વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ?

વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ?
અમારાં ડે કેર સેન્ટરની પેરેન્ટ્સ હેન્ડબુકમાં લખ્યું છે:
માંદા બાળકને બે વસ્તુની જરૂર હોય છે- હૂંફભર્યો પ્રેમાળ હાથ અને પૌષ્ટિક ખોરાક !
અને પછી સમજાવ્યું છે કે કેવા કેવા સંજોગોમાં બાળકને ઘેર રાખવું જેથી એને હૂંફભર્યો યોગ્ય આરામ અને જોઈતું ન્યુટ્રીશન મળી શકે; અને સાજા થઈને એ ઝડપથી સ્કૂલે આવી શકે.
બાળકને તાવ હોય, ઝાડા ઉલ્ટી કે ચેપી પિન્ક આઈ જેવું કાંઈ હોય ….. વગેરે વગેરે ..
….તો બાળકને પ્રિસ્કૂલમાં લઇ આવવું નહીં.
પણ વાત તમે માનો છો એટલી સરળ નથી !
હા, આપણે ત્યાં એનાંથી કાંઈક જુદું હશે!
આપણે પણ નાનાં હતાં , માંદાય પડતાં અને ઘેર બાના હાથની રાબ, શિરો કે ખીચડી ખાઈને પછી તાજાં માંજા થઈને બીજે દિવસે વધારે ધિંગા મસ્તી કરવા નિશાળે પહોંચી જતાં!
જો કે હવે જમાનો બદલાઈ રહ્યો હશે … પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે ને ?
જુઓ , અમારાં બાલમંદિરમાં જેસિકાના કેસમાં શું બન્યું?
ત્રણ – સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી કોમળ અને પતંગિયાની જેમ કૂદતી ગાતી જેસિકા થોડા દિવસથી કજીયાળી બની ગઈ હતી. નાની નાની વાતમાં રડતી , કોઈ રમકડાંમાં પણ એને રસ નહીં, અને ખાવાનું પણ પૂરું ખાતી નહીં ! ‘
‘કદાચ એને ઝીણો તાવ આવતો હશે’ મારુ બાલ માનસશાસ્ત્રનું જ્ઞાન એમ કહેતું હતું!
શિકાગોની સખત ઠંડી માં ઘરમાં ,સ્કૂલમાં અને ગાડીમાં હીટરની કૃત્રિમ ગરમી અને રસ્તા પરની સખત ઠડી ,ગોદડાં જેવાં જેકેટ ,સ્કાર્ફ , મોજામાં ઢબૂરાઈ હોવા છતાં આ બદલાતાં ગરમી ઠન્ડી ઉષ્ણતામાન તફાવતમાં એનાં શરીરની પ્રતિકાર શક્તિ ઓછી થઇ ગઈ હશે – કદાચ તાવ આવતો હશે?
મેં એની મમ્મીને મારી શંકા જણાવી .
‘ ના રે ! એ તો જરા થાકી જતી હશે; તમે એને સ્કૂલમાં જરા વધારે સુવા દેજો!’ જેસિકાની મમ્મીએ કહ્યું . અને પછી જરા ચિંતાથી કહ્યું કે અમારાં ઘરમાં કોઈ જેસિકાને સાચવવાવાળું નથી!
‘ હું ઘેર રહીશ અને રજા પાડીશ તો મારી જોબ જતી રહેશે ! ‘ જેસિકાની મમ્મીએ કહ્યું. ‘ આમ પણ જેસિકા ખાવાની તો ચોર જ છે! ઘેર પણ એ બરાબર જમતી જ નથી !તમે તમારે એને ડે કેરમાં કોઈ જાતની ચિંતા કર્યાવીના રાખો ! ‘
જેસિકાની મમ્મીએ સહજ રીતે વાત કરી .
જોકે પ્રશ્ન તો હજુ એમને એમ જ ઉભો હતો: જેસિકા માંદી છે અને એણે ઘરે રહેવું જોઈએ એમ મારુ મન કહેતું હતું.
મને અમારાં બાળપણના દિવસો યાદ આવ્યા !
બહારગામથી કોઈ મહેમાન ઘેર આવ્યાં હોય તો અમને ભાઈ બહેનોને મઝા આવી જાય , ક્યારેક નિશાળે જવાનું મન ના થાય, “મમ્મી, મને પેટમાં દુઃખે છે,” હું કહું , પણ મમ્મી ધીમેથી પટાવીને અમને સ્કૂલે મોકલે! જો કે એ પ્રાથમિક શાળાના દિવસો હતાં!
જેસિકા ભાગ્યે જ સાડા ત્રણ વર્ષની બાળમંદિરયાણ હતી! અને એને ઝીણો તાવ હતો એવું મને છેલ્લા બે ચાર દિવસથી લાગતું હતું, જો કે થર્મોમીટરમાં ટેમ્પરેચર લગભગ નોર્મલ આવતું !
