8 – જીવન મને ગમે છે – કલ્પના રઘુ

જીવવું એ તો જીવનો સ્વભાવ છે. જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે, ત્યાં સુધી જીવાત્માને જીવવું હોય છે, જીવવું પડે છે. જીવ ચાલ્યો જાય પછી ખોળિયું નિષ્પ્રાણ બની જાય છે. જીવનમાં મને ઘણું બધું ગમતું હોય છે. શું બધું ગમતું મળે છે? તો ચાલો ગમતાનો કરીએ ગુલાલ.

આજની ક્ષણે તો હું કહીશ, જીવન મને ગમે છે. અય જીન્દગી ગલે લગા લે … હા, પતિનો સાથે છે. દીકરો તેના સંસારમાં ખુશ છે. શરીર સાથ આપે છે કારણકે શ્રીજીનો સાથ છે, મને મારી જરૂર લાગે છે તો જીવવું જરૂરી બને છે. કારણકે હવે મારે મારા માટે જીવવું છે. લોકો કહે છે,

“જીન્દગીની ગાગર પર

બેઠો

સમયનો કાગડો,

દિવસ-રાતનાં

કંકર નાંખી,

ઉંમરને પી રહ્યો

ને માણસ સમજે

હું જીવી રહ્યો … !”

માત્ર ઉંમરને પીને તો કોઇ પશુ કે જીવ-જંતુ પણ જીવી લે છે. સમયને કોણ જીતી શક્યું છે? જીવનો જન્મ છે માટે મૃત્યુ નિશ્ચિત છે તો શું માત્ર જીવવું એજ જીવન છે? અલગ અલગ માપદંડથી જીવનને માપવું એજ જીવન છે? ભગવાન બધે જ છે, બધું જૂવે છે અને કર્મો પોતાનું કામ કરે છે, કુદરતનાં ચોપડે બધી નોંધ લેવાઇ જાય છે, ચક્રવૃધ્ધિ વ્યાજ સહિત એનો બદલો ચૂકવવો પડે છે ત્યારે લાગે છે જીવનમાં ઘણી વાર બંધ બાજી પણ રમી લેવી સારી કારણકે ત્રણ એક્કામાં પણ હારી જવાય છે. ક્યારેક જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે અને થાય છે, “આજ ફીર જીને કી તમન્ના હૈં”. બાળપણથી બૂઢાપા સુધી કેટ-કેટલાં બમ્પ જીવનમાં આવ્યાં અને કેટલી વખત બ્રેક મારી? ઇચ્છાએ, અનિચ્છાએ કે બીજાની ઇચ્છાએ બ્રેક ના મારી ત્યારે ઇજા પણ થઇ માટેજ ઇશ્વર આળસ અને અહમ્‍નાં બમ્પ આપીને ચેતવે છે. બાળપણ તો અન્યના સહારે વીતી ગયું. જવાનીનાં જોશમાં બમ્પની તમા ના કરી. એક પશુ બનીને જીવન જીવી ગઇ. અન્ય માટે જીવન વિતાવ્યું. જીવન ગમે છે કે નહીં તે વિચારવાની ફૂરસદ જ ક્યાં હતી? માત્ર ભાર વંઢેરવાનો. પતિના સાથમાં એક પછી એક સળીઓ ગોઠવીને માળો બનાવતી ગઇ. પરીવારની તમામ જવાબદારીઓ પૂરી કરી. સમાજનાં કંઇક સંબંધોએ સળીઓ કરી, એ સંબંધોને દૂર કર્યાં. નવા સંબંધો ઉભા થયાં. બૂઢાપા એ આવકારી. જીવનની સોનેરી સંધ્યાનાં અંતિમ રંગો નિહાળી રહી છું.

આજે પણ જીવનમાં મેઘધનુષનાં રંગો સાથે નવરસ ભરી જીન્દગીને મેં ઇજન આપ્યું છે અને એક નવોઢાનાં ભાવ સાથે આ કાવ્ય સરી પડે છે.

હું તો નવ રસની નવોઢા છું,

પ્રેમ, શાંત અને રૌદ્ર છું, કરુણ, ભક્તિ અને બિભત્સ છું,

હાસ્ય, વીર અને વાત્સલ્ય છું, આ ગુણોથી રંગીન છું,

વહેતી હોઉં તો પ્રેમ છું, અંદર હોઉં તો શાંત છું,

ક્યારેક રૌદ્ર બનું છું, હું કરુણાનો ભંડાર છું,

ભક્તિથી ભગવાનને ભીંજવું છું, બિભત્સથી વાકૅફ છું,

હાસ્યથી ખુશહાલ છું, વીરતાનું આભૂષણ પહેરુ છું,

નવ રસ નસનસમાં છે, જે રકત બનીને વિહરે છે,

મને ગર્વ છે, હું સ્ત્રી છું, આ મારૂં વજૂદ છે.

હું તો નવ રસની નવોઢા છું.

