંદ એની સૌમ્યતા છોડીને ગુસ્સાથી રાતોચોળ થઈને દૂર રહ્યો ધગધગતો રહ્યો અને રાત ઝમઝમ કરતી આગળ વધતી રહી.

ખેર, દરેક એક રાત પછી સવાર તો ઊગે જ છે.

જાગીને જોયું તો બીજા દિવસની સવાર તો વળી સાવ અનોખી. જાણે કોઈ વંટોળિયો વિંઝાયો જ નથી. ખુલ્લા આકાશ અને જમીન વચ્ચે બરફાચ્છાદિત વૃક્ષો ય સૂર્યના અજવાળે ભારે રૂપાળા,વધુ રમણીય દિસતા હતા. જમીન પર પથરાયેલો પેલો ધવલ ગાલીચો સૂર્યની રોશનીથી ઝગમગ ઝગમગ… બરફની સફેદી પરથી પરાવર્તિત થઈને સોનેરી ઝાંય બરફાચ્છાદિત વૃક્ષોને પણ વધુ ચમકીલા બનાવતી હતી. આગલી રાત્રે હીરા-મોતી જેવા કણોથી ઢંકાયેલા એ વૃક્ષો પર જાણે આજે સોનેરી પાસ ચઢ્યો અને એ સોનેરી ઝાંયથી વધુ ભવ્ય લાગતા  હતા. બરફ પર છવાયેલો સોનેરી ચળકાટ વધુ સુંદર, વધુ મનમોહક લાગતો હતો..

એક સમય હતો જ્યારે ચારેકોર લીલી લીલી ઓઢણી ઓઢી ધરતી રૂમઝૂમ ઝૂમતી હતી ત્યારે પણ રસ્તે જતાં એક એવું ઝાડ આવતું કે જે કોઈ અકળ કારણોસર ક્યારેય પલ્લવિત જોયું જ નહોતું ત્યારે મનમાં હંમેશા એક એવો વિચાર આવતો કે જાણે એને શબ્દો મળે તો કહી દે કે…..

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

વાત તો સાચી જ ને કે જે કાયમથી ખાલીખમ છે એને વળી ખાલીપાનો શો ભય? આપણા જીવનમાં પણ પાનખર આવવાની જ છે એ જાણીએ છીએ તો પણ એનો આપણાં મનમાં સતત ભય તો રહેતો જ હોય છે. આપણામાં પણ જો પેલા સૂક્કાભઠ્ઠ ઝાડ જેવી મસ્તી કે ફકીરી ઉતરી આવે તો તો આપણને પણ આવનાર કોઈપણ સંજોગોનો ભય ન રહે..

આજે જોયું તો એ પેલા હંમેશા સૂક્કા રહેતા ઝાડે પણ પ્રકૃતિએ આપેલી સોગાત સ્વીકારી લીધી હતી અને એ પણ સૌની સાથે એમાનું જ એક બની રહ્યું હતું.

આપણે એવું કરી શકીશું? પેલાં અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા, શીતાગારમાં પણ  હંમેશા લીલાછમ રહેતા વૃક્ષોની જેમ કે પછી ક્યારેય લીલાશ ન ધારણ કરતાં વૃક્ષોની જેમ પ્રકૃતિએ-ઈશ્વરે સર્જેલા સંજોગોને રાજીખુશીથી સ્વીકારી શકીશું? આપણાં પ્રાણ સાથે જ જતી પ્રકૃતિને વળગી ન રહેતાં ઇશ્વરે સર્જેલી પ્રકૃતિને અનુરૂપ થઈને રાજી રહી શકીશું?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કાવ્ય પંક્તિ

ઉપેન્દ્ર પંડ્યા, અનિલ જોષી

8 thoughts on “૧૭- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

 1. વાહ! રાજુલ દી’ પ્રેમ અને પ્રકૃતિનું કાવ્યાત્મક વર્ણન અને અંતનો મેસેજ બહુ ગમ્યો. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવી શકાય તો જીવન જીવંત બની જાય. સરસ વાત.

  Liked by 1 person

 2. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

  અસલી મિજાજને લઈને પોતીકી લીલાશ જાળવી રહેલા, શીતાગારમાં પણ હંમેશા લીલાછમ રહેતા વૃક્ષોની જેમ કે પછી ક્યારેય લીલાશ ન ધારણ કરતાં વૃક્ષોની જેમ પ્રકૃતિએ-ઈશ્વરે સર્જેલા સંજોગોને રાજીખુશીથી સ્વીકારી શકીશું? આપણાં પ્રાણ સાથે જ જતી પ્રકૃતિને વળગી ન રહેતાં ઇશ્વરે સર્જેલી પ્રકૃતિને અનુરૂપ થઈને રાજી રહી શકીશું?

  Like

 3. રાજુલબેન પ્રકૃતિ સાથે કવિતાનું જોડાણ ખુબ સુંદર આલેખન હકીકતમાં પ્રકૃતિ જ કવિની પ્રેરણાનું બળ છે જે આંખો માણે છે અને શબ્દો વાચા આપે છે. તમે અમને તરબોળ કરી દીધા

  Liked by 1 person

 4. રાજુ,સિધ્ધહસ્ત લેખકની જેમ વર્ણવેલ આ ગદ્ય – કવિતા ના પ્રકૃતિવર્ણને અમને બોસ્ટનની સેર કરાવી દીધી.અને ઈશ્વરે સર્જેલ પ્રકૃતિને અનુરૂપ થઈને રહીને રાજી રહેવાની વાત મનને ખૂબ સ્પર્શી ગઈ…..વાહ કયા બાત…..

  Liked by 1 person

 5. કેટલીક વાર આપણી આસપાસની કુદરત જે ઘણું બધું કહી જતી હોય છે. બસ ખાલી એને જોવા, જાણવા કે માણવાની ફિતરત કે ફુરસદ જોઈએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.