વાત્સલ્યની વેલી ૧૪) રંગભેદનો અનુભવ

રંગભેદનો અનુભવ!

ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ! અણદીઠેલી ભોમ જાવા યૌવન માંડે આંખ !
એ સમય 1988 જ એવો હતો કે મારે ઝટઝટ ઘણું બધું કરવું હતું !
ભણવાનું પતાવવું હતું!
પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો!
અને સાથે જવાબદારી પણ હતી જ!
સંતાનોને ઉછેરવાનાં હતાં!
કુટુંબ સંભાળવાનું હતું !
બેબીસિટીંગ ચાલુ રાખવાનું હતું !
તો હવે સમય ક્યાંથી કાઢવો ?
સવારથી સાંજ બાળકોની ગોવાળી કરવામાં દિવસ પૂરો થઇ જાય ! પછી આખા દિવસનો થાક અને કંટાળો ;એટલેકે કાંઈ પણ નવું કરવાની આળસ આવે , ને ઈચ્છા મરી પરવારે એ સ્વાભાવિક છે. પણ એ જ ઈચ્છા પાછળ એક સુંદર સ્વપ્નું લટકતું હતું. એક મહત્વકાંક્ષા વળગેલી હતી ! અમારી પોતાની બાળનર્સરી શરૂ કરવી હતી! અમારું ડે કેર સેન્ટર શરૂ કરવા ભણવું ,બાળ જીવન -બાળ માનસનો અને બીજા જરુરુ વિષયોનો અભ્યાસ કરવો ફરજીયાત હતું!
આમ તો આ મારું ગમતું ફિલ્ડ હતું ! મને ફાવતું, બધી રીતે અનુકૂળ ક્ષેત્ર હતું. પોતાનું ડે કેર હોય તો અમારાં બાળકો માટે ક્યારેય બેબીસિટરની જરૂર ના પડે ! અમારાં સંતાનો નજર સામે ઉછરે એટલે સ્વાભાવિક રીતે જ એમનો આત્મવિશ્વાસ પણ જળવાઈ રહે ! વળી ઘરમાં આટલાં બધાં બાળકો હોવાથી ઘર પણ એક જાહેર જગા જેવું બની ગયેલું ! કાંઈ પ્રાયવસી જેવું તો રહ્યું જ નહીં ! અને રસોડું તો ક્યારેય બંધ જ ના હોય ! ! સતત રસોડામાં કાંઈક રંધાતું હોય કે કોઈ જમતું હોય કે ભેગાં થઈને હું બાળકો સાથે કેક ,કૂકીઝ કે કોઈ સેંડવિચ બનાવતી હોઉં ! કાંઈક ને કાંઈક રસોડા પ્રવૃત્તિ ચાલતી જ હોય! નાનાં બાળકોને ઘરમાં ટોયલેટ ટ્રેનિંગ આપું ત્યારે એનાં એક્સિડન્ટ પણ થાય ! એટલે હવે બધી રીતે પોતાનું ડેકેરબનાવવાનું સ્વપ્નું દ્રઢ બનતું જતું હતું!
મેં નજીકનું સબર્બ રિવર ફોરેસ્ટ્ની Triton college of River Forest ટ્રાઈટન કોલેજમાં સાંજના ક્લાસીસ અને શનિવારના વર્ગોમાં ઉત્સાહથી પ્રવેશ લીધો !
અમારી નવી નક્કોર ગાડી અને નવું નક્કોર ડ્રાયવર લાયસન્સ !
સૌથી આનંદની વાત તો એ હતી કે હું કોલેજ જાઉં એટલો સમય મારી સાથે એક પણ બાળક ના હોય!
મારે કોઈનું નાક સાફ કરવાનું કે ડાયપર બદલવાનું કે બાટલી પકડીને દૂધ પીવડાવવાનું કે સુવડાવવાનું ,રમાડવાનું ,રડતું હોય તો શાંત રાખવાનું ,બાળકની જેમ ચેનચાળાં કરીને ફોસલાવવાનું પટાવવાનું કે હાલરડાં કે ચકલીબેનનાં ગીતો ગાઈને કે ચાંદામામાની વાર્તાઓ કહીને કાંઈજ કરવાનું નહોતું ! બસ, કોલેજમાં જઈને ભણવાનું હતું! દશ બાર વર્ષ પહેલાં જેમ કોલેજમાં ભણતી – ભણાવતી એવી સરસ કોલેજ લાઈફ! સાચ્ચા અર્થમાં કોઈ પુખ્ત વયની વ્યક્તિઓ સાથે વાસ્તવિક જીવનની વ્યવસ્થિત વાતો કરવાની તક મળી ! પરીકથાઓ કે વાતો કરતાં વાંદરાભાઇ ને બકરીબેની કાલ્પનિક વાતો સિવાય વાસ્તવિક ધરતીની વાતોનો વિચાર વિમર્શ કરવાની તક મળી !
