વાત્સાયની વેલી ૬) બાળકો મારાં શિક્ષક!

બાળકો મારાં શિક્ષક!
મહાસાગરમાં અનેક રત્નો પડ્યાં છે ; પણ એ મેળવવા એમાં ડૂબકી મારવી પડે! બાળકો સાથે કામ કરવું એટલે વિશાળ બાળમાનસના મહા સાગરમાં ડૂબકી મારવા જેવું કહેવાય ! એમાં જો તમે ધ્યાનથી ઉંડા ઉતરો તો મહામૂલાં રત્નો લાધે ! અને નહીં તો એ દરિયામાં પલળ્યાનો આનન્દ તો મળે જ ! અને બાળકોયે સ્પંજ જેવાં તરસ્યાં હોય ! જે જુએ તે બધું ગ્રહણ કરી લે !
ઘણું ઘણું અમૂલ્ય જ્ઞાન આ બાળકો પાસેથી મને લાધ્યું છે છેલ્લાં સાડા ત્રણ દાયકામાં ! જાણેકે તેઓ મારાં શિક્ષક ના હોય ? તેમ તેઓએ મને શીખવાડ્યું છે.
વર્ષો પહેલાં બનેલો એ પ્રસંગ આજે પણ મને બરાબર યાદ છે!
ત્રણ ચાર વર્ષનાં બાળકો અમારાં ઘરમાં રમકડાંથી પ્લે એરિયામાં રમી રહ્યાં હતાં. એક ચિત્તે બાળકો પ્લે ડો ( રમવાની માટી ) થી મશગુલ થઈને રમતાં હતાં . એક બાળકીએ નાનકડું ઘર બનાવ્યું હતું . એની મમ્મી આવી એટલે મેં બારણું ખોલ્યું ત્યાંતો એ બાળકીએ પોતે બનાવેલ ઘર ( કે મહેલ ) મમ્મીને બતાવી ને તરત જ એ બધું ભેગું કરી ને પાછું ડબ્બામાં ભરી દીધું ! હું આશ્ચર્યથી જોઈ રહી ! કેટલી બધી ઝીણવટથી મહેનત કરીને એણે એ ઘર બનાવેલું ! પણ તોડવામાં જરાયે રંજ નહીં !
“ તેં એ ઘર કેમ તોડી નાખ્યું ? કેવું સરસ હતું!” મેં એને પૂછ્યું .જો કે એમ પૂછવા પાછળનો મારો ઈરાદો કાંઈક જુદો હતો .એ દિવસે બપોરે મારાંથી અમારું કિચન બ્લેન્ડર તૂટી ગયું હતું. એ મારુ ગમતું મિક્સચર મશીન હતું. રોજ હું એ રસોડાની વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેતી . એ દિવસે શિકાગોમાં જરા ગરમી હતી . હું બપોરે બધાં બાળકો માટે મિલ્ક શેઇક બનાવતી હતી અને ટી વી માં ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર સાંભળ્યા ; વાત સાંભળવા ટી વી નજીક ગઈ અને બ્લેન્ડરમાં વધારે બરફ મુકાઈ ગયો હતો એ વાત ધ્યાન બહાર રહી ગઈ!- ને પ્લાસ્ટિકના એ બ્લેન્ડરમાંતિરાડ પડી ગઈ!
“નવું લઇ આવશું ; એમાં શું ?” મારે મારાં મનને મનાવવું જોઈતું હતું; પણ મન એ વાત છોડવા તૈયાર જ નહોતું ! ફલાણાં સ્ટોરમાંથી લીધેલું , હજુ હમણાં જ તો ખરીદ્યું હતી એવાં બિનજરૂરી માનસિક વાર્તાલાપમાંથી હું બહાર જ નીકળતી નહોતી .
પેલી છોકરી શાના એ જે રીતે ઘર બનાવેલું અને તોડીને બધું સમેટી લીધું એ બધું મને કાંઈ સમજાવવા જ બન્યું હોય તેમ મને લાગ્યું . પેલી ચાર વર્ષની શાનાએ ઠાવકાઈથી મને કહ્યું ; “ આવતી કાલે હું એનાથી પણ સરસ મોટો મહેલ બનાવીશ . અત્યારે મમ્મી સાથે ઘેર જઈને મઝા કરીશ !”
