પ્રેમ પરમ તત્વ – 21- સ્વાર્થરહિત – સપના વિજાપુરા

પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ હર ખુશી સે હર ગમસે બેગાના હોતા હૈ.ધર્મ રંગ અને જાતીથી  પર પ્રેમમાં માણસ પોતાનીજાતને ખોઈ બેસે છે. એક મિત્ર એ કહ્યું પ્રેમબ્રેમ કાંઈ હોતું નથી બસ બધા સ્વાર્થના સંબંધ હોય છે.પતિપત્નીનો સંબંધ હોય છે કે એકબીજાની જરૂરિયાત પૂરી  કરવી.ભાઈ બહેનનો સંબંધ ક્યારેક એટલી હદ સુધી સ્વાર્થી બની જાય છે કે માબાપની મિલકત માટે લોહીની સગાઇ પણ ભૂલી જાય છે. જો મિલકત દીકરીને નામે કરવામાં આવી હોય તો ભાઈ ભૂલી જાય છે કે આ મારી બહેન છે અરે બોલવાના સંબંધ પણ નથી રાખતાં. અને મા દીકરાનો સંબંધ પણ જ્યા સુઘી દીકરાના લગ્ન થાય ત્યાં સુધી સચવાય છે. જેવી પત્ની આવે મા ને એ રીતે ભુલાવી દે છે જે રીતે કબરમાં રહેલી મૃત વ્યક્તિને જીવંત માણસો ભુલાવી દે છે.પણ આ મારી મિત્રનું માનવું છે. હું માનું છું  કે પ્રેમમાં સ્વાર્થ નથી હોતો.  પ્રેમ એક અલૌકિક બંધન છે. જેમાં ઈશ્વરે સૌને બાંધીને મોકલ્યાછે.અપેક્ષા ઓછી રાખીએ તો પ્રેમ એની ટોચ પાર પહોંચે છે.
કોઈ એક અજાણી વ્યક્તિને જોઈ દિલનું ધડકી જવું. કે શ્વાસની રફતારમાં ફરક આવી જવો. નજરને ત્યાંથી હટાવવી મુશ્કેલ થઇ જાય! અને બેબસ તમે એક દોરી વગરના ખેંચાણ થી ખેંચાતાં જાઓ.શું આ પ્રેમ હશે કે આકર્ષણ? આ પ્રેમમાં પણ સ્વાર્થ હશે? શું આ પ્રેમમાં પણ કોઈ અપેક્ષા હશે? પામી લેવાની અપેક્ષા! પણ પામવું એ પ્રેમ હોય તો હજારો લોકો જે પ્રેમ કરે છે એનો પ્રેમ સ્વાર્થી ગણાશે. પ્રેમ તો ઈશ્વરે આપેલું એક વરદાન છે જે બધાના નસીબમાં નથી હોતું અને પ્રેમની પરાકાષ્ટા અનુભવવા કદાચ પામી લેવાની વૃત્તિ આવે તો એ સ્વાર્થ કહેવાય?
પ્રેમને સ્વાર્થી કહેનારા કદાચ આવો મીઠો પ્રેમ માણ્યો નહિ હોય. દરેક પ્રેમ સ્વાર્થી નથી. ચાહે મા બાપ હોય કે ભાઈ બહેન કેપતિપત્ની હોય અથવા પ્રેમી પ્રેમિકા હોય!! સ્વાર્થ અને પ્રેમને કોઈ સંબંધ નથી. જો સ્વાર્થ હોય ત્યાં પ્રેમ નથી.પ્રેમમાં સમર્પણનીભાવના હોય છે. પ્રેમ કુરબાની માગે છે. આ કુરબાની એકપક્ષીય નથી હોતી દ્વિપક્ષીય હોય છે. પતિપત્નીના પ્રેમમાં પણ બંને પક્ષેસમજદારીથી કામ લેવાનું હોય છે.પ્રેમ આંધળો નથી પ્રેમ જોઈ શકે છે કે કોણે મારા માટે શું કર્યું છે? માબાપ ના પ્રેમમાં પણસમર્પણ જરૂરી છે.જ્યાં સમર્પણની ભાવના આવશે ત્યાં સ્વાર્થ અદ્રશ્ય થશે અને પ્રેમ ઉભરાય આવશે. ખાસ કરીને સંવેદનશીલ સ્ત્રી બધા સંબંધને ખૂબ  પ્રામાણિકતાથી નિભાવે છે. ચાહે બાપ હોય કે પતિ હોય કે ભાઈ એ દરેક બંધનને સ્વીકારી દરેક પ્રેમ માટે કુરબાની આપે છે. એનો અર્થ એ નથી કે પુરુષ લાગણી વિહીન છે પુરુષની પ્રેમ દર્શાવવાની રીત જુદી છે. મા  દીકરાના વિરહમાંડૂસકે ડૂસકે રડી શકે છે તો બાપ છાના આંસુ સારે છે. પત્ની લડી ઝગડીને પણ પોતાના હક જતાવે છે. જ્યારે પુરુષ એ હક આપીને ખુશ થાય છે.જે ભાઈ મિલકત માટે ઝગડો કરતો હોય એ ભાઈ જો બહેનને કોઈ ખરાબ દ્ગષ્ટિથી જુએ તો એની ધૂળ કાઢી નાખે છે.
સુંદરમની આ કવિતા મને સ્પર્શી ગઈ જેથી અહીં ટાંક્યા વગર રહી ના શકી.પ્રેમ શી રીતે થઇ જાય છે? અને પ્રેમને આંધળો પણનથી કહેતા. નથી એને પાંખો, નથી આંખો, નથી પગ નથી હાથ! કેવું સચોટ વર્ણન કર્યું છે. મેં કહ્યું  એમ બેબસ રીતે તમે ખેંચાતાજાઓ. તમારા વશમાં કાંઈ ના રહે એ પ્રેમ! કેવો પકડે છે, કેવો પાડે છે, કેવો ઉપાડે છે એ? પ્રેમ તમને પર્વતની  ચોંટી પરબેસાડી શકે છે અને જમીનદોસ્ત પણ કરી શકે છે.જે રીતે મજનૂ લયલાના પ્રેમમાં પાગલ થઈ રણમાં ભટકી રહ્યો હતો. અને કંઠ વગર ગવડાવે છે. કેવો મીઠો છે આ પ્રેમ! તમારામાં સંગીત ભરી દે છે.તમારી દુનિયા જોવાની દ્રષ્ટ્રી બદલી નાખે છે. સવાર તમને સાંજ અને સાંજ તમને ઉષા લાગે છે.પાંપણની પાછળ છુપાઈને જીવે છે અને હટ  કહો તો ક્યાંય જતો નથી. એને આંધળો કોને કહ્યો? શું કોઈએ તમારી આંખમાં આંખ માંડી નથી? વાહ આનાથી સુંદર પરમ પ્રેમની પરિભાષા બીજી શું હોય કહો?
આ પ્રેમ,
કેમ આવે છે એ ?
નથી એને પાંખો,
નથી આંખો,
નથી પગ, નથી હાથ
તોયે કેવું પકડે છે એ ?
કેવો પકડે છે એ ?
કેવો પાડે છે એ ?
કેવો ઉપાડે છે એ ?
આંખો મીંચો ને કહો જા
તો પાંપણની પૂંઠળ પહોંચી જાય છે.
તમે કહો ગા,
તો વગર કંઠે ગાય છે.
સવારની એ સાંજ બનાવી દે છે,
અને સાંજને સમે
ઉષાઓ ઉગાડી દે છે.
એને આંધળો કોણે કહ્યો ?
આંખ તો એની  છે
કોઈએ તમારી આંખમાં
શું આંખ માંડી નથી ?
સપના વિજાપુરા 