અને સિંગલ પેરેન્ટ એવી જેસિકાની મમ્મી એની નોકરી જવાના ડરથી ઘેર રહીને જેસિકાની કાળજી લેવા અસમર્થ હતી!
પ્રિય વાચક મિત્રો ! આવાં જ કોઈ અગમ્ય કારણથી તો હું આ બાલઉછેર ક્ષેત્રમાં આવી હતી! હા, એની વાત તો આગળ કરીશું ; પણ જેસિકાના કેસમાં શું બન્યું તે જણાવું .
આમ તો શિકાગોના રાજ્ય ઇલિનોઇમાં કાયદો છે કે તાવવાળા બાળકે તાવ ઉતર્યા પછી ચોવીસ કલાક બાદ ડેકેરમાં જઈ શકે, તે પહેલાં નહીં!
પણ આપણાં દેશમાં મારો ઉછેર થયો હોવાથી , જરા દયાભાવ અને લાગણી વગેરેને લીધે અને થર્મોમીટરમાં તાવ જણાતો નહોવાથી મારાંથી જેસિકાની મમ્મીને ખાસ કાંઈ કહેવાયું નહીં!
બીજે દિવસે અમારાં ડે કેર સેન્ટરમાં જેસિકાની કલાસરૂમ ટીચરે જેસિકાને કલાસમાં
આવવા દીધી . પણ કલાક પછી, બ્રેકફાસ્ટ સમયે જેસિકાને વધારે તાવ હોય તેમ લાગ્યું. અમે એનો તાવ માપ્યો અને તાવ વધારે હોવાથી ફર્સ્ટએઇડ ચાલુ કરી- ભીના પોતાં મૂકવાં શરૂ કર્યાં અને એક ટીચરે પેરામૅડિક મદદ માટે ફોન કર્યો સાથે જેસિકાની ફાઇલમાંથી ઇમરજન્સી નંબરો ડાયલ કરવાં માંડ્યા . આ એ સમયની વાત છે જયારે મોબાઈલ ફોન એટલા પ્રચલિત નહોતા ! કમનસીબે એક પણ નંબર પર કોઈનો
સંપર્ક ના થયો!પોલીસ , લાયબમ્બો- ફાયર ટ્રક -અને એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ આવી ગયાં . જેસિકાને પ્રાથમિક સારવાર આપી
ઇમરજન્સી રૂમમાં લઇ ગયાં ,સાથે અમારાં સ્ટાફમાંથી એક બહેન પણ પોતાની ગાડીમાં ગઈ અને જેસિકાની મમ્મી પણ સીધી ત્યાં પહોંચી. જેસિકા તો સાચી ટ્રીટમેન્ટ મળી એટલે
દશ જ મિનિટમાં પછી હસતી રમતી થઇ ગઈ! પણ બ્લડ રિપોર્ટમાં આવ્યું કે એને ચાર પાંચ દિવસથી વધારે તાવ ઉતારવાની દવા આપવામાં આવી હતી.. જેસિકાની મમ્મી ઉપર કોઈ કાયદેસર કેસ તો ના થયો કારણ કે એ તેની મા હતી, પણ અમારી પાસે એ ખોટું બોલીને જેસિકાને સ્કૂલે મુક્વા આવતી હતી તેનો એને અફસોસ જરૂર થયો.
એણે જે કર્યું હતું તે પોતાની નોકરી બચાવવા કરેલું.
બીજે દિવસે એ ડેકેર આવી ત્યારે એણે સાચી પેટછૂટી વાત કરી.
જો કે, ડિરેક્ટરની જવાબદારી માત્ર બાળક પૂરતી મર્યાદિત હોતી નથી. એમને માથે બીજી પણ ઘણી જવાબદારીઓ હોય છે, પેરેન્ટ્સને બાળ ઉછેર માટેની યોગ્ય માહિતી આપવી, સરકારના બાળક- મા બાપને લગતાં નવા લાભ – યોજનાઓ , નિયમોનો વગેરેથી માહિતગાર કરવાં વગેરે.
“ બહેન, નોકરી કરતાં આપણું બાળક શું વધારે મહત્વનું નથી? એટલે તો ગવર્મેન્ટ એકલ પેરેન્ટ્સને ઘણી આર્થિક સગવડો આપે છે જેથી મા સ્વંતત્ર રીતે પોતાનું સંતાન ઉછેરી શકે! આ નોકરી તો કાયમ રહેવાની જ છે! યાદ રાખીએ કે હમણાં થોડા જ સમયમાં આ બાળક બાળક ના રહેતા યુવાન બની જશે! ત્યારે જેસિકાને એનાં બાળપણની કેવી યાદો હશે? ફરીથી આ સમય પાછો નહીં આવે ! મહત્વનું શું છે તે પુખ્ત વયનાં આપણે જ નક્કી કરવાનું છે!”
ત્યારે તો એ વાત ત્યાંજ પુરી થઇ પણ અમારાં ડેકેરનું એ સૂત્ર બની ગયું :
બાળકને સુંદર બાળપણ આપવાની પ્રત્યેક મા બાપની ફરજ છે, જેથી મોટી ઉંમરે બાળપણની મધુર યાદો તેમની પાસે કાયમ રહે !
Childhood comes only once in a life time:Give children your very best !

