વાત્સલ્યની વેલી ૫) પ્રયત્ન અને પરિણામ

પ્રયત્ન અને પરિણામ
આપણે પ્રયત્ન કરીએ એટલે પરિણામ તો મળે જ !
પાસ ના થઈએ તો યે ભલે , પણ અનુભવ તો મળે જ!
અમે આપણાં ભારત દેશમાં હતાં ત્યારે કાંઈક કરવા , કંઈક બનવા , જીવનમાં કંઈક કરીછુટવા પ્રયત્નો કરતાં હતાં, પણ ગાડું આગળ વધતું નહોતું ! મોંઘવારી પણ એટલી બધી કે સ્વતંત્ર રીતે ઘર પણ ચલાવી શકાય નહીં! પછી છેવટેઅમેરિકા માટે પ્રયત્ન કર્યો અને નસીબજોગે અમેરિકાના વિઝા મળ્યા !
અમેરિકા આવ્યાં અને એક દિવસ અનાયાસે જ બેબીસિટીંગ બિઝનેસ શરૂ થઇ ગયો ! ધીમે ધીમે બાળકોને સંભાળવા – રમાડવા ,રાખવા વગેરે પર પકડ આવી રહી હતી ત્યાં વકીલની નોટિસ મળી; ‘ આ બધું તાત્કાલિક બંધ કરી દો!’
આમ પણ અમારું ત્રીજા માળ પરનું એપાર્ટમેન્ટ બેબીસિટીંગ માટે યોગ્ય નહોતું. એટલે સ્વાભાવિક રીતે જ હું અમારાં નેબરહૂડના છાપામાંથી કોઈ સારું ઘર ભાડે મળે તેમાટે શોધી રહી હતી . એ જ છાપામાં મારી બેબીસિટીંગની જાહેરાત પણ આવતી હતી. નજીકના જ એક સારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરનું એપાર્ટમેન્ટ અમને ભાડે મળી ગયું. આ ઘર મુખ્ય રસ્તા ઉપર હતું અને પાછળ સરસ બેકયાર્ડ હતું જ્યાં બાળકો દોડાદોડી કરી શકે અને સ્નોમાં પણ રમી શકે. ઉપરને માળે એક મેક્સિકન બેન એનાં છ સાત વર્ષનાં બાળકો સાથે રહેતી હતી ,અને બેઝમેન્ટમાં એક માજી રહેતાં હતાં.
અમારી પાસે ઝાઝો સમાન હતો નહીં, અમે તરત જ આ નવા ઘરમાં રહેવાં આવી ગયાં! અમારે ત્યાં બેબીસિટીંગમાં આવતાં બાળકો અને તેમનાં માં બાપ પણ આ બેકયાર્ડ વાળી નવી જગ્યા જોઈને ખુબ ખુશ થયાં. અમારાં આ હાઉસમાં બેબીસિટીંગ બિઝનેસ વધુ ફૂલ્યો ફાલ્યો .સવારે સાત વાગેપહેલું બાળક આવે અને રાતે બાર વાગે છેલ્લું બાળક ઘેર જાય ! સખત ઠંડી કે પવન ફૂંકાતો હોય ત્યારે છોકરાંઓને ઘરની બહાર કાઢવાને બદલે હું એમને બારી પાસે બેસાડું , અને પછી અમારી ગાડીઓ ગણવાની રમત શરૂ થાય ! જુદા જુદા રંગની અને જુદા જુદા આકારની ગાડીઓ ગણવાની. આજે સાડા ત્રણ દાયકા પછીયે ગ્રાન્ડચિલ્ડ્ર્ન સાથે મુસાફરીમાં આ અમારી મુખ્ય રમત રહી છે !
આખો દિવસ પાંચ છ બાળકો સાથે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ તો કરવી જ પડે ને? એટલે અમારાં ખેલન અને નૈયા સહીત બીજાં બાળકોને હું
‘ગોળ ગોળ ધાણી, ઈત્તે ઈત્તે પાણી !’ અને ‘મગર તલાવડી વાંદરાની પૂંછ લાંબી’ જેવી સર્કલ ટાઈમની રમતો રમાડતી : હા , આને સર્કલ ટાઈમ ગેઇમ્સ કહેવાય તેની મને ખબર નહોતી ! હું તો એ જ રમતો રમાડતી હતી જે નાનપણમાં અમે રમ્યાં હતાં! બેબીસિટીંગમાં આવતાં બાળકોને જયારે હું આવી રમતો રમાડતી હતી એ સમયે મને કલ્પના પણ નહોતી કે માત્ર ચાર પાંચ વર્ષમાં જ અમે અમારું બાલમંદિર શરૂ કરવાનાં છીએ !પાછળથી આ અને આવી અનેક રમતો અને આપણાં બાળગીતોને અહીંના સમાજને અનુરૂપ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી, પ્રિસ્કૂલ ટીચર્સ ટ્રેનિંગમાં હું શીખવાડવા જવાની છું તેનોયે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો ! (એ બધાં જોડકણાં , બાલ ગીતો , રમતો અને બાળકો સાથે બનાવી શકાય તેવા ક્રાફ્ટ્સ વિષે ક્યારેક વાત કરીશું )
