૪- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

થોડા દિવસ પહેલા બહુ મઝાની વાત બની. બન્યું એવું કે અમે ન્યુયોર્ક જઈ રહ્યા હતા.. લક્ઝરી કોચમાં..
સામાન્ય રીતે તો એવું જ બને કે ક્યાંય પણ જવું હોય તો આપણે સેલ્ફ-ડ્રાઈવ કરીને જ જતા હોઈએ પણ અમારા સદનસીબે અમને ભાગ્યેજ મળે એવી તક મળી. સરસ મઝાની લક્ઝરી કોચની સીટ પર ગોઠવાયા અને સમયસર કોચ ઉપડ્યો. બસમાં જરા-તરા આરામદાયી પોઝિશનમાં ગોઠવાયા ત્યાં તો પર્સમાં રહેલો સેલ ફોન રણક્યો.. થોડીવાર ફોન પર વાત તો પતી ગઈ પણ બસ પછી તો પૂછવું જ શું?
“ડગલું ભર્યું કે ના હટવું”ની જેમ એકવાર ફોન હાથમાં લીધો કે પાછો ના મુકાયના ધોરણે આપણે તો એમાં ખૂંપતા ગયા પણ અંતે ફોનની બેટરીએ લાલ લીટી આંકી દીધી અને પછી તો ક્ષણભરમાં અંધારપટ છવાઈ ગયો. હવે ? ના-છૂટકે નજરનો તાર બારીની બહાર સંધાયો અને જોયું તો.. 
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની’ની જેમ ચારેકોર ઈશ્વરના હસ્તાક્ષર સમી કુદરતની આભા…
હવે જ્યારે આપણે સેલ્ફ ડ્રાઈવ કરીને જઈએ ત્યારે મોટાભાગે આપણું ધ્યાન રસ્તા પર, ટ્રાફિક પર અને ટ્રાફિક સિગ્નલના પેલા લાલ પીળા લીલા ઝબકારે જ ચોટેલું રહે  હવે અત્યારે એની તો ચિંતા નહોતી એટલે આ શુભ ઘડીએ મળેલી મોકળાશને માણી લેવી એવું મારા મને નક્કી કર્યું ….અને મન જેવું મોકળું થયું કે વર્ષો પહેલાની કવિતાની કેટલીય જુની પંક્તિઓએ મારા મન સાથે સૂર સાધી લીધો.
“આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે”
ધીરે ધીરે ધ્યાન બધેથી સમેટાઈને બારીની બહાર ફેલાયેલી અફાટ લીલોતરી પર કેન્દ્રીત થયું અને સાચું કહું આ સફરે મને વિચારતી કરી દીધી કે આ ટેક્નૉલોજિએ આપણને શેનાથી અને કેટલા દૂર કરી દીધા છે ! ટેક્નૉલોજિ પણ મહત્વની છે એની ના નહીં પણ આપણે તો જાણે ટેક્નૉલોજિ નામના વેન્ટિલેટર પર ટકી રહ્યા હોય એવો ઘાટ ઘડાઈ રહ્યો છે. જો ટેક્નૉલોજિથી જરા દૂર થઈ જઈશું તો જાણે આપણું મન જ બધિર થઈ જશે એવો છુપો ડર ઘર કરી ગયો હોય એવું બનતું જાય છે. વર્તમાન સમયમાં ટેક્નૉલોજિએ આપણાથી દૂર દૂર રહેતા લોકોને આપણી નજીક તો લાવી દીધા છે એની ના નહી પણ સાથે આપણે આસપાસના વાતાવરણથી વિમુખ પણ બનતા ગયા છીએ. જરૂર છે વિજ્ઞાન અને વ્યહવાર વચ્ચે તાલમેલ જાળવતા રહેવાની.
હા તો એ તાલમેલ મેં પાછો સાધી લીધો અને વળી પાછી હું નિસર્ગમય બનતી ગઈ. જાગીને જરા બારી બહાર જોયું તો હજુ તો ગઈકાલે જ ધોધમાર વરસીને ઠલવાઇ ગયેલા વાદળો આજે ફરી ઠલવાવા સભર બની રહ્યા હતા.આપણે એવું કરી શકીએ છીએ ? મનથી ઠલવાઇને ફરી સભર બનીએ છીએ ? સભર એટલે અહીં સાચા અર્થમાં વૈચારિક સમૃધ્ધ.. આમ તો મનમાં અનેક વિચારોના ઢગલા ખડકાયે જતા તો હોય છે પણ પેલા જીવનજળ ભરેલા વાદળની જેમ અર્થપૂર્ણ કેટલા?
વિચારોની સાથે મન આસપાસના વિશ્વ સાથે તાદાત્મય થતું ગયું. આંખોમાં વિસ્મય અંજાતું ગયું. પ્રકૃતિએ કેટ-કેટલું ઐશ્વર્ય આપણી આસપાસ પાથરી દીધું છે અને તેમ છતાં ઘણીવાર એવુંય બને કે ચારે બાજુ રંગોની બિછાત ને મન મોબાઈલના માળવે .સહેજ ટીંગ થાય કે મન હાંફળું ફાંફળું તરત મેસેજ ચેક કરવા માંડે જાણે કોઈને મળ્યા વગર રહી ગયા. એક બાજુ આપણે કુદરતને માણવા દૂર દૂર પ્રવાસ કરીએ છીએ તો પછી અહીં જ આપણી આસપાસની દુનિયાથી શા માટે આપણે વિમુખ થઈએ છીએ?
આજે તો જાણે કુદરત પણ મને કવિતાની એ પંક્તિઓની જ યાદ અપાવતી હતી.
“ફૂલની રે ગાદી ને ફૂલના તકિયા
ફૂલના બિછાના બિછાવીએ રે… કાલ કોણે દીઠી છે.”
મારા મનમાં પણ એક ભાવજગત ઉઘડ્યું અને મેં મારી જાતને કહ્યું, “આજે જે મળ્યુ છે એ માણી લે, કાલ તો તેં પણ ક્યાં દીઠી છે?” આ કાવ્યો જ તો છે જે આપણા ભાવજગતને હળવા ટકોરે જગાડે છે.
અને બસ પછી તો બોસ્ટનથી સ્પ્રિનફિલ્ડ ,હાર્ટફોર્ડ, ન્યૂ હેવન, બ્રિજ  પોર્ટનો પ્રવાસ મન ભરીને માણ્યો. નવા નવા ગામ, નવી નવી જગ્યા, એકવિધતામાંય કેટલી વિવિધતા હતી?
પ્રકૃતિમાં ય આવી એકવિધતામાં અનેકવિધતા જોઈ. ચારેકોર ફેલાયેલી લીલીછમ જાજમતો બધે હતી પણ એમાં ય જાણે દરેક જગ્યાએ અનોખી ભાત જોવા મળી.. થોડીવાર પહેલા ઘનઘોર ઘેરાયેલા કાળા વાદળ, ઘડીક પછી વરસીને ખાલી થયેલા સ્વચ્છ ધોળા વાદળ અને ચોખ્ખા આકાશમાં દેખાતા સૂર્ય પ્રકાશથી પ્રજ્જ્વલિત રાતા વાદળોની દોડાદોડ…..
આજ સુધી શું જોયું ? શું ખોયું? એ તો જાત અનુભવે જ સમજાય એવું છે.
વળી પાછી થોડી પળો એવી આવી કે બસની ગતિ સ્થગિત થઈ ગઈ હતી. એક સાંકડી ગલીમાંથી જાયન્ટ ટ્રક કાઢવાની મથામણે આખો ટ્રાફિક અટવાઈ ગયો હતો. આપણું પણ એવું જ તો…સાંકડા થતા સંબંધોમાં આત્મિયતા પામવાની મથામણે આપણે પણ ક્યાંક અટવાઈ જઈએ છીએ ને? એ સંબંધોનું સાતત્ય શોધવાની મથામણ કરીએ ત્યારે મનમાં વર્ષો પહેલા વાંચેલી પંક્તિઓ જે આજે પણ આપણા માનસમાં ઊંડે ઊંડે ક્યાંક સચવાયેલી રહી છે એ સાવ જ અચાનક યાદ આવી જાય.
“સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી,
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી”….
આજે પ્રકૃતિ સંગ મારી જાતને જોડવી હતી.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