શાના અને બીજાં ચાર પાંચ બાળકો અમારે ઘેર ત્રણ ચાર વર્ષ આવ્યાં . અને તે દરમ્યાન આ દેશને સમજવાની , અહીંના સમાજને ઓળખવાની અને આ સંસ્કૃતિને પિછાણવાની સારી એવી તક મળી .એ અનુભવો જ તો મને આ દેશમાં મારું પોતાનું બાલમંદિર અને બાલ કેન્દ્ર શરૂ કરવા પ્રેરવાનાં હતાં !
શાનાની મમ્મી આઈરીશ – આયર્લેન્ડની શ્વેત હતી, પણ શાનાનો બાપ આફ્રિકન અમેરિકન હશે એટલે શાના શ્યામ હતી અને એનાં વાળ પણ વાંકડિયા અને ભરાવદાર હતાં. અમારે ઘેર બધાં એક કુટુંબના સભ્યોની જેમ જ રહે . પણ એક વખત બાળકો સાથે સર્કલ ટાઈમ રમત રમાડતાં મેં બધાં બાળકોને એક બીજાનાં હાથ પકડવા કહ્યું. એક છોકરાએ શાનાનો હાથ પકડવા ઇન્કાર કર્યો ; “હું શાનનો હાથ નહીં પકડું ! એ મારી મિત્ર નથી! “
હું કાંઈ સમજવું તે પહેલા શાનાએ પોતે જ એને સમજાવતાં કહ્યું; “ કોઈ તારો હાથ ના પકડે તો તને કેવું લાગે ? જોકે હું
તો તને મારો મિત્ર જરુર ગણવાની છું, અને મિત્રના વર્તનનું ખોટું લગાડવાનું ના હોય !”
આપણે ત્યાં દેશમાં ન્યાત જાતનાં ભેદભાવ છે અને જ્ઞાતિવાદ પણ ભારે છે; ત્યારે શાના ના આ શબ્દો યાદ આવે ! બાળકોની નિખાલશ વૃત્તિથી હું કાયમ આશ્ચર્ય પામું છું. ગમા અણગમા અને મનની વાત તરત જ કેટલી નિખાલસતાથી કહી દે! કોઈએ કોઈનું રમકડું લઇ લીધું હોય કે બનાવેલ સર્જન તોડી નાખ્યું હોય તો પણ બે મિનિટમાં બધું ભૂલી જઈને પાછાં ભેગાં થઈને રમે તે બાળકો! કેટલું જલ્દી એ સામેવાળી વ્યક્તિને માફ કરી દેછે !
ચાર્લી ચેપ્લિને કહ્યું છે તેમ: જે દિવસે આપણે હસીએ નહીં એ દિવસને મિથ્યા ગયો એમ સમજજો ! અમારે તો ઘરમાં ગોકુલ અને ઘરમાં જ વૃદાંવન! હા , નિશ્ચિત હતાં એ દિવસો! જે હતું તેનો આનન્દ ઝાઝો અને શોક ઓછાં હતાં ત્યારે ! ઘરમાં એક માત્ર ટી વી હતું જેમાં માત્ર બે જ ચેનલ આવતી હતી; અને એ ટી વી ને ઝાઝું મચડાય તેમ નહોતું ..
આમ તો શિકાગોમાં એ સમયે અમારાં વિસ્તારમાં ઝાઝા ઇન્ડિયન લોકો નહીં હોય, તેથી અમારાં સંતાનોને ડે કેરમાં ડિસ્ક્રિમિનેશન ની થોડી અસર હશે જ. અને તેથી જ તો હું બાળકો સાથે ઘેર રહી હતી. મેં એક ડે કેરમાં ત્રણ – ચાર અઠવાડિયા વોલેન્ટિર તરીકે પાર્ટ ટાઈમ કામ કર્યું હતું . પણ એ વ્યવસ્થિત ના લાગતાં અમે બીજા ડે કેરમાં અમારાં ખેલનને મુક્યો હતો જ્યાંથીએક દિવસ મેં ઘેર રહીને બેબીસિટીંગ શરૂ કર્યું હતું.
એ પ્રસંગને વરસ પૂરું થાય તે પહેલાં અમે અમારાં પોતાના ઘરમાં આવી ગયાં હતાં.
કેટલાંક બાળકો સવારથી સાંજ સુધી આવતાં. હવે મોડી રાત સુધીના બાળકો લેવાનું બંધ કર્યું હતું, પણ અમુક દિવસો બે ભાઈ બેન મોડી સાંજ સુધી રોકાતાં હતાં.
એક દિવસ એ બે ભાઈ બેન અમારે ત્યાં ઘર ઘર ( પ્રિટેન્ડ પ્લે હાઉસ )રમતાં હતાં.

