મિત્રો હું દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું.
દસ વર્ષ સુધીનું મારુ બાળપણ ઇથિયોપિયા માં વીત્યું. ત્યાં રેડિયા માં ઇન્ડિયન ગીતો આવતા નહિ અને મારા ઘર માં સંગીત વહેતુ નહિ. અને ચિત્રકામ માં પણ એવી મારી ખાસ આવડત હતી નહિ. દસ વર્ષ ની વયે ભારત આવ્યા પછી હું પણ અન્ય લોકોની જેમ રેડિયો સાંભળવા લાગી અને પછી તો મને નાનો રેડિયો પણ ભેટ મળ્યો અને હું ફિલ્મી દુનિયા બોલિવૂડ ગીતો અને નૃત્ય ની દીવાની બની. મને પણ વાજિન્દ્રો વગાડતા અને ગાતા શીખવું હતું. મેં ભારતનાટ્યમ ન્રત્ય શીખવાના કલાસ શરુ કર્યા। સંગીત માટે પહેલા તો મેં ઘર માં હાર્મોનિયમ લેવડાવ્યું અને સુગમ સંગીત ના શિક્ષિકા બહેન ઘરે આવવા લાગ્યા. પછી મને થયું કે જો મારે ખરેખર સંગીત શીખવું હોય તો મારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ. તેના કલાસ ભરવાના ચાલુ કર્યા પછી મને લાગ્યું કે કદાચ મારામાં ગાવાની આવડત ન હોય અને આમેય કદાચ સંગીત ના વાદ્યો શીખવા જોઈએ અને મેં મુંબઈ ના શન્મુખાનંદ હોલ માં વીણા શીખવાની શરુ કરી અને સાથે સાથે રબીન્દ્ર સંગીત શીખવા પણ જતી. આખરે એક દિવસ નાસીપાસ થઇ ગઈ કે કદાચ મારામાં સંગીત ની ટેલેન્ટ જ નતી અને બધુજ મેં મૂકી દીધું. પછી મેં મારી એક સ્ટોરી બનાવી લીધી મેં મારામાં સર્જનાત્મક ટેલેન્ટ જ નથી.
એક દિવસ એક વર્કશોપ માં અમને કોચે કહ્યું કે દરેક માં સર્જન કરવાની કોઈક ટેલેન્ટ હોય છે અને તમારી શું સર્જનાત્મક આવડત છે તે વિચારો. અને તેણે કહ્યું કે તમારી સર્જનાત્મક આવડત ને એક નામ આપો અને તે પછી ના કલાસ માં તેજ તમારી ઓળખ બની જશે. તમે સંગીત નામ આપો તો પછી ક્લાસ માં દર્શના ને બદલે સંગીત નામથી બધા ઓળખશે. હવે આ તો મુસીબત માથે આવી. મેં તો માની જ લીધું હતું કે મારામાં સર્જનાત્મક કોઈ આવડત છે જ નહિ. ખુબ વિચાર પછી મેં વિચાર્યું કે મને લખવાનો અને મારા વિચારો દર્શાવવાનો શોખ છે અને ઘણી વાર લોકો મને કૈક લખવા માટે વિનંતી કરતા. હું ઘણી ઘટનાઓને નવી રીતે કે નવા દ્રષ્ટિકોણ થી જોઈ અને તેને પ્રસ્તુત કરી શકું છું માટે તે સર્જનત્મક ગણાય. તેમ વિચારીને મેં મારુ નવું નામ ધારણ કર્યું કે હું છું “creative self expression” સર્જનાત્મક આત્માભિવ્યક્તિ. પછી તો કલાસ આગળ ચાલ્યો અને ક્લાસ પછી મેં વધુ ને વધુ લખવામાં રસ કેળવ્યો અને નાસીપાસ થવાને બદલે, મારા પોતાના આનંદ માટે પણ લખવાનું શરુ કર્યું. કોચે એમ પણ સમજાવ્યું કે દરેક નિપુણતા દુનિયા માં નામ અને શાન કમાવા માટે નથી હોતી. પણ દરેક ની જે “talent” આવડત હોય છે તે તેમના પોતાના મનોરંજન અને અભિવ્યક્તિ માટે પણ હોય છે અને આપણે આપણી ટેલેન્ટ ને બિરદાવીને તેને વ્યક્ત કરવી જોઈએ. સંગીત માં રસ હોય તો એવું જરૂરી નથી કે સ્ટેજ ઉપર ગાવું જ જોઈએ. તમને આનંદ આવતો હોય અને શીખો તો તે તમારી ટેલેન્ટ જ છે. આજે “celebrate your unique talent day” “તમારી અનન્ય પ્રતિભા ની ઉજવણી કરો દિવસ” ઉજવાઈ રહ્યો છે ત્યારે ચાલો ઇતિહાસ માં ડૂબકી મારીએ।
આજે આપણે એક સત્ય ઘટના ઉપર વાત કરીએ. 1816 અને 1855 વચ્ચેના નાના ગાળાની આ વાત છે. એ સમય માં ઇંગ્લેન્ડ માં ત્રણ બહેનો હતી. તેમના નામ હતા શારલોટ, એમિલી અને એન. તેઓ એકદમ સાહિત્યિક કુટુંબ માં ઉછરી રહી હતી અને તેમને લખવા અને વાંચવાનો ખુબજ શોખ હતો. પણ એ સમયે સ્ત્રીઓને માટે અપેક્ષા હતી કે તેઓ ઘરકામ કરે અને જો દેખાવ માં સુંદર હોય તો સારા અને આર્થિક રીતે સદ્ધર પતિ શોધી લ્યે. બૌદ્ધિક પ્રવૃતિઓ માટે તો તેમની પાસેથી કોઈજ અપેક્ષા કરવામાં આવતી નહિ.
તેમને બીજી બે બહેનો હતી તે નાની વય માં ગુજરી ગયેલી અને નાની 38 વર્ષની ઉંમરે આ બાળકોને છોડીને મા ટીબી ને કારણે મ્રત્યુ પામી. તેથી ઘરકામ નો બધોજ બોજો આ ત્રણ બહેનો ના માથા ઉપર હતો. અને તેઓ આર્થિક રીતે એટલા સદ્ધર નહોતા કે બધા કામ માટે મેઇડ રાખી શકે. તેમનો એક ભાઈ હતો અને બધી આશા તે ભાઈ ઉપર હતી. પણ ભાઈ ને દારૂ નું વ્યસન લાગી ગયેલું અને તે કોઈ રીતે છૂટતું નહોતું. તે કુટુંબના બધાજ પૈસા દારૂ ઉપર ઉડાડી આવતો. પણ દારૂ છોડાવવાની કોશિશ કરતા તે દારૂ વગર એટલો પીડાતો અને કરગરતો કે તેના પિતા અને બહેનો ના મન પલળી જતા અને કોઈ ને કોઈ તેને પૈસા આપી દેતું અને તે પાછો દારૂ પીવામાં પૈસા ખર્ચી નાખતો. ભાઈ ને પણ સાહિત્યિક પ્રવૃત્તિ માં શોખ હતો અને તે કહ્યા કરતો કે તે નવલકથા લખી રહ્યો છે પણ મૉટે ભાગે દારૂ ના બંધન માંજ તેની જિંદગી વીતી રહી હતી. તે વખતે છોકરીઓ ને તો પોતાના નામ ઉપર સંપત્તિ, મિલકત કે પ્રોપર્ટી રાખવાની પરવાનગી જ હતી નહિ. મૉટે ભાગે ઘર કે પ્રોપર્ટી દીકરાના નામ ઉપર થતી અને દીકરો ન હોય કે ન કમાય શકે તો સગાસંબંધી ના દીકરા ના નામ ઉપર થતી અને તે થોડા પૈસા આપે અને રહેવાની વ્યવસ્થા કરે તે પ્રમાણે છોકરીઓને જિંદગી કાઢવી પડે. તેવા સંજોગોમાં ઘણી છોકરીઓ ચર્ચ માં ભરતી થઇ અને નન તરીકેનું જીવન અપનાવી લેતી.