10 thoughts on “વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ?

  1. “બાળકને સુંદર બાળપણ આપવાની પ્રત્યેક મા બાપની ફરજ છે, જેથી મોટી ઉંમરે બાળપણની મધુર યાદો તેમની પાસે કાયમ રહે !”
    ખૂબ જ સાચી અને જરૂરી સલાહ. આભાર ગીતાબહેન.

    Liked by 1 person

  2. વાહ, ગીતાબેન વાત તો સો ટચના સોના જેવી કરી ,સ્થળ પરિસ્થિતિ બધું બદલાય પણ બાળક અને માં ના સંબધો આ જ રીતે ઉછરે। . અને તમે તો વાત્સલ્ય ની વેલી ઉછેરી। .
    (ડિરેક્ટરની જવાબદારી માત્ર બાળક પૂરતી મર્યાદિત હોતી નથી.​
    પેરેન્ટ્સને બાળ ઉછેર માટેની યોગ્ય માહિતી આપવી) આ તો peronal touch કહેવાય ​

    Liked by 1 person

  3. વાત વાંચીને ધૃણા ઉપજવાના બદલે ખરેખર દુઃખ થયું. સિંગલ મોમની મજબૂરી કેવી હોય?
    આપણા સંયુક્ત કુટુંબમાં તો માતા-પિતાની સાથે સંતાનોને ઉછેરવામાં દાદા-દાદી કે નાના-નાની પણ કેટલા સહાયરૂપ બનતા હોય છે.
    અમેરિકામાં આવા સપોર્ટ નથી મળતા માટે જ તો ડે-કેરનું આગવું મહત્વ છે ને!
    પન સ્કૂલમાં આવતા બાળક માટે પણ આટલો મમતાભર્યો અભિગમ ગમ્યો.

