૧3- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

૨૦૧૮નું વર્ષ તો જોતજોતામાં પસાર થઈ ગયું અને આ બારણે ટકોરા મારતું આવીને ઊભું ૨૦૧૯નું એક નવું નક્કોર વર્ષ. આવનારા વર્ષનો હર એક દિવસ સૌનો સુખમય વિતે એવી ઈશ્વરને પ્રાર્થના.
જરા પાછા વળીને ઉડતી નજરે આખા ૨૦૧૮ના વર્ષ પર નજર કરીએ તો એમાં કેટલીય એવી યાદગાર ક્ષણો આવી હશે જે આપણને જીવનભર યાદ રાખવી- વારંવાર મમળાવવી ગમે તો કેટલીક એવી ક્ષણો પણ હશે જેને ભૂલીને આગળ વધવામાં જ સાર હોય.
આ ક્ષણોનો સરવાળો એટલે સમય અને સમય એટલે શું ? એ તો નિરાકાર છે. એને આપણે ક્યાં જોઈએ છીએ કે એને પકડી શકાય?  એ તો  એના પગલાંની ય ક્યાં છાપ મુકતો જાય છે કે ભીંતે થાપા દેતો જાય છે? અને છતાંય એના પસાર થઈ ગયાની અસર કે અનુભૂતિ તો આપણા મન પર આપણા જીવન પર છોડતો જ જાય છે ને?
ક્યારેક એમ લાગે કે સમય તો મુઠ્ઠીમાં ભરેલી રેત. ગમે એટલો પકડવા મથો, ગમે એટલો સાચવવા મથો પણ એ તો બંધ મુઠ્ઠીમાંથી પણ સરતો જ જાય. ક્યારેક એવું લાગે કે સમય સ્થિર થઈ ગયો છે. જડ થઈ ગયો છે. એને આગળ ધકેલવા મથો પણ જાણે ચસોચસ બારણા ભીડીને એ બેસી ગયો છે. એની સ્થિરતા, એની જડતા આપણને અકળાવનારી પણ બની જાય.
આવું કેમ થતું હશે?
કારણકે જે સમય અકળાવનારો છે એ ક્યારેય ખસતો હોય  કે આગળ વધતો હોય એવું નથી લાગતું અને જે સમય આપણો મનગમતો છે એ ત્યાં જ અટકી જાય એવું આપણને ગમે.  જે આપણને ગમે છે એવું જ હંમેશા બને એમ જ વિચારીએને? જે પળો ગમે છે એને વારંવાર માણવા- વાગોળવાનું મન થાય એ માનવસહજ વૃત્તિ તો ખરી જ. આવો મનગમતો સમય હોય ત્યારે એને નાનું બાળક રમતાં-રમતાં સ્ટૅચ્યુ કહીને સામી વ્યક્તિને સ્થિર કરી દે એમ આપણે પણ સમયને સ્ટૅચ્યુ કહી શકતા હોઈએ તો ? સાચું કહેજો આવો વિચાર તો તમને પણ આવ્યો જ હશે..
પણ સમયને તો આગળ વધતા જરાય વાર નથી લાગવાની. જુવો ને આજે રાત્રે એક ક્ષણ એવી આવશે જે આજ અને કાલ માત્રને જ નહીં આખે આખા વર્ષને બદલી નાખશે. આજે ૩૧ ડિસેમ્બરની મધરાતની છેલ્લી મિનિટે શરૂ થશે કાઉન્ટ ડાઉન…સેકંડનો કાંટો ટીક ટીક કરતો આગળ વધશે અને અંતે ઘડિયાળમાં ૧૨નો ટકોરો અને બદલાઈ જશે આખે આખું વર્ષ.  આ ક્ષણ એવી છે જે એકનો અંત છે અને બીજાની શરૂઆત. એકમાં હશે ભૂતકાળની ખાટી- મીઠી યાદો અને બીજામાં હશે ઉઘડતી સવારથી આવનારા વર્ષમાં ફેલાનારો સોનેરી ઉજાસ.  દેખીતી રીતે આજ અને કાલમાં કોઈ ફરક નથી પણ વિતી ગયેલા સમય થકી આપણે મેળવી અનુભવની સમૃધ્ધિ અને આવતી કાલ માટે હશે આપણા મનમાં એક નવી આશા- નવું ઉમંગભર્યું જોમ.
સાવ અડી અડીને ઊભેલા આ ડિસેમ્બર અને જાન્યુઆરી એક ક્ષણમાં સાવ  બીજા જ છેડે જઈને ઊભા રહેશે અને તેમ છતાં વિખૂટા પડતા આ બે મહિનાની આ છેલ્લી ક્ષણો પણ વિશ્વ માટે તો ઉજવણીનો સમય. આ વિખૂટા પડવાની વાતને પણ આવી સરસ રીતે, આવી ધામધૂમથી ઉજવી શકાય ? ધડાકાબંધ ચકાચૌંધ રોશનીથી વિશ્વભરને રોશન કરી શકાય? કરી જ શકાય ને ! વિશ્વ આખું આ ઉજવણી કરે જ છે ને ? આ ડિસેમ્બરની વિદાય લેતી ક્ષણો પણ કેવી સરસ વાત કહી જાય છે ને? આ જે ક્ષણ હાથમાં છે એને માણી લઈએ તો? શું મળ્યું શું ખોયું એની તથા કર્યા વગર, નક્કામી પીંજણ કર્યા વગર જીવનમાં પામેલા ખુશીઓના અર્કને ફૂલોની ફોરમની જેમ જ વહેવા દઈએ તો?
ગરથ ગાંઠે બાંધી ખાટી શું જીંદગી,
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડીને વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ
અને  માટે જ આ ક્ષણે એમ થાય છે કે આપણે પણ આજ સુધી જે કંઈ પામ્યા, જે કંઈ અનુભવ્યું એને ય સ્નેહી- સ્વજનો સાથે ઉજવીએ તો ? જે વિતી ગયું છે એમાંથી નવનીત તારવીને સૌને એના સહભાગી બનાવીને માણીએ તો? જે આનંદ, જે રાજીપો, જે ગમતીલી ક્ષણો આખા વર્ષ દરમ્યાન અનુભવી એને સૌ સાથે વહેંચીએ તો એ આનંદનો, ગમતીલા સમયનો આપોઆપ સરવાળો કે ગુણાકાર થઈ જાય ને?
આમ પણ આપણી પ્રકૃતિમાં, આપણી સંસ્કૃતિમાં આપવાનું, વહેંચવાનું તો એકદમ સ્વભાવિક છે ને? વાડકી વ્યહવાર પણ એમ જ શરૂ થયો હશે ને? તો પછી આજે આ વર્ષના  વિદાય લેતા દિવસે એવી ગમતીલી ક્ષણોનો પણ વાડકી વ્યહવાર કરીએ. જે આપણને ગમ્યું એને આપણા પુરતી સીમિત ન રાખીએ, ગમતું મળે એને ગુંજે ભરવાના બદલે  ગમતાનો ગુલાલ જ કરીએ તો?
આપ સૌને એવી અઢળક ગમતીલી ક્ષણોભર્યું વર્ષ મુબારક.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