નવરંગ અને નવરસનો સમન્વય એટલે નવોઢા. પિયરથી પરાઇ થઇને પતિગૃહે પ્રવેશ … એક વહેતી નદીની કલ્પના … નવરસનાં ભંડાર સાથે સંસાર-સાગરની ખારાશમાં ભળી ગઇ. મારાંમાં રહેલાં નવરસને જાળવવા અને વહેંચવા માટે જીવનપર્યંત પ્રયત્નો કરતી રહી. મારાં અસ્તિત્વને ઓગાળીને ઘૂઘવતા સંસારસાગરમાં અફળાઇ, અથડાઇ અને મારાંમાં રહેલા ગુણોથી સાગરને સમૃધ્ધ કરતી રહી. એક કૂળદિપકનું સર્જન કર્યું. આ સંસારચક્રની સહભાગી બની. પરીવારજન માટે પ્રાર્થના કરતી જે હતું તેને વહેંચીને નિખરતી ગઇ. નવરસથી વણાયેલી હું વૃધ્ધા બની અને ભક્તિરસમાં ભીંજાતી ગઇ. સંવેદના અને કરૂણારસ મારી નસેનસમાં વહેતો … ઇશ્વરમાં એકરસ બનીને હું સમૃધ્ધ બની. અહમ્ ઓગળતો ગયો.

સમૃધ્ધિની પણ સીમા હોય છે. લીધેલું પાછું વાળવાનો સમય પાકી ગયો છે. સમાજનું ઋણ ઉતારવાનો સમય એટલે વૃધ્ધાવસ્થા. જરૂર લાગે ત્યાં અને અંદરની ઘંટડી વાગે ત્યાં વહેંચવાનું અને વહેંચાવાનું શરૂ કર્યું. દ્રષ્ટિકોણ બદલાય છે ત્યારે જીવન આપોઆપ ગમવા લાગે છે. ઇશ્વર સાથેનો સંવાદ શરૂ થયો …

“જીવન સુંદર બનાવું, તો તુજને ગમે,

ખુદ ખીલું ને ખીલાવું, તો તુજને ગમે.

દેહ માનવનો માધવકૃપાથી મળ્યો,

સ્નેહ તારો સુંવાળો સતત સાંપડ્યો,

સૌને મારા બનાવું તો તુજને ગમે.

બંધ મુઠ્ઠી વડે થાય ક્યાંથી નમન?

બંધ હ્રદયે બને ના સમર્પણ જીવન,

બન્ને ખોલીને આવું તો તુજને ગમે”.

અને મને જીવન જીવવાની ચાવી હાથ લાગી ગઇ. સ્વામી રામતીર્થનું એક ઉદાહરણ યાદ આવે છે. “એક પિંજરું હતું. જેમાં ચારે તરફ કાચ જડેલા હતાં. પિંજરાની વચોવચ એક ગુલાબનું ફૂલ હતું. પિંજરામાં એક મેનાને મુકવામાં આવી. એણે કાચમાં ફૂલનું પ્રતિબિંબ જોયું. જ્યાં પણ એની નજર જતી ત્યાં એને ફૂલ જ દેખાતું. અને જેટલી વાર એ ફૂલને પકડવા ગઇ એટલી વાર એની ચાંચ કાચ સાથે જ અથડાઇ. અંતે નિરાશ થઇ એણે કાચ તરફથી મોઢું ફેરવ્યું ત્યાં તો એને વચ્ચે પડેલું ગુલાબનું અસલ ફૂલ મળી ગયું. હે મનુષ્ય! સંસાર, એ પણ એક પિંજરું છે, “જે સુખને તું બહાર શોધે છે એ તારી અંદર જ છે”. મારાં જીવનનું સુખ સંતાયેલું છે મારી અંદર.

ભગવદ્‍ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, “પરિવર્તન હી જીવનકા નિયમ હૈ”. ૬૫ વર્ષમાં આ બુઢી આંખોએ કેટલાં પરિવર્તન જોયાં? હા, શરીર પર કરચલીઓ પડવા માંડી છે પણ તેનાં પર ઇસ્ત્રી કરી કરીને જીવન સંવારી રહી છું. જીવન કેટલું સુંદર છે. પળેપળે થતાં પરિવર્તનને સાક્ષી ભાવે માણી રહી છું. પળને માણો, પળમાં જીવો. બાકી ભૂત કે ભવિષ્યની દોર તો ઉપરવાળાના હાથમાં છે. તેણે તો સમય પણ નક્કી કરેલો છે. ક્યારે દોર ખેંચશે એ તો એજ જાણે બાકી મારી આ ક્ષણ તો શ્રીજીની સાક્ષીએ મારે નક્કી કરવી છે કારણકે એને ખબર છે મને શું ગમે છે. મારુ જીવન એ મારાં પ્રભુએ આપેલો પ્રસાદ છે. માટે “જીવન મને ગમે છે”.

This entry was posted in Uncategorized and tagged , , , by Kalpana Raghu. Bookmark the permalink.

About Kalpana Raghu

૨૦૧૧થી અમદાવાદથી અમેરીકા દિકરાનાં પરિવાર સાથે સ્થાયી થયાં છે. B.Com, LL.B.નો અભ્યાસ કરેલ છે. સંગીત, સાહિત્ય, રસોઇકળા અને આધ્યાત્મિક વિષયોનો શોખ છે. ફેમીલી કાઉન્સેલીંગનો શોખ ધરાવે છે. ૬૫ વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો રસ છે. શબ્દોનું સર્જન અને સહિયારૂ સર્જન પર કેટલીક રચનાઓ મૂકેલી છે.

2 thoughts on “8 – જીવન મને ગમે છે – કલ્પના રઘુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.