    Liked by 1 person

  4. દાવડા સાહેબ , પ્રજ્ઞાબેન , રાજુલબેન અને અન્ય સૌનો આભાર ! પણ ડેકેર એક એવી જગ્યા છે કે જ્યાં હસતાં રમતાં બાળકો ઘણું ઘણું કહી જતાં હોય છે જો આપણે ખરેખર સમય લઈને સાંભળીએ તો ! પણ બીજી દલીલ એ પણ છે કે મુશ્કેલીઓથી બાળક ઘડાશે ! જોવાનું એ છે કે કઈ દિશામાં એણે ઘડવાનું છે?
    આપણે ત્યાં દાદા બા બાળકને જે હૂંફ આપે છે તે અહીં શક્ય નથી કારણકે બધાં જ સુધરી ગયાં છે! Everyone has their own agenda !હવે મમ્મીને પણ બાળકની આંખ લુછવા પાલવ બગાડવો પોષાતો નથી.. ડે કેરમાં કેર થાય પણ પ્રેમ તો ….!??
    શરૂઆતમાં આવા પ્રંસગોથી હું રડી પડતી … પણ એ બધી વાત આગળ ઉપર .. Thank you !

    Like

  5. સાચી વાત કરી, દાદા દાદીનો પ્રેમ મળતો નથી… પણ ઘણી માતાઓ એના અમેરીકામાં જન્મેલા બાળકો માટે સાસુસસરાની મદદ લેવાજ નથી માંગતી, એ બધી તો એમજ માને છે કે દેસી મણસો છોકરાઓને અમેરીકન પદ્ધતિ પ્રમાણે નહીં ઉછેરી શકે, અંગ્રેજી બરાબર નહીં શીખી શકે, માતૃભાષામાં બોલતા રહેશે, છોકરાઓમાં જુના સંસ્કારો ઘુસી જશે..વગેરે !! પછી છોકરાઓ પણ મોટા થયા પછી દાદાદાદીને ગણકારતા નથી, જે Bonding હોવું જોઈએ એ રહેતું નથી.

    બહુ સુંદર લેખ..

    Like

  6. ગીતાબેન, ડેકેરમાં આવતા દરેક બાળકને તેની માતા જેટલો પ્રેમ અને કાળજી લેવી તે નાની સુની વાત નથી. તમારી આ લીધેલી કાળજી ને મુશ્કેલ સંજોગોમાં આપેલ પ્રેમ બાળક ક્યારેય ભૂલતું નથી.તમે ખૂબ ઉમદા કામ કર્યું છે.

    Like

  7. ભલે આ વાત અમેરિકાની હોય પણ હવે તો કદાચ ‘દેશ’ માટે પણ પ્રસ્તુત છે ન્યુકિયર કુટુમ્બ ત્યાં હવે નવી વાત નથી.

    Like

  8. બ્લોગ માં વાંચ્યું: રે તો એ વાત ત્યાંજ પુરી થઇ પણ અમારાં ડેકેરનું એ સૂત્ર બની ગયું :
    બાળકને સુંદર બાળપણ આપવાની પ્રત્યેક મા બાપની ફરજ છે, જેથી મોટી ઉંમરે બાળપણની મધુર યાદો તેમની પાસે કાયમ રહે !
    Childhood comes only once in a life time:Give children your very best !

