૧4 કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

નવું વર્ષ એટલે અવનવા વિચારો, અવનવા વચનો… કોઈને નહીં તો ય જાત સાથે તો ખરા જ. કોઈપણ વાતની શરૂઆત કરવામાં આપણે આમ પણ એકદમ શૂરા. કોઈપણ આયોજન કરવાનું હોય તો એકદમ ઉત્સાહથી છલોછલ .. વર્ષની શરૂઆત હોય હોય અને આપણે આદતવશ અનેક જાતના નિર્ણયો કરવા માંડીએ. કાલથી હું સવારે યોગ તો કરીશ જ. કાલથી હું

“રાતે વહેલા જે સૂઈ- વહેલા ઊઠે વીર-બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર”વાળી વાત

વિચારીને હું પણ રાતે વહેલા સૂઈ -વહેલા ઊઠીને ચાલવા જઈશ. કાલથી હું ખાવામાં એકદમ ચોકસાઈ રાખીશ….પરિવાર સાથે કમ સે કમ એક કલાક તો પસાર કરીશ જ, મારાથી જેટલી શક્ય હોય એટલી સૌને મદદ કરીશ, સારું વાંચન કરવાની ટેવ પાડીશ, દેવ-દર્શને જઈશ..….વગેરે વગેરે.અને થોડા દિવસ પછી તો એ નિર્ણયો- એ સંકલ્પો પેલા સોડા-વૉટરના ઉભરાની જેમ ફુસ્સ કરતાં ઠરી જાય અને કાલ ક્યારેય ના આવે. ત્યારે જોમ અને જોશ જાળવવા કવિ શ્રી નર્મદની આ પંક્તિઓ જરૂર યાદ આવે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….
યા હોમ કરીને કુદી પડો ફતેહ છે આગે.

જો કે આ પંક્તિઓ લખાઈ હશે શૂરાને શૂર ચઢે એના માટે પણ જીવનમાં કેટલાક સંકલ્પો કરવામાં ય થોડી વીરતાની-થોડી દ્રઢતાની જરૂર તો ખરી જ અને એને પુરા કરવામાં? એમાં તો વળી થોડી નહીં પુરેપુરી વીરતાની- સો એ સો ટકા દ્રઢતાની જરૂર પડે.  સંકલ્પો કરવા જેટલા સહેલા છે એટલા જ નિભાવવા અઘરા પણ છે જ એટલે જ યા હોમ કરીને કુદી પડવા જેવું મનોબળ કેળવવું પડે ને? સવારે પાંચ વાગે ઊઠવાનું એલાર્મ વાગે એટલે સૌથી પહેલાં તો ઊંઘરેટી આંખે આપણો હાથ એ કાન સુધી પહોંચેલા અને માથામાં હથોડાની જેમ વાગતા એ એલાર્મને બંધ કરવા લંબાય પણ જો આપણું મન જરાય પણ સજાગ હોય તો તરત જ બોલે ….

 “ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું” અને એ આપણા લંબાયેલા હાથને રોકે….આમ જોવા જઈએ તો વાત સાવ હળવી છે પણ સાવ હસવામાં કાઢવા જેવીય નથી. આપણા એવા કેટલાય મક્કમ લાગતા વિચારો ખરેખર ક્ષણિક જ પુરવાર થઈને રહે છે અને ત્યારે જ કવિ શ્રી નર્મદની પંક્તિઓ કદાચ આપણામાં જોમ જગાડી શકે.. આ બધા અનુસરવા જેવા પણ અશક્ય બની જતા નિયમો હોઈ શકે

પણ આજે એક સરસ વાત વાંચવામાં આવી. આમ જોવા જઈએ તો ઉપર દર્શાવેલા સંકલ્પો જેવી જ પણ સાવ જુદી. સાવ સરળ. 

વાત છે ‘હૅપીનેસની બરણી’ની.

નવાઈ લાગી ને વાંચીને? આ હૅપીનેસની બરણી એટલે પેલા નાના બાળકોની પીગી બેંક હોય છે એવી બરણી. જેમાં નાના બાળકો ટીપે ટીપે સરોવર ભરાયની જેમ એક એક પૈસો ભેગો કરતાં જાય. એવી રીતે વર્ષની શરૂઆત થાય એટલે આપણે પણ એક સરસ મજાની કાચની કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી લેવાની. પછી રોજ રાત્રે સુતાં પહેલાં યાદ કરવાનું કે મારી આજની સૌથી હૅપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? એવી કઈ ક્ષણ હતી કે એવી કઈ વાત હતી જ્યારે એ ક્ષણે મને સૌથી વધુ આનંદ આવ્યો હોય? બસ, એ ક્ષણને યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં લખીને પેલી પારદર્શક બરણીમાં ચિઠ્ઠી નાખી દેવાની. બસ આટલું જ. માંડ એકાદ મિનિટનું કામ. ધેટ્સ ઇટ.