દ્રષ્ટિકોણ 18: ગિનિસ રેકોર્ડ અને સંવર્ધન માતૃભાષાનું – દર્શના

મિત્રો હું, દર્શના વરિયા નાડકર્ણી તમને બેઠક ની “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આવકારું છું.  આ કોલમ ઉપર આપણે વિવિધ દ્રષ્ટિકોણ થી અને વિવિધ વિષયો ઉપર વાત કરીએ છીએ. ગયા અઠવાડિયે  ગિનિસ રેકોર્ડ દિવસ ઉજવાયો તેના નિમિતે તેના વિષે થોડી વાત કરીએ. વાર્ષિક પ્રકાશિત થતું The Guinness Book of World Records પ્રકાશન દુનિયા ના અવનવા રેકોર્ડ્સ ની નોંધ રાખે છે. બે મેકવાર્ટર ભાઈઓ એ તેની શરૂઆત 1954 માં કરેલ.
કેવી રીતે તેની શરૂઆત થઇ તે સાંભળો. 1951 માં, ઇંગ્લેન્ડ માં, સર બીવર જે ગિનિસ બીયર નો ધંધો ચલાવતા હતા તે પક્ષીઓના શિકાર માટે ગયા. ત્યાં કોઈની સાથે તે દલીલ માં ઉતાર્યા કે વિશ્વ માં ક્યુ પક્ષી સૌથી વધુ ઝડપી હતું। તેમણે ઘરે જઈને ચોપડીઓ માં આ માહિતી ગોતવા માટે ખુબ પ્રયત્ન કર્યો અને તેમને લાગ્યું કે આવી માહિતીઓ ની નોંધ ક્યાંય નથી. તેમના એક કાર્યકરે તેમને બે ભાઈઓ જે માહિતી એકઠી કરવાનો શોખ ધરાવતા હતા તેમનો સંપર્ક કરવાનું કહ્યું અને તેમની વાતચીત આખરે આ પુસ્તકની શરૂઆત થવામાં નિમિત્ત બની.
64 વર્ષ થી ચાલતું ગિનિસ  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતે “best-selling copyrighted book of all time” નો રેકોર્ડ ધરાવે છે. 2019 ના પ્રકાશન ના આધારે અત્યાર સુધી તેનું પ્રકાશન 100 દેશોમાં અને 23 ભાષાઓમાં થઇ ચૂક્યું છે. તેની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝ ના આધારે તે પ્રિન્ટ ઉપરાંત ટેલિવિઝન શ્રેણી અને સંગ્રહાલયો અને મ્યૂઝિમ દ્વારા પણ આગળ વધી ગયું છે. ફ્રેન્ચાઇઝની લોકપ્રિયતાના પરિણામે અને તેમના સૂચિબદ્ધ ચકાસણી માં નામ કમાવાને લીધે વૈશ્વિક રેકોર્ડ્સ દુનિયા માં આવી અંતરરાષ્ત્રિય માહિતી અને નોંધમાં પ્રાથમિક આંતરરાષ્ટ્રીય સત્તા નું સ્થાન ધરાવે છે. આ સંસ્થા કોઈ પણ રેકોર્ડ્સ ના દાવા ની સ્વતંત્ર ચકાસણી માટે ખાસ કાર્યકરો રાખે છે.
ચાલો આપણે “સંવર્ધન માતૃભાષાનું” એ મહાગ્રંથ ઉપર થોડી વાત કરીએ. એ 12000 પાનાનું દળદાર પુસ્તક જે આપણે બેઠક માં કરેલા લખાણ થી તૈયાર કરેલ છે તે કદાચ આપણી માતૃભાષાને વિશ્વના સ્તરે આપણી ઓળખ બની રહે અને પુરા વિશ્વની જાણકારીમાં લાવી શકે. એ મહાગ્રંથ કઈ રીતે બન્યો?  “બેઠક” કે “સહિયારા સર્જન”માં નિતનવા વિષય કે વાર્તા ઉપર લખી ને સર્જકોએ ભાષાને કેળવી અને ભાષામાં ધીમે ધીમે પાંગરતા થયા અને તેમની ઉછળતી પ્રવીણતા આ પુસ્તક માં પરિણમી. 99 જેટલા લેખકોએ નવલકથા, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી વાતો, પ્રાયોગીક કે નવતર લખાણો, ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”, જેવા વિષયો ને નવાજ્યા અને વિવિધ દ્રષ્ટિકોણ અને વિવિધ શબ્દોથી સજાવ્યા. ડૉ ચીનુમોદીએ આ મહાગ્રંથને આવકારતા કહ્યુ હતું કે આવું સંવર્ધન કાર્ય કદાચ ભારતની કોઇ પણ ભાષામાં થયુ નથી. અને તે બહુજ આવકારનીય પ્રયાસ છે.
Image result for "સંવર્ધન માતૃભાષાનું"
આ મહાગ્રંથ આવતી પેઢી માટે માતૃભાષાને ધબકતી રાખવાનો પ્રશંસનીય પ્રયાસ માત્ર નથી પરંતુ આ ગ્રંથ ના સર્જન, સંપાદન અને સંકલન માટે થયેલ ૭૦૦૦ કરતા વધુ મેન અવર અને અઢી વર્ષ ના તપ નો વાસ્તવિક પુરાવો છે.  લેખકો ના સર્જન ઉપરાંત પાયામાં ડૉ પ્રતાપભાઈ પંડ્યા ની આગવી ઝુંબેશ “પુસ્તક પરબ”થી લઈને આ જ્ઞાનયજ્ઞની વેદી ટેક્સાસ માં વિજયભાઈ શાહ, પ્રવિણાબેન કડકિયા અને હેમાબેન પટેલ ના સૌજન્યથી પ્રેરણા પામીને,  કેલિફોર્નિયા માં પ્રજ્ઞાબેન દાદભાવાલા ની અથાગ મહેનત ના શિરોબિંદુ સમાન પ્રતીક બની છે. આપણે ઇચ્છીએ કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં સ્થાન મળે અને એ રીતે આપણી ભાષા વિશ્વ ના સ્તરે ઓળખાણ પામે.
“સંવર્ધન માતૃભાષાનું” એ મહાગ્રંથ ને ગિનિસ બુક માં સ્થાન મળે તે માટે એક મહાયજ્ઞ પ્રજ્ઞાબેને આરંભ્યો છે. પરંતુ ગિનિસ બુક માં સ્થાન મેળવવું એ નાનીસૂની વાત નથી અને એ નાનું એવું કામ નથી. વિશ્વના સૌથી લાંબા વાળ નું સ્થાન મળ્યું છે ચાઈના ની યુવતી ક્ષી ક્વિપિંગ ને. તેના વાળ ની લંબાઈ, 2004 ના માપ પ્રમાણે, 18 ફીટ થી વધુ હતી. તેજ રીતે વિશ્વની સૌથી લાંબા પુસ્તક નું સ્થાન મળ્યું છે માર્સેલ પ્રૌસ્ટ ની નવલકથા ને જેમાં 9,609,000 અક્ષરો છે (including spaces). બેઠક ના મહાગ્રંથ ની દુનિયા ના લાંબા પુસ્તક ની કેટેગરી માં નહિ પરંતુ દુનિયાના સૌથી દળદાર પુસ્તક ની કેટેગરી માં સ્થાન માટે અરજી કરેલ છે. તે માટે ગિનિસ ના ઘણા ઘણા નિયમો છે જેનું પાલન કરવું પડે. જયારે તેના કાર્યકરો ચકાસવા આવે ત્યારે તેઓ એક એક પાના ફેરવી ને પુસ્તક ને તપાસે અને જોવે કે દરેક પાના ઉપર કેટલા અક્ષરો છે, અને કેટલા પાના વચ્ચે અડધા લખેલા છે. તે લોકો લેખકો ના નામ અને તેમની રોયલ્ટી બાબત પૂછતાછ કરે. બધુજ તેમના નિયમ મુજબ હોય ત્યારેજ તેનું ગિનિસ બુક માં સ્થાન મળે.  
અત્યારે ગિનિસ નું મુખ્યાલય ઇંગ્લેન્ડ માં છે અને તેની બીજી ઓફિસો ન્યુ યોર્ક અને ટોક્યો માં છે. તેના મ્યુઝિયમ નું મુખ્યાલય ફ્લોરિડામાં Ripley headquarters માં છે.

૩ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઉતર્યો અમલદાર કોડીનો

૭૦ વર્ષના એક માજી, જેમનાં પતિ રીટાયર્ડ સરકારી અમલદાર હતાં, મારાં પતિના દવાખાનામાં આવીને કહે, “ડૉક્ટર સાહેબ, ૨ વર્ષથી એ પથારીમાં છે. એ ક્યારે છૂટશે?” મારાં પતિ કહે, “રમાબેન, કોના છૂટવાની વાત કરો છો? તમારી કે તમારા પતિ મનસુખભાઇની?” અને રમાબેનની આંખોમાંથી અશ્રુધોધ ચાલ્યો, “ડૉક્ટર સાહેબ, હું ક્યારે છૂટીશ? એમની કચકચ અને બીમારી હવે સહન થતી નથી. છોકરાં-વહુ પણ ત્રાસ ગુજારે છે.” ફેમીલી ડૉક્ટર હોવાથી છેલ્લાં ૨૫ વર્ષથી મારાં પતિ તેમના કુટુંબની તમામ બાબતોથી વાકેફ હતાં. મનસુખભાઇ સરકારી ઓફીસમાં અમલદાર હોવાથી ઓફીસમાં, સમાજમાં અને ઘરમાં સૌ માનથી બોલાવતાં પરંતુ ૫ વર્ષથી રીટાયર થયાં પછી કામ રહ્યું નહીં. એક બાજુ ઉંમર. મોભાનો રુઆબ ઉતરી જતાં ધીમે ધીમે લોકો મોઢું ફેરવી લેતાં. તેની અસર શરીર પર થઇ. રોગ ઘર ઘાલી ગયો. સૌ તેમના છૂટવાની એટલે કે તેમનાં મરવાની રાહ જોવા માંડ્યા. તેમની પત્ની પણ.

શું માણસની આટલી જ કિંમત? “જ્યાં સુધી રળવાની શક્તિ, ત્યાં લગી પરીવારની ભક્તિ” અને “ઉતર્યો અમલદાર કોડીનો”, આ કહેવતો એક સચોટ વાત કહી જાય છે. જો તેની પાસે પૈસો હોય, તો તેનું કુટુંબ માણસો રાખીને સેવા કરાવે છે. જેનો જેટલો સ્વાર્થ તેટલી તેની કિંમત. બાકી અમલદારી જાય એટલે વ્યક્તિ નકામી બની જાય છે. તેનાં માનપાન ઘટી જાય છે. આવે સમયે લાગે કે, “સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન.” સમય માણસને પળવારમાં હતો ના હતો કરી દે છે. ઘડિયાળમાં ડંકા વાગતા હોય તો જ એની કિંમત હોય છે. તેવી રીતે નકામી વ્યક્તિ ઘરનાં ફર્નિચર કે શો-પીસની જગ્યા લઇ લે છે.

ફળ-ફૂલ જે કુદરતનું સર્જન છે તેના પણ આયુષ્યની મર્યાદા હોય છે. ખીલે છે તે કરમાય છે. જેનો જન્મ છે તેનો નાશ છે. પરંતુ સંબંધો કે જે લાગણીઓનાં કે લોહીનાં હોય છે, તે આ જીવન હોય છે અને તેમાં પણ જ્યારે પ્રદૂષણ આવે, મૃત્યુ પહેલાં મરી જાય ત્યારે કળીયુગ સ્પષ્ટપણે દેખા દે છે.

ક્યારેક સમાજમાં જોતાં પ્રશ્ન થાય છે કે શું પાઇ પાઇ માટે મહોતાજ કર્યા પછી માંડ મહેરબાની કરતાં સંતાનો પોતાનાં ઇશ્વર સમા જન્મદાતાને ભૂલી જતાં હોય છે? પેટે પાટા બાંધીને સંતાનનો ઉછેર કર્યો હોય, પોતાની તમામ ખુશીઓ અને જરૂરિઆતોને કુરબાન કરી હોય તેવાં સંતાનો જ્યારે મા-બાપ પાસે રૂપિયાનો હિસાબ માંગે ત્યારે લાગી આવે. માએ ખર્ચેલી ઉજાગરાની અને પાયેલા ધાવણની કિંમત માંડે તો સંતાનો આજીવન ભરપાઇ ના કરી શકાય તેવા દેવાદારો નીકળે છે.

