૧૬- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

કેટલીક ઘટનાઓ એવી હોય છે જે દરેક માટે થોડી વ્યક્તિગત હોય છે અને એ અંતર્ગતભાવ સાથે કાયમ માટે જડાયેલી રહે છે. જન્મ અને મરણ પણ એક એવું સત્ય છે જે દરેક માટે વ્યક્તિગત સુખ અને વ્યક્તિગત દુઃખ આપનારું હોઈ શકે. કંઈક પામ્યાનું સુખ અને કંઇક ગુમાવ્યાનું દુઃખ અંતર્ગતભાવ જગત સાથે સંકળાયેલું જ રહે. સુખ કે ખુશી એવો ભાવ છે જેને કોઈની સાથે વહેંચવું ગમે. આપણી ખુશીમાં સૌ કોઈને શામિલ કરવા ગમે.

એવી રીતે દુઃખ કે ગુમાવ્યાની વેદના એવી છે જેને હળવું કરવા કોઈનો ખભો જોઈએ, કોઈની હૂંફ જોઈએ. પરંતુ આ બાબત પણ અત્યંત વ્યક્તિગત છે. કોઈને કપરા સમયમાં એકલતા તો નહીં પણ એકાંત ગમે. માત્ર પોતે અને પોતાની વેદના વચ્ચે જ રહેવું હોય.

સુખ અને દુઃખની જેમ જ જન્મ અને મૃત્યુ સાવ બે છેડાના સત્યો. જન્મતાની સાથે આપણી એક્સપાયરી ડેટ લખાઈ ચૂકી હોય છે માત્ર એની આપણને જાણ નથી હોતી.  

જન્મ એક એવી ઘટના છે જેમાં અત્યંત ઉત્સુકતાપૂવક એ સમયની આપણે રાહ જોતા થઈ જઈએ છીએ. એને આવકારવાની આગોતરી તૈયારી આદરીએ છીએ. એવી જ રીતે મૃત્યુ પણ એક એવું સત્ય છે જે નિશ્ચિત છે જ એવું જાણવા છતાં ભાગ્યેજ કોઈ એની રાહ જોતું હોય છે કે ભાગેયજ કોઈ એને આવકારવા આગોતરી તૈયારી આદરતું હોય છે.

ક્યારેક મૃત્યુના ભણકારા અગાઉથી જ સંભળાવા માંડે છે અને ક્યારેક એ સાવ જ છાના પગલે આવીને એના પંજામાં જકડી લે છે. આવી રીતે  ક્યારેક અચાનક આવીને ઊભું રહેલું મોત પચાવતા, એના આઘાતને જીરવતા દિવસોના દિવસો પણ નિકળી જાય. નજર સામે જ આપણા સ્વજનને જતા જોઈને હ્રદય પણ પત્થર બની જાય અને માટે જ કહ્યું છે ને કે….

મૃત્યુ જેટલું મોટું પૂર્ણવિરામ કોઈ નથી.

શબ પર ફૂલ મૂકીએ છીએ

એ પહેલાં

હ્રદય પર પત્થર મુકવો પડે છે. 

જેનાથી વિખૂટા પડવાની કલ્પના પણ દુષ્કર છે એને પણ હ્રદય પર પત્થરના ભાર સાથે પણ વિદાય તો આપવી જ પડે છે. મોટાભાગે એવું બને કે મૃત્યુ સાથે રોક્કળ જ જોડાયેલી હોય છે. મૃત્યુને રૂદન અને આંસુ સાથે સીધો સંબંધ હોવા છતાં પણ મૃત્યુનો મલાજો સાચવીને અપાતી વિદાય ભવ્ય બની શકે. 