હા, દેશમાં, જિંદગીને માણવા, સફળ બનાવવા , એક યંગ કપલ તરીકે અમે ખુબ મથ્યાં હતાં; જામનગરમાં અને અમદાવાદમાં ! પણ એક મિકેનિકલ એન્જીનીઅર અને ગુજરાતીના લેક્ચરર જેવાં ભણેલ ગણેલ અમને જીવનમાં સ્ટ્રગલ વધુ ને સફળતા ઓછી મળ્યા હતાં( જો કે આ પણ એક અભિપ્રાય જ છે.અહીં અમેરિકામાં વતનથી આટલે દૂર , ઘર બદલવાં, પારકાં છોકરાંઓને આખ્ખો દિવસ સંભાળવા,
નાનાં બાળકોને ઉંચકવા અને કમરેથી વાંકા વળીને પારણામાં સુવડાવવાં ,તેમનાં ડાયપરો બદલવાં ,અને આખો દિવસ વાસણનાં ઢગલા સાફ કરવાઅને ઘરના આંગણાંનો સ્નો સાફ કરવો , શિકાગોની ઠંડી સહન કરવી વગેરે વગેરેને શું તમે સ્ટ્રગલ ના કહો ? માટે જ કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે સુખ અને દુઃખ સૌથી પહેલાં તમારાં મનમાં ઉદ્ભવે છે! જો તમે મુશ્કેલીઓને દુઃખ ગણશો તો એ દુઃખ જ રહેશે , પણ એને પડકાર સમજીને સુલઝાવવા પ્રયત્ન કરશો તો શક્ય છે કેડી આપોઆપ જડી જશે !
અમને અમારાં આ ગ્રીન હાઉસમાં બધું સરસ જ લાગતું હતું!
એનાં બારી બારણાનો રંગ મેંદી જેવો લીલો હોવાથી અમે એનું નામ ગ્રીનહાઉસ પાડેલું!
આ જગ્યાએ મારી બાળકોને ઉછેરવાની – સંભાળવાની ફિલોસોફી ધીમે ધીમે સ્પષ્ટ થતી જતી હતી. એક ઉદાહરણ તરીકે : બાળકના ઉછેરમાં માતાનો સીધો ફાળો હોય છે , પણ એ માતા માં સિવાય પણ એક વ્યક્તિ છે એ સમાજ ઘણી વાર ભૂલી જાય છે!
એક દિવસ રાતે દશેક વાગે અમારે ઘરે આવતા એન્થનીની મમ્મીનો ફોન આવ્યો . એન્થની દશેક મહિનાનો તંદુરસ્ત બાંધાનો રુષ્ટપુષ્ટ બાબો હતો. એની મમ્મી હોસ્પિટલમાં સેકન્ડ શિફ્ટમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. બપોરે અઢી વાગે એન્થનીને અમારી ઘેર મૂકીને રાતે સાડા અગ્યારે પાછી આવે. આગલા દિવસે એ છેક રાતે બાર વાગે એન્થનીને લેવા આવેલી.
“ સોરી, મારી ગાડી ઠંડીમાં બંધ પડી ગઈ છે અને રોડ સાઈડ ( ગાડીના ઇન્સ્યોરન્સ કમ્પની )ની મદદ મળે એટલે હું આવું છું” એણે કહેલું . ‘કાંઈ વાંધો નહીં!’ મેં કહેલું.
એકલા હાથે બાળક ઉછેરવું કેટલું અઘરું છે તે હું થોડા મહિનાના મારાં બેબીસિટીંગ જોબમાં અનુભવી રહી હતી! તેમાં હવે વિન્ટર શરૂ થઇ ગયો હતો!
હવે આજે બીજો દિવસ હતો. એ દિવસે શિકાગોમાં સખત ઠંડી હતી અને બધાંનાં ઘરોમાં હીટર કદાચ ધમધોકાર બળતાં હશે . ક્યાંક મોટી આગ લાગી હશે અને અક્સમાતનાં કેસ એન્થનીની મમ્મીની હોસ્પિટલમાં આવી રહ્યાં હતાં.. એનો અર્થ એ થયો કે એનાથી સમયસર આવી શકાશે નહીં! એણે મને સહેજ અચકાતાં કહ્યું કે આજની રાત સખત મોડું થાય તેમ લાગે છે.ઇમરજન્સી રૂમમાં ઘાયલ દર્દીઓની યોગ્ય વ્યવસ્થા થાય કે તરત જ હું અહીંથી નીકળી જઈશ’ એણે મને કહ્યું.