થાક અને કંટાળો બધું ગાયબ થઇ ગયાં!
શનિવારે સવારે ઉત્સાહથી અમારાં સંતાનોએ મને- જે રીતે હું તેમને રોજ’ Have a nice day !આવજો, ધ્યાન રાખીને ભણજો ‘એમ કહેતી તેમ તેઓએ મને “Best of Luck મમ્મી , ચોપડીઓ ,નોટબુક , નાસ્તો બધું લીધુંને ?ધ્યાન રાખીને ભણજે “ એમ કહ્યું! કદાચ એ ભવ્ય પળો હતી !
ઘટમાં ઘોડા થનગને ! આતમ વીંઝે પાંખ!
કંઈક આ દેશ – પેલો દેશ; અહીંની કોલેજ ત્યાંની કોલેજ એમ સરખામણી કરતાં હું કોલેજના નિશ્ચિત વર્ગમાં આવી. પર્યાવરણ અને સામાજિક સબંધો – સમાજ શાસ્ત્ર – કલચરલ અવેરનેસ ઉપરના વિષય હતા.
બપોરે લંચ બ્રેક પછી જયારે અમે બધાં પાછાં વર્ગમાં પ્રવેશવા ગયાં ત્યારે અમને બધાંને રોકવામાં આવ્યાં. “તારી આંખનો કલર બ્રાઉન છે એટલે તું પેલા પાછળના બારણેથી અંદર જા ! અને તારે ત્યાં પાછળ જ બેસવાનું છે,હોં!” ઇન્સ્ટ્રક્ટરે મને અને બીજાં દશેક જણને પાછળ કાઢ્યાં! અને કેટલાંક પૂરાં અમેરિકન દશેક જણને આગલે બારણેથી અંદર જવા દીધાં; “ એ લોકોની બ્લ્યુ આંખો છે એટલે!”
પેલી ઇન્સ્ટ્રક્ટરે કહ્યું કે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે બ્લ્યુ આંખ વાળા લોકો હોશિયાર હોય છે અને શુકનિયાળ હોય છે!
ચારે બાજુએ હો હા થઇ ગઈ! શરૂઆતમાં અમને લાગ્યું કે પેલી ઇન્સ્ટ્રક્ટરનું ચસ્કી ગયું છે, પણ એ અને એની સાથેના બીજાં મદદનીશો પણ એવું જ કહીને ઉદ્ધતાઇથી અમારો વિરોધ કરતાં હતાં!
પાછળ બેસો તમે !” એક મદદનીશ ભાઈ જે સિક્યોરિટીનો માણસ હોય તેવો લાગતો હતો એણે ઉદ્ધતાઇથી અમને બધાંને અપમાન કરતો હોય તેમ ઘાંટો પાડીને કહ્યું ! ધુંધવાઇને ,સમસમીને અમે બધાં પાછળની ખુરસીઓ પર બેઠાં. જો કે આગળ બેઠેલાંમાંથી એક ધોળી છોકરી જેની સાથે હું લંચ દરમ્યાન વાતો કરતી હતી એણે દિલગીરી સાથે મને કહ્યું કે આવું થયું છે તે બદલ એ ખુબ દુઃખી છે!
પેલા મદદનીશે એને પાછી આગળના ટેબલ તરફ મોકલી દીધી ! બીજા પણ બે ત્રણ જણે અમારાં તરફ હમદર્દી દર્શાવી !
દસ પંદર વીસ મિનિટ આમ જ ચાલ્યું ! ધાંધલ ધમાલ !ઘોંઘાટ ! કેટલાક અપશબ્દો પણ વરસ્યા !
ગભરાઈને અમે બે ત્રણ જણ બહાર જવા ગયાં, પણ અમને બારણે રોકી ને પાછાં ધકેલ્યાં.
પછી ત્યાં દૂર ઉભેલ ઇન્સ્ટ્રક્ટરે અમને આગળ બોલાવ્યાં અને બધાંને શાંત થઇ જવા કહ્યું, ને પછી બોર્ડ ઉપર એક નામ લખ્યું : જેન એલિયેટ ! Jane Elliot.