નેતાની વિદાયને અર્ધી કાઠી ઉતારેલા ધ્વજથી સન્માનિત થાય. રણમોરચે શહીદ થનાર વીરને તોપની સલામી શોભે. સદગુરુને આધ્યાત્મિક અંજલી શોભે. સ્વજનનો શોક સમજણપૂર્વકની સંવેદનાની ધારે વ્યક્ત કરી શકાય ત્યારે એ વધુ ગરિમાપૂર્ણ લાગે. આક્રંદભરી વિદાયની જગ્યાએ સ્વસ્થતાપૂર્વકની વિદાય પણ હોઈ શકે. લાગણીના પ્રવાહમાં તણાયા વગર પણ લાગણી વ્યક્ત થઈ શકે. દરેક વેદનાને વાચા નથી આપી શકાતી પણ વેદના વ્યકત કરવાની એક અનોખી રીત પણ હોઈ શકે.અને માટે જ આજે યાદ આવી એવી એક અનોખી વિદાય. ક્યારેક એવું બને કે સ્વજન ન હોવા છતાં કોઈ વ્યક્તિની વિદાય આપણા સ્મૃતિપટમાં અંકાઈ જાય. આજે એક એવી ઘટના સ્મૃતિના દાબડામાંથી જરાક અમસ્તુ ડોકિયું કરી ગઈ છે કારણ?

આજે ૨૧ જાન્યુઆરી. આજે દેશના ખૂબ જાણીતા નૃત્યાંગના અને પદ્મભૂષણથી સમ્માનિત,.વૈશ્વિક સ્તરે નૃત્યને એક ઊંચાઈ પર મુકનાર મૃણાલિની સારાભાઈની પુણ્યતિથિ. નૃત્યને સમર્પિત જીવન એ જીવ્યા. પતિ શ્રી વિક્રમ સારાભાઈની પદ્મશ્રીની પદવીથી અંજાઈને બેસી ન રહેતા એમણે પોતાની કળાથી પદ્મભૂષણની પદવી પ્રાપ્ત કરી. એ ખુદ નૃત્યની એક વિદ્યાશાખા બની રહ્યા. જેવું ગૌરવશાળી જીવન એ જીવ્યા એવી ગૌરવશાળી એવી ગૌરવાંક્તિ વિદાય એ પામ્યા. એમના અંતિમ દર્શન સમયે એમની પુત્રી મલ્લિકા સારાભાઈએ એમને જે અંજલી આપી એ એમના જીવન અને મૃત્યુને સાર્થક કરી ગઈ. નૃત્યને મૃણાલિની સારાભાઈએ જીવી જાણ્યુ અને મલ્લિકા સારાભાઈએ એમના મૃત્યુને નૃત્યાંજલી થકી ઉજાળ્યું માતા અને ગુરુ એમ બે સંબંધો ગુમાવ્યાની વેદનાને અત્યંત ગરિમાપૂર્વ રીતે વ્યક્ત કરી. હ્રદયમાં ભારોભાર દુઃખ -શોક હોવા છતાં શાંત સ્વસ્થતાથી નૃત્યાંજલી અર્પી.

અને એ સમયે  માતાથી છૂટા પડવાની વ્યથા, વેદનાની સાથે અનોખું વ્યક્તિત્વ ધરાવતા માતા માટે મલ્લિકાના ચહેરા પર એક આદરભાવ પણ વ્યક્ત થતો જોયો જાણે કહેવા ન માંગતા હોય કે.. 

મારામાં તું ને તારામાં હું, તે સિવાય બીજું શું છું હું

તારા વદનકમળને ખીલવતું  તેજ ઝળહળતું હું

તારા ભવસાગરની ભરતીએ ભિંજાતી રેણુ છું હું

તારા અંતરનું દર્પણ ને સદૈવ સાથી પ્રતિબિંબ છું હુ.

આ  તો થઈ એક એવી અનોખી વિદાયની વાત પરંતુ દર એક વ્યક્તિ માટે સ્વજનની આખરી વિદાયની ક્ષણો કેવી કપરી હોઈ શકે એ કદાચ કોઈથી અજાણ નહીં હોય. સ્વજનને આખરી વિદાય આપતા સુધી છેલ્લામાં છેલ્લી ક્ષણો સુધી પણ નજર ભરીને જોવાનું, નજરમાં ચહેરાની આખરી છાયાની અમીટ યાદ ભરી લેવાનું, હાથ હાથમાં લઈ છેલ્લા સ્પર્શની અનુભૂતિ કાયમ કરવાનું કોણ ચૂકે ? ત્યારે મન જાણે કહેતું હશે કે…

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી

આ માટીની ભીની અસર મળે ના મળે

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો

આ હસતો ચહેરો મીઠી નજર મળે ના મળે..