બાર વાગે ફરીથી ફોન આવ્યો: સોરી , વધારે મોડું થશે ! એણે ફોન પર દિલગીરી વ્યક્ત કરતાં મારી માફી માંગી .
‘ તમે અહીંની ચિંતા કર્યા વિના દર્દીઓને જરૂરી ટ્રીટમેન્ટ આપીને શાંતિથી આવજો .’ મેં આશ્વાશન આપતાં કહ્યું.
કોઈ પણ મા- બાપ માટે જિંદગીમાં સૌથી મહત્વનું કોઈ હોય તો તે એમનું બાળક છે. એમને સાચવવા સારી સિટર મળે અને એ ટકી રહે તે એમની નંબર વન પ્રાયોરિટી હોય છે. નોકરીમાં પ્રમોશ ના મળે તો ચાલે , માત્ર નોકરી ટકી રહે એટલે બસ ! ક્યારેક તો વળી હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ રહે તે માટે પણ નોકરીની જરૂર હોય છે ! અને નોકરી ટકાવવા બાળક માટે સારી બેબીસિટર જોઈએ ! ‘ મારુ બાળક સહીસલામત અને આંનદમાં રહે’ એ જ મા બાપ ની ઈચ્છા હોય.
એન્થનીની મમ્મીને ખબર હતી કે અમુક બાળકો મારે ઘેર વહેલી સવારે સાડાછ સાત વાગે આવતાં હતાં. આખો દિવસ છોકરાંઓ સાથે મારે પણ ખાસ્સી દોડાદોડી રહેતી. જો કે એ તો મારું કામ હતું; મેં સ્વેચ્છાએ તે સ્વીકાર્યું હતું; અને બદલામાં મને વળતર પણ મળતું હતું! સાચું કહું ? આ મારું ગમતું કામ હતું! અને સૌથી વધારે મહત્વનું તો એ હતું ,કે મારાં બાળકોને હું મારી મરજી પ્રમાણે ઉછેરી શકતી હતી! ડે કેર છોડયાં પછી અમારાં બન્ને બાળકો માંથી પેલું ચીડિયાપણું ય અદ્રશ્ય થઇ ગયાં હતાં!
છેક રાત્રે ત્રણ વાગે એ રસોડાના ,પાછળના બારણેથી આવી.મેં બારણું ખોલ્યું એટલે હાંફળીફાંફળી એન્થનીના પારણાં તરફ જતી હતી, તેને મેં રોકી.એકદમ એ રડમસ થઇ ગઈ!
“એક મિનિટ , મારે તમને કાંઈ પૂછવું છે! મેં કહ્યું; “ આટલું બધું મોડું થયું છે અને સ્વાભાવિક છે કે થાક પણ લાગ્યો હશે; તમે જમ્યાં?”
‘ ના; જમવાનું તો બાજુએ રહ્યું : કાફેટેરિયાએ બંધ હોય એટલે; પણ કોફી પીવાનોયે ટાઈમ ના મળ્યો !”
“બસ, તો પહેલાં અહીં જમી લો!” સ્ટવ ઉપર મોટા તપેલામાં મેં બીજાં દિવસ માટે સૂપ બનાવેલો તે આપ્યો અને ધીમા સ્વરે અમે નિરાંતે દશેક મિનિટ વાતો કરી. એન્થનીની મમ્મી એ ક્ષણથી મારી મિત્ર બની ગઈ હતી . અમદાવાદમાં ઘણી વખત કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યું હોય અને અમારાં ઘરે રાકયું હોય તેવું મેં જોયું હતું. આજે સૌની સારવાર કરનાર નર્સ ને થોડી હૂંફની જરૂર હતી ! અને ભવિષ્યમાં ત્રણ બાળકોની મમ્મી બન્યા પછી પણ એ મારી સાથે મૈત્રીની દોર ચાલુ રાખવાની હતી…
એ દિવસે- એ રાત્રે એણે મને અંતરથી આશીર્વાદ આપ્યાં હશે ; કારણકે માત્ર આઠ જ મહિના એ ભાડાના ઘરમાં રહ્યાં પછી જુલાઈ૧૯૮૪ અમે અમેરિકામાં અમારું પહેલું અને અમારાં જીવનનું સૌથીપહેલું ઘર લીધું .
આપણે બાળકોની આંગળી પકડીને એમને ચાલતાં શીખવાડીએ છીએ!
પણ એમની આંગળી પકડીએ છીએ ત્યારે એ આપણને જીવનનો રાહ ચીંધે છે!
બસ , વાત્સલ્યની એ વેલડી પર હવે કળીઓ ખીલવા માંડી હતી…

