૧૫- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

પશ્ચિમના દેશોમાં શીત વરસાવતું, ટાઢુંબોળ હવામાન બંધાય એ પહેલાં જ આપણાં વડીલો દેશાટન આદરે અને એ ય મઝાની ઉત્તરાયણ કરીને પાછા વળવાના પ્લાન કરે. ત્યારે યાદ આવે પેલા માઈગ્રેટીંગ બર્ડ જે પરદેશી ટાઢાબોળ વાતાવરણમાંથી આપણા દેશ તરફ ઉડ્ડાન ભરતા હોય. એક લાંબી સફર ખેડીને હુંફાળા વાતાવરણમાં થોડો સમય વિતાવી આવે. આપણાં ય લોકો પાછા એ પરદેશી પંખીઓને જોવા બર્ડ સેન્ચ્યુરી એટલેકે પક્ષી અભ્યારણ તરફ દોટ લગાવે અને માણે ય ખરા પણ આજકાલ ભારતથી પાછા ફરતાં આપણાં લોકોમાં એક સામાન્ય ફરિયાદ તો અવશ્ય સાંભળવા મળે છે અને એ છે પ્રદૂષણ અંગે-પ્રદૂષિત હવામાન- પ્રદૂષિત વાતાવરણ અંગેની.

સામાન્ય રીતે ઝાકળ-ઓસથી ભરેલું ધુમ્મસ તો સૌને ગમે પણ આ પ્રદૂષણનું ધુમ્મસ? ના રે….. નાકે બુકાની બાંધીને બહાર નિકળવું પડે એ કોને ગમે? આમ તો આ પ્રદૂષણયુક્ત વાતાવરણનું મૂળ કારણ આપણે જ તો..! આપણી હરકતોથી નીલરંગી આકાશની કાયા જ પલટી નાખી છે. પણ કોણ એની તથામાં પડે  છે? આપણે તો આપણામાં જ મસ્ત.આપણી આ મસ્તીમાં ઉમેરો કરવા આવે આ પતંગોચ્છવ. ….એ દિવસે તો આપણે પણ દૂષિત હવામાન/ પ્રદૂષિત વાતાવરણ જેવા શબ્દો ભૂલીને મોજ-મસ્તીમાં આવી જઈએ.  આપણાં ઓચ્છવો આમ પણ રંગરંગીલા. દિવાળીની રંગોળી હોય કે હોળી બધામાં રંગોનો મહિમા અનેરો. એમાં ઉત્તરાયણ પણ ક્યાં પાછી પડે? ઉપર વિશાળ ગગન અને એમાં તરતા  રંગ-બેરંગી ચાંદલિયા, ઘેંસિયા, આંખેદાર, ચાંદેદાર,પૂંછડીયા….એ ય મઝાની રંગછટાથી આકાશ પણ રંગીન….

  એમાં તરતા પતંગો જાણે કોઈ કોડીલી કન્યાની સાથે છેડાછેડી બાંધીને સપ્તપદીમાં પગલા માંડતા ગર્વીલા વરરાજા જોઈ લો. તો વળી પવનની હળવી થપાટો સાથે લહેરાતો પતંગ જાણે કોઈ માનુનીને મનાવવા એની આસપાસ ચકરાવા લેતો મજનુ જોઈલો..આ તો થઈ આપણા મનની પરિકલ્પના પણ હવે તો રાત્રે તુક્કલની જેમ આકાશમાં બુલેટ ટ્રેન, ડોનાલ્ડ ડક કે મિકી માઉસ પણ એલઈડી લાઈટથી કે રિમોટ કંટ્રોલ દ્વારા પતંગરૂપે ઉડવા માંડ્યા છે.  

આ બધી હાઈટેકની માયાજાળ પણ પાછા આપણે પરંપરાગત ઉત્તરાયણ તરફ વળીએ તો એમાં મઝાની વાત એ છે કે ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ નથી ચગતા સાથે ચગે છે આપણો ઉત્સાહ, યુવાનીનો મિજાજ. જીવન પણ પતંગ જેવું ક્ષણિક છે એ ભૂલીને જીવનની એ ક્ષણને માણી લેવાનો ઉમંગ. એ સમયે પ્રગટે છે પતંગ સંગ આકાશે જઈ પહોંચવાની વૃત્તિને વેગ આપવાનું જોમ . છલકાય છે આપણા મનમાં છવાયેલા ઉમંગી તરંગો. આવા રંગબેરંગી મિજાજને મહાલતા જુવે ત્યારે આપણા પર ઝળૂંબતું પણ આપણાથી દૂર એવું પેલું આકાશ આ ઓચ્છવ માણી શકતું હશે ? ભલેને રહ્યું એ વિરાટ પણ થોડું-ઘણું એકલવાયું તો ખરું જ ને? એની શોભા પેલા અલપ-ઝલપ દેખાતા વાદળો, કે પછી એને આંબવા ઊડતા પંખીઓ કે પછી એને સતત ધખાવતો રહેતો પેલો અગનગોળો કે પછી એની તપત શમાવવા આસ્તે આસ્તે દેખાતો ચાંદો અને એની સાથે ઉમટી આવતા તારલા?