10 thoughts on “૪- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

 1. ખુબ સરસ। …કાવ્ય ની તાકાત તો જોવો ….કુદરતી સહજ કેવી મનમાં આવી અને ..રમણીયતા ભરી દીધી “મનમાં વર્ષો પહેલા વાંચેલી પંક્તિઓ જે આજે પણ આપણા માનસમાં ઊંડે ઊંડે ક્યાંક સચવાયેલી રહી છે એ સાવ જ અચાનક યાદ આવી જાય.”
  આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
  જંગલની કુંજકુંજ જોવી ફરી;
  ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
  અંતરની આંખડી લ્હોવી જરી
  ગમે તે કહો કવિ પોતે ત્યાં હાજર હોય કે ન હોય તેમની પંક્તિ તેમને સજીવન કરે છે.

  Liked by 1 person

 2. રાજુ,પ્રકૃતિને માણતા માણતા કવિતાની સરિતામાં મનની હોડી લઈને વહેવાની મઝા કંઈ ઓર જ છે.

  Liked by 1 person

 3. ખૂબ સુંદર રાજુલબેન,એક કવિ હૃદય જ પ્રકૃતિને માણી શકે. પત્થર હૃદયવાળા આંધળા બરાબર હોય છે.આ દ્રશ્યોને કેદ કરવા માટે મનની આંખો ખોલવી પડે! જે તમારી પાસે છે.અને અમારા જેવા વાંચનાર પાસે પણ……!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.