6-“જીવન મને ગમે છે” (સત્ય ઘટના ને આધારે) – દર્શના

“જીવન ગમે છે?” જીવવું ગમે છે?

જો એ પ્રશ્ન તરીકે પુછીયે કે તને જીવવું ગમે છે તો તેમ કહી શકાય કે આ પ્રશ્ન નો ઉત્તર જોડે કૈંજ  સબંધ નથી. મોટા ભાગના લોકો તો કહેશે જ કે મને જીવવું ગમે છે. પણ આ પ્રશ્ન નો ખરો ઉત્તર તેમના જીવવા ઉપર નિર્ભર કરે છે, તેમના કહેવા ઉપર નહિ.
મારા એક દૂરના ફૈબા હતા. તેનું વજન 300 પાઉન્ડ થી ઉપર અને તેમનું ડાયાબિટીસ બિલકુલ કંટ્રોલ ની બહાર. છતાંય તેમને મીઠાઈ ઝાપટવાનો અતિ શોખ. તેમને જીવન ગમતું હતું? બીજી કોર એમ પણ નથી લાગતું તમને કે જો આપણને જીવન ગમે તો આપણને બીજાને ગમતા જીવનના પણ પડઘા સંભળાય અને આપણી સાથે બીજાની જિંદગી પણ આપણે દયા, કાળજી, પ્રેમ અને આશાના વિવિધ રંગો થી ભરી શકીએ; બેશક ભરી જ દઈએ.  પણ ઘણીવાર આપણે બીજા તરફ, આપણા વર્તન અને વાણી થી નાના મોટા કાંકરા ફેંકતા હોઈએ છીએ. આપણા પોતાના દિલ, દિમાગ કે શરીર નો અનાદર કરીએ કે બીજાને ઇજા પહોચાડીયે તો શું આપણને જીવન ગમે છે? આપણે 100 ટકા જીવન ગમે છે તેવો ઉત્તર આપીએ તે પ્રમાણે જીવી શકીએ છીએ?
જીવવું ગમે છે કહેવામાં અને ખરા જીવન માં ઘણી વખત મોટો તફાવત હોય છે તેથી જ આજે જીવન ગમે છે શીર્ષક ને ફેરવીને પ્રશ્નાર્થે લખું છું “જીવન ગમે છે?”  ગાંધીજીએ એક વાક્ય માં તેમના જીવન ની ગૂઢ વાત કહી દીધી હતી “મારુ જીવન જ મારો સંદેશ છે”.  શું આપણે તેવું બેધડક કહી શકશું? શું આપણે એ રીતે જીવીએ છીએ કે આપણને જીવન ગમે છે?

નીચે લખેલ વાત — સત્ય ઘટના ને આધારે…….

સીની મેથ્યુઝ ના કાન માં પડઘા પડી રહ્યા હતા – મને જીવવું ગમે છે, મારે જીવવું છે, મારે જીવવું છે, મારે જીવવું છે. 6 ફૂટ ના નાના પીંજડા જેવા ઓરડામાં બધું સુમશાન હતું. રાત ના બે વાગ્યા હતા અને થાકેલા બધાજ કેદીઓ કદાચ ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા. પણ થોડા કેદીઓને કરેલા કર્મો પડછાયા ની જેમ તેમનો કેડો મુક્ત નતા. કેદખાના માં તાપમાન માત્ર 60 ડિગ્રી પર રાખવામાં આવતું. શરીર ગરમ રાખવા સીની શરીર ને સંકોરીને નાનકડી ખાટ ના  ખૂણા માં ભીંત બરોબર પડી પડી કાન બંધ કરવાની કોશિશ કરતી હતી અને તોયે પડઘા શાંત થવાની બદલે વધારે મોટા થઇ ગયા હતા. અમુક સમય પછી લાઈટ બંધ જ રાખવામાં આવતી હતી અને આમેય તેની પાસે વાંચવા માટે ચોપડી હતી નહિ. તેણે નોંધ કરી કે કોઈ વિઝિટર ને કેવું પડશે કે વાંચવા માટે ચોપડીઓ અને થોડી જરૂરિયાતની વસ્તુઓ લઇ આવે. આમેય જિંદગી કાઢવાની હતી અહીં. પણ વિઝીટર પણ ખાસ આવતા નહિ અને તેનો વર પણ જેલ માં પડ્યો હતો.
સિનીને નાની બાળકીની અપેક્ષા હતી. નાની નાની ગુડિયા માટે તેના દિલમાં પ્રેમ છલકાઈ રહ્યો હતો પણ કિસ્મત સાથ નતું આપતું. તેણે તેના પતિ વેસલી જોડે ભારત થી એક બાળકી દત્તક લેવાનો નિર્ણય લીધો હતો। દત્તક લેવા માટેની લાંબી કાર્યવાહી શરુ કરી. પણ એમ થોડી ગુડિયા હાથ માં આવે? છોકરી દત્તક લેવા માટે લાંબી કાર્યવાહી કરવી પડે કેમકે સરકાર પુરી જાંચ પડ઼તાલ, તપાસ અને છાનબીન કરે કે આ લોકો સજ્જન માણસો છે કે નહિ અને છોકરીને હેરાન તો નહિ કરે અને તેને બાલ વૈશ્યા વગેરે ધંધાઓમાં નહિ નાખે. લાંબી કાર્યવાહી કરતા કરતા અઢી વર્ષ ઉપર સમય નીકળી ગયો. તે દરમ્યાન, નશીબ જોગે વેસ્લી અને સીની ને ત્યાં એક નાની ગુડિયા નો જન્મ થયો.
ભારતમાં થી છોકરી ને દત્તક લેવાની કાર્યવાહી તો ચાલુ જ હતી. તે કાર્યવાહી બંધ કરવી કે બીજી નાની ગુડિયા ને અહીં લાવવી. કદાચ વેસ્લી અને સીની ને વિચાર આવ્યો કે એક નાની બાળકી આવશે તો તેમની દીકરીને રમવા માટે બહેનપણી મળશે અને તે તેમની દીકરીની સુવિધાનો ખ્યાલ પણ રાખી શકે. પોતાની દીકરી આવવાના હર્ષ માં તેઓ કદાચ ભૂલી ગયા કે ભારત થી દત્તક લાવનાર પણ દીકરી જેમજ આવતી હતી, કામવાળી જેમ નહિ. તેઓ તો પોતાની દીકરીનો જન્મ થયો તે પછી સરસ્વતી ને દત્તક લઇ આવ્યા અને તેનું નામ બદલી ને શીરીન પાડ્યું.
સીની અને વેસલી ની પુત્રી શીરીન કરતા એક વર્ષ મોટી હતી. શીરીન ને કોઈએ ગલીના નાકે છોડી દીધેલી અને તે પછી તે અનાથાશ્રમ માં મોટી થયી. સીની અને વેસલી ત્યાંથી તેને દત્તક લઈને ટેક્સાસ લઇ આવ્યા ત્યારે તેની ઉંમર 3 વર્ષ ની હતી. શીરીન નું વજન વધતું ન હોવાથી તેને ખાસ ફોર્મ્યુલા આપવાની ડોક્ટરે ભલામણ કરેલી. પણ સીની અને વેસલી ને તેમાં પૈસા બગાડવાનો અર્થ ન જણાયો। શીરીન ના હાડકા પણ ખોખલા હતા અને તેને ઘણી વાર ફ્રેકચર થતા હતા.  થોડા ડોક્ટરોને સવાલ થયેલો કે તેને કોઈ મારપીટ અથવા અબ્યુઝ કરતુ હશે? પણ સ્પષ્ટ ચોક્કસતાથી તેઓ તેવું કહી શકતા નથી તેવી ફાઈલ માં નોંધ કરેલી.
એક દિવસ ત્રણ વર્ષની શીરીન ને ઘરે છોડીને સીની અને વેસલી તેની મોટી દીકરીને લઇ હોટેલ માં જમવા ગયા. જમીને આવ્યા પછી શીરીન ને દૂધ પીવા આપ્યું. શીરીન એક સાથે ખુબ ખાઈ કે પી સકતી નતી અને તેણે પીવાની ના પડી. વેસલી નો પિત્તો ગયો. તે શીરીન ને પકડી ને જબરજસ્તી થી દૂધ પીવડાવવા લાગ્યો. શીરીન ને ખાંસી આવી અને છતાં વેસલી એ દૂધ પીવડાવવાનું ચાલુ રાખું અને થોડી વાર માં શીરીન નું શરીર પોચું પડવા લાગ્યું। વેસલીએ તેનો પલ્સ ચેક કર્યો અને તેને લાગ્યો કે શીરીન નો શ્વાસ બંધ થઇ ગયો છે. વેસલી શીરીન ના શબ ને લઇ ને દૂર ક્યાંક ફેંકી આવ્યો.
વેસલી અને સિનીએ પોલીસ માં ફરિયાદ નોંધાવી કે તેમની દીકરી સીની ઘર માંથી ગાયબ થઇ ગયી છે. પોલીસ ની શોધખોળ પછી શીરીન ના શબ નો પત્તો લાગ્યો અને પુરી તપાસ પછી અને સીની અને વેસલી ની સાથે સવાલ જવાબ કર્યા તેમણે તે બંને ને શીરીન ના મોત માટે જવાબદાર ગણ્યા. તે દિવસે સીની કોર્ટ માં હાજર થઇ પણ છતાંયે તેને પોતાના કાર્યની ગંભીરતા વિષે સમજણ નતી. ઉલ્ટાનું તેણે પ્રશ્ન  પૂછ્યો કે કોર્ટ ની કાર્યવાહી ક્યારે પુરી થશે કેમકે તેને કોઈની પાર્ટીમાં જવાનું હતું. પણ અંતે સીની અને વેસલી ને જેલ માં પહોંચાડવામાં આવ્યા.
ગલી ને નાકે જન્મતા, સરસ્વતી (શીરીન) ને તેના માં બાપે છોડી દીધેલી પણ આશ્રમ માં તેના મોઢા ઉપર હાસ્યની ઝલક અને પ્રેમ ની રોનક આવી, જાણે તેને નવું જીવન મળ્યું અને જાણે આ નાની ગુડિયાએ મક્કમ નીર્ધાર કર્યો “મને જીવવું છે, મને જીવવું ગમે છે”. શું તેનો હક નતો જિંદગી ઉપર, પ્રેમ, કાળજી, દયા ઉપર? તેનો હક નતો એક સામાન્ય જીવન ઉપર જેમાં તે જન્મદિવસ ઉજવે, ગણિત અને વિજ્ઞાન શીખે, કોક દિવસ કોઈના પ્રેમ માં પડે, અને લગ્ન કરે?  સરકારની કેવી કાર્યવાહી ને તેમાં શું તપાસ કરી તેઓએ શીરીન ના ભવિષ્ય માટે કે દત્તક લેવાના થોડાજ મહિનામાં તેનું જીવન બુજાય ગયું?
નાની બેબી શીરીન ના પડઘા શમતા નથી. દીવાલો, બારીઓ, જેલના સળિયા માંથી જાણે તે કહી રહી છે, મને જીવવું ગમે છે, મારે જીવવું છે.  દીકરીના નિશાસા અને તેના કાન માં ગુંજી રહેલા આક્રંદે સીની ની ઊંઘ ઝુંટવી લીધી છે. વર જેલમાં બેઠો છે અને મોટી દીકરીને કોર્ટે ઝડપી લઈને ફોસ્ટર કેર અને દત્તક લેવા માટે મૂકી છે.  બસ હવે આમ અમથી જિંદગી રહી જીવવાની. બોલ સીની, બોલ વેસલી, આમ જીવવું છે? તને જીવવું ગમે છે?

