વાત્સલ્યની વેલી :૩) મારે પાણી પીવું છે!

મારે પાણી પીવું છે!
દરેક મા- બાપ પોતાનાં બાળકોને દિલથીયે અધિક ચાહતાં હોય છે,એટલે તો કોઈએ કહ્યું છે કે જે ક્ષણે આપણે મા- બાપ બનીએ છીએ તે જ ક્ષણથી આપણું હૈયું બહાર નીકળીને સંતાનની પાછળ જોડાઈ જાય છે!
પણ પ્રત્યેક વ્યક્તિની સંતાનને પ્રેમ કરવાની – પ્રેમ દર્શાવવાની -રીત જુદી જુદી હોય છે. જેવી વ્યક્તિની સમજ તેવો તેનો અભિગમ ! કોઈ વ્યક્તિ પોતાના બાળકને સુખ સગવડ અને સાહેબી આપવા માટે તનતોડ મહેનત કરે , અને પોતાના સંતાનોને એ સગવડ આપી શકે તેને પ્રેમ ગણે; , તો કોઈ વ્યક્તિ પોતાના બાળકને થોડી મુશ્કેલી પડે છતાંયે એ સારું શીખે , કોઈ રમત ગમત , સંગીત કલામાં પારંગત થાય તે માટે સખત મહેનત મજૂરી કરે તેને પ્રેમ કહે ! અને પછી તેમાં ભળે જે તે વ્યક્તિના સંજોગો ! ઘરમાં અંદર અંદર મતભેદ પડે ત્યારે કોઈ મા બાપ બાળકનું હિત સમજીને સમજૂતી કરીલે ;તો કોઈ મા બાપ બાળકને એ ક્લેશમય વાતાવરણથી દૂર રાખવા એકલતા સ્વીકારી લે ! ને આમ બાળકનું ઘડતર થાય! અને આ રીતે જ તો વાત્સલ્યની વેલ પાંગરે ને?
બાળઉછેર ક્ષેત્રમાં મારો પ્રવેશ પણ કાંઈક આવી જ રીતે કોઈ અગમ્ય સંજોગોમાં થયો !
બાળ ઉછેરનું મારુ જ્ઞાન પણ સીમિત હતું ! દેશમાં તો ઘણાં બધાં લોકો બાળકોના ઉછેરમાં ભાગ ભજવતાં હોય ; વળી એ દિશામાં મેં વિચાર્યું ય નહોતું !
‘ મેરા ભારત મહાન !’ એ રાષ્ટ્ર પ્રેમની ભાવના મારામાં બચપણથી જ હતી ! પણ લગ્ન અને બંને બાળકોના જન્મ પછી હાડમારીભર્યાં જીવનને કારણે ( એને હાડમારીભર્યું જીવન કહેવાય કે નહીં એ પણ વ્યકિગત સમજ અને સંજોગોને આધારે જ કહી શકાય ;કેવા સંજોગોમાં દેશ છોડવાનું મન થયું તેની રસસપર્દ વાત ક્યારેક આગળ ઉપર ) પણ સદ નસીબે ટુરીસ્ટના વિઝા મળતાં એ લઈને તરત જ અમે આ સમ્રુધ્ધ દેશમાં આવી ગયાં ! અને પછી જલ્દી જલ્દી કાંઈક કરવાની તાલાવેલી લાગી ! જરા એક્ષાઈટમેન્ટ ઓછું થયું પછી સૌથી મોટો પ્રશ્ન દોઢ અને ત્રણ વર્ષનાં અમારાં બાળકોનો હતો! કેમેય કરીને શિકાગોના વાતાવરણમાં તેમને ફાવતું નહોતું ! ક્યાં આપણાં દેશમાં વસ્તીમાં ઉછરવાનું,ખૂલ્લાં ફળિયામાં નાનાં મોટાં બધાં લોકો સાથે રમવાનું, દાદા બા કે નાના નાની વગેરે સાથે મોજ મઝા કરવાની; અને ક્યાં અહીંના બેબીસિટરો કે ડેકેર સેન્ટરમાં ઘડિયાળને કાંટે ,ચાર દીવાલ વચ્ચે બંધિયાર વાતાવરણમાં પ્રવૃત્તિઓ કરવાની!
રોજે રોજ કોઈ કે ને કોઈક નવી સમસ્યા ઉભી જ હોય! ક્યારેક છોકરાં માંદા સાજા થાય કે ક્યારેક અમસ્તાં જ કજિયા કરે !
વાચક મિત્રો , આજે જયારે આ લખું છું ત્યારે ઘણી વણબોલાયેલ ન સમજાયેલ લાગણીઓ પાંત્રીસ વર્ષ બાદ અચાનક જ સપાટી પર આવે છે : સાચું કહું તો એ સમયે મારુ ધ્યાન અર્જુનની જેમ પંખીની આંખ પર નહોતું; હું તો ભીમની જેમ ચારે બાજુ ડાફોળીયા મારતી હતી! છોકરાંઓને બેબીસિટર પાસે મૂકીને અમે પણ બીજાં બધાંની જેમ જલ્દી સેટ થઇ જવા માંગતા હતાં ! આગળ વધવાની મહત્વકાંક્ષા મારામાં પણ હતી; રખેને બધાં આગળ થઇ જાય અને હું કાયમ માટે પાછળ પડી જઈશ તો?
