પ્રેમ એક પરમતત્વ-વૈશાલી રાડિયા


પ્રણયમાં કોઈ શરતોથી તો બન્ને નહિ ફાવીએ

પરવડે તો છુટ્ટા હાથે લાગણીના બીજ વાવીએ

પ્રેમ તો એક પરમ તત્વ છે પ્રિય પ્રકૃતિનું

મળી જાય તો મત્તું મારજે સો ટકા સ્વીકૃતિનું

       પ્રેમ શબ્દમાં જ એક અજીબ સંવેદન છે, ચુંબકીય તત્વ છે. જન્મ પહેલાથી જ આત્મા પ્રેમથી જોડાઈ જાય છે. માતાના ગર્ભમાંથી જ બાળકને પ્રેમનો અહેસાસ થતો રહે છે અને પછી શરુ થાય છે માતાપિતા, ભાઈબહેન અને પરિવારનો પ્રેમ. જે કોઈ પણ સજીવને ધબકતું રાખે છે.

       સારસ-સારસી, ચક્રવાક બેલડી કે પછી કાગડી ઈંડાને સેવે ત્યારે એ કોઈ દહેશત વિના પરમ પ્રેમથી સેવે છે કે આ ઈંડા મારા જ છે! કેટલો અદ્ભુત વિશ્વાસ! પારધી અને હરણીના બચ્ચાની વાર્તા બચપણમાં મોટાભાગનાએ વાંચી હશે. કુદરતની કોઈ પણ ઘટનાની જાણકારી પ્રાણીઓને ઘણી વહેલી જાણ થઇ જાય છે. એમની ઇન્દ્રિયો માનવ કરતાં સતેજ હોવાનું કારણ શું એમની મૌન રહેવાની શક્તિના લીધે હોઈ શકે? પ્રેમ અને વફાદારી પણ માનવ કરતાં પ્રાણીઓમાં વધુ ઉચ્ચ કક્ષાની જોવા મળે છે, તેનું કારણ શું એવું હોઈ શકે કે માનવ વાચા દ્વારા બધું વ્યક્ત કરીને હૃદયથી ખાલી થઇ જતો હશે!

       માનવજીવની વાત કરીએ તો પરિવારમાંથી બહાર નીકળ્યા પછી એક વિશાળ વિશ્વ તેની સમક્ષ ખુલે છે, જેમાં શરૂઆત દોસ્તીના પ્રેમથી થાય છે. દોસ્તીમાં રહેલો પ્રેમ એક અલગ જ ભાવવિશ્વમાં ખીલે છે. દોસ્તીનું તત્વ સૌથી વધુ પ્રેમાળ ને અખંડ રહેવાની તાકાત ધરાવે છે તેમજ તેમાં બીજા પ્રેમ સંબંધો  કરતાં સ્વાર્થ ઓછો ને પ્રેમતત્વ અગ્રેસર હોય છે. યુવાન વયે તો એ ખૂબ મજબુત બને છે. દોસ્તીમાં કોઈ ઉંમર, સજાતીય, વિજાતીય એ બધું ગૌણ રહે છે, બસ પ્રેમતત્વ વધુ સાચું હોય છે.

જેને  જિંદગીમાં બે-ચાર પ્યારા મિત્રો ન મળે

એ માણસને જિંદગીમાં કોઈ ‘માણસ’  જ ન મળે!

       યુવાનીનો પ્રેમ એટલે અલ્લડતા, મોજ, મસ્તી, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, તોડી નાખું, ફોડી નાખું વાળું ધગધગતો લાવા અને ધગધગતો પ્રેમ! જેમાં કોઈ સરહદ કે સીમાડા આંબી જવાની ખેવના ને બધું જ કરી છૂટવાના સપના. જેમાં ‘તું’ ને ‘હું’ એટલી જ દુનિયા! સમગ્ર અસ્તિત્વ એક જ પાત્રમાં સમાઈ જાય એ પ્રેમતત્વ પાસે ‘પરમ’ પણ ટૂંકા પડે!

       દરેક અવસ્થામાં પ્રેમના સ્વરૂપ અલગ હોય છે. આત્માની અંત તરફની ગતિ વખતે એક હૂંફનો સ્પર્શ ને આંખોથી થતી વાતોમાં પ્રેમને સાબિત કરવાની જરૂર જ નથી હોતી એ અવસ્થાએ પહોંચેલ પ્રેમ એક અદ્ભુત અનુભૂતિ છે.