મારો શત્રુઃ એક શોધ (-જયશ્રી વિનુ મરચંટ)

એક સુંદર વાંચવા જોવો લેખ, વાંચવાનું શરુ કરશો તો અટકશો નહિ ખાત્રી સાથે કહું છું.

દાવડાનું આંગણું

(Image Publications દ્વારા ટુંક સમયમાં પ્રકાશિત થનારા પુસ્તક “મારો  શત્રુ”માંથી   શ્રીમતિ જયશ્રી વિનુ મરચંટનો આ લેખ સાભાર લેવામાં આવ્યો છે.)

મારો શત્રુઃ

આજે તો હવે “મારો શત્રુ” આર્ટીકલ મોકલવાની છેલ્લી તારીખ પણ આવી ગઈ! આજની તારીખ પૂરી થાય તે પહેલાં, સમયસર આ લેખ મોકલવા માટે, મારી પાસે છેલ્લા ચાર કલાક જ બચ્યા છે! આ વિષય તો બે-એક મહિનાથી આપેલો હતો અને એ પણ ગાઈડ લાઈન સાથે, પણ, મને હતું કે એવું કઈંક સરરિયલ-અતિવાસ્તવવાદ-ના રુપે લખું ને આ અલગ લખવાની લ્હાયમાં, છેલ્લો દિવસ પણ આવી ગયો! પણ, કઈંક અલગ અને અફલાતૂન શું લખવું, એ મને સૂઝતું જ નહોતું! હું અસંમજંસમાં હતી “સરરિયાલિઝમ” – અતિવાસ્તવવાદ- અનુસરીને આ લેખ/નિબંધ કઈ રીતે લખું? (સરરિયાલિઝમનોઅર્થઃઅતિવાસ્તવવાદ; અતિયથાર્થતાવાદ; તાર્કિકક્રમનીઅવગણનાકરી, સ્વપ્નઅનેઅવચેતનનેપ્રાધાન્યઆપીચિત્તનાકોઈકખૂણેપડેલાસંકુલભાવોનેવિલક્ષણકલ્પનરીતિમાંઅભિવ્યક્તકરવાનોઆગ્રહધરાવતોમત)

એકવાર તો થયું, કે, રાગ, દ્વેષ, ક્રોધ, મોહ અને પૂર્વગ્રહ…

View original post 1,495 more words

૧) : વાત્સલ્યની વેલી : ના , મારી જાતે ચાલીશ – ક્રિસની વાત.

વાત્સલ્યની વેલી : સહેજ અંગત વાત –
વાચક મિત્રો ; ‘વાત્સલ્યની વેલી’ એક અત્યંત રસપ્રદ અને સાંપ્રદ સમાજને સ્પર્શતા વિષયની કોલમમાં આપનું સ્વાગત છે !
બાળકોને તો સ્વર્ગમાંથી ઉતરી આવેલાં દેવદૂતો કહ્યાં છે!
હસતાં રમતાં બાળકો કેવાં વ્હાલાં લાગે !
ગમે તેવાં કાઠાં હદયને ય પિગળાવી દે ! પણ એ જ બાળક જિદ્દે ચઢે તો ?
બસ , એ જ પ્રકારની અનુભૂતિઓ બાલમંદિરના મારાં ત્રણ દાયકાના બાળકો સાથેના અનુભવો, અથવા તો બાળકો ને કારણે ઉદભવેલા પ્રંસગોનાં સંસ્મરણો વિષે લખતાં -વિચારતાં થાય છે !
પણ આખર તો જિદ્દે ચઢેલા બાળકને સમજાવી ને ગાડી પાટે ચઢાવી ગંતવ્ય સ્થાને પહોંચાડીએ અને એક પ્રકારનું ગૌરવ અનુભવીએ ; તેમ જીવનમાં આટલાં બધાં વર્ષો બાળકોની નર્સરીમાં શિક્ષક તરીકે , ડાયરેક્ટર તરીકે અને માલિક તરીકે કામ કરી નિવૃત્ત થતાં એ ગૌરવ ,સંતોષ અને હાશકારો અનુભવું છું ! પણ સૌથી વધુ તો કૃતજ્ઞતા અનુભવું છું! શા માટે અને કેમ વગેરેનાં જવાબો આગળના પ્રકરણોમાં મળશે જ! પણ શરૂઆત કરીશું આજે ક્રિસની વાતથી !
ઘણી વાર અમુક માહિતી અમે રજીસ્ટ્રેશન વખતે અત્યંત અંગત અને ખાનગી હોવા છતાં પણ બાળકને સમજવા માટે જરૂરી હોવાથી માંગીએ ; પણ ખરેખર તો એ કોન્ફીડેન્સીઅલ કહેવાય ! તેથી સીધી રીતે તેનો ઉલ્લેખ હિતાવહ ન હોવાથી , કાયદાની ઝંઝટમાં ના પડીએ એટલે જરૂરી લાગ્યું ત્યાં નામ બદલ્યાં છે.
***
૧) ના , મારી જાતે ચાલીશ – ક્રિસની વાત

એક ફેન્સી રેસ્ટોરન્ટના વેઇટિંગ એરિયામાં અમે અમારું નામ લખાવીને ઊભાં હતાં. થોડી વારમાં એક ઉંચો , પાતળો , પાણીદાર આંખો અને સ્મિતવાળો મેનેજર જેવો લાગતો પ્રભાવશાળી નવયુવાન અમારી પાસે આવ્યો અને એક સરસ રીતે સેટ કરેલા ટેબલ તરફ લઇ ગયો. અમે જરા અમારી જગ્યાએ ગોઠવાયાં એટલે એણે પછી પૂછ્યું : “Do you recognize me, l am Chris ! Remember me ? On my first day at our school you walked with me?
મને ઓળખ્યો ? હું ક્રિસ!”
“ ઓહો ? એ ક્રિસ તે તું ?” એક જ સેકન્ડ માં મને વર્ષો પહેલાંનો એ પ્રસંગ યાદ આવી ગયો! ક્રિસ
ડાહ્યો અને હોશિયાર છોકરો હતો. અમારાં ડે કેર સેન્ટરમાં ‘બિફોર અને આફ્ટર સ્કૂલ’ પ્રોગ્રામમાં આવતો ! એનાં મા બાપ , અશ્વેત હતાં. પણ અહીંના આફ્રિકન અમેરિકન કુટુંબોમાં બહુ ઓછું જોવા મળે તેવાં: ભણેલાં , પરણેલાં અને જીવનમાં આગળ વધવાનાં ઉચ્ચ ધ્યેયવાળા હતાં. એનાં મા બાપ રજીસ્ટ્રેશન કરાવવાં આવ્યાં ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે અમે ખુબ રિસર્ચ કરીને આ ડે કેર પસંદ કર્યું છે: અમારું સંતાન કાળી પ્રજા અને ધોળી પ્રજાના ભેદભાવ અને ઝગડાઓમાં આત્મવિશ્વાસ ના ગુમાવે અને એ એક સામાન્ય બાળકની જેમ ઉછરે તે અમારી મુખ્ય માંગ છે! અમારે એને એક નોર્મલ જિંદગી આપવી છે!
કેવું અસામાન્ય એક્સપેક્ટેશન ! એ લોકો સદા શબ્દોમાં કહેતાં હતાં; “ અમારાં બાળકને રિસ્પેક્ટથી , માનથી રાખજો, ચામડીનો કલર જોઈને એને ઉતારી પાડશો નહીં!”
હા, આ નેબરહૂડમાં એ વર્ષોમાં મોટા ભાગે વ્હાઇટ અને મેક્સિકન લોકો રહેતાં હતાં.
એ લોકોએ મને પેટછૂટી વાત કરી;
“ અમારી (બ્લેક )કમ્યુનિટીમાં રોલમોડલ શોધવા જઈએ તોયે મળવા મુશ્કેલ છે! કોઈ સારું ભણેલું ગણેલું હોય અને વ્યવસ્થિત ઘર લઈને રહેતું હોય અને કોઈને સારા કમ્યુનિટી એવોર્ડ મળ્યા હોય તેવાં વીરલાઓ મળવા મુશ્કેલ છે !”
આ અશ્વેત પ્રજાનો ઇતિહાસ આપણને ખબર છે; અને તેથી હિંસા, મારામારી , ગાળાગાળી અને અન્ય ન્યુસન્સ અને વ્યસન્સથી એ લોકો ઘેરાયેલાં હોય છે. “અમારાં ક્રિશને તમે પ્રેમથી રાખજો!” એમણે ભાવવિભોર થઈને કહ્યું.
પણ પહેલે જ દિવસે મુશ્કેલી ઉભી થઇ : એની પ્રાથમિક શાળા છૂટી એટલે અન્ય બાળકોને લેવાં ગયાં ત્યારે ક્રિસે સાફ સાફ શબ્દોમાં બધાંને કહી દીધું; “ હું મોટો છું , જવાબદાર છું અને આ વૅનમાં નહીં બેસું ! મને સ્કૂલેથી ડે કેર સેન્ટરનો રસ્તો ખબર છે,
મારાં પેરેન્ટ્સ સાથે ગઈ કાલે હું ચાલીને જ આવેલો ! તો આજે પણ
હું ચાલીને મારી જાત્તે આવીશ !”
“ એ શક્ય નથી !” અમે બે સ્ટાફ મેમ્બર્સ એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં; “ જો બેટા, તું બીજા બધાં છોકરાઓ સાથે ગાડીમાં બેસી જા! આપણે ડે કેર પહોંચવામાં ખાસ્સું મોડું થઇ ગયું છે” અમે એને સમજાવતા કહ્યું ; એને મનાવવા કોશિશ કરી ! પણ એ માનવ તૈયાર જ નહોતો ! ( શા માટે? જવાબ પણ આમાં છુપાયેલો જ છે, પણ એ અજ્ઞાત કારણની વાત આગળ ઉપર ક્યારેક કરીશું )
પણ પછી આગલા દિવસે એનાં માબાપ સાથેની મુલાકાત વગેરે યાદ આવ્યાં!
સામાન્ય સંજોગોમાં મા બાપને ફોન કરીને બોલાવવામાં આવે છે. મા બાપને ફોન કરવાને બદલે બીજી જવાબદાર વ્યક્તિ સાથે એ ચાલીને ડે કેર સેન્ટર આવ્યો!
અમારું સેન્ટર માત્ર બે બ્લોક દૂર હતું.
જોકે આ પહેલો અને છેલ્લો પ્રસંગ હતો : કોઈએ આવી જીદ કરી હોય એવું મને યાદ નથી !
હું અને મારા પતિ સુભાષ આ બનાવ ને યાદ કરતા કરતા ક્રિસને જોઈ રહ્યા.
એ કહે; “ તે દિવસે કાયદેસર ઘણું કરી શકાય તેમ હતું પણ તેં પ્રેમ અને સમજણથી રસ્તો કાઢ્યો…જે આજના ઝડપી યુગમાં ભુલાઈ રહ્યો છે.. ! “
“ બાળકને એમ થાય કે કોઈ મારી વાત સાંભળે છે, મને સમજે છે; એનાથી વધારે બીજું કાંઈ જોઈતું હોતું નથી ! એક વખત એને વિશ્વાસ બેસી ગયો એટલે આપોઆપ એ સામેની વ્યક્તિને માન આપવા માંડે!” મેં કહ્યું .
“તેં એવો અહોભાવ પેદા કર્યો એનું આ પરિણામ આજે જોઈ શકાય છે! “સુભાષે કહ્યું
હા,..કાયદા માણસને મદદ કરવા ઘડાયા છે,પણ તેનીયે ઉપર સમજણનો કાયદો છે,
આજે ક્રિસ એક મોટો મેનેજર બની ગયો છે! તે માટે તેના માબાપ જેટલું ગૌરવ આજે આપણે પણ અનુભવીએ છીએ !
ત્યાં તો.. ક્રિસ ડિઝર્ટ કેક લઈને અમારા ટેબલ પર આવ્યો અને એ દિવસોનાં મીઠાં સંસ્મરણો વાગોળતા એણે કહ્યું; “ મને જે પ્રેમ આપને ત્યાં મળ્યો હતો એણે મારાં બાળપણના દિવસોમાં સાચા અર્થમાં હૂંફ અને પ્રેમનું નું કામ કર્યું છે!
આ કેક આપને મારા તરફથી !”
અને વાત્સલ્યભાવની એક નાજુક કૂંપળ એક વેલ બની મને વીંટળાઈ રહી !

***
It is easier to build strong children than repair broken men!
જેલમાં correction centersમાં ગુનેગારોને સુધારવાં કરતાં નાનાં બાળકોને યોગ્ય દિશામાં વાળવાં સહેલાં છે!

5-“ જીવન મને ગમે છે.” વિજય શાહ

કેલીફોર્નીયામાં પ્રજ્ઞાબેન દાદભાવાળા દર મહીને તેમની બેઠકમાં એક વિષય આપી તેમની બેઠક્નાં સભ્યોને લખવા માટે પુરો એક મહીનો આપે છે . અને વિષયો પણ આમ સાવ સહજ લાગે તેવા પણ ૫૦૦ થી૧૫૦૦ શબ્દો લખતા વિચારો ખુટી જાય. ગુગલને ફંફોસી ફંફોસીને થાકી જવાય ,ખુદ તે વિષય ઉપર વિચારવાની તસ્દી આપે તેવું  લખવાનું અને તો જ સર્જન થયું તેમ કહેવાય,તેને લખવા માટે આખો મહીનો મળે.

આ મહીનાનો વિષય છે “ જીવન મને ગમે છે.”

આ વિષય હકારત્મક અભિગમથી જીવતા સૌને ગમશે . ઉદાહરણ તરીકે જીંદગીને નકારાત્મક ઢંગથી જોનારો દરેક વ્યક્તિ આ જીવન માં  કશું જ સારુ નહી અનુભવી શકે.

જીવન આનંદથી ભરપુર છે તેવું માનતો એક રાજા દુશ્મન પાડોશી રાજ્યોની ચાલમાં ફસાઈ ગયો. યુધ્ધ ન થાય અને શાંતિ થી જે વિખવાદ છે તે ઉકેલવાનો પ્રયત્ન કર્યો. પણ જેમની દાનત ખરાબ હોય તે તો પ્રશ્ન વધુ ગુંચવે અને અંતે હવે તો યુધ્ધ એજ કલ્યાણ નો તબક્કો આવી ગયો..

એક નકારત્મક વિચાર ધરાવતો સૈનિક ચાલુ યુધ્ધે અવ ઢવ અનુભવતો હતો..તેણે મનથી સ્વિકારી લિઢેલું કે સૈન્ય આ યુધ્ધ જીતી જ ના શકે . આપણી સૈન્ય સંખ્યા દુષમન કરતા ઓછી છે. મારી તલવાર બુઠ્ઠી છે અને આ તલવાર સાથે તો કદી જીતાય જ ના. તે તલવાર ફેંકી ને  ચાલ્યો ગયો…

આ બાજુ પેલો રાજા ઘમાસાણ યુધ્ધને લઢતો લઢતો પીછે હઠ કરી રહ્યો હતો. એક તબક્કે તેની તલવાર્  તેના હાથમાંથી પડી ગઈ પણ તે જ સમયે પેલા સૈનીકે ફેંકી દીધેલી તલ્વાર હાથમાં આવી ગઈ તે લઈને બમણા જોરથી તે લઢ્યો અને જીતી ગયો.

ખરેખર યુધ્ધો પહેલા તો મનમાં લઢાતા હોય છે.અને ત્યાંજ જીતાતા હોય છે.

પેલા રાજાએ સભામાં પેલી તલવારનાં સૈનિક્ને શિરપાવ આપીને કહ્યું તેની તલવાર થી તે જીત્યો.

તેણે માફી માંગતા કહ્યું મેં તો આ બુઠ્ઠી તલવાર થી જંગ શી રીતે જીતાય ? કહી ફેંકી દીધી હતી ત્યારે રાજાએ કહ્યું તે જ્યાં તેને ફેંકી દીધી હતી તે જગ્યાથી મેં મક્કમતાથી શત્રુઓને મારી હઠાવ્યા. તેનો ઉપકાર કે આજે મારું રાજ્ય મારી પાસે છે.

આ કથાનો સાર આમતો મન ઉપર છે

મનથી જે માનતું હોય કે તે સુખી છે તેઓને  પોતાનું જીવન ગમે છે.

જે પોતાના જીવનમાં સુખી છે તેવો ભાવ પણ ભાવે છે તેમને જીવન સુખી લાગે છે.

એક તાજુ ઉડતા શીખેલું મચ્છરનું  બચ્ચૂ તેની માને કહે “ મને ઉડતું જોઇ લોકો હરખથી તાળીઓ પાડતા હતા.

તેની મા બચ્ચાને કહેતી તેમના હાથમાં તું ના આવી જાય તેનું ધ્યાન રાખજે.

આટલી પૂર્વભુમિકા પછી મારી વાત હું કરું તો  “ જીવન મને ગમે છે.” કારણ મને જીવનને હકારાત્મક રીતે જોતા આવડે છે.