“ જો , હું નોકરી કરીને ઘેર આવું ત્યારે રસોઈ તૈયાર રાખજે !” ચારેક વર્ષની છોકરીએ રોફથી કહ્યું ; “ હું થાકી જાઉં છું જોબ પર !”
એનાથી થોડા નાની ઉંમરના એના ભાઈએ એટલા જ રોફથી ના પાડતાં કહ્યું“ ના, હું રસોઈ નહીં કરું !”
મને વાતમાં રસ પડ્યો . મને ખબર હતી કે હમણાં બન્ને વચ્ચે ઝગડો શરૂ થશે . જરા હોંસાતુંસી અને ઝપાઝપીની શરૂઆત થાય તે પહેલાં મેં જાણેકે હું તેમની મહેમાન હોઉં તેમ પૂછ્યું ; “ અરે ભાઈ ! હું તમારી મહેમાન છું , મને જમવાનું મળશે ને ?”
તો પેલા નાનકડા ભાઈનો જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ ; “ના! છોકરાઓ રસોઈ ના કરે ! ભૂખ લાગી હોય તો પીઝા ઓર્ડર કરો !”
પાછળથી , સમય મળતાં , મેં એની મમ્મીને આ પ્રસંગની વાત કરી .એણે મને પેટછૂટી વાત કરી. એ લોકો ઇટાલિયન હતાં . (આપણે માફિયાની વાતો સાંભળી છે, એ દેશનાં)આ લોકો માં પુરુષો પોતાની જાતને ‘ માચો મેન’ ગણે ! સ્ત્રી પુરુષ વચ્ચેનો ગજ ગ્રાહ દરેક દેશ અને સંસ્કૃતિમાં કાંઈ નવાઈ નથી . આપણે ત્યાં તો એમાં વળી સંયુક્ત કુટુંબની પ્રથામાં સ્ત્રીને પોતાની અન્ય વ્યથા હોય. એટલે કોઈ દેશ કે વ્યક્તિની ટીકા કરવાનો અહીં પ્રયાસ નથી જ નથી. માત્ર કહેવાનું તાત્પર્ય એ જ છે કે બાળકોએ ઘરમાં અને આસપાસ જે જોયું હોય તેનું કેવું કેવું અનુકરણ કરે છે !
મારે માટે આ બધું નવું – સાવ નવું હતું . અમારે ત્યાં બધી જ જાતનાં અને ભાતનાં મધ્યમ વર્ગનાં બાળકો આવતાં હતાં. ચાર વર્ષ દરમ્યાન બે બાળકોની મમ્મીઓએ બાળકને જન્મ આપતાં મારે ત્યાં ઈનફન્ટ – નવજાત શિશુ પણ આવ્યાં હતાં. લગભગ પાંચ સાત ઈનફન્ટ બાળકોને ઉછેરવાનો પણ મને લ્હાવો મળ્યો હતો એ વર્ષોમાં !
હું આ દેશ , આ નવી દુનિયા ,નવો સમાજ સમજવા પ્રયાસ કરતી હતી. દેશમાં મારાં પિતાજીની ગવર્મેન્ટ નોકરીને લીધે ખુબ ફરવાનું અને જોવા જાણવાનું મળ્યું હતું. તલોદમાં અને પછી ખેડા કોલેજમાં લેકચરરની જોબ ને લીધે પણ ઘણાં અનુભવો થયા હતાં. પછી પરણીને જામનગર જતાં અનુભવનો ખજાનો ઓર વધ્યો .. ને માતૃત્વનું પદ મને સૌથી વધારે લાગણીઓના દરિયામાં ખેંચી ગયું હતું.
અને હવે હું અમેરિકામાં હતી. ઘરનાં બારણાનાં પીક હોલ – નાનકડાં કાણાં માંથી હું દુનિયા જોવા, માપવા પ્રયત્ન કરી રહી હતી. સુભાષની સ્થિતિએ એવી જ હતી!
અમારાં બાળકોનું અમે બરાબર ધ્યાન રાખીએ છીએ ને!
અમારું એ સતત મંથન રહેતું . અને એમ સતત જાગૃત રહેવાનું અમને દેશથી આવતાં પત્રોમાં અમારાં મા બાપ યાદ કરાવતાં હતાં: બાળકોનું ધ્યાન રાખજો ; કમાવાના દિવસો ભવિષ્યમાં ય આવશે ; બાળકોને એમના બાળપણના દિવસો પાછાં નહીં મળે! મેં જોયું : અમારાં બાળકો અને અન્ય સૌ બાળકો કલરવ કિલ્લોલ કરતાં હતાં.. અમે નિરાંતનો શ્વાશ લીધો ..પણ..!
પણ વાત્સલ્યનાં પ્રેમથી પાંગરતી આ વેલનાં ખાતરમાં અનાયાસે , અજાણતાં અમે બીજાં કોઈ સિન્થેટિક ખાતર પણ નાંખવાનાં હતાં એની અમને ક્યાં કાંઈ ખબર જ હતી? તમે એને પહાડ જેવડી ભૂલ કહો કે રજ જેવી ઝીણી , પણ પહાડને અથડાઈને કોઈ પડ્યું નથી; ઠોકર તો એક નાનકડા પથ્થરની જ હોય છે ને?
વધુ આવતે અંકે!

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી. Bookmark the permalink.

6 Responses to વાત્સાયની વેલી ૬) બાળકો મારાં શિક્ષક!

 1. સરસ અનુભવો લખ્યા છે.

  Liked by 1 person

 2. Jayvanti Patel says:

  Khub Rasprad vaato kahi che, tamara anubhavno. Thant’s why they are interesting. Khub saras!

  Liked by 1 person

 3. Mina patel says:

  Very nice article of your past experiences and care of children keep it up I enjoy reading your articles

  Liked by 1 person

 4. Kalpana Raghu says:

  ગીતાબેન તમારા અનુભવોના ખજાનામાંથી અમે હીરા-મોતી લુંટીએ છીએ.મજા આવે છે. આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s