“રંગભેદ નીતિ વ્યક્તિને કેટલી હદે અસર કરે છે એ તેમને સૌને પ્રત્યક્ષ રીતે સમજાવવાનો આ પ્રયાસ હતો! “ અમારી ઇન્સ્ટ્રક્ટરે કહ્યું. “તમે અત્યારે એક પ્રયોગનાં પ્યાદાં હતાં! અને એ પ્રયોગનું નામ છે બ્લ્યુ આંખો / બ્રાઉન આંખો ! એ પ્રયોગ રચનાર હતાં જેન એલિયેટ!”
એમણે અમને સમજાવ્યું કે બાળકનાં ઘડતરમાં શિક્ષક કેટલો મહત્વનો ભાગ ભજવે છે. બાળકને માત્ર બાળક તરીકે જ જોઈને તેનો સંપૂર્ણ ઉછેર થવો જોઈએ. ચામડીનો રંગ કે આંખનો રંગ કે દેશ, જાતિ ,લિઁગ વગેરેના માધ્યમથી કોઈના પ્રત્યે વહેરો આંતરો દાખવવો એ યોગ્ય નથી વળી એ બિનકાયદેસર પણ છે! અને એની ઘેરી અસર બાળકનાં કુમળાં માનસ પર પડે છે.
જેન એલિયેટે પોતાના ત્રીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થો ઉપર સૌ પ્રથમ વાર આ પ્રયોગ કરેલો ! વાત એમ બનેલી કે ૧૯૬૮માં આગલે દિવસે માર્ટિન લ્યુથર કિંગનું મૃત્યુ – ગોળીબારથી ખુન થયેલું .આયોવાના નાનકડા ગામનાં બાળકોને એ કેવી રીતે સમજાવે કે અહિંસાના ઉપાસક કિંગનું ખુન એક રંગભેદ સમાજને લીધે થયું હતું! અશ્વેત લોકોના માનસ પર શું વીતે છે તેનો આછો અહેસાસ કરાવવાનો એ પ્રયાસ હતો.
અમારાં વર્ગમાં પણ બધાં આ પ્રેક્ટિકલ અનુભવથી સ્તબ્ધ થઇ ગયાં! સ્વાભાવિક રીતે જ અમને હોમવર્કમાં એ લાગણીઓ અને બાળ માનસ પર એ કેવી રીતે અસર કરે તે વિષે લખવાનું કહેલું .જો કે ભારતીય હોવાને લીધે, એક પરદેશી જે યુરોપીઅન કે મેક્સિકન કે ઓરિએન્ટલ નહીં પણ કોઈ જુદી રાષ્ટ્રીયતા ધરાવતી વ્યક્તિ હોવાથી અને જુદા લાગવાથી , અમને પણ વ્હેરા આંતરનાં અનુભવ નહોતા થતાં એવું નહોતું . ઇન્ડિયન બ્રાઉન ચામડીના હોવાથી ક્યારેક કોઈ એવું ઓરમાયું વર્તન કરતું , પણ જીવન નિર્વાહ માટે મારો સર્વિસ બિઝનેસ હોવાથી અમારો હાથ ઉંચો રહેતો : એટલે કે એવાં લોકોથી અમે સ્વેચ્છાએ દૂર રહેતાં! મોટે ભાગે તો આપણે જ આપણાં મનનાં માલિક હોઈએ છીએ ને?
પરંતુ એ જ કારણથી હું અંદરથી આપણી વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરતી હોઈશ ? આપણે ત્યાં દેશમાં તો આવા ભેદભાવ ભારે તીવ્ર છે!જન્મથી કોઈ બ્રાહ્મણ કે અછૂત કેવી રીતે હોઈ શકે? જો કે વાત્સલ્યની, બાળ ઉછેર વિષયક કોલમમાં ;”એવું કેમ? “ એમ એવિષયક લખવું એ યોગ્ય નથી.
એ કેમ્પસના અનુભવો મને આ રીતે વધુ આ દેશ, આ લોકો અને અહીંની શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ આપી રહ્યાં હતાં. પાંગરી રહેલી મારી વાત્સલ્યની વેલડીને આ તાજી હવા કાંઈક નવા જ ઉંચાણ આપી રહ્યાં હતાં!
ચાલો , આપણે કોઈ – રનિંગ બિઝનેસ ચાલુ ડેકેર સેન્ટરની તપાસ શરૂ કરીએ ! કોઈક બોલ્યું !!