૩- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

અડધી રાતે જામતી જતી ઠંડીમાં હુંફાળા બ્લેન્કેટમાં ઢબુરાઈને હું તો બરાબરની નિંદર માણતી હતી અને એટલામાં નિંરાંતવી નિંદ્રાભરી આંખને જાણે કોઈ રૂપેરી અજવાળું સ્પર્શ્યું. બારી પર પાડેલા પેલા રેશમી પરદાની એક તરફની સહેજ ખુલ્લી રહી ગયેલી કોરમાંથી એક રૂપેરી કિરણ આવીને જાણે મારી આંખે મખમલી પીંછું ફેરવી રહ્યું હતું અને અચાનક આંખ ખુલી ગઈ.સહેજ પરદો ઉઠાવીને બારીની બહાર નજર કરી તો આભ આખું ચાંદની..ચોખ્ખા  નિરભ્ર આભમાં ચમકતો ચાંદો અને એમાંથી રેલાતી એની ચાંદની અને એ ઝળહળ ચાંદનીના પ્રકાશમાંમાં નહાતી આપણી પૃથ્વી. પછી તો કોને સૂવાનું મન થાય? આવી ઉજ્જવળ રાત તો શરદપૂનમની સ્તો.. સાવ એવું ય નહોતું. શરદપૂનમની બે રાત પહેલાનો ચાંદ આજે પણ એટલો જ નજીક અને ઉજ્જ્વળ….કેટલાક આકાશી સંકેતો આપણને કેલેન્ડરના પાના પર નજર કર્યા વગર પણ આવનાર અવસરની આગોતરી જાણ આપી જ રહે છે ને!
આ ચમકતી ચાંદની જોઈને પળવાર તો હું ય અવઢવમાં…. ક્યાં છું હું ?
એ શરદપૂનમની રાતો હતી જ્યારે આપણે સાંજથી જ ઘરથી દૂર ક્યાક ખુલ્લા આસમાનમાં આ ચાંદનીની શીતળતા માણવા નિકળી પડતા. પણ અહીં એ ક્યાં શક્ય બનવાનું? અહીં તો દૂર ક્ષિતિજમાંથી વહેતી પાછલી રાતની ઠંડી હવાએ શરદઋતુની શરૂઆતની એંધાણી આપી દીધી. સમય બદલાયા-સંજોગો અને સ્થાનક બદલાયા પણ આ પૂનમની ચાંદની તો અત્ર-તત્ર-સર્વત્ર એક સરખી. એને તો પૂર્વનું આકાશ કે પશ્ચિમનું આકાશ એક સરખું..
આમ જોવા જાવ તો શરદપૂનમની રાત એ વરસમાં આવતી હરકોઈ પૂનમ જેવી સામાન્ય રાત તો નથી જ.  જ અને માટે જ એ ચંદ્રને જોઈ ને કવિને આ પંક્તિઓ સ્ફ્રુરી હશે. કહે છે ને કે શરદપૂનમની રાત્રે ચંદ્રની ચાંદનીમાં અમૃતનો વાસ છે અને એટલે જ મને પણ આ અમી નિતરતી ચાંદની જોઈને  એ જ પંક્તિઓ યાદ આવી ગઈ .
આજ ગગનથી ચંદન ઢોળાય રે..
સહિયર મને આસોના ભણકારા થાય..
કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે…
આછા આછા ચાંદનીના ચમકારા થાય
પૃથ્વીના કોઈપણ છેડે આપણે જઈએ તો પણ આપણામાં એ કવિની કલ્પના, એ કલ્પનાથી રચાયેલી કવિતાની પંક્તિઓ આપણા મનમાં ઘર કરીને વસી ગઈ છે. આ દુનિયાના કોઈ પણ છેડે જાવ પૂનમ સરખી જ ઉગતી હશે પણ જે પૂનમને જોઈને કવિને પ્રેરણા થઈ હતી તે કવિની કલ્પના આજે મારા મનમાં પણ અહીંની પૂનમના ચંદ્રના  ઉજાસમાં અજાણતા જ જીવંત થઈ જાય છે, અનાયાસે આપણને સ્ફુરે છે. જો કવિની રચના, કવિના આ કાવ્યમય શબ્દો ન હોત તો આ ચંદ્રમાનો ઉજાસ પણ આટલો રૂપાળો ન હોત.સાદી સીધી વાતને પણ કવિની કલ્પના કેટલી સુંદર બનાવી દે છે નહી? અને આવી જ કેટલીક રચનાઓ આવીને આપણી નિંદર પર હળવા ટકોરા મારીને આપણને જાગતા. કરી દે છે.
કહેવાય છે કે શ્રી કૃષ્ણે ચીરહરણ કરતી વખતે ગોપીઓને જે રાત્રીનો સંકેત કર્યો હતો એ સર્વે રાત્રીઓ એકત્રિત થઈ અને શરદપૂનમ તરીકે પ્રસ્થાપિત થઈ. શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે રાસક્રીડાનો આનંદોત્સવ માણ્યો ત્યારથી આ શરદપૂનમ રાસપૂર્ણિમા કહેવાઈ અને માટે જ ઘેલી ગોપીઓ એમના રાસેશ્વર માટે ગાતી હશે ને કે…
શરદપૂનમની રાતડી, ચાંદની નીકળી છે ભલીભાતની,
તું ન આવે તો શ્યામ ,રાસ ન જામે શ્યામ
રાસે રમવાને વહેલો આવ…
તારા વિના શ્યામ મને એકલડું લાગે…
હવે ગોપીઓ સાથેના રાસની વાત તો સદીઓ પહેલાની વાત છે પણ આજેય મનમાં કેટલીક રચનાઓ આવીને આપણી નિંદર પર હળવા ટકોરા મારીને આપણને જાગતા કરી દે છે. આ જાગવું એટલે ઉજાગરો નહીં  હોં કે… ભાઈ ઉજાગરાનો તો ભાર વર્તાય .આ તો વાત છે જાગરણની.
જાગરણ એક અર્થ લઈને આવે છે. જાગવું એટલે જાગ્રત થવું. શરદપૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક. આસો સુદ એકમથી ક્રમશ: વૃદ્ધિ પામતો ચંદ્ર પૂર્ણિમાએ પૂર્ણતા પામે છે. સર્વત્ર અમૃત જેવી શીતળ-નિર્મળ ચાંદની રેલાય છે. પણ પૂર્ણતા એટલે શું ?  આ પૂર્ણતા આપણે ક્યારે પામી શકીએ?  આપણે પણ ક્રમશઃ ચંદ્રની કળાની જેમ ખીલતા જવાનું છે. મનના ઉજાસનો ઉઘાડ પૂર્ણતાએ પહોંચે એના માટે સતત જાગવાનું છે. મનનો પ્રમાદ છોડીને સજાગ બનવાની વાત છે. મનના તમસને દૂર હટાવીને જ્ઞાન તરફ પ્રયાણ કરવાની વાત છે. આપણી આસપાસ, આપણી ચેતનાને ગુંગળાવી નાખતા તમસના અંધકારમાંથી પર તેજ તરફ જવાની અને જ્ઞાનરૂપી અમૃત પામવાની જાગ્રતતા કેળવવાની વાત છે અને એટલે જ આપણી આસપાસ ફેલાયેલા અસમજ, અભાવ, અજ્ઞાનના પડળો આડેથી સત્ય શું છે એ જાણવાની- પામવાની વાત કહેતી આ પંક્તિ આજે પણ મને એક દિશા નક્કી કરી આપે છે. મૃત્યુ એટલે માત્ર જીવનનો જ અંત હોઈ શકે એવું માનતું જડ મન પણ મૃતપ્રાય જ છે. એવા મૃતપ્રાય મનમાં સમજની અમૃતસમ સંજીવની બનીને એને સજાગ રાખે એવું વિચારું ત્યારે મારી માએ કહેલી શરદપૂનમના અજવાળે સોયરૂપી સ્થિતિચુસ્ત મનમાં સમ્યકબુધ્ધિરૂપી દોરો પોરવવાની વાત સાર્થક લાગે છે અને માટે જ આજે પણ નાનપણમાં સાંભળેલી કેટલીય પંક્તિઓ મારામાં જીવે છે અને કોઈપણ રાત પછી આવનારા પ્રભાત માટે હું ગાઉં છું..
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા

Rajul Kaushik 

http://www.rajul54.wordpress.com

હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેનો જન્મદિવસઃ

આજે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેનો જન્મદિવસઃ વાત હાસ્યની, વાત તેમના જીવનની…
આલેખનઃ રમેશ તન્ના
ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં જન્મેલા જ્યોતિન્દ્ર દવેનો આજે જન્મ દિવસ છે. પોતાની કલમથી ગુજરાતી હાસ્યને સમૃદ્ધ કર્યું. તેમના જીવનની વિગત જોઈએ તે પહેલાં કેટલાક ચમકારા માણીએઃ
*****
આપે બાળસાહિત્યમાં કશું પ્રદાન કર્યું છે ? કોઈએ તેમને પૂછ્યું.
“હા, કર્યું છે ને.. ત્રણ બાળકો. તેમનો આ જવાબ હતો.”
******
એક વાર તેમનો મોડાસામાં કાર્યક્રમ હતો. કોઈ કારણથી તેઓ મોડા પડ્યા.
બોલવા ઊભા થયા તો કહ્યું,
મોડાસામાં વળી મોડા શા ? અને વહેલા શા ?
****
એક શાળાના કાર્યક્રમમાં એક છોકરાએ કહ્યું હું નહીં હસું. મને હસાવી બતાવો તો ખરા..
જ્યોતિન્દ્ર દવેએ ખૂબ પ્રયાસ કર્યા. પેલો ના જ હસે.
છેવટે તેમણે છેલ્લી ગુગલી નાખીઃ આ છોકરો કદી નહીં હસે, કારણ કે તેના દાંત પીળા છે.
અને એ છોકરો ખડખડાટ હસી પડ્યો.
*****
ગુજરાતીઓને મુક્તમને હસાવનાર સુરતના. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા હતા. મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમણે ગુજરાત માસિકનું સહ-સંપાદન પણ કર્યું હતું. ૧૯૩૩થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતી વિષય ભણાવ્યો હતો. કનૈયાલાલ મુનશીની વિનંતીને માન આપીને તેઓ પુનઃ મુંબઈ ગયા અને મુંબઈ સરકારમાં 1956 એટલે કે નિવૃત્તિ સુધી તેમણે ભાષાંતરકાર તરીકે ફરજ બજાવી.એ પછી તેમણે મુંબઈની જુદી જુદી કોલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેઓ માંડવી (કચ્છ)માં પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા.
તેમનાં માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં અને પુત્રી રમા, પુત્ર પ્રદીપ, અસિતના તેઓ પિતા બન્યા. (આજે અમદાવાદમાં તેમના દીકરા પ્રદીપભાઈ જ્યોતિન્દ્ર દવે એટલે કે પોતાના પિતા વિશે બોલવાના છે.)
તેમનું ઘર સુરતના આમલોરન વિસ્તારમાં આવેલું છે.
ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુક્ત હળવા નિબંધોના સર્જકો રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂરકાળ આદિનો જે વર્ગ આવ્યો તેમાં જ્યોતિન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો.
તેમની મુખ્ય રચનાઓમાં રંગતરંગ ભાગ ૧ થી ૬ (૧૯૩૨-૧૯૪૬), જ્યોતીન્દ્ર તરંગ, રેતીની રોટલી (૧૯૫૨), વડ અને ટેટા (હાસ્ય નિબંધો), અમે બધાં (નવલકથા, ૧૯૩૬), વ્યતીતને વાગોળું છું (આત્મકથા), હાસ્ય નિબંધસંગ્રહ – ૧૦, હાસ્યનવલકથા – ૧, આત્મકથા વગેરે મુખ્ય છે. વળી તેમના અવસ્તુદર્શન, અશોક પારસી હતો, મહાભારત: એક દ્રષ્ટિ, મારી વ્યાયામસાધના, સાહિત્યપરિષદ જેવા ઘણા નિબંધો પણ તેમણે આપણને આપ્યા. કાવ્યોમાં તેમણે આત્મપરિચય, એ કોણ હતી? તથા લગ્નના ઉમેદવાર જેવી નાટ્યરચનામાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો. વિષપાન (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. વડ અને ટેટા (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન માઈઝરનું રૂપાંતર છે. સામાજિક ઉત્ક્રાન્તિ (૧૯૩૦) તથા અબ્રાહમ લિંકન-જીવન અને વિચાર (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે.
૧૯૪૧માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમને ૧૯૫૦માં નર્મદ સુવર્ણ ચંદ્રક પણ મળ્યો હતો.

એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.
તેમનું ઘર સુરતના આમલિરણ વિસ્તારમાં આવેલું છે.
તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અર્પણ થાય છે.
*****
પોતાના પ્રતિનિધિ હાસ્યલેખોને સંપાદિત કરી પોતે જ પ્રગટ કરેલો સંગ્રહ ‘જ્યોતિન્દ્ર તરંગ’ (૧૯૭૬)- એ ગ્રંથોમાંના લેખો-નિબંધોમાં સાહિત્ય, કેળવણી, સામાજિક-રાજ્કીય આચારવિચાર, અંગત જીવનની રુચિ-અરુચિ, રોજિંદા જીવનની વસ્તુઓ અને ઘટનાઓ એમ માનવજીવનને સ્પર્શતી કોઈ પણ બાબત લેખકના હાસ્યનું લક્ષ બની છે. વસ્તુની અંદર રહેલી ન્યૂનતા, વિસંગતિ ને વિકૃતિ પારખવાની અપૂર્વ સૂઝ, માનવજીવન તરફ જોવાની સમભાવપૂર્ણ દ્રષ્ટિ તથા બહુશ્રુતતા-આ તત્વોના રસાયણમાંથી સર્જાયેલા એમના નિબંધો વક્રદર્શી કે છીછરા બન્યા વગર વિવિધ પ્રકારે હાસ્ય નિષ્પન્ન કરે છે. સંવાદચાતુર્ય, આડકથા, પ્રસંગો ને ટુચકાનો આશ્રય; આડંબરી ભાષાનો પ્રયોગ; વિચિત્ર પ્રકારની પરિસ્થિતિનું આયોજન; અત્યુક્તિ, અતિશયોક્તિ કે શબ્દરમતો, અલંકારો ઈત્યાદિ વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી લીલયા હાસ્યને જન્માવે છે. ‘અવસ્તુદર્શન’, ‘અશોક પારસી હતો’, ‘મહાભારત : એક દ્રષ્ટિ’, ‘મારી વ્યાયામસાધના’, ‘સાહિત્યપરિષદ’ જેવા ઘણા નિબંધો એમની ઉત્તમ હાસ્યકાર તરીકેની શક્તિના નિદર્શક છે.
*************

‘અમે બધા’ (૧૯૩૬) એ ધનસુખલાલ મહેતા સાથે રહી લખેલી હાસ્યપ્રધાન નવલકથા લેખકની હાસ્યકાર તરીકેની શક્તિનું બીજું મહત્વનું સોપાન છે.
સર્જકપરિચયના લેખોમાં જે તે સર્જકના વ્યક્તિત્વ અને સર્જનની વાત વખતોવખત હળવી બનતી શૈલીમાં આલેખી છે, તોપણ એમનાં સ્પષ્ટવક્તૃત્વ અને વિશદતાને લીધે ધ્યાન ખેંચે છે. ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’ ના ઉપક્રમે લેખકે રસશાસ્ત્ર ઉપર આપેલાં પાંચ વ્યાખ્યાનો, નાટક અને નાટયાનુભાવ વિશેના લેખો ને જ ઔચિત્ય, હાસ્યરસ ઇત્યાદિ સંદર્ભે કાવ્યચર્ચાના લેખો છે. એમાં ભારતીય કાવ્યશાસ્ત્ર વિશે એમણે કરેલાં કેટલાંક મૌલિક નિરીક્ષણો એમની પરિશીલનવૃત્તિનાં પરિચાયક છે.
*****************
જ્યોતિન્દ્ર દવે જેટલા મોટા ગજાના હાસ્યલેખક હતા તેટલા જ મોટા ગજાના વિદ્વાન પણ હતા. અનેક વિષયો પર તેમની નિપુણતા હતી. આ જ બાબત મેં આજના આપણા હાસ્યલેખક રતિલાલ બોરીસાગરમાં જોઈ છે. હાસ્યલેખકોની વિદ્વતા ઢંકાઈ જતી હોય છે તે દુઃખદ છે.
******************
આપણે બધા હાસ્યલેખકોને જયોતિન્દ્ર દવેના ગજથી માપીએ છીએ તે પણ યોગ્ય નથી. દરેક હાસ્યલેખક પોતપોતાની રીતે પ્રદાન કરતો હોય છે. જ્યોતિન્દ્ર દવે જ ગુજરાતી હાસ્ય સાહિત્યનું શિખર છે એવું વારંવાર બોલવું અને માનવું કેટલું યોગ્ય છે એ પણ વિચારવું જોઈએ. બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, તારક મહેતા અને રતિલાલ બોરીસાગરનું પ્રદાન પણ પોતાની રીતે માતબર છે જ. આ મારો વ્યક્તિગત વિચાર છે.
*****
પૈસા પાછળ પડેલા ગુજરાતીઓને હાસ્યની શેરીમાં બે-પાંચ પગલાં ચલાવનારા જ્યોતિન્દ્ર દવેને વંદન.
જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ.
****************
(આલેખનઃ રમેશ તન્ના)

