૮- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

તે પંખી પર પથરો ફેંકતા ફેંકી દીધો..

છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો…

સદી ઉપર બીજા અઢાર વર્ષ ઉપર સમય થઈ ગયો આ કાવ્ય રચનાને નહીં? ઘણીબધી વાર વાંચી હશે, ભણવામાં પણ આ કવિતા આવી હશે અને ત્યારે પણ કવિની વેદના-સંવેદના આપણને સ્પર્શી ય હશે.

પણ ફરી ફરી કોને ખબર, કેમ પણ આ કવિતાની પંક્તિ લગભગ છેલ્લા કેટલાક દિવસોથી મનમાં ઘોળાયા કરી છે.  જે સમયે એ ઘટના બની એનાથી ઋજુ અને સંવેદનશીલ કવિનું હ્રદય કેવુંય કાંપ્યુ હશે ત્યારે એમના મનમાંથી આ પંક્તિઓ સરી હશે!

તમે પણ સમજી જ ગયા હશો હું કોની વાત કરું છું.  જાણે -અજાણે થયેલી ભૂલ માટે પણ અનહદ દુઃખ અનુભવતા આ કવિએ એમની વ્યથા શબ્દોમાં ઢાળી છે જે આજે છેલ્લા ચારેક દિવસથી તો મારા મન પર પણ હાવી થઈ ગઈ છે.

કવિ કહે છે એમ એવું ય નહોતું કે પંખી જીવથી ગયું હતું, એ બચી ગયું છે પરંતુ કવિને એક વસવસો ,ઊંડો અફસોસ મનમાં રહી ગયો હતો કે એ હવે ક્યારેય એમની પાસે નહીં આવે.. આ પંક્તિઓમાં વેરાયેલી વ્યથા-વેદના આજે મારું મન અનુભવી રહ્યું છે. મને ક્યાંય દૂર દૂર સુધી પણ જે વાત સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી એ વાતથી મારા મનને શા માટે દુઃખની લાગણી થવી જોઈએ?  પણ સાથે સાથે એની પાછળનું કારણ સમજાય છે ખરું.

કારણ છે આ થેન્ક્સ ગિવિંગ…

અમેરિકા અને કેનેડાનો આ તહેવાર  પ્રત્યેક ઘરમાં હમણાં ઉજવાઈ ગયો.. પૂર્વ હોય કે પશ્ચિમ, વિશ્વભરમાં વસતા માનવોના અંતરમાં એક ઉત્સવપ્રિય જીવ વસતો જ હોય છે. આખાય વર્ષ દરમ્યાન એકધારી રોજીંદી ઘટમાળથી જરાક શ્વાસ લેવા, જરાક અમસ્તો પોરો લેવા મથતા માનવી માટે આ તહેવારો સંજીવનું કામ કરે છે એ વાત તો નક્કી.

આ થેન્ક્સ ગિવિંગ વળી શું અને કેમ?

થેન્ક્સ ગિવિંગ મૂળ તહેવાર યુરોપિયનોનો. મૂળે મેસેચ્યૂસેટ્સમાં ઈ.સ. ૧૬૨૦માં દરિયાઈ માર્ગે આવેલા આ યુરોપિયનો પોતાની સાથે લાવ્યા એમના ઉત્સવો. આ થેન્ક્સ ગિવિંગ પણ એમાંનો જ એક. આપણા તહેવારોમાં પણ ઈશ્વર તરફની કૃતજ્ઞતાનો ભાવ ભારોભાર રહેલો જ હોય છે. ઈશ્વરે આપણને આપેલી તક માટે, આનંદની ક્ષણો માટે આપણે પણ ઈશ્વરનો આભાર માનવાનું ચૂકતા નથી.

એવી જ રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ આ ઋતુમાં થતા પાક- નવી ફસલ ઈશ્વરને ધરાવી એના તરફ કૃતજ્ઞતાનો, આભારનો ભાવ વ્યક્ત કરવાની પ્રથાથી જ આ થેન્કસ ગિવિંગ ડે-ની શરૂઆત થઈ..  આભાર એક એવો ભાવ છે જેમાં આપણે ઈશ્વરથી માંડીને આપણને મદદરૂપ થતા પ્રત્યેક પરિબળો તરફનો અહોભાવ વ્યક્ત કરીએ છીએ અને આ અભિવ્યક્તિ અત્ર તત્ર સર્વત્ર દરેકમાં જોવા મળે ય છે. ભલેને પછી એ વિશ્વના કોઈપણ છેડાના રહેવાસી ન હોય.

