૯ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ધરમીને ઘેર ઘાડ, અધરમીને ઘેર વિવાહ

ધરમીને ત્યાં ધાડ અને અધરમીને ઘેર કુશળ એટલે નીતિમાન માણસોને દુઃખ અનુભવવું પડે છે જ્યારે અનીતિવાળા માણસો આનંદ કરે છે. આ વાત કર્મનાં સિધ્ધાંતની બિલકુલ વિરુધ્ધ છે. ભલા ધર્મનું આચરણ કરનાર ક્યારેય દુખી હોઈ શકે ખરો? કર્મનો સિધ્ધાંત કહે છે, “જેવું કરો તેવું પામો”, “જેવી કરણી તેવી ભરણી”, “જેવું વાવો તેવું લણો”. તો પછી પ્રશ્ન થાય છે કે ધરમીને ઘેર ધાડ અને અધરમીને ઘેર વિવાહ, મંગળ એવું કેમ?

સમાજમાં મોટા ભાગે એવું જોવા મળે છે કે ધર્મ, નીતિ અને ન્યાયનો પથ કાંટાળો હોય છે. તેના પર ચાલનાર દુઃખી થતો દેખાય છે. જ્યારે અધરમીને ઘેર કહેવાતું સુખ, મોટર-બંગલા, નોકર-ચાકર અને સમૃધ્ધિની રેલમછેલ જોવા મળે છે ત્યારે ઈશ્વર પરની શ્રધ્ધા ડગુમગુ થાય છે. આથી સામાન્ય માણસ અનીતિ કરવા પ્રેરાય છે. સરળતાથી પ્રાપ્ત થતી સિધ્ધિ કોને ના ગમે? પરંતુ એમ કહેવાય છે, “સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય”. લક્ષ્મી આઠ પ્રકારની હોય છે. એમાં જે કાવાદાવા કે અનીતિથી પ્રાપ્ત થયેલી હોય તે લક્ષ્મી માણસને પચે નહીં. લાંબે ગાળે તે તેનું રુપ બતાવે છે અને જેવા રસ્તે આવે છે તેવા રસ્તે ચાલી જાય છે.

ઈશ્વરને ન્યાયી કહેલ છે. સર્વોત્તમ, સર્વોચ્ચ ન્યાયાધીશ એવા ઈશ્વર માટે કહેવત છે, “ઈશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી.” આ બધામાં કર્મનો સિધ્ધાંત કેન્દ્રમાં રહેલો છે. સારા કર્મનું સારુ ફળ અને ખરાબ કર્મનું માઠું ફળ, સમાજમાં ઘેરઘેર જોવા મળે છે. ઉદાહરણો શોધવા જવા પડતાં નથી.પરંતુ ઘણી વખત પહેલી દ્રષ્ટિએ દેખાય છે ધરમીને ઘેર ધાડ અને અધરમીને ઘેર દિવાળી. પરંતુ વ્યક્તિનાં સમગ્ર જીવનનું દર્શન કરીએ તો જણાય છે કે નીતિ અને ધર્મનું પાલન કરનાર વ્યક્તિ ક્યારેક દુઃખના દાવાનળમાં ફસાયેલો હોય છે પરંતુ ઈશ્વર તેનો અદ્દભૂત રીતે બચાવ કરીને જીવનમાં ન ધારેલી સફળતા અપાવે છે. આ વ્યક્તિ રાત્રે શાંતિથી સૂઈ શકે છે. આવી વ્યક્તિ કર્મના સિધ્ધાંત અનુસાર આ જન્મે કે પૂર્વજનમમાં કરેલાં કોઈ સંચિત ખરાબ પાપકર્મોને કારણે દુઃખી થાય છે. પરંતુ તે કર્મનું ફળ ભોગવી લે એટલે તેના સારા કર્મોના ફળ ભોગવવાનું નસીબ જાગે છે. તેવી જ રીતે અધર્મીએ પૂર્વ જન્મમાં કરેલાં સારા કર્મોના ફળ આ જન્મે તે ભોગવે ત્યારે તે સુખી દેખાય છે પરંતુ આજીવન અધર્મ અને અનીતિ આચરતાં તેનું જીવન અને મૃત્યુ દુઃખદ રહે છે. આ એક સનાતન સત્ય છે. અધર્મનો અંત કેવો આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. મહાભારતના યુધ્ધથી આપણે ક્યાં અજાણ છીએ? શ્રી કૃષ્ણ પણ ધર્મના પક્ષે હતાં. કૌરવ પક્ષે અઢાર અક્ષૌહિણી સેના હોવા છતાં અંતે તેઓની હાર થઈ હતી.

