એ બંગલા માં પપ્પાનો માળો હતો. જેમાં છ બહેનો અને બે ભાઈ ચી ચી કરી બા અને પપ્પાના કાનમાં મધુર રસ ઘોળતાં. ત્રણ બેડરૂમ, ડ્રોઇંગરૂમ, કિચન અને ડાઇનિંગ રૂમ.એક વરંડા અને ઉપર અગાશી. બે બેડરૂમ માં વોશરુમ.આ માળો પપ્પાએ પોતાના બાળકો માટે બનાવેલો.૧૯૬૮ ની વાત છે. હું દસમા ધોરણમાં હતી. પપ્પા અમને દરેક વસ્તુની પસંદગી માટે પપ્પા અમને સાથે લઈ જાય જેમ કે ટાઈલ્સની પસંદગી, સિન્કની પસંદગી અને ઘરના રંગની પસંદગી!! દરેક તણખલાની પસંદગી માટે લઈ જાય.
અને પપ્પાનો માળો તૈયાર થયો. પીચ રંગના એ બંગલા માં પપ્પાએ પોતાનું લોહી રેડી દીધું એમ કહું તો ખોટું નથી. અમે ખૂબ ખુશ હતાં. નવું ઘર નવી નવી સુગંધ અને નવો એરિયા અને નવો નવો બગીચો. બધું પરફેકટ હતું. બંગલાની એક એક ઈંટ દિલથી મૂકી અને લોહી થી ચણવામાં આવી હતી. કહો પ્રેમ થાય કે નહી? પથ્થરોમે ભી જુબા હોતી હૈ દિલ હોતે હૈ અપને ઘરકેદરો દિવાર સજા કર દેખો. એટલે એ દરો દિવાર અમે ખૂબ દિલથી અને કાળજીથી સજાવ્યા હતા.એક એક ઈંટ માં પ્રેમ મૂકેલો. અને જેટલો પ્રેમ મૂક્યો એટલો સામે મળ્યો. વરસો વિતતા ગયાં. એ બંગલા ને ખૂબ પાળી પોષીને રાખ્યો.
પછી એ માળામાંથી એક એક કરીને પંખી ઊડવા લાગ્યાં. પપ્પાએ એ માળો જે બચ્ચાઓ માટે બાંધ્યો હતો એ બધાં બચ્ચાફૂરરરર.. થઈ ગયાં.માળો ત્યાં જ હતો. માળામાં રહેવા વાળા ના હતાં. રહી ગયાં બે બા અને પપ્પા.ધીરે ધીરે મૃત્યુ તરફ ધસી રહેલા બા પપ્પા આ બંગલાનો મોહ છોડી નહોતા શકતા. એ બંગલાને એ રીતે વળગી રહેલા જે રીતે બોગન વેલ કોઈ ફેન્સનેવળગી ગઈ હોય પછી એને ઉતારવી અઘરી છે એમજ એમને બંગલા માંથી કાઢવા મુશ્કેલ હતાં. ભાઈઓ અલગ રહેવા ગયાં. એમણે પોતાના માળા બાંધ્યા. બા પપ્પા બુઢા થઈ ગયાં અને બા તો વળી વ્હીલ ચેરમાં આવી ગયાં.પણ બન્નેને એજ બંગલા માં રહેવું હતું. ભાઈઓ કરગરતા કે તમે અમારી સાથે આવી જાઓ પણ નહીં!! અમારે તો અમારા માળામાં રહેવું છે.
એવું શું હતું એ જુના મકાનમાં!! ખંડેર બની ગયેલાં એ મકાનમાં વરસોનો પ્રેમ વસતો હતો. એ પ્રેમ ભરી ક્ષણો. એ પ્રેમભરી યાદોઅને એ માળામાં હસતી રમતી ચકલીઓ અને એ માળામાં પ્રેમથી પાંખ પ્રસારી બેઠેલાં ચકો અને ચકી.એ ગુલાબના છોડમાં તરબતર કરતી સુગંધી અને એ કટાયેલા હીંચકાના સળિયાના કીચુડ કીચુડ અવાજમાં પ્રેમ ગીત હતાં. એક એક વસ્તુ ઘરની મીઠી યાદ હતી. સાથે સાથે એક બહેનની મોતની કડવી યાદ પણ હતી. એ બહેનને છોડીને પપ્પા અને બા ક્યાં જાય? અહી કવિ બાલમુકુન્દ દવે નું આ સુંદર સોનેટ યાદ આવી ગયું!!
