5-સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

માનસિકતા નથી બદલાઈ
બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો.
દાદીએ કંતાનનો એક કોથળો આપી નીમુને તેની પર બેસવાનું કીધું .જમવા પણ તેને બધા સાથે ન
આપ્યું અને કીધું” બેટા આપણે ત્યાં રાજસેવા છે માટે રસોડામાં અને સેવામાં ભૂલથી પણ જતી નહી.
નીમુને આજે એકલા ખૂણામાં નીચે બેસીને જમવું પડ્યું .નીમુને કેરીનું અથાણું બહુ ભાવે.માએ અથાણું
વાટકીમાં જુદું આપ્યું ને અથાણાની બરણીને ભૂલમાં પણ નઅડાય તેમ કહ્યું.દાદીએ નીમુની માને કીધું “આજે કંસાર રંધાવજે ,નીમુ મોટી અને લાયક થઈ ગઈ .” નીમુનું નામ નિર્મલા હતું.
નીમુ મુંઝાઈ ગઈ હતી. ઘરમાં અને પોતાના શરીરમાં શું થઈ રહ્યું હતું ,તે કંઈ જ તેને સમજાતુ નહોતુ .ગઈકાલ સુધી બધા પર દાદાગીરી કરતી ,દોડતી,કૂદતી,છોકરાઓ સાથે ક્રિકેટ રમતી,આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડતી,મંદિરમાં આરતીના સમયે ટેબલ પર ચડી ધંટ વગાડતી નીમુને આજે એકબાજુ ખૂણામાં બેસી જવાનું!રમવાનું નહી,કોઈને અડવાનું નહી.તેની થાળીજુદી,તેની લાકડાની પાટ પર કંતાનની ગાદીવાળી પથારી જુદી,મંદિર કે રસોડામાં જવાનું નહી.વળી નખમાંય રોગ નહી એવી નીમુની લોહી નીંગળતી હાલત ને પેટમાં દુખ્યા કરે તે વધારાનું.મા કે દાદી કંઈ સમજાવે નહી ને કહે છોકરીઓ મોટી થાય એટલે દર મહિને પિરીયડ આવે.નીમુ તો આ અસ્પૃશ્યતાનું નિવારણ કેવીરીતે લાવવું તે જ વિચાર્યા કરે!
થોડા દિવસ પછી સ્કૂલમાં ડોકટર સોનલ દેસાઈ ગાયનેકોલોજીસ્ટનું પ્રવચન હતું.તેમણે સ્કૂલના બધા છોકરા,છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે અને તે આખી પ્રક્રિયાને ગર્ભાશયના ચિત્રો સાથે સમજાવી .આ કોઈ અપવિત્ર પ્રક્રિયા નથી પરંતુ સૌથી પવિત્ર પ્રક્રિયા છે જેને કારણે સ્ત્રી મા બનવા સક્ષમ બનેછે. આ દરમ્યાન સેનેટરી નેપકીન વાપરી કેવીરીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે પણ સમજાવ્યું. નીમુ હવે બધું સમજી ગઈ હતી.તેની મા તો કહેતી પીરીયડમાં જુદા રહેવાનો રિવાજ સારો છે .તે બહાને સ્ત્રી ને ચાર દિવસ આરામ મળી જાય અને પહેલા સ્ત્રીઓ કપડાં વાપરતી એટલે રસોડામાં ન અડે તો ચોખ્ખાઈ પણ જળવાય.
સમયની સવારી આગળ વધવા લાગી.નિર્મલા એન્જનિયર થઈને અમેરિકામાં સેનઓઝે આવી ગઈ.જિન્સની શોર્ટસ પહેરીને પતિ નમન સાથે ગીલરોયની ટેકરીઓ પર હાઈકીંગ કરવા જતી હતી.રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું.દર્શન કરવા પગથિયાં ચડતી હતી અને અડધેથી પાછી ઉતરી જાયછે.નમન પૂછે છે “કેમ પાછી જાય છે ?તો કહે છે “ફરી આવીશ દર્શન કરવા હું પિરીયડમાં છું”. બધું બદલાયું,કપડાં પરથી સેનેટરી નેપકીન અને એથી ય વધીને Tampon .પીરીયડમાં સ્ત્રીઓ બધું જ કામ ઘરનું અને બહારનું કરવા લાગી પણ ભારતીય સંસ્કૃતિના દરેક ધર્મોએ ,સમાજ અને કુટુંબોએ ઠાંસીઠાંસીને ભરેલ માનસિકતા કેવીરીતે બદલાય? નિર્મલા જેવી કાબેલ છોકરીના મગજમાં પીરીયડમાં મંદિરમાં ન જવાય તે વાત કેવી રીતે ઠસાવી.માસિક શારીરિક પ્રકિયા છે તેને ધર્મ સાથે શું લેવાદેવા?આ માનસિકતા તેના મગજ મા થાેપવા માટે જવાબદાર કોણ?માતા,દાદી,કુટુંબ,સમાજ ,ધર્મ કે બધાં જ ? માસિકધર્મ શબ્દ જ ખોટો નથી લાગતો?
હજુ આજે પણ ખૂબ ભણી ગણીને દેશ કે વિદેશમાં વસેલ ભારતીય સંસ્કૃતિને વરેલ સ્ત્રીઓ,દેરાસર,મંદિર કે મસ્જિદમાં જવું,કોઈપણ પૂજાપાઠના કાર્ય જેવાકે નવચંડી કે વાસ્તુપૂજન,માતાજીની આરતી કે દીવો કરવાે -જેવા ધાર્મિક કામ પીરીયડમાં નથી કરતી.તે બંધુજ જાણે છે કે આ એક કુદરતી શારીરિક પ્રકિયા છે.શરીરના વિજ્ઞાનને સમજે છે,પણ ધર્મ સંસ્કારની ઘર કરી ગએલ માનસિકતા કેવી રીતે બદલાય????? નિર્મલાની નથી બદલાઈ ,આપની બદલાઈ છે??? પીરીયડમાં આવેલ સમયે સ્ત્રીને અશુદ્ધ સમજી તેને ધાર્મિક સ્થળો અને ધાર્મિક વિધિઓમાં વંછીત રાખવાની વાતથી જ મારી અંદરની સંવેદના ખળભળી ઊઠે છે.
જિગીષા પટેલ