આ ત્રણેય બહેનો ને તેમના ભવિષ્યની ચિંતા ખુબ સતાવતી। ત્રણેય ને કાવ્ય અને સાહિત્ય લખવાનો ખુબજ શોખ હતો, પરંતુ સામાજિક ધોરણો અનુસાર તેમને બિલકુલ લખવાની અને પુસ્તક પ્રકાશિત કરવાની કોઈ જ પરવાનગી હતી નહિ. પરંતુ તેમને લખવું ગમતું અને લખવાની ટેલેન્ટ હતી તેથી તેઓ લખ્યે જતી. એકબીજાને કહ્યા વગર ત્રણેય પોતાની જાતે લખતી રહેતી. એક દિવસ શારલોટે જોયું કે તેની બહેન એમિલી એ કઈ લખેલ હતું। તેણે એમિલીને કહ્યું તું આટલું સારું લખે છે તો આ પ્રકાશિત કરવું જોઈએ. એમિલી તુરંત ગભરાઈ ગઈ અને તે સંતાડવા ગઈ. શારલોટે તેને કહ્યું કે “મને પણ લખવાનો શોખ છે”. આ વાત તેમણે એન ને કરી અને જાણવા મળ્યું કે એન ને પણ લખવાનો શોખ હતો. તેમણે ત્રણેય બહેનોએ મળીને એક નુસખો શોધ્યો. ત્રણેયે પુરુષના ઉપનામ ઉપર લખવાનું ચાલુ કર્યું અને એક પછી એક તેમની નવલકથા પ્રકાશવા માટે મોકલવા લાગી.
હવે તમને ત્રણેય બહેનો ની અટક કહું। તે છે બ્રોન્ટે। તમે કદાચ તે નામ સાંભળેલ હશે. સૌથી પહેલા શારલોટ બ્રોન્ટે ની નવલકથા જેન આયર પ્રકાશિત થતાંજ ખુબ ખ્યાતિ પામી. તે પછી નાની બહેન એન ની નવલકથા ટેનન્ટ ઓફ વાઇલ્ડફેલ હોલ પ્રકાશિત થઇ અને પ્રખ્યાત થઇ ગઈ. અને પછી એમિલી ની વુધરિંગ હાઈટ્સ પ્રકાશિત થતા એકદમ પ્રખ્યાત થઇ ગઈ. ત્રણેય બહેનો ના નામ બહાર આવ્યા ત્યારે લોકોમાં થોડો ઉહાપોહ અને પછી નવાઈ અને પછી વિસ્મય નો પાર ન રહ્યો. તેમના પિતા પણ આ વાત સાંભળતા આશ્ચર્યચકિત થઇ ગયા અને તેમણે દીકરીઓની આ કામયાબીને ઉમળકાથી વધાવી લીધી. આ બધી નવલકથાના નાટકો ભજવાઈ ગયા છે અને ઘણી ફિલમો તેના ઉપર બની ચુકી છે. વુધરિંગ હાઈટ્સ સૌથી પ્રખ્યાત છે અને તેના ઉપર ઘણા નાટક, બેલે, ઓપેરા, ટીવી ફિલ્મ, ફીચર ફિલ્મ વગેરે બની ચુક્યા છે. અને તે ઉપરાંત નાના સમયમાં તેઓએ બીજા પુસ્તકો અને કાવ્યો લખ્યા છે. ત્રણેય બહેનો ની વાર્તાઓમાં સ્ત્રીઓ ઉપર ના બંધનો નો ઉલ્લેખ થાય છે અને લોકો આ બહેનો ને પહેલ વહેલી ફેમિનિસ્ટ/ નારીવાદી સ્ત્રીઓ ગણે છે.
હવે ઉદાસી ની વાત કરીએ. તેમની ખ્યાતિના થોડા જ સમયમાં તેમનો પ્રિય પણ દારૂડિયો ભાઈ મોત ને શરણ થયો. ભાઈના ગુજાર્યા ના ચાર મહિના પછી એમિલી નું 30 વર્ષની કુમળી વયે મ્રત્યુ થયું. તેને તેના ભાઈના ગુજરી જવાની પ્રાર્થના સભા દરમ્યાન શરદી અને તાવ નો ચેપ લાગી ગયેલ। તે પછી થોડાજ સમયમાં નાની બહેન એન નું 29 વર્ષની ઉંમરે ટીબી ને કારણે મ્રત્યુ થયું. આખરે એકલી રહેલી શારલોટે 39 વર્ષની મોટી ઉંમરે લગ્ન કર્યા અને લગ્ન કરવાના નવ મહિના પછી તે પણ મ્રત્યુ પામી. આ બ્રોન્ટે બહેનો ની કરુણ છતાં વિસ્મય અને ગર્વ ઉપજાવતી જીવનકથા છે. તે બહેનો અંગ્રેજી ભાષાને જે સાહિત્ય રચના ની ભેટ આપીને ગઈ છે તેને કેટલીયે પેઢીઓ હજી સુધી ખુબ ઉમળકા થી વધાવે છે અને માણે છે. આજે દરેક ની અનન્ય પ્રતિભાને ઉજવવાના દિવસે બ્રોન્ટ બહેનો ને મીઠી શ્રદ્ધાંજલિ અર્પિત કરતા આપણા માં રહેલ ટેલેન્ટ ને પણ અભિવ્યક્તિ આપીએ.