પણએ દિવસે ભગવાને નક્કી જ કર્યું હતું મારી આંખ ઉઘાડવાનું !
એ દિવસે બધું જ એક સામટું ઉમટ્યું !
 તેદિવસે સાંજના છ વાગ્યાં હતાં; અમારાં ચાર વર્ષના ખેલન સિવાય ડે કેરમાં કોઈજ બાળક નહોતું અને ટીચર પણ ઘેર જવાની ઉતાવળમાં હાથમાં પર્સ લઈને ઉભી હતી .સ્વાભાવિક રીતે જ તે ગુસ્સામાં હતી કારણકે આજે ફરીથી અમે મોડાં પડ્યાં હતાં! હાંફળી ફાંફળી હું બારણામાં પ્રવેશી ત્યાં જ
રડતા રડતા અમારાં દીકરા ખેલને મને કહ્યું.“મારે પાણી પીવું છે! મમ્મી , મને તરસ લાગી છે! ‘એણે એની કાલી ભાષામાં બે ચાર વખત અધીરાઈથી કહ્યું .
મારું કાળજું કપાઈ ગયું ! અરેરે !એ ક્યારનો તરસ્યો હશે ! હું એને જોરથી વળગી પડી ને લગભગ રડી પડી!
‘ મને સમજાતું નથી કે એ શું બોલે છે!’ ટીચર જરા ઝંખવાણી પડી ગઈ .એ પણ નવી જ હતી અને કદાચ અણઘડ પણ હશે! આ નાનું બાળક પાણી માંગે છે એટલોયે એને ખ્યાલ ના આવ્યો ? પણ એને શું પડી હોય કોઈના છોકરાની ? એ તો બસ રાહ જોતી હતી , આ છોકરો જાય એટલે મારો દિવસ પૂરો !
પણ બસ ! આજે હવે અંતર્ચક્ષુ ખુલી ગયાં હતાં! ફૂલ જેવો મારો દીકરો આજે કોઈ અણઘડ બાઈને કારણે તરસ્યો રહ્યો !ટીચર પર ગુસ્સો આવ્યો પણ તેનાથી કાંઈક અનેક ઘણો તિરસ્કાર મને મારી જાત પર આવ્યો!
ધિક્કાર છે મને કે મેં તદ્દન અજાણ્યા દેશમાં, તદ્દન અજાણ્યાં લોકો વચ્ચે મારાં ફૂલ જેવા દીકરાને જ્યાં ત્યાં ધકેલ્યે રાખ્યો ! અને હજુ પેલી નાનકડી બે વર્ષની દીકરી નૈયા તો બેબીસિટરની ઘેર છે! હું અંદરથી ખળભળી ઉઠી ! અમારાં બાળકો અહીંના સમાજથી પરિચિત થાય, અંગ્રેજી ભાષા આવડે એવાં કોઈ બિનજરૂરી ખ્યાલોમાં અટવાઈને હું એમને અહીંના બાળમંદિરોમાં લઇ જતી હતી! પણ વાસ્તવિકતા એ હતી કે અમને પણ અહીંના સમાજની પૂરતી સમજ નહોતી ! આ એ સમય હતો (1983-84 )જયારે સામાન્ય અમેરિકનને યુરોપ અને અમેરિકા સિવાયના બીજા કોઈ ખંડનું જરાયે જ્ઞાન નહોતું: ઇન્ડિયા એટલે સાપ અને હાથીઓનો દેશ એમ તેઓ માનતાં અને કેટલાંક લોકો આપણાં ભારતીયો તરફ ભેદભાવનું વલણ પણ દર્શાવતાં. છોકરાંઓને લેવા મુકવા જતાં મારું મન પૂછતું કે શું તું આ બરાબર કરે છે ? કોઈ મોટી ભૂલ તો નથી કરતી ને?
સુભાષના ભાઈ સાથે અમે રહેતાં ત્યારે એ બન્ને છોકરાંઓને રમાડતાં પ્રેમથી કહેતા : ‘મઁડવે તલે ગરીબકે દો ફૂલ ખીલ રહે હૈ! ‘ પણ હવે તો અમે અમારાં એપાર્ટમેન્ટમાં રહેવાં આવી ગયાં હતાં.. આમ પણ લગભગ રોજ છોકરાં લેવાજવામાં મોડું થઇ જતું હતું .. અને તેથી પણ ટીચરના વર્તનમાં એક પ્રકારની ઉપેક્ષા દેખાતી હતી.. અને આવાં અનેક કારણોથી અમે આ ડે કેર પણ છોડ્યું ! પણ આ વખતે હવે કોઈ બીજા ડેકેરમાં ના જતાં અમે ઘેર રહેવાનું નક્કી કર્યું !