ઉતર્યા અમલદારનાં જીવનની શરુઆત એટલે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ જે સનાતન સમયથી ચાલ્યો આવે છે. વિચારોની અસમાનતાને કારણે સ્વતંત્રતા, સ્વછંદતા અને વિવેકની સીમા ભૂસાઇ જાય છે. અમલદાર થઇને ખુદ્દારીથી જીવન વિતાવ્યું હોય તે બાપ નિવૃત્ત થયા પછી, ઓશીયાળો બનીને લાચારી અનુભવે છે. સંબંધોમાં કડવાશથી મન મરી જાય છે. લોહીની સગાઇ વેન્ટીલેટર પર મૂકાઇ જાય છે, ત્યારે લાગે છે, ખરેખર “ઉતર્યો અમલદાર કોડીનો”.

નિવૃત્તિય કેવો ભ્રમ હોય છે? પ્રવૃત્ત માણસને નિવૃત્તિનાં સપના આવતાં હોય છે અને ખરેખર નિવૃત્તિ આવે ત્યારે અનુભવાતી નિઃસહાયતા અને લાચારી, એ અવસ્થાના સમયે સમજાય છે. પરંતુ આ વખતે “નિવૃત્તિ એટલે ગમતી પ્રવૃત્તિ કરવા માટે બાકીના તમામ કામમાંથી સ્વેચ્છાએ મૂકેલું રાજીનામું” તેમ માનીને ખુદ માટે શોખની પ્રવૃત્તિ કેળવીને કુટુંબ તેમજ સમાજમાં ઉપયોગી બની રહેતી વ્યક્તિ ક્યારેય કોડીની કિંમતની બનતી નથી. વળી જ્યારે હોદ્દા પર હોય ત્યારે તેનું ગુમાન નહીં કરતાં હોદ્દાનો ઉપયોગ લોકસેવામાં કરવાથી મૃત્યુ બાદ પણ કુટુંબ અને સમાજ યાદ કરે છે. બાકી તો ઓજસ પાલનપુરીનું વાક્ય, “આંગળી જળમાંથી કાઢી, ને જગા પૂરાઇ ગઇ!” દરેક વ્યક્તિને લાગુ પડે છે.

૬-સંવેદનાના પડઘા-જિગિષા પટેલ

૬-સંવેદનાના પડઘા-જિગિષા પટેલ

36355420_10215061269303360_8245394037796765696_n

પશ્ચાતાપ

સુરેન્દ્ર ભર ઊંઘમાં હતો.બહાર વરસાદ મૂશળધાર વરસી રહ્યો હતો.વાદળના ગડગડાટ ને વીજળીના અવાજ સાથે થતાં ચમકારા કંઈ ભયાનક થવાનું હોય તેના ભણકારા આપી રહ્યા હતા.પવનના સુસવાટાથી ફંગોળાતા મોટા ઝાડના ડાળીઓના ઘુમાવ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. મૂશળધાર વરસાદથી ધાબાની પાઈપો અને ઝાડ પરથી પડતા પાણી વરસાદી પાણીના અવાજમાં વધારો કરી રહ્યું હતું. સુરેન્દ્ર આ અવાજમાં પણ વહેલી પરોઢની નીંદર માણી રહ્યો હતો .અનિતા આખી રાત જાગતી જ પથારીમાં પડી હતી. ભારે વરસાદી રાતનું વાતાવરણ તેના ગભરાયેલ જીવને જાણે ચૂંથી રહ્યું હતું. તેમા તેનું તૂટતું બદન મનને વધુ ભારે કરી રહ્યું હતું.

બરોબર ચાર વાગ્યાને ટકોરે સ્ટોર રુમમાં સંતાયેલ રવિ બહાર આવ્યો. અત્યાર સુધી જાગતી પડી રહેલ અનિતા પણ દબાતે પગલે બહાર આવી. ઘોર અંધારામાં ચોરપગલે ચાલતા રવિના હાથે નાના ટેબલ પર પડેલ કાચનો ફલાવરવાઝ નીચે પડ્યો.અવાજથી ભર ઊંઘમાંથી સુરેન્દ્ જાગી ગયો. રવિ અને અનિતા ગભરાઈ ગયા.અનિતાને થયું રવિ પાછો સંતાઈ જાય પરંતુ સુરેન્દ્ર માટેની નફરત તેના અને અનિતાના અનેક અપમાનો થકી તેના માટે ધરબી રાખેલ ગુસ્સો આજે જ્વાળા મુખી બની ફાટી નીકળ્યો. સાથોસાથ રુપાળી અનિતાને પોતાની કરવાના પ્રેમનો ઉન્માદ પણ ખરોજ……

તેણે બાજુમાં પડેલ ટેબલ ઊંચકીને જોરથી પાછળથી સુરેન્દ્રના માથામાં માર્યું. સુરેન્દ્ર નીચે ફસડાઈ પડ્યો. અનિતા જોર જોરથી ચીસો પાડવા લાગી ના ………..રવિ………ના રહેવા દે……..પણ તે પહેલાતો રવિએ સુરેન્દ્રને ટેબલ ફટકારી દીધું હતું.અનિતાને પણ સુરેન્દ્ર પર ખૂબ નફરત અને ગુસ્સો હતો પણ હજુ તેનામાં એક સ્ત્રીનું લાગણીશીલ હ્રદય ધબકતું હતું. તે તેના પતિને આમ તરફડતો જોઈ ન શકી…….સુરેન્દ્રના તરફડતા હાથપગ બંધ થયા એટલે રવિને લાગ્યું હવે ખેલ ખતમ થઈ ગયો છે. રવિ અનિતાને ખેંચીને ગાડીમાં બેસવા લઈ જવા લાગ્યો .અનિતાનો જીવ હજુ સુરેન્દ્રમાં હતો. તેને રવિ સાથે હંમેશ માટે ભાગી જવું હતું, સુરેન્દ્રથી છૂટવું હતું પણ તેને મારી નાંખીને નહી.

અનિતા જોર જોરથી રડી રહી હતી અને બીક અને ગભરાટથી ધ્રૂજી રહી હતી.અનિતાને ગાડીમાં બેસાડી રવિએ વરસતા વરસાદમાં ગાડી મારી મૂકી.ગાડી જેટલી જોરથી આગળ વધી રહી હતી તેમ તેમ તેના મનના વિચારોની ગાડી તેના વીતી ગયેલ જીવન તરફ ભાગી રહી હતી.ત્યારે તે અઢાર વર્ષની મુગ્ધા હતી.ધનવાન પિતાની એકની એક દીકરી .રોજ સ્પોર્ટસ ક્લબમાં જીમમાં જાય.સુરેન્દ્ર એનો પર્સનલ ટ્રેઈનર.તેનું સુડોળ ,કસાએલ શરીર ,હમેશાં મળતા રાજ્ય કક્ષાના બોડી બિલ્ડર એવોર્ડ અને પર્સનલ ટ્રેઇનરના લીધે થતા સ્પર્શ કે મુગ્ધાવસ્થાનો આવેશ- તેને શું અસર કરી ગયું ખબર નથી પણ તેનાથી બાર વર્ષ મોટા સુરેન્દ્ર સાથે તેને પ્રેમ થઈ ગયો.આવીજ એક વરસાદી સંધ્યાએ પોતાનું સર્વસ્વ એને સોંપીને તે તેની સાથે ઘરમાંથી ભાગીને સુરેન્દ્ર ને પરણી ગઈ.ગુસ્સે ભરાએલ માતપિતાએ તેને ક્યારેય પોતાના ઘેર બોલાવી નહી.તેણે અને સુરેન્દ્રએ બેંકમાંથી લોન લઈને પોતાનું જીમ શરુ કર્યું.શરુઆતના થોડા દિવસો સારા ગયા પણ પછી સુરેન્દ્ર નો સાચો સ્વભાવ બહાર આવી ગયો.

સપનાંની દુનિયા અને વાસ્તવિકતામાં બહુ ફરક હતો.પ્રેમના પાણીના પરપોટા ફૂટી ગયા.યુવાનીના આગોશમાં આળોટતી અનિતાના જીવનમાં તેનાથી બાર વર્ષ મોટા સુરેન્દ્રની પુખ્તતા શૂળ બની ભોંકાવા લાગી.દોમ દોમ સાહેબીમાં ઊછરેલ અનિતાને રસોઈ કરતા આવડતું નહી.સુરેન્દ્ર થાળીઓ છુટ્ટી ફેંકી તેની પર ખૂબ ગુસ્સો કરતો. જીમમા બધાનાં દેખતા રોજ નાની નાની વાતમાં તેનું અપમાન જેમતેમ બોલી કરતો. એવામાં એ લોકોએ બીજૂ જીમ કર્યું જે અનિતા સંભાળતી.બુધ્ધિશાળી  અનિતાએ તેમાં સ્ત્રીઓ માટે નવી આકર્ષક સ્કીમો ,પોતાની આગવી સૂઝ અને દરેકની પર્સનલ કાળજીથી ધમધોકાર ચાલતું કરી દીધું.આખા શહેરમાં તેની ચર્ચા થવાલાગી.સંકુચિત માનસવાળા સુરેન્દ્રથી પોતે આવો એવોર્ડ જીતનાર ને તેની પત્ની ચલાવે તે જીમ વધુ સારું ચાલે અને લોકો તેના જ મો પર અનિતાના વખાણ કરે તે સહન ન થયું.અનિતાનું જીમ કમાણી પણ તેના કરતાં ચાર ગણી કરવા લાગ્યું.ઓછુ ભણેલો ,જડબુધ્ધિ સુરેન્દ્ર અનિતાના જીમમાં જઈને પણ બધાંની સામે અનિતાને અનાપ શનાપ બોલતો અને તેના માતાપિતા સુધી ભાંડતો.પોતાને કંઈ કહે ત્યાં સુધી ઠીક પણ દરેક સ્ત્રીને હોય તેમ માતપિતાને કંઈ કહે તે વાત અનિતા સહન કરી સકતીનહી.