9 thoughts on “વાત્સલ્યની વેલી ૧૪) રંગભેદનો અનુભવ

 1. Wah Geetaben — nice!! I do diversity trainings for fortune 500 companies and we use Jane Elliot video in those trainings. I also have her video. It is a powerful video and always class participants share that it makes a strong impact on them. I was going to share about it on my blog but now that you have shared, I won’t. But certainly it is an impactful video.

  Liked by 1 person

  • Thanks Darshnaben! I don’t know much about the video , so if it falls in yr ajenda then certainly u should share your view points with our readers . At least it would refresh my memories.. Thanks.

   Like

 2. એકદમ સાચી અને સરસ વાત કરી કે બાળકનાં ઘડતરમાં શિક્ષકનો ખુબ મહત્વનો ફાળો છે. બાળકને માત્ર બાળક તરીકે જ જોઈને તેનો સંપૂર્ણ ઉછેર થવો જોઈએ. ચામડીનો રંગ કે આંખનો રંગ કે દેશ, જાતિ ,લિઁગ વગેરેના માધ્યમથી કોઈના પ્રત્યે વહેરો આંતરો દાખવવો એ યોગ્ય નથી વળી એ બિનકાયદેસર પણ છે! અને એની ઘેરી અસર બાળકનાં કુમળાં માનસ પર પડે છે.
  બાળક તો નિર્દોષ છે એને આપણી જાતિ કે લિંગ સાથે શું નિસ્બત? આપણી પરંપરાગત રૂઢ માન્યતાને લીધે એને માનસિક વ્યથિત કરવાનો શું અર્થ?
  જેન એલિયેટનો પ્રયોગ એકદમ સચોટ….

  Liked by 1 person

 3. The example given in the class was very effective . Unless you, yourself is not in that situation, you never never realize the hurt it creates!! Very well expressed Geetaben, you learn a lot among Children and Ordinary people👍🙏

  Liked by 1 person

 4. ગીતાબેન,રંગભેદ આપણા અને બાળકોના મગજ પર કેવી રીતે અસર પાડે તે તમારા લેખ દ્વારા જ અમને સમજાવી દીધું.હું તો વાંચતા વિચારતી હતી કે હમણાં તમે ગાંધીજીની જેમ કહેશો કે હું તો આગળ જ બેસીશ .પણ જેન એલિયેટ ની વાત તમે
  પણ અમને સરસ રજૂઆત કરી સમજાવી દીધી.જે જન્મ સાથે આપણને મળે છે એનો ભેદ કેવો? આપણા મગજ પર તેની
  અસર થાય તો નિર્દોષ બાળકને તો વધુ થાય.તમારી સફર રસપ્રદ છે.

  Liked by 1 person

 5. Thank you friends Darshnaben,Rajulben , Davda Saheb, Jayvantiben, Kalpnaben , Jigishaben and my phone friends ! આમતો જેન એલિયેટે પોતાના ગામની એ સ્કૂલમાં હજુ અગલે વર્ષે જ છોકરાઓને પૂછેલું કે તમારો આ મહિનાનો હીરો : આદર્શ કોણ છે? અને છોકરાંઓએ માર્ટિન લ્યુથરનું નામ આપેલું ! એ આદર્શ વ્યક્તિનું મર્ડર થઇ ગયું ?? પણ કેમ ? તો બાળકોને એનો ખ્યાલ આપવા જેને આ લેસન પ્લાન બનાવેલો ! જો કે બધાં જ ગોરી ચામડીના લોકોના એ ગામમાં એનો વિરોધ કરનારાં પણ વીસેક ટકા લોકો હતાં ! ને બિચારી જેનને સહન પણ કરવું પડેલું : you can google about her for more information .
  I appreciate your encouraging remarks.. But wait; see what happened in my next college class..!

  Like

 6. એક રંગ ભેદના પ્રયોગમાં રંગ ભેદની અસર મોટાંઓને આટલી તીવ્ર પ્રમાણમાં થઇ તો ખરેખર રંગભેદ હોય ત્યાં
  બાળકોના બાળ માનસ ઉપર કેવી અસર થાય એ સમજી શકાય એમ છે.

  ગીતાબેનની વિચારોની અભિવ્યક્તિ અને શૈલી સરસ છે.એમનો લેખ ખુબ ગમ્યો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.