૭-કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

દિવાળીના પર્વો તો આવ્યા અને આંખના પલકારે વહી ગયા. આજ આવું , કાલ આવુ કરતાં કરતાં તો એ ગઈકાલ બની ગયા અને આ આવી દેવઉઠી અગિયારસ અને પાછળ-પાછળ આવશે દેવદિવાળી..
આ વિતેલા આખા વર્ષનું સરવૈયુ  કાઢવા કે લેખાજોખા કરવા બેસીએ તો એમાંથી કંઇ કેટલીય સુંવાળી યાદો મનને મોજીલું બનાવી દેશે અને બની શકે કે કોઈ એવી યાદો પણ હશે જે મન પર ઉઝરડો મુકતી ગઈ હશે. પણ આજે તો વાત કરવી છે મનને ગમે એવી યાદોની વાતો.
દિવાળીના પર્વો હોય એટલે સ્વભાવિક છે દેવદર્શનથી દિવસની શરૂઆત કરવી ગમે.. અને જ્યારે ઘરમાં વડીલ હોય ત્યારે એમના સમયે, એમની અનુકૂળતાએ એમને લઈને દેવદર્શને જવાનું એ ય નિશ્ચિત વાત.
હા, તો અમે અમારા વડીલને લઈને મંદિરે પહોંચ્યા. મનથી એવું માની લીધું હતું કે આપણી પરંપરાનુસાર દિવાળીના દિવસે તો મંદિર વહેલી સવારથી જ ખુલી ગયું હશે. અહીં આવ્યા પછી સમા સમાના દર્શન થાય તો અતિ ઉત્તમ નહીંતર જ્યારે જે લાભ મળે એ લેવાની સમાધાનકારી માનસિકતા હવે દરેક વડીલોએ કેળવી જ લીધી છે. એક રીતે તો એ સારી વાત છે જ ને? મંગળાના દર્શનની તો શક્યતા હતી જ નહીં પણ વડીલને શ્રુંગારના દર્શન કરાવાશે એવો મનમાં રાજીપો લઈને અમે તો પહોંચ્યા મંદિરે. પણ આ શું? મંદિરના દ્વાર તો અંદરથી લૉક..
અમને મન થયું કે ઈશ્વરને મનોમન પ્રાર્થના કરીએ કે
“મંગળ મંદિર ખોલો દયામય..
મંગળ મંદિર ખોલો……
પણ ના અહીં તો દયામયને કરેલી વિનંતી નિરર્થક જશે એવું લાગતું હતું. કારણ મંગળ મંદિરની ચાવી તો દયામયના બદલે અંદર કશીક હિલચાલ કરી રહેલી વ્યક્તિઓના હાથમાં હશે એવું લાગતું હતું. વડીલને ધરમ ધક્કો ન પડે એટલે અમે કાચના બારણે જરા હળવા ટકોરા દીધા.  થોડીવાર પછી કદાચ નહીં સંભળાયા હોય એમ માનીને બારણે જરા વધુ જોરથી ટકોરા માર્યા. એક વ્યક્તિએ બારણા તરફ નજર કરી.
હાંશ! ચાલો આ ટકોરાએ કોઈનું તો ધ્યાન ખેંચ્યું. અમે જરા રાજી થયા. અમે એ વ્યક્તિને નમાવેલા મસ્તક અને જોડેલા હાથના ઈશારે સમજાવ્યું કે અમારે દર્શન કરવા છે. એમણે એમની મુંડી અને હાથ હલાવીને ના પાડી કે દર્શન નહીં થાય. ઓત્તારી.. મંદિર સુધી આવ્યા અને દર્શન નહીં થાય એ કેવું? ફરી એકવાર વડીલને આગળ કરીને એમને દર્શન કરવા છે એમ સમજાવવા પ્રયત્ન કર્યો. એ વ્યક્તિના મનમાં અંદર બિરાજેલા રામ આવીને વસ્યા. આમ તો આ મંદિરનું નામ છે રાધા-કૃષ્ણ મંદિર પણ અમેરિકામાં સૌ દેવો એ સંપ રાખ્યો છે અને મંદિરનું નામ કોઈપણ હોય દરેક દેવો દરેક મંદિરમાં એક સાથે  આવીને બિરાજ્યા છે એટલે અંદર બિરાજેલા પણ તે સમય પુરતા એમના મનમાં વસેલા રામના લીધે એમણે બારણા સુધી આવવાની તસ્દી લીધી અને પછી તો વડીલની સમસ્યા સમજીને એમની સાથે અમને પણ અંદર આવવાની મંજૂરી આપી.
અને વાહ!  અંદર જઈને અમે શું જોયું ખબર છે?  એકદમ કલ્પના પણ ન કરી હોય એવું એ દ્રશ્ય હતું અહીં તો મંદિરમાં સેવા-પૂજાના બદલે અમારા વડીલની ઉંમરના જ લગભગ ૭૦/૭૫ વર્ષથી માંડીને ૯૦ વર્ષ સુધીના વડીલ માજીઓ રઘુપતિ રાઘવ રાજારામ પર યોગ કરતાં હતા. શ્રી કૃષ્ણ શરણં મમ પર વોર્મિંગ અપ કહેવાતી એરોબિક્સ એક્સરસાઈઝ કરતાં હતાં. દરેકની તન્મયતા જોવા જેવી હતી. આવી તન્મયતાથી તો આ ઉંમરે સૌ ભગવાનનું જ નામ લેતા હશે એવું જ આપણે માનીએ ને? પણ ખરેખર આ તો જાણવા અને માણવા જેવી વાત ઘટના હતી. અમે દેવદર્શનનો લાભ તો લીધો સાથે આ પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ પણ માણ્યું.
થોડીવારે તખ્તો પલટાયો, તાન અને સૂર પણ પલટાયા અને શરૂ થયું….
હે રંગલો જામ્યો કાલંદરીના ઘાટ,
છોગાળા તારા હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરુ જુવે તારી વાટ, હે રંગલો…
અને અમારા મ્હોં તો આશ્ચર્યથી ખુલ્લા જ રહી ગયા અને અમારાથી બોલાઈ ગયું કારણ ? OMG
કારણ? કલ્પના કરી શકો છો કેમ???….
કારણકે અહીં રંગરસીયાની સામે એકરસતાથી, પૂર્ણ તલ્લીનતાથી એક નહીં હાજર સૌ વડીલ ગોપીઓએ ઝુમ્બા ઍરોબિક્સ શરૂ કર્યું.
હે રંગરસીયા
તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ તારે હાટુ તો કામ બધા મેલ્યા હેઠાં,
હે તને બરકે તારી જશોદા તારી માત રે…..
છોગાળા તારા, છબીલા તારા….
હો રે રંગીલા તારા, રંગભેરુ જુવે તારી વાટ……
છે ને મઝાની વાત? અને સાચું કહું? પેલા મંદિરના પરિસરમાં બેસીને ગૌમુખીમાં માળા અને મનમાં ગમતા કે અણગમતા અઢળક વિચારો ફેરવતા બેઠેલા વડીલો કરતાં આ એકદમ ઉત્સાહથી ભરપૂર બદન અને પ્રફુલ્લિત વદને ઝૂમતા વડીલોને જોઈને અમે ય ખુશ ખુશ… મંદિરનો ફેરો સાચે જ સફળ થયો એવું લાગ્યું.
જોવાની મઝા તો એ છે કે કવિતાની આ પંક્તિઓ અર્ધા-મુરઝાયેલા વડીલોને પણ ચેતનવંતા કરી દે છે ને? આપણા કવિઓ તો કેટલાય વર્ષો પહેલાં આ કવિતાઓની રચના કરી ગયા હશે પણ એ કેટ-કેટલા રંગે-રૂપે અને સ્વરૂપે, ક્યાંથી ક્યાં સુધી આપણા સુધી પહોંચ્યા અને આજે પણ જોજનો માઈલ દૂર આપણી આસપાસ વિંટળાઈને રહ્યા છે અને નોખી- નવતર ભાતે નવયુવાનોથી માંડીને વયસ્કોને પણ એટલા જ તરોતાજા રાખે છે ને?
આ જ તો મઝાની વાત છે ને આપણે ક્યાંય પણ જઈને વસીએ આપણા મૂળિયા તો એ હજુ ય એ સૂર-તાન સાથે જોડાયેલા છે. એ શબ્દો આજે પણ આપણને એટલા જ સૂરીલા લાગે છે અને મનની સાથે તન પણ થિરકી ઉઠે છે ને!