રવિ તેની સાથે નવા જીમમાં મુખ્ય ટ્રેઈનર હતો.સુરેન્દ્ર તેનું પણ બધા સામે અપમાન કરતો.રવિ સાથે આખો દિવસ પસાર કરતી અને રોજ તેની હૈયા વરાળ તેની સમક્ષ કાઢતી.તેમાં બંને જણ એકબીજા સાથે નજીક આવી ગયા. વાતની ભનક સુરેન્દ્રને મળતા ભૂકંપ આવી ગયો.તેણે અનિતાને ખૂબ મારી અને ખૂબ ખરીખોટી સુણાવી.રવિ ને જીમમાંથી કાઢી મૂક્યો.રવિ અને અનિતાએ નક્કી કર્યું બસ હવે બહુ થયું………..આપણે શહેર છોડી દૂર ભાગી જઈએ…….

અમાસની કાળી અંધારી ભયંકર વરસાદી રાતમાં રવિ પૂર જોશમાં ગાડી ચલાવી રહ્યો હતો.ધ્રુસકે ધ્રુસકે રડતી અનિતા રવિને કહી રહી હતી “તેં શા માટે આવું કર્યું???” રવિ કહે “તે મને જોઈ જાત તો તને અને મને બંનેને મારી નાખત……..આ ન કરું તો શું કરું???” બીક,ધ્રુજારી,ગભરાટ ને ભારે વરસાદમાં ફૂલ સ્પીડમાં જતી ગાડીનું બેલેન્સ ખોતાં ગાડી જોરથી મોટા ઝાડ સાથે અથડાઈ……સ્ટીયરીંગ રવિના પેટમાં ઘૂસી જતા ત્યાં જ તે મોતને હવાલે થઈ ગયો .ભગવાનની કરામત કે અનિતા સાવ …….બચી ગઈ. તે ગાડી માંથી પરાણે બહાર નીકળી.તેનું મગજ સાવ…..બહેર મારી ગયું હતું. હવે શું કરવું તે તેને કંઈ સમજમાં નહોતુ આવતું.
તે રોડ પર આવીને ઊભી રહી…..બીક,ચિંતાને ઉપરા ઉપરી આઘાતથી તેની મત મારી ગઈ હતી .હવે તે પણ આપઘાત કરવાનું વિચારી રહી હતી.પરતું તેને તે પહેલા ઘેર જઈ સુરેન્દ્રને  છેલ્લીવાર જોઈ લેવાનો વિચાર આવ્યો.વહેલી પરોઢનું અજવાળું થઈ ગયું હતું. તે ઘેર પહોંચી તો ડોકટર ઘરની બહાર નીકળી ગયા હતા અને અંદર ગઈતો પાટા પીંડી કરેલ સુરેન્દ્ર પલંગમાં સૂતો હતો.તેને જોઈ અનિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી….. સુરેન્દ્રએ પણ રવિએ તેને ટેબલ ફટકાર્યું ત્યારે અનિતાના રહેવા દે …રહેવા દે ની ચીસ સાંભળી હતી.તેની આંખમાંથી પણ આંસુ અવિરત વહી રહ્યા હતા. બંનેની  આંખો પોતાની કરેલ ભૂલના પસ્તાવાનો એકરાર કરી રહી હતી.

જિગિષા પટેલ

વાત્સલ્યની વેલી ૪) બેબીસિટીંગ !

બેબીસિટીંગ !
કોઈ નાનકડા બે – ચાર વર્ષના બાળકનું થોડી વાર અવલોકન કરીશું તો લાગશે કે એને બધું જ પોતાની જાતે જ કરવું હોય છે; પણ મા એની નજીકમાં ક્યાંક બહુ દૂર નહીં ને એટલીયે નજીક નહીં એમ ઉભેલી હોવી જોઈએ ! માનું સાનિધ્ય એ બાળકનું બળ છે! એ પોતાની જાતે બધું જ કરે છે; પણ સતત માં બાપની છત્ર છાયામાં રહીને પોતાનો આત્મવિશ્વાસ દ્રઢ કરે છે!કોઈ મુશ્કેલી આવે તો તરત મા પાસે દોડી જાય છે! અને મા પણ બાળકના પ્રોટેક્સન માટે ઘડીનીયે રાહ જોયા વિના એનો બચાવ કરવા દોડે છે ! ગમે તેવી અબળા લાગતી માતા બાળકના રક્ષણ માટે મા અંબા માંથી હાથમાં ખડ્ગ ધારી મહાકાળી બની જાય છે!
હા , એ અવલોકન સાચું છે, ભવ્ય છે અને આદરને પાત્ર છે!
પરંતુ એ સ્ત્રી એક મા સિવાય પણ એક વ્યક્તિ છેઅને એને પણ પોતાનું આગવું વ્યક્તિત્વ છે, ગમાં અણગમા અને આશા અરમાનો છે તેવું આપણી દિવ્ય સંસ્કૃતિમાં ઓછું વિચારાયું છે!
ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈએ દિશામાં બહુ ઓછો વિચાર કરેલો .
સપ્ટેમ્બર ૧૯૮૩ ના એ દિવસે અમારાં બાળકો સાથે ઘેર રહેવાનો નિર્ણય કર્યો ત્યારે આવા જ કોઈ મનોમન્થનમાં હતી !દેશમાં પણ મારી હાલત એવી જ હતી! પરણ્યા પહેલાં હું કોલેજમાં લેક્ચરર હતી અને નવયુવાન વિદ્યાર્થીઓને ભણાવતી હતી ; પછી બાળકોના જન્મ બાદ હું એકમાત્ર ગૃહિણી બની ગઈ હતી!
આજે આગલા દિવસના બનાવ પછી મેં ઘેર રહી અમારાં સંતાનોને ઉછેરવાનું નક્કી કર્યું હતું !ફરી પછી હું હતી ત્યાંને ત્યાં આવીને ઉભી રહી હતી!
ત્યાં જ ડે કેરમાંથી ડિરેક્ટરનો ફોન આવ્યો અને આગલા દિવસના બનાવ બદલ માફી માંગી અને ટીચરની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો. પણ તેથી તો મેં નક્કી જ કરી લીધું : છોકરાઓને ડે કેર કે બેબીસિટરને ત્યાં નહીં લઇજતાં ઘેર જ રહીને બાળકોની સંભાળ રાખવી ! આમ પણ મારી નોકરી એટલી બધી ઉચ્ચ કેટેગરીની નહોતી.અમારાં છોકરાઓને હજુ મારી જરૂર છે, મેં વિચાર્યું!!
રસ્તો નક્કી થયો એટલે મન પણ શાંત થયું !
બન્ને બાળકોને નમતી બપોરે અમારાં એપાર્ટમેન્ટ બીલ્ડીગનીચે હું રમાડવા લઇ ગઈ ! બેએક અઠવાડિયાથી અમે અહીં રહેતાં હતાં પણ આજેપહેલી વાર આ ફ્રન્ટ યાર્ડને માણવાની તક મળી ! વાહ કેવી સુંદર જગ્યા છે! મેં વિચાર્યું .અમારું બિલ્ડીંગ અંગ્રેજી સી શેઈપ હતું અને વચમાં ગ્રીન સુંદર લોન !

હું ખેલન અને નૈયાને લઈને એ લોનમાં દોડાદોડી કરતી હતી ત્યાં ચાર- પાંચ વર્ષનાં બીજાં બે બાળકોને લઈને એમની મમ્મી આવી અને એ લોકો પણ અમારી રમતમાં જોડાયાં. હવે અમે જાણે કે આખ્ખો મહોલ્લો ગજવ્યો ! કેવી સુંદર સાંજ છે! આ નેબરહૂડ આટલું જીવંત તો ક્યારેય જોયું નથી ! અમે બધાં આનન્દ મઝાં કરતાં હતાં ત્યાં એક માજી બહાર આવ્યાં. એમને કહ્યું કે આ રમવાની જગા નથી; રમવા માટે પાર્કમાં જાઓ! બિલ્ડિંગની ફ્રન્ટમાં આ ઘાંસ શોભા માટે છે. દોડાદોડી કરીએ તો લોનની શોભા બગડી જાય!
હંઅ! એવો વિચાર તો મને સ્વપ્નમાંયે નહોતો આવ્યો કે ઘર આંગણે ના રમાય ! જો કે ઝાઝો સમય થઇ ગયેલો એટલે અમે અમારાં ઘર તરફ પ્રયાણ કર્યું .
ત્યાં જ પેલી બાઈએ મને રોકી , અને પૂછ્યું : “મારે તમારું એક કામ છે, પ્લીઝ , તમે કરશો ?”
“શું ? “ મેં સ્વાભાવિક રીતે જ પૂછ્યું.
‘ મારી બા હોસ્પિટલમાં ( કે નર્સીંગ હોમમાં ) છે, મારે તેને મળવા જવું છે, જો તમે થોડા કલાકો મારાં બાળકોને સાચવો તો!”
‘ અરે , એ તે કાંઈ કામ કહેવાય ? જરૂર મૂકી જાઓ! મેં કહ્યું
જુઓ , હું અહીં ઉપર ત્રીજે માળે રહું છું ! મેં અમારું ઘર બતાવ્યું .
અરે વાહ! હુંતમારી નીચે , બીજે માળે રહું છું!
લે કર વાત ! બે અઠવાડિયા થયાં પણ અમે એક બીજાને મળ્યાં જ નહોતાં! સવારથી સાંજ અમે બહાર હોઈએ , એ પણ કોઈરેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ હતી, છોકરાંઓને સ્કૂલેથી પીક અપ કરી ત્યાં જ લઇ જતી હતી અને રાત્રે ઘેર આવતી !બીજે દિવસે ફરી એ જ ચક્કર !
રાત્રે આંઠ વાગે એ એનાં બાળકોને લઈને અમારી ઘેર આવી.
મેં જિંદગીમાં ક્યારેય આવી પરિસ્થિતિ જોઈ નહોતી જ્યાં નાનકડાં બાળકો આપણે ઘેર મહેમાન થઇને આવે, પણ મા બાપ આપણીઘેર રોકાય નહીં! વળી ઘણી બધી વસ્તુ / પરિસ્થિતિમાં મારુ જ્ઞાન સીમિત હતું.અહીંયા અમારાં છોકરાંઓને બેબીસિટર પાસે મૂક્યાં હતાં પણ એ બાબતમાં ક્યારેય કાંઈ વિચાર્યું નહોતું.
બહુ વિચારી છેવટે મેં બધાં માટે સૂપ અને સેન્ડવીચ બનાવ્યાં.

