૪ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

પહેલું સુખ તે જાતે નર્યા

ખૂબ જાણીતી કહેવત છે. સદીઓ પહેલાં અને આજે તેમાં બદલાવ આવ્યો નથી કારણકે દરેક પ્રકારનાં સુખનાં મૂળમાં તંદુરસ્તી રહેલી છે. જો શરીર દુરસ્ત હશે તો કોઇપણ પ્રકારનું દુઃખ હળવું બની જશે. આજકાલ નખમાંય રોગ ન હોય તેવું કહેનાર આંગળીનાં વેઢે ગણાય છે. તન સાથે મન અને ધનથી તંદુરસ્ત રહેવું જરૂરી બને છે. માટે આપણાં પૂર્વજોએ આ કહેવતનાં મૂળ શબ્દો આ પ્રમાણે કહ્યાં છે,

“પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરાં,

ત્રીજુ સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ તે ગુણવંતી નાર”.

આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો માનવ શરીર, આત્માને રહેવા માટેનું ઘર છે. તેને શુધ્ધ રાખવું જરૂરી છે. સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ શરીર સ્વસ્થ હોવું જોઇએ કારણ કે એમાં પ્રભુનો વાસ હોય છે. વળી માનવને ૫ શરીર હોય છે. પાંચેય શરીર સ્વસ્થ હોવાં જરૂરી છે તો જ વ્યક્તિ, ઇશ્વરિય શક્તિને શરીરમાં જાગ્રત કરીને સુખી રહી શકે છે.

આજની જીવાતી જીન્દગીમાં માણસ કામ અને જવાબદારીનાં બોજ તળે લદાયેલો હોય છે. ભલા તંદુરસ્તીનું ધ્યાન રાખવા તેની પાસે સમય જ ક્યાં હોય છે? સમયનો અભાવ અને નોકરીની અનિશ્ચિતતા તેને સુખનો રોટલો પણ ખાવા દેતી નથી. માનવ મશીનની જેમ હેલ્થ-ક્લબમાં જઇને કસરત કરે છે. સાયકલમાંથી મોટર વસાવવા, એકમાંથી અનેક વસ્તુને વસાવી, કહેવાતી સમૃધ્ધિ હાંસિલ કરવા આખી જીન્દગી ભાગદોડ કરે છે અને જાત ઘસાય, બગડે ત્યારે સાયકલ ચલાવી શરીર-સુખને પાછું મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ મનની તંદુરસ્તીનું શું? માનસીક તણાવ, છુટાછેડા, બાળકોનાં પ્રશ્નો અને પત્ની અને મા-બાપ સાથેનાં તાદાત્મ્યનો અભાવ રોજીંદા જીવનનાં પ્રશ્નો બની ગયા છે. આર્થિક રીતે મોંઘવારી ભરડો લે છે. માંડ બે છેડા ભેગા થતાં હોય છે પરીણામે તેનું શરીર અસાધ્ય રોગોનું ઘર બને છે. જે શરીરે સુખી નથી તે જીવીત મડદુ છે. મરેલું મડદુ જેને સ્મશાનમાં બાળી કે કબરમાં દાટી દેવામાં આવે છે જ્યારે એક જીવીત મડદુ પોતાની લાશ પોતે ઉપાડીને સમાજમાં ગંદકી અને સડો ફેલાવતુ રહે છે. આજનું કામ કાલ પર ટાળી આજને સૂસ્તીમાં વિતાવે છે. કાયરતા, આળસ અને પ્રમાદની દુર્ગંધથી સમાજનું સ્વાસ્થય બગડે છે. અણગમતા સ્મરણો અને વિચિત્ર પ્રત્યાઘાતોને આપણે મનમાંથી બહાર ફંગોળી, આજને અજવાળી હળવા થતાં શીખવું જોઇએ. આપણે દુઃખને ડીપ-ફ્રીઝમાં રાખીએ છીએ. દુઃખ લેવા જવું પડતુ નથી પરંતુ સુખી થવા પ્રયત્નો કરવા જોઇએ. બાળક, યુવાન કે વૃધ્ધ, હકારાત્મક બનીને, સત્સંગ કરીને, સારૂં વાંચન કરીને, યોગ્ય શોખ કેળવીને, કસરત કરીને, રજાઓનો સદ્‍ઉપયોગ કરીને, પરીવાર ભાવના વિકસાવીને, સુખની સાઇકલ સાચી દિશામાં ફેરવી શકે છે. સુખી બનીને જીવનને માણવું જોઇએ. નરવું શરીર, સુખ માટેની પહેલી જરૂરિઆત છે. સમસ્ત સુખનો આધાર વ્યક્તિનો ખોરાક, આચાર-વિચાર અને જીવનશૈલી પર નિર્ભર હોય છે. સુખની બાબતમાં માણસે સ્વાર્થી બનવું રહ્યું કારણકે જો બિમારી લાગુ પડશે તો કોઇ તમારી સામે જોશે નહીં.