હવે મારી આંખમાંથી આંસુનો ધોધ છૂટ્યો ! મને મારી જાત ઉપર તિરસ્કાર થયો હતો , પણ હવે અફસોસ થવા માંડ્યો : મારાંથી આ દેશમાં કાંઈજ નહીં થઇ શકે ! આ બે ટાબરિયાઓમાંથી હું કોઈ દિવસ બહાર આવી શકીશ નહીં! મને અસંતોષ પણ હતો જ. પણ જે રીતે બાળકોના ડે કેર- બેબીસિટરના બનાવો બનતા હતાં તેથી ચોખ્ખું સાબિત થતું હતું કે આ વ્યવસ્થા બરાબર નથી ! હવે આ પરિસ્થિતિ સ્વીકારવી જ રહી – ગમે કે ના ગમે, પણ એ તો હકીકત હતી કે અમારો ખેલન કલાકો સુધી તરસ્યો જ રહ્યો!!
વાચક મિત્રો જયારે આપણું ધાર્યું થાય ત્યારે આપણે ખુશ; અને જયારે આપણું ધાર્યુ ના થાય ત્યારે ભગવાન ખુશ!
ભગવાન ખુશ થઇ ગયાં હશે: કારણકે બન્ને બાળકોએ ખુશ થઈને ગાવા માંડ્યું : હિપ હિપ હુરરે ! હવે આપણે ઘેર રહેવાનું છે! હું હજુ દ્વિધામાં હતી કે મેઁ આ સાચો નિર્ણય કર્યો છે કે ખોટો ? ઘણી વખત અમારાં ડે કેર સેન્ટરમાં મમ્મીઓને આ સ્ટેજમાંથી , આવી પરિસ્થિતિમાંથી પસાર થતાં જોઈ છે. નોકરી કરવી કે ના કરવી? છોકરાંઓને ઘરે રાખવાં જોઈએ કે સ્કૂલે મોકલવાં જોઈએ? નવી જગ્યાએ છોકરાંઓ રડે તો કેટલા સમય સુધી એ યોગ્ય ગણાય ? ભાષા ના આવડતી હોય તો શું કરવું જોઈએ? વગેરે વગેરે . માએ નોકરી કરવી જોઈએ કે?આ આજના જમાનાનો મહત્વનો પ્રશ્ન છે! જો કે તેની ચર્ચામાં ના ઉતરતાં , તે દિવસે ભગવાને તૈયાર કરેલી પરિસ્થિતિ મને કોઈ નવી દિશા ઉઘાડી આપવાની હતી..
માત્ર ચોવીસ જ કલાકમાં મને મારી દિશા મળી જવાની છે.. આકાશમાં વાદળ ઘેરાયાં હોય અને પછી વરસાદ તાડૂકે એવું જ કાંઈક મારાં જીવનમાં પણ બની રહ્યું હતું… મારી વાત્સલ્યની વેલડીના બીજ વવાઈ ચૂક્યાં હતાં , બસ હવે વરસાદ વર્ષે એટલી જ વાર હતી.. અને અમને કોઈનેય સ્વપ્નેય એનો ખ્યાલ નહોતો ..

7 thoughts on “વાત્સલ્યની વેલી :૩) મારે પાણી પીવું છે!

  1. ગીતાબેન,
    આજની વાત વાંચીને તમારા મનની સ્થિતિનો અંદાજ આવે છે. એ વખતે તમારું મન કેવું ડહોળાઈ ગયું હશે એ સમજાય છે.
    પણ ક્યાંક કશું ખોટું થતું હોય એની પાછળ પણ કંઇક સારું થશે એવો તમારો આશાભર્યો ઈશારો ગમ્યો. મનને જરા સારું લાગ્યું.

    Liked by 1 person

  2. થેંક્યુ દાવડા સાહેબ , નરેનભાઈ , રાજુલબેન !
    આજે પાંત્રીસ વર્ષે એ દિવસો વિષે લખવા બેઠી ત્યારે યાદ આવે છે કે કેટલા મુંઝવણના એ દિવસો હતા .. અંધકાર અને ધુંધળો રસ્તો !
    અને આજના દીપાવલીના શુભ પર્વની શુભેચ્છાઓ સૌ વાચક મિત્રને !

    Like

  3. Very good article re your children and new experience in new country. You were a professor in India What made you start a day care center in America We would like to know. Please let us know it would be interesting.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.