એક સરસ વાર્તા છે. એક બહેન રોજ એક રોટલી વધુ બનાવે અને બારી પર મૂકે. એક બાબા રોજ આવે. રોટલી લે અને બોલે, “તારું ખરાબ કરેલું તારી પાસે રહેશે અને તારું સારું કરેલું તને પાછું આવીને જરુર મળશે.” રોજ આ સાંભળીને આ બહેન ઈરીટેટ થતી કે આ બાબા ગજબ છે, રોજ એના માટે ખાસ રોટલી બનાવું છું તો થેન્ક યુ કહેવાને બદલે આવું કેમ બોલે છે? મેં ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? તે ચીડાઈ ગઈ અને ગુસ્સામાં આવીને મનમાં બોલી, કે આમાંથી છૂટકારો મેળવવા ઝેર ભેળવીને રોટલી બનાવું. બનાવી પણ ખરી અને તે ઝેરી રોટલી બારીમાં મૂકી. ત્યાં જ અંદરથી અવાજ આવ્યો,”આ તું શું કરે છે? તું કોઇનો જીવ લે છે.” તેણે તરત જ રોટલી લઈ લીધી અને સારી રોટલી બનાવીને બારીમાં મૂકી. બાબા આવ્યા. રોટલી લઈને પહેલાની જેમ જ બોલીને ચાલતા થયા. પરંતુ તેણે તેની દરકાર ના કરી. આ બહેનને એક દીકરો હતો જે ઘણાં સમયથી બહાર ગયો હતો. પણ કોઈ સંદેશ ન હતો. તે ચિંતિત રહેતી. અચાનક ડોરબેલ વાગે છે. જુએ છે તો તેનો દીકરો સામે ઉભો હતો. તે ખૂબ જ અશક્ત અને દુબળો લાગતો હતો. પૂછતાં ખબર પડી કે તે જે દેશમાં હતો ત્યાં યુધ્ધની પરિસ્થિતિ હતી. દુશ્મનો પાસેથી જેમતેમ કરીને તે ભાગી આવ્યો હતો. તેણે કહ્યું, “મને ભૂખથી ચક્કર આવતા હતા. રસ્તામાં એક બાબા મળ્યાં મેં ખાવાનું માંગ્યું. તેમના હાથમાં એક રોટલી હતી જે મને આપી.કદાચ એને કારણે હું ચાલીને આવી શક્યો. એ બાબાએ કહ્યું,”તારું ખરાબ કરેલું તારી પાસે રહેશે અને તારું સારું કરેલું તને પાછું આવીને જરુર મળશે.” માને વાત સમજાઈ ગઈ. માએ પ્રભુનો આભાર માન્યો, સારું થયું કે તેણે ઝેર વાળી રોટલી બારીમાં મૂકી ન હતી.

કેટલી સુંદર વાર્તા? આપણે કોઈનું સારું કરીએ અને થાય કે ક્યાં એની કદર થાય છે? અને સારું કરવાનું છોડી દઈએ પણ સારાશની કદર થાય કે ના થાય, સારા કે ખરાબ કર્મો હરીફરીને બૂમરેંગની જેમ પાછા આવેજ છે. રોપેલું કર્મનું બી વૃક્ષ બનીને યોગ્ય સમયે ફળ આપેજ છે. ધરમીને ઘેર ક્યારેય ધાડ ના હોઇ શકે! આ કર્મનો સિધ્ધાંત સૂચવતી નિવડેલી કહેવત છે.

4 thoughts on “૯ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

 1. સરસ વાર્તા। ક્યારે આપણા કરેલા કર્મો જ આપણને પાછા મળે છે તે કહેવું મુશ્કેલ છે પણ જો સારું જ વર્તન કરીએ તો આરામ થી ચિંતા વગર ની જિંદગી જીવી શકીએ.

  Like

 2. ધરમીને ત્યાં ધાડ અને અધરમીને ઘેર કુશળ …..
  વર્તમાન પરિસ્થિતિમાં તો આ કહેવત એકદમ વાસ્તવિક રીતે પુરવાર થઈ જ છે.
  પણ તેમ છતાં જેના મનમાં રામ છે એ સારા કર્મ પર શ્રધ્ધા રાખશે જ.

  Like

 3. સરસ વાત કરી: આપણે જો સારું – સાચું કર્યું હોય તો પછી દુનિયાનો ડર ના રહે ! Nice , Kalpnaben!

  Like

 4. કલપનાબેન,સાવ સાચીવાત આપણા કરેલ સારા કર્મોથી આપણા આત્માને જે શાંતિ મળે છે તે કદાચ સૌથી વધુ અગત્યનું છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.