6 thoughts on “વાત્સલ્યની વેલી ૫) પ્રયત્ન અને પરિણામ

  • Thank you ,નરેનભાઈ ! જે જીવન અમે આ અજાણી ભોમ પર જીવ્યાં તેની સત્ય પ્રસ્તુતિ કરવાનો આ નમ્ર પ્રયાસ છે .. થેંક્યુ!

   Liked by 1 person

   • Geetaben your article is very interesting you have been a wonderful person with Subhashbhai to help others like the lady who tourched her son and understanding her problems is aeonderful job you did. Like this article please keep us reading variety of your wonderful helpful experiences. Thanku.

    Liked by 1 person

 1. ગીતાબેન તમે આજે તમારી જે અંગત ઓળખાણ આપી છે એ વાત કરી ને કે રાતના ત્રણ વાગે ઊઠીને કોઈ ભૂખી મા ને ગરમ સૂપ પીવડાવવો તે મનને ખૂબ સ્પર્શી ગયું.તમને બેસ્ટ ડેકેર નો એવોર્ડ મળે તેમાં કોઈ નવાઈ નથી. તમારા અનુભવ વાંચવાની ખૂબ મઝાઆવે છે.સુંદર રજૂઆત

  Liked by 1 person

  • Thank you, Jigishaben !તમારી ટિપ્પણી વાંચીને વર્ષો પહેલાનાં એ દિવસો યાદ આવ્યા ! આપણાં ઘરમાં રાત્રે કોઈનું બાળક સૂતું હોય તો ઉંઘ આવે ખરી ? અને તેમાંયે નાનું બાળક જેને રોજ રાતે બાર વાગે ઉઠવાની ટેવ હોય અને પરાણે ત્રણ વાગ્યા સુધી સુવડાવવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે ઉંઘ તો ના આવે પણ હાલતાંચાલતાં જ ઝોકું ખાઈ લેવું પડે ! જો કે એ દિવસો એવા હતા કે આ બધું જ એક પડકાર રૂપ લાગતું હતું ! એટલે સતત સામેવાળાને શું ગમશે એ ભાવ અને આવી સુંદર તક મળ્યાનો અહોભાવ અમે અનુભવતાં હતાં! એન્થનીની મમ્મી ની પરિસ્થિતિથી હું વાકેફ હતી . એ
   ખરેખર મુશ્કેલીમાંથી પસાર થઇ રહી હતી.. આપણી સંસ્કૃતિમાં તો કહ્યું જ છે ને : ભુખ્યાને ભોજન , તરસ્યાને પાણી ! Thanks for yr kind remarks!

   Like

 2. સાચી વાત લખી… નોકરી હોય તો હેલ્થ ઈંસ્યુરન્સ ટકાવવા નોકરી ટકાવવી જોઈએ… અને મોટા થઈને બાળક કેવું નીવડશે તેની કોઈ ખાતરી હોતી નથી, છતાં પણ ગરીબ-તવંગર દરેક માબાપ બાળકોને માવજતથી-વહાલથી જાતે ઘસાઈને પણ ઉછેરવાની કુદરતી ઈચ્છા રાખેજ છે.

  બહુ સુંદર અનુભવો લખ્યા છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.