Subject: દ્વિધા
શિયાળાની ગુલાબી સાંજે જાનકી અને છાયા અમદાવાદના અટીરાના વોકીંગ ટ્રેક પર ચાલી રહ્યા હતા.ત્યાં આગળ ચાલતી બે બહેનોની જરા મોટેથી ચાલતી વાતચીત સાંભળી જાનકી જરાક અચંબામાં પડી ગઈ.
યુવતી આધેડવયના બહેનને હક્કદાવા સાથે પણ ખૂબ વ્હાલથી કહી રહી હતી.“ મમ્મી મને તમારું આ વર્તન બિલકુલ પસંદ નથી.તમે થોડો સમય પણ ધીરજ રાખીને મારી રાહ જોઈ નથી શકતા.મહારાજનો ફોન નથી આવવાના ,એવું કહેવા છ વાગે આવ્યો,હું રોજ ઓફીસેથી સાડા છ એ તો આવી જ જાઉંછું તો તમારે મારી રાહ નહી જોવાની? હું આવીને રસોઈ ના કરી શંકુ?આખો દિવસ હું ઓફીસ હોઉં ત્યારેતો તમે છોકરાંઓનું અને ઘરનું બંધુજ જૂઓ છો.તો પછી એટલી શું ધાડ પડી ગઈ કે હું આવું તે પહેલા સૂપ, બિરીયાની ને સેન્ડવીચ બધું બનાવી દીધું.તમારી ઉંમર થઈ છે ,હવે તમે થાકી જાવ છો.થોડો આરામ કરો ,બીજીવાર આવું ન કરતા”
તેમનો આ સંવાદ સાંભળી જાનકીએ છાયાને પૂછ્યું “સાસુ વહુ લાગે છે નહી?”છાયાએ કીધુ “ઓળખું છું
એમને ,મારા દૂરના સગા થાય છે .હા ,બન્ને સાસુ-વહુ જ છે.ખૂબ પ્રેમ છે બન્ને વચ્ચે.બંને મા-દીકરીની જેમ જ
રહે,સાથે હરેફરે,સિનેમા જોવા, ખરીદી કરવા,રેસ્ટોરન્ટમાં જમવા,ચાલવા બધે સાથે જાય.એકબીજાની વાત ન ગમતી હોય તો મોં પર જ કહીને પ્રેમથી લડે પણ ખરા.એકદમ સાફદિલ સંબંધ છે બંને વચ્ચે.”
જાનકીને આ સાસુ-વહુ ના સાફદિલ સંબંધની વાત ખૂબ ગમી ગઈ.શા માટે આ સિનેમામાં ,નાટકોમાં અને
ટી.વી સિરીયલોમાં સાસુ-વહુ ના સંબંધોને ખરાબ જ બતાવવામાં આવે છે? કેમ સાસુ-વહુ ,મા-દીકરી ન બની શકે???સમાજની જડ કરી ગયેલ માન્યતા સામે જાનકીને વાંધો હતો.અને એટલેજ આ સાફદિલ સંબધ તેને
સ્પર્શી ગયો અને તેણે મનમાં ઠાની લીધું કે મારે પણ મારી પુત્રવધુ આવે ત્યારે તેની સાથે મા-દીકરીનો જ
સંબધ જોઈએ છે.અનેક ગુરુઓના મંતવ્ય મુજબ “કોઈ વસ્તુ કે સ્થિતિની પ્રબળ ઈચ્છા ખરા મનથી કરો તો
તે મળે જ છે.”જાનકીના દીકરાના લગ્ન થયા. જાનકીએ તો નક્કી જ કર્યું હતું કે મારે તો ખાલી આપવાનું જ કામ કરવાનુંછે.કોઈને તમે અવિરત પ્રેમ આપો તો સામે પ્રેમ મળે જ ને? થોડા સમય માટે તમારી અપેક્ષાના દ્વાર બંધ કરીદો.તમે વહુ હતા ત્યારે તમારા સાસુ સાથેના સંબંધો અને તમારા સાસુની તમારા તરફની અપેક્ષાઓ અને તમે તેમના તરફ નિભાવેલ ફરજો બધુ ભૂલી જાઓ.કારણ સમય બદલાઈ ગયો છે. નવા સમય સાથે નવીજનરેશન સાથે કદમ મિલાવવા પૂરતો પ્રયત્ન કરો.દરેક સમયે તમારી પુત્રવધૂમાં દીકરી જોવાનો પ્રયત્ન તો કરી જૂઓ !,અને ટેલીપથી નો સિધ્ધાંત તો એવું જ સાબિત કરે છે કે “તમે સામેની વ્યક્તિ માટે મનથી પણ જે વિચારો તેને તમારા માટે એવોજ વિચાર ને ભાવ પ્રગટ થાય.”જાનકી ને તો પોતાની જિંદગીમાં જે જોઈતું હતું ,જે ઈચ્છા રાખી હતી તેવી જ દીકરી જેવીજ પુત્રવધુ મળી ગઈ .જાનકી તેની પુત્રવધુ સાથે મા-દીકરીના જ સંબંધો સાથે ખુશીથી જિંદગી જીવી રહી હતી.