શબ્દોની જરૂરત નથી રહી હવે આજ

આંખો જ કહે છે હું છું ને તારે કાજ

       વિજ્ઞાન જ્યાં ટૂંકું પડે ત્યાં પ્રેમ કામ કરી જાય છે. અસાધ્ય બીમારીમાં પણ પ્રેમનો મૃદુ સ્પર્શ કે પ્રેમની એક નજરથી જ બીમારીમાંથી એક તાકાતથી કોઈ ઉભું થાય એ તત્વ એક જ છે, પ્રેમ!

       પ્રેમ શબ્દની વ્યાખ્યા આપણે ઘણીવાર સંકુંચિત મનથી અને સીમિત દ્રષ્ટિકોણથી કરી એ જ નજરથી માપી લઈએ છીએ. પરંતુ, પ્રેમ તો એક અહેસાસ છે જેને અનુભવ્યા વિના મૂલવવાનો કોઈને અધિકાર નથી. પ્રેમ એક એવું તત્વ છે જે અણુએ અણુમાં ફેલાય છે ત્યારે એને છુટ્ટું પાડવા કોઈ ઘટકોનો અભ્યાસ જરૂરી નથી. પ્રેમને રોમ-રોમમાં ઉતારી જીવંત રહી એની દિવ્ય અનુભૂતિથી જીવનને શાંત અને યોગ્ય દિશામાં ઉર્ધ્વ ગતિ તરફ જઈ શકવાની કેડી બનાવી શકાય છે.

       પ્રેમનો સાચો અર્થ સમજાય તો જીવનની દશા અને દિશા જ ફરી જાય. પ્રેમને ક્યારેય સ્થૂળ અર્થમાં ના બાંધતા વિશાળ દિલ અને ખુલ્લા મનથી એને સાચી રીતે સમજી એનો પૂરેપૂરો જીવનમાં ફેલાવીએ તો જીવંત રહી શકાશે અને જીવનનું લેવલ દિવ્ય ગતિ તરફ સરળ અને ઝડપી ગતિ કરશે એમાં બેમત નહિ હોય!

કોઈ છીછરા કે હલકા પ્રેમને આપણે પરમતત્વ જેવું રૂપાળું નામ ન આપી શકીએ. અને પરમતત્વ એટલે દુન્યવી પ્રેમથી પર એવું પણ નથી કહેવું. આ પૃથ્વી પર રહીને જ સાચો પ્રેમ પામવો ને કરવો એ જ તત્વ સાચું. એવું નથી કે સાચો પ્રેમ થાય ત્યાં સ્પર્શ ના હોય ત્યારે જ એ પવિત્ર. પ્રેમ એક એવું તત્વ છે, એવી દિવ્ય અનુભૂતિ છે કે એમાં બસ વહી જવાય ને ઓગળી જવાય કોઈ શરત વિના. ત્યારે થનાર સ્પર્શ પણ પવિત્ર જ હોય અને સંપૂર્ણ સંબંધ પણ પવિત્ર જ હોય. એ પ્રેમ જો શાંતિ અને સંતોષથી જીવન પસાર કરવામાં નિમિત બને તો એમાં કશું અપવિત્ર ના હોઈ શકે. એનો રસ્તો શાંત અને નિ:સ્વાર્થ હોવો જોઈએ. એ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ, એમના સંબંધોનું સ્વરૂપ કોઈ પણ પ્રકારનું હોઈ શકે. એમાં સ્પર્શ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, મળવું જરૂરી હોય પણ અને ન પણ હોય. પ્રેમને પરમ રીતે ભાગ્યે જ કોઈ મેળવી શકે અને જે મેળવે તેને માટે એ આત્મીય જોડાણ હોય છે, જેને દેખાવ કે આવડત કરતાં દિલથી, આત્માથી જોડાણ હોય છે, અને તે ક્યારેય તૂટતું નથી. શબ્દો કે સ્વાર્થ વિના જ જરૂર પડ્યે સેવા પણ કરી શકે ને અદ્વિતીય પ્રેમ પણ એ જ કરી શકે. એ અહેસાસ આપનાર વ્યક્તિ જીવનમાંથી કે ધરતી પરથી જતી રહે તો પણ એનું સ્મરણ શાંતિ ને આનંદ જ આપે ત્યારે એ પ્રેમ જીવંત વ્યક્તિને એક ઉર્ધ્વ ગતિ તરફ પરમ સંતોષથી જવા દઈ શકે તો એ સ્વીકારવું જોઈએ કે નહિ?