‘આનાથી કરતાં વધારે સરળ અને તકલીફ વગરની પ્રવૃત્તિ તમે જોઈ છે? બસ વાત છે એક મિનિટ ફાળવવાની. માત્ર એક જ મિનિટ ફાળવવાની અને એમાં આખા દિવસમાં આપણે જે વાતે આનંદ કે રાજીપો અનુભવ્યો હોય એની લખીને નોંધ લેવાની. આપણને આજે કંઈક ગમ્યું હોય તો એ લખવાનું, હું નસીબદાર છું કે મને આવી સગવડ મળી છે એવી લાગણી થાય તો એ પણ નોંધી શકાય. બીજું કંઈ ન સૂઝે તો આજે જે કંઈ ખાધુ અને એ ભાવ્યુ હોય તો એ ય લખી શકાય. અરે! હું હજુ જીવું છું એવું પણ લખી શકાય.’એક રીતે જોવા જઈએ તો એ પણ એક મઝાની વાત જ છે ને? આપણા શ્વાસ ચાલે છે, આપણે સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને એના કરતાં ય વ્યસ્ત છીએ એ વાત ક્યાં કોઈપણ ઘટના કરતાં જરાય ઉતરતી છે?

દરેક સમયે મોટી ઘટના જ સુખ અને સંતોષ આપી શકે એવું જરૂરી નથી. ક્યારેક ભાવતી ચોકલેટ મળી જાય, કોઈ ખુબ ગમતું ગીત અનાયાસે રેડિયો પર સાંભળવા મળી જાય કે કોઈ મિત્ર લાંબા સમય પછી અચાનક મળી જાય. ઘરની બહાર નિકળીએ અને ઇન્દ્રધનુષ જોવા મળી જાય, જોબ પર આપણા કામની પ્રશંસા થાય. જેની લાંબા સમયથી રાહ જોતા હોઈએ એવી ટપાલ મળે. ઘણા સમય પહેલાં ખોવાઈ ગયેલી ચીજ જડી આવે અને કેવા ખુશ થઈ જઈએ ? ક્યારેક આવી નાની નાની બાબત પણ ક્યારેક અત્યંત સુખ આપી જાય છે અને જીવનની આવી નાની નાની વાતો લખીને આપણે આગળ વધી જઈએ પણ ક્યારેક મન ઉદાસ હોય, મુડ ખરાબ હોય ત્યારે આ હૅપીનેસની બરણીમાંની ચબરખીઓ ખોલીને વાંચવાની. ત્યારે જેમ પેલી પીગી બેંકમાંથી નિકળેલી મુડી નાના બાળકોને રાજી રાજી કરી દે એવી રીતે બની શકે કે સુખની એ પળો યાદ કરીને એ સમયે પણ આપણે ખુશ થઈ જઈએ. ખરાબ મુડ પણ સારો થઈ જાય. અરે ! કમ સે કમ એવું વિચારીને ય હસી પડીએ કે આવી વાતમાં ય આપણે ખુશ થઈ શકતા હતા.

છે ને મઝાની હૅપીનેસની બરણી? તો પછી શેની રાહ જોઈએ છીએ આપણે?

ચાલો યા હોમ કરીને કુદી પડીએ પછી તો ફતેહ છે આગે

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

8 thoughts on “૧4 કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. રાજુલબેન,સૌ પ્રથમ તો તમને અને સૌ વાચક મિત્રોને નવા વર્ષની શુભેરછા! ખૂબ ખૂબ,ખૂબ સરસ વાત,’હેપીનેસની બરણીની’….પ્રયત્ન કરવા જેવો ખરો.માણસ હમેશા ફરિયાદને ફરી ફરીને યાદ કરે છે,ઈશ્વરે જે આપ્યું છે તેને TAKE IT FOR GRANTED ગણી લે છે.સુખને પણ યાદ કરવુજ રહ્યું.અને……ક્યારેક એ ચીઠ્ઠીઓ વાંચીએ ત્યારે…!!!કેવી મજા આવે?…અનુભવ કરવો રહ્યો.આભાર ,તમારા નવા કીમિયા માટે….

    Liked by 1 person

    • નાની નાની વાતો એકઠી થઈને મોટી બની જશે….એવી નાની વાતો ય બહુ કામની હોં કે…

      Like

  2. ભાઈ હેપીનેસની બરણીની વાત તો ગમી ગઈ,નવા વર્ષના નવા સંકલ્પમાં ઉમેરવા જેવી વાત……..

    Liked by 2 people

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.