પ્રેમ એક પરમ તત્વ -17-વતન ઝુરાપો- સપના વિજાપુરા

દેશ, વતન, માતૃભૂમિ, માદરે વતન જે મન ચાહે નામથી બોલાવો પણ આ બધાં ફકત શબ્દો નથી પણ હ્રદયને વલોવી ને નીકળતા ઊંહકારા છે જે વતનથી દૂર રહેતા લોકોના હ્રદયમાંથી નીકળે છે. વરસો થઈ જાય છે વતનથી દૂર રહેવાને પણ કેટલા લોકો વતનને ભૂલી શક્યાં છે?
જેમ માદરના ઊદરમાંથી વિખુટા પડી આ દુનિયામાં આવીએ છીએ પણ મા થી ક્યારેય જુદાં થઈ શકતા નથી એ રીતે વતનથીજુદાં થઈને પણ વતનને સાથે લઈને ફરીએ છીએ. એ જુનું મકાન, એ ગલી, એ શાળા. એ કૉલેજ એ ગામનો વડલો એ ગામનો પીપળો અને લીમડો..એ મહેકતા ફૂલો, અને બાવળના ઝાડ!! એક એક ગલી યાદ અને ગલીમાં આવતા પથ્થર પણ યાદ!! ઘરનાં ઓટલા અને ફળિયામાં જુનો કટાઈ ગયેલો હીંચકો અને હીંચકાનો કીચુડ કીચુડ અવા પણ યાદ!! એ ઊછળતો દરિયો હજુ મને હાથ ફેલાવી બોલાવે છે!! હા, મને ખબર છે એ મારા વગર એકલો પડી હયો છે!!
વતનથી ૧૩૦૦૦ માઈલ દૂર આવ્યાં પછી પણ વતનનું આકર્ષણ એ રીતે હ્રદયને ખેંચે છે જે રીતે લોહચુંબક લોઢાને ખેંચે છે!! આવો પ્રેમ તો માનવ માનવને પણ નહીં કરતો હોય!! આવું આકર્ષણ તો બે યુવાન હૈયામાં પણ નહીં હોય!! નિર્જીવ વસ્તુ સાથે આટલો બધો પ્રેમ? એ વતન કોઈનું ચાહે કોઈ પણ હોય!! મેં બધાનાં દિલમાં આ મહોબત જોઈ છે!! મને ભારત માટે ખાસ કરીને મારા ગામ માટે છે!! જ્યાં હું મોટી થઈ અને પછી પરણીને અમેરિકા આવી!! પણ હું મારું ગામ મારું વતન મારામાં લઈને ફરું છું!!જ્યારે પણ યાદ આવી આંખમાં ઝળઝળિયાં આવ્યાં વગર રહ્યા નહીં!! પતિ ક્યારેક મજાકમાં પણ મારા ગામને કશું કહે તો રડી પડું છું!!
વતનમાં હું બાવીસ વરસ રહી પછી અમેરિકામાં બાવીસ કરતા વધારે વરસ પણ હજુ સુધી હું અમેરિકાને મારું વતન કહી શકતી નથી!! એક ભીની ભીની યાદ મનને તરબતર કરે એ અમેરિકા નહી પણ મારું ગામ છે.હું વતન સાથેનો નાતો તોડી શકતી નથી એવો મારા ઉપર ઈલ્જામ છે જેને હું નતમસ્તકે કબુલ કરું છું. હજુ લતા મંગેશકરનું ગીત , એ વતન કે લોગો જરા આંખમેભરલો પાની,” મારી આંખમાં આંસું લાવી શકે છે.
કેવો પ્રેમ હોય છે વતનની માટી સાથે!! કોઈ પૂછે ભારત જાઉં છું શું લાવું? તો તરત કહેવાનું મન થાય થોડી માટી લાવશોપણકહી શકાતું નથી!! પણ આપણને માટી પથ્થર, ત્યાંના વૃક્ષ, ત્યાં ના પંખીત્યાનું આસમાન બધું બધું જોઈએ!! પણ ક્યાંથી લાવીએ!! એ  આસામાન, એ સિતારા, એ ચાંદ, એ સૂર, એ જમીન અહીં પણ છે. ત્યાંનુ બધું કેમ વધારે વહાલું લાગે? આ સવાલનો જવાબ કોઈ નહી આપી શકે!! એ પ્રેમ છે પરમ પ્રેમ!! જે મારા શ્વાસોશ્વાસમાં ઘોળાઈ ગયો છે!! પ્રથમ શ્વાસ સાથે આ પરમ પ્રેમ મારા શ્વાસમાં શ્વસી રહ્યો છે!! કોઈ મને એનાથી અલગ નહીં કરી શકે!! સિવાય મૃત્યુ! મોત માણસને ગમે ત્યાં આવી શકે છે. પણ એ મોત જો વતનમાં હોય અને વતનની ખાતર હોય તો બીજું શ્રેષ્ઠ મોત ક્યું હોય શકે?અને મારી કવિતાની એક પંકતિ છે.
દૂઆ કરૂ બે હાથ જોડીને ખુદા,
સપનું છે મારું મોત હો આવાસમા.(વતનમાં)
અહીં મને ગીતાબેન ભટ્ટની વતન ઝુરાપાની કવિતા યાદ આવી ગઈ!!
એ ઘર , ગલી , એ ગામ 

મા –જાણ્યું’તું  પથ્થર ના બોલે
માન્યું ‘તું રસ્તા ના ડોલે
તો આજે  કાં મધુર રવે 
મુજને બોલાવી ઇજન કરે છે ?“
આવ , આપણે નૃત્ય કરી
 બે પળ અહીં સંગે માંણી લઈએ !
અહીં જીવનની પા પા પગલી તેં પાડી’તી!
ને જીવન બારાખડી તેં અહીં માંડી’તી!
ને મંદ મધુર પવન વાસંતી અહીં ડોલ્યો’તો!
અણદીઠેલી ભોમ જવા રસ્તો ખોળ્યો’તો!”
સાત સમંદર આંખ મહીં છલકાયાં ત્યારે !
મૂક બની મુ વાચ, રાગ સુણ્યા
 મેં જયારે !
ઘર, ગલી ને ગામ,
સહ સરગમ છેડીને 
ભીંજવે અનરાધાર પથ્થર બોલીને !
સપના વિજાપુરા

દ્રષ્ટિકોણ 14 – થેરાનોસ ની છેતરપિંડી – દર્શના

નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. આપણે જુદા વિષયોને અને વિવિધ દ્રષ્ટિકોણ થી આ કોલમ અને ચેનલ ઉપર વાતો કરીએ છીએ. આજે આપણે છેતરપિંડી ઉપર વાત કરીએ.
સપના પણ કેટલા છેતરામણા હોય છે….
એમાંય કેટલા રીસામણા મનામણાં હોય છે
ખુલી ગયા પછી વેરાન જણાય છે બધું
એ બંધ આંખેજ સોહામણા હોય છે
હિના કુણાલ
આ છેતરામણી ક્યારેક પ્રેમ જેવી કૂણી લાગણીઓમાં થાય છે ને ક્યારેક પૈસા જેવી નક્કર ચીજ ના સપના જોવામાં થાય છે. આજે પ્રેમીના પ્રેમ ની છેતરામણી ની વાત નહિ પણ પૈસાના પ્રેમ અને નામના ની ઝંખના માંથી ઉભી થયેલી જબ્બર છેતરામણી ની વાત કરીએ.  ગયા અઠવાડિયે આપણે સ્તન કેન્સર વિષે વાત કરેલી. આ લિંક http://bit.ly/2Ol5YgW ઉપર તે માહિતી વાંચી શકો છો. તેમાં એક કંપની નો ઉલ્લેખ હતો જેમની ટેક્નોલોજી લોહીના ટીપા દ્વારા સ્તન કેન્સર નું નિદાન કરી શકે છે તેવો તેમનો દાવો છે. તે દાવો તેમણે ઘણા સંશોધન અને પ્રાથમિક પુરાવા સહીત કરેલ છે. પરંતુ આજે એક એવી કંપની ની વાત કરીએ જેમની પાસે કોઈ પ્રાથમિક પુરાવા ન હોવા છતાં તેમણે એવો જ દાવો કર્યો કે એક લોહીના ટીપા દ્વારા તેમની ટેક્નોલોજી દરેક રોગ નું નિદાન કરી શકે છે અને માત્ર તે દાવાને આધારે લોકોએ અબજો ડોલર્સ ગુમાવ્યા.
તમે એલિઝાબેથ હોમ્સ નું નામ સાંભળ્યું હશેજ. દસેક વર્ષ પહેલા જયારે તે ખુબ પ્રખ્યાત બની ગઈ તે વખતે તેની ઉમર હતી 19 વર્ષ। તેણે સ્ટેનફોર્ડ માં ભણવાનું મૂકીને પોતાની કંપની સ્થાપી। તેનું નામ છે થેરાનોસ। તેણે કહ્યું કે તેણે એક મશીન બનાવ્યું છે જેનું નામ છે એડિસન અને તેણે એવો દાવો કર્યો કે આ મશીન માત્ર એક ટીપા લોહીથી જાતજાત ના રોગ ના નિદાન કરી શકે છે. મારા એક મિત્ર છે જે મોટા ઇન્વેસ્ટર છે તેમને મેં કહ્યું કે આ તો ખુબજ મહત્વની શોધ છે. તેમણે કહ્યું કે એલિઝાબેથ મારી પાસે પૈસા માટે આવેલી અને મેં બધું ધ્યાન થી જોયું છે અને તેની પાસે તે નિદાન કરવા માટે નો કોઈજ પુરાવો નથી. ત્યારે મને લાગ્યું કે આ આમની પ્રોફેશનલ જેલસી એટલે કે વ્યવસાયિક ઈર્ષા ને કારણે બોલતા હશે. હું પણ એલિઝાબેથ થી અંજાઈ ગયેલી.
એલિઝાબેથ હોમ્સ તો મશહૂર થઇ રહી હતી. તેના પિતા મોટા માણસ હતા અને તેમના દ્વારા તેને માટે દ્વાર ઉઘડવા લાગ્યા અને જાતજાતના ટીવી પ્રોગ્રામ માં અને અખબાર માં તેની માહિતી આવવા લાગી. લગભગ બધાજ મોટા મોટા મેગેઝીન અને અખબારોમાં એલિઝાબેથ કવર ઉપર આવી ગઈ છે. દુનિયા માં મોટા સપના જોવાવાળાઓ ની કમી નથી. કોઈજ વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં, તેની કંપની માં પૈસા રોકાણ (ઈન્વેસ્ટ) કરવાવાળા ની કમી ન રહી. તેણે તેના પિતા દ્વારા મોટી મોટી વ્યક્તિઓનો સંપર્ક સાધ્યો અને તેમને તેની કંપની ના બોર્ડ ઉપર આવવા માટે આમંત્રણ આપ્યું. હેન્રી કિસિન્જર થેરાનોસ ના બોર્ડ ઉપર જોડાયા પછી તો જેમ્સ મેટીસ અને જયોર્જ શુલ્ઝ જેવા પ્રખ્યાત વ્યક્તિઓ જોડાયા. એલિઝાબેથની ખૂબી એ હતી કે તેણે જાણીતા વૈજ્ઞાનિકો ને બોર્ડ ઉપર આમંત્રવાની બદલે પ્રખ્યાત વ્યક્તિઓને આમંત્ર્યા। તેમના દ્વારા તેને વધુ ને વધુ ખ્યાતિ મળવા લાગી અને ખુબ મોટા પ્રમાણમાં ધનવાન વ્યક્તિઓ પૈસા રોકવા લાગ્યા. એ જમાના માં તેના વ્યક્તિગત સંપત્તિ ની વેલ્યુ 10 બિલિયન ડોલર ઉપર પહોંચી ગઈ અને તેણે વોલગ્રીન્સ સાથે ભાગીદારી નું એલાન કર્યું. વોલગ્રીનસે જાહેરાત કરી કે કોઈને હોસ્પિટલ માં શીશીઓ ભરીને લોહી નહિ આપવું પડે અને ખુબ ઓછા ભાવમાં એકાદ ટીપું લોહી લઈને આ મશીન દ્વારા મોટા ભાગના રોગ નું નિદાન થઇ શકશે.  લોકો લોહીના સેમ્પલ મોકલવા લાગ્યા. અને કંપની પરિણામ જાહેર કરવા લાગી.
ફોર્બ્સે એલિઝાબેથ ની વ્યક્તિગત સંપત્તિનું મૂલ્ય (નેટ વર્થ) 10 બિલિયન ડોલર સુધી માનેલું તેને 2016 ની સાલ માં સુધારણા કરીને તેની વેલ્યુ 0 ડોલર જાહેર કરી. રિદ્ધિ સિદ્ધિની શિરોબિંદુ બનેલી આ નાની છોકરી, જે દુનિયામાં સૌથી હોંશિયાર અને સૌથી ધનવાન મનાય ગયેલી તેણે છેક ઉપરથી છેક નીચે પછડાટ ખાધી. જે વૈજ્ઞાનિકો ને તેણે નોકરી ઉપર રાખેલા તેઓ નોકરી છોડવા લાગ્યા અને પછી અખબારોમાં સમાચાર આવવા લાગ્યા કે લોહીના ટીપાથી નિદાન કરવાનું કોઈ મશીન ચાલતુંજ નહોતું। પણ એલિઝાબેથ અને રમેશ બલવાની કરીને તેમના સાથીએ કંપની અંદર એકદમ ગુપ્તતા જાળવવાની પદ્ધતિ પાડેલી અને બહાર કોઈને કૈજ જણાવવાની મનાઈ હોવાથી આ રહસ્ય બહારજ નહોતું આવ્યું. મોટી મોટી સંખ્યામાં પૈસા નું રોકાણ કરેલ ધનવાનો બધીજ મૂડી ખોઈ બેઠા અને તેમણે સાથે મળીને કોર્ટ માં એલિઝાબેથ ની વિરુદ્ધમાં મુકદમો દાખલ કર્યો છે તેમજ જે દર્દીઓએ નિદાન માટે લોહી મોકલેલ અને તેમના સાચા ખોટા નિદાન આવેલા તેમણે પણ  સાથે મળીને કોર્ટ માં મુકદમો દાખલ કર્યો છે.
જોન કેરિયું નામના લેખકે એલિઝાબેથ હોમ્સ ઉપર પુસ્તક લખેલ છે તેમના મત પ્રમાણે એલિઝાબેથ સોસિઓપેથિક વિકૃત વ્યક્તિત્વ ધરાવે છે. તેની પાસે કોઈ તેવું મશીન ન હોવાનું તે જાણતી હોવા છતાં તેણે આટલા મોટા મોટા વિધવાનો અને મોટા મોટા ધનવાનો સાથે ખુબજ મોટી છેતરપિંડી કરી. FBI એ ફેડરલ ફોજદારી આરોપો તેની ઉપર મુક્યા છે અને જજે તેને કોઈ પણ લોહી દ્વારા નિદાન કરતી લેબોરેટોરી માં કામ કરવા ઉપર અમુક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે.  
Related imageતો આટલા મોટા સ્તરે બધા સાથે બનાવટ કરવા માટે હવે બધાજ આ યુવતી ને બદનામ કરે છે. પણ એક જમાનો હતો ત્યારે કોઈજ તેના વિષે કઈ સાંભળવા જ તૈયાર નહોતા. મારા મિત્ર જેવા કેટલાક મોટા વૈજ્ઞાનિકો અને જાણકારોએ સવાલ ઉઠાવેલા કે કોઈ કંપની આટલા બધા મૂડીદારો પાસેથી પૈસા ઉઘરાવે તો નિયમ પ્રમાણે તેણે તેના કામના થોડા પુરાવાઓ, વૈજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન વિશેના પેપર્સ વગેરે પબ્લિશ કરવા જોઈએ. પણ કોઈજ તેમનું સાંભળવા તૈયાર નહોતા. હું પણ આ સૌથી નાની, અતિ સુંદર નવજુવાન યુવતી થી અંજાઈ ગયેલી. કહેવત છે કે ચોપડીના  મુખપૃષ્ટ ઉપરથી ચોપડી કેવી હશે તેનો નિર્ણય નહિ લો. પરંતુ આપણે કેટલી વાર કોઈના ચહેરા ઉપરથી તેનો નિર્ણય લઈએ છીએ. કોઈ વ્યક્તિ સુંદર દેખાય તો તેના વિષે સારું અનુમાન કરી લઈએ છીએ અને કોઈ વ્યક્તિ કદરૂપું લાગે તો તેનામાં આપણે બીજી ઘણી રીતે ઓછપ જોઈએ છીએ. ઘણીવાર કોઈની સંપત્તિ, રૂપ, કોલજની ડિગ્રી, ઊંચા હોદ્દા વગેરે થી શા માટે આપણે એટલા અંજાય જઈએ છીએ કે પછી સત્ય આપણી સામે બાંગ પોકારીને ઉભું રયે છતાંય તે સત્ય ને સ્વીકારવામાં આપણને સમય લાગે છે. વિચારવા જેવી વસ્તુ છે.

