૧૦ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

“ઘર ફૂટે ઘર જાય”

“ઘર ફૂટે ઘર જાય” કહેવત, રામાયણમાં વિભીષણનાં પાત્રથી અસ્તિત્વમાં આવી એવી માન્યતા છે. ઘર હોય કે સંસ્થા, પક્ષ હોય કે રાજકારણ, જ્યાં અંદરોઅંદર મતભેદ હોય ત્યાં શત્રુઓ ફાવી જાય છે. કહેવત છે “બે બિલાડી લડે ત્યારે વાંદરો ફાવી જાય”. જ્યાં પારિવારિક સંબંધોમાં પ્રેમભર્યો વહેવાર હોય, જ્યાં ઐક્ય જળવાઈ રહે ત્યાં આ કહેવત લાગુ ના પડે. પરંતુ જયારે કોઈપણ પ્રકારની નકારાત્મકતા, સડો કે કુસંપ પ્રવેશે ત્યારે ઘર ફૂટે છે, તૂટે છે એ હકીકત છે.

કુસંપની નાની સરખી તિરાડ બધું તોડી ફોડીને અલગ કરી દે છે. જ્યાં સ્વાર્થ હોય છે ત્યાં જતું કરવાની ભાવના હોતી નથી. આદર્શો ભૂલાતાં જાય છે. ઘરનો ઉંબરો મર્યાદા સૂચવે છે. ઘરની વાત ઉંબરા બહાર જાય એટલે લોકો માટે તમાશો થઇ જાય. “તમાશાને તેડું ના હોય”. સમાજ તાકીને જ ઉભો હોય છે. ઘરનાં સભ્યોની વગોવણી થાય છે. લોકો “મીઠું-મરચુ ઉમેરીને ” “વાતનું વતેસર કરે” છે. પરિણામે ઘર ફૂટે છે. આબરૂ જાય છે. “દીવાલોને પણ કાન હોય છે.” વાતને દબાવીને, “આંખ આડા કાન કરવાની” ભાવના વડીલો તેમજ અન્ય લોકોએ અપનાવવી જોઈએ. કોઈની “કાન ભંભેરણી” કે ચડવણીથી દૂર રહેવું જોઈએ કારણકે મંથરા અને શકુનિ આ સમાજમાં ઠેરઠેર જોવા મળે છે. વિઘ્નસંતોષી લોકોને બીજાનાં ઘર તોડવામાં રસ હોય છે કારણકે “કાચા કાનનાં” લોકોની સમાજમાં અછત હોતી નથી. પરિણામે “ઘરનો ભેદી લંકા બાળે”.

ઇતિહાસ સાક્ષી છે કે વિભીષણે પક્ષપલટો કર્યો. તે રાવણનો ભાઈ હતો પરંતુ ક્યારેય તેણે રાવણનાં અધાર્મિક કાર્યનું સમર્થન નહોતું કર્યું. તેઓ રાજપરિવારનાં હતાં તે નાતે લંકાની પ્રજાનું હિત જોવાની જવાબદારી તેમની હતી. પ્રજાનું અહિત કરનાર રાજાને ઉથલાવી ધાર્મિક રાજા નિમવો તે તેમનું કર્તવ્ય હતું. પછી સામે પોતાનો ભાઈ કેમ ન હોય? રાવણે પોતાની વાસના સંતોષવા લંકાને “દાવ પર લગાવી”. વિભીષણ રાવણને રામ સામે યુદ્ધ કર્યા વગર સીતાને પાછી સોંપવા ઘણું સમજાવે છે. લંકાનો વિનાશ ના થાય તે માટે પણ સમજાવે છે પરંતુ રાવણ પોતાને મળેલ શાપને કારણે તેની સલાહ સ્વીકારતો નથી. પરિણામે વિભીષણ અસત્ય, અધર્મ અને અન્યાયનો માર્ગ ત્યજીને, પોતાના પરિવારને લંકામાં છોડીને રામના શરણે જાય છે. રામ વિભીષણ પાસેથી લંકાની પરિસ્થિતિનો તાગ મેળવે છે. યુદ્ધમાં વિભીષણના ઈશારે રાવણની અમૃત ભરેલી નાભિ ભેદી નાંખતા અહંકારી લંકેશ રણક્ષેત્રમાં ઢળી પડે છે.