પણ જેમ દિવસો વિતતા ગયા તેમ ઉંમરના ૬૫-૭૦ ના પડાવ નજીક પહોંચ્યા પછી જીવનમાં પહેલા જેવા જોમ,ઉત્સાહ અનેશારીરિક તંદુરસ્તીની ખામી લાગવા લાગી .તન સાથે મન પણ થોડું આળું થઈ ગયું .સહજ રીતે પતિની કહેલી વાત “તું તો નવરી જ છે ને તારે ક્યાં કંઈ જવાબદારી છે?”અને “મોમ ,તું આ છોકરાઓને હોમવર્ક કરાવીને રાખને ,સોના કામ પરથી આવીને ખૂબ થાકી જાય છે”જેવી વાતો પણ
ક્યારેક જાનકીને વિચાર કરતી કરી મૂકે છે. “ઘરનાં અને બાળકોનાં કામમાં સતત પરોવાયેલી રહેતી હું કંઈ નથી કરતી શું??” પતિની આવી વાતથી જાનકી અકળામણ અનુભવે છે.ઉંમર વધતા શરીર અને મગજ બંને પરનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો છે.ત્યારે ક્યારેક “મારે હવે મનગમતું કરવું છે. ખૂબ વાંચવું છે.જીવનના છેલ્લા દિવસોમાં વેદ ને ઉપનિષદ ના રહસ્યો જાણવા છે.પરમ સમીપે જવા જે કંઈ કરવું જોઈએ તે કરવું છે.શું હું ઘરમાં બધાની સાથે રહી ધ્યાન કરી શકીશ? “જેવા અનેક વિચારો જાનકીના મગજને ઘેરી લે છે.
એવામાં પડોશીઓની ક્રિસમસ પાર્ટી હતી.નાના મોટા સૌ ભેગા થયેલા અને ભારતીબેનની પુત્રવધુ તેની બહેનપણીને કહેતી હતી.
“મારા સાસુ-સસરા તો હંમેશ માટે અમારી સાથે રહેવા આવી ગયા છે.અમને તો ક્યારેય સ્પેસ મળતી જ નથી.એકલા રહી સ્વતંત્રતાની મજા માણવાનું સુખ અમારા નસીબમાં છે જ નહી.”આ સાંભળી જાનકી વિચારવા લાગી “શું મારે પણ જરુર છે સ્પેસ આપવાની મારા દીકરા-વહુ ને?
અમે પણ શું સાથે રહીને એમના સ્વતંત્ર જીવનમાં આડખીલી બનતા હોઈશું?”હું તો હમેશાં એમ વિચારતી હોઉં છું કે “સાથે રહીને અમે મારા દીકરાને બાળકો ઉછેરવામાં મદદરુપ
થઈએ છીએ.ઘરના કામકાજમાં,રસોઈમાં, ગ્રોસરી લાવવામાં મદદરુપ થઈએ છીએ.આદર્શ કુટુંબ છે મારુંતો
કેવા પ્રેમથી બધાં સાથે રહીએ છીએ.”ઘણા લોકો કહે “પહેલા તમારા છોકરા ઉછેર્યા,હવે છોકરાઓના છોકરા ઉછેરો છો.તો તમારે ,તમારે માટે જીવવાનું ક્યારે?તમારે શાંતિથી એકલા તમારી રીતે રહી જીવવું જોઈએ.”
પણ …….પણ ….મને તો મારા દીકરાની,મારા પૌત્ર-પૌત્રીની,પુત્રવધૂની એટલી માયા છે કે તેમને છોડીને આમ ….સાવ એકલા રહેવું મનને જચતું નથી.
જાનકીને કંઈ સમજાતું નથી .બંને તરફના વિચારોની દ્વિધામાં તેના મનની સ્થિતિ ડામાડોળ છે.
જિગીષા પટેલ
Sent from my iPad
very nice!! life is so complex and everyone has different expectations. Very nice story Jigishaben..
LikeLiked by 2 people
જીવનમાં દરેક તબ્બકે દિલ અને દિમાગના નિર્ણયો મોટાભાગે અલગ હોય ત્યારે દ્વિધા તો રહેવાની જ. આપણું મન જ એવું છે જે આપણા કરતાં અન્યનો વિચાર વધુ કરે તો પછી આ તો આપણા જ સંતાનો છે.એમને આપણા થકી તકલીફ ન પડે એનું ધ્યાન રાખીને એમની તકલીફોમાં એમની જરૂરીયાતમાં સાથે ઊભા રહીશું તો આપણા મનને સારું તો લાગશે જ.
અને બાકી તો તેં જેમ કહ્યું તેમ ટેલીપથી….આપણે જે વિચારીએ એનો જ પડઘો સામે મળશે.
LikeLiked by 1 person
મેં એવા સાસુ-વહુ જોયાં છે કે જયાં વહુ બપોરે બધા કામકાજથી પરવારીને, રામાયણ વાંચતી સાસુના ખોળામાં માથું રાખીને સૂઈ જાય.
LikeLiked by 1 person
આ સત્યકથા હોય તો બન્નેને વંદન.
LikeLiked by 1 person
Khub saru Drastikon – Reality of life is different than what we wish for or imagine!!
LikeLiked by 1 person