 “બીજુ સુખ તે ઘેર દીકરા”. એ જમાનો હતો કે જેનાં ઘરે દીકરો જન્મે, પેંડા વહેંચાય. એ સુખી ગણાય. પરંતુ આજે ભારતમાં કે ભારત બહાર, દીકરાંનાં મા-બાપ સુખી નથી. દીકરીનાં મા-બાપ સુખી કહેવાય છે. જીવતા અને મરણ પછીની તમામ ક્રિયાકરમ, દીકરી કરતી થઇ ગઇ છે. કૂળ ઉજાળે એનાં કરતાં કોખ ઉજાડે એવાં દિકરાં હોય છે. સમાજનું બંધારણ બદલાઇ ગયું છે. આજનાં સંદર્ભે આ કહેવત ખોટી પડી છે.

 “ત્રીજું સુખ તે કોઠીએ જાર”. પહેલાંનાં જમાનામાં અનાજ ભરવા કોઠીઓ વપરાતી. જેનાં ઘરમાં જાર (એક પ્રકારનું અનાજ) કોઠીઓ ભરીને હોય તે સુખી કહેવાતો. આજકાલ ૧૨ મહિનાનું રેશન ભરનાર ગણ્યાગાંઠ્યાં છે. કોઠાર ભર્યા હોય તેનાં કરતા રોજનું લાવીને ખાનારનાં જીવનમાં હાશ હોય છે.

“ચોથું સુખ તે ગુણવંતિ નાર”, કુટુંબની આન અને શાનનો આધારસ્તંભ એટલે ગુણવંતી નાર. પરણીને સાસરે જતી સ્ત્રી, દૂધમાં સાકરની જેમ ભળી જતી નથી ત્યારે ફાટી ગયેલા દૂધ જેવી દશા પરીવારની થાય છે. રૂપાળી, ભણેલી કે આર્થિક રીતે સધ્ધર હોય પણ પતિ કે પરીવારને ક્યારેય સુખી કરી શકતી નથી તેવી સ્ત્રીને ગુણવંતી નાર કહી શકાય નહીં. પરંતુ આ કળિયુગમાં પણ ઘણી સ્ત્રીઓ ખૂદ દીવડી બનીને તેનાં તેજથી સ્વર્ગને ઘરમાં લઇ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી કહેવાય. સૌ બોલી ઉઠે, “ચોથુ સુખ તે ગુણવંતિ નાર”.

સુખનાં સરવાળા હોય, બાદબાકી નહીં. વળી સુખ સૌના નસીબમાં હોતું નથી. પરંતુ સંતોષ અને હકારાત્મકતા દરેક સુખનાં પાયામાં હોય છે. ગરીબ માણસ રોટલો-મરચુ ખાઇને પણ રાત્રે શાંતિથી સૂઇ શકે છે. ગરીબ મા ભૂખી રહીને, પોતાનાં બાળકને ખવડાવીને સંતોષથી ઉંઘ લઇ શકે છે. ત્યાં રોગનું પ્રમાણ પણ નહીંવત્‍ હોય છે. “ત્યાગીને ભોગવી જાણે” તેમજ અન્યને આપીને ખુશ થાય તે વ્યક્તિ માટે કસ્તુરી મૃગની જેમ સુખ ભીતરમાં જ હોય છે પરંતુ તે શોધે છે બહાર.

બીસ્કીટ તો ઘંઉનાં જ ખવાય. સૂવા માટે ૩*૬ની પથારી જોઇએ. મૃત્યુ બાદ ખુલ્લા હાથે જવાનું છે. સુખી થઇને સંતોષનાં સ્મિત સાથે જવું, તેના જેવી ફકીરી બીજે ક્યાંય નથી. આ તો છે સુખનું ગણિત!

10 thoughts on “૪ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

  1. મૃત્યુ બાદ ખુલ્લા હાથે જવાનું છે. સુખી થઇને સંતોષનાં સ્મિત સાથે જવું, તેના જેવી ફકીરી બીજે ક્યાંય નથી. આ તો છે સુખનું ગણિત!
    ખુબ સુંદર। ……….

    Liked by 1 person

  2. ખરી વાત કલ્પનાબેન.. ગુજરાતી કહેવતો ખુબ ખુમારી અને દમ વાળી હોય છે અને સત્ય હકીકત દર્શાવે છે. પણ સમય પ્રમાણે કહેવત ની સચ્ચાઈ બદલાય છે તેનું તમે સારું વર્ણન કર્યું છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.