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટયાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,
જેમૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતોને
જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?
’ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !
બા પપ્પાને અંતે એવાં મોહતાજ(મજબૂર) થઈ ગયાં કે એમને ભાઈને ઘરે જવું પડ્યું. અને બહેનની યાદ સાથે લઈ ને એ બંગલો છોડી દીધો. પણ ના લીધી બોખી શીશી, ના લીધું ટીનનું ડબલું કે લક્સ સાબુની ગોટી કે કાણી બાલદી. બસ સાથે લઈ ગયાં દીકરીના સ્મરણો. બા ખાટલાવશ થયાં, પપ્પા હજુ પણ બા ને જુના બંગલે લઈ જવા માગતા હતાં. અને બા ગુજરી ગયાં. પપ્પાએકલા થઈ ગયાં. હું જ્યારે ભારત ગઈ પપ્પા મને કહે બેટા તું ભારત આવી જા આપણે બન્ને જુના બંગલા માં રહીશું. પણ હું એમ ના કરી શકી!! ફરી અમેરિકા આવી ગઈ. પપ્પા ભાઈને ત્યાં રહેવા ગયાં. જ્યારે એમની તબિયત ખરાબ થઈ હું ફરી મળવા ગઈ. પપ્પાને ઓલઝાઈમર થઈ ગયેલો. પપ્પા મને ઓળખી ના શક્યા. પણ પપ્પા જુના બંગલાને નહોતા ભૂલી શક્યા. પપ્પા મોતના ઘેનમાં પણ બબડતા હતાં. મને મારે ઘરે લઈ જાઓ. મારે ઘરે લઈ જાઓ. ૨૯૯ માં લઈ જાઓ!! ૨૯૯ અમારા બંગલાનો નંબર હતો.
સપનાબેન ! ઘણી લાગણીસભર વાત કહી દીધી તમે ! હમણાં જ અમદાવાદ મારી બા સાથે વાત કરી અને ત્યાં જ તમારો પ્રેમ એક પરમ તત્વ ઉપરનો લેખ વાંચ્યો … માં બાપ પોતાના સંતાનો માટે કેટલું બધું કરે છે ! બસ એટલું સંતાનોને યાદ રહે તો યે બસ!
LikeLike
વાહ …..સપના બેન ખુબ સરસ વિષય લીધો છે, ઘર સાથે નું જોડાણ ખરેખર અનોખું જ હોય છે. ઘર એટલે આત્મીયતાનો મેળો। …મમત્વનો માળો ,પ્રેમનું આકર્ષણ અને જીવન મુલ્યનું રસાયણ……
LikeLike
સપનાબેન ,ખૂબ લાગણીસભર લેખ..,ને મને યાદ આવી ગયું
બેઠી ખાટે ફરીવળી બધે મેડીઓ ઓરડામાં ,દીઠાં હેતે સ્મૃતિપડબધાં ઉકેલ્યા આપ રુડાં;
માડી ,મીઠી,સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
આપણા ઘર સાથે જોડાએલ યાદોથી આપણે ક્યારેય વિમુખ થતા નથી.
LikeLike
સપનાબેન,તમે આ લેખ લખીને રડાવી દીધાં.વાંચનારના ભૂતકાળ કબરમાંથી જીવતા કરી દીધાં!આ પ્રેમમાં કેટલી તાકાત છે? આના પરથી એ શીખવાનું કે પ્રેમનું રૂપાંતર જીજીવિષા કે લગાવ કે વાસનામાં ના થવો જોઈએ.છોડતા શીખવું જોઈએ. નહીતો માણસનું મૃત્યુ પછી, ભાવના સાથે જાય છે…બીજા જનમ માટે….ગહન વાત છે.સ્મૃતિઓને દફનાવીને આગળ વધવાની practice જરૂરી બને છે.
LikeLike
બહુ જ સરસ સંસ્મરણ . મારા જૂના ઘરની મુલાકાતની યાદ આવી ગઈ.
LikeLike