    મારી સમાજ પ્રમાણે ગીતાબેન તમે તમારા પોતાના અનુભવ અને સમજ ની વાત કરો છો. ડેકેર ચલાવતા હોય તેને બાળકોની જવાબદારી પુરી રીતે નિભાવવી જ પડે તે સ્વાભાવિક છે અને તમે નિભાવી તે માટે અભિનંદન. પરંતુ એક લેખક તરીકે કોઈના અનુભવ ને સમજવાની પણ જવાબદારી રહી ને? તે જોવા મળતી નથી તો હું વાચક તરીકે મારો અનુભવ દર્શાવું છું. સૌ પ્રથમ સરકાર એકલા હાથે ઉછેરી રહેલ માં કે બાપ ની મદદ કરે છે તે વાત સાચી નથી. મેં પોતે મૉટે ભાગે મારા બાળકોને એકલે હાથે ઉછેર્યા છે. મેં જ નહિ પણ અમારા સિંગલ ગ્રુપ માં 200 થી ઉપર વ્યક્તિઓ છે અને તેમાંથી ઘણાએ બાળકોને એકલે હાથે ઉછેર્યા છે. અમારા બાળકો ઉછરી રહ્યા હતા ત્યારે મારી ઘણી સહેલીઓ સાથે અમારી આ બાબત ઉપર વાતચીત થતીજ રહેતી. તેમાંના મારા ત્રણ મિત્રો જેન્ટ્સ છે અને તેઓ એ પણ એકલે હાથે બાળકોને મોટા કર્યા છે. અમને કોઈને સરકાર પાસેથી એક પૈસો પણ તે માટે મળ્યો નથી. બલ્કે એક માણસ ની કમાઈ જતી રહે અને ડિવોર્સ ના કોર્ટ ના લફડા વગેરેમાં પૈસા ખુબ જાય તેથી અમારે દરેકે ઘર વગેરે વહેંચી નાખવું પડ્યું અને રહેઠાણ બદલી ને નવા લતા માં (જ્યાં કોઈ પાડોશી સાથે સબંધ ન હોય) તેવામાં રહેવા પણ જવું પડ્યું. પૈસાની અગવડ માં જોબ ઉપર જ બધું નિર્ભર છે. એક સમયે મારે કામ ઉપર જવુજ પડે તેમ હતું। 100 લોકોને ચાર ગ્રુપ માં, બે દિવસ હું ટ્રેનિંગ આપવાની હતી. હું જો કામ ઉપર ન જાવ તો આટલા બધા લોકોને નોટિસ આપવી પડે અને બીજા પણ મુશ્કેલી હતી. તેની વધુ ડિટેઇલ માં જવાને બદલે હું માત્ર મારો પ્રોબ્લેમ કેમ સોલ્વ થયો તેની વાત કહું. મેં મારી બહેનપણી ને પૂછ્યું કે તું મારા બાળકોનું ધ્યાન રાખી શકીશ અને તેને કહ્યું કે તેનાથી કામ છોડી શકાય તેવી શક્યતા જ નતી. હું રોઈ પડી અને મેં ફોન મુક્યો. થોડીજ વાર માં મારી બહેનપણી ના વર નો ફોન આવ્યો. તે કહે કે હું બે દિવસ રજા લઇ લવ છું અને હું બાળકોનો ધ્યાન રાખીશ, તું વગર ચિંતાએ તારું કામ પતાવી આવ. તેણે મારી જિંદગીમાં કોઈ સૂત્ર કહેવાની બદલે વાત્સલ્યની વેલી વહાવી.

    આવી મુશ્કેલ સ્થિતિ માં જાણતા હોવા છતાં કે બાળક માટે શું સારું છે ક્યારેક બીમાર બાળક ને ડેકેર માં મૂકવું પડ્યું હોય કેમ કે જોબ જતો રહે તો મુશ્કેલીનો પહાડ તૂટી પડે. હું એમ નથી કહેતી કે આ કોઈ માટે સારું છે. બલ્કે બીજા બાળકોને ચેપ લાગે તે વધુ ખરાબ અને તદ્દન ખોટું છે. પરંતુ એક મા જે તેના બાળક સિવાય કોઈને વધુ પ્રેમ ન કરતી હોય તે કેવા સંજોગ માંથી પસાર થઇ રહેલી હોય કે તેને આવો નિર્ણય લેવો પડે તે વાત કહેવાની બદલે તેની ઉપર ચુકાદો આપીને ડેકેર ના સૂત્ર નું રટણ કરીએ કે Childhood comes only once in a life time:Give children your very best ! તેમાં મને વાચક તરીકે વાત્સલ્ય ની વેલી વર્તાતી નથી.

    હું જાણું છું કે મારી કોમેન્ટ પોઝિટિવ નથી. પરંતુ ગુજરાતીઓ અને ઘણા ઇન્ડિયન્સ ના જજમેન્ટલ કોમેન્ટ્સ અને વર્તન ને અમે અનુભવ્યા છે અને હું વાચક તરીકે ખોટી માહિતી (કે સરકાર પૈસા આપે) અને સાથે જજમેન્ટ જોઈને મારી કોમેન્ટ લખી રહી છું.