અમે છયે જણ સાથે જમ્યાં , જાણે કે ઘેર કોઈ મહેમાન આવ્યાં છે તેમ સમજીને! રાતે થોડી પ્રાર્થના , ગીતો વગેરે ગાતાં બધાંને સુવડાવ્યાં . રાતે બાર વાગેએમની મમ્મીઆવી નેછોકરાંઓ લઇ ગઈ.
બીજે દિવસે દશેક વાગે કોઈએ બારણું ખખડાવ્યું . એ, અમારી નીચેવાળી પડોશણ હતી. ખુબ અહોભાવથી એણે મનેરાત્રે એનાં છોકરાંઓરાખવા બદલ આભાર વ્યક્ત કરતાં પૈસા આપવા માંડ્યા!
પૈસા? બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે, મેં કહ્યું, “ પૈસા લઉં તો હું પાપમાં પડું !”
પણ એણે મને સમજાવ્યું કે એ લોકો મહેમાન થઈને નહોતાં આવ્યાં, મેઁ એમને સાચવ્યાં હતાં અને એ મારી જવાબદારી નિભાવ્યાનું મહેનતાણું હતું.
વાચક મિત્રો ! આપણી સંસ્કૃતિમાં જે મહેમાનોને સત્કારવાની પ્રથા છે- ખાસ કરીને અતિથિ દેવો ભવ ! એમ માનીને બધાંને જમાડવાની પ્રણાલી , ગમે તેવા અજાણ્યા સાધુ સંતને આદર આપી, જમાડવા , સીધું આપવું, દક્ષિણા આપવી ; આ બધાં રીત રિવાજો આપણામાં લોહીમાં ભળી ગયાં છે. બીજી સંસ્કૃતિઓમાં આવું ઓછું જોવા મળે છે.
‘ તમે પૈસા નહીં લો તો મારે એમને બીજે મુકવા પડશે , મારે આજે રાત્રે પણ મારી બા પાસે જવું છે’ એમણે મને કહ્યું . છેવટે મેં પૈસા લીધા .. એના ગયા પછી મેં પૈસા ગણ્યા અને આશ્ચર્ય અને આનંદથી ઝૂમી ઉઠી !
“ એનો અર્થ એ કે ઘેર બેસીને પણ તું પૈસા કમાઈ શકે છે !” લંચ બ્રેકમાં ઘેર આવીને સુભાષે મને પ્રોત્સાહન આપતા કહ્યું.
થોડાજ દિવસમાં અમે બેબીસિટીંગની જાહેરાત છાપાં આપી . બે ચાર મહિનામાં અમારે ઘેર બે ત્રણ છોકરાંઓ આવવા માંડ્યા.. કામ કામને શીખવાડે એમ હું આ બેબીસિટીંગનો બિઝનેસ શીખવા માંડી હતી, વાત્સલ્યની વેલનાં બીજ વવાઈ રહ્યાં હતાં ..ત્યાં જ એક મોટી મુશ્કેલી આવી …એક દિવસ અમારે ઘેર વકીલનો કાગળ આવ્યો : કે એ બિલ્ડિંગમાં બેબીસિટીંગ ને લીધે બીજા ભાડુઆતોને ખલેલ પહોંચાતી હતી..તાત્કાલિક મારે આ બધું બંધ કરી દેવું !!
હવે શું કરવું ? એ વાત આવતે અઠવાડીએ ..

૬- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

હમણાં જ તો મારી સાથે એક સરસ એવી ઘટના બની કે એ આજે અને કદાચ કાયમ માટે મને યાદ કરવી ગમશે.

જીવનમાં ક્યારેક એવી અણધારી ઘટના બની જાય કે જેની કલ્પના પણ ના કરી હોય. વર્ષો સુધી દર વર્ષે મળતા હોઈએ. હેતે-પ્રિતે સાથે રમ્યા હોઈએ, સાથે જમ્યા હોઈએ અને પછી એ સંબંધ અન્ય નવા સંબંધોની માયાજાળમાં ક્યાંક ખોવાઈ જાય. કોઈપણ કારણ વગર એ સંબંધ પર જાણે પૂર્ણવિરામ જ ના મુકાઈ ગયું હોય એમ અચાનક એ સંબંધ આપણા વર્તમાનના બદલે ભૂતકાળમાં તબદીલ થઈ જાય. સમયાંતરે એ વ્યક્તિ, એની સાથેના સંબંધ પર પણ વિસ્મૃતિના પડળો બાઝતા જાય.

ઘણીવાર ફિલ્મોમાં તો આપણે જોયું છે કે કુંભના મેળામાં સાથે  ગયેલી વ્યક્તિઓ છુટી પડી જાય અને વર્ષો સુધી એની ભાળ જ ન મળે અને સાવ અચાનક જ એ વ્યક્તિ આપણી સમક્ષ આવીને ઉભી રહે ત્યારે? આમ તો આવું ક્યારેક જ બનતું હોય છે હોં….પણ બને ત્યારે ખરેખર ખૂબ આનંદ થઈ જાય. થોડા સમય પર એક સત્ય ઘટના વાંચી કે છૂટા પડી ગયેલા મા-દિકારાનું ઘણા વર્ષો પછી મિલન થયું.

અને સાવ એવું જ બન્યું હમણાં મારી સાથે. યાદ પણ નથી મને કે એને પણ કે અમે છેલ્લા ક્યારે મળ્યા હતા અને જ્યારે સાવ જ અચાનક મળવાના સંયોગ ઊભા થયા ત્યારે જુવો મઝા…વચ્ચેના વર્ષો જેનો હિસાબ જ મળતો નહોતો એ વર્ષો તો જાણે ક્યાંય ખરી ગયા અથવા જાણે એ વચ્ચેના વર્ષો વિત્યા જ નથી અને હજુ ગઈકાલે જ મળીને છુટા પડ્યા હોય એવી સાહજિકતાથી અમે મળ્યા.

જરાય એવું ન લાગ્યું કે આટલા વર્ષો નથી મળ્યા તો કોઈ કડી તુટી ગઈ છે કે કોઈ કડી છુટી ગઈ છે. ઘણીવાર એવું બને કે કોઈને મળીએ તો સૌથી પહેલા તો એકબીજાની સામે ફરિયાદોનો ઢગલો ખડકાઈ જાય. કેમ દેખાતા નથી કે સાવ જ ભૂલી ગયા છો. વગેરે વગેરે….કદાચ એવા સંબંધ અપેક્ષાના પાયા પર બંધાયેલા હોવા જોઈએ એટલે મનમાં ઊંડે ઊંડે સામેની વ્યક્તિ તરફથી પહેલ થવાની કે આપણે પહેલ કરી હોય તો સામે ચોક્કસ પ્રકારનો વ્યહવાર થાય કે થશેની રાહ જોવાતી હોય.

પણ અહીં તો કોઈ રાવ નહોતી, કોઈ ફરિયાદ નહોતી. બસ હતું તો જાણે સ્નેહમિલન. વર્ષો પહેલા સાથે વિતાવેલી પળોને યાદ કરવાનો બે-હિસાબ રોમાંચ. અધિકાદિક આનંદ. ખૂટી ખૂટે નહીં એટલી વાતોનું પોટલું ખુલી ગયું અને એમાંથી નિકળતી ગઈ બાળપણની સ્મૃતિઓ..એમાં જે મઝા હતી એ આજે અત્યારે પણ મને આનંદિત બનાવી દે છે.

એ દિવસે અમે કાંઈ ઝાઝો સમય પણ સાથે રહી શક્યા નહોતા તો પણ વચ્ચેના વિતેલા વર્ષોનું સરવૈયું જાણે મળી ગયું. થોડી ક્ષણોમાંય અમે ઘણીબધી ક્ષણો જીવી લીધી અને ખબર છે એ સમયે મને કોણ યાદ આવ્યું ?

જાણું છું મને જે યાદ આવે એ જ તમને પણ યાદ આવે..આમ તો હું અને તમે સૌ એક સરખું વિચારવાવાળા સ્તો…

તમને ય મારી જેમ પ્રેમાનંદની એ પંક્તિઓ જ યાદ આવી હશે ખરું ને?

“પછી શામળિયો બોલિયા તને સાંભરે રે..

હાજી નાનપણના નેહ મને કેમ વિસરે રે..”

સાંદીપનિ ઋષીના આશ્રમમાં વિતાવેલા સમય પછી કેટલાય વર્ષો બાદ મળ્યા ત્યારે કેટલી મધુરતાથી શામળિયા અને સુદામાએ એ સમયને યાદ કર્યો હશે? જો કે અહીં આપણે શામળિયા કે સુદામાની વાત નથી કરવી. વાત તો કરવી છે મારી- તમારી કે આપણા વર્ષો પછી પાછા મળેલા એ ખોવાઈ ગયેલા સંબંધોની જ..પણ એ સંબંધોની વાત કરવાની સાથે જ કેવી આપણને પ્રેમાનંદની કવિતાની એ પંક્તિઓ યાદ આવી ગઈ!

આ નાનપણના નેહ પણ એવા જ ..