સરસ લેખ.સ્વયંપ્રકાશિત દીવો બનવાની જરૂર છે. પારકા તેજથી પોતાની પ્રતિભા નથી વિકસતી. કેળવેલા શોખ એકલતામાં અને નિવ્રુત્તિમાં ખૂબઉપયોગી હોય છે.
LikeLiked by 1 person
ખરી વાત છે કલ્પનાબેન. શોખ અને ટેલેન્ટ ને વિકસાવ્યા હોય તે લોકો નિવૃત્તિ આનંદ થી વિતાવી શકે છે. ફરી ફરીને પ્રજ્ઞાબેન ને ધન્યવાદ કે તેમણે તેમનો જ શોખ નહિ પણ સાથે ઘણાને પ્રગતિ કરવા માટે બેઠક માં પ્રેરિત કર્યા। અને તમને અને રાજેશભાઈ ને પણ ધન્યવાદ.
LikeLike
srs srjanatmk prtibha visheno lekh, abhinndn.
LikeLiked by 1 person
તરૂલતાબેન પ્રતિસાદ અને પ્રોત્સાહન માટે અમે હંમેશા તમારા આભારી છીએ. તમને miss કરીએ છીએ.
LikeLike
Khub Sunder lekh. Darshana, your way of explaining is very interesting. I really like it. I have read all Bronte sister’s books. Jane Eyre and Weathering Heights were my favourites !!!
LikeLiked by 1 person
જયવંતીબેન અરે વાહ તમે તેમના પુસ્તકો વાંચ્યા છે અને તમને ગમ્યા છે? સરસ. હંમેશા તમારા પ્રતિસાદ અને તમારા અનુભવ ની અર્થસભર કોમેન્ટ વાંચવી ગમે છે. ખુબ ખુબ આભાર.
LikeLike
દર્શના ખુબ સરસ વાત અને સુંદર દ્રષ્ટિકોણ ..એક સર્જનાત્મક આત્માભિવ્યક્તિ. દરેક નિપુણતા દુનિયા માં નામ અને શાન કમાવા માટે નથી હોતી. વાહ કેટલા સુંદર વિચાર …..આપણી ટેલેન્ટ ને બિરદાવીને તેને વ્યક્ત કરવી જોઈએ. બસ આજ હેતુથી આપણો બ્લોગ સ્વને બિરદાવવા સર્જ્યો છે creative self expression”
LikeLiked by 1 person
પ્રજ્ઞાબેન પ્રતિસાદ માટે આભાર.
LikeLike
ત્રણેય બહેનોની વાત બહુ જ હૃદયસ્પર્શી છે. તમારું બયાન પણ સરસ છે.
LikeLiked by 1 person
સુરેશભાઈ પ્રતિસાદ માટે આભાર. તમને વાત ગમી તે જાણી ખુબ આનંદ થયો.
LikeLike
Reblogged this on Darshana Varia Nadkarni's Blog and commented:
તમારી અનન્ય પ્રતિભા ને ઉજવવાના ના દિવસે બ્રોન્ટ બહેનો ની પ્રેરણાદાયક વાર્તા સાંભળો. દર શનિવારે મારી દ્રષ્ટિકોણ કોલમ ઉપર નવા નવા વિષયો અને વિવિધ દ્રષ્ટિકોણ થી મારી યુટ્યુબ ચેનલ ઉપર સાંભળવા મળશે અને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર વાંચવા મળશે. કોમેન્ટ લખીને ને તમારા વિચાર જરૂર જણાવશો.
On “celebrate your unique talent day” I shared in #Gujarati, the inspiring story of Bronte sisters passion to write, despite cultural norms banning the women from writing or engaging in intellectual pursuits. Their gift to English literature is enjoyed by several generations after the sisters are gone.
LikeLike