4 – જીવન મને ગમે છે : પ્રજ્ઞા દાદભાવાળા

વાત જીવવાની છે. આ જીવવું એટલે શું? શું જન્મ અને મૃત્યુની વચ્ચેનો માત્ર શબ્દ છે જીવન? જીવન ગમે છે એટલે જીવનને પૂર્ણ રીતે જીવવાની વાત છે. જીવન જીવતા આવડવાની આ વાત છે.

હું જીવું છું માટે મને જીવન ગમે છે કે મને જીવન ગમે છે માટે જીવું છું? પણ, મૃત્યુ છે માટે મને જીવન ગમે છે. જીવન નામની વહેતી ક્ષણો છે માટે મને જીવન ગમે છે. આ એક એક ક્ષણમાં આનંદ છે. એ ગમે છે મતલબ કે આવા ઉત્સવના માંડવા નીચે જાતને ઊજવવાનો અવસર. આપણામાં પ્રગટેલો ઉત્સાહ જીવનને ગમાડે છે.

ઘણીવાર મને થાય છે કે જીવન મારી માણસપણાની આઇડેન્ટિટી છે. શ્વાસ મારાં જીવનમાં સ્કેચપેનથી રંગો પૂરે છે. કેનવાસ વગર તેમાં રંગો પુરાય છે. લાંબી પ્રતીક્ષા પછી ન જોયલો રંગો અને દૃશ્યો મારી જીવવાની ઉત્સુકતા વધારે છે. વર્તમાનનાં સાનિધ્યમાં ભવિષ્યના રંગો મારામાં તત્પરતા દાખવે છે. પોતાનામાં મસ્ત રહેવાં મારું હૃદય અને મન મને સાથ આપે છે અને પળેપળ હું જીવી રહી છું તેની સાબિતી આપે છે. મારી આંખો અદ્શ્ય ગતિવિધિને માંડતી રહે છે. નથી આવી અને નથી આવવાની એવી પળોની હું રાહ જોઉં છું. ક્યારેક મારી આંખો સપનાં જોયા વગર જ થાકી જાય છે. ક્યારેક કઠોર ટીકા અને નિંદા મને ગુંગળાવે છે. લોભ, પ્રસંશા અને ખુશામત, ઈર્ષા, ભાગદોડ, હરીફાઈ ચારે બાજુથી ઘેરી વળે છે અને મન નિરાશાની ગર્તા માં ડૂબી જાય છે. કળ વળે છે પછી આ બધાની વચ્ચે મન જીવતાં શીખે છે.

મારી આંખો સરોવરના તરંગો ઉકેલવાં માંડે છે. હવે મને પાનખરના સ્વાદની ખબર પડી ગઈ છે. હવે દરિયાનાં મોજાંના સળ ઉકેલવાનો થાક મને નથી લાગતો. હું કિનારાની જેમ ફરિયાદ નથી કરતી…. કારણ કે સુખ-દુઃખ અનુભવીએ તો જ જીવવાની મજા છે. હવે તો હું જીવનને છાતી ફાડીને ચાહું છું. હું માણું છું; એની સભાનતા વિના સહજ માણું છું, માલિકીની ભાવના વિના માણું છું. આ સૌંદર્ય ભરી જિંદગીમાં મારે ધૃતરાષ્ટ્રનો વારસો ભોગવવો નથી એ નક્કી છે. હું ક્યાંય ખૂટતું હોય, ક્યાંક કશું તૂટ્યું હોય તો પણ જીવનને માણું છું. આ રૂટિન વચ્ચે પણ મન ફરી સળવળે છે. હા, હવે હું ફરી આંખોમાં ભોળો અચંબો પરોવી જીવું છું અને જીવનમાં ફરી એક એક પળ ફૂલોની જેમ ઊગે છે. હું સુગંધને રોજ ઊગતા સૂર્ય સાથે માણું છું. જીવન જાણે શાશ્વત છે તેવો અહેસાસ ફરી અનુભવું છું.

વાત મનનાં એકાંતમાં ગૂંજવાની છે. સહજ થઈને રજેરજ માણવાની વાત છે. મન ભરાઈ આવે ત્યારે આંખ ભીની થાય છે. બે આંખો છલકે છે ત્યારે ટપકતાં આંસુ અમાપ હોય છે. આંસુની કોઈ ગણતરી હોતી નથી. ઝાકળની જેમ આંસુનું પણ અલ્પ જીવન છે એની મને ખબર પડી ગઈ છે. મારી પાસે શું નથી? હું આ કુદરતનાં સૌંદર્યને માણી શકું છું? ફૂલ પતંગિયાં આખો દિવસ કે રોજરોજ જોયા પછી પણ ગમે છે? આજે પણ ઝરણાંનો કલનાદ મને સ્પર્શે છે. શાશ્વત અને અંનત કુદરતને માણવું મને ગમે છે. હું કૂકડાની ભાષા સમજુ છું. મારા કાન સરવા-નરવા રહે છતાં કોયલનો ટહુકો આ દોડધામભરી જિંદગીમાં સંભળાય છે. ઘાસનો શ્વાસ સંભળાતાં હું જીવું છું તેની ખાતરી થાય છે.