સાંભળ્યું છે કે પાશ્ચાત્ય પરંપરા મુજબ થેન્ક્સ ગિવિંગ ડેની સાંજે ડિનર માટે એકઠા થતા પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હોય ત્યારે ભલે દરેક ઘરમાં અલગ અલગ મહેમાનોની હાજરી હોય પરંતુ એક વાત નિશ્ચિત કે દરેક ઘરમાં એક મહેમાન તો મસ્ટ… અને એ છે ટર્કી..

આ નવી ફસલ કે ઈશ્વરના આભાર સુધીની વાત તો સમજાય એવી છે, અરે ! આખા વર્ષ દરમ્યાન અલગ અલગ કે દૂર રહેતા પરિવારના સભ્યો એક સાંજ સાથે ગાળે એ વાત પણ સમજી શકાય એવી છે. પરંતુ સાથે સાથે આ મારું અળવીતરું મન અહીંની પરંપરા મુજબ લેવાતા સાંધ્ય ભોજનની આ ખાસમખાસ વાનગી માટે જરા વિમાસણ અનુભવે છે. યાદ છે? થોડા સમય પહેલાં દુર્ગા પૂજા નિમિત્તે કાલિ મંદિરમાં ધરાવાતા ભોગ અંગે પણ સોશિઅલ મીડિયા પર વાત છેડાઈ હતી. હવે આ પ્રથા કહો કે પરંપરા પાછળ કોઈ કારણ કે ધાર્મિક આચાર-વિચાર હશે જ એમ માની લઈએ અને એટલે જ આપણે એની ચર્ચામાં જરાય ઉતરવું નથી. પણ આ ક્ષણે ઋજુ અને સંવેદનશીલ કવિ અને એમની કવિતાની પંક્તિએ મારા મન પર પુરેપુરો કબજો લઈ લીધો છે એ ય હકિકત છે.

અહીં કોઈપણ સમાજ, ધર્મ કે ધાર્મિક પરંપરા કે એક નવા અભિગમને અનુસરતી વ્યક્તિઓ દ્વારા ઊજવાતી પરંપરા  અથવા કરવામાં આવતા દરેક વિધી-વિધાન પાછળ કોઈને કોઈ ધાર્મિક માન્યતા કે તર્ક હોવાના એટલે એ અંગે પણ કોઈ દલીલમાં ઉતરવું.

અરે ! આ પરંપરાથી પણ જરા અલગ વાત…. અહીં તો એવું ય જોયું છે કે ઘરની બહાર ઊડીને આવેલા નિરાંત જીવે ટહેલતા જેને ગીઝ કહે છે એવા પંખીઓ એરગનના નિશાન હોય….હવે શું દશા હોઈ શકે એ નિર્દોષ જીવની? એ સમયે એમનો તરફડાટ કેવો હોઈ શકે?

ત્યારે ફરી એકવાર મનમાં થાય કે એ કવિ હ્રદય કેટલું સંવેદનશીલ હશે કે જે આ ભોળા પારેવાના ય સુખની ખેવના કરતું હશે અને બોલી ઉઠતું હશે કે..

રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કંઇ ગાજો….

ભલે વાત તો આજની હોય પણ એના અંકોડાય કેટલી જૂની કવિતાની પંક્તિઓ સાથે અનાયાસે જોડાઈ જાય છે નહીં?

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

3 thoughts on “૮- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. રે પંખીડા સુખથી ચણજો। ..માનવ-મન પણ હમેશા પોતાને ગમતું ગોતતું જ હોય છે કઈક રસાળ વાંચન.ક્યારેક પ્રસંગ હૃદય ને ઝંઝોડી ને કવિની પંક્તિ રૂપે સામે આવી જાય છે ખરુંને। ..સમય બદલાયા પછી પણ જાણે વિશ્વશાંતિ માટે પ્રાર્થના. કલાપીનો કેકારવ ગુજરાતી જીવશે ત્યાં સુધી ગુંજતો રહેશે…પછી પણ

    Liked by 1 person

  2. Saachi Vaat. Thankgiving … khub jaruri che. pan Turkey ne marine nahi. Koino jiv laine kevi rite aanand aave!! Khub sunder rajuaat.

    Like

  3. સંવેદનાને Thanksgivingસાથે વણી લઈને જીવપ્રેમની કલાપીની કાવ્ય પંક્તિની વાતે વિચાર કરતા કરી મૂક્યા.સુંદર.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.