9 thoughts on “5-સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

  1. ‘​માસિક’ ​ એ તો માત્ર શારીરિક અવસ્થા છે.
    માસિક એ કોઈ ધર્મ નથી કે સ્ત્રીઓએ પાળવાનો હોય. બીજું સ્ત્રી પોતે જ વિચારવું જોઈએ ,અમેરિકામાં આવ્યા પછી…પણ ​…. આવી માનસિકતામાં થી નીકળવાનો દરેક સ્ત્રીનો પોતીકો નિર્ણય હોવો જોઈએ। .
    ​આવું ન થાય ત્યારે સંવેદના ખળભળી ઉઠે તે સ્વાભાવિક છે ​

    Like

  2. હાલમાં San Francisco ની એક છોકરી, મારી મિત્ર, માયા વિશ્વકર્મા આ વિષયમાં મધ્યપ્રદેશમાં સારૂં કામ કરી રહી છે.

    Like

  3. જિગિષા,
    આજ સુધી ચર્ચાતા અને તેમ છતાં આજ સુધી નિરાકરણ નથી આવ્યું એવા વિષયને તેં સરસ તાર્કિક રીતે રજૂ કર્યો.

    Like

  4. તમારી વાત સાચી છે. પણ સ્ત્રીને દૂર બેસવું અસ્પૃશ્ય સમજવું અને ધાર્મિક કામમાં ભાગ ના લેવો એ બધી વાતોનો તાલમેલ નથી. માસિક સ્ત્રાવ એ ઈશ્વર તરફથી સ્ત્રીઓને વરદાન છે કે એ માતા બની શકે આ ધર્મ અમેરિકન સ્ત્રીઓને કે નહિ નડતો હોય? હા જો ધર્મપુસ્તકમાં આવું કૈક લખેલું હોય તે જુદી વાત છે આવી હાલતમાં થોડો આરામ મળવો જોઈએ એ વાત સાથે હું સહમત છું કારણકે માસિક સ્ત્રાવ સમયે સ્ત્રી ખૂબ દર્દમાંથી ગુજરતી હોય છે

    Like

  5. સપનાબેન,પીરીયડના દિવસોમાં અત્યારે પણ આપણે મંદિર કે મસ્જિદ કે દેરાસર જઈએ છીએ? દીવો કરીએ છીએ?
    માતાજીનું સ્થાપન કે ઉપાશ્રયમાં જઈએ છીએ? ના તો please મને એનું તાર્કિક કારણ જણાવશો🙏.કોઈ વૈષ્ણવ ભગવાનનો પ્રસાદ બનાવી કે અડકી ન શકે પીરીયડ દરમ્યાન!

    Like

  6. તમારો લેખ- વાર્તા ગમી.હાલના સંજોગોમાં મંદિરમાં આવી સ્ત્રીઓના પ્રવેશ માટેના સળગતા પ્રશ્નની વાતને વાર્તા સ્વરૂપ આપીને સુંદર લખાણ સૌને ગમે તેવું છે. અભિનંદન જીગીષાબેન!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.