જે આજ પછીની ક્ષણે જોવા નહી મળે એવા ચહેરા માટે આવી અને આટલી વ્યથા તો હર કોઈને રહેતી જ હશે ને?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

9 thoughts on “૧૬- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. રાજુ,મોતનો મલાજો જાળવીને સ્વજનના મોતની વેદના સાથે અર્પેલ મૃત્યાંજલીની સરસ વાત લઈને આવી તું આજે!
    મલ્લિકા સારાભાઈએ માતાને આપેલ નૃત્યાંજલી ખરેખર નોખી જ હતી.મારામાં તું ને તારામાં હું,તે સિવાય બીજું શું છું હું……
    બહુ સરસ કાવ્યપંક્તિ. સરસ લેખ

    Liked by 1 person

  2. રાજુલબેન,મૃત્યુ બાદ મૃત્યાંજલી, શોકાંજલી, ,પુષ્પાંજલી, શબ્દાંજલી,નૃત્યાંજલી…સૌ પોતાની રીતે અંજલી આપીને મૃતાત્મા પ્રત્યે પોતાની કૃતગ્ન્યતા વ્યક્ત કરતા હોય છે.તમારી વાત સાચી છે.સુંદર કાવ્યપંક્તિ દ્વારા મૃણાલીની બેનને બેન મલ્લિકાએ આપેલી નૃત્યાન્જ્લીની વાત ગમી.આજે આપણે સૌ તેઓને શ્રદ્ધાંજલિ અર્પિએ!

    Like

  3. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

    ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી

    આ માટીની ભીની અસર મળે ના મળે

    પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો

    આ હસતો ચહેરો મીઠી નજર મળે ના મળે

    Like

  4. ભાવુક વાત અને એનું સરસ શબ્દાંકન. જો કે,
    ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી
    આ માટીની ભીની અસર મળે ના મળે
    એ આદિલ સાહેબ અમદાવાદ છોડી અમેરિકા રહેવા આવ્યા ત્યારે સ્વ – શહેર – વિરહમાં એ ગઝલ લખેલી. પણ એ ય એક વિદાય જ ને?

    Liked by 1 person

    • જી જાણું છું કે આદિલ સાહેબ અમદાવાદ છોડી અમેરિકા રહેવા આવ્યા ત્યારે સ્વ – શહેર – વિરહમાં એ ગઝલ લખી હતી અને તેમ છતાં તેમની અંગત લાગણી વ્યક્ત કરતી આ ગઝલ કોઈપણ સ્થળ કે વ્યક્તિની વિદાય સમયે યાદ આવે જ છે .
      માટીની ભીની અસરને અહીં મેં વ્યક્તિની પ્રકૃતિની મહેંકમાં અનુભવીને ઉલ્લેખી છે.

      Like

    • તરુલત્તાબેન,
      સુરેશભાઈની ટકોર માટે હું એટલું જ કહીશ કે હું જાણું છું કે આદિલ સાહેબ અમદાવાદ છોડી અમેરિકા રહેવા આવ્યા ત્યારે સ્વ – શહેર – વિરહમાં એ ગઝલ લખી હતી અને તેમ છતાં તેમની અંગત લાગણી વ્યક્ત કરતી આ ગઝલ કોઈપણ સ્થળ કે વ્યક્તિની વિદાય સમયના સંદર્ભમાં મેં વણી છે .
      માટીની ભીની અસરની વાતને અહીં મેં વ્યક્તિની પ્રકૃતિની મહેંકમાં અનુભવીને ઉલ્લેખી છે.
      શબ્દોને માત્ર શાબ્દિક નહીં ભાવાત્મક રીતે લીધા છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.