10 thoughts on “૧3- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

 1. ગમતું મળે એને ગુંજે ભરવાના બદલે ગમતાનો ગુલાલ જ કરીએ તો?આ ક્ષણે એમ થાય છે કે આપણે પણ આજ સુધી જે કંઈ પામ્યા, જે કંઈ અનુભવ્યું એને ય સ્નેહી- સ્વજનો સાથે ઉજવીએ તો ?
  રાજુલ આવતા વર્ષને સ્નેહથી કવિતા સાથે વધાવીએ।… તારી સાથેની દરેક ક્ષણ માણી ​અને જાણી છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી તું સદાય અમારી સાથે રહી છો બેઠક તને નવા વર્ષની ખુબ શુભેચ્છા પાઠવે છે.

  Liked by 1 person

 2. બે ઠક ના મારા મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભેછાઓ.

  Like

 3. પ્રજ્ઞાબેન,

  શુભેચ્છા માટે આભાર.
  બેઠક એક ગ્રુપ નહીં પણ પરિવાર છે. પરિવારના સદસ્યો એક છત નીચે રહેતા હોય કે દૂર દૂર પણ સ્નેહથી તો સંકળયેલા જ હોય ને?
  હું આવી પરિવારથી ભૌતિક રીતે થોડી દૂર છું પણ છું તો એમાંની જ એક ને?
  પરિવારને પણ મારી અઢળક શુભેચ્છા.

  Like

 4. ચાલો ભાઈ રાજુ અને બેઠકના સૌ મિત્રો સાથે ગમતાનો ગુલાલ કરીને નવા વર્ષને આવકારીએ.બેઠકના સૌ સ્નેહીજનોને નવા વર્ષ ની અઢળક શુભકામના..

  Liked by 2 people

 5. 2017
  “નવું વર્ષ” તો એક જ દિવસ આવે છે, પણ નવો દિવસ તો રોજ આવે છે.
  ચાલો ને, રોજ નવા વર્ષની જેમ સારા સારા સંકલ્પો કરીએ?
  ચાલો ને, રોજ અમી ભરેલી મીઠાશથી મળીએ?

  “ નવું વર્ષ” તો માત્ર નંબર બદલે છે, પણ નવો દિવસ તો દ્રષ્ટિ બદલે છે.
  ચાલો ને, રોજ જીવનની રીત ખુલ્લી આંખે સમજીએ?
  ચાલો ને, રોજ પંખીની જેમ સહજ પણે વિહરીએ?

  ‘નવું વર્ષ’ તો વર્ષોથી ફર્યા કરે છે, પણ નવો દિવસ તો રોજ પ્રકાશે છે.
  ચાલો ને, રોજ સૂરજની જેમ અવિરત ઊગતા જઈએ?
  ચાલો ને, રોજ અંતરથી સાચા ઝળહળતા રહીએ?

  Liked by 2 people

 6. કીડીની જેમ ક્ષણોની સતત આવન જાવન તો થતી જ રહેવાની. કાશ આપણે એ ક્ષણમાં જ જીવતા થઈ શકીએ. કહે છે કે, જન્મ સાથે મળેલી, જીવન જીવવાની એ રીત આપણે ગુમાવી દીધી છે.

  Liked by 1 person

   • રાજુલબેન,કોમેન્ટ સૌથી છેલ્લા લખું છું.કારણકે તમારા બધાની કોમેન્ટો વાંચીને મન નાચી ઉઠ્યું.અને તમારા બધાની નવા વર્ષની શુભેરછાઓના ભારથી મન ભરાઈ ગયું.ગમતાનો ગુલાલ કરવોજ રહ્યો.તમને સૌને અઢળક શુભેરછાઓ.

    Liked by 1 person

 7. કલ્પનાબેન,
  જે વાતે મન મોર બની થનગાટ કરે એ જ ઘડી શુભ.
  આવી શુભ ઘડી સૌને મળે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.