પછી હું અભાવ વિના જીવું છું તેથી મારો ખોબો ભરેલો છે. વિચારોમાં, વર્તનમાં માણસપણું ઉમેરાય છે. અભાવ હોય તો પણ ઈશ્વરનું નિમિત્ત બનવામાં મજા છે. બધું જ આપણું ધારેલું થવું જોઇએ એ જરૂરી નથી. ઘણીવાર શહેરમાં વીજળી ચાલી જાય છે છતાં પણ દરરોજ ઊગતા સૂર્ય સાથે મારું જીવન પ્રકાશમય થઈ જાય છે. મારાં જીવનમાં બુલબુલ, મેના, પોપટ, મોર, કબૂતર, રેડિયો કે ટીવી વિના ચ્હકે છે. વૃક્ષ પાંદડાને ફૂલોને શહેર બંધ પડવાથી ફર્ક પડતો નથી. એ બધાં ખુશીની લ્હાણી કોઈપણ સ્વાર્થ કે અપેક્ષા વિના કરે છે ને માણે છે. જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં હું સૌંદર્ય જોઉં છું અને એ સૌંદર્યને મોકળા મને માણું છું. કેવળ વર્તમાંનમાં જીવું છું માટે માણું છું. કશા પુર્વગ્રહ કે પ્રતિભાવ વગર જીવવું મને ગમે છે. નદીની જેમ સ્વાભાવિક જીવીએ તો અવરોધો નથી રહેતા. જીવન મારી મિરાત છે. સૂક્ષ્મ સંવેદનનું સાહચર્ય છે. નિખાલસ અને સહજ બાળપણની વિસ્મય ભરી આંખે જીવનની લાગણીનું સ્મિત, સંબધની સુગંધ અને કુદરતનું સૌંદર્ય માણતાં માણતાં જીવવું મને ગમે છે.

ઘડિયાળના સેલ બદલવાથી જીવનની ઉંમરમાં ફેર નથી પડતો. મેં આ વાસ્તવિકતાને સ્વીકારી છે. અંતિમ જેવું કશું નથી. વાત જીવનમાં વહેવાની છે. .કોઈ અકળ ગતિનું મહેનતાણું ચૂકવે છે. મારું જીવન અને મારા પ્રતિભાવ ભાતું બાંધે છે. હું જીવનને સ્વીકારું છું. જીવન ઓવરટેકનું નામ નથી પણ આત્માનો મુકામ છે. જન્મવું, જીવવું અને મરી જવું ; આ ગોળ ચકરાવામાં જીવન સૈકાઓ સુધી ફર્યાં કરે છે. આ જીવન અનંત શક્યતાઓથી અને આશ્ચર્યથી ભરેલું છે. વળી, સૌંદર્ય, આનંદ અને ઉલ્લાસથી તે સભર છે. જીવનની દરેક પળ મૂલ્યવાન છે. હું દરરોજ ઊગું છું, ખીલું છું. પણ મને ખબર છે એક દિવસ ખરવું પણ પડશે. એક દિવસ મોત મારી ઉપર ચઢી આવશે. એ આંખમાં કળતર બનીને તો ક્યારેક નાકમાં ગળતર બનીને મારા શ્વાસને ચૂંથ્યા કરશે. કાળ ભરખી જશે. આ જીવનમાં ત્યારે બધું સ્તબ્ધ થઇ જશે. હું જાણું છું….. માટે મને જીવન ગમે છે.

— પ્રજ્ઞા દાદભાવાળા

‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

મારાં વ્હાલાં વાચક મિત્રો,
જોતજોતામાં વરસ વીતી ગયું. ‘શબ્દના સથવારે’ વિષયનો ૫૧મો લેખ લખ્યા પછી હાલ પૂરતો હું વિરામ લઉં છું. પરંતુ હા, મારી કલમનાં શબ્દો, સાહિત્ય જગતમાં અવિરત વહેતાં રહેશે. મારી આ યાત્રાનાં આપ સૌ સાથી છો. ‘શબ્દનાં સથવારે’માં અવનવા શબ્દો થકી મારી કલમ ચોક્કસ વિકસી છે. વિસરાયેલાં અને બોલાતાં 
શબ્દોને સાહિત્ય-બાગમાંથી ચૂંટીને, તેને ઘોળીને, જેટલો રસ નિકળ્યો, મેં પીરસવા પ્રયત્ન કર્યો છે અને શબ્દોની મર્યાદામાં રહીને જરૂરી માહિતી પૂરી પાડવા કોશિશ કરી છે. ‘મા’ શબ્દથી સફરની શરૂઆત કરીને ‘રાખ’ શબ્દ સુધી પહોંચીને શબ્દનો શબ્દકોશ મુજબ અર્થ સમજાવીને, જીવનનું ચિંતન અને તેની વાસ્તવિકતા સમજાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે.
મારાં લખાણને સ્વીકારીને, બિરદાવીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મને પ્રોત્સાહન આપવા માટે હું આપ સૌની આભારી છું. આ ઉપરાંત અનેક પ્રકારનું જરૂરી સાહિત્ય વૉટ્સએપ, ફેઇસબુક, ગુગલ, કોમેન્ટસ, પ્રવચન કે પુસ્તક દ્વારા પૂરૂં પાડનાર દરેક વ્યક્તિ તેમજ જ્ઞાનની દેવી, મા સરસ્વતી અને ગુરૂ દેવતાનો હું આભાર માનુ છું. અને હા! આપ સૌ સુધી મારા વિચારો પહોંચાડવા માટે હું આ બ્લોગ અને ‘બેઠક’નાં પ્રણેતા પ્રજ્ઞા દાદભાવાળાનો, કે જેણે મને લખવા માટે પ્રેરણા, પ્રોત્સાહન અને મંચ આપ્યો છે, તેમની ખાસ આભારી છું.
હવે આવતા ગુરૂવારથી આ જ બ્લોગ પર આપણે મળીશું, પણ એક નવા વિષય સાથે.
કલ્પના રઘુ

*****************************************

વાચક મિત્રો,
શબ્દોથી બન્યો બ્લોગ અને સર્જાયું “શબ્દોનું સર્જન”, અને  પુસ્તકપરબ અને આપણી યાત્રા ને નવું સ્વરૂપ મળ્યું ‘બેઠક’ ,હા 2014માં  કલ્પનાબેન આપણી સાથે જોડાયા  બેઠકનું  સંચાલન રાજેશભાઈ સાથે સંભાળ્યું।. .વાત શબ્દોની કરીએ તો શબ્દ તો શબ્દ છે, દરેક વ્યક્તિમાં શબ્દ અભાનપણે જીવે છે. પણ જયારે તેને અર્થ મળે ત્યારે સર્જન સ્વરૂપ લે છે.એક કોલસો હોય પણ તેને અગ્નિ નો સંગ ન મળે ત્યાં સુધી નિસ્તેજ ટાઢા કોલસા જ  હોય છે પણ અગ્નિ મળતા તે ત્યાં માત્ર જ્વાળા જ નહિ પણ સર્જન પ્રજાળે છે. તેમ આપણા બ્લોગ પર કલ્પનાબેને શબ્દને  અનેક અર્થ અને સ્વરૂપે પિરસ્યાં છે. એકાવન અલગ અલગ શબ્દોને દર ગુરુવારે આપણા બ્લોગ પર મુકી  ​પોંખ્યાં છે.તમે એક એક શબ્દને માણ્યો અને વધાવ્યો,ક્યારેક ભુતકાળની યાદોમાં તો ક્યારેક ઉત્સવ બનીને શબ્દ કલ્પનાબેનની  કલમે આવ્યો, ક્યારેક વાસ્તવિકતા દેખાડી શબ્દને ગળામાં શીરાની જેમ ઉતાર્યો તો ક્યારેક તેમના શબ્દે આપણને વિચાર કરતા કર્યા, આજથી આઠ દાયકા કરતા વધુ સમય પહેલા આપણે ગુજરાતી  પુસ્તક ભણતાં હતાં તે પુસ્તક પૈકીના એક હજાર જેટલા શબ્દો આજે લુપ્ત થઈ ગયા છે. લોકોની બોલીમાંથી પણ એ શબ્દો વિસરાઈ ગયા છે. આ શબ્દો પૈકી મોટાભાગના શબ્દોનો અર્થ હાલની પેઢીને ખબર નથી.તેવા શબ્દો કલ્પનાબેને અર્થ સભર પીરસ્યા,આવી કલમ વિરામ લે તો ચાલે પણ અવિરત ચાલવી જ જોઈએ,કલ્પનાબેને ​આ લેખમાળા ​લખવાની ઈચ્છા દર્શાવી અને ભલે ‘બેઠક’ એનું પ્રેરણા નું સોત્ર બન્યો.પણ શબ્દો અંગ્રેજીનાં  ટોળામાં ખોવાયા હતા તે જાણે પાછા મળ્યા, સાથે તમે સૌએ શીખતાં ,માણતા, વાંચતા આંનદ લીધો માટે આભાર પણ આપણે કલ્પનાબેનની કલમને ચાલુ રાખતા આવતા ગુરુવારથી નવા વિષય સાથે માણશું.  તમારી આતુરતાનો અંત ન ધારેલા વિષય સાથે આવશે વાંચજો જરૂર.
બેઠકના આયોજક:પ્રજ્ઞા દાદભાવાળા