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in કવિતા શબ્દોની સરિતા, નિબંધ, રાજુલ કૌશિક. Bookmark the permalink.

6 Responses to ૭-કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

 1. આ મંદિર મને ખુબ ગમ્યું – healthy mind & healthy body!!

  Liked by 1 person

 2. geetabhatt says:

  Wah !! I don’t care it really happened or not; but very nice imagination ! Positive and encouraging ! Happy Devdiwali

  Liked by 1 person

 3. હેપ્પી દેવદિવાળી ગીતાબેન…
  વાત તમારી સાચી કે આ કલ્પના હોય કે હકિકત એની સાથે કોઈ મતલબ નથી પરંતુ વાત મનને ગમી ગઈ એ મહત્વનું…..

  Like

 4. કૌશિક શાહ says:

  સરસ . ખુબ સરસ વાત .

  Like

 5. સાચીવાત માળા ફેરવતા ફેરવતા ઝોંકે ચડેલ વડીલો કરતા આ રંગરસિયા બનીને રાસરમતાં વડીલો ,જોઈને ખુશખુશાલ જ થઈ જવાય.
  હમણાં જ કલપનાબેને વૈષ્ણવ મંદિરમાં વડીલોને નવરાત્રિમાં યોગાને બદલે રાસગરબા જ કરાવ્યા હતા.તારા વિના શ્યામ…..વાગે તો ભલભલા ગુજરાતીના પગ થરકીજ ઊઠેને તે પછી પંચોતેરના કાકી કેમ ના હોય!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s