વિસર્યા વિસરાય નહીં

સાથે આ કવિતાઓની પંક્તિઓ પણ

વિસરી વિસરાય નહીં એવી….સ્તો

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

પ્રેમ એક પરમ તત્વ -20-પુસ્તક પ્રેમ -સપના વિજાપુરા

એક પુસ્તક એક પેન , એક બાળક અને એક શિક્ષક વિશ્વને બદલી શકે છે, મલાલા યુસુફઝાઈ। મિત્રો જેમની પાસે પુસ્તક હોય છે તેઓ કદી એકલા નથી હોતા। મારી એકલતાનો એક માત્ર સાથી પુસ્તક છે.આદર્શ જીવન એ છે જેમાં સારા મિત્રો અને સારા પુસ્તકો શામિલ છે..માર્ક ટવેનનો  આ સુંદર વિચાર છે.પુસ્તકોથી દરે  પ્રકારની સંસ્કૃતિની જાણકારી મળે છે.
પુસ્તક એ પરમ મિત્ર છે. અને સૌથી સારો મિત્ર એ છે જે તમને સારા પુસ્તકોની ભેટ આપે છે. પુસ્તકો વાંચવાથી તમારી કલ્પના શક્તિમાં વધારો થાય છે. અને કલ્પનાની એક દુનિયા ઉભી થાય છે.આ કલ્પનાની દુનિયામાં તમે ચંદ્રને અડકી શકો છો અને સૂરજને ખોળામાં બેસાડી શકો છો  અને સિતારાને તોડી શકો છો. પુસ્તક તમારા માટે એક વિશ્વ ખોલે છે.  જો તમારે મુસાફરી કરવી હોય તો એક પણ ડગલું ચાલ્યાં વગર પુસ્તક તમને  આખી દુનિયા બતાવી શકે છે. જેટલાં વધારે પુસ્તકો તમે વાંચશો તમે દુનિયા વિષે વધારે જાણી શકશો. ઘરમાં પુસ્તકો નથી એ ઘરમાં દીકરી ના આપવી જોઈએ એવું મેં સાંભળ્યું છે.  એક મિત્ર એ  મને કહ્યું કે છોકરા વાળા મને જોવા આવ્યાં  તો પ્રથમ સવાલ એમણે કર્યો કે આપના ઘરમાં કેટલા પુસ્તકો છે? જે ઘરમાં પુસ્તકોનથી એ ઘર શ્વાસ વગરના શરીર જેવું છે યાને કે મુડદા  જેવું છે. પુસ્તક જીવનને ધબકતું રાખે છે. તમારી પાસેથી કોઈ પૈસાછીનવી શકે છે પણ તમારા જ્ઞાન ને કોઈ છીનવી શકતું નથી અને આ જ્ઞાન પુસ્તક દ્વારા મળે છે ભારત દેશમાં પુસ્તકનું એટલું માન  છે કે જો પુસ્તક હાથમાંથી પડી જાય તો એને ચૂમીને ઉપાડવામાં આવે છે. સરસ્વતીને વિદ્યાની દેવી કહેવામાં આવે છે.પુસ્તકને એટલું સન્માન આપવામાં આવે છે.
અત્યારના ઈ પુસ્તક નો જમાનો આવ્યો છે. પણ આ પુસ્તકમાં એટલાં પ્રાણ નથી જે તમને સાચા બે પૂઠાંવાળા પુસ્તક્માં જોવા મળે છે, કોઈ નવું પુસ્તક ખોલતાં નવાં  પાનાની સુગંધ તમારા આત્માને તરબતર કરી દે છે. અને એ સુગંધ તમારા જ્ઞાનમાં વધારો કરી દે છે. વળી કોઈ જુના  પુસ્તકને ખોલતા  સુકાયેલા  પર્ણ કે સુકાયેલા ગુલાબની સુગંધ તમારા અંતરમાં કેટલીય યાદોનાદીપક સળગાવી જાય છે જે તમને ઈ પુસ્તકમાં નહીં મળે. સ્પર્શથી પુસ્તકને પંપાળી શકાય છે, માણી  શકાય છે. અનુભવી શકાય છે. છાતી સાથે લગાવી શકાય છે ચૂમી શકાય છે.
હું એ લોકોનું ખૂબ  સન્માન કરું છું જે લોકો પુસ્તક પરબ ચલાવે છે. અમારા બે એરિયામાં શ્રી પ્રતાપભાઈ પંડયા આ પરબચલાવી રહ્યાં છે. લોકોને પુસ્તક દાનમાં આપી રહ્યાં  છે પુસ્તકની કે વિદ્યાની કોઈ કિંમત આંકી શકતું નથી. એ એક અમૂલ્ય ખજાનો છે.ગાંધીજી કહે છે કે નવરત્ન થી પણ અણમોલ પુસ્તકો છે. એ જેલમાં રહીને પણ પુસ્તક લખતાં હતાં અને બહારથી ફકત પુસ્તકો વાંચવા માટે માગતા હતાં. કરોડો રૂપિયાનો ખર્ચો કરી એ ગુજરાતી ભાષાને પ્રેમપૂર્વક પીરસી રહ્યા છે.ભારતમાં લગભગ ૬૦ જેટલી “પુસ્તક પરબ” ની શાખાઓ ખૂલી છે.
પુસ્તકપ્રેમની ભાવના મા બાળપણથી જો બાળકમાં નાખે તો બાળકને પુસ્તક પ્રત્યે રુચિ રહેશે. આજના ખૂબ બીઝી યુગમાં લોકો પાસે સમય નથી પુસ્તક ખોલવાનો.  એ માટે પુસ્તક પ્રત્યે પરમ પ્રેમ હોવો જરૂરી છે. જિંદગીની રફતાર માંથી સમય કાઢી ભલે એકજ પ્રકરણ રોજ વાંચવું જોઈએ જેથી તમારા દિમાગના બારણાં ખુલ્લાં  રહે અને તમારી કલ્પના શક્તિ જીવંત રહે. ટી વી કેકોમ્યુટર તમને કલ્પનાની દુનિયાને સાચી કરી બતાવે છે જેથી ખાસ કરીને બાળકોની કલ્પના શક્તિ નાશ પામે છે. નાના બાળકને મા વાર્તા કહે ત્યારે જ્યારે એમ કહે  એક હતો રાજા’ તો એ બાળક એ રાજા કેવો હશે કેવા કપડાં પહેરતો હશે કેવા મહેલમાં રહેતો હશે!! આવી બધી કલ્પના કરવા બેસશે જેથી એનું મગજ કસાવા લાગશે!! પુસ્તમાંથી વાર્તાઓ કહેવી અને અને ટી વી કાર્ટૂન જોવા એમાં જમીન આસમાનનો ફરક છે.
પુસ્તક એ તમારો સાચો સાથી છે જ્યારે બધાં એકલા છોડી જશે પણ એ તમારો સાથ નહીં છોડે જો તમે એનો સાથ નહી છોડો.તમે પુસ્તકના પ્રેમી હશો તો તમે સૌથી વધારે ધનવાન છો. અને તમને પરમ પ્રેમની પ્રાપ્તિ થશે. શ્રી લોકમાન્ય તિલકે કહ્યું છે કે પુસ્તકોમાં એવી શક્તિ છે જે નર્કને સ્વર્ગ બનાવી શકે. એક સારું પુસ્તક સો માતાની ગરજ સારે છે.એક મહાન પુસ્તક એક મહાન વિચાર સાથે શરું થાય છેને એક મહાન જીવન એક મહાન નિર્ણય સાથે!!! તો ઉઘાડો એક મહાન પુસ્તક અને એક મહાન અને પરમ પ્રેમ ની અનુભૂતિ કરો.આ પરમ પ્રેમ તમને સાચા રસ્તા પર લઈ જશે અને તમારો હાથ પકડીને ચાલશે એ તમારો કદી સાથ નહીં છોડે!!
સપના વિજાપુરા