આમ રામ-રાવણનાં જીવ સટોસટનાં સંગ્રામકાળે શત્રુપક્ષે ભળી જઈને પોતાનાં કુળસંહારનું કારણ બની રહેનાર વિભીષણ માટે આ કહેવત પ્રયોજાઇ છે. જનમાનસ વિભીષણનાં આ કૃત્યને ક્યારેય માફ કરી શક્યા નથી. રાષ્ટ્રદ્રોહી અને ઘરનાં ભેદીના રૂપમાં જ લોકોએ તેમનું મૂલ્યાંકન કર્યું છે. આધુનિક દ્રષ્ટિ વિશ્વાસઘાતી રહી છે. ઇતિહાસમાં તેમજ અનેક મનોવૈજ્ઞાનિકોએ વિભીષણની આ વૃત્તિની આલોચના અલગ અલગ રીતે કરી છે. કેટલાંકે વિભીષણને બંધુદ્રોહ, દેશદ્રોહ તેમ જ શત્રુભક્તિની પરંપરાનાં આદિપુરુષ તરીકે વર્ણવ્યા છે. વિભીષણ એક તટસ્થ રાક્ષસ હતો. વાલ્મિકી રામાયણમાં તે પહેલાં સત્યને અને પછી સંબંધને માને છે. સત્યનિષ્ઠ સજ્જનશક્તિનું કાવ્ય વિભીષણ દ્વારા પ્રગટ થાય છે. આમ વિભીષણ એટલે શત્રુપક્ષે રહેલાં સત્યને સ્વીકારવાનો જાગૃત જીવ!

બીજી રીતે જોતાં આ કહેવત વિભીષણ માટે ખોટી રીતે પ્રયોજાઇ છે. એમની ટીકા કરતાં પહેલાં એકવાર એમનાં ચરિત્રને સમજી લેવું જોઈએ. એમના ઘરમાં રામનામ લખ્યું હતું, જેનો રાવણે વિરોધ નહોતો કર્યો. જેના આંગણે તુલસી શોભતાં એવા પરિવારમાં ભાઈભાઈ વચ્ચે વિરોધાભાસ હતો છતાં સાત્વિકતા હતી અને તંદુરસ્ત વાતાવરણ હતું. પરંતુ વિભીષણનો આદર્શ આપણને શીખવે છે કે ધર્મનાં માર્ગમાં કોઈ પારકું, કોઇ પોતાનું હોતું નથી. જે ધર્મ અને નીતિનું પાલન કરતા હોય તેમને જ સાથ આપવો જોઈએ.

સંસારમાં બે પક્ષે નાની મોટી દુશ્મનાવટ, વેરઝેર કે મનદુઃખ હોય છે તેવે વખતે સામે પક્ષે રહેલા સત્યનો સ્વીકાર અને સમાદર કરવો જોઈએ. અધર્મને છોડીને પણ વેઠવું પડે તે વેઠે પણ સત્યને ના છોડે તે ‘વિભીષણ વૃત્તિ’ કહેવાય. આજકાલ ઘરમાં કે રાજકારણમાં પક્ષનો કે પ્રજાનો દ્રોહ કરનાર માટે, ઘરની વ્યક્તિઓને બહાર વગોવનાર માટે આ કહેવત યોગ્ય છે.

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.
This entry was posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા and tagged , , , , , , . Bookmark the permalink.

3 Responses to ૧૦ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

 1. ભારતીય ઇતિહાસ પણ આ વાતનો સાક્ષી છે જ ને?

  Liked by 2 people

  • Kalpana Raghu says:

   રાજુલબેન તમારી વાત સાચી છે.ભારતીય ઇતિહાસના પાયામાં આજ હતું. THANKS.

   Like

 2. “ઘર હોય કે સંસ્થા, પક્ષ હોય કે રાજકારણ, જ્યાં અંદરોઅંદર મતભેદ હોય ત્યાં શત્રુઓ ફાવી જાય છે”. કલ્પનાબેન સો ટકા સાચી વાત છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s