    Liked by 1 person

    • દર્શનાબેન ! તમે જરાયે ખોટી , નકારાત્મક વાત નથી જ કરી ! અરે , તમને હજુ એ વાતની જાણ નથી કે હું આ ક્ષેત્રમાં – બાળ સંભાળ ક્ષેત્રમાં કેવી રીતે આવી ! તો હવે જરા એ અંગત વાતો હવેના થોડા અઠવાડિયાઓ કરીશ !
      તમે કહ્યું કે સરકાર મદદ નથી કરતી – કદાચ એ પણ તમારા જેવી પરિસ્થિતિમાંથી પસાર થતી માતાઓ માટે સાચું હશે .. કારણ કે પૈસાની મદદ, ફૂડ સ્ટેમ્પ વગેરે મદદ ઉપરાંત ઘણું ઘણું એક બાળકને જોઈએ છે .. અને દરેકે પોતાના સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો પડે છે!હા , બાળક એ સમગ્ર પરિસ્થિતિને કેવી રીતે સમજણમાં ઉતારે છે તે મહત્વનું છે:
      મેં સિંગલ પેરેન્ટ્સને ગિલ્ટની લાગણી ના રહે અને ખોટા બહાના પણ ના બતાવે એટલે “ હસતું રમતું બાળક ઉછેરવાની રીત” એવું કાવ્ય બનાવ્યું હતું : વળી ટીચર્સ’ ટ્રેનિંગમાં એ ગીત શીખવાડયુંયે હતું: આ રહી તેની બે પઁક્તિ :One wise parent and an adult who care;
      Add a little luck and a happy child you get !
      Happiness is feelings; happiness means care!
      He feels much secure , when he know that you care!
      આખું કાવ્ય ફરી ક્યારેક ! દર્શનાબેન, તમારા પ્રામાણિક અભિપ્રાયો જરૂર આપતા રહેજો ! હું અહીં લખું છું એટલે હું શ્રેષ્ઠ છું એવું ના સમજશો . I do have some regret stories too !અહીંયા બાળકોના આ ક્ષેત્રમાં કામ કર્યું તેના અનુભવો માત્ર વ્યક્ત કરું છું, કોઈનીયે લાગણી દુભાવનો ઈરાદો નથી! હા, યુનોએ પણ કાયદો પસાર કર્યો છે કે બાળકોને રમવાનો અધિકાર છે( બહુ ડિટેઇલ અત્યારે યાદ નથી) અને પ્રત્યેક માબાપની ફરજ છે કે બાળકને સુંદર બાળપણ આપે ( ન આપી શકે એ સંજોગોની વાત છે) પણ મુશ્કેલ સમયમાંયે બાળક સાથે કમ્યુનિકેશનની લિઁક ચાલુ રહે તો યે બસ ! Once again , Thanks Darshnaben!

      Liked by 1 person

  9. ગીતાબેન તમારી સમજણ માટે ખુબ ખુબ આભાર. સરકાર ની ફૂડ સ્ટેમ્પ વગેરે ની મદદ લો ઇનકમ વ્યક્તિઓ માટે હોય છે, સિંગલ પેરેન્ટ્સ માટે નહિ. અને એ વાત તદ્દન સાચી છે કે સિંગલ પેરેન્ટ્સ નું સ્તર એકદમ અચાનક બદલીને લોઅર ઇનકમ કેટેગરી માં આવી જાય છે પણ બધાજ સરકાર ઉપર નિર્ભર કરે તેટલી લો ઇનકમ માં સરકતા નથી અને ન સરકવા માટે તેમની નોકરી તેમની જિંદગી માટેનું સૂત્ર બની જાય છે. બાળક ને આત્મસમાન થી ઉછેરવા માટે કોઈ પણ સંજોગ માં મોટા ભાગના સિંગલ પેરેન્ટ્સ ને નોકરી નિભાવવી જ પડે છે. અને ઘણા આપણા જેવા દેશીઓને કોઈ આજુ બાજુ ફેમિલી ન હોવાથી તે મદદ મળતી નથી. મને તમારા કાવ્ય ની પંક્તિ ખુબ જ ગમી – One wise parent and an adult who care;
    Add a little luck and a happy child you get ! ફરી તમારી સમજ અને કોમેન્ટ બદલ આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.