એક સામટા આટલા બધા થોકેથોક ઉમટી આવેલા લોકોને જોઈને આકાશ પણ ત્યારે વિચારતું હશે ભલે હું રહ્યું અસીમ, અનંત, અમર પણ સ્થિર અને એકલવાયું. આ માનવજાત ભલે અમરત્વના આશીર્વાદ લઈને નથી આવી પણ એ જીવી જાણે છે, મસ્તીમાં ઝૂમી જાણે છે, હસે છે, હસાવે છે, ઉત્સવ ઉજવી જાણે છે અને એમ કરીને પણ એમને મળેલી જીવનયાત્રા માણી જાણે છે.

આ અનંત આકાશ પોતાની ભવ્ય એકલતા દૂર કરવા શું કરતું હશે એની તો ખબર નહીં પણ આ ઉત્તરાયણના દિવસે આપણે થોડા ઉદાર થઈએ છીએ ખરા હોં…

આપણે પણ કહીએ છીએ..

હરેક જણના પતંગ પર લખિયો છે આ સંદેશો કે

હે નભ ! તું નીચે આવ ! આવ નીચે ને જરાક હળવું થા…

માર નગારે ઘા, ગમગીનીનો ગોટો વાળી

જલદી કૂદ કછોટો વાળી, ઓચ્છવના આ રંગકુંડમાં ડૂબકી મારી ગા !

આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને

આ પતંગ રૂપે છે નિમંત્રણ-નીચે આવી ચાખ ઉમળકો,

ચાખ જુવાની, ચાખ લાગણી, ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ

આભ, તું જરાક નીચે આવ…કારણકે

પતંગનો ઓચ્છવ

એ બીજું કંઈ નથી, પણ

મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

આ ઉત્તરાયણ તો એકદમ મોજીલો, જોશીલો લહેરીલો તહેવાર. મનના ભારને વાયરા સાથે વહેતો મૂકવાનો તહેવાર. માટે જ કવિએ કહ્યું હશે ને કે…….

“હળવા થઈ પવનની સાથે થોડું ઉડી લઈએ

મોટપ નીચે મૂકી ઉપર નાના થઈને જઈએ”

વાત તો સાચી જ ને…

તો ચાલો આપણે પણ આ મોજીલા દિવસે હળવા થઈને થોડું ઉડી લઈએ, થોડું માણી લઈએ, થોડું જોમવંતુ જીવી લઈએ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com


7 thoughts on “૧૫- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

 1. રાજુ,ઉત્તરાયણ આવે અને અમદાવાદ યાદ ન આવે એવું કંઈ બંને?એ રંગબેરંગી આકાશ,તલસાંકળી,બોરને સાથે સાથે ધાબા પર બેસીને ખાધેલ ઉધીયું ને જલેબી. પણ સાથે સાથે હળવા થઈને ઉડવાની અને મોટપને મૂકવાની વાત બહુ ગમી ગઈ……

  Liked by 1 person

 2. ”હળવા થઈ પવનની સાથે થોડું ઉડી લઈએ

  મોટપ નીચે મૂકી ઉપર નાના થઈને જઈએ”
  ખૂબ સરસ વાત રાજુલબેન.ઉત્તરાયણ પર કવિનો સરસ સંદેશ!
  પતંગ ઘણું શીખવે છે છોને,.ઉડો…..આકાશે ,નભને આંબો…પરંતુ તમારા મૂળ સાથે જોડાયેલા રહો.મૂળથી ઉખડેલા વૃક્ષ અને કપાયેલા પતંગની દશા કેવી હોય છે?લાંબા સમય જીવી ના શકે.પતંગને લાગે કે તેની દોરી ફીરકી સાથે બંધાયેલી છે તો તેનું ઉડવાનું સીમિત રહે છે.દોરી કપાય તો વધુ ને વધુ ઉંચે જઈ શકે.પરંતુ તેને ખબર હોતી નથી કે થોડી વારમાજ ગોથા ખાઈને જમીન પર પટકાય છે.આવુજ આપણા યુવાનોનું છે.ક્યારેય આપણી મૂળ સંસ્કૃતિને છોડવી જોઈએ નહી.આપણા વડીલો જે દેશ છોડીને પરદેશ વસે છે.તેઓ તક મળતા વતનમાં જ્યાં તે મૂળ સાથે જોડાયેલ છે ત્યાના હવા,પાણી,ખોરાક અને ત્યાની માટીની સુગંધમાં, ધૂળમાં જે પ્રાણ તત્ત્વ રહેલું છે તે લેવાનું ચૂકતા નથી.ભલેને ત્યાની હવા પ્રદુષણથી ભરેલી હોય.પતંગ ઊંડી શીખ આપી જાય છે.

  Liked by 1 person

  • એક રીતે જોવા જઈએ તો કોઈપણ નાનામાં નાની વાત કે વસ્તુ કે જેની આમ કોઈ વિસાત ન હોય અને તેમ છતાં એમાંથી કંઇક સાર તો પામીએ જ છીએ.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.