પ્રેમનું છે એક પરમ તત્વ

મળે તો પામી લેજો એ સત્વ

~ વૈશાલી રાડિયા

21 thoughts on “પ્રેમ એક પરમતત્વ-વૈશાલી રાડિયા

 1. પ્રણયમાં કોઈ શરતોથી તો બન્ને નહિ ફાવીએ

  પરવડે તો છુટ્ટા હાથે લાગણીના બીજ વાવીએ

  પ્રેમ તો એક પરમ તત્વ છે પ્રિય પ્રકૃતિનું

  મળી જાય તો મત્તું મારજે સો ટકા સ્વીકૃતિનું
  Very nice , Vaishaliben!

  Liked by 1 person

 2. પ્રેમની વ્યાખ્યા જીવનનાં દરેક પડાવથી સમજાવી.. ખૂબ સરસ..

  Liked by 1 person

 3. Very nice and emotional one 👍 love should be maintained by inner purity of heart and soul. It cannot be defined by words, but eyes will always give signs of true love 🙏👍 if your love is eternal, then it will ends with your life 🙏

  Liked by 1 person

 4. વૈશાલીબેન પ્રેમ એક પરમતત્ત્વ ને આપે જે સર્વસામાન્ય પ્રેમથી લઈને પરમ થી પણ આગળ ,પ્રેમ એટલે ખરેખર
  શું તેની જે સમજ આપીને તે કાબિલે તારીફ છે.દિલ ખુશ થઈ ગયું.

  Liked by 1 person

  • Very nice and emotional one 👍 love should be maintained by inner purity of heart and soul. It cannot be defined by words, but eyes will always give signs of true love 🙏👍 if your love is eternal, then it will ends with your life 🙏

   Like

 5. વૈશાલીબેન,તમારો પ્રેમપૂર્વક આવકાર.તમારા લેખમાં ઊંડાણ જોવા મળેછે.મજા આવી ગઈ.જ્યાં સંવેદના છે ત્યાં પ્રેમ જન્મે. સંવેદના પશુ-પક્ષી અને મનુષ્યમાં હોય છે.માટે એ દરેકમાં પ્રેમ તત્ત્વ હોય છે,પરંતુ મનુષ્યમાં ઈશ્વરે મગજ અને વિચારશક્તિ મૂકી છે.જે સર્વ દુઃખોનું કારણ બનીને, પ્રેમમાં ગ્રહણ બનીને રહી જાય છે…..આખરે પ્રેમ બદનામ બની જાય છે! પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય છે.પ્રેમની ભાષા જયારે ગણિત બને છે ત્યારે ના બનવાનું બની જાય છે,જો કે આજની પેઢી તેનું પણ celibration કરે છે! what is next? પ્રેમની પરિભાષા બદલાતી જાય છે,પણ હા,પ્રેમ એક અનુભૂતિ છે, તે સ્વીકારવું જ રહ્યું.

  Liked by 1 person

  • ખૂબ આભાર કલ્પનાદીદી,
   કોઈપણ સંબંધમાં ગણિત આવે ત્યારે તેણે સંવેદનાઓ બૂઠ્ઠી બની જાય છે.
   પ્રેમ તો છે ગણિતથી પેલે પારનો વિષય
   દિમાગથી નહીં દિલથી માણવાનો વિષય

   Like

 6. સરસ..લખ્યું છે…
  .માણસ ને માણસ સાથે પ્રેમ હોવો જોઈએ.. બસ દુનિયા આખી ની સમસ્યા હલ થઈ જાય..

  Liked by 1 person

 7. સરસ લખ્યું છે…જો માણસ ને માણસ સાથે પ્રેમ થઈ જાય તો બેડો પાર….અને દુનિયા આખી ની સમસ્યાઓ નો અંત આવે…

  Like

 8. ખૂબ આભાર કિરિટભાઈ
  આપના અભિપ્રાય હંમેશાં મારા માટે પ્રેરણાદાયી રહ્યા છે. ધન્યવાદ

  Like

 9. ખુબજ સુંદર સત્ય ની વાત કરી છે ..આ પ્રેમ માં રહેવા થીજ જીવન ધન્ય થઈ જાય છે..ખુબ ખુબ સુંદર છે ..હૃદય સ્પર્શી લીધું આપની આ રચના એ..

  Liked by 1 person

  • ખૂબ આભાર… એક કલાકારને કલા માટે બીજું શું કહેવાનું? 🙏

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.