દ્રષ્ટિકોણ 17: જળ માં જિંદગી ના પાઠ અને પ્રાણ વસે છે – દર્શના

જળ માં જિંદગી ના પાઠ અને પ્રાણ વસે છે.
મિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. આપણે જુદા દ્રષ્ટિકોણ થી અથવા જુદા જુદા વિષયો ઉપર વાતો કરીએ છીએ. તો આજે આપણે પાણી સંપત્તિ વિષે થોડી વાત કરીએ?
ઓગષ્ટ 2018 માં જયારે કેલિફોર્નિયા માં જબરજસ્ત આગ ફેલાઈ રહી હતી ત્યારે ઘણા લોકો ઝડપથી નીકળી પણ નતા શક્યા અને આજે એવું જ બની રહ્યું છે. તે સમયે એક ઉમરવાળું કપલ ઘરે હતું અને અચાનક તેમણે જોયું કે ચારે બાજુ આગ ફેલાઈ રહી હતી અને તેમના ઘર થી ખુબજ નજીક હતી. તેમની પાસે નીકળવાનો સમય નતો અને તેમણે નિર્ણય લીધો. તેમના ઘરે થી તેઓ પાડોશી ના ઘર તરફ દોડ્યા અને પાડોશી ના પુલ માં ઝંપલાવ્યું. કલાકો સુધી, ચારે બાજુ આગ બધું વિનાશ કરી રહી હતી ત્યાં સુધી તેઓ પુલ માં તરતા રહ્યા. થોડી વાર માથું પાણી ની અંદર અને થોડી વાર શ્વાસ લેવા માથું બહાર કાઢીને તરતા રહ્યા અને આખરે આગ શમતા તેઓ બહાર આવ્યા. આમ પાણી ને લીધે બચ્યા પણ અંતે બહાર આવ્યા બાદ તે બહેને આખરી શ્વાસ લીધા. તેમણે એટલી પ્રદુષિત હવામાં શ્વાસ લીધેલા કે તેમના ફેફસા મંદ પડી ગયા.   
આજે કેલિફોર્નિયા ભડકે બળી રહ્યું છે. આ સ્ટેટ ના ઉત્તર અને દક્ષિણ તરફથી આગ ઝડપથી પ્રસરી રહી છે અને આખા સ્ટેટ માં હવા પ્રદુષિત થઇ ગઈ છે અને શ્વાસ લેવાની મુશ્કેલી લોકોમાં વધી ગઈ છે. લોસ એન્જલ્સ પ્રાણી સંગ્રહાલય માં પ્રાણીઓ શ્વાસ નથી લઇ શકતા તેમને બચાવવા કોશિશ થઇ રહી છે.  આગ લડવૈયાઓ કુદરતે પ્રસરાવેલ અનિયંત્રિત આગ ને કાબુ માં લાવવા મથી રહ્યા છે. 2018 માં કુલ મળીને 7579 આગ માં 1,564,609 એકર માં વિનાશ પ્રસર્યો છે અને $ 3 બિલિયન થી ઉપર નુશન થયું છે અને આ આંકડો ઉપર જઈ રહ્યો છે. હવામાન માં ઓછા ભેજ ને કારણે આગ ખુબ જલ્દી પ્રસરે છે. આખા સ્ટેટ માં દુકાળ છે, એક મહિના થી ક્યાંય વરસાદ નથી અને સૂકી વનસ્પતિ આગ પ્રસારવાને બળતણ પોષે છે. તો આપણે પાણી ની મહત્વતા વિષે થોડી વાત કરીએ.
માનવજાતમાં પાણી નો વપરાશ સદીયો થી વધતો આવ્યો છે. આપણને જીવવા માટે, ખેતર માં, શાકભાજી ઉગાડવા, ઘર ના વપરાશમાં, પશુઓ માટે અને મનોરંજન માટે તેમજ પર્યાવરણ ને સુરક્ષિત રાખવા માટે, પાણી અગત્યની વસ્તુ છે. જળ એ જ જીવન છે અને શાસ્ત્રોમાં તો જળ ને દેવ સાથે સરખામણી કરવામાં આવી છે. કબીરે જળને આધારે કહ્યું છે…
જલ મેં કુંભ, કુંભ મેં જલ હૈ બાહર ભીતર પાની
ફૂટાકુંભ જલ જલહિ સમાયા, યહ તત્ કહ્યો ગિનાની !!
રહિમન પાની રાખીએ બિન પાની સબ સૂન
પાની ગએ ન ઉબટે, મોતી માનુષ મૂન ॥
મારી સમજ પ્રમાણે કરેલ અનુવાદ
જળ માં માટલું ને માટલામાં જળ છે, અંદર બહાર પાણી.
ફૂટે માટલું તો પાણી પાણી માં મળે, કહે છે જ્ઞાની.
ભગવાને અર્પેલ પાણી સલામત રાખીએ, વિના પાણી બધું નકામું
વગર પાણી માણસ ન જીવે, વિના પાણી નથી મૂલ્ય માણસ ને મોતીનું
બીજો અર્થ એમ પણ કાઢી શકીએ કે માટલું એટલે કે માનવ શરીર માં મોટા ભાગે પાણી છે અને પર્યાવરણમાં પણ પાણી છે. શરીર ખલાસ થાય ત્યારે માટી માંજ નહિ પરંતુ જળ જળમાં મળે છે. શરીર માં વહેતુ પાણી એટલે કે શરીર માં વહેતા પ્રાણ ને ઈશ્વર જોડે સાંકળી રાખીએ. પાણીથી મોતી અને મનુષ્યનું જીવન છે અને તેનો પ્રાણ છે. મોતી અને મનુષ્ય માં રહેલ પ્રાણ, આત્મા વગર તેનું શું મૂલ્ય છે?
એમ તો 71 ટકા પૃથ્વી તો પાણી જ છે. તેમાં 96 ટકા થી ઉપર પાણી દરિયામાં સમાયેલ છે. માત્ર 2.5 ટકા પૃથ્વી નું પાણી આપણા ઉપરાશમાં લેવા યોગ્ય મીઠું પાણી છે. અને તેમાંથી 66 ટકા જેટલું પાણી બરફમાં જામેલું છે. પર્યાવરણ ના ફેરફારોને લીધે બર્ફીલી હિમનદીઓ ગ્લેસીયર્સ જલ્દી થી ઓગળી રહ્યા છે. માનવજાત પણ દુનિયા માં વધી રહી છે અને બીજા કારણોસર પણ દુનિયામાં પાણીનો વપરાશ વધી રહ્યો છે. તે ઉપરાંત ઘણા પ્રદૂષકો પાણી ના પુરવઠા માટે જોખમી છે. તેમાં ખાસ કરીને મળમૂત્ર અને ગટર નું ગંદુ પાણી મીઠા પાણી માં ભળે છે, ખાસ કરીને વિકસતા રહેલા દેશોમાં તે પાણી ના પુરવઠા માટે અત્યંત જોખમી વસ્તુ છે. તે પ્રમાણે વિકસેલા દેશોમાં તો સમજૂતી આવવા લાગી છે. છતાં પણ પેસ્ટીસાઇડ, ઔદ્યોગિક ટોક્સિન્સ વગેરે ઘણી વાર પાણી માં ઉતરે છે તે પાણી ના પુરવઠાને નુકશાન પહોંચાડે છે.

હમણાં NASA દ્વારા કરવામાં આવેલ સંશોધન પ્રમાણે જો આપણે પાણી ને જાળવીને વપરાશમાં લેવાનું શીખશું નહિ તો તે બાબતમાં ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ સર્જાવાની શક્યતા છે.  પાણી એ સંપત્તિ જ નહિ પણ સાર્વભૌમિક અને વિશ્વવ્યાપી સંપત્તિ છે જેના ઉપર સર્વ જગત નો અધિકાર છે તેવું મોટા ભાગના વૈજ્ઞાનિકો માને છે અને પાણી ને જાળવવાની જવાબદારી પણ દરેક દેશોની છે તેવી માન્યતા ફેલાઈ રહી છે.

તો પાણીને સંભાળવાની અને પર્યાવરણ ને જાળવવાની આપણી સર્વે ની જવાદારી બને છે. હમણાં રેમન્ડ ટેન્ગ નામના વૈજ્ઞાનિકે પાણી પાસેથી શીખવાના પાઠ વિષે વાત કરેલી. તેના આધારે નીચેની વાત મેં લખી છે. જળ માત્ર જીવનજ નહિ પણ જીવવા માટે અમૂલ્ય પાઠ શીખવે છે. તેમાં પહેલો પાઠ છે નમ્રતા। પાણી જીવન માટે અમૂલ્ય છે છતાં તે નમ્રતાથી નમીને વહે છે.  બીજો પાઠ છે, અડગતા. નમ્રતા હોવા છતાં પાણી અડગ રહી ને વહે છે અને અવરોધો વચ્ચે આવે તેમાંથી રસ્તો કાઢે છે. પાણી નો ત્રીજો ગુણ છે સુગમતા અને અનુકૂળતા. સંજોગો ને અનુકૂળ થઈને પાણી ઘનતા, પ્રવાહી કે વાયુ નું સ્વરૂપ લઇ શકે છે. માણસો આમાંથી શીખી શકે કે એક તો સંજોગોને અનુસાર કુશળતા વિકસાવવા માટે અને જિંદગી માં નવું શીખવા માટે તૈયાર રહેવું જોઈએ। અને બીજું, સંજોગોને અનુકૂળ થઇ ને એકમેકને હળીમળીને અને પર્યાવરણને જાળવીને સંવાદિતતા થી રહેવાથી માણસ પણ આધ્યાત્મિક સિદ્ધિ હાંસલ કરી શકે છે અને કદાચ દુનિયા માં વિશ્વયુદ્ધની જગ્યાએ વિશ્વશાંતિ સ્થાપિત કરી શકે……..
https://youtu.be/gKXo8AWzxfk

૨ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય

વાત સાવ સાચી છે, મૃત્યુ બાદ સ્વર્ગ મળતું હોય, તો ખુદને મરવું પડે. તે વિના સ્વર્ગે ના જવાય. પરંતુ જે મરે છે તે બધાં જ સ્વર્ગે નથી જતાં. સ્વર્ગે જવા માટે ઘણું બધું કરવું પડે છે.

ગોવર્ધનરામ ત્રિપાઠીએ સુંદર કહ્યું છે, “સુખી હું તેથી કોને શું? દુઃખી હું તેથી કોને શું?” મારે જ મારી કેડી નક્કી કરવાની છે. મારો જીવનમંત્ર મારે જ નક્કી કરવાનો છે. નર્મદે કહ્યું કે, “સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે”. ફત્તેહ મેળવવા યા હોમ કરીને પડવું પડે છે ત્યારે જંગ જીતાય છે. જીન્દગી એવું ગણિત છે જ્યાં દરેક દાખલાનો જવાબ અલગ હોય છે. તેના માટે સંઘર્ષ જરૂરી છે. સંઘર્ષની સાથે ભૂલો પણ થાય. ઓશોએ કહ્યું છે, “Many people do not want to make a mistake, and that is the mistake”. શિખામણમાંથી રસ્તા કદાચ મળતાં હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે. આપણી જીન્દગીની સ્ક્રીપ્ટ આપણે જ લખવાની છે. તમારી પાસે તમારૂં આકાશ છે પરંતુ ઉડવા માટે પોતાની પાંખો અને પ્રયત્ન જોઇએ. પોતાનાં સિધ્ધાંતો અને પોતાની દ્રષ્ટિ જોઇએ. પાંખો હોય પણ ઉડવાનો પ્રયત્ન ના કરો, આંખો હોય પણ દ્રષ્ટિ ના હોય તો તમારૂં નસીબ તમને સાથ નથી આપતું.

ચંદન ઘસાઇને સુગંધ આપે છે, ફૂલ છૂંદાઇને અત્તર બને છે, સોનુ ટીપાઇને અલંકાર બને છે. સુગંધ આપવા માટે ધૂપસળીને સળગવું પડે છે. વૃક્ષ બનવા બીજને ધરતીમાં ધરબાવું પડે છે. બાળપણમાં શીખેલી ભોગીલાલ ગાંધીની લખેલી રચનાનાં શબ્દો ઘૂંટાય છે,

“તું તારા દિલનો દીવો થાને! ઓરે! ઓરે! ઓ ભાયા!

રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજને છાયા,

એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!”

આ ખોળિયાને સ્વયં પ્રકાશિત કોડીયું બનાવો કારણકે “પારકી આસ સદા નિરાશ”. પારકું લીધેલું તેજ ભલા ક્યાં સુધી તમને અજવાળશે? ખુદનું તેજ હશે તો આપણો પડછાયો આપણાથી દૂર રહેવાનો છે. બીજા પર આધાર રાખનાર ક્યારેય પ્રગટી નથી શકતો. તે માત્ર બીજાના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે. ઉછીનાં લીધેલા તેજથી આભાસી અજવાળા પથરાય છે. પગભર થવાની વાત છે. માટે આતમનાં દિવાને પ્રગટવું જ રહ્યું. આંતરદ્રષ્ટિથી ખુદને નિહાળો. અંદર ધરબાયેલી શક્તિને બહાર કાઢો. આપણી ભીતર જ તેલ-દિવેટ છૂપાયા છે. આ પ્રકાશ અન્યની કેડીને પણ ઉજાળશે અને એ આનંદ સ્વર્ગ મળ્યાં જેટલો હશે. બળીને જે પ્રગટ થાય છે તેને રાખ થવું પડતું નથી. હાલની ગળાકાપ હરીફાઇની દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા જાત ઘસીને ચમક લાવવી જરૂરી બને છે. અનિલ ચાવડા તેમના કાવ્યમાં કહે છે,

“સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો,

ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;

ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.”

મિત્રો, દિવાળીના દિવસોમાં શું આપણે આ કહેવતને સાચી ઠેરવવા દીપશીખાની ઝળહળતી જ્યોત ના બની શકીએ? જીવન અનંતની યાત્રા છે. તો શેષ જીવનની કેડીએ પ્રકાશ પાથરીએ અને આપણે સૌ પોતાની જાતને ધરબીને સ્વયં પ્રકાશિત દીવડો બનવાનો નવા વર્ષમાં સંકલ્પ કરીએ અને કહીએ, “કર લો સ્વર્ગ મુઠ્ઠીમેં” કારણકે “આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય”.

સિનીયર સિટિઝન બેંક

સિનીયર સિટિઝન બેંક

અમુક વર્ષ પહેલાં કોઈને મહિલાઓનું પેટમાં બળ્યું અને મહિલા બેંક અસ્તિત્વમાં આવી’તી. આજ કાલ દૂનિયાભરમાં સિનીયર સિટીઝનો માટે કંઇક કરી છૂટવાની વાતો ચાલી છે ત્યારે કોઈને વિચાર કેમ નહિ આવતો હોય કે, એક સિનીયર સિટિઝન બેંક ખોલીએ? ખબરદાર, જો કોઈએ આ વાતને હસવામાં કાઢી છે તો!

આઠમા ધોરણમાં મેં ‘મારા સપ્નનું ભારત’ નિબંધ લખ્યો ત્યારે અમારાં ક્લાસ ટીચર હેમકુંવરબેને મને શાબાશી આપી’તી. બસ, એ જ રીતે, આજે મને ‘મારા સ્વપ્નની બેંક’ પર લખવાનું શૂરાતન ચડ્યું છે.

આજ કાલ બેંકમાં અટવાતા, ભટકતા, મૂંઝાતા, ગભરાતા, ગેરમાર્ગે દોરવાતા, છંછેડાતા, તરછોડાતા, છેતરાતા સિનીયર સીટીઝનોને જોતાં હું દુઃખ અનુભવું છું. હું ખુદ આ સમૂહનો સભ્ય હોવા છતાં પલાયનવાદી બનીને હું સિનીયર સિટિઝન ન હોવાનો દંભ આચરું છું. હું અજાણ્યો બનીને બધો તાગ જોયા કરું છું, મરકું છું અને સરકું છું.

મારું એક સ્વપ્ન છે, મારી એક હઠ છે કે, એક એવી આદર્શ સિનીયર સિટિઝન બેંકની રચના કરવામાં આવે જેનો મુદ્રાલેખ હોય ‘માનવંતા વૃધ્ધો માટે સુવિધા અને આત્મસન્માન’!

દરેક બેન્કને પોતાનો આગવો રંગ (visual identity) હોય છે, આ બેંકની ઓળખ હોય લહેરાતો સપ્તરંગી પટ્ટો!

હું ઈચ્છું કે, સિનીયર સિટિઝન બેંકનાં સંચાલકો અને પ્રમોટરો પોતાના ગ્રાહકના મન, વર્તન અને અપેક્ષાઓના ગહન અભ્યાસુ હોય. આ કસ્ટમર કેવો ચીકણો લાક જેવો છે એ વાત સમજીને ચાલે એટલે સમજો બેંક ચાલવાની. સિનીયર સિટીઝનને એમના પૈસાનું શું કરો છો એની પડી નથી હોતી, એમના પૈસા સાચવો છોને, બસ, વાત પૂરી! એમને બીજું કંઈ ન જોઈએ, પાસ બૂક ભરી આપો એટલે ન્યાલ! ડિપોઝિટો કાઢી આપો એટલે ખૂશ! એ લડશે, ઝઘડશે, અકળાશે, ગીન્નાશે પણ છલ્લે શાંત પડશે ત્યારે સગા બાપ જેવા હેતાળ લાગશે.

હું ઈચ્છું કે, આ બેંક બિલ્ડીંગના પ્લાન CEPT અને ઇન્ટીરિયર-ફર્નિચરની ડિઝાઈન NID ને સોપાય. બેંકમાં પગથિયાંને બદલે રેલિંગવાળા સ્લોપ હોય. એસી માફક ન આવતું હોય એવી બહોળી સંખ્યા હોય એટલે માત્ર ધીમા પેડેસ્ટલ ફેન અને ઉનાળામાં દરવાજા પર વાળાની ટટ્ટી ગોઠવાય. વોલ ટૂ વોલ કાર્પેટ હોય જેથી લપસી ન પડાય. દરેક દીવાલ પર મસમોટાં કેલેન્ડરો અને મોટાં આંકડાવાળી ઘડિયાળો મૂકાય. વેઈટીંગ એરિયામાં ધીમેથી બેસી શકાય એવા ઊંચા સોફા મૂકાય અને લાઈનમાં થાક ખાવા માટે શિરડી, તિરુપતી જેવી સીટ પણ હોય. ચાર- પાંચ બાથરૂમોની સુવિધા અને લીંબુ-ગ્લૂકોઝ મિશ્રિત પાણી મફત અપાય. એક પેરા મેડીકની વ્યવથા ગોઠવાય જે જરૂર પડે ગ્રાહકનું બીપી, બ્લડ સ્યુગર મોનિટર કરે, વૃદ્ધોના સ્વાથ્યની કાળજી લે.

દરેક કાઉન્ટર માઈકથી સજ્જ હોય જેથી ગ્રાહકોને વારંવાર ‘શું? શું?’’ હેં? હે?’ કરવું જ ન પડે.

હું ઈચ્છું કે, બેંકમાં ‘નાણાંકીય સહાયકો’ હોય, જે ગ્રાહકને ફોર્મ, ચેક, વિડ્રોઅલ, પે-સ્લિપ ભરી આપે, પૈસા ગણી આપે, પાસબુકની એન્ટ્રીઓ અને બેંક સ્ટેટમેન્ટ સમજાવે કે ફિક્સ ખોલાવવામાં મદદરૂપ બને. એક વિજીલન્સ અધિકારી ગ્રાહકોનાં થેલી-થેલા, ચશ્માં, બોલપેન, લાકડી, છત્રી, મોબાઈલ સાચવે અને કશું ભૂલી ન જાય એવી સતત દેખરેખ રાખે.

હું ઇચ્છું કે, આ સિનીયર સિટિઝન બેંકનું ખાસ વાર્ષિક કેલેન્ડર બને. સમય સવારે દસથી બપોરના સાડા બાર અને બપોરે ચારથી સાંજના છ. મહિનાની આખર તારીખો એટલે કે, ૨૯-૩૦-૩૧ તથા મહિનાની વ્યાજ ગણાવાની અને પગાર તારીખો એટલે કે એક થી સાત બેંક એક કલાક વહેલી ખૂલે અને એક કલાક મોડી બંધ થાય. બેંકમાં પંદર ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી સિવાય વાર-તહેવારની રજા ન હોય. અલબત્ત, ગાંડા જેવા વરસાદમાં કે કાળજું કંપાવતી ઠંડીના દિવસોમાં બેન્કનું કામકાજ બંધ રહે જેની જાહેરાત છાપાંના બેસણાવાળા પેજ પર છપાય, જેથી વૃધ્ધોને હાલાકી ન પડે.

અને હા, બે સ્પેશ્યલ કાઉન્ટરો પર માત્ર પેન્શનરોનું જ કામ-કાજ થાય એટલે ભયોભયો! શક્ય છે કે, અમુક ‘ટટ્ટાર’ સિનીયર સીટીઝનોને આ સૂક્ષ્મ સુવિધાઓનો લાભ મળી જાય!Anupam Buch

મારી કલ્પનાની ‘સપ્તરંગી’ સિનીયર સિટિઝન બેંકની અઢળક થાપણોની વર્લ્ડ બેંક નોંધ લેશે અને અંબાણી ઈર્ષા કરશે ત્યારે હું વિના સંકોચ અને ગૌરવભેર કહીશ કે, ‘હું પણ સિનીયર સિટિઝન છું.’ હા, ત્યાં સુધી બેંકના ખીચોખીચ હોલમાં ઉંમરના લેબલ વિનાનો હું એક ખોવાયેલ સંનિષ